પિન કોડ - 101
પ્રકરણ-6
આશુ પટેલ
‘નસીબ જેવું કંઇ હોતું જ નથી.’ સાહિલ ઉશ્કેરાઇ ગયો.
નતાશાએ કહ્યું કે સાલું નસીબ બે ડગલાં આગળ ચાલે છે એટલે તે અકળાઈ ઉઠ્યો હતો. સાહિલ નસીબમાં કે ભગવાનમાં માનતો નહોતો. કોઈ નસીબ કે ઈશ્ર્વર શબ્દનો ઉપયોગ કરે એ સાથે જ તે એ રીતે ઉછળી પડતો હતો કે જાણે વિંછીએ તેને ડંખ માર્યો હોય. બીજી બાજુ નતાશા હંમેશાં માનતી રહી હતી કે ઈશ્વર અને નસીબ પર જ માણસનું જીવન આધાર રાખે છે. આ મુદ્દે કોલેજના સમયમાં એ બંને વચ્ચે ઘણીવાર જામી પડતી હતી. એટલે અત્યારે પણ સાહિલ આ મુદ્દે ઉશ્કેરાઈ ગયો એથી નતાશા બિલકૂલ વિચલિત ન થઈ.
‘મિસ્ટર સાહિલ સાગપરિયા, બધા તમારા જેવા મહાન નથી હોતા કે જેમને ઈશ્ર્વર અને નસીબમાં વિશ્ર્વાસ ન હોય પણ અત્યારે મારી જગ્યાએ તમે હોત તો તમે પણ નસીબમાં માનવા માંડ્યા હોત !!’ નતાશાએ કટાક્ષયુક્ત ટોનમાં કહ્યું. તેને ખબર હતી કે સાહિલનો ગુસ્સો સોડાબોટલના ઊભરા જેવો હોય છે, ઝડ્પથી શાંત પડી જાય.
સાહિલ હજી અકળાયેલો હતો. તેણે નતાશાને કહી દીધુ: ‘તેં જાતે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે, બાકી તને શું જરૂર છે આવા બધા ઉધામા કરવાની. તેં તારા પપ્પાનું ઘર ના છોડ્યું હોત તો બીએમડબ્લ્યુમાં ફરતી હોત અને એ પણ બીએમડ્બ્લ્યુના હાઇ મોડેલમાં...’
‘અને કોઇ વેપારીને પરણીને બે ત્રણ છોકરાની મમ્મી પણ બની ગઇ હોત!’ નતાશાએ સાહિલની વાત વચ્ચેથી જ કાપતાં વળતો પ્રહાર ર્ક્યો: ‘તું શું કામ આટલા ઉધામા કરે છે? તારા ભાઇનો નાનકડો પણ વ્યવસ્થિત બિઝનેસ તો છે.’
‘મારા ભાઇનો બિઝનેસ છે, મારો નહીં.’ સાહિલ કડવાશથી બોલ્યો, ‘મારે કંઇક કરી બતાવવું છે અને મને તે પોતાના આસિસ્ટન્ટ તરીકે બિઝનેસમાં જોતરવા માગે છે, એટલે તો મારે ઘર છોડવું પડ્યું.’
‘ધેર યુ આર.’ નતાશા બોલી પડી: ‘તેં જે કારણથી ઘર છોડ્યું છે એવા જ કંઇક કારણથી મેં પણ ઘર છોડ્યું કે મારે કંઇક કરી બતાવવું છે. ખરી વાત તો એ છે કે આપણા જેવા માણસો સોશિયલ માળખામાં બેસી જ ના શકે.’
‘ટૂંકમાં આપણે એન્ટિ-સોશિયલ છીએ.’ સાહિલ હસ્યો. તે હવે શાંત પડી રહ્યો હતો.
‘એ તું કે બીજા બધા જે સમજે તે. મને એન્ટિ-સોશિયલ ગણાવામાં અફસોસ નથી.’ નતાશાને મેરિયટની ઘટના યાદ આવી ગઈ હતી એટલે તેના સ્વરમાં કડવાશ ભળી ગઈ.
‘કમ ઓન યાર, આપણે તો જાણે અહીં એકબીજાની વાતો શેર કરવાને બદલે બાખડવા બેઠાં હોઈએ એવું લાગે છે.’ સાહિલે વાતાવરણ હળવું કરવા વાત બદલી. હવે તે એકદમ નોર્મલ થઈ ગયો હતો. નતાશાને સાહિલ બહુ ઝડપથી ઉશ્કેરાઈ જાય એ નહોતું ગમતું. પણ તે બહુ ઝડપથી નોર્મલ પણ બની જતો હતો. નતાશાને તેની આ લાક્ષણિકતા ગમતી હતી.
‘આ વેઇટર્સ પણ...’ નતાશાએ વારે વારે આંટો મારી જતા વેઇટરને ગાળ ચોપડાવી.
‘એમાં એનો વાંક નથી. આપણે એક પ્લેટ ઇડલી અને એક કોફી મગાવીને દોઢ કલાકથી બેઠા છીએ, તો એ બિચારો...’ સાહિલે વેઇટરનો બચાવ ર્ક્યો.
નતાશાએ પર્સમાંથી પૈસા કાઢીને બિલ ચૂકવ્યું અને બંને બહાર નીકળ્યા. નતાશાએ સો-સોની ત્રણ નોટ સાહિલ તરફ ધરી. તેની પાસે પણ હવે થોડાંક જ રૂપિયા બચ્યા હતા.
‘મારી પાસે પૈસા છે...’ સાહિલે કહ્યું.
નતાશા હસી પડી : ‘ઉધાર સમજીને રાખી લે, કમાઇને વ્યાજ સાથે પાછા આપી દેજે.’
સાહિલે વધુ કંઇ બોલ્યા વિના નોટો લઇને ખિસ્સામાં સરકાવી દીધી. તેની પાસે પૈસા હતા, પણ જૂહુ ડેપોથી બસ પકડીને વિલેપાર્લે સ્ટેશન સુધી અને બોરીવલી સ્ટેશનથી ગોરાઇ સુધી પહોંચાય એટલા જ, બસની ટિકિટ પૂરતા જ પૈસા હતા! તેની પાસે લોકલ ટ્રેનનો સેક્ધડ ક્લાસનો પાસ હતો એટલું સારું હતું.
‘બાય ધ વે, ક્યાં રહે છે તું?’ નતાશાએ અમસ્તા જ પૂછ્યું.
‘બોરીવલી પશ્ર્ચિમમાં, ગોરાઇની ગ્રીન વુડ સોસાયટીમાં, ૧૦૩, એ વિંગ. ગોરાઇ બસ ડેપો છેને? બસ બરાબર એની પાછળ.’
‘અરે, તું તો મને પોસ્ટલ એડ્રેસ આપવા બેસી ગયો!’ નતાશાએ મજાક કરી, ‘મેં તો અમસ્તા જ પૂછ્યું હતું.’
‘અને તું ક્યાં રહે છે?’ સાહિલે પૂછ્યું.
‘એક મિડલ એઇજ વિડો લેડીની સાથે પેઇંગ ગેસ્ટ તરીકે અંધેરી ઇસ્ટમાં. થોડી ખડુસ છે, પણ દિલની સારી છે. તે મને દર મહિને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. જોકે કાઢી મૂકતી નથી. મે તેને કેટલાય મહિનાથી પૈસા ચૂકવ્યા નથી.’
‘તારા પ્રેમમાં પડી ગઇ હશે!’ સાહિલથી કમેન્ટ કર્યા વિના રહેવાયું નહીં.
‘નો, નો! શી ઇઝ નોટ અ લેસ્બિયન, બટ મધર્લી ફિલિંગ્સ યુ નો.’ નતાશાએ તેની મકાનમાલકણનો બચાવ કર્યો.
‘હવે મને લાગે છે કે તું તેના પ્રેમમાં પડી ગઇ છે!’ સાહિલે કહ્યું.
‘યુ રાસ્કલ! તું સુધર્યો નહીં. પૈસાવાળા બાપનો દીકરો હોત તો શું કરતો હોત!’ નતાશાઍ મજાક કરી.
‘કદાચ પેલા કૃણાલની જેમ ગે બની ગયો હોત!’ સાહિલે ગંભીર ચહેરો કરીને તેની મજાકનો જવાબ આપ્યો.
‘બની ગયો હોત! યુ મીન... મને તો એમ કે...’ નતાશાએ સાહિલ સામે જોઇને આંખો નચાવી.
‘યુ!’ સાહિલે નતાશા સામે હાથ ઉગામ્યો પણ નતાશાએ હાથ જોડવાનું નાટક કર્યું એ સાથે બંને ઉમળકાભેર ભેટીને ખડખડાટ હસી પડ્યાં.
બંનેએ સેલ ફોન નંબર્સની આપ-લે કરી અને પછી ક્યારેક-ક્યારેક મળતા રહેવાનું નક્કી કરીને તેઓ છૂટા પડ્યા.
* * *
‘યાર આજે એક ફ્રેન્ડ ઘણા લાંબા સમય પછી મળી ગઇ.’ સાહિલ તેના ફ્રેન્ડ રાહુલને કહી રહ્યો હતો.
‘ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ?’ રાહુલ હસ્યો.
‘ફ્રેન્ડ યાર, ઓન્લી ફ્રેન્ડ. પણ બીજા બધા ફ્રેન્ડ જેવી નહીં. ખાસ ફ્રેન્ડ. એટલી સ્ટ્રેઇટ ફોરવર્ડ છોકરી છે કે ના પૂછ. બસ ખાલી પુરુષોની વાત આવે એ સાથે બબ્બે કટકે ગાળો દેવા માંડે છે!’
‘તું તો યાર લાંબુલચક વર્ણન કરવા લાગ્યો. મને તારી ફ્રેન્ડમાં રસ નથી. મારી પાસે એક ગર્લફ્રેન્ડ છે એને સાચવવી મુશ્કેલ પડે છે નહીંતર વળી કંઇક વિચારત, નવું લફરૂં કરવાનું.’ રાહુલે કંટાળાભર્યા અવાજે કહ્યું. પછી આદેશ આપતો હોય એમ તે બોલ્યો, ‘ફ્રિજમાં બિયરની બોટલ્સ મૂકી છે એ લઇ આવ, સાથે મંચિંગ-વંચિંગની કોથળીઓ પણ ખોલતો આવજે. અને મહેરબાની કરીને આપણા બંનેના સેલફોન સ્વીચ ઓફ કરી દે એટલે કોઇ મૂડની એટ્સેટ્રા-એટ્સેટ્રા ના કરે.’
* * *
‘યાર, બિયર પીવાની મજા પડી ગઇ.’ રાહુલ નશાભર્યા અવાજમાં કહી રહ્યો હતો.
‘હા યાર, જલસો પડી ગયો. બિયર પીવાથી થાક ઊતરી ગયો. થાક ઉતારવા માટે બિયર બેસ્ટ ચીઝ છે.’ સાહિલે કહ્યું.
‘હવે તારી ફ્રેન્ડની વાત કહે, હવે મૂડ બની ગયો છે. હવે જરા સાંભળવામાં મજા પડશે.’
‘કંઇ નહીં યાર. જુહુ બીચ પર આંટો મારવા ગયો હતો. ત્યાં અચાનક તેના પર ધ્યાન પડ્યું. અને સરપ્રાઇઝ આપવા મેં તેના ખભે હાથ મૂક્યો તો સાલીએ ધુલાઇ કરી નાખી અને કરાવી નાખી.’ સાહિલે આખો કિસ્સો કહ્યો અને રાહુલ ક્યાંય સુધી હસતો રહ્યો.
‘હિન્દી ફિલ્મનો સીન બની જાય એવી ઘટના છે યાર!’ સાહિલની વાત પૂરી થઇ ત્યારે રાહુલે કહ્યું.
રાહુલ વાતો કરતો કરતો સોફા પર જ ઊંઘી ગયો.
સાહિલ બધું ઠેકાણે મૂકતો હતો. ત્યાં અચાનક ડોરબેલ વાગી.
‘અત્યારે વળી કોણ હશે?’ બબડતો બબડતો તે દરવાજા તરફ ગયો. પીપ હોલમાંથી જોયા વિના જ તેણે દરવાજો ખોલ્યો અને તેણે જાણે ભૂત જોયું હોય એમ તે થીજી ગયો.
(ક્રમશ:)