માણસને માણસની ભૂખ
યશવંત ઠક્કર
‘મેમ, તમને મારી તકલીફનો સહેજ પણ ખ્યાલ આવે છે? હું સિત્તેર વર્ષની ઘરડી બાઈ છું. એકલી રહું છું. બહાર જવાનું બહુ બનતું નથી. કોઈ સગાંસંબંધી સાથે સંપર્ક રહ્યો નથી. ઇન્ટરનેટના સહારે એક જુદી જ દુનિયામાં જીવવાનું શીખી ગઈ છું. પણ છેલ્લા ચાર દિવસથી એ દુનિયાથી પણ અલગ થઈ ગઈ છું. હું પાગલ થઈ ગઈ છું. તમારી કંપનીનું બ્રોડબેન્ડ ચાલતું નથી. પ્રોબ્લેમ સોલ્વ કરવાના વાયદા કરો છો પણ કરી શકતાં નથી. તમે ત્યાં શું હરામનો પગાર લેવા બેઠાં છો? તમારાથી મારો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી તો હું શું કરું? મને સલાહ આપો. હું આપઘાત કરું?’
જોબ પરથી ઘર તરફ પછી ફરી રહેલી શ્વેતાના મનમાં હજુ આ શબ્દો ઘૂમરી ખાતા હતા. એ તો માનતી હતી કે ઇન્ટરનેટ તો ફક્ત યુવાપેઢી માટે કામનું છે. ઇન્ટરનેટ બંધ હોય કે ધીમું ચાલતું હોય તો કોઈ યુવાન છોકરો કે છોકરી અકળાઈને ફરિયાદ કરતી વખતે ન બોલવાનું બોલી નાખે એ વાતની એને નવાઈ નહોતી. એણે ઘણી વખત ગાળો પણ સાંભળી હતી. પરંતુ, એક સિત્તેર વર્ષના માજી ઇન્ટરનેટ વગર એકલાં પડી જાય એ વાત બિલકુલ નવી હતી.
‘દાદીમા કહેતાં નથી પણ એમની હાલત આવી જ થતી હશેને?’ શ્વેતાને ઘરે એકલાં બેઠેલાં પાંસઠ વર્ષનાં જયાબા યાદ આવી ગયાં. જયાબા એટલે એનાં દાદીમા. એમને તો મોબાઇલ કે કમ્પ્યૂટર વાપરતાં પણ ન આવડે. ટીવી વાપરતાં આવડે પણ ટીવી જોઈ જોઈને એ કેટલું જુએ? સવારમાં વહેલાં ઊઠીને એકાદ ધાર્મિક ચેનલ જોતાં હોય ત્યાં તો રાજેશ મોઢામાં બ્રશ સાથે આવે ને ચેનલ બદલી નાખે. એ હાલતાંચાલતાં સમાચાર સાંભળતો હોય ત્યાં તો શ્વેતા નાના બાળકની જેમ હાથમાં નાસ્તાનો વાટકો લઈને આવે અને ગીતસંગીત સાંભળે. એ ટીવી જોતાં જોતાં ખાય અને નાચે પણ ખરી. અકળાયેલાં જયાબા ટીવી સામે હાથ કરીને ‘આ જોઈ જોઈને બધાં સાવ ગાંડાં થઈ ગયાં છે’ એવું બબડે. જયારે શ્વેતા ‘માય સ્વીટ દાદી’ એવું એવું બોલે ને દાદીમાને પપ્પી કરીને ખુશ કરી દે. ત્યાં તો આરતી બૂમ પાડે, ‘શ્વેતા, જલદી કર. મોડું થશે તો પાછું ઉતાવળે ભાગીશ. એક તો ગાંડો ટ્રાફિક ને પાછું તારું ડ્રાઈવિંગ! મારો તો જીવ અધ્ધર થઈ જાય છે.’
દસ વાગ્યા પછી જયાબાની ખરી કસોટી શરૂ થાય. એમનો દીકરો રાજેશ, વહુ આરતી અને પૌત્રી શ્વેતા એ ત્રણેય જોબ પર ચાલ્યાં જાય પછી જયાબા ઘરના દરવાજે અંદરથી તાળું મારીને પુરાઈ જાય. આખો દિવસ ઘરમાં એકલાં જ કાઢે. સોસાયટીમાં બધાં પોતપોતાની દુનિયામાં મસ્ત હોય. મોટાભાગના લોકો કામધંધે ગયાં હોય. જે ઘરે હોય એ ઘરમાં પુરાઈને કામકાજ કરતાં હોય, ટીવી જોતાં હોય કે આરામ કરતાં હોય. પરંતુ પહેલાંના વખતમાં હતું એવું, પાડોશી સાથે વાતોચીતો કરવાનું કે હળવામળવાનું વાતાવરણ હવે રહ્યું નહોતું. જયાબા પૂજાપાઠ કરે, થોડુંઘણું વાંચે, ટીવી જુવે, સાસરે ગયેલી બંને દીકરીઓને ફોન લગાડીને લાંબી લાંબી વાતો કરે, ક્યારેક ગીલેરીમાં આવીને ઊભાં રહે અને રડ્યુંખડ્યું કોઈ માણસ દેખાય તો માણસ જોયાનો આનંદ મેળવે. આરતીએ સવારમાં રસોઈ રાંધી હોય એમાંથી બપોરે એકાદ વાગે જમી લે. પછી આડાં પડે પણ ઉંમર વધવાની સાથે ઘટેલી ઊંઘ રાહત આપે નહિ.
જયાબાને જૂના દિવસો યાદ આવ્યા કરે. સ્મરણો ખળખળ વહેવા લાગે. પોતાનું ગામ, મોટા ફળિયાવાળું અને ઊંચી ઓસરીવાળું ઘર, ઘરની ગાયો, બાળપણ, સખીઓ, નિશાળ, નદી, વગડો, વગડામાંથી આવતી હવા, હણહણતાં ઘોડા, ગામલોકોના નરવા અવાજે થતા હાકલા, ફળિયામાં ગવાતા રાસડા, મોભારે બોલતા કાગડા, છાશવારે આવતા મહેમાનો, મહેમાનોને જોઈને હરખાતાં બા ને બાપુજી, રાતે મંડાતી ચોપાટ, વહેલી સવારે ઘંટલે બેસતી બા, રાંધણિયામાં ચૂલાનો અજવાસ, બાજરીના રોટલામાંથી નીકળતી વરાળ, ચોકમાં ભાવાયાના ખેલ, તા થૈયા થૈયા ને તા થૈ.
‘જીવન પણ એક ખેલ જ છેને?’ જયા બા તત્ત્વજ્ઞાન તારવે. ‘નહિ તો ક્યાં ગામડું ગામ ને ક્યાં આ ફાટફાટ થતું શહેર!’
રૂગનાથ સાથે લગ્ન થયાં પછી જયા શહેરમાં આવી હતી. પોળમાં ભાડાનું મકાન હતું. રૂગનાથ ઘરે જ ખમણ બાફીને જથ્થાબંધ ભાવે ફરસાણની દુકાને દુકાને પહોંચાડવાનો ધંધો કરતા હતા. એ સંઘર્ષના દિવસો હતા. જયા એ સંઘર્ષમાં પતિની સાથે જોડાઈ ગઈ. સગવડો અને સાધનો ઓછાં હતાં પણ રાજી થવા માટે નાનાં નાનાં બહાનાં બહુ હતાં. પોળનું જીવન ચહલપહલથી ભર્યું ભર્યું હતું. પાડોશી એકબીજાંનાં ઘરમાં અચકાયા વગર જઈ શકતાં.એકબીજાંની ચીજવસ્તુઓ માંગવામાં સંકોચ નહોતો થતો. ફેરિયાઓ અને રમતાં બાળકોના અવાજોથી પોળનું વાતાવરણ જીવંત રહેતું. રાત્રે ઓટલા પર પરિષદો ભરાતી. અલકમલકની એવી વાતો થતી કે દિવસભરનો થાક ઉતરી જતો. મહેમાનો બેધડક આવતાં અને સાંકડમોકડ સમાઈ જતાં. પારકા ઘરના ઓટલે પણ પથારી કરી શકાતી. મહેમાનોને બાગબગીચા બતાવવામાં અનેરો આનંદ આવતો. ફિલ્મ જોયાનો નશો દિવસો સુધી અકબંધ રહેતો. દિવસો સુધી એની કથા કહેવાતી. તહેવારોમાં તો આખી પોળ જાણે એક મોટું ઘર બની જતી. એ ઉમંગ, એ ગીતો અને એ ગરબા! રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી.
રૂગનાથ અને જયા બંનેની મહેનત અને ઈમાનદારી રંગ લાવતાં ગયાં તો કમાણી વધતી ગઈ. દિવસો બદલાતા ગયા. એમણે સાહસ કરીને સોસાયટીમાં પોતાનું ઘર લીધું. છોકરાં મોટાં થતાં ગયાં. એમને ભણાવ્યાં, સારી નોકરીએ લગાડ્યાં અને પરણાવ્યાં. શ્વેતાનો જ્ન્મ થયો.
જયામાંથી જયાબા બનવા સુધીની આ સફર હતી. રૂગનાથને હવે ધંધો કરવાની જરૂર રહી નહોતી. હીંચકે બેસીને હીંચકવાના દિવસો આવ્યા. એક દિવસે હીંચકા ખાતાં ખાતાં જ એમણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. જયાબાના જીવનમાં ખાલીપાએ કાયમી ધામો નાખ્યો. રાજેશ અને આરતી તો દિવસમાં મોટાભાગે બહાર રહેતાં હતાં. મોટી થતી જતી શ્વેતા, ભણવા માટે અને ભણી લીધાં પછી નોકરી માટે ઘરની બહાર વધારે રહેવા લાગી. જયાબાના જીવનમાં ખાલીપો વધતો જ ગયો.
એક દિવસ જયાબાએ રાજેશને કહ્યું હતું : ‘બેટા, રજાના દિવસે તું મને મંદિરે દર્શન કરવાં લઈ જાય તો મારું મન થોડું મોકળું થાય.’
‘બા, ઘરે બેઠાં ભક્તિ કરો છો એ જ બરાબર છે. મંદિરમાં તો લોકો ભેગાં થઈને પારકી પંચાત કરતાં હોય છે. દર્શન તો એક બહાનું હોય છે.’
આરતીએ પણ રાજેશની એ વાતમાં સહમતી દર્શાવી હતી. શ્વેતાએ તો વળી દાદીમાને મન મોકળું કરવાનો અનોખો ઉપાય બતાવ્યો હતો: ‘દાદીમા, મોબાઇલમાં ગેમ રમતાં શીખી જાવ. નહિ તો પછી ફેસબુક પર એકાઉન્ટ ખોલી દો. મજા આવશે.’
‘માડી, એવું બધું મને ન આવડે. એ બધું તમારે કામનું.’ જયાબા બા દર વખત જેવું બોલીને ચૂપ થઈ ગયાં હતાં.
શ્વેતાની ઓફિસ અને ઘરની વચ્ચે જલારામબાપાનું એક મંદિર આવતું હતું. આમ તો એ જલારામબાપાનું મંદિર કહેવાતું હતું પરંતુ એમાં શંકર, રામસીતા, અંબે માતાનાં પણ મંદિર હતાં. એ નાની હતી ત્યારે ક્યારેક ક્યારેક દાદાદાદી સાથે આ મંદિરમાં આવતી હતી. પરંતુ એ જેમ જેમ મોટી થતી ગઈ હતી એમ એમ એની એક અલગ દુનિયા બનતી ગઈ હતી. સ્કૂલ, ટ્યૂશન, કૉલેજ અને છેલ્લે જોબના કારણે એની દિનચર્યામાં મંદિર માટે કોઈ જગ્યા નહોતી. પરંતુ આજે ઓફિસેથી ઘરે આવતી વખતે રસ્તામાં મંદિર આવતાં જ એને દાદીમાના એ શબ્દો યાદ આવી ગયાં: ‘બેટા, રજાના દિવસે તું મને મંદિરે દર્શન કરવા લઈ જાય તો મારું મન થોડું મોકળું થાય.’
દાદીમાના એ શબ્દો યાદ આવતાં જ રોકાઈ ગઈ. સ્કૂટર પાર્ક કરીને એણે મંદિરમાં પ્રવેશ કર્યો. એણે બધાં દેવદેવીનાં દર્શન કર્યાં. પ્રસાદ લીધો. દાદીમાં માટે પણ રૂમાલમાં બાંધી દીધો. શ્રદ્ધાળુઓના અને ખાસ કરીને દાદીમા જેવાં બીજાં કેટલાંય દાદીઓના ચહેરા પરનો ઉત્સાહ એના દિલને સ્પર્શી ગયો. એ બધાં દાદીને ભગવાનના દર્શનથી જેટલો આનંદ થતો હતો એટલો જ, કદાચ એનાથી પણ વધારે આનંદ એકબીજાંને મળીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવામાં આવતો હતો.
શ્વેતાએ મંદિરના મેદાનમાં એક ચક્કર માર્યું. જગ્યા મોટી હતી. મેદાનમાં ઊભા રહીને કેટલાંક લોકો ઉતાવળે ઉતાવળે એકબીજાને ખબરઅંતર પૂછતાં હતાં તો કેટલાંક લોકો બાંકડે નિરાંત લઈને બેઠાં હતાં. કેટલાંક ટોળામાં વળીને વાતોએ ચડ્યાં હતાં. એક જગ્યાએ કેટલીક બાઈઓ ટોળામાં બેસીને કિર્તન ગાતી હતી: ‘જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો.’
‘આને ભક્તિ પણ પણ કહી શકાય અને હળવા થવાનું બહાનું પણ કહી શકાય. કદાચ આને ધાર્મિક કલબ કહી શકાય.’ શ્વેતાને વિચાર આવ્યો. એ એક બાંકડા પર બેઠી. એક મહિલા એને ‘જય શ્રી કૃષ્ણ’ કહેતાં કહેતાં પસાર થઈ ગઈ. શ્વેતાથી સામું ‘જય શ્રી કૃષ્ણ’ બોલાઈ ગયું. એનો જોબ પરનો બધો થાક ઉતરી ગયો. કોઈ માણસ કશા સંબંધ વગર બીજાં સાથે સંવાદ કરે એ જ એને મોટી નવાઈની વાત લાગી. બાકી, એક જ કોમ્પ્લેક્ષમાં રહેતાં હોવા છતાં લોકો એકબીજાં સાથે કામ વગર બોલવાનું પણ પસંદ કરતાં નથી. અજાણ્યાં સાથે વાત કરવી એટલે કોઈ મુસીબતને આમંત્રણ આપવા જેવું કામ ગણાતું હોય એવી દુનિયામાં આ એક એવી જેવી જગ્યા હતી કે જ્યાં અજાણ્યાં સાથે પણ ‘જય શ્રી કૃષ્ણ’નો નાનકડો તો નાનકડો પણ સંવાદ સાધી શકાતો હતો.
થોડી વાર બેસીને એ મંદિરની બહાર નીકળતી હતી ત્યાં તો એની નજર એક માજી પર પડી. એને લાગ્યું કે એ માજીને એણે પોતાની સોસાયટીમાં જ ઘણી વખત જોયાં છે.
કોઈની સાથે કામ વગર વાત નહિ કરવાની સભ્યતા છોડીને એણે એ માજીને ‘જયશ્રી કૃષ્ણ’ કર્યા. ‘બા, તમે માધવનગરમાં રહો છો?’
માજી એક નજર એની સામે નાખીને બોલ્યા: ‘હા દીકરી, તારી સોસાયટીમાં જ રહું છું. તું તો રોજ મારા ઘર પાસેથી નીકળે છે. તું તો જયાબહેનના દીકરાની દીકરીને?’
‘તમે મને ઓળખો છો?’
‘કેમ ન ઓળખું? તું નાની હતી ત્યારથી ઓળખું છું. તારાં દાદીમા સાથે મારા ઘરે પણ આવતી.’
‘મારા દાદીમા તમારી ઘરે આવતાં?’
‘ઘણી વખત આવતાં. નવા વરસે તો ખાસ. પણ, ધીરે ધીરે બધું બદલાતું ગયું. હવે કામ વગર કોઈ કોઈને ત્યાં જતું નથી. અમારાં જેવાંને જવું હોય તોય ઘરનાં લોકો જવા ન દે. આ તો મારા દીકરાએ રિક્ષા બંધાવી દીધી છે એટલે રોજ સાંજે ચારથી છ એમ બે કલાક અહીં આવી જાઉં છું. દર્શન થાય અને સરખેસરખા મળીને થોડોઘણો સત્સંગ કરીએ. એ બહાને મન હળવું કરીએ.’
‘સાચી વાત છે. મારા દાદીમાને પણ અહીં આવવાનું મન થાય છે.’
‘મન તો થાય જ દીકરી. માણસને માણસની ભૂખ હોય. એમને ક્યારેક તો મંદિરે લાવ. બિચારાંને ઘરમાં એકલું એકલું લાગતું હશે.’
‘હું એમને પૂછી જોઈશ. એવું હશે તો અમે પણ રોજની રિક્ષા બંધાવી લેશું.’
‘તમારે જુદી રિક્ષા બંધાવવાની શી જરૂર છે? મેં બંધાવી જ છેને? એક કરતાં બે ભલાં. રોજ તારી દાદીને લઈ જઈશ અને મૂકી જઈશ.’
‘તો તો બહુ સરસ. હું દાદીમાને પૂછીને તમને જાણ કરીશ. અમે અર્ધું ભાડું આપી દઈશું.’
‘મેં ભાડું માંગ્યું?’ માજીએ નિર્દોષ હાસ્ય વેરતાં કહ્યું.
શ્વેતા પણ હસી.
‘અમારો ઘર નંબર દસ છે. તારા રસ્તામાં જ પડે છે. નક્કી કરીને કહી જજે.’ માજી બોલ્યાં.
એટલામાં તો એમણે રોજની બંધાવેલી રિક્ષાવાળો આવી ગયો. જતાં જતાં ફરીથી શ્વેતા અને માજી વચ્ચે ‘જય શ્રી કૃષ્ણ’ની આપલે થઈ.
‘જય શ્રી કૃષ્ણ, આમ જુવો તો એક સામાન્ય વ્યવહાર અને આમ જુવો તો શુભ સંદેશની વહેંચણી.’ શ્વેતાને વિચાર આવ્યો.
‘આવી ગઈ દીકરી?’ જયાબા જાણે શ્વેતાની રાહ જોઈને જ બેઠાં હતાં. ‘આજે મોડી છો?’
‘હા દાદીમા’ આજે હું મંદિરે દર્શન કરવાં ગઈ હતી.’
જયાબા હસ્યાં. ‘તું અને મંદિર?’
‘સાચે જ બા. દસ નંબરમાં એક માજી રહે છે એ પણ મળ્યાં હતા.’ શ્વેતાએ દાદીમાના હાથમાં પ્રસાદ મૂકતાં કહ્યું.
‘દસ નંબરમાં તો સમજુ બહેન રહે છે. આ સોસાયટીમાં સહુથી પહેલાં એ રહેવા આવ્યાં હતાં ને પછી આપણે. પહેલાં તો સારો આવરોજાવરો રહેતો’તો. પણ, પછી તો બધું બદલાઈ ગયું.’
શું બદલાયું છે એ શ્વેતાને સમજાઈ ગયું હતું.
‘તું વળી મંદિરે પહોંચી. આજે સૂરજ કઈ દિશાએ ઊગ્યો છે?’ જયાબાએ પૂછ્યું.
‘હું તો ગઈ હતી. પણ બા, કાલથી તમે પણ રોજ જશો.’
‘એવાં ભાગ્ય ક્યાંથી? મજાક રહેવા દે અને નાસ્તાભેગી થા.’
‘મજાક નથી દાદીમા, સાચું કહું છું. દસ નંબરવાળાં તમારાં એ જૂનાં બહેનપણી સાથે રોજ રિક્ષામાં જવાનું અને રિક્ષામાં પાછા આવવાનું. સાંજે ચારથી છ બે કલાક મંદિરમાં સત્સંગ કરવાનો. તમે હા પાડો એટલે નક્કી.’
‘આવી વાતમાં કોણ ના પડે?’ જયાબાનો ચહેરો ઝળહળ ઝળહળ થઈ ગયો.
બીજે દિવસે સાંજે જયાબા મંદિરેથી આવ્યાં ત્યારે જાણે વર્ષોના ખાલીપાને વિદાય આપીને આવ્યાં હતાં. ‘દીકરી, તેં મારી આંતરડી ઠારવાનું કામ કર્યું છે. ભગવાન તારું ભલું કરશે.’ એમણે શ્વેતાને બાથમાં લઈને આશીર્વાદ આપ્યા.
શ્વેતાને બ્રોડબેન્ડની ફરિયાદ કરનારા એ માજી પણ યાદ આવી ગયાં. શ્વેતાએ એમની તકલીફ દૂર કરવા માટે પૂરતી કાળજી લીધી હતી. તકલીફ દૂર થયા પછી એ માજીએ પણ આજે શ્વેતાને ફોન કરીને આશીર્વાદ આપ્યા હતા: ‘મેમ, કેટલાય દિવસોથી હું તકલીફ ભોગવતી હતી એટલે મારાથી તમારા પર ગુસ્સે થઈ જવાયું હતું. હું એ માટે માફી માંગું છું. મારે તમારા પર ગુસ્સે થવા જેવું નહોતું. પણ શું કરું? માણસ નાનો હોય કે મોટો, એને કોઈક સાથે કોન્ટેક્ટ તો જોઈએને? હું જાણું છું કે તમારી મહેનતના લીધે જ મારી તકલીફ દૂર થઈ છે. ગોડ બ્લેસ યૂ.’
એક નહિ પણ બબ્બે માડીની તકલીફો દૂર કર્યાના સંતોષ સાથે શ્વેતાએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો.