Chalo fari aaviae in Gujarati Travel stories by Paru Desai books and stories PDF | ચાલો ફરી અાવીએ

Featured Books
Categories
Share

ચાલો ફરી અાવીએ

ચાલો, ફરી આવીએ

‘ઘરને ત્યજી જનાર ને મળતી વિશ્વતણી વિશાળતા, પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા !’

સાચે જ સમયના અભાવે કે કોઈપણ કારણસર જો કાયમ કામકાજ અને ઘર વચ્ચે જ રહેવું પડતું હોય તો વ્યક્તિ કંટાળી જાય. પછી ભલે ‘ઘર’ એ સ્વર્ગથી પણ સુંદર કેમ ન હોય? માણસ માત્રને કંઇક નવું જોવાની - જાણવાની અનેરી તક આપતી બાબત તે પ્રવાસ કે પર્યટન કે પીકનીક. મુસાફરનું એકમાત્ર ધ્યેય તમામ ચિંતા – તાણથી અલિપ્ત રહી માત્ર કુટુંબ સાથે મોજ-મજા માણવાનું હોય છે. તેમાં પણ ફરવાના શોખીનો તો ૨-૪ દિવસ ની રજામાં પણ ક્યાંક ફરવા જવાનું પ્લાનીંગ કરી જ લે.

જેમ સારા પુસ્તકો અને સદગુણી માણસોનો સંગ માણસના વિચારોનો વિકાસ કરે છે તેમ પ્રવાસ માનવીના તન-મનનું ઘડતર કરે છે. પ્રવાસ દરમિયાન ક્યારેક નાની મોટી મુશ્કેલી કે તકલીફ આવે તો તે સમયે તાત્કાલિક ઉકેલ લાવવાની સૂઝ કેળવાય છે. જે તે પ્રદેશના લોકોને મળવાનો મોકો મળે છે સાથે જ ભાષા, પહેરવેશ, જીવનશૈલી, સંસ્કૃતિ વિષે પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. જે માનવીની જીવન દ્રષ્ટિને વિશાળ બનાવે છે. પ્રવાસ પ્રકૃતિના રમણીય સૌદર્ય તથા દેશ-વિદેશના માનવીની કળા- કૌશલ્ય ના ઉત્તમ નમૂનાઓના દર્શન કરાવે છે. વરસાદ પછીના સમયમાં તો ખળખળ વહેતી નદીઓમાં નાહવાની મજા કે એમ જ પ્રકૃતિના ખોળા ખૂંદીને, આહલાદક હવામાન માં તરોતાજા થવાની મજા કંઇક ઔર જ હોય છે. ખુશનુમા વાતાવરણ માં ગુજરાતમાં જ પંચમઢી કે કેરલા જેવા સૌદર્ય વેરતા મસ્ત સ્થળો ની મજા માણવાનો મોકો તો જતો ન જ કરાય. પ્રવાસને આંનદદાયક બનાવવા આયોજન ખુબ જ જરૂરી છે. ચાલો તો આજે કોઈ એવા જ ડેસ્ટીનેશન કે જ્યાં ઓકટોબર થી માર્ચ ની વચ્ચે જઈ શકાય એના વિષે આયોજન કરી લો.

ગુજરાત ના પશ્ચિમઘાટ માં આવેલી સહ્યાદ્રી પર્વતમાળા એટલે કુદરતી સૌદર્યનો ખજાનો. ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન અહી આવેલું છે તે ‘સાપુતારા’. ‘Adobe of snakes’. અહી સર્પાકારે વહેતી નદી ‘સર્ગપણા’ ને કારણે આ સ્થળ નું નામ પડ્યું સાપુતારા. આમ તો ડાંગ જીલ્લો એટલે ખોબલે ખોબલે સૌદર્ય.

સુરતથી આશરે ૨૦૦કિમી દુર સાપુતારા ૧૦૦૦ મીટર ઉંચાઈએ એ આવેલું છે. બીલીમોરા વઘઈ રેલ્વે સ્ટેશન થી તો માત્ર ૫૦ કિમી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા જંગલો ને ચીરતા પહોચી શકાય. જો વહેલી સવારે જવાનો મોકો મળે તો તો ધુમ્મસ અને કુણા તડકાના સથવારે મુસાફરી ની મજા માણી ને જ મન તૃપ્ત થઇ જાય. અહીનાં જોવાલાયક સ્થળો માં ઇકો પોઈન્ટ, ગણેશ મંદિર, જૈન મંદિર, હની –બી સેન્ટર, નાગેશ્વર મંદિર, ટ્રાઈબલ મ્યુઝિયમ, સન રાઈઝ અને સન સેટ પોઈન્ટ, લેક અને બગીચાઓ નો સમાવેશ થાય. સાપુતારા લેક માં બોટિંગ ની સહેલ સાથે સનસેટ પોઈન્ટ જવા માટે રોપ-વે ઉડાન ખટોલાનો રોમાંચ પણ માણવા મળે. જો કે સન રાઈઝ માટે સવારની ગુલાબી ઠંડીમાં ૨ કિમી ચાલવું ત્યાં પહોચ્યા પછી સાર્થક લાગે. રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન અને લેક ગાર્ડન માં સાંજ વિતાવી શકાય. જો વાંસદા નેશનલ પાર્ક માં જવાની ઈચ્છા હોય તો ત્યાં ચીફ વાઇલ્ડ વોર્ડન કે ડીવીઝનલ ફોરેસ્ટ ઓફિસર ની પરવાનગી લેવી અનિવાર્ય છે. સાહસ પ્રેમીઓ ટ્રેકિંગ માટે પણ ઘણી જગ્યાઓ એ જઈ શકે છે.

સાપુતારા માં રહેવા માટે ગુજરાત ટુરીઝમ નું ‘તોરણ’ તો છે જ ઉપરાંત ઘણી ૩ સ્ટાર હોટેલ્સ અને વ્યાજબી હોટેલ્સમાં પણ રહી શકાય. સાપુતારા માં તો ૨ દિવસ તમે ફરી શકો. પછી ૪૬ કિમી દુર આવેલ સપ્તશ્રુંગી માતાજી નું મંદિર અને ગીરા ફોલ્સ ૫૬ કિમી દુર આવેલ છે ત્યાં પણ જઈ શકાય. ઉપરાંત ડન હિલ જેવા શાંત સ્થળે પણ ફરી શકાય. જો હોળી ના તહેવારનો સમય હોય તો આહવા માં આદિવાસી ના મેળા માં પણ મોજ થી ફરી ને તેઓની સંસ્કૃતિ વિષે જાણી શકાય. જો સાહસવૃત્તિ ધરાવતા હો અને ફ્લોરા એન્ડ ફૌના માં રસ હોય તો ૬૦ કિમી દુર આવેલ પૂર્ણા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તો જવું જ. પૂર્ણા નદીના કિનારે આવેલ આ ગાઢ અને સુંદર જંગલને ૧૯૯૦ થી અભયારણ્ય તરીકે જાહેર કરાયું છે. અહી દીપડા, હાથી, જંગલી, બળદ, સ્લોથ રીછ જેવા અનેક જંગલી પ્રાણીઓ, ૭૦૦ જેટલી વનસ્પતિઓ, અને વિવિધ રંગબેરંગી પક્ષીઓની અનેક જાતી- પ્રજાતિઓ જોવા મળે છે. અહી ધ મહાલ ઇકો કેમ્પ સાઈટ પણ છે. મહાલ માં નાગલી બિસ્કીટ વખણાય કે જે સ્વાદિષ્ટ તો છે જ સાથે ઊર્જા પૂર્તિ કરનારા છે. પરંતુ ત્યાં રહેવું મુશ્કેલ એ માટે છે કે અહી ભોજન ની કોઈ વ્યવસ્થા નથી. એક નાની રેસ્ટોરન્ટ છે જ્યાં પણ જાજી સુવિધા નથી. માટે જ સાપુતારા થી આવવાનું રાખવું સલાહભર્યું છે. પૂર્ણા વાઇલ્ડ સેન્ચુરી સવારે ૯ થી સાંજે ૬ સુધી જઈ શકાય. એન્ટ્રી ફી આશરે ૨૦ રૂપિયા અને પ્રાઇવેટ વાહન ના એટલેકે કાર- જીપ કે બસ પ્રમાણે અલગ અલગ ચૂકવવાના હોય છે. ગાઈડ ની જરૂર હોય તો તે પણ મળી રહે. વધુ માહિતી માટે ક્લિક કરી લેવું.

જયારે ગુજરાતના દક્ષિણ ભાગમાં જ ફરતા હોઈએ અને જો દરિયાઈ સૌદર્ય ના શોખીન હોઈએ તો પછી તિથલ તો યાદ આવી જ જાય. સાપુતારા અને તિથલ વચ્ચે માત્ર ૧૩૩ કિમી નું જ અંતર છે. જી હા મિત્રો ગુજરાત એટલે અરબસાગરના કિનારાનો પ્રદેશ. ૧૬૦૦ કિમી જેટલો લાંબો દરિયાકાંઠો મળ્યો છે તો વિવિધ બીચ પણ હોય જ. દીવ અને દમણ ની સાથે તાલ મેળવી શકે તેવો સુરક્ષિત દરીયાકિનારો તિથલ નો છે. શાંત છતાં રમણીય વલસાડ થી પશ્ચિમે માત્ર ૬ કિમી દુર જ કાળી રેતીનો કિનારો એટલે તિથલ. અહીનાં દરિયા માં ન્હાવાની સાથે બોટિંગ પણ કરી શકાય. વળી અહી જ સ્વામિ નારાયણ નું ભવ્ય મંદિર છે તો સાઈબાબાનાં દર્શન માટે સુંદર મંદિર છે. હઝીરા બીચ અને સન સેટ ની મજા તો ખરી જ. અહી રહેવા માટે ખુબ જ વ્યાજબી આવાસો છે. સ્વામિ નારાયણ મંદિર ના આવાસ અને અન્ય કોટેજીસ પણ છે. ભજીયા, ભેળ જેવી ખાણીપીણી ની મજા માણતા આખો દિવસ પસાર થઇ થાય. નજીક નું રેલ્વે સ્ટેશન વલસાડ છે માટે વલસાડ પણ રહી શકાય. તિથલ થી ૧૦૦ કિમી ની સફર માણતાં ઉભરાટ પણ જઈ શકાય. આ એક સુંદર દરિયા કિનારો છે. અહી બીચ રિસોર્ટસ, હોટેલ્સ અને ગુજરાત ટુરીઝમ નું ‘તોરણ’ પણ રહેવા માટે ઉત્તમ વિકલ્પ છે. દીવ દમણ માં લોકો વધુ જતા હોવાને કારણે આ દરિયાકાંઠા શાંત વાતાવરણ ખડું કરે છે.

થોડી એવી વાતો કે જેની જાણકારી તો હોય જ તેમાં છતાં યાદ આપી દઉં :

  • વાત જયારે હિલ સ્ટેશન અને સી-બીચ ની થતી હોય ત્યારે તે મુજબ ના જ વસ્ત્રો પહેરવા. વળી હવામાન ને અનુસાર ક્રીમ, સનસ્ક્રીન લોશન લગાવવા. તો દરિયાકિનારે ન્હ્યાયા પછી વાળને શેમ્પુ કરવા જેથી રેતી અને ખારા પાણી ની આડઅસર ન થાય.
  • બીજી એક વાત એ પણ ધ્યાન માં રાખવા જેવી એ કે શક્ય હોય એટલા સ્થળો એ રહેઠાણનું બુકીંગ કરાવી લેવું અને બાકી રોકડ રકમ સાથે રાખવી જેથી ATM માટે વારંવાર બેંક શોધવામાં સમય ન બગડે.
  • પ્રવાસના સ્થળના હવામાન ની જાણકારી અગાઉથી મેળવી એ મુજબ ગરમ વસ્ત્રો કે છત્રી,કેપ,ગોગલ્સ વિગેરે સાથે રાખવા.
  • તો ચાલો, ગુજરાતમાં જ ફરી આવીએ.

    પારુલ દેસાઈ

    9429502180

    parujdesai@gmail.com