નીલે ગગન કે તલે / મધુ રાય
સેક્સ અને સંગીતની ચડસાચડસી
અમેરિકન ગાયક સ્પ્રિન્ગસ્ટીન ગાય છે, કે ‘લવ’ એટલે ખોપરીમાં છ ઇન્ચનો છેદ! (“six-inch valley in the middle of our skulls”) લોકવાયકા છે કે દરેક માણસને દર ત્રણ સેકન્ડે લવ/સેક્સનો વિચાર આવે છે. અને મોન્ટરીયાલની મેકગિલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ માને છે કે સંગીતની સમાધિ સંભોગની પરાકાષ્ટાથી ‘વિશેષ’ હોય છે. એ ‘વિષય’ના જાણકારો જણાવે છે કે મગજના જે સ્થાનને સેક્સ ઉદ્દીપ્ત કરે છે, સંગીત પણ તે જ સ્થાનને સહેલાવે છે. ડાયાના વિલ્બર્ટ નામનાં રસિકા લેખિકા લખે છે કે ‘એફ–એમઆરઆઈ’ (fMRI, ફંક્શનલ રેઝોનન્સ ઇમેજિંગ) નામના પરીક્ષણમાં દર્શાયું છે કે સંગીત પણ મગજમાં કામાનંદ પ્રેરક દ્રવ્ય ડોપામાઇનનું સિંચન કરે છે. યાને સંગીત સેક્સ જેટલું જ, કે તેથી વિશેષ, તનોરંજન આપી શકે છે. ઠેર ઠેર હરતાં ફરતાં જુવાન જુવતીઓ કાનમાં આઈપોડનાં પૂમડાં ભરાવીને કેમ હરે ફરે છે તે હવે સમજાય છે.
સંગીતમાં ગગનવાલાને ઓમકારનાથ અને રવીન્દ્રનાથનો તફાવત ખબર છે, પણ રાગ અને રાગિણી વચ્ચે કેવી સારાસારી તેનું ભાન નથી. ગગનવાલાને ‘બીજી બાબત’નો ઊંડો અભ્યાસ તો નથી જ, સહેજ છબછબિયાં ખરાં, ખરાં. આ બે બાબતોમાંથી કઈ બાબત ચડે અથવા બંને બાબતોને શો સંબંધ છે, તે અંગે પણ ગગનવાલા ગાફેલ છે. કોઈવાર ‘રંગીલા રે...’ વાગતું હોય ત્યારે ટોટલ ટર્ન ઓન થઈ જઈએ. ‘તાલ’ ફિલ્મનાં ગીતોથી તિરકટ ધા!ના તાનમાં આવી જઈએ. બેગમ અખ્તર ગાલિબ ગાય તો રૂંવે રૂંવું રણઝણે! શબાના આઝમીની ‘મોર્નિંગ રાગા’ ફિલ્મના ફ્યૂઝન મ્યુઝિકથી આપણી આંખો કપાળે ચડી જાય. અને ડ્રાઇવિંગમાં ક્લાસિકલ મ્યૂઝિકનો રેડિયો સાંભળતાં માનીએ કે ન સમજાય તોય સાંભળીએ તો પૂન થાય.
સંગીતના જેમ્સ બોન્ડ જેવા અમારા કપાસીકાકાને રાગ–રાગિણીઓની ગુપ્તચર જેવી માહિતી છે. બધું સમજે પણ એમને જાતે કશું ગાવાબજાવવામાં કશો કસ ના દેખાયો, ‘એટલે બાકીની જિંદગી બચાવી લીધી છે.’ પ્રાઇવેટમાં કપાસીકાકા માને છે કે જે માણસ સંગીતમાં ન સમજે એ પશુ પુચ્છવિશાણ હીન કહેવાય. ગગનવાલા એ કેટેગરીમાં આવે. સદભાગ્યે બીજી બાબતમાં ગગનવાલા એટલા અજ્ઞાન નથી. કેમકે એ બાબતમાં તો પૂછડાં–શીંગડાંવાળા પશુઓ પણ અજ્ઞાન નથી. આ નિમિત્તે વિચાર કરતાં લાગે છે કે સેક્સ, સંગીત અને સમાધિ પરસ્પર સંલગ્ન જરૂર હોવાં ઘટે. સેક્સ ઉપલબ્ધ ન હોય તો સંગીત હાજર છે. સ્મોકલેસ સિગારેટની જેમ સંગીત જાહેરમાં પી શકાય છે. સંગીતમાં સંગી અનિવાર્ય નથી. સેક્સમાં બહુ રસ દર્શાવો તો ‘પર્વર્ટ’ ગણાઓ કિન્તુ સંગીતના ચરસિયા હોવ તો ‘પંડિત’ કહેવાઓ. અલબત્ત તમે સ્ટીરીઓ ઉપર રવૈલના બોલેરોની લોન્ગપ્લે વગાડતાં પ્રીતિપાત્રનું રમણ કરો તો તમને અને પ્રીતિપાત્રને ડબલ સમાધિનો ડોઝ મળે. બ્રિટનમાં સેક્સ અને સંગીત વિશે એક અભ્યાસ થયેલો તેમાં ૨૦૦૦ સ્વયંસેવકોએ સેવા આપેલી. તે સ્વયંસેવકોનું તારણ હતું કે પોતાના ‘સહ–સેવક’ના સ્પર્શ કરતાં સંગીતનો સ્પર્શ તેમને વધુ ઉત્તેજિત કરતો હતો. હાલાંકિ ‘સ્વયં–સેવન’ દરમિયાન સંગીત શો ભાગ ભજવે છે તેનો અભ્યાસ થયો નહોતો.
લેખિકા ડાયાનાબેન કહે છે (http://www.care2.com/greenliving/is-good-music-as-exciting-as-good-sex.html) કે આપણી ગભીરતમ કામેચ્છા આપણા પોતાના કંઠસ્વરના નાદથી પણ નાચી ઊઠે છે. સંભોગ દરમિયાન ઉચ્છવાસ–નિશ્વાસ, ઉંહકાર–આહકાર, દાંત પીસીને કરાતાં તપ્ત ગલીચ ઉચ્ચારણો સર્વે આપણને સમાધિબોધ કરાવે છે. ડાયાનાબેનના મતે સેક્સ દરમિયાન ગળું ફાડીને દિમાગમાં આવે તે બોલવું, બબડવું, ચિંધાડવું કશું ખોટું નથી, તેમ કરવાના આવેગનું દમન કરવું ખોટું છે. કારણ કે એ પ્રસંગે શ્રવણેન્દ્રિય પણ કામેન્દ્રિય બની જાય છે. એ અવાજો, ઉચ્ચારણો તમારા સંગી સાથે તમારા સાયુજ્યની પરિસીમા સર્જે છે. આપણા રોજબરોજના અવાજ કરતાં સંભોગ પ્રસંગે આપણો કંઠસ્વર ભિન્ન હોય છે. ગળાની ભીતરમાંથી ઉપસતી કંઠ્ય ફુસફુસાહટ; ચકનાચૂર અવસ્થાની ચરમ તાલવ્ય ચિલ્લાહટ; આકસ્મિક, અનિશ્ચિત સંવેદનોથી પ્રેરાતી ડિમાન્ડ અને કમાન્ડની કંપારીનો અપૂર્વ મહિમા છે, આ સમાધિમાં. સ્પર્શ અને સ્વરની સંગતનું સિતાર અને તબલાં જેવું અલૌકિક સંગીત હોય છે. શબ્દથી ન કહેવાય તે સ્પર્શ કહે છે અને સ્પર્શથી અસ્પૃષ્ટ રહે તેને શબ્દ સાંધે છે. સંભોગ દરમિયાન ભિન્ન ભિન્ન સપાટીએ છલછલતી કામધ્રુજારીને અભદ્ર ઉચ્ચારણો વાચા આપે છે જે એકાધિક સ્તરે પ્રેમની પરાકાષ્ટા લાવે છે. અને પછીથી તેની સ્મૃતિ, સ્પૃહા, ઝુરાપો આપણા તાબા બહારની, પૂર્ણત: ઓળઘોળ થઈ જવાની વ્યાકુળતા, આપણને જીવતા રહેવાની જિજીવિષા આપે છે. ડાયાનાબેનની શીખામણ છે કે એ બાબત સંકોચ રાખવાની જરૂર નથી. તમને મન થાય તે માગો, મન થાય તેવા સ્વરમાં માગો, લાચારીથી કાકલૂદીના સ્વરે માગો કે માલિકીહકથી ચિત્કારપૂર્વક માગો. તમારા દૈનિક વર્તનમાં એ બંધ ન બેસે તે તો સ્વાભાવિક છે, તેનો વાંધો નથી, સંભોગ એ ‘રોલ પ્લે’ છે, અને પેલાં લાચારી કે ચિત્કાર તે અભિનય છે, જે સેક્સી છે, અને જેના સામસામે બંને વ્યક્તિ માહિતગાર છે, ને જે મોક્ષની સમકક્ષ છે. વધુમાં ડાયાનાબેન તમને ખાતરી આપે છે કે તે મુહૂર્તે શ્લીલ–અશ્લીલનો ભેદ નથી. તમારાં સંવેદનનોને છૂટથી વર્ણવો, તમારા સંગીને પ્રશ્નો પૂછો, ચાગલાઈ કરો, ચાબાઈ કરો, ચતુરાઈ કરો, ચાહત બતાવો. એ કામનાલિપ્ત શબ્દોથી વાતાવરણમાં વીજળી ફેલાશે, અશ્લીલ કહેવાતાં નામો, ગાળો ને કુત્સિત કહેવાતાં કર્મોનો, શબ્દનો, સ્વરોનો અને સંગીતનો પ્રભાવ તમને ઉભયને ઇહલોકમાંથી પરલોકમાં લઈ જશે, વિચ ઇઝ મોક્ષા! વાચક બંધુઓ, બાંધવીઓ, રવૈલ નિર્મિત ‘બોલેરો’ સાંભળવું છે? (ચિત્રમાં બોલેરોનાં વાયોલીનવાદિકા નિકોલા બેનેદેત્તી) તો લગાઓ http://www.youtube.com/watch? v=hEvaX9aMmlA અને બોલો જોસેફ મોરિસ કી જય!
madhu.thaker@gmail.com Friday, April 19, 2013