હાલ્ફ લવ
ભાગ-૭
પિયુષ કાજાવદરા
Email id- kajavadarapiyush786@gmail.com
Facebook-https://www.facebook.com/kajavadara
હાલ્ફ-લવ ભાગ-૬ માં જોયું કે રાજ ના ઘરે થી જવાબ આવી ગયો હતો પણ હવે એ જવાબ પાછળ પણ એક રાજ છુપાયેલું હતું. એમની એક શરત હતી અને એ શરત શું હતી એ વાંચવા તમારે આગળ વાંચવું પડશે.
માણસ ની માણસાઈ આજકાલ જોવા મળતી નથી. કુતરા ને કોઈ દિવસ કહેવું નથી પડતું કે તું કુતરો થા, ગાય ને નથી કહેવું પડતું કે તું ગાય થા કે નથી કહેવું પડતું ઘોડા ને કે ભાઈ તું ઘોડા જેવો થા. બસ આ દુનિયા માં માણસ જ એક એવું પ્રાણી છે કે જેને વારંવાર કહેવું પડે છે કે ભાઈ તું માણસ જેવો થા.
અરેરે હવે તમે બોલશો કે એમના ઘરે થી શું શરત આવી છે? “બંસરી ના મમ્મી બોલ્યા.”
હા, હવે થોડી વાર રાહ તો જો બધું કહું જ છું કે એ લોકો એ શું શું કહ્યું. “બંસરી ના પપ્પા બોલ્યા.”
હા, સારું.
આ બધા વચ્ચે એક જીવ એવો હતો જે છાનો-માનો બેસી ને બધું જોય રહ્યો હતો એ જીવ હતો બંસરી નો. એક નાદાન જીવ. તમે કોઈ દિવસ મરઘા ને મારતા જોયા છે? જે મરઘા મારવા વાળો હોય તે બહુ સારી રીતે મરઘા નો ઉછેર કરે, તેને સાચવે, તેને પુરતું ખાવાનું આપે અને એક દિવસ એવો આવે કે એ જ મરઘા ને પહેલા ગરમ પાણી માં ડુબાડે, પોતાનો જીવ બચાવવા મરઘી તરફડીયા મારે અને એ ગરમ પાણી એટલી હદે ગરમ હોય કે કદાચ સાથે જો એનો હાથ ડૂબે તો નક્કી ચામડી ઉખેડી નાખે. એવા ગરમ પાણી માં એ મરઘી તરફડીયા મારતી જોવા મળે પછી હાથ માં એક લાંબો ચૂરો પકડે અને મરઘી ની ઉપર રહેલા બધા પીછા જે ગરમ પાણી માં ડૂબાડવા ને કારણે સાવ જીવ વગર ના જ થઇ ગયા છે એને હળવે હાથે ચુરા વડે ઉખેડી નાખે અને પછી લાસ્ટ માં આવે ફાઈનલ રાઉન્ડ, એ જ લાંબો ચૂરો મરઘી થી ૩ ફૂટ ના અંતર સુધી દુર ખેંચવામાં આવે અને સીધા ૧૮૦ ના ખૂણે મરઘી ની ડોક પર. ડોક અલગ અને ધડ પણ અલગ અને ત્યાં જ મરઘી ના થઇ ગયા રામ રામ!
આ બધી વસ્તુ અને આવા બધા કામ લગભગ એક માણસ જ કરી શકે, પહેલા કોઈ પણ વ્યક્તિ ને એટલી સાચવે કે લગભગ એમને એમ જ થઇ જાય કે આ ભાઈ કે બહેન મારા માટે તો મરવા પણ તૈયાર છે અને ૨ પળ માં એવું તે શું બની જાય કે આજ સુધી જેમને એટલા સાચવ્યા હોય એમના જ જીવ પાછળ પડી જાય.
માણસ એટલે ગુમાન માં ફરે છે કે ભગવાને માત્ર માણસ ને જ મગજ અને બોલવાની તાકાત આપી, નહિતર હજુ પણ કોઈ જંગલ ની ડાળી પર લટકેલો જોવા મળેત.
બંસરી ના પાપા હવે કહેવા જઈ રહ્યા હતા કે રાજ ના ઘરે થી શું શરત આવી હતી.
હા તો, સાંભળો શરત એવી છે કે, હકીકત માં છોકરા ના મમ્મી અને પપ્પા ની તો કોઈ પણ શરત ના હતી. એમને તો આપણી બંસરી પહેલી નજર માં જ ગમી ગઈ હતી અને એ લોકો એ તો મનોમન આપણી બંસરી ને એમના ઘર ની વહુ પણ માની લીધી હતી, પણ છોકરો એટલે કે રાજ નું એવું કહેવું છે કે પહેલા અમે એક બીજા ને સરખી રીતે જાણી લઈએ પછી આપણે આગળ નું વિચારીએ. રાજ ને પણ આપણી બંસરી પસંદ છે જ, પણ શરત એટલી છે કે બંને એકબીજા સાથે થોડો સમય વિતાવી ને એકબીજા ને જાણવા માંગે છે. “બંસરી ના પપ્પા બોલ્યા.”
બંસરી અને તેણી ના મમ્મી બધું ચુપચાપ સાંભળી રહ્યા હતા.
આવી તે કેવી શરત? તો શું આપણી બંસરી લગ્ન કે સગાય પહેલા જ તે છોકરા ને મળશે? અને ચાલો મળી પણ લે અને પછી કદાચ એ છોકરો એમ કહે કે મને છોકરી પસંદ ના આવી તો આપણી બંસરી ની જિંદગી નું શું? ના, તમે એ લોકો ને ના જ પાડી દયો કે અમને આવી કોઈ શરત પસંદ નથી. “બંસરી ના મમ્મી બોલ્યા.”
તું થોડું શાંતિ થી વિચારીશ? અને આમ પણ, બંસરી ની જિંદગી નો પણ સવાલ છે અને હું જાણું છુ ત્યાં સુધી આ સવાલ નો જવાબ બંસરી આપશે તો વધુ સારું લાગશે. “બંસરી ના પપ્પા બોલ્યા.”
હા, તમારી વાત પણ સાચી છે, બોલ દીકરા તને મંજુર છે આવી કોઈ શરત? “બંસરી ના મમ્મી એ બંસરી ને પૂછ્યું.”
મમ્મી-પપ્પા છોકરો તો મને પણ પસંદ આવ્યો જ હતો, અને હા હું પણ એવું ઈચ્છતી હતી કે હું પણ લગ્ન કે સગાય પહેલા એને ઓળખું કે એનો સ્વભાવ કેવો છે? મારા સ્વભાવ સાથે મેચ થશે કે નહી, પણ સાથે મમ્મી એ જે કહ્યું એ પણ વિચારવા જેવું તો છે જ કદાચ કોઈ કારણ વગર ના પાડી દે તો મારી જિંદગી તો બગડવાની જ છે. એટલે મારી ઇચ્છા એવી છે કે મને એક દિવસ આપો વિચારવા માટે હું તમને કાલે કહીશ કે મારો જવાબ શું છે. “બંસરી આ વખતે બધું શરમાયા વગર જ બોલી ગઈ.”
સારું બંસરી હું કિશોરકાકા સાથે વાત કરી લવ છું અત્યારે તું મને કાલે જવાબ આપજે. “બંસરી ના પપ્પા બોલ્યા.”
હા, પપ્પા અને હવે હું સુવા માટે જાવ છું, કાલે હવે રવિવાર તો નથી. કાલ મારે ક્લિનિક પણ જવાનું છે ને. “બંસરી બોલી.”
હા, સારું બેટા તું સુઈ જા. “મમ્મી એ બંસરી ના માથા પર હાથ ફેરવતા કહ્યું.”
બંસરી સુવા માટે પોતાની રૂમ તરફ ચાલવા લાગી અને તે જોય રહી હતી કે હજુ તેણી ના મમ્મી પપ્પા વાતો કરી રહ્યા હતા.
બંસરી આજે થોડો વધુ જ થાક અનુભવી રહી હતી, એટલે જઈ ને સીધી જ બાથરૂમ તરફ ગઈ અને ફ્રેશ થઇ ને આજે બંસરી ની સીધું સુઈ જ જવું હતું.
બંસરી ફ્રેશ થઇ ને આવી અને પોતાના રાત્રી માટે ના ટૂંકા વસ્ત્રો પહેર્યા અને બેડ પર લાંબી થઇ એ ટૂંકા વસ્ત્રો માં એકદમ ટકાટક લાગી રહી હતી. ફિલ્મો ની હિરોઈન અને મોડલ ને પણ પાછળ મૂકી દે એવી. બ્લુ કલર નું વન પીસ પહેરી ને સુતી હતી, ખુલા વાળ બંસરી ને હંમેશા માદક અને નશીલી બનાવતા હતા.
બંસરી ને આજે જલ્દી સુઈ જવું હતું એટલે તેણી એ કાઈ પણ વિચાર્યા વગર પોતાની આંખો સીધી બંધ જ કરી દીધી, પણ ખબર જ છે આપણે ઇચ્છતા હોઈએ તો પણ વિચારો આપણો સાથ ક્યારેય છોડતા નથી. બંસરી સાથે પણ ત્યારે કાઈ એવું જ થઇ રહ્યું હતું. આજે તેણી ને કોઈ પણ પ્રકાર ના વિચારો પોતાના મન કે મગજ માં લાવવા નહોતા તો પણ વિચારો ફરી ફરી ને આવી રહ્યા હતા.
‘તમે કોઈ દિવસ શાંતિ થી બેસી ને વિચાર્યું છે? કે તમે જયારે કોઈ મુશ્કેલી કે મુંજવણ માં હોવ ત્યારે તમે કશું પણ વિચારવા ના માંગતા હોવ છતાં તમને એ જ વિચારો ફરી ફરી ને આવતા રહે છે. આપણા મન પર જ આપણો કાબુ નથી હોતો અને માણસ ચાલ્યો છે પૂરી દુનિયા પર રાજ કરવા. જે પોતાના મન ને જીતી લે છે એ બધા ના મન જીતવાની ક્ષમતા રાખે છે, અને જો પોતાના મન માં પોઝીટીવ થીંકીંગ હોય તો હંમેશા પોઝીટીવ જ કામ થાય છે, તમે કદાચ નોટીસ નહી કર્યું હોય પણ મેં ઘણી વાર કર્યું છે. તમને જે વાત નો ડર હોય છે એ વાત તમારી સાથે સૌથી પહેલા બનતી હોય છે માટે ડર નામ ની વસ્તુ ને તમારી જિંદગી, દિલ, દિમાગ માં આવવા જ ના દેવી કારણ કે ડર જ એક એવી વસ્તુ છે જે તમને હંમેશા સારા અને સાચા કામ કરતા રોકશે અને ખરાબ અને ખોટા કામ કરવા માટે પ્રેરિત કરશે. આપણે જ વિચારવાનું છે. તમે વિચારજો કોઈ વાત ને લઈને તમે ક્યારેય ખોટું બોલ્યા હશો તો પછી એક ડર રહી જશે મન માં કે જો હવે સત્ય કહીશ તો શું થશે? એવો ડર તમારા મન અને મગજ માં ફર્યા કરશે અને એ જ ડર ના કારણે તમે પહેલી વખત પણ ખોટું બોલ્યા હશો, પછી ચાલુ થઇ જશે એક જુઠાણા ને છુપાવવા માટે બીજા ૧૦૦ જુઠ બોલીશું પણ એક વાર સાચું ના બોલવા દે એનું નામ છે આ ડર. માટે જ કહું છું ડર થી અને નેગેટીવ થીંકીંગ થી હંમેશા દુર જ રહેવું સારું.’
બંસરી પણ એવું જ કાઈ કરી રહી હતી મન માં જાગતા વિચારો થી ભાગી રહી હતી પણ ભાગવું ના જોઈએ કારણ કે જેટલું વધુ ભાગીયે એટલા વિચારો વધુ આવે એના કરતા વિચારો થી ભાગવા કરતા એને જવાબ આપી દેવો જોઈએ એટલે ત્યાં જ નિર્ણય આવી જાય.
બંસરી ના મન માં આવતા વિચારો એમ કહી રહ્યા હતા કે શું એને રાજ ને આ શરત માટે હા કહી દેવી જોઈએ કે નહી, અને આમ પણ બંસરી નું પણ એવું જ હતું એની પણ અમુક ઈચ્છાઓ હતી પોતાના ભાવી પતિ તરફ થી એ પૂરી થશે કે નહી એ લગ્ન પહેલા જાણવી જરૂરી હતી એટલે કોઈ પણ નિર્ણય લીધા પહેલા એ રાજ ને પૂરે પૂરો જાણવા તો માગતી જ હતી, એટલે આમ જોઈએ તો મારા માટે આ શરત એકદમ યોગ્ય હતી, પણ બબંસરી ના મન માં એના મમ્મી ની વાત ઘરી ગઈ હતી જે નેગેટીવ હતી અને બસ એ એક વાત ના લીધે જ બંસરી એટલું બધું વિચારવા પર આવી ગઈ હતી અને એ વાત સાવ ખોટી તો ના જ હતી, તો પણ બંસરી નું મન હજુ એમ જ કહી રહ્યું હતું કે હું રાજ ને એક ચાન્સ તો આપીશ જ. બંસરી ને હવે કોઈ ની સલાહ ની જરૂર હતી અને બંસરી જાણતી હતી આ સલાહ તેણી ની લાઈફમાં એક જ વ્યક્તિ આપી શકે તેમ હતી અને એ હતી બંસરી ની ખાસ બહેનપણી વૈશાલી, એટલે બંસરી એ મનોમન વિચાર્યું કે આવતી કાલે વૈશાલી ને મળીને જ વાત કરું. બસ વિચારો અને વિચારો માં ધીરે ધીરે આંખો ઘેરવા લાગી અને ૨ આંખ ક્યારે ૪ થઇ ગઈ એની ખબર ખુદ બંસરી ને પણ ના રહી, અને બંસરી ચાલી ગઈ સપનાઓ ની દુનિયા માં.
સવાર પડી અને બંસરી એ પોતાના રોજીંદા કામકાજ પતાવી ને પહોચી ગઈ ક્લિનિક પર અને આજે સોમવાર હતો એટલે ક્લિનિક માં પણ થોડી ભીડ વધુ રહેવાની હતી અને હજુ બંસરી ના મન માં કાલ ના જ વિચારો ચાલી રહ્યા હતા પણ આજે બંસરી જાણતી હતી કે તેણી ને શું કરવાનું છે બસ હવે બંસરી બપોર ના લંચ ટાઇમ ની રાહ જોઈ રહી હતી. બંસરી એ પહેલે થી જ વૈશાલી ને ફોન કરી રાખ્યો હતો અને બપોર ના ૧ વાગ્યે ક્લિનિક પર પણ બોલાવી રાખી હતી.
ધીમે ધીમે દર્દી ઓની અવર-જવર વધી રહી હતી એટલે બંસરી હવે કામ માં મશગુલ થઇ ગઈ હતી અને ક્યારે બપોર ના ૧૨:૩૦ થઇ ગયા અને બંસરી ને ખબર જ ના રહી એટલા માં જ પાછળ થી કોઈ નો હાથ બંસરી ના ચહેરા પર આવ્યો અને બંસરી સારી રીતે જાણતી હતી કે એ હાથ કોનો હોય શકે કારણ કે વૈશાલી સિવાય આવી મસ્તી કરી શકે એવું કોઈ કલીનીક માં હતું જ નહી અને આમ પણ પહેલે થી વૈશાલી મસ્તીખોર જ હતી.
બ્લેક ટીશર્ટ પર લાઈટ બ્લુ જીન્સ પહેરી ને વૈશાલી આવી હતી. તે પણ દેખાવ માં કોઈ પણ રીતે બંસરી કરતા નીચે ઉતરે એમ ના હતી. ગોરો ચેહરો, ઘુવડ જેવી સહેજ એવી મોટી આંખ, એકદમ સીધા વાળ જે શરુ થતા સીધા પાતળી પરમાર જેવી કમર પાસે જઈને જ ઉભા રહે,એકદમ સ્લીમ અને ઉપર થી ગોરા ગાલ અને નરમ હોઠો વચ્ચે રહેલો એક સહેજ મોટો એવો કાળો તલ જે વૈશાલી ને વધુ મોહક બનાવતો.
વૈશાલી, તું જલ્દી આવી ગઈ પહેલી વાર? “બંસરી બોલી.”
“હા, કેમ ના આવી શકું? આમ પણ ઘરે બેઠી બેઠી કંટાળી ગઈ હતી એટલે વિચાર્યું આજે જલ્દી જ જાવ.”
“વાહ સારું કર્યું ને. બસ થોડી વાર માત્ર ૧૦ મિનીટ બેસ હું મારું થોડું જ કામ બાકી છે તે પતાવી ને આવું.” બંસરી બોલી.
હા, સારું.
વૈશાલી પોતાનો ફોન ચાલુ કરી ને કોઈ સાથે ચેટ કરવા લાગી. અત્યાર ના જમાના માં સમય પસાર કરવા માટે નો સૌથી બેસ્ટ રસ્તો.
બંસરી પોતાનું કામ પતાવવા લાગી અને કામ પતાવી ને ટીફીન લઈને વૈશાલી પાસે આવી.
“તું જમી ને આવી છે?”
હા, હું તો જમી ને જ આવું ને. “વૈશાલી બોલી.”
“ચાલ થોડું જમજે મારી સાથે મમ્મી એ તને ભાવતું બટેટાની સુકી ભાજી અને રોટલી મોકલી છે.”
“વાહ,” વૈશાલી ચહેરા પર ભાવ બદલતી બદલતી બંસરી સાથે ચાલવા લાગી.
બોલ, બંસરી કેટલા દિવસ પછી તે મને આમ અચાનક મળવા માટે બોલાવી? કોઈ ખાસ કારણ હતું કે પછી મારી યાદ આવી ગઈ? “વૈશાલી થોડો ટોન્ટ મારતા બોલી.”
બસ હા તું પણ કાઈ મને ફોન કરી કરી ને મારી નથી ગઈ તે આમ ટોન્ટ મારે છે. “બંસરી પણ મોઢું ચડાવતા બોલી.”
હા, જવા દે શું થયું છે એ બતાવ મને હવે. નહિતર આમ જગડવા માં જ તારો લંચ પતી જશે. “વૈશાલી થોડી સમજદારી બતાવતા બોલી.”
જો સાંભળ એમ કહી ને બંસરી, વૈશાલી ને બધી વાત કરે છે...
વૈશાલી થોડું વિચારે છે અને બંસરી ને એક સવાલ કરે છે.
“તારો શું વિચાર છે રાજ ને લઇ ને?”
હમમ, મારો તો વિચાર એવો છે કે હું અત્યારે એની શરત માં ની લવ કારણ કે મને પણ રાજ પસંદ તો છે જ અને એને વધુ જાણી લવ તો આગળ સારું રેહશે અને જો અત્યાર થી જ ના કહી દઈશ તો એં લાગ્યા કરશે કે જે પસંદ હતો એને જાણ્યા વગર જ મેં ના કહી દીધી. “બંસરી બોલી.”
હમમ, તો જવાબ તારી સામે જ તો છે, તારા દિલ માં અત્યારે જે છે એને જ તું ફોલોવ કરી બીજી કોઈ પણ ઝંઝટ માં ના પડીશ. બાકી બધું આપમેળે ઠીક થઇ જશે સમય ની સાથે એટલે તું તારા પાપા ને હા પાડી ને રાજ સાથે થોડો સમય પસાર કર જો તને તારા માટે એ યોગ્ય લાગે તો તેની સાથે કરી લેજે લગ્ન, નહિતર બીજા છોકરા ક્યાં ઓછા છે. “વૈશાલી હસતા હસતા બોલી.”
હા, તું કહે છે એમ જ કરું. થેંક યુ સો મચ બેબી. “બંસરી વૈશાલી ને હગ કરતા કરતા બોલી.”
લવ યુ. “વૈશાલી બોલી.”
લવ યુ ટુ.”બંસરી આંખ મારતા બોલી.”
બંસરી ને પોતાનો લંચ નો સમય પૂરો થવા જ આવ્યો હતો અને વૈશાલી ને પણ ઉતાવળ હતી એટલે એ બંસરી પાસે થી રજા લઇ ને નીકળી ગઈ, અને બંસરી થોડી હળવાશ સાથે પોતાના કામ પર લાગી ગઈ.
બંસરી ને બસ હવે ઘરે જવાની ઉતાવળ હતી અને જલ્દી તેણી ને તેણી ના પપ્પા ને પોતાનો જવાબ કહી દેવો હતો એટલે વાત જલ્દી ચાલવા લાગે.
બંસરી ક્લિનિક નો સમય તો જેમ તેમ પસાર કરી ને ઘરે પહોચી બસ હવે પપ્પા ને આવ વાની વધુ વાર ના હતી અને આમ પણ જ્યાં સુધી બંસરી તેણી ની મમ્મી ની સાથે હોય ત્યારે તેને ગમે એટલો સમય હોય બધો ઓછો જ લાગતો કારણ કે મમ્મી અને બંસરી વચ્ચે નો સબંધ કોઈ પણ મિત્ર કરતા પણ વિશેષ હતો.
બંસરી ના મમ્મી એ દરરોજ ની જેમ પણ આજનો દિવસ કેવો ગયો એ બધું પૂછ્યું.
બંસરી એ બધા જવાબો આપ્યા અને થોડો ઘણો સમય બંને વચ્ચે વાતો ચાલી એટલા માં જ બંસરી ના પપ્પા આવી ગયા.
બંસરી તો જોય ને ખુશ થઇ ગઈ કારણ કે આજે બંસરી ના પપ્પા થોડા જલ્દી જ આવી ગયા હતા.
કેમ પપ્પા આજે જલ્દી. “બંસરી એ સવાલ કર્યો.”
“તે મને કાલે આજે કાઈ જવાબ આપવાની છે એવું કહેલું બસ એ જવાબ લેવા માટે જ જલ્દી આવ્યો છું.”
તો એતો તમે ફોન પર પણ પૂછી શકતા હતા ને. “બંસરી ના મમ્મી બોલ્યા.”
મારે ત્યાં કાઈ કામ ના હતું એટલે જલ્દી આવી ગયું વિચાર્યું આમને સામને જ વાત કરી લવ. “પપ્પા બોલ્યા.”
બોલ બેટા શું વિચાર્યું તે?
પપ્પા, મેં બોવ વિચાર્યું, મમ્મી એ કાલે જે કહેલું એનું પણ વિચાર્યું પણ મારી હા છે. હું એવું વિચારું છું કે આજે મને રાજ તો ગમે છે જો હવે તેને જાણ્યા વગર જ ના કહી દવ તો કાલે કદાચ કોઈ બીજો મને જોવા આવશે અને આગળ જતા મારા જીવન માં કાઈ અડચણ આવે તો મને એમ થશે કે આના કરતા મેં રાજ ને હા પાડી હોત તો સારું હતું અને બસ હું એ અફસોસ નો મોકો મારા જીવન ને આપવા નથી માગતી. જો અત્યાર થી જ રાજ ને જાણી લઈશ અને પછી એની સાથે ભલે ને મારા લગ્ન ના થાય પણ મારે આગળ ની જિંદગી માં કોઈ પણ પ્રકાર નો અફસોસ કરવાનું નહી રહે એટલે હું રાજ ની શરત ને હા પાડું છું. “બંસરી બધું એક સાથે જ બોલી ગઈ.”
હા, દીકરા મને પણ તારી પાસે થી આજ આશા હતી. જીવન ભલે ગમે એવું જીવો, જિંદગી માં આગળ જઈને પાછળ ની જિંદગી ને યાદ કરીને કોઈ દિવસ અફસોસ ના થવો જોઈએ એવું જીવવું. જો આવું જીવન બધા જીવતા થઇ જશે તો જિંદગી માં કોઈ પણ માણસ ક્યારેય અફસોસ તો નહી જ કરે. હું કિશોરકાકા સાથે વાત કરી લવ. “પપ્પા બોલ્યા.”
બંસરી એ માત્ર હકાર માં માથું જ હલાવ્યું અને તેણી ના પપ્પા ફોન પર વાત કરતા કરતા પાછા કાલ ની જેમ જ બહાર ચાલ્યા ગયા અને થોડી વાર માં જ મોટા સ્મિત સાથે પાછા અંદર આવ્યા.
કેમ આટલું મોટું સ્મિત? “બંસરી ના મમ્મી બોલ્યા.”
છોકરા ના પપ્પા એ એમ કહ્યું કે અમારા વતી બંસરી ને બોવ મોટો આભાર કહેજો કારણ કે અમને તો બંસરી જ પસંદ હતી પણ અમારા રાજ એ શરત મૂકી પછી એ હા પાડશે કે નહી બસ એ જ એક વાત નો ડર હતો પણ હવે હા પાડી જ દીધી છે એટલે અમે ખુબ ખુશ થઇ ગયા છીએ. “બંસરી ના પપ્પા હસતા હસતા બોલ્યા.”
બહુ મીઠુંડા થતા હોય એવું તમને નથી લાગતું? “બંસરી ના મમ્મી બોલ્યા.”
ના, હવે એતો તેમની ખુશી આ રીતે વ્યક્ત કરી અને એમની જગ્યા એ આપણે હોયએ તો આપણે પણ કદાચ આમ જ જવાબ આપીએ. “બંસરી ના પપ્પા બોલ્યા.”
બંસરી માત્ર બંને ને જોઈ જ રહી હતી.
અને હા બંસરી એમના પપ્પા ને મેં તારો ફોન નંબર આપ્યો છે કદાચ તારા પર રાજ નો ફોન આવશે અને તને હું છુટ્ટી આપું છું એને મળવા માટે ની. “બંસરી ના પપ્પા બોલ્યા.”
વધુ આવતા અંકે....