પિન કોડ - 101
પ્રકરણ-5
આશુ પટેલ
‘સોરી સાહિલ, મારે લીધે તને માર પડ્યો.’ સાહિલનો સૂઝી ગયેલો ચહેરો જોઈને અફસોસ અને અપરાધભાવ અનુભવી રહેલી નતાશા તેના કોલેજ ટાઇમના ફ્રેન્ડ સાહિલને કહી રહી હતી.
નતાશા અને સાહિલ જુહુના ‘શિવસાગર’ રેસ્ટોરાંમાં બેઠાં હતાં.
સાહિલ હસ્યો: ‘માત્ર માર પડ્યો એવું ન કહે. તેં પણ મને માર્યો!’
‘એક્ચ્યુઅલી કોઇની દાઝ તારા પર ઊતરી ગઇ. તેં અચાનક મારા ખભે હાથ મૂક્યો ત્યારે હું મનોમન કોઇના માટે ખુન્નસ ઠાલવી રહી હતી.’ બોલતાં બોલતાં નતાશાએ હળવેકથી સાહિલનો સૂઝી ગયેલો હાથ પકડી લીધો.
નતાશા નાણાવટી અને સાહિલ સાગપરિયા ત્રણેક વર્ષ પછી મળી રહ્યાં હતાં. બેય અમદાવાદની કોલેજમાં સાથે ભણતાં હતાં. નતાશા અતિ શ્રીમંત ઍનઆરઆઈ કુટુંબની દીકરી હતી અને અમદાવાદમાં તેના મામાને ત્યાં રહીને ભણતી હતી અને સાહિલ અમદાવાદ નજીકના એક નાનકડા ગામડામાં રહેતો હતો. તેનું વતન સૌરાષ્ટ્ર હતું પણ સમય અને સંજોગોને કારણે ઘણા લોકોએ વતન છોડીને બીજે રહેવા જવું પડતું હોય છે એમ તેના કુટુંબે પણ અમદાવાદ સ્થળાંતર કર્યું હતું. પણ અમદાવાદ સાથેય તેના કુટુંબના અંજળ નહીં લખાયા હોય એટલે તેના કુટુંબે અમદાવાદ નજીકના એક ગામમાં જતા રહેવું પડ્યું હતું. નાનપણમાં જ તેનાં મા-બાપ ગુજરી ગયાં હતાં અને તેના કુટુંબમાં મોટા ભાઇ, ભાભી અને તેમના બે સંતાનો જ હતાં. અમદાવાદની કોલેજમાં ભણવા માટે તે રોજ પોતાના ગામડેથી અમદાવાદ અપડાઉન કરતો હતો.
એક જ કોલેજમાં ભણતાં ભણતાં નતાશા અને સાહિલ બંને દોસ્ત બની ગયાં હતાં. બંનેને એકબીજાની કંપની બહુ ગમતી હતી પણ કોલેજ પછી બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. નતાશા અત્યંત ચંચળ, રમતિયાળ અને ઇઝી ગોઇંગ પ્રકૃતિની હતી. સાહિલ એનાથી તદ્દન વિપરીત પ્રકૃતિ ધરાવતો હતો. એ અંતરમુખી હતો, થોડો શરમાળ અને ગંભીર સ્વભાવનો વર્કોહોલિક યુવાન હતો. સાહિલ શરમાળ પ્રકૃતિનો અને ઉપરથી શ્યામ વર્ણનો હતો એટલે ઘણા છોકરાઓ તેની મજાક ઉડાવતા. પણ રૂપાળા, ચોકલેટી અને ચાંપલા છોકરાઓ કરતાં ટોલ, ડાર્ક અને હેન્ડસમ ગામડિયો સાહિલ કોલેજની યુવતીઓના આકર્ષણનું કેન્દ્ર હતો. કોલેજની ઘણી છોકરીઓ તેની સાથે દોસ્તી કરવા ઈચ્છતી હતી. પણ સાહિલને નતાશા સિવાય અન્ય કોઇ યુવતી સાથે દોસ્તી નહોતી. એ દોસ્તી માટે પણ નતાશાએ જ પહેલ કરી હતી. કોલેજની અન્ય છોકરીઓને નતાશાની ઇર્ષા આવતી હતી. બીજી બાજુ કોલેજના છોકરાઓને એ વાતની ઇર્ષા થતી હતી કે નતાશા જેવી અતિ શ્રીમંત અને અત્યંત સુંદર યૌવના એક ગામડિયા છોકરાની ફ્રેન્ડ બની ગઇ હતી.
‘સોરી, સોરી કહેવામાં રાત પડી જશે. મને તેં ફટકાર્યો અને પબ્લિક પાસે મારી ધુલાઈ કરાવી એ સમય રિવાઈન્ડ તો થવાનો નથી!’
‘સોરી, સાહિલ. મને માફ કરી દે પ્લીઝ.’ નતાશા રડવા જેવી થઈ ગઈ.
‘ચાલ માફી આપી દીધી, બસ? પણ મને એ તો કહે કે તું અહીં મુંબઈમાં શું કરે છે? અને જુહુ બીચ પર એકલી કેમ ફરતી હતી? તારી સાથે કોઈ આવ્યું નથી?’ સાહિલે સવાલોની ઝડી વરસાવી દીધી.
‘હું મુંબઈમાં જ નહીં, દુનિયામાં પણ એકલી છું, સાહિલ.’ નતાશાએ કડવાશપૂર્વક કહ્યું.
‘કંઈ સમજાયુ નહીં! નતાશા નાણાવટી આવી રીતે બોલે એ મારા માન્યામાં નથી આવતું. તારે શા માટે એકલા રહેવું પડે?’ સાહિલે કહ્યું.
નતાશાએ તેને કહ્યું કે તે કઈ રીતે ઘર છોડીને હિરોઈન બનવા માટે મુંબઈ આવી ગઈ છે. તેણે સાહિલને તેની સંઘર્ષકથા સંભળાવી દીધી. પોતાની વાત પૂરી કરીને તેણે દુનિયાભરના પુરુષોને ગાળો આપવા માંડી.
સાહિલે તેને વચ્ચેથી જ અટકાવતાં કહ્યું, ‘અરે, હું પણ પુરુષ છું એ કેમ ભૂલી જાય છે?’
‘તું પુરુષ નથી!’
‘અચ્છા?’
સાહિલના ગૂગલી જેવા એક શબ્દના સવાલથી નતાશા ગૂંચવાઇ ગઇ.
‘આઇ મીન છે! પણ બીજા પુરુષો જેવો નથી.’
સાહિલ હસ્યો અને પછી તે બોલ્યા વિના રહી ન શક્યો, ‘તો પછી મારી ધુલાઇ કેમ કરી નાખી?’
‘તેં જ કહ્યું છે કે હવે સોરી-બોરી નહીં કહેવાનું એટલે આપણે બીજી વાત કરીએ? તું કહે કે તું મુંબઇમાં શુ કરે છે અને અત્યારે જુહુ બીચ પર કેમ ભટકતો હતો?’ નતાશાએ પૂછ્યું.
સાહિલને મળીને નાતાશાને બહુ સારું લાગ્યું હતું. અને તે હવે જે રીતે બોલી રહી હતી એ જોઈને સાહિલને કોલેજના દિવસો યાદ આવી ગયા.
‘હું કંઇ જ કરતો નથી. સોરી, કંઇ નથી કરતો એમ તો ના કહી શકું, કારણ કે સંઘર્ષ કરું છું! નોકરી કરવી નથી કંઇ અલગ કરવું છે પણ એ માટે કોઇ મને તક આપતું નથી. એટલે અત્યારે એક ફ્રેન્ડ સાથે તેના ભાડાના ફ્લેટમાં રહું છું અને ઓટોમોબાઇલ કંપનીઝના ટોપ એક્ઝિક્યુટિવ્ઝને મળવા માટે જૂતા ઘસું છું. મારી પાસે એક અનોખી કારની અને એક મલ્ટિપર્પઝ વાહનની કંઈક જુદી જ ડિઝાઈન અને કલ્પના છે.’
‘એટલે હવે તું મોટો સંશોધક થઇ ગયો એમને?’ નતાશાએ હળવાશથી ટકોર કરી.
‘સંશોધક સાબિત થયો નથી, થવા માગું છું, પણ હજી કોઇ માઇનો લાલ મને મળ્યો નથી, જેને એ અનોખી કાર કે મલ્ટિપર્પઝ વાહનના ઉત્પાદનમાં રસ પડે.’
‘ઠીક છે, કારનાં તો ઘણાં મોડેલ્સ દર થોડા મહિને માર્કેટમાં આવતાં રહેતાં હોય છે. એમાં તારું એક વધુ. પણ તારા મલ્ટિપર્પઝ વાહનની વિશિષ્ટતા શું છે?’ નતાશાએ પૂછ્યું.
‘અરે મેં કલ્પના કરી છે એ કાર વિશે. સાંભળીશ તો તું પાગલ થઈ જઈશ.’
‘ના, ના મારે પાગલ નથી થવું એટલે તારી કાર વિશે રહેવા દે! પણ તારા મલ્ટિપર્પઝ વાહનની વાત કહે.’
‘મારું મલ્ટિપર્પઝ વાહન કોઇ પણ પ્રકારની જમીન ઉપર દોડી શકશે. સામાન્ય રસ્તાઓથી માંડીને રણમાં, ખેતરોમાં, ખડકાળ રસ્તાઓ ઉપર, પર્વતો ઉપર અને પાંચ-સાત ફૂટ ઊંડા પાણીમાં પણ તેને ચલાવી શકાશે.’
‘હાઉ?’ નતાશાને હવે સાહિલની વાતમાં ખરેખર રસ પડ્યો.
‘મારું વાહન જાયન્ટ સાઇઝનું હશે અને એ વાહનનાં વ્હીલ્સ પણ રાક્ષસી કદનાં હશે, મિનિમમ આઠથી દસ ફૂટ ઊંચાં.’
‘પાગલ થઇ ગયો છે તું? આઠ-દસ ફૂટ ઊંચાં વ્હીલ્સ હશે તો એવા વાહનની સાઇઝ શું હશે?’
‘રાઇટબંધુઓએ પ્લેન શોધ્યું એ અગાઉ કોઇ વસ્તુ હવામાં ઉડાવવાની વાત સાંભળીને બધા તેમના પર પણ હસ્યા હતા.’ સાહિલે તરત તેને ટોકી.
‘એટલે તું માત્ર સંશોધક નહીં પણ રાઈટબંધુઓની જેમ મહાન સંશોધક બનવા માગે છે એમને?’
‘ઓકે, ઓકે, મારે ભેંસ આગળ ભાગવત નથી કરવી.’ સાહિલે હાથ જોડીને કહ્યું.
‘આટલો માર ખાધા પછી પણ હજી ધરાયો નથી તું?’ નતાશાએ કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું.
‘સોરી બાબા. તારું કેમ ચાલે છે એ વાત કર.’
‘મારું કેમ અને શું ચાલે છે એ તો મેં તને કહ્યું. આવડા મોટા પ્રોડ્યુસર-ડાયરેક્ટર સાથે જે કર્યું એનાથી નાટકોમાં નાના-મોટા રોલ મળતા હતા એ પણ બંધ થઇ જશે. ‘મિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટ’માં ભાગ લેવા માટે પણ કોશિશ કરી હતી પણ... જવા દેને. નસીબ સાલું બે ડગલાં આગળ ચાલે છે...’
નતાશા બોલી રહી હતી ત્યાં તેણે વાપરેલા એક શબ્દને કારણે સાહિલ ભડકી ગયો. તેનો ચહેરો લાલચોળ થઈ ગયો.
(ક્રમશ:)