Oh ! Nayantara - 8 in Gujarati Fiction Stories by Naresh k Dodiya books and stories PDF | ઓહ ! નયનતારા – 8

Featured Books
Categories
Share

ઓહ ! નયનતારા – 8

ઓહ ! નયનતારા

નરેશ કે, ડોડીયા

પ્રકરણ – 8


' મહેફિલ ખોવાય છે મિત્રમાં ! '

'આજથી યાદ રાખજે નયનતારા...! ધીરે ધીરે ઈશ્ર્વર સાથે તારો સંપર્ક ઘટતો જશે. ધીરે ધીરે તને ચંદ્રનો પ્રકાશ ઓછો થતો દેખાશે. ધીરે ધીરે સૂર્યનો તાપ ઓછો થતો દેખાશે. ધીરે ધીરે વરસતી વર્ષામાંથી વરુણદેવ દેખાતા બંધ થઈ જશે. ધીરે ધીરે વાસંતી વાયરા પણ થોડી લૂ વરસાવતા હશે. ઘટાદાર વૃક્ષ પણ તને પૂરતો છાંયડો નહીં આપી શકે.' નયનતારા ચકિત થઇને પૂછે છે.' આવું તે કાંઈ હોતું હશે...?'

'આવું જ હોય છે...મારી નાગરાણી નયનતારા ! હવે જયારે તારે ઈશ્વરને પૂર્ણ સ્વરૂપે પામવા હોય ત્યારે તારે મને યાદ કરવો પડશે ! જયારે તારે પૂર્ણ ચંદ્રને ખીલતો જોવો હોય ત્યારે મને યાદ કરજે ! જયારે ત્યારે સૂર્યને મધ્યાહને તપતો જોવો હોય ત્યારે મને યાદ કરજે. વર્ષરાણીનો પૂર્ણ નિખાર જોવો હોય ત્યારે તારા આ વરુણદેવને યાદ કરજે ! ઠંડા ઠંડા વાસંતી વાયરાને માણવા હોય ત્યારે આ તારા આ વિહારીને યાદ કરજે ! ઘટાદાર વૃક્ષની નીચે પૂરતો છાંયડો જોઈતો હોય ત્યારે મને યાદ કરજે ! ફકત મને યાદ કરજે. હું તને આ કુદરતના બધા નયનરમ્યો તત્વોને તારા પ્રત્યેના પ્રેમમાં ઠાલવીને તને સંપૂર્ણપણે મારામાં એકાકાર બનાવી અને તને પ્રકૃતિના પૂર્ણ આનંદનો અનુભવ હું એકલો કરાવી આપીશ ! આ જ મારો પ્રેમ છે અને આ જ મારા પ્રેમની તાકાત છે.'


'બસ..બસ...મારા રામ...! આજનાં આધુનિક જમાનામાં આવી ભાષા બોલીને મને સંમોહિત અને ઉત્તેજિત ન બનાવ. તમને કાઠિયાવાડીઓને સમજવા બહુ અઘરા છે. મને આટલા હદે પ્રકૃતિમય ન બનાવ, કદાચ અત્યારે જ મને તારા સાંનિધ્યમાં ઓગળી જવાનો ડર સતાવે છે !'


નયનતારાનું સૌંદર્ય આજે પૂર્ણ સ્વરૂપે પ્રકૃતિમય બનીને ખીલી ઊઠયું છે. કારની બારીમાંથી પડતી ચાંદની નયનતારાની સાડીમાં ટાંકેલા ઝીણા ઝીણા આભલાઓ ઉપર પડીને કારની અંદરના માહોલને રોશનીમય બનાવતી હતી. નયનતારાની ખૂબસૂરતીને જોઈને આંખોની કલ્પનાશકિત પણ ચકિત થઈ જાય છે.
'ચાલો આપણે થાડીવાર કારની બહાર ઊભા રહીને કુદરતનું સાંનિધ્ય માણીએ...' નયનતારા મને કહે છે ત્યારે અચાનક ઝબકી જવાય છે અને મારી સામે ચાંદની જેવું મોહક સ્મિત કરે છે.


સફેદ દૂધ નીતરતી ચાંદનીમાં નયનતારાની કાયા સોળે કળાએ ખીલી ઊઠી છે. કારના ડાબી બાજુએ અમો બન્ને એ જઈને એકબીજાને આલિંગનમાં લઈને ચાંદનીને શરમાવી દીધી. શું ખબર...? આ ચંદ્ર પણ મારી જેમ ચાંદની પાછળ પાગલ બન્યો છે. પણ ચંદ્ર છે વરણાગી વેપારી જેવો... કયારેક સ્વાતિનું સાંનિધ્ય માણે છે. કયારેક ચિત્રાનું સાંનિધ્યમાણે છે અને અત્યારે ચાંદની, ચિત્રા અને સ્વાતિને પડતી મૂકીને નયનતારાનું સાંનિધ્ય માણે છે. શું કરીએ અમે કાઠિયાવાડી ખરાને...! આ ચંદ્ર પણ નયનતારાને જોતાવેંત મારી જેમ કાઠિયાવાડી બની જાય છે. શું ખબર ? આ ચંદ્ર મારી નયનતારામાં એવું તે શું જોઈ ગયો કે સ્વાતિનું લાવણ્ય, ચિત્રાની નિખાલવૃત્તિ અને ચાંદનીની શીતળતા છોડી મારી નયનતારાને પોતાની પ્રકૃતિ છોડીને પ્રેમ કરે છે ! અને હવે ચંદ્રમાની વિદાય થતાં, ફરીથી આ કાઠિયાવાડી પુરુષ વાદળ બનીને નયનતારાને તેની ભુજાઓના સાંનિધ્યમાં સમાવે છે.


દૂર આવતા એક વાહનની લાઈટ અમારા બન્ને ઉપર પડતા કુદરતનાં સાંનિધ્યમાથી હકીકતની દુનિયામાં આવી ગયા.

નયનતારાના થોડા ભાવ બદલતા ફરીથી કારને સ્ટાર્ટ કરી અમારા રસ્તે હંકારું છું 'તારી પ઼કૃતિ ખરેખર મને અચંબિત કરે છે. પ્રેમમાં તો ઘણી છોકરીઓ પડે છે પણ તને પ્રેમ કર્યા પછી મારી જાતને વધારે પડતી પ્રકૃતિની નજીક સમજું છું. આવી રીતે કોઈ વ્યકિત તેની પ્રમિકાને પ્રેમ કરી શકે ખરું...?'


'હા...! બધા છોકરાઓ પ્રેમ કરી શકે છે. પણ બધા છોકરાઓ મારી જેમ પ્રેમ કરી શકતા નથી. આ ઈશ્ક- બિશ્ક, પ્યાર-બ્યાર, ઇઝહારે મહોબ્બત, સદકે જાવાં, મર જાવાં, મિટજાવાં, આ બધા લબ્ઝ નાફરમાનીની જુબાં છે. આ બધા શબ્દો મુજરામાં બોલવા માટે સારા છે. બાકી... પ્રમિકાને પૂર્ણ સ્વરૂપે પામવા માટે 'પ્રેમ' જેવા વજનદાર શબ્દનો ઉપયોગ થાય છે. અને આ વજનદાર 'પ્રેમ' નો બોજ ઉપાડવા અમારા કાઠિયાવાડીઓની જેમ સવારે શિરામણ, બપારેનું રોટલા-શાકનું ભાતું, રાતનું વાળુ અને કાઠિયાવાડી લોઠકી હોય તો કયારેક બપારે અને રાત વચ્ચેનું જમણ જેને રોંઢો કહેવાય. આ બધું નસીબમાં હોય તો 'પ્રેમ' થાય છે ! અ ને ઈશ્કીંયા ફિશ્કીંયા તો મોંમાં પાન ચડાવીને પણ થઈ શકે છે.' નયનતારાને ખુશ કરવા કયારેક કયારેક નાફરમાની કરવી પડે છે.

સામાન્ય પ્રમિકા હોય તો આવા આયાતી શબ્દોથી ભરમાવી શકાય છે. પરંતુ નયનતારા તો ડૉકટરી સ્નાતક, પ્રખર બુધ્ધિશાળીઅને નાગરપુત્રી હોવાથી તેને ખુશ કરવા પૂરતું લેસન કરવું પડે છે.

'બસ...બસ...તું બહું બોલે છે, કદાચ મારા સિવાય બીજી કોઈ સ્ત્રી તારા જીવનમાં આવે તો તું પ્રેમ કરશે...?' હવે નયનતારા પણ નાફરમાની પર ઉતરી હોય તેવું લાગે છે.


'એ તો શકય નથી ...! પણ ભૂલથી તારા સિવાય કોઈ બીજી સ્ત્રી મારા જીવનમાં આવે તો કદાચ તારા જેટલો પ્રેમ હું ન કરી શકું, કારણ કે ઈશ્વરે તારું સર્જન જ ફકત મારા પ્રેમ પામવા માટે કર્યું છે. બીજી સ્ત્રી માટે મારો પ્રેમ તારાથી ઉતરતી કક્ષાનો હશે ? પણ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે મારા જીવનમાં આવી ઘટના કદી ન બને.' પ્રેમમાં પડયા પછી સાહિત્યની વાતો ખૂબ કામ આવે છે.


'વાહ...વાહ...મારા રામ ! તું રોજ રાત્રે બે-ત્રણ કલાક ચોપડીઓ વાંચે છે, તો તારા ફેવરિટ લેખકોના સાહિત્યમાંથી કયા પાત્રથી તું સૌથી વધુ પ્રભાવિત થયો છે ?' નાગરાણીના મુખેથી સાહિત્યરસિક વાતો સાંભળવી મને બહુ ગમે છે.


હું કોઈ લેખકનાં પાત્રથી પ્રભાવિત નથી. પણ લેખકની પ્રકૃતિથી પ્રભાવિત છું. હું બક્ષી સાહિત્યનો બળવાખોર ગુજરતી છું, કાન્તિ ભટ્ટનો કાઠિયાવાડી છું, મુન્શી સાહિત્યનો માણીગર છું, મેઘાણી સાહિત્યનો મરદ માણસ છું, સચ્ચિદાનંદજીનો સાત્વિક છું અને ગુણવંતશાહનો ગુણાતિતાનંદ છું, કલાપીનો કવિ છું, અખાનો અવધૂતછું અને નરસૈઁયાનો છંદ છું. વેપારી છું અને વરણાગી છું અને વિજોગણીઓ માટે વિજાનંદ છું. એની થિંગ એલ્સ...? માય સ્વીટહાર્ટ નયનતારા ડાર્લિંગ...!'


'આવી ગયો ને સીધી લાઇન ઉપર, આખરે કાઠિયાવાડી કેચી બોલી ખરી !' આખરે નયનતારાના ફેવરિટ શબ્દોથી સાહિત્ય સમારંભનો રોમાન્સ પૂરો થાય છે.


અમારી કાર 'ધ વિલેજ રિસોર્ટ' તરફ આગળ વધે છે. અમારા શહેરથી 28 કિ.મી.દૂર આવેલું એક શાંત અને નયનરમ્ય રિસોર્ટ છે. આજુબાજુ વૃક્ષોથી ઘેરાયેલું અને હાઈવેથી 3 કિ.મી. અંદર આવેલું આ રળિયામણું સ્થળ આજે રોશનીથી ઝગમગે છે. અમારી કાર આ રિસોર્ટ થી 1 કિ.મી. દૂર છે છતાં પણ ઘોંઘાટિયા સંગીતનો અવાજ સંભળાય છે.


અમો બન્ને એક વાતથી અજાણ હતા કે અમારા પહેલા મારા મિત્રો ત્યાં મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. મારા મિત્રમંડળમાં મારી સમકક્ષ ઉંમરના મિત્રોથી લઇને પચાસ વર્ષની ઉંમરના મિત્રો છે. અમુક લોકો સાથે ધંધાદારી સંબંધો હોવાથી ધીરે ધીરે મિત્રચારીમાં બદલી ગયો છે એ માટે મારો જિજ્ઞાસુ અને લાગણીશીલ સ્વભાવ જવાબદાર છે.


અમારી કાર 'વિલેજ રિસોર્ટ' ના પાર્કિંગમાં પાર્ક થાય છે. કાર પાર્ક થયા પછી હું અને નયનતારા પાર્ટી ગ્રાઉન્ડ તરફ આગળ વધીએ છીએ ત્યાં અચાનક એક જાણીતો અવાજ કાને પડે છે. મને ખબર પડી ગઈ કે આ અવાજ રૂપાલીભાભી સિવાય કોઈનો ન હોઈ શકે !


રૂપાલીભાભી મને અને નયનતારાને જોઈને ખુશ થતાં થતાં આગળ વધે છે અને કહે છે : 'આજે તો શું ઠાઠમાઠ છે - જાણે સૂરજ પશ્વિમ દિશામાં ઊગ્યો હોય !' 'ભાભી...આ નયનતારા છે અને મારી ફ્રેન્ડ છે. જે મેડિકલ કોલેજમાં સ્ટડી કરે છે.' એટલે રૂપાલીભાભી બોલ્યા : 'તું નહી કહે તો પણ તારી રજેરજની જાણકારી મારી પાસે છે. ગઈકાલે પ્રિયા મારા ઘરે આવી હતી અને ત્યાંથી જ આ મેડમને તેડવા ગઈ હતી.'


'ઓહ...મને ખબર નહોતી.'


રૂપાલીભાભી નયનતારાની સામે જોઈને મારી સામે શરારતી હાસ્ય ફેંકે છે અને નયનતારાને ઉદ્દેશીને કહે છે : 'ડૉકટર થઈને કોઈ ના મળ્યું કે આ પાગલને પનારે પડી?'


નયનતારા હવે નાગરપુત્રીના સાંસ્કૃતિક અધ્યાય શરૂ કરે છે : 'ભાભી...! જેની સાથે આંખ અને દિલ મળી જાય પછી આગળ-પાછળનું ભૂલી જવાનું, પ્રેમ કંઇ થોડો નાતજાતના ભેદમાં સમજે છે !'


રૂપાલીભાભી પણ આજે ચર્ચા કરવાના મૂડમાં હતા. 'તારા જેવી સુંદર અને ગુણિયલ છોકરી આ ગાંડાને સાત જન્મમાં મળશે નહીં. જરૂર આગલા જન્મમાં પુણ્ય કયૉ હશે !'


હવે મારે રૂપાલીભાભીને મારા બચાવ માટે દલીલ કરવી પડે છે : 'મેં નહીં પણ નયનતારાએ આગલા જન્મમાં કેટલાક વ્રત, મોરાકત અને મહાઆરતીઓ કરી હશે એટલે મારા જેવો સીધોસાદો છોકરો મળ્યો છે. નહીંતર આવી માથાભારે છોકરી સાથે કોણ પનારો પાડે ?'


અમે ત્રણેય હસી પડયા. ત્યાં રૂપાલીભાભીના પતિ હેમંતભાઈ શાહ અમારી પાસે આવી અને રૂપાલીભાભીને કહે છે, 'તું શા માટે આ લોકોને પરેશાન કરે છે ! જુવાનીઓને માંડ આજે મોકો મળ્યો છે. એટલે આ લોકોને એકલા છોડી મૂક.' એટલે રૂપાલીભાભી મારી અને નયનતારાની સામે આંખ મીંચકારી અને કહે છે :

'જાવ...જાવ જલદી કરો અને ત્રેવડ હોય ત્યાં સુધી નાચ્યા કરો અને જવાનીને જલસા કરાવો.'
અમે બન્ને એકલા પડતા નયનતારા મારી નજીક આવીને મારો હાથ પકડીને ધીરેથી કહે છે : 'હવે આગળ વધીએ કે અહીંયા જ સવાર પડવાની છે ?' આગળ જતા એક વિશાળ લોન છે ત્યાં એક મોટું સ્ટેજ બનાવેલું છે. સ્ટેજ ઉપર મ્યુઝીક પાર્ટીની જમાવટ અને હજારો વોટના સાઉન્ડમાંથી પશ્વિમી સંગીતની મસ્તી રેલાય છે. લોનને વિશાળ પાર્ટી પ્લોટમાં ફેરવી નાખી છે. થર્ટી ફર્સ્ટ હોવાથી દારૂબંધી જેવો શબ્દ બોલવો એ ગુજરાતમાં ગુનો ગણાય છે !


શરબની તરબતર ખુશબો નયનતારાના નાક સુધી પહોંચે છે એટલે મને ખભો મારીને કહે છે. 'આજે લિમિટમાં ડ્રીંક કરજે, તે દિવસે નેવી-ડેની જેમ સાત-આઠ ન થાય તેનો ખ્યાલ રાખજે.' લગ્ન પહેલા પત્નીનો સ્વભાવ જાણવાનો મોકો મળે છે.


અચાનક અમારા બન્નેની ફરતે દસ-બાર પુરુષો અને પાંચ મહિલાઓનું ટોળું વર્તુળાકારે ગોઠવાય જાય છે અને ન સમજાય તેવી દ્રષ્ટિથી અને કટાક્ષભર્યા રોષથી ટીકીટીકીને જુવે છે અને રહસ્યમય હાસ્ય સંભળાવે છે.


એક ભાઈ બોલે છે : 'આજના માણસો કેવા મતલબી હોય છે ? છોકરી સાથે હોય એટલે બધું ભૂલી જાય છે.' એક બીજા ભાઈબોલે છે : 'બન્નેની જોડી તો જુઓ - જાણે નવાનવા પરણેલાં હોય તે રીતે શરમાય છે !'


એક પરિણીત સ્ત્રી પણ સાથ પુરાવે છે : 'લગ્ન તો અમારા પણ થયા હતા' પણ આ રીતે બદલ્યા નહોતા ! અત્યારનાં માણસો બહુ બદલી જાય છે.'


એક બીજી સ્ત્રી પણ જેડાય છે : 'માણસોનાં નસીબની બલિહારી તો જુવો ! વેપારીઓ પણ ડૉકટર સાથે રોમાન્સ કરવા લાગ્યા છે.' ફરી એક ભાઈ બોલે છે : 'જવા દો યાર ! ગમે તેમ તો આપણો ભાઈબંધ છે. એટલે તેને માફ કરી દો.'


અમે બધા અંદરોઅંદર ખડખડાટ હસી પડયા અને એકબીજા મિત્રોને ભેટી પડીએ છીએ. આ મારું મિત્રવર્તુળ છે જેમાં છ મિત્રો પરિણીત છે અને બાકીના કુંવારા છે. મારું મિત્રમંડળ તમામ પ્રજાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મારવાડી સંજય શેઠ, બંગાળી સંજય ઘોષ અને અમિત શાહી, મરાઠી કેતન પાડવાડેકર અને સાઉથ ઈન્ડિયન વિજય રેડ્ડી અને કિષ્ના કુટ્ટી એ સિવાય બધા ગુજરાતીઓ. છે. આ બધા મિત્રો વર્ષોથી અહીંયા રહે છે અને મોટાભાગના અહીંયા જન્મ્યાં છે. એક માત્ર કિષ્ના કુટ્ટી સિવાય બધા કાઠિયાવાડી ગુજરાતી ભાષા બોલે છે.
એક મિત્રની પત્ની નયનતારાને મારાથી દૂર મિત્ર પત્નીઓનાં મંડળમાં સામેલ કરવા દોરી જાય છે.
ચેતનથી રહેવાયું નહીં એટલે કહે છે : આજે કાંઈ છે કે નહીં કે કોરેકોરું પાછું જવાનું છે ?' સંજય જવાબ આપે છે :'આપણા શેઠ બધી તૈયારી કરીને આવ્યા છે. પોર્ટ પરથી સ્કોચ અને બિયરના ટીન શેઠની કારની ડેકીમાં પડયા છે. ' શશાંક બોલે છે : 'તો રાહ શા માટે જોવાય છે ? ઝડપથી માલ હાજર કરો એટલે થોડી એનર્જી મેળવી લઈએ. ' કેતન શશાંકનો કટ્ટર વિરોધી મિત્ર છે એટલે શશાંકને હંમેશા ચેતીને રહેવુ પડે છે.


'શશાંક ! નાગરના દીકરાને શરાબ પીવા પર પ્રતિબંધ છે અને સામે તારી નાગરાણી બેઠી તેની રજા લીધી છે કે નહીં ?'


શશાંક પણ વળતો હુમલો કરે છે : 'તારી જેમ હું પત્નીનાં પગ દબાવતો નથી, વધારે બોલીશ તો તારા તમામ રહસ્યો ખુલી જશે.'


મિત્રોની મહેફિલની અસલી આઈટમ કુટ્ટીની જબાન ખુલે છે :'એ શેઠ...! તુને ઈતના ખૂબસૂરત લડકી કો કૈસે ફસાયા ?'


કુટ્ટીને જવાબ આપતા કહું છું : 'એ કુટ્ટીડા, તેરી બકવાસ બંધ કર.'


કુટ્ટી વળતો જવાબ આપે છે : 'શેઠ તુમ લકી આદમી હો, યે સાઉથ કે હિરોઈન જૈસા લડકી ગુજરાતમેં કહાં સે પકડકે લાયે ?


શશાંક હવે મારી સાથે કુટ્ટીનો સામનો કરવા જોડાય છે : 'કુટ્ટીડા તારી બકબક બંધ ઔર ગ્લાશ ઉઠાઓ, બાદમેં તેરી જબાન અચ્છી ચલેગી.'


કુટ્ટી આજે કુસ્તી કરવાના મૂડમાં હતો : 'એ શેઠ ! એક બાત બતાઓ કે યે સાઉથ કે હિરોઈન કા કોઈ સ્પેર ટાયર હૈ, મતલબ કે ઉસકા ફ્રેન્ડ્સ હૈ?'


કુટ્ટીને જવાબ આપવા સંજય મેદાનમાં આવે છે : 'આખીર તેરી ઔકાત પે આ ગયા કુટ્ટીડા ! યહાં ગુજરાત મેં સ્પેર ટાયર ઢૂંઢતા હૈ ઔર તેરા સ્પેર ટાયર કેરાલા મેં હૈ; બકબક બંધ કર ઔર દારૂ પીને દે.'


શાયર દિલ સંજય મારી તરફ જોઈને બોલે છે :


'મિત્રોની મહેફિલમાં મિત્ર ખોવાયો છે,
એ મિત્રનું મન નથી મહેફિલમાં,
મહેફિલમાં એ મિત્ર ખુશકિસ્મતી છે,
બાજુમાં એક ઉપવન છે,
જેમાં એક ફૂલ ખીલ્યું છે,
મિત્રની નજર એ ફૂલ પર છે,
ફૂલ ચૂંટવાની કલ્પના કરે છે,
મહેફિલ ખોવાય છે મિત્રમાં.'