કે. કે.
પ્રશાંત સેતા
(જો તમે કદાચ મારી અગાઉ માતૃભારતી પર પબ્લીશ થયેલી ગુજરાતી તેમજ ઇંગ્લીશ સ્ટોરીઓ વાંચી હશે તો તમને ખબર હશે કે મારી સ્ટોરીઓમાં સસ્પેન્સ, કોમેડી કે પછી રોમાન્સ હોય છે. જો તમે આશા રાખતા હોય કે આ સ્ટોરીમાં પણ મારી બીજી સ્ટોરીઓની જેમ એવો જ કાંઇક મસાલો હશે તો હમણાં જ આ સ્ટોરી સાઇડમાં મુકી દેજો. આ સ્ટોરી થોડી અલગ છે. આ સ્ટોરી એકદમ સામાન્ય છે અને સત્ય હકિકત પરથી જરા પણ પ્રેરિત નથી, બીજી સ્ટોરીઓ પણ ન હતી!
ખેર, સામાન્ય રીતે બધી વાતમાં વાંધા – વચકા કાઢતાં હોય એવા માણસને આપણે કચકચિયો કહેતા હોય છે! બસ, આ સ્ટોરી આવા જ એક કચકચિયા માણસની છે. ભાષામાં વિવિધતા લાવી આ સ્ટોરી કાઠીયાવાડી ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો છે. તો વાંચો કે.કે! આમ પણ ડાઉનલોડ તો થઇ જ ગઇ છે અને વધારે શબ્દો પણ નથી, તો વાંચી નાખો! અને હાં, ન વાંચવી હોય તો મુકી દેજો પણ પછી ગાળો નહી આપતા!)
કે. કે.
[૧]
હું મારા બે દોસ્તારૂ ભેગો મુંબઇનાં ભુલેશ્વર એરીયાની એક ચાલમાં રૂમ –રહોડાવાળી ખોલીમાં ભાડે રે’તો. ઇ ખોલીમાં દહ બાય દહ નો એક રૂમ હતો અને રૂમની પાછળ આઠ બાય આઠનું નાનકડું રહોડું હતું. અમે ત્રણેય લઠ્ઠાઓ જ રે’તા એટલે રહોડું રાંધવા માટે નઇ પણ લબાચો રાખવા માટે ઉપયોગમાં આવતું. એમ તો રહોડાનાં એક ખુણામાં દુનિયાનું નાનામાં નાનું કઇ હકાય એવું બાથરૂમ પણ હતું. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો કોન્ટક્ટ કૈરો હોત તો ઇ બાથરૂમ દુનિયાનાં નાનામાં નાના બાથરૂમનો રેકોર્ડ તોડી હકે એમ હતું, પણ મેં કોન્ટેક નો કૈરો, મોબાઇલમાં બેલેન્સ ખતમ થઇ ગઇ’તી પછી રઇ જ ગ્યુ! ઇ બાથરૂમ એટલું નાનું હતું કે ના’તી વખતે એટલી અગવડતા પડતી કે શરીર પર હાબુ ઘહતી વખતે ઘડીયે – ઘડીયે કોણી બાથરૂમની દિવાલ હારે ભટકાતી, અને એની માને એવી તમ્મર ચડી જાતી કે ના’તા – ના’તા ઊભા થઇ જાતા... જગ્યાનાં અભાવને કારણે એવડું બાથરૂમ બનાઇવું હૈશે! ઇ ચાલ એકદમ જુનવાણી હતી આશરે આજાદી પે’લાની..!!. અમને ત્રણ લઠ્ઠાઓને રે’વામાં આટલી અગવળતા પડતી’તી તો તમે જ વિચારો કે પાંચ-છ સભ્યોવાળા પરિવારૂ એવી ખોલીમાં કેમ રે’તા હૈશે? અમારા સિવાય બધી જ ખોલીમાં લોકો પરિવારૂ હારે રે’તાતા.
ખેર, હું કમલેશ કાકડીયા, કે.કે..!! મૂળ જુનાગઢનો એટલે મારૂ નામ કમલેશ કાઠીયાવાડી પાડી દિધું’તું, કે.કે!! મને પાછળથી ખબર પૈડી’તી કે કે.કે. એટલે કમલેશ કચકચિયો પણ થાતું! ઇ બધાઇને એમ લાગતું કે હું બધી વાતુમાં કચકચ બોવ કરતો એટલે હું કચકચિયો. એકવાર એક ડઝન કેળામાં એક કેળું હડેલું આવી ગ્યું’તું તો કેળાવાળાને ઇ ડઝન કેળા ખાલી ના થ્યા ત્યાં હુધી કેળા ખાતી વખતે મેં ગાળું દિધી’તી, ચા વાળાને ત્યાં ચા હારી નથી એમ કૈને ચા વાળાને ઠપકો દેતો, શૈડીનાં ચિચોડાવાળા હારે ગ્લાસમાં એક ઘુંટડાં જેટલો ઓછો રસ ભરવા બાબતે મગજમારી કરેલી, મારો હાળો ગ્લાસ પુરો નો ભરતો! એક તો બરફ એટલો ઠોકી દેતો કે આમ પણ રસ ઓછો આવે અને ઊપરથી ગ્લાસની ધાર હુધી રસ નો ભરે. પેલો ચા વાળો દુધ ઓછું અને પાણી વધારે એવી ચા બનાવતો, એની ચા કરતા તો પાણીનાં કપમાં ચાની ભુકી અને ખાંડ નાખીને પી લેવી હારી. અડધી ચાનાં છ માંથી આઠ રૂપિયા કરી નાઇખા’તા. મેં ચા ના ભાવ વધારા માટેનું કારણ પુઇછું તો એણે કિધું કે દુધનો ભાવ વધી ગ્યો તો. હવે, દુધનો ભાવ લિટરે બે રૂપિયા વૈધો તો, આંયા ચા વાળાએ અડધી ચાનાં બે રુપિયા વધારી દિધા’તા.. જાણે એક લિટર દુધમાંથી એક અડધી ચા બનાવતો હોય! અને પેલો કેળાવાળો, એની પાહેથી કોઇ પણ ફળ લ્યો, ઇ એકાદ હડેલું ફળતો ઘાલી જ દેતો. હવે, આ બધી વાતું કાંઇ કચકચ કે’વાય? મેં તો હાચી વાતું કિધી’તી. અને આમ પણ હામે આવીને કોઇએ મને કચકચિયો કિધો નો’તો એટલે કે.કે એટલે કમલેશ કચકચિયો થાય એની પુષ્ટી થઇ નો’તી હકી. બાકી આમ તો મારૂ નિહાળનું નામ તો કમલેશ કાકડીયા જ છે, કે.કે!
ખેર વાતનાં મુદ્દા પર આવું. અમે રે’તા એવી ચાલીયું તમે પિક્ચરૂમાં જોઇ જ હૈશે, પણ એમા રે’વું એક અલગ લા’વો છે. અમારી ખોલીમાં પાણીની ટાંકી નો’તી એટલે વાપરવાનાં પાણીનાં કેરબા ભરીને રાખવા પડતા. અમારી ચાલી બે માળની હતી અને અમે નીચેના માળે રે’તા. ઉપરનાં માળે પણ કાંઇ અગાસી નો’તી, નળીયા જ હતા..!! ઇ રૂમમાં અમારે મુદ્દાની મગજમારી ઇ હતી કે અમારે પાણી ભરવા હવારમાં વે’લા ઊઠવું પડતું. આમ તો ઘણી મગજમારી હતી પણ આ મેઇન મગજમારી હતી. ઇ અમારા માટે એવી જ મગજમારી હતી જેવી આપણા દેશની સરકાર માટે અલગ અલગ જ્ઞાતીયું દ્રારા કરવામાં આવતી અનામતની માંગણીની મગજમારી..!! ખેર, જે મુદ્દો અમને રડાવતો’તો ઇ હતો પાણી ભરવાનો સમય..!! મ્યુનિસિપાલિટીનાં પાણીનો સમય હવારનાં પાંચ વાઇગાનો હતો. અમે ત્રણ હતા એટલે પાણી ભરવાનાં વારા રાઇખા’તા. અઠવાડિયામાં દરેકે ઓછામાં ઓછુ ત્રણ વાર ઉઠવું પડતું એટલે મહીનામાં બાર વાર..!! એટલે અમારો વારો રવિવાર કે જાહેર રજાને દિવસે પણ આવી હકતો. તમે જ વિચારો કે રજાના દિવસે હવારનાં પાંચ વા’ગે ઉઠીને પાણી ભરવું એટલે? અને ઇ વધારે કઠે શિયાળામાં..!!
પાણી ભરવાની સિસ્ટમ કાંઇક આવી હતી. બાથરૂમમાં નળ હતો, અને ઇ નળમાંથી પાઇપ મુકવાનો બાથરૂમની બા’ર રાખેલા કેરબામાં .!! અને જ્યાં હુધી બધાય કેરબા (દસ – દસ લિટરનાં પાંચ થી છ કેરબા) ના ભરાય ત્યાં હુધી ન્યાં ઊભા રે’વાનું. જો ક્યારેક પાઇપ થી કેરબા સુધી પાણી નો ચડે તો કેરબા એક પછી એક નળની નીચે રાખવાનાં ને ઊપાડી બાથરૂમની બાર મુકવાના..!!. રૂમનાં નિયમ મુજબ જો તમારો વારો હોય ને તમે ઊઠીને પાણી નો ભરી હકો તો તમારે બા’રથી પાણી મંગાવી આપવાનું. આશરે ૧૦૦- ૧૫૦ રૂપિયાનો ખર્ચ થાય હવાર-હવારમાં..!! પાણીનું પીપ ઠલવવાવાળાને ફોન કરી કરીને પાણી મંગાવવાની ઝંઝટ કરવાની ઇ અલગ..!!
ઇ સિવાય બીજો હળગતો મુદ્દો ઇ હતો કે ટોયલેટ સોસાયટીનાં કોમન હતા. હવારમાં ઘરમાંથી પોતાની પાણીની નાનકડી બાલટી લઇ ને જાવું પડતું. બાલટી લઇને લાઇનમાં ઊભા રે’વામાં ઘણીવાર બહુ ભયંકર પરિસ્થિતિ ઊભી થાતી, મતલબ કે પ્રેશર વખરે વારાની રાહ જોવી પડે ઇ પથ્થરની ખાઇણમાં કામ કરવાથી ઓછું અઘરૂ નથી..!! આ સમસ્યાને પાણી ભરવાની સમસ્યાની હારે પણ જોડી હકાય. વિચારો કે કોઇ’દિ કોઇથી પાણી ભરતાં રૈગ્યું ને બારથી પાણીની સપ્લાય મળવામાં થોડો ટાઇમ લાગે એમ હોય, અને બીજી બાજુ ઇ જ ટાઇમે કોઇને પ્રેશર આઇવું હોય તો હું કરવાનું? ઇ થી પણ વધારે વિચારો કે કોઇને જાડા થઇ ગ્યા હોય તો હું કરવાનું? આમ તો અમે થોડી પાણીની જોગવાઇ તો રાખતા જ છતાંય જોખમ ને હાવ નકારી હકાય નઇ..!! ઘણા કિસ્સામાં પીવાનાં બિસ્લેરી પાણીનો ભોગ પણ આપેલો હતો...!! પણ, મને ઇ સમસ્યાથી ક્યારેય ડર નો લાગતો કેમ કે મને ક્યારેય જાડાનો થાતા, મને તો હમેંશા માટે કબજીયાતની તકલીફ રે’તી. અને બીજી વાત મારો ટોઇલેટ જાવાનો ટાઇમ થોડો વિચિત્ર હતો, બપોરે જૈમા પછી..!! અને ઇ સમયે વધારે પડતો હું બાર જ રે’તો એટલે પબ્લિક ટોઇલેટ જ વાપરતો, પે એન્ડ યુઝ...!! મેં બહુ ઓછી વખત ઇ નાનકડી બાલટી લઇને ટોઇલેટ જવાનો રિવાજ પાઇડો હૈશે.
ઇ ફર્નિચર વગરની ખોલીમાં અમારે હજી એક નાનકડો ઓછો હળગતો મુદ્દો હતો પણ મને નથી લાગતું કે તે આયા કે’વાની જરૂર છે. હારૂ હાલને કઇ જ દઉં છું. અમારે ગરમ પાણીની સગવળતા નો’તી. ગીઝર, સોલાર કે વોટર હીટર વહાવેલા નો’તા. એટલે અમારે વરહનાં તણસો પાહાંઇઠ દિઠંડા પાણીથી જ ના’વું પડતું.
[૨]
ખેર, અમે તણ વરહ ઇ ખોલીમાં કાઢી નાઇખા’તા. આખરે અમે ખોલી છોઇડી. હાલમાં જ અમે નવી ખોલીમાં શિફ્ટ થ્યા, અને ઇ જ ચાલમાં પણ પે’લા માળે..!! ફરક એટલો હતો કે પે’લામાળની ખોલીઓ થોડી મોટી હતી. બેય ખોલીયુંનાં માલિક એક જ હતા. નવી ખોલીમાં શિફ્ટ થવા માટેનાં મુળભુત કારણો નીચે મુજબ હતા:
૧. નવી ખોલીમાં બાથરૂમની ઉપર માળીયામાં ૫૦ લિટરની પાણીની ટાંકી હતી. હાઈભળું તમે? પાણીની ટાંકી હતી. જે હળગતો મુદ્દો હતો ઇ હોમાઇ જવાનો હતો. સુત્રધારની ધરપકડથી અનામતની માંગણી થોડી શાંત થવાની હતી, મતબલ કે પેલી ખોલીની જેમ હવારે પાણીનાં કેરબા ભરવાની જવાબદારીમાંથી છુટી હકાય એમ હતું...અમારે ખાલી હવારે પાણીની મોટરની ચાપ ચાલુ કરવા માટે જ ઊઠવાનું અને એક કલાક પછી બંધ કરવા માટે..!! મકાન માલિકનાં મત પ્રમાણે ખાસ્સું મેનેજેબલ હતું કારણ કે એક કલાકની અંદર ટાંકી ફુલ થઇ જાતી.
૨. બાથરૂમમાં વેસ્ટન ટોયલેટ પણ હતું જેથી અમારે હવે સોસાયટીનાં સંડાસ હામે લાઇન લગાડીને ઊભા રે’વાની જરૂર પડે એમ નો’તી. ઉપરનાં માળવાળાને પણ અંદર ટોયલેટ નો’તા. આ તો અમારા મકાન માલિક એક વાર પડી ગ્યા’તા અને પગમાં ફેક્ચર આઇવું’તું ઇ સમય દરમિયાન એણે બાથરૂમની અંદર વિદેશી ટોઇલેટ બનાવરાઇવું’તું. બાકી સામન્ય રીતે ટોઇલેટ આખી ચાલનાં કોમન જ હતા.
૩. બાથરૂમમાં ગિઝર હતું. પાછું હાઈભળું તમે? ગીઝર પણ હતું એટલે અમારે હવે બારેમાસ ઠંડા પાણીથી ના’વુ નઇ પડે ઇ વાત પાક્કી હતી.
૪. અને ઉપરથી થોડુ ઘણું લાકડાનું ફર્નિચર પણ ઘરમાં હતું જેવું કે દિવાલમાં બનાવેલો લાકડાનો કબાટ, ટીવી સ્ટેંડ, શોકેસ, અને બીજું થોડુ ઘણું... બધી વસ્તુઓ હચવાઇ જાય એમ હતું.
ખાલી તણ હજાર વધારે ભાડું ચુકવતાં અમને આટલી બધી સગવળતાઓ ફ્રી મૈળી’તી. આમારા જુના ઘરની હાવ ઉપર જ હતું એટલે આડોશ પાડોશ પણ જાણીતો જ હતો અને અમે અમારા જુનાં કામવાળા મંગેશને પણ રાખી હૈકા’તા. ખોલી થોડી મોટી હતી એટલે હવે રૂમમાં રે’વાવાળાની સંખ્યા પણ વધારી હકાય એમ હતું જેથી કરી માથાદીઠ ખર્ચો ઓછો થઇ હકે એમ હતો. બીજા બે લઠ્ઠાઓ મળી પણ ગ્યા’તા જે એક-બે દિવસમાં શિફ્ટ થવાનાં હતા.
એક રવિવારની હાંજે અમે શિફ્ટ થઇ ગ્યા. શિફ્ટીંગમાં ખાસ કાંઇ હતું નઇ કેમ કે એક માણસની વધીને બે-તણ બેગુ હતી. બે ફેરામાં સામાન શિફ્ટ થઇ ગ્યો’તો. જુની રૂમમાં સગવળતાઓની તો કોઇ વસ્તુઓ જ નો’તી કે જેમાં વાર લાગે...!! ખેર, એ દિવસની હાંજ તો ઉત્સાહમાં અને ઉત્સાહમાં પસાર થઇ ગઇ’તી. મેઇન રૂમમાં એક લાકડાની સેટી હતી અને રહોડું કમ નાનો રૂમ હતો જેમાં એક નાની સેટી હતી. બેય દોસ્તારૂ અલગ-અલગ સેટી પર હુઇ ગ્યા’તા અને હું નીચે હુઇ ગ્યો. એ રાતે નિંદર પણ બરાબર આવી ગૈ’તી, પણ અડધી રાત્રે ઊડી પણ ગૈ’તી
[3]
શિફ્ટ થઇ ગ્યા એના બીજા દિવસે એટલે કે સોમવારે હાંજે હું બેય રૂમ પાર્ટનરૂની આતુરતાપૂર્વક રાહ જોતો’તો. નવી ખોલી માટે જે વિચાર્યું’તું એનાથી સમીકરણો ઉંધા પૈડા’તા. હું ઘરમાં આપેલી સગવળતાઓથી ખુશ નો’તો. હાચુ કવ તો રૂમમાં ખાલી નામની જ સગવળતાઓ હતી. નીચેની બાબતો પર ચર્ચા કરવી પડે એમ હતી, જે મુદ્દાઓ આજે હવારે (રૂમની પે’લી જ હવારે) હામે આઇવા’તા.
૧. બાથરૂમની ઉપર પાણીની ટાંકી તો હતી પણ મ્યુનિસિપાલિટીનાં પાણીનો ફોર્સ એટલો નો’તો કે ટાંકીમાં હાથે પાણી ચડી જાય. ઉપરાંત પાણીની મોટર પણ પાણી ઉપર ચડાવવા પુરતી સક્ષમ નો’તી. પાણીતો ચૈડું’તું પણ બે જણ પુરતું જ! અને આને લીધે અમારી સમસ્યાનો હલ નીકળ્યો નો’તો. સુત્રધારની ધરપકડ થઇ ગયા છતાંય અનામતની માંગણી તો જારી જ રૈ’તી, મતબલ કે અમારામાંથી કોઇએ હરરોજ ઉઠવું જ રહ્યું અને પાણીનાં કેરબા ભરવા પડે એમ હતા. વારા પાછા નક્કી કરવા પડે એમ હતું..
૨. બાથરૂમમાં ટોઇલેટનાં કમોડનો ફ્લશ ખરાબ હતો. મતબલ કે એકવાર ટોઇલેટ ગ્યા પછી ડોલું ભરીને પાણી નાંખવુ પડે એમ હતું. બીજું કે ટોઇલેટ બાથરૂમમાં હતું ઇ જોયુ’તું પણ કાંઇક આવું થાહે ઇ આઇડીયા નો’તો. વાત એમ હતી કે ટોઇલેટ અમારે બહાર જ જવું પડે એમ હતું કારણ કે અંદર ટોઇલેટ ગ્યા પછી ગંધ એટલી આવતી’તી કે ઓછામાં ઓછી અડધી કલાક હુધી તો એમા ના’વા જઇ શકાય એમ જ નો’તુ. હવે પરિસ્થિતી વધારે ખરાબ થવાની હતી કારણ કે અમારે પે’લા માળેથી ડોલ લઇને નીચે આવવું પડે એમ હતું. આ બાબત પર હું વધારે ચિંતીત નો’તો પણ પ્રકાશ તો પાડવો જ ર્યો’તો.
૩. બાથરૂમમાં ગીઝર તો હતું પણ ગીઝર એની પુરી કેપેસિટીથી કામ કરતું નો’તું. ગીઝર ચાલુ કૈરા પછી અડધી કલાક હુધી ગરમ પાણી આવતું નો’તુ. અમારી પાસે વ્યક્તિ દીઠ અડધી કલાક રાહ જોવાનો સમય રે’તો નો’તો. અને રાહ જોવા છતાંય એટલુ ખાસ ગરમ પાણી આવતું નો’તુ.
૪. ફર્નિચર તો અમને મૈળું’તુ પણ પ્રચંડમાંકડોના પ્રકોપ હારે..!! માંકડ બહોળી સંખ્યામાં પરિવારું હારે વસેલા હતા. પહેલા તો અમારે પેસ્ટ કન્ટ્રોલ કરાવવું પડશે એમ જણાતું’તું. એના માટે અલગથી પૈસા ખરચવા પડે ઇ વાતને નકારી હકાય એમ નો’તી.
ઇ રૂમમાં પે’લા મકાન માલિક પોતે જ રે’તા, સુશીલા આંટી. ઇ એક નિવ્રુત ટીચર હતા અને ઘરમાં એના કુંવારા દિકરા હારે રે’તા. એના દિકરાનાં લગન થઇ જતા બોરીવલીમાં મોટો ફ્લેટ લિધો અને એમાં શિફ્ટ થઇ ગ્યા’તા. પહેલા ખાલી નીચેની રૂમ ભાડા પર આઇપી’તી પણ હવે પોતાની રૂમ અમને ભાડે આપી દીધી’તી અને નીચેની રૂમ માટે પણ ભાડુત ગોતી લીધો’તો.
હું ધુંવા-ફુંવા થાતો રૂમમાં આમ થી આમ આંટાં મારતો’તો. અમારી હારે પ્રપંચ થ્યો’તો અને ઇ પ્રપંચ જેવો પાંડવો હારે સકુનીએ કૈરો’તો એનાથી જરાય ઓછો નો’તો..!! અમારી પણ દ્રૌપદી લુંટાઇ ગઇ’તી..!!
થોડીવારમાં મારા દોસ્તારૂ આઇવા અને ઇ લોકો બુટ કાઢે ઇ પે’લા મેં ઉપરનાં મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની ચાલુ કરી દિધી....
“હું છે આ બધું?” મેં ગરમ થઇને કિધું, એક પણ સગવળતા કાંઇ કામની નઇ?”
ઇ લોકો પરિસ્થિતીથી વાકેફ તો હતા જ પણ હમજાતું નો’તુ કે હવે હું કરવાનું હતુ? વધારે હવે હું થઇ હકે એ વિચારવાનું હતું.
બુટ કાઢીને અંદર આઇવા.
“ચાલે યાર... “ જીગર (પહેલો રૂમ પાર્ટનર) કે’વા ગ્યો પણ મેં ન્યાં જ એની વાત કાપી નાખી
“હું હાલે? આંટીએ કિધું’તુ કે આપડે વે’લા નઇ ઉઠવું પડે ને જોયુ ને? આજે પે’લા જ દિવસે આપણે પાણી મંગાવવું પૈડું. પે’લા જ દિવસે ૧૫૦ રૂપિયાનો ધુંવાડો..!! ઇ લોકો બે જ રે’તાતા એટલે જેટલું પાણી ટાંકીમાં ભરાતું એટલાથી એને થઇ રે’તુ. આપણે પાંચ હોઇશુ. પાણીની મોટર જેટલું પાણી ખેંચી હકે છે એટલાથી આપણને નઇ થાય. આપણે હરરોજ પાણી મંગાવવુ પડશે. નહીતર વહેલા ઉઠવું પડશે અને જે નીચેની રૂમમાં કરતા’તા ઇ જ કરવું પડશે. અને જો ઇ જ કરવાનું હોય તો પછી નવા ઘરથી હું ફરક પૈડો? ઉપરથી તણ હજાર વધારે..!!” મેં ચોખવટ કરી
“કે.કે. ની વાત તો સાચી છે...” નિશાંતે (બીજો રૂમ પાર્ટનર) મારો સાથ પુરાઇવો
“આજે પહેલો જ દિવસ છે, થોડા દિવસો ટ્રાય કરીયે પછી કાંઇક નક્કી કરીયે...” જીગરે નમ્રતાથી કિધું
“હુ થોડા દિવસો? આજે પાણી ના ચઇડું તો પછી કાલે કેમ ચડવાનું..!! પાણીની મોટરમાં કોઇ દૈત્ય શક્તિ આવી જાવાની કે પાણી ચડી જાય?” મેં વિરોધ દર્શાઇવો.
“નીચેની રૂમમાં હતા એ કેરબા લેતા આવશું...” જીગરે સુઝાવ મુક્યો કે જે મે હાવ નકારી કાઢ્યો.
“એનાથી સમસ્યાનું સમધાન નઇ થાય. આપણે હવારે ઉઠવાનું જ રહ્યું. મોટરથી જેટલુ પાણી ચડે છે ઇ બે જણ પુરતું જ મર્યાદિત છે. બાકીના લોકો માટે પાણીનું હું? હવારમાં પાણી ભરવાનાં વારા રાખવા જ પડશે. આ ડીલ આપણને મોંઘી પૈડી...” મેં કિધુ
“કે.કે. તું શાંતિ રાખ... કાંઇક ને કાંઇક રસ્તો નીકળશે...” જીગરે શાંતિથી કિધુ
“તંબુરો શાંતિ રાખું? ટોઇલેટ પણ ખરાબ છે, ગીઝર હાલતું નથી. વધારે પૈસા આપવા છતાંય આપણે ડોલ લઇ ને હવાર- હવારમાં લાઇન લગાડવાની...” મે કિધુ
“આમ પણ તું તો બહાર જ જાય છે ને?” નિશાંતે ટપકું મુઇકું અને બેય હૈસા.
“આંયા વાતનો મુદ્દો ઇ નથી. આંયા મુદ્દો ઇ છે કે આપણે જે ચુકવીયે છે એની હામે આપણને સગવળતાં મૈળી નથી. અને હળી ગયેલું ગીઝર પણ ચાલતું નથી...”
મેં કિધું
“આપણે આમેય અત્યાર સુધી ઠંડા પાણીથી જ નહાતા હતા ને?” જીગરે દલિલ કરી
“આંયા વાતનો મુદ્દો ઇ પણ નથી. આંયા વાતનો મુદ્દો ઇ છે કે આંટીએ આપણને કિધું’તુ કે ગીઝર હાલે છે. પણ આ ગીઝર તો આંટી કરતા પણ ધીમું હાલેશ. હડેળી ડોહીએ આપણને મૂરખ બનાઇવા...” મેં ઉગ્રતાથી કિધું.
“હમમ...સાચી વાત છે...” નિશાંતે મને સમર્થન આઇપુ. ક્યારેક નિશાંત વિપક્ષ પાર્ટીનો હોય એવું લાગતું.
“અને એની માને માંકડ..અને એનું હું કરવાનું? આખા ફર્નિચરમાં માંકડ છે. આપણે હજી જુના ઘરમાં પેસ્ટ કંન્ટ્રોલ કરાઇવુ’તું અને હવે પાછુ આંયા પણ કરાવવાનું? ત્યાં તો પેસ્ટ કંટ્રોલનાં પૈસા વસૂલ પણ નો’થ્યા અને હવે આંયા પણ ચુકવવાના. પાછો ઓછામાં ઓછો એક હજારનો ધુમ્બો...” મેં કિધું.
“ચિંતા ન કર દોસ્ત. કાંઇક મેનેજ કરશુ..” જીગરે શાંતિથી જવાબ આપ્યો.
“કેમ ચિંતા નો કરૂ? અને કેટલું મેનેજ કરવાનું? પૈસા દઇને પણ મેનેજ કરવાનું?” મેં મારા સ્વભાવ પ્રમાણે જવાબ આઇપો, “...આખી રાત માંકડ લોહી પીહે...”
“શાંતિ રાખ, કેકે...” જીગરે થોડા ઊંચા અવાજે કિધું અને ઉમૈરું “મગજની પથારી ન ફેરવ. તે ક્યારે રૂમનાં ભાડાનાં પુરા પૈસા આપ્યા છે તે આટલો તમાશો કરે છે? છેલ્લા બે મહિનાંનો નીચેનાં રૂમનાં ખર્ચાનો ભાગ હજુ તે ચુકવ્યો નથી. અને પેસ્ટ કંટ્રોલનાં તે અત્યાર સુધી ક્યારે પૈસા આપેલા છે એ મને યાદ કરાવ. એક તો મફતમાં રહેવું છે અને ઊપરથી કચકચ કરવું છે? કચકચિયો...! તને આ બધા મુદ્દાઓ માટે બોલવાનો કાંઇ અધિકાર નથી... ટોટલ ૧૪000 તારે હિસાબનાં આપવાનાં બાકી છે. પહેલા એ સેટલ કર અને પછી વાત કર” જીગરે કિધું અને હું થોડીવાર ચુપ થઇ ગ્યો.
હું નિરાશ થઇ ગ્યો. મારી વાતુંથી ઇ લોકોને વધારે ફરક પડતો નો’તો. એ લોકો મહિને ૨૫ થી ૩૦ હજાર કમાતા’તા જ્યારે હું માંડ ૧૫ હજાર કમાતો’તો. ચાર વર્ષ પે’લા જુનાગઢમાં ચાની ભુક્કીનાં જથ્થાબંધ વેપારીને ન્યાં એકાઉન્ટની નોકરી કરતો’તો. કોઇએ મને મુંબઇ આવીને ઘર બેઠા કામ કરવાનો ધંધો હુજાઇડો હતો. ૪૦ હજાર ભરીને પે’લા મેમ્બર બનવાનું પછી મેમ્બરૂ બનાવવાનાં. લોકો કે’તાતા કે હજારો લોકો આ ધંધાથી કરોડપતિ થઇ ગ્યા’તા. પોતાના રેગ્યુલર નોકરી – ધંધા છોડીને પણ લોકો આ ધંધામાં જોડાયા’તા. આપણે એકવાર ૪૦ હજારની ફિક્ષ ડિપોઝીટ લેવાની, પછી લોકોને પણ ફિક્ષ ડિપોઝીટ લેવાનું માર્કેટીંગ કરવાનું, એ લોકો પણ માર્કેટીંગ કરે અને આગળ એક હાંકળ બને. જેમ–જેમ તમારી નીચે મેમ્બરૂ બનતા જાય એમ તમને કમિશન મળતું જાય. ઇ બધા પૈસાનું રોકાણ થાતું’તું. મેં કેટલા બધા મેંમરૂ બનાઇવા’તા. ૮૦ હજારનું કમિશન મળી પણ ગ્યું’તુ અને બે લાખ જેવું જમા થઇ ગ્યું’તું. બહુ હારૂ હાલતું’તું. અને અચાનક એક દિવસ ઇ કંપની બંધ થઇ ગઇ અને મારી તણ વરહની મેનત પાણીમાં ગઇ. લાખો રૂપિયાનું બુચ મારીને કંપની ઊઠી ગઇ. રામ જાણે પૈસા ક્યાં નાઇખા’તા. આ બાજું આંયા મારી પાર્ટી પણ ઊઠી ગઇ. હું નાગો થઇ ગ્યો. પછી મેં મોબાઇલનાં એક શોરૂમમાં ૮ હજાર પગારે નોકરી લીધી અને ન્યાં મને હું જેટલા મોબાઇલ વેચું એની કિંમત ઊપર બે ટકા કમિશન પણ મળતું. ન્યાંથી બીજા શોરૂમમાં નોકરી બદલી અને પગાર અગિયાર હજાર થઇ ગ્યો અને મહિને ચાર – પાંચ હજાર કમિશન આવતું થઇ ગ્યું. આમ મહિને ૧૫ હજાર થઇ જાતા. જુની રૂમનું ભાડું ૧૨ હજાર હતું એટલે મારા ભાગમાં ચાર હજાર આવતા’તા એટલે કે મારા કમિશનનો ભાગ ભાડું ભરવામાં વપરાઇ જાતો. નવી રૂમનું ભાડું ૧૫ હજાર હતું. પાંચ જણ રે’વાનાં હતા એટલે મારા ભાગમાં તણ હજાર આવવાનાં હતા.
ઉપરાંત, આવી બાબતોથી મને વધારે એટલે ફરક પડતો’તો કેમ કે મારાથી ખોટું સહન નો’તુ થાતું. આંટીએ જે ભાડું માઇંગુ (પંદર હજાર પુરા) ઇ અમે ચુકવવા તૈયાર થ્યા તોય આંટીએ જે સગવળતાનાં વચનું આઇપા’તા એના પર ખરા નો ઉતૈરા. આંટીની જવાબદારી હતી કે અમને ઘર પેસ્ટ કંટ્રોલ કરીને આપવું, ગીઝર અને ટોઇલેટ ફ્લશ રીપેર કરાવી આપવું, પાણીની મોટર બીજી નખાવી આપવી. તમામ સુવિધાઓ પુરી પાડવી જોઇતી’તી. પંદર હજાર રૂપિયા ભાડું લીધુ’તું.
“હું ૧૪ હજાર આપી દઇશ” મેં કિધું
“ઇટ્સ ઓકે, કેકે” જીગરે કહ્યું. એમ તો દિલનો હારો હતો.
“પણ અત્યારે,તમે લોકો શાંત કેમ છો?” મેં પાછી વાત ઊપાઇડી
“તો હવે શું કરવાનું છે, માર બાપ?” જીગરે હાથ જોડત કિધું
“આંટીને ફોન કરો ને આ બધા મુદ્દા ક્યો” મે કિધું ને ઉમેઇરુ “ભાડું ઓછું કરાવો કાં તો બધી સગવડતા કરાવી દેવાની માંગણી કરો”
“આંટી મોટી ઉંમરના છે, આવું ન કહેવાય” જીગરે જવાબ આપ્યો
“કેમ નો કે’વાય? બધુ કેવાય” મેં કિધું “સાલી ડોહી, મુર્ખ બનાવી ગઇ”
બેયે એક બીજાની હામે જોયું ને શાંત ર્યા.
“તમને લોકોને શોખ હતો આંયા આવવાનો. મેં તો ના જ પાઇડી’તી” મે ઉમેઇરું
[૪]
થોડીવાર શાંતિ રઇ. ઇ લોકોને ફોન કરવાનો પ્લાન વ્યાજબી નો’તો લાગતો. અને હું ઇ લોકોની ફોન કરવા માટે સતત મેથી મારતો’તો..!! અમારી વચ્ચે આ બાબત પર રકઝક હાલતી’તી એવામાં જીગરનો ફોન વાઇગો.
“સસસ...શાંતિ રાખો. આંટીનો જ ફોન છે. આ ડોસી સો વર્ષ જીવશે” જીગરે કિધું
એણે આંટીનો ફોન ઉપાઇડો એટલીવાર અમે એની હામે જોતા’તા.
“હાં આંટી, ઓહો આંટી, શું વાત કરો છો આંટી? અરર આંટી. હવે શું કરવાનું આંટી? ઓહો...ઓકે આંટી. ઠીક છે આંટી...હું ચર્ચા કરીને ફોન કરૂ છું...” જીગરે આટલુ કહી ફોન મુઇકો.
અમે બેય એની હામે તાકતા’તા.
“શું થયું?” નિશાંતે પુછ્યું
“આંટીએ કીધું કે...” જીગરે અચકાતા કિધું
“હું કિધું?” મે અધિરાઇથી પુઇછુ
“આંટીએ કિધું કે ત્રણ દિવસની અંદર આ ઘર ખાલી કરી આપવું પડશે...” જીગરે ઘટષ્ફોટ કૈરો
“કેકેકે...મ?” મેં અને નિશાંતે એક હારે પુઇછું.
“આંટીએ કહ્યું કે બીએમસી એટલે કે બોમ્બે મ્યુનિસિપાલીટી કોર્પોરેશનની નોટીસ આવેલી છે... આ બિલ્ડીંગ રીનોવેશન માટે ખાલી કરવાની છે. અગાઉથી ઘણી બધી નોટીસો આવી ગયેલી છે પણ કોઇ ઘર ખાલી કરવામાં માનતું ન હતું. પણ, આ વખતે આ ફાઇનલ નોટીસ છે. આ વખતે માત્ર ત્રણ દિવસની મુદત આપી છે. અને જો ચાલ ખાલી કરી દેવામાં નહી આવે તો મકાન માલિકો પર કાયદેસરનાં પગલા લેવામાં આવશે. એટલે આંટીએ આપણને ફાઇનલ નોટીસ આપી દિધી છે”
મારા માટે ભાવતું’તું અને વૈદે કિધુ એવી સ્થિતી હતી. હું આમ પણ આ ઘરથી સંતુષ્ટ નો’તો. ઘર ગ્યું ઇ બાબત પર મને કાંઇ વધારે ફરક પડતો નો’તો અને ઇ બેયને ખુબ જ પડતો હતો કારણ કે નવું ઘર ગોતવું ઇ એક બીજો હળગતો મુદ્દો હતો કે જે ભારતની સરકાર માટે ઝવેરીઓ પાસે એક્સાઇસ ડ્યુટી ભરવા માટે મનાવવા જેવો જ અઘરો હતો.
હું મનોમન હૈસો...
*** ખતમ ***