ભીનું રણ – ૯
મેં કરેલા ફોનને કારણે તપન મને મળવા દોડી આવ્યો ફ્લેટના ડ્રોઈંગરૂમમાં સોફામાં પગ લંબાવીને અમે બંને સામસામે બેઠા હતા. હોટેલ હયાતમાંથી આવેલા એ અજાણ્યા માણસના કોલને ગંભીરતાથી લેવો પડે એમ જ હતો. કારણકે ફોન કરનારે ફક્ત એટલું જ કીધું જતું કે જો તમે કિશોરભાઈ હોવ તો તમારા માટે એક મેસેજ છે કે રૂમ નં.૫૦૩માં રોકાયેલા સીમાબેને તમને અરજન્ટ મળવા બોલાવ્યા છે. તપન પણ મારા પર આવેલા ફોનનું મહત્વ સમજતો હતો. અચાનક ગાયબ થયેલી સીમાના આવા સગડ મળવા કોઈ નાનીસુની વાત ન હતી. મારા પર આવેલા ફોનને કારણે મારું જવું જરૂરી હતું,પણ કેવા બંદોબસ્ત સાથે જવું એજ એક ચર્ચાનો વિષય હતો. આખરે થોડી ચર્ચાના અંતે અમે બંનેએ અમુક નિર્ણયો લઈને ત્યાં અત્ય્રએજ જવાનું નક્કી કર્યું. એણે આ કામ માટે બેત્રણ જરૂરી ફોન કર્યા અને અમે ત્યાં જવા નીકળી પડ્યા.
રીસેપ્શન ઉપર જઈને મેં સીમાના રૂમમાં ફોન લગાવવાનું કહ્યું. કોણજાણે કેમ પણ ફોનમાં સીમાનો અવાજ સાંભળી એક ટાઢક થઇ. રૂમની દિશા વિષે પૂછી હું સીધો લીફ્ટ તરફ ગયો. લીફ્ટ આવી અને હું તેમાં ઉપર ગયો ત્યાં સુંધીમાં એક અજીબ બેચેની હું અનુભવતો રહ્યો. સીમા અત્યાર સુંધી ક્યાં હશે? કોઈ મુશ્કેલીમાં હતી તો અહી કેવી રીતે છે? એવા હજાર પ્રશ્નો બિનઉત્તર થઇ ત્યાંજ ધરબાઈ જતા.
ડોરબેલ વગાડવાની જરૂર ન પડી. સીમા દરવાજો ખોલી ઉભેલી જ હતી. જીન્સ અને ડાર્ક યલો ટીશર્ટ પહેરીને ઉભેલી સીમાની આંખોમાં થાક દેખાતો હતો કે ઉજાગરો એ મારી સમજની બહાર હતું. લીપ્સ્ટીક વગરના હોઠથી સહેજ મલકાઈને એણે મને અંદર આવવા માટેનો ઈશારો કર્યો.
સીમા સોફા પર જઈને બેઠી હું પણ એ સોફામાં એની બાજુમાં બેઠો. હું કંઈ પૂછું એ પહેલા એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારો હાથ પકડીને એ બોલી ‘કિશોર આ દુનિયામાંથી મને કાઢ. હું ખરેખર થાકી ગઈ છું. હવે તો આત્મહત્યા સિવાય મને કોઈ રસ્તો સૂઝતો નથી.’
‘તારા દુખી મનને શાંત કર સીમા. પહેલા તું મને એમ કહે કે તું અહિયાં કેવી રીતે અને અત્યાર સુધી ક્યાં હતી એ વિશે વાત કર.’
સીમાએ સાઈડ ટેબલ પર પડેલી બોટલમાંથી પાણી પીધું. પાણીની બોટલની બાજુમાં પડેલી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ જોઈ મને આશ્ચર્ય તો થયું પરંતુ મેં નક્કી કર્યું હતું કે મારે સવાલો નથી પૂછવા. મારે પહેલા એના તરફથી એની કહાની સાંભળવી હતી.
થોડીવારની ખામોશી પછી સીમાએ બોલવાનું ચાલુ કર્યું. ‘સૌ પ્રથમ તો એજ કે થોડા દિવસની આમતેમ રખડપટ્ટી પછી હું અહી ચાર દિવસથી કેદ છું અને વિલાસ મારી સાથે જ હતો. વિલાસ અને ભુરાની ગેંગ વચ્ચેના ઝઘડામાં હું પીસાઈ રહી છે કદાચ પીસાઈ ગઈ છું એમ કહું તો પણ ચાલે. વિલાસ આજે સવારે અહીંથી નીકળ્યો છે આ પહેલા પણ મને એકલી મુકીને જતો હતો પણ એના માણસો અહી હોટલમાં જ રોકાયેલા છે એવું એ મને કહેતો અને નીચે પણ એના માણસો વોચમાં બેઠેલા છે. એ ક્યારે અહી પાછો આવી ચડે એનું ઠેકાણું ન હોય એટલે હું હિંમત કરતી ન હતી. એના કહેવા પ્રમાણે પોલીસ મને શોધે છે એટલે હું જેવી પકડાઈ એટલે જેલમાં જ જઈશ. હું ડરના કારણે એના આશરે હતી. જોકે એ દિવસે એણે મને ના બોલાવી હોત તો ત્યારે મારું ખૂન થવાનું નક્કી જ હતું. મારા બદલે બિચારી સોનાનું ખૂન થઇ ગયું.’
‘અચ્છા તો એ દિવસે તને એનો ફોન આવ્યો હતો?’
‘હા યાર...યુ કાન્ટ બીલીવ ..એણે તો ફક્ત આવી કોઈ ગતિવિધીઓથી ચેતવવા જ મને બોલાવી હતી. પણ એજ દિવસે એ કામ થવાનું હતું એવી નહોતી ખબર. મારા સદનસીબે હું બચી ગઈ.’
‘ઓહ પણ એ લોકો તારો જાન લેવા કેમ માંગે છે?’ મેં પણ ઔપચારિક પ્રશ્ન પૂછ્યો.
‘આર.ડીના ડ્રગ્સનો કારોબાર એ લોકો મને વચ્ચે રાખીને કરતા અને નકલી દવાના કન્સાઈમેન્ટ મારા નામે જ મોકલતા. એ લોકોએ મને બરાબર ફસાવી દીધી છે હવે મારે માથે મોત ઝળુંબી રહ્યું છે ..પ્લીઝ મને બચાવી લે તું કહે ત્યાં તારી સાથે આવવા હું તૈયાર છું.’ પાછી ફરીથી એ ગળગળી થઈને મને કરગરી રહી.
‘તો વિલાસ અત્યારે ક્યાં છે? આજે કેવી રીતે તે મને ફોન કરાવ્યો?’ મારે સૌથી પહેલા જાણવાનો જે પ્રશ્ન હતો એ તો મેં હજુ પૂછ્યો ન હતો એટલે મેં પૂછી નાખ્યો.
‘કાલે રાત્રે એ બાથરૂમમાં હતો ત્યારે એનો કોઈ માણસ અહી એક કવર આપવા આવ્યો હતો. મેં ખોલીને જોયું તો એના નામની મુંબઈની ટીકીટ હતી. હું સ્યોર થઇ ગઈ કે હવે એ રાતની ફ્લાઈટમાં પાછો આવશે ત્યાં સુંધીનો સમય મારી પાસે હતો એટલે મારા ફોનમાંથી તારો આપેલો નંબર મેં વેઈટરને આપ્યો અને ફોન કરવાનું કીધું.’
‘એના કરતા પોલીસને ફોન કર્યો હોત તો સારું ન હોત. હવે આમ સંતાઈને કે અન્ડરગ્રાઉન્ડ થઈને તું તારા ગુનાનો આડકતરી રીતે એકરાર કરતી હોય એમ એ લોકો માનતા હશે.’
‘એ બાબતે સલાહ લેવા જ મેં તને ફોન કર્યો છે. અહી આ શહેરમાં એક તું જ મને વિશ્વાસપાત્ર વ્યક્તિ લાગ્યો જે મારા વિશે ખરાબ તો નહિ જ ઈચ્છે.’
મારા ફોનમાં એજ સમયે મેસેજટોન આવ્યો એટલે મેં ફોન ખિસ્સામાંથી કાઢ્યો અને મેસેજ વાંચ્યો.
એ દરમ્યાન સીમા ઉભી થઇ અને પૂછ્યું. ‘ચા કે કોફી ? તારા માટે શું મંગાવું?’
મેં ચા કીધી એટલે એણે રીસેપ્શન ઉપર ફોન કરી ચાનો ઓર્ડર આપ્યો. સીમા એ પછી બાથરૂમમાં ગઈ.
થોડીવારે એ બહાર આવી મોં ધોઈને નેપકીનથી લૂછતાં લૂછતાં હું બેઠો હતો ત્યાં પાછી આવી. સોફાની પાછળ આવીને નીચી નમીને મારા ગળાને ફરતે હાથ ફેરવી મને વળગી. એના ગાલ મારા ગાલને ઘસાતા હોય એમ કરતી એ બોલી. ‘કિશોર પ્લીઝ હું કહું એમાં તને વિશ્વાસ તો છે ને? મને તારા પર બહુ આશા છે.’
એક સુગંધી વાતાવરણ હવે મારી આજુબાજુ પ્રસરી રહ્યું હતું. હું કોઈ સ્વપ્નની દુનિયાના બારણે ઉભો રહી કોઈ બારણું ખોલે એની પ્રતીક્ષા કરતો હોઉં તેમ અનુભવતો હતો. મેં મારા હાથ એના હાથ ઉપર પ્રેમથી ફેરવ્યા. એના કાંડા પર ફરતી મારી આંગળીઓ ધીમે ધીમે એના ખભા સુંધી પહોંચી ત્યાં સુંધીમાં એના હોઠ મારા હોઠ સાથે બીડાઈ ગયા હતા. દસેક મીનીટની આ પ્રેમપ્રચુર ક્ષણોમાં અચાનક વિક્ષેપ પાડવાનું કામ ઇન્ટરકોમની ઘંટડીએ કર્યું. સીમાએ ફોન ઉપાડ્યો સામેથી અવાજ સાંભળી એના હોશકોશ ઉડી ગયા. ફોન એક ઝટકા સાથે નીચે મૂકી કપાળ પરનો પરસેવો લૂછતાં એ બોલી ’કિશોર ફટાફટ અહીંથી ચાલ્યો જા આર.ડી અહી આવે છે.’
‘પણ એ તો તારો જીવ જોખમમાં મુકવા જેવું કામ છે. તું એકલી શું કરીશ?’ આ સિચ્યુએશન વિષે તો વિચાર કરેલો ન હતો એટલે હું પણ ટેન્શનમાં આવી ગયો.
‘મેં એના પડખા સેવેલા છે એટલે એને હું સારી રીતે જાણું છું. એ અહી જાતે આવ્યો છે, એનો મતલબ એ મને ધમકી આપવા સિવાય કશું નહિ કરે. એ પોતાના હાથ ચોખ્ખા રાખવાના કામમાં મહેર છે. અઠંગ રાજકારણીઓ જોડેની મીટીંગોમાં હું પણ એની સાથે ગયેલી છું. એટલે એ બીજું કશું નુકસાન નહિ કરે પણ એક વાત એલાર્મિંગ છે કે મારી બાતમી એને મળી ગઈ. તું એક કામ કરજે નીચે રીસેપ્શન પર જઈને બેસ અને વોચ રાખ કે એના માણસો એના ગયા પછી અહીં ન આવે.’
હું વાત કરતા કરતા એના દરવાજા સુંધી પહોંચી ગયો હતો પેલો આર.ડી લીફ્ટમાં ઉપર આવે એ પહેલા મારે બહાર જતું રહેવાનું હતું. વધારે વાત કરવાનો એટલે અહીં આમપણ અવકાશ ન હતો. મેં સીમાના ખભા પર હાથ મુકીને કહ્યું ‘ટેક કેર ...કંઈ પણ એવું જોખમી લાગે તો તારા મને એક રીંગ મારજે.’
બહાર નીકળીને હું લીફ્ટ તરફ જવાને બદલે વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો. તપનનો મેસેજ હતો એ પ્રમાણે એ રૂમ નં.૫૦૫માં જ હતો. પણ હું એ રૂમથી આગળ નીકળી ‘ઓપન ટુ સ્કાય’ એરિયામાં મુકેલી એક ખુલ્લી બાલ્કની જેવા સ્પેસમાં જઈને ઉભો રહ્યો. થોડીવારે લીફ્ટમાંથી આર.ડી અને બીજો એક શખ્સ બંને જણા બહાર નીકળી પેસેજમાં સીમાના રૂમ તરફ આગળ વધ્યા. બાલ્કનીની બહાર દેખવાનો ડોળ કરીને હું ઉભો હતો પણ મારું ધ્યાન એ પેસેજ તરફ જ હતું. એકાદ રૂમ સર્વિસ બોય કે વેઈટર સિવાય કોઈની અવરજવર એ પેસેજમાં એ દરમ્યાન થઇ ન હતી. આર.ડી અને પેલો શખ્સ જેવા સીમાના રૂમમાં પ્રવેશ્યા, હું ઉતાવળા ડગલે ૫૦૫ તરફ ગયો. ડોરબેલ સાંભળી તપને તરત જ દરવાજો ખોલ્યો. હું અંદર ગયો. તપન એનું લેપટોપ ઓન કરીનેજ બેઠો હતો. મને જોઇને એ સમજી ગયો એણે તરત જ એમાં લોગ-ઇન કર્યું. લેપટોપનું સ્પીકર ફૂલ વોલ્યુમ રાખેલું હતું થોડીક ક્ષણોમાંજ સીમાના રૂમમાં થતી વાતચીત અમને સંભળાવા માંડી.
(સીમા જયારે બાથરૂમમાં ગઈ ત્યારે એની સાઈડ ટેબલની ધારીમાં મેં ડિવાઈસ લગાવી દીધું હતું.)
શરૂઆતમાં તો બોટલ અને ગ્લાસનો અવાજ વધારે આવ્યો એટલે બીજા અવાજો ઓછા આવ્યા કારણકે મેં જ્યાં ડીવાઈસ મુક્યું હતું એ ટેબલ પર જ બોટલ અને ગ્લાસ પડેલા હતા. સીમાએ પહેલાની જેમજ જયારે આર.ડી આવતા હશે ત્યારે સાથે દારુ પીતા હશે તે રીતે આરામથી અને ઠંડા દિમાગથી આ મુલાકાતના શ્રીગણેશ કાર્ય હશે તેમ અમે માની લીધું. થોડીજ મીનીટોમાં એકાદ ગ્લાસ થોડો વધારે જોરથી મુકાયો હોય એમ અવાજ આવ્યો અને પછી તરત આર.ડી બોલ્યો. ’તું મને સારી રીતે ઓળખે છે એટલે મારે તને બીજું કશું સમજાવવાનું નથી પણ છતાં હું તને સમજાવવા આવ્યો છું.’
‘હા મને ખબર છે કે તમે એકવાર મને મારી નાંખવામાં નિષ્ફળ નીવડ્યા છો એટલે હવે ફૂલ-પ્રૂફ જ પ્લાન કરશો’ થોડા ઉગ્ર અવાજે સીમાનો જવાબ અમને સંભળાયો.
તારી ઔકાત શું છે સીમા મારી સામે..હેં..?? ચપટી વગાડતા તને મસળી નાખું એમ છું. તું તારી મર્યાદામાં રહે એજ તારા માટે બહેતર છે.’
‘મારી ઔકાત એટલી જ છે કે હું તારા બધાજ કાળા ધંધાઓ જાણું છું અને હું પણ તારું નામ એક રાતમાં કડડભૂસ કરી શકું એમ છું.’ હવે સીમા મર્યાદા તોડી તુંકારા ઉપર આવી ગઈ હતી.
‘તું જેના જોર ઉપર કુદે છે એ વિલાસ તો હવે થોડા દિવસનો મહેમાન છે કદાચ આજે મુંબઈથી પાછો ન પણ આવે.’
‘શટ-અપ....યાદ રાખજો ...એજ તમારા લોકોનો બંદોબસ્ત કરશે. પેલા ભુરાના પકડાયા પછી પોલીસ પણ તમને જ શોધતી હશે.’
‘ઓહો... તો તને એ માહિતી મળી ગઈ છે એમ ને ...એનો તો વાંધો નથી એ બે દિવસમાંજ જામીન મેળવી લેશે કારણકે પકડાયેલા ડ્રગ્સ સાથે એને કોઈ લેવાદેવા ન હતી. અને ગોડાઉનનો ચોકીદાર કંપનીની જાણબહાર આવી કરતુત કરતો હોવાનું સાબિત કરી દેવા માટેની ગોઠવણ પોલીસવાળાઓ સાથે થઇ ગઈ છે.’
‘ભૂરો પથારીમાંથી બેઠો થશે તો ને?’
‘એ તો થોડા વખતમાં સાજો થઇ જશે પરંતુ પછી તારી પથારીમાં જ આવવાનો છે. મેં એને છુટ્ટોદોર આપી જ દીધો છે કે સીમા હવે તારી જ છે. એ બાબતમાં હું હવે વચ્ચે ક્યારેય નહિ આવું.’
‘કેમ તમે મને ખરીદીને લાવ્યા છો? એ કોણ કે તું કોણ? યાદ રાખજો મારી જબાન ખુલી તો તમારા બંનેનું જીવવું હરામ કરી દઈશ.’
‘બે ટકાની ઓરત તું કોને ધમકી આપે છે?..મને...? જે હોમમીનીસ્ટર સુધી પોતાની પહોંચ ધરાવે છે, એને ..?’ આર.ડી એકદમ તાડૂક્યો
હું તપનની સામું જોઈ રહ્યો પણ એણે મને શાંત રહેવા કીધું. મને ચિંતા થવા લાગી હતી કે ક્યાંક એનુંય આ લોકો ખૂન ન કરી દે પણ પછી મને વિચાર આવતો કે આવા લોકો પોતાના હાથ ક્યાં કાળા કરે છે. લોકોના જીવતર જ કાળા કરે. આવી મોટી હોટેલ જ્યાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લાગેલા હોય ત્યાં આ લોકો જોખમ ના લે એ તર્ક પણ મને શાંત રહેવા માટે પ્રેરિત કરતો હતો.
ફરી અમે લોકો એ લોકોની વાતો સાંભળવામાં મશગુલ થયા. એકબીજા સામેના આક્ષેપોમાં અમને બહુ તથ્ય લાગતું ન હતું. પણ તપન એના કાન સરવા રાખી સાંભળતો હતો.
‘જો સીમા એક સલાહ આપું. તારે આ બધું છોડીને અહીંથી ભાગવું હોય તો આ અઠવાડિયામાં જ શહેર છોડીને જતી રહેજે. વિલાસના ભરોસે તારી કોઈ જીંદગી નથી. હા તારે જો ભુરાના આશ્રયમાં રહેવું હોય તો મને કોઈ વાંધો નથી. નક્કી તારે કરવાનું છે કે જો આ બધામાંથી નીકળવું હોય તો બીજા શહેરમાં તને કોઈ ન ઓળખે એમ તારું જીવન નવેસરથી ચાલુ કરી દે. પછી અહી ક્યારેય દેખાતી નહિ.’
‘સલાહ તો સારી છે. સલાહ કોણ આપે એ પ્રમાણે વિચારવું પડે.’
‘તારી વિરુદ્ધના પુરાવાઓ અત્યારે પોલીસ પાસે પહોંચી ગયા છે એટલે તારે જ નક્કી કરવાનું છે. નહીતર આ તારી જવાનીને જેટલા વરસ બાકી છે એ બધા જેલમાં જ વિતાવવાની તૈયારી રાખજે.’
આટલું બોલી એ લોકોના રૂમમાંથી ખખડાટનો અવાજ વધી ગયો અને હું સમજી ગયો એટલે ઝડપથી બહાર નીકળી લીફ્ટ તરફ પહોંચી ગયો. અપેક્ષા મુજબ એ બંને જણા લીફ્ટ પાસે આવ્યા. અમે ત્રણેય લીફ્ટમાં નીચે જવા માટે પ્રવેશ્યા. લીફ્ટ બંધ થયા બાદ આર.ડીએ પેલા ત્રીસેક વર્ષની આસપાસની ઉંમરના લાગતા અને હાથમાં, ગળામાં જાડી સોનાની ચેન પહેરેલા એ શખ્સ સામું જોયું અને પૂછ્યું કે ‘દવાની અસર ક્યાં સુંધીમાં થશે?’
‘ડોકટરે તો મને એવું કીધું હતું કે પેશન્ટને દવા આપો પછી ચારેક કલાકમાં એ એની અસર દેખાડશે.’
પેલા ભરવાડ જેવા લાગતા શખ્સે જવાબ આપ્યો પણ મારી આંખો પહોળી થઇ ગઈ અને ગ્રાઉન્ડફ્લોર ઉપર જ લીફ્ટમાંથી બહાર નીકળી હું ઉપર જવાના દાદરા તરફ ભાગ્યો.
(ક્રમશ)
ચેતન શુક્લ (૯૮૨૪૦૪૩૩૧૧)