Ladki in Gujarati Short Stories by Vihit Bhatt books and stories PDF | લાડકી

Featured Books
Categories
Share

લાડકી

લાડકી...

માતૃવંદના વિદ્યા મંદિરમાં આજે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરાયેલું હતું. ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધાઓનો મુખ્ય વિષય હતો ‘ભ્રૂણહત્યા’. માતૃવંદના વિદ્યા મંદિર શહેરના પ્રતિષ્ઠિત એવા ઇન્દ્રપ્રસ્થ કેમ્પસમાં આવેલી પ્રાથમિક શાળા હતી જેમાં શહેર તથા જીલ્લાના મોટાભાગના ગામડાઓમાંથી બાળકો ભણવા આવતા. ઇન્દ્રપ્રસ્થ કેમ્પસમાં પ્રાથમિકથી માંડીને મેડીકલ તથા એન્જીનીયરીંગ સુધીના અભ્યાસક્રમો ચાલતા હતા. આટલા મોટા કેમ્પસમાં સ્પર્ધાઓનું આયોજન હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. કેમ્પસના મોટા એવા ગ્રાઉન્ડમાં એક ભવ્ય શમિયાણાની હેઠળ એક મોટો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. સ્ટેજને કુદરતી તથા કૃત્રિમ ફૂલો અને સુશોભનની અન્ય સામગ્રીઓ વડે સુશોભિત કરવામાં આવેલો હતો. આવા શમિયાણા હેઠળ વિદ્યાર્થીઓના વાલીઓ સિવાય આમંત્રિત કરાયેલા મહેમાનોની હાજરી કાર્યક્રમની શોભા વધારતી હતી. રમત જગત, મનોરંજન અને રાજકારણની જાણીતી હસ્તીઓ સ્ટેજ ઉપર પોતપોતાના સ્થાને બેઠક લેવા લાગી. તેમને જોઇને વિદ્યાર્થીના વાલીઓ અને શહેરની જનતા પણ શમિયાણા હેઠળ આવેલી ખુરશીઓ પર બેઠક લેવા લાગી અને જાણે કાર્યક્રમ શરૂ થયાનો ઈશારો મળી ગયો.

“આમંત્રિત મહેમાનો, કેમ્પસના મહાનુભાવો અને શ્રોતાગણ પોતપોતાની જગ્યાએ બેઠક લઇ લે. કાર્યક્રમ હવે થોડી જ વારમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ.” સ્ટેજ પર રહેલા માઈકમાંથી એન્કરે ઘોષણા કરી એટલે બાકીના લોકોએ ખુરશીઓ પર બેઠક લઇ લીધી અને શમિયાણા હેઠળ ચારે કોર શાંતિ છવાઈ ગઈ. એન્કર દ્વારા મુખ્ય મહેમાનો, ઉપસ્થિત સૌ અન્ય મહેમાનો અને શ્રોતાઓના સ્વાગતની ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત વકતૃત્વ સ્પર્ધાથી કરવામાં આવી જેમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એક પછી એક પોતાનું વકતૃત્વ પૂર્ણ કરીને સ્ટેજ પરથી જવા લાગ્યા હતા. જેવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતપોતાનું વક્તવ્ય પૂર્ણ કરીને સ્ટેજ પરથી જતા એની સાથે જ વાલીઓ અને આમંત્રિત મહેમાનો એમને તાળીઓના ગડગડાટથી વધાવી લેતાં.

કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું વક્તવ્ય પૂર્ણ થયા બાદ સ્ટેજ પર એક ‘દિવ્યાંગ’ વિદ્યાર્થીનીએ આગમન કર્યું. બીજા કોઈપણ વ્યક્તિનો સહારો લીધા વિના માત્ર કાંખઘોડીની મદદથી એ વિદ્યાર્થીની સ્ટેજ ઉપર ચડવા લાગી. તેને જોઇને શ્રોતાઓમાં કેટલાકના મુખમાંથી નિસાસાઓ સરી પડ્યા. સ્ટેજ પર આવ્યા બાદ માઈક સરખું કરીને તેણે બોલવાનું ચાલુ કર્યું.

“આદરણીય ગુરુજનો, વાલીઓ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, સૌને મારા સાદર નમસ્તે, મારું નામ આશા છે. હું માતૃવંદના વિદ્યામંદિરના સાતમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. ભ્રૂણહત્યા વિષયને લઈને આજે મારે તમારી સામે કેટલીક વાત કરવાની છે. હું શરૂઆત મારાથી જ કરવા જઈ રહી છું. મારી દિવ્યાંગ પરિસ્થિતિને જોઇને કેટલાક લોકો મારા પર દયાભાવ દર્શાવે છે. પરંતુ એ વિષે માંડીને વાત કરું તો અપંગતા મનને નિર્બળ બનાવે છે આપણે મનથી નિર્બળ હોઈશું તો જ અપંગતા આપણા વિકાસમાં બાધા ઉત્પન્ન કરી શકશે. આપણે શારીરિક રીતે ભલે અપંગ હોઈએ પરંતુ જો મનથી મક્કમ રહીશું તો શારીરિક અપંગતા દ્વારા ઉભી થતી મર્યાદાઓનું પ્રમાણ ખુબ ઘટી જશે. હું શારીરિક રીતે અપંગ ભલે હોઉં પરંતુ મનથી મક્કમ હોવાના લીધે મારી ઉપર કોઈએ દયાભાવ દેખાડવાની જરૂર મને નથી જણાતી.” દિવ્યાંગ વિદ્યાર્થીની આશાના આ વિધાનને સૌ લોકોએ તાળીઓથી વધાવી લઇને માન આપ્યું. તાળીઓ બંધ થયા પછી થોડીવાર માટે શમિયાણા હેઠળ સન્નાટો છવાઈ ગયેલો હતો, સોય પડે તો એ અવાજ આવે એવો સન્નાટો.! સ્ટેજ પર હાજર રહેલા સૌ મહેમાનો સહીત સમસ્ત વાલીગણ અને અન્ય શ્રોતાગણ આશાની કોકિલકંઠી વાણી સાંભળવા માટે મંત્રમુગ્ધ બન્યા હતા. તેના વાણીની મિઠાસ અને ભાષાની શુધ્ધ્તાએ સૌને તેનું વક્તવ્ય સાંભળવા માટે રીતસરના વશીભૂત કર્યા હોય એમ સૌ કોઈ ફક્ત અને ફક્ત તેનું આગળનું વક્તવ્ય સાંભળવા અધીરા બન્યા હતા. થોડા સમયના અંતે આશાએ ફરી બોલવાનું ચાલુ કર્યું.

“બેટી બચાઓ અભિયાન અને ભ્રુણ હત્યા વિષયને સલંગ્ન એક વાત તમારી સમક્ષ મુકવા માંગું છું. મારે તમને એક છોકરીની વાત કહેવાની છે. આજથી બાર વર્ષ પહેલા એ છોકરીનો જન્મ થયો હતો. ખુબ નાની ઉમરથી જ તેને ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેનો જન્મ થયો ત્યારે આખાયે ઘરમાં ઉદાસી છવાઈ ગઈ હતી. એની પાછળનું કારણ શું હતું.? બસ એ જ... જુનું અને જાણીતું.! ઘરમાં ચાર ચાર દીકરીનું આગમન થયા પછી પણ દીકરો ઝંખતા પરિવારના ઘરે ફરી એકવાર દીકરીનું જ આગમન થયું હતું. પુત્ર લાલસા પાછળ પાગલ બનેલા કઠણ કલેજાના પિતાએ પાંચમી દીકરીના જન્મને લઈને આવેશમાં આવી જઈ એક ખુબ મોટો નિર્ણય લઇ લીધો...નવી અવતરેલી દીકરીને દૂધ પીતી કરવાનો...તેને જાનથી મારી નાખવાનો.!” ગંભીર સ્વરે બોલતી આશાની આંખોમાં નમી હતી. તેનો કંઠ જાણે સુકાવા માંડ્યો હતો. સૌ કોઈ તેને એક્ચીતે સાંભળતા હતા. કેટલાક લાગણીઓ ભીના કલેજાની હૈયાવરાળ પણ અશ્રુધારાના સ્વરૂપે ટપકવા લાગી હતી.

“આમ ન થવા દેવા માટે દયામુર્તી માતાએ પોતાના પતિદેવ અને સાસરીયા સામે રીતસરનું યુદ્ધ છેડ્યું. પોતાની પરીને બચાવવા માટે નાની દીકરીને લઈને ઘરેથી એ ભાગી નીકળી. ખાધા પીધા વગર પોતાના માર્ગે આગળ વધતા રસ્તામાં એક જગ્યાએ ઠોકર વાગવાના લીધે માસુમ બાળા માતાના હાથમાંથી છટકી ગઈ. આ દરમ્યાન લાગેલા કેટલાક ઊંડા ઝખ્મોએ એ બાળકીને હમેશા માટે અપંગ બનાવી દીધી.” આટલું બોલતા આશાના ગળે ડૂમો બાજી ગયો હતો. તેની આંખમાંથી પડતા આંસુઓના ટીપા છેક છેલ્લે બેઠેલા શ્રોતાગણ પણ સ્પષ્ટ જોઈ શકતા હતા. કઠણ કાળજાનો માણસ પણ રડી પડે એવી આશાની બોલવાની છટા હતી.

“કેટકેટલાએ વિઘ્નો પાર પાડ્યા બાદ સુરક્ષિત જગ્યાએ પહોંચીને માતાએ બેટીનો ઉછેર શરૂ કર્યો. પોતાની ફૂલ જેવી માસુમના ઉજ્વળ ભવિષ્ય ખાતર પોતે જાતે કમાઈને પોતાની દીકરીનો ઉછેર કરવા લાગી. આવું કરવામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે તેની આ દીકરી અપંગ બની હતી. પરંતુ દરેક બાધાને નજર અંદાઝ કરીને તેની માતાએ દીકરીનો ઉત્કૃષ્ઠ રીતે ઉછેર કરવામાં કોઈ કચાશ રહેવા ન દીધી. મા બધાને હમેશા કહેતી કે મારી લાડકી ને, મારી લાડકવાયીને હું એવી રીતે ઉછેરીશ કે જેથી કરીને એ સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકે. એ દિવસે બધાને સમજાઈ જશે કે દીકરી અને દીકરામાં કોઈ ફરક નથી હોતો, દીકરીઓ દીકરાઓ કરતા કોઈપણ ક્ષેત્રે પાછળ રહે એવી નથી હોતી. દીકરી તો પ્રેમનું ઝરણું હોય છે જે હમેશા બધાને ફક્ત શીતળતા જ આપે. માતા જયારે આવી શિખામણો લોકોને આપતી હોય ત્યારે તેની દીકરી આ બધું સાંભળ્યા કરતી. માતાની શિખામણો સાંભળવાના લીધે દિવ્યાંગ દિકરીનું મન મક્કમ બનવા લાગેલું. તે આત્મવિશ્વાસથી ભરપુર બની અને પોતાની અપંગતાની મર્યાદાઓને અવગણીને જીવનમાં આવનારી દરેક તકલીફોનો મક્કમતાપૂર્વક સામનો કરવા લાગેલી. દિકરીનું આવું વલણ જોઇને તેની માને પણ દિકરી પર ગર્વ થતો હતો. દિકરી માને હમેશા કહેતી હતી કે મા મને ઝિંદગી સામેની આ લડત લડવાની મજા આવી રહી છે. આ ઝિંદગી છે જે મને જીતવા નથી દેવા માંગતી અને બીજી હું છું જે હાર માનવા તૈયાર નથી. કોઈપણ પરિસ્થિતિમાં હાર માન્યા વગર, બેઠા ન રહીને, સતત મહેનત કરતા રહીને આગળ વધવું જોઈએ. કારણ કે આ દુનિયામાં પ્રગતિ કરવા માટે અને ટકી રહેવા માટે એ જ સૌથી અગત્યનું છે.” આશાનું વક્તવ્ય હવે પૂર્ણતાના આરે આવી પહોંચ્યું હતું.

“આવી દિકરીના ઉદાહરણ પરથી હું લોકોને એ જણાવવા માંગું છું કે લોકોમાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે અંધવિશ્વાસ નહિ.! આત્મવિશ્વાસ વિકાસનું કારણ બંને છે અને અંધવિશ્વાસ વિનાશનું. પેલી અપંગ દીકરી આવું કરી શકે એ એની માતાનો આત્મવિશ્વાસ હતો અને દિકરાઓ આવું કરી શકે દિકરીઓ ન કરી શકે એ આપણા સમાજનો અંધવિશ્વાસ છે જે સમાજના વિકાસને રૂંધી રહ્યું છે. અરરે બધાને પોતાની ઝિંદગી સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે એ પછી ભલેને દીકરો હોય કે દીકરી. સમાજમાં ઘણાબધા એવા ઉદાહરણો પણ પ્રસ્તુત હોય છે જેમાં જે દીકરાને લાડકોડથી ઉછેર્યો હોય એ જ દીકરો પોતાના લગ્ન થયા બાદ પોતાના માતાપિતાને ઘરડાઘરોમાં મોકલી દે. જયારે દિકરીઓ પોતાના પતિના માતાપિતાને પણ જતનથી સાચવે, તેનો આદર-સત્કાર કરે અને તેના પ્રત્યે સન્માનની ભાવના પ્રગટ કરે. તેમની સામે કદીય ઊંચા અવાજે વાત પણ ન કરે. હું બધાની વાત નથી કરતી, બંને કિસ્સાઓમાં કેટલાય અપવાદ પણ હોઈ શકે છે. દીકરી તો વહાલનો દરિયો છે એને જેટલું આપો એ એનાથી સો ઘણું તમને પાછું કરે છે. આટઆટલા ઉદાહરણો આપ્યા બાદ હજુ પણ મને એ નથી સમજાતું કે આપણો સમાજ દિકરીને સાંપનો ભારો શા માટે સમજે છે. શું સમાજ આંધળો છે કે પછી બહેરો-મૂંગો.? જ્યાં સુધી દીકરા અને દીકરીને એક સમાન નહિ ગણવામાં આવે, જ્યાં સુધી ગર્ભપરીક્ષણ દ્વારા બાળકીઓનું બાળમરણ અટકાવવામાં નહિ આવે, જ્યાં સુધી સ્ત્રીઓ પર અત્યાચાર થતા રહેશે, ત્યાં સુધી પૃથ્વીને સ્વર્ગસમી બનાવવી કોઈપણ હિસાબે શક્ય જ નથી. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. કઈ વધારે પડતું બોલાઈ ગયું હોય તો નાસમજ સમજીને માફ કરી દેશો. એ જ સાથે સૌને ફરીથી મારા સાદર નમસ્તે, તમારા સૌનો દિવસ શુભ રહે, સલામત રહે, જય ભારત, જય હિન્દ, અસ્તુ.” નિવેદન પૂર્ણ થતાંની સાથે જ ફરી એકવાર તાળીઓનો આ સભામાં પહેલા કદી ન થયો હોય એવો ગડગડાટ શરૂ થયો. મુખ્ય મહેમાનો, અન્ય મહેમાનો અને સૌ શ્રોતાગણ પોતાની બેઠક પરથી ઉભા થઈને આશાના વક્તવ્યને માન આપી રહ્યા હતા. આશાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું અને ફરી પોતાની કાંખઘોડી લઈને સ્ટેજ પરથી ઉતરવા લાગી. આ દરમ્યાન સ્ટેજ પર રહેલા કેટલાક કાર્યકરો તેની મદદ માટે આગળ આવ્યા પણ તેણે ફરી એકવાર કોઈનો પણ સહારો લીધા વગર સ્ટેજ પરથી ઉતરવાની પોતાની જીદ ન છોડી. આશા સ્ટેજ પરથી ઉતરી અને પ્રેક્ષકોમાં પોતાની માતા પાસે જઈને પોતાનું સ્થાન ન લીધું ત્યાં સુધી ચાલેલી તાળીઓ પણ તેના વક્તવ્યને માન આપવા પુરતી નહતી જ.

“મને એ બાબતે કોઈ શંકા નથી કે આશાએ જે છોકરીની વાત આપણી સામે રજુ કરી એ ખરેખર પોતાની જ વ્યથા હતી. આ ભવ્ય કાર્યક્રમમાં ખરેખર તો આશાની માતા જેવી માતાઓની હાજરી જ કાર્યક્રમની શોભા વધારવા માટે પુરતી છે. તેમને સન્માન આપવા માટે જે કઈ પણ આપણે કરી શકીએ એ પુરતું નથી જ પણ તેમ છતાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમજીને અમે આશા અને તેની માતાનું સ્ટેજ પર સન્માન કરવા માંગીએ છીએ. આપ બંને કૃપયા સ્ટેજ પર પધારશો.” મુખ્ય મહેમાનો સાથે થયેલી થોડીવારની ચર્ચા બાદ સ્ટેજ પર આવેલા એન્કરે ઘોષણા કરી એટલે આશા અને તેની માતા સ્ટેજ પર આવ્યા બાદમાં તે બંનેનું પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. સૌ શ્રોતાગણએ ફરી એકવાર પોતાની જગ્યા પર ઉભા થઇને તાળીઓથી બંનેને વધાવી લઇ આશા અને તેની માતા પ્રત્યે પોતાનું માન પ્રગટ કર્યું. વકતૃત્વ સ્પર્ધાના અન્ય ઉમેદવારોએ ત્યારબાદ પોતાના વક્તવ્યો રજુ કર્યા. અન્ય સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા. નિઃસંદેહ આશા વકતૃત્વ સ્પર્ધાની વિજેતા બની રહી.

(આ લઘુકથામાં યોગ્ય સંવાદો અને મુદ્દાઓ પુરા પાડવા બદલ મારી વિદ્યાર્થીની નેહલ બોરાડનો હું આભાર માનું છું.)