Amuk Sambandho Hoy chhe - 6 in Gujarati Love Stories by Dharmishtha parekh books and stories PDF | અમુક સંબંધો હોય છે - 6

Featured Books
Categories
Share

અમુક સંબંધો હોય છે - 6

આગળ ભાગ ૫ માં આપે જોયું કે,ચિઠ્ઠી વાચતા જ જાનવી અરીસામાં જોઈ પોતાની જાતથી જ શરમાય છે. અનમોલના પ્રશ્નનો જવાબ તો હા જ હતો પણ આટલો લાગણી અને પ્રેમથી તરબોળ અનમોલના પ્રશ્નનો જવાબ માત્ર એક શબ્દમાં આપવો તેમના માટે મુશ્કેલ હતું. બંનેના સંબંધમાં એટલો પ્રેમ પ્રસરી ચુક્યો હતો કે પોતાના મનની વાત રજુ કરવા માટે શબ્દોની હાજરીની જરૂર ન હતી. માટે જાનવી અનમોલના પ્રશ્નનો જવાબ મેસેજમાં આપતી વખતે ‘હા’ લખવાને બદલે એક નાના બાળકનો ફોટો સેન્ડ કરે છે. ફોટો જોતા જ અનમોલ જાનવીનો જવાબ સમજી લે છે.

હવે આગળ

અનમોલ હમેશા વર્તમાનમાં જીવનાર માણસ હતો. પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરવું તે તેમની ખાસિયત હતી. પણ આજે બે કલાક બાદ જાનવીને મળવાની આતુરતા તેમના ઓફીસના કાર્યમાં ખલેલ ઉભી કરી રહી હતી. માટે તે આજનું કામ આવતી કાલ પર છોડી ઓફિસેથી ઘેર જાનવી પાસે જવા નીકળે છે. રસ્તામાં તેમના મનમાં અસંખ્ય વિચારોનું ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું પણ આ યુદ્ધ તેમને ખુશીનો અનુભવ કરાવી રહ્યું હતું. આ તરફ જાનવીના મનમાં પણ વિચારોનું ચક્ર વાયુવેગે ફરી રહ્યું હતું. બંનેની હાલત એક સમાન હતી. બંને ખુલ્લી આખે જ પોતાના બાળકનો ચહેરો નિહાળી રહ્યા હતા કે જેમનું હજુ કોઈ જ અસ્તિત્વ ન હતું. અનમોલનો મનપસંદ કલર રેડ હતો માટે જાનવીએ આજે બેડરૂમને સંપૂર્ણ રેડ લુક આપ્યો હતો બેડરૂમ સ્વચ્છ અને મહેકતો કર્યા બાદ તે બાલ્કનીમા આવી અનમોલના આવવાની રાહ જોઈ રહી હતી. થોડી જ વારમાં અનમોલની કાર દરવાજા પાસે આવીને ઉભી રહે છે. અનમોલની કાર જોતા જ જાનવી બાલ્કની માંથી બહાર આવી ઉતાવળે સીડી ઉતરી દરવાજો ખોલવા દોડી આવે છે. અનમોલ ડોરબેલ વગાડે એ પહેલા જ જાનવી દરવાજો ખોલી નાખે છે. આજે જાનવીને રેડ ડ્રેસ, રેડ બંગડી, રેડ લીપસ્ટીક અને સેથીમાં પુરેલ સિંદુર જોઈ અનમોલ દરવાજા પર જ જાનવીને પોતાની બાહોમાં ભરી લે છે. બંને એકબીજાનો હાથ પકડીને અંદર આવે છે. અનમોલ પોતાના ડાબા પગથી પાછળ દરવાજાને ધક્કો મારી દરવાજો બંધ કરે છે.

જાનવી અનમોલ માટે કિચનમાં મસાલા વાળી ચા બનાવવા જાય છે. એ સમય દરમ્યાન અનમોલ પોતાની ઓફીસ બેગ સોફા પર મુકતા આખા દિવસનો થાક ઉતારવા એક ઊંડો શ્વાસ લે છે. બે ત્રણ સેકંડ બાદ ધીમેથી શ્વાસ છોડતી વખતે તેમને એક મનમોહક સુવાસનો અહેસાસ થાય છે. તે સુવાસને વધુ મહેસુસ કરવા માટે ઊંડા શ્વાસો લેવા લાગે છે અને જે દિશા માંથી સુવાસ આવી રહી હતી તે જ દિશામાં આગળ વધે છે. તે સીડીઓ ચડી ઉપર બેડરૂમ તરફ જવા લાગે છે. બેડરૂમનો દરવાજો બંધ હતો. અનમોલ દરવાજો ખોલી અંદર જાય છે. આજે અનમોલને બેડરૂમનું વાતાવરણ ખુબ જ રોમેન્ટિક લાગી રહ્યું હતું. જાનવીએ રૂમમાં સુગંધિત રેડ મીણબતીઓ પ્રગટાવી હતી અને ડ્રેસિંગ ટેબલ પર અનમોલે મોકલાવેલ ગુલાબના ફૂલોનો ગુલદસ્તો રાખ્યો હતો. મ્યુઝીક સીસ્ટમ માંથી રોમેન્ટિક લવ સોંગ સંભળાઈ રહ્યા હતા. ઉપરાંત આજે પવન પણ જાણે રોમેન્ટિક મૂડમાં હોય તેમ બાલ્કનીમાં રહેલ જુલ્લાને અને બારી પર લટકાવે રેડ પડદાને જુલાવી રહ્યો હતો. બેડ પર પાથરેલ ઓછાડમાં દોરેલ રેડ રોઝ અને દિલની આકૃતિ જોઈ અનમોલને પોતાના લગ્નની પ્રથમ રાત્રી યાદ આવી જાય છે. તે ભૂતકાળના યાદગાર પળમાં આગળ વધે છે ત્યાજ જાનવી બેડરૂમમાં અંદર આવી અનમોલને પાછળથી પોતાની બાહોમાં ભરી લે છે. અને પોતે લાવેલ મસાલા વાળી ચા પોતાના હાથે જ અનમોલને પીવડાવે છે.

જાનવી આકાશમાં ઘેરાયેલ કાળા વાદળો જોઈ બાલ્કની તરફ જવા એક ડગલું ભરે છે ત્યાંજ અનમોલ જાનવીનો હાથ પકડી તેમને ફરી પોતાની નજીક લાવે છે. બંનેની આખો એકબીજાની આંખોમાં પોતાનું પ્રતિબિંબ નિહાળી રહી હતી. અચાનક વીજળીનો અવાજ સંભળાતા જાનવી અનમોલની વધુ નજીક આવે છે. બંનેનું શરીર એકબીજાના શરીરની એટલું નજીક આવી જાય છે કે વચ્ચેથી હવા પણ પસાર ન થઇ શકે. આકાશમાં ઘેરાયેલ કાળા વાદળો ધીમે ધીમે વરસવાનું શરુ કરે છે. ઝરમર વરસતો વરસાદ, રોમેન્ટિક લવ સોંગ અને સુગંધિત મીણબતી તથા તાજા ગુલાબના ફૂલોની મહેક બેડરૂમને વધુને વધુ રોમેન્ટિક બનાવી રહ્યો હતો.. રૂમનું સંપૂર્ણ રોમેન્ટિક વાતાવરણ અનમોલને જાનવીના હોઠ પર એક તસતસતું ચુંબન કરવા મજબુર કરી છે. અનમોલના હોઠનો સ્પર્શ જાનવીના હોઠને થતા તે પોતાની આખો બંધ કરી લે છે. અનમોલ પોતાનો એક હાથ જાનવીની પાતળી કમર પર શરકાવે છે અને બીજા હાથ વડે જાનવીના માથામાં રહેલ સ્ટીક ખેચી તેમના લાંબા વાળને હવામાં લહેરાવે છે. બંને એકબીજામાં એટલા ખોવાઈ જાય છે કે ડાયનીંગ ટેબલ પર સજાવેલ ભોજનનો સ્વાદ માણવાનું પણ ભૂલી જાય છે.

સમય જાણે ત્યાં જ થંભી ગયો હતો. અનમોલ અને જાનવીનું આહલાદક મિલન જોઈ જાણે મીણબતી પણ શરમાઈ રહી હોય તેમ પવનના જોકાને લીધે પોતાનો પ્રકાશ છુપાવી લે છે. આજે ચંદ્રમાં પણ પોતાની પ્રિયતમા સાથે પ્રેમની ચોપાઈ ખેલી રહ્યો હોય તેમ આકાશમાં સર્વત્ર અંધકાર પથરાઈ ચુક્યો હતો. આકાશ માંથી વરસી રહેલ વરસાદની હર એક બુંદ આજે જાનવી અને અનમોલને અમૃતમય પ્રેમનો અહેસાસ કરાવી રહી હતી. જાનવી અને અનમોલનું અત્યાર સુધીનું મિલન માત્ર તેમને એકબીજાના પ્રેમનો અહેસાસ કરાવી રહ્યું હતું પણ આજનું આ આહલાદક મિલન એકબીજાને પ્રેમની સાતે સાથે પોતાના અંશનો પણ અહેસાસ કરાવી જાય છે.

સવાર પડતા સૂર્યના સોનેરી કિરણો બેડ પર પથરાય છે. બાજુમાં ટેબલ પર રાખેલ આલારામ વાગે છે. જાનવી ઉભી થવા જાય છે પણ અનમોલે તેમને બાહોમાં એ રીતે જકડી હતી કે બેડ પરથી ઉભા થવું તેમના માટે થોડું મુશ્કેલ હતું. તે અનમોલની ઊંઘ બગાડવા ઈચ્છતી ન હતી માટે ત્યાજ અનમોલની બાજુમાં જાગતી સુઈ રહે છે અને અનમોલનો માસુમ ચહેરો નિહાળ્યા કરે છે. જોતજોતામાં જાનવી ફરી અનમોલની બાહોમાં ગાઢ ઊંઘમાં સુઈ જાય છે. થોડીવાર બાદ અનમોલના મોબાઈલમાં ઓફિસેથી ફોન આવે છે. અનમોલ સુતા સુતા જ મોબાઈલ હાથમાં લઇ ફોન કટ કરતા સાઈલેન્ટ કરી નાખે છે કે જેથી જાનવીની ઊંઘ ના બગડે. અનમોલ ધીમેથી જાનવીને પોતાનાથી દુર કરી તેમના કપાળ પર પ્રેમપૂર્વક ચુંબન કરી બેડ પરથી ઉભો થાય છે અને સામેના કબાટ માંથી પોતાના કપડા લેવા કબાટનો દરવાજો ખોલે છે. તે હજુ પણ રાત્રીના રોમેન્ટિક મૂડમાં જ હતો માટે આજે કબાટમાં તેમની પ્રથમ નજર હેન્ગલમાં ટીંગાળેલ રેડ શર્ટ પર પડે છે. તે રેડ શર્ટ અને બ્લેક પેન્ટને કબાટ માંથી બહાર કાઢી બેડ પર મુકે છે અને ઊંઘમાં જ મંદ મંદ સ્મિત કરી રહેલ જાનવીનો ચહેરો નિહાળ્યા કરે છે.

અનમોલના મોબાઈલમાં ફરી ઓફિસેથી ફોન આવે છે પણ ફોન સાઈલેન્ટ હોવાને લીધે માત્ર ધ્રુજારી જ આવે છે. અનમોલ તે ફરી ફોન કટ કરી ટુવાલ લઇ બાથરૂમમાં ફ્રેશ થવા જાય છે. બાથરૂમની ડોલમાં પડી રહેલ પાણીનો અવાજ સંભળાતા જાનવીની ઊંઘ ઉડી જાય છે. તે અધખુલ્લી આખે બાજુમાં બેડ પર હાથ ફેરવી અનમોલને શોધી રહી હતી પણ અનમોલનો સ્પર્શ ન થતા તે આળશ મરડી ઉભી થાય છે અને બાજુમાં ટેબલ પર રાખેલ અનમોલ અને તેમના ફોટાને જોઈ ધીમેથી ગુડ મોર્નિંગ કહે છે. બેડરૂમનું વાતાવરણ ખુબ જ શાંત હોવાને લીધે જાનવીએ ધીમેથી બોલેલ ગુડ મોર્નિંગ શબ્દ પણ બાથરૂમમાં અનમોલને સંભળાય જાય છે. માટે તે પણ બાથરૂમ માંથી જ જાનવીને ગુડ મોર્નિંગ કહે છે.

જાનવી ગરમ બ્લેન્કેટની ઘડી કરતા કરતા પોતાનું તેમજ અનમોલનું ખુબ જ ફેવરીટ ‘મેરી દુનિયા હે,, તુજમે કહી...’ સોંગ ગણગણી રહી હતી.

જાનવીનો અવાજ સાંભળી અનમોલ નાહીને બહાર આવે છે અને સોંગની અધુરી કડી ‘તેરે બિન મેં ક્યાં, કુછભી નહિ.’ પૂર્ણ કરે છે.

અનમોલને આટલો રોમેન્ટિક મુડમાં જોઈ મીઠ્ઠો ગુસ્સો કરતા જાનવી કહે છે “ મિસ્ટર, ફક્ત પ્રેમથી જ પેટ નહિ ભરાઈ.પેટનો ખાડો પુરવા માટે પૈસો પણ પામવો પડશે. અને પૈસો પામવા માટે પ્રેમનું પ્રકરણ પૂરું કરી પરાણે ઓફીશે પણ જવું જ પડશે.”

જાનવીના મોઢેથી આવું અટપટું વાક્ય સાંભળતા અનમોલ પણ સ્મિત સાથે એક વાક્ય બોલે છે “ મેડમ, હું જાણું છું કે તમે એક લેખક છો પણ મહેરબાની કરીને આપણા બેડરૂમમાં લેખકોના ઉચ્ચ કોટીના વાક્યો ન ઉચ્ચારો”

જાનવી એક નજર ઘડીયાર સામે નાખે છે અને થોડી ગંભીરતાથી અનમોલને કહે છે- “ બસ બસ હવે, આ પ્રેમનું પોટલું પટારામાં મૂકી ફટાફટ તૈયાર થઈને નીચે આવી જાવ. ત્યાં સુધીમાં હું તમારા માટે ગરમા ગરમ નાસ્તો બનાવી રાખું છું” જાનવી ટેબલ પર પડેલ ચા નો કપ લઇ કિચનમાં નાસ્તો બનાવવા જતી રહે છે.

અનમોલ તૈયાર થતા થતા સામે દીવાલમાં રાધાકૃષ્ણની પેન્ટિંગ કરેલ તસ્વીર જોઈ તેમની સાથે જ વાતો કરવા લાગે છે. “ પ્રેમનું પોટલું... પ્રભુ સારું હતું કે તારી રાધા લેખક ન હતી. આવતા ભવમાં મને રાધા તો આ જ આપજે પણ તેને લેખકના ગુણ ન આપતો. શું છે ને કે ક્યારેક ક્યારેક તેમના અમુક વાક્યો સાવ ઉપરથી જ જાય છે.”

પોતાના મોબાઈલમાં વારંવાર ઓફિસેથી ફોન આવતા અનમોલ જડપથી તૈયાર થઈને નીચે આવે છે અને હોલમાં શોફા પર રાખેલ ઓફીસબેગ માંથી લેપટોપ કાઢી ડાયનીંગ ટેબલની ખુરશી પર બેસી લેપટોપ ઓન કરતા મોટેથી જાનવીને બોલાવે છે - “જાનવી પ્લીસ ફટાફટ મને જલ્દીથી નાસ્તો આપી દે. આજે ઓફિસમાં ઘણું કામ છે. કાલે વહેલો જ ઓફિસેથી નીકળી ગયો હતો માટે ગઈ કાલનું કામ પણ આજે જ પૂરું કરવાનું છે”.

જાનવી કિચનમાં એક ગેસ પર પરોઠા શેકી રહી હતી અને બીજા ગેસ પર ચા ઉકાળી રહી હતી. તે ડીશમાં ગરમ પરોઠું અને ચા નો કપ લઇ બહાર આવે છે અને ડાઈનીંગ ટેબલ પર મુકી ફરી કિચનમાં પરોઠા શેકવા જતી રહે છે.

અનમોલ લેપટોપ પર ઈમેલ ચેક કરવામાં વ્યસ્ત હતો માટે ફક્ત ચા જ પીવે છે. જાનવી બીજું પરોઠું શેકાતા બહાર અનમોલને પીરસવા આવે છે પણ તે કામમાં એટલો વ્યસ્ત હતો કે પરોઠું ખાવાનું પણ ભૂલી જાય છે. માટે જાનવી કિચનમાં જઈ બંને ગેસ બંધ કરી અનમોલ પાસે આવે છે અને પોતાના હાથે અનમોલને પરોઠું ખવડાવતા કહે છે. “ ભૂખ્યા પેટે ભજન ન થાય.”

નાસ્તો કર્યા બાદ પાણી પીધા વિના જ અનમોલ પોતાનું લેપટોપ સોફા પર પડેલ બેગમાં નાખે છે અને બેગ લઇ ઓફિસે જવા દરવાજા તરફ જાય છે. પણ જાણે કઈક ભુલાઈ રહ્યું હોય તેમ પાછો જાનવી પાસે આવે છે. અનમોલને પાછો વળતા જોઈ જાનવી કહે છે -“આટલી ઉતાવળ પણ સારી નહિ, ભૂલી ગયાને કઈક...?”

અનમોલ મોઢામાં રહેલ પરોઠું ગળે ઉતારતા ડીશમાં પડેલ પરોઠાનો એક ટુકડો જાનવીને ખવડાવી તેમના કપાળ પર ચુંબન કરતા કહે છે- “ભૂખ્યા પેટે ભજન નહિ થાય. તું પણ નાસ્તો કરી લેજે, ચાલ ત્યારે બાય. ‘મિસ યુ’, ‘લવ યુ’....”

જાનવી ઉતાવળે કિચનમાં જઈ નાસ્તાનો ડબ્બો પેક કરે છે અને ફ્રીઝ માંથી ઠંડા પાણીની બોટલ લઇ અનમોલને આપવા જાય છે. જાનવીને હોલ માંથી બહાર દરવાજા તરફ આવતા જોય અનમોલ કારનો દરવાજો ખોલતા કહે છે- “જાનવી, આજે મારા માટે બપોરનું જમવાનું નહી બનાવતી. આજે ઓફિસમાં એટલું કામ છે કે જમવાનો પણ ટાઇમ નહિ રહે”

અનમોલ કાર સ્ટાટ કરવા જાય છે ત્યાં જ જાનવી કારના દરવાની બંધ બારીના કાચ પર ટકોર કરે છે. અનમોલ કાચ ખોલે છે. કાચ ખુલતા જ જાનવી પોતાના હાથમાં રહેલ નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ અનમોલને આપતા કહે છે- “હું જાણું છું કે આજે ઓફિસમાં ઘણું કામ છે માટે તમને લંચ માટે ટાઇમ નહિ મળે, પણ કામ કરતા કરતા આ નાસ્તો તો ખાઈ જ શકો ને...!”

અનમોલ કાર ચાલુ કરતા કહે છે- “જેવી આપની આજ્ઞા મહારાણી”

જાનવી અનમોલે હાથમાં પહેરેલ ઘડીયાર અનમોલને જ દેખાડતા કહે છે- “ મિસ્ટર, હવે આ ફિલ્મી ડાયલોગ બોલવાનું બંધ કરો અને જરા ઘડીયારમાં સમય પણ જોવો”.

અનમોલના મોબાઈલમાં ફરી ઓફિસેથી ફોન આવતા તે કહે છે- “ ચાલ ત્યારે બાય... હું નીકળું છું. ધ્યાન રાખજે તારું”

જાનવીને અચાનક કઈક યાદ આવ્યું હોય તેમ એ ફરી અનમોલને ઓફિસે જતા અટકાવે છે- “એક મિનીટ”.

જાનવીનો અવાજ સાંભળતા અનમોલ બારી માંથી જ બહાર જાનવી તરફ નજર કરતા પૂછે છે- “Are you ok?”

જાનવી અનમોલને ઇસારાથી ત્યાં જ રહેવાનું કહી પોતે અંદર કઈક લેવા જતી રહે છે. એ ક્ષણ દરમિયાન અનમોલ પોતાના દરેક ખિસ્સા ચેક કરવા લાગે છે કે પોતે એવું તે શું ભૂલી રહ્યો છે કે જાનવી તે લેવા આટલી ઉતાવળથી અંદર ગઈ છે...! થોડી વાર બાદ જાનવી અનમોલ પાસે આવી તેમને પોતાના મેરેજના ફોટાની એક નાની ફોટોફ્રેમ આપે છે અને કહે છે- “ હવેથી આપણા બંનેનો આ ફોટો આપણી કારમાં જ રહેશે. હવે જયારે પણ તમારા મનમાં કાર સ્પીડમાં ચલાવવાનો વિચાર આવશે ત્યારે આ ફોટો તમને યાદ અપાવશે કે ઘરે કોઈક છે જે આતુરતાથી તમારા આવવાની રાહ જોઈ રહ્યું છે, જે તમને હમેશા સ્વસ્થ અને સુરક્ષિત જોવા ઇચ્છે છે”. આ વાક્ય બોલતી વેળાએ જાનવીના ચહેરા પર અનમોલ પ્રત્યેની ચિંતા વર્તાય રહી હતી.

અનમોલ જાનવીએ આપેલ ફોટા પર હાથ ફેરવતા કહે છે- “તું મને ખુબ જ પ્રેમ કરે છે ને...!”.

જાનવી આંખમાં આંસુ સાથે અનમોલનો ચહેરો પોતાની બંને હથેળીમાં લે છે અને કહે છે- “મેરી દુનિયા હે, તુજમે કહી”.

અનમોલ જાનવીની આંખમાં આવેલ આંસુ લુછતા કહે છે- “તેરે બીન મેં ક્યાં, કુછભી નહિ”.

જાનવીના ચહેરા પર ફરી સ્મિત લાવવા અનમોલ કહે છે- “માર ડાલા, અલ્હા માર ડાલા”.

અનમોલને ફરી ફિલ્મી ડાયલોગ બોલતા જોય જાનવી હસતા હસતા જ કહે છે-“હવે જલ્દી ઓફિસે જાવ નહિ તો ફરી ઓફિસેથી ફોન આવવા લાગશે” અનમોલ કાર ચાલુ કરે છે ત્યાં જ તેમના મોબાઈલની રીંગ વાગે છે. અનમોલ ફોન રીસીવ કરે છે અને ફોન પર વાત કરતા કરતા જ જાનવીને ઇસારાથી બાય કહે છે.

અનમોલના ઓફીસ ગયા બાદ જાનવી અંદર આવી હોલમાં એફ એમ ચાલુ કરે છે અને કિચનમાં જઈ પોતાનું રોજિંદુ કાર્ય કરવા લાગે છે. આજનું વાતાવરણ વરસાદી હોવાને લીધે એફ એમ પર વરસાદી રોમેન્ટિક સોંગ ચાલી રહ્યા હતા. .જાનવી ગેસ પર પરોઠા શેકતા બારી માંથી બહાર ગાર્ડનમાં ઝરમર વરસી રહેલ વરસાદમાં ખીલેલ ગુલાબના ફૂલને જોઈ રહી હતી. તે મનમાં જ પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે. “જે રીતે આ નવા ખીલેલ ગુલાબના ફૂલો સમગ્ર ગાર્ડનને પોતાની સુવાસથી મહેકાવી રહ્યા છે એ જે રીતે એક દિવસ મારા અને અનમોલના પ્રેમનું ખીલતું ગુલાબ અમારા જીવનને મહેકાવશે.”

ગેસ પર શેકાયેલ રહેલ પરોઠું બળતા જાનવી વિચારો માંથી બહાર આવે છે. એફ એમ પર પોતાનું મનપસંદ “બરસો રે મેઘા મેઘા..." સોંગ સાંભળતાં તેમના મનમાં પણ વરસાદમાં ભીંજાવાની ઈચ્છા જાગે છે. માટે તે ગેસ બંધ કરી બહાર ગાર્ડનમાં જતી રહે છે અને આકાશ સામે જોઈ, આખો બંધ કરી વરસાદની હર એક બુંદને મહેસુસ કરી રહી હતી. થોડી વાર બાદ ઠંડીનો અનુભવ થતા તે અંદર જતી રહે છે.

આ તરફ અનમોલ પણ ઓફિસની બારી માંથી વરસી રહેલ વરસાદ જોઈ રહ્યો હતો. રસ્તા પર એક જ છત્રીમાં જઈ રહેલ કપલને જોઈ તેમના મનમાં પણ જાનવી સાથે વરસાદમાં ભીંજાવાની ઈચ્છા જાગે છે. પણ આજે ઓફીસનું કામ ખુબ જ વધુ હોવાને લીધે એ શક્ય ન હતું. થોડીવાર બાદ તે પોતાનું મન મનાવી ફરી ઓફીસના કાર્યમાં જોડાય જાય છે. જોત જોતામાં સાંજના ૭ વાગી જાય છે. ઓફિસનું તમામ કાર્ય પૂર્ણ કર્યા બાદ તે ઓફિસેથી ઘેર જવા નીકળે છે. રસ્તામાં તેમને વિચાર આવે છે કે આજે જાનવીનો એક પણ ફોન કે મેસેજ કેમ ન આવ્યો. તે પોતાની જાતને જ ઠપકો આપતા કહે છે- “એમનો ફોન કે મેસેજ ન આવ્યો તો તારે જ સામેથી ફોન કરવો જોઈતો હતો ને...!” હવે તેમને જાનવીની ચિંતા થઇ રહી હતી. માટે તે કાર સ્પીડમાં ચલાવવાનો વિચાર કરે છે પણ સામે સવારે જ જાનવીએ આપેલ ફોટો જોતા કાર સાવ ધીમે ચલાવવા લાગે છે. અચાનક તેમને ગઈકાલની રોમેન્ટિક રાત યાદ આવી જાય છે. માટે તે પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે- “ શું અનમોલ તું પણ,...નાહકની ચિંતા કરે છે તું. તારે તો તારા નશીબ પર ગર્વ કરવો જોઈએ કે તને આટલી પ્રેમાળ અને રોમેન્ટિક પત્ની મળી છે” તે પોતાનો ચહેરો સામેં કારના અરીસામાં જોઈ થોડું શરમાતા પોતાના વાળ સરખા કરવા લાગે છે. પોતાની જાત સાથે જ વાર્તાલાપ કરતા કાર ક્યારે પોતાના ઘર પાસે આવીને ઉભી રહી ગઈ એ વાતનો પણ તેમને ખ્યાલ ન રહ્યો. આજે ઓફિસેથી પોતાના ઘર સુધીનો રસ્તો અનમોલને સાવ ટુંકો લાગ્યો હતો. જાનવી ભલે તેમની સાથે ન હતી પણ જાનવીના વિચારો તેમને પોતાની સાથે જ હોવાનો અહેસાસ કરાવી રહ્યા હતા. જાનવીને મળવાની આતુરતા અને ગઈકાલ રાતની રોમેન્ટિક પળોને આજ ફરી માણવાની અધીરાઈ તેમને કારનો દરવાજો લોક કરવાનું પણ ભુલાવી દે છે.

રોજની માફક તે ઘરની અંદર આવી ઓફીસ બેગ સોફા પર મુકતા મોટેથી જાનવીને બોલાવે છે. જાનવીનો કોઈ જ અવાજ ન સંભળાતા તે કિચનમાં જઈ ફરી મોટેથી જાનવીને બોલાવે છે. તે એક નજર બહાર ગાર્ડનમાં ફેરવે છે. સામેથી જાનવીનો કોઈ જ અવાજ ન સંભળાતા તે પોતાની જાતને જ કહે છે.” જાનવી હોલ, કિચન કે ગાર્ડનમાં નથી તો શું થયું...! ઉપર બેડરૂમમાં હશે. આજે ફરી બેડરૂમને એક નવો જ રોમેન્ટિક લુક આપી રહી હશે.” અનમોલ ‘આશિક બનાયા, આશિક બનાયા આપને...’ સોંગ ગણગણતો સીડી ચડી ઉપર બેડરૂમ તરફ જાય છે. બેડરૂમ માંથી જાનવીનો ખાસવાનો અવાજ સંભળાતા તે સોંગ ગણગણવાનું બંધ કરી જલ્દી અંદર જાનવી પાસે જાય છે. જાનવીને બેડ પર ગરમ બ્લેન્કેટ ઓઢેલ જોય અનમોલ ગભરાય જાય છે. “ જાનવી શું થયું તને?” આટલું બોલતા તે જાનવીના કપાળ પર હાથ મુકે છે. “ઓહ, માય ગોડ...તને તો સખત તાવ છે”

ક્રમશ: ..........

( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)

ધર્મિષ્ઠા પારેખ

8460603192