નાટક
આવ મંગળ અમને નડ
લેખક : યશવંત ઠક્કર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
પાત્રોઃ
•પરમાનંદઃ મહેમાન
•લલીતભાઈઃ પતિ
•કુંદનઃ પત્ની
•પરેશઃ પુત્ર
•મેઘાઃ પુત્રવધૂ
કથાઃ
લલિતભાઈને જયોતિષ પર ખૂબ વિશ્વાસ છે. એમને ખબર પડે છે કે- એમેની પુત્રવધૂ મેઘાને મંગળ છે ત્યારે તેઓ મેઘાને ઘર છોડવાની ફરજ પાડે છે. એમની પુત્રવધુ સવાલ કરે છે કે- મને મગળ છે તો એમાં મારો શો દોષ? ૈએમનાં પત્ની અને એમનો પુત્ર પણ મેઘનો બચાવ કરે છે. પરંતુ લલીતભાઈ હઠ છોડતા નથી. પરિણામે એમનો પરિવાર તૂટે છે. અંતે શું થાય છે અને જે થાય છે તેમાં મહેમાન પરમાનંદનો શો ફાળો છે એ જાણવા માટે નાટક વાંચવું જ રહ્યું.
વાચકમિત્રો પાસેથી અપેક્ષા છે કે તેઓ ખુલ્લા મનથી પ્રતિભાવ આપે.
-યશવંત ઠક્કર.
ચદૃશ્ય પહેલું ૃ
ચલલિતભાઈની દુકાનનું દૃશ્ય. લલીતભાઈ કાઉન્ટર પર બેઠા હોય. બાજુમાં મુલાકાતીઓને બેસવા માટે ખુરશીઓ હોય. પરમાનંદભાઈ પ્રવેશ કરે...ૃ
પરમાનંદ : એ જય શ્રીકૃષ્ણ..લલિતભાઈ, જય શ્રીકૃષ્ણ...આ વગર તેડાવ્યે મહેમાનના જય શ્રીકૃષ્ણ.
લલિતભાઈ : ઓહોહો... પરમાનંદભાઈ... જય શ્રીકૃષ્ણ.. બાપલા જય શ્રીકૃષ્ણ. કેટલાં વરસે દેખાણા?
પરમાનંદ : તમે તો અમારા મલકમાં ક્યારેય ભૂલા પડતા નથી. એટલે મારે તો ભૂલા પડવું પડેને? લલિતભાઈ, તબિયતપાણી કેમ છે?
લલિતભાઈ : તબિયતપાણી એકદમ સારાં હો.
પરમાનંદ : હજી દુકાને આવવું પડે છે? જવાબદારી છોડી નથી?
લલિતભાઈ : આમ તો દીકરાએ દુકાન સંભાળી લીધી છે એટલે ન આવું તો ચાલે. પણ દુકાને આવું છું તો જરા સારૂં લાગે છે. દીકરાને થોડીક છૂટી મળે ને મારો સમય નીકળી જાય. આ તો મશીનરીનો બેઠો ધંધો છે. માણસો જ બધું પતાવે. મારે તો પૈસા લેવાનું જ કામ.
પરમાનંદ : પૂરેપૂરા નસીબદાર છો. બાકી આવી સરખાઈ કોને હોય?
લલિતભાઈ : સરખાઈ તો તમારે પણ ક્યાં ઓછી છે?
પરમાનંદ : મારે પણ ભગવાનની દયા છે. છોકરાઓએ ધંધો સંભાળી લીધો છે. હું તો ફરતારામ. વરસમાં એકાદ વખત તો કુટુંબજાત્રાએ નીકળી જ જાઉં.
લલિતભાઈ : તમે તો પહેલેથી જ ફરતારામ છોને?
પરમાનંદ : ચથેલીમાંથી ડાયરી કાઢતાં...ૃ જો ભાઈ, ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મારે! ને બીજી વાત. હુ ફરતો રહું છું એના લીધે કેટલાંયનાં નસીબ ફરતાં રહે છે. હુ અને મારી આ ડાયરી ન હોત તો આપણા સમાજમાં હજીયે કેટલાંય છોકરા વાંઢા રખડતા હોત.
લલિતભાઈ : એકદમ સાચી વાત છે. પરમાનંદભાઈ, તમે હજી ડાયરી રાખો છો ખરા?
પરમાનંદ : ડાયરી તો મારો આત્મા છે. જમાનો ભલે બદલાઈ ગયો. પણ ડાયરીમાં ઉમરલાયક છોકરા છોકરીઓની વિગતો લખી લેવાની મારી આદત નથી બદલાણી..
લલિતભાઈ : તમારી આ આદતને લીધે કેટલાયનાં છોકરા-છોકરીઓ વરી પરણી જાય છે. આ તો એક જાતની સેવા છે.
પરમાનંદ : કોઈનું ભલું થતું હોય તો આપણું શું જાય છે? ઘેરથી નીકળ્યો એને હજી ચાર દિવસ થયા છે. આ ચાર દિવસમાં નહિ નહિ તોય દસ જણને ઠેકાણાં બતાવ્યાં છે. એમાંથી બેનું તો નક્કી જ સમજો.
લલિતભાઈ : તમને ને તમારી ડાયરીને જશ છે ભાઈ. સારૂં કામ કરો છો. બાકી, આજના જમાનામાં કોઈ કોઈનામાં માથું મારતું નથી એટલે ઘેર ઘેર ઉમરલાયક છોકરાંની સંખ્યા વધતી જાય છે.
પરમાનંદ : અરે વાત જ જાવા દ્યો. મેરેજબ્યુરોથી જેના મેળ નહોતા પડતા એના મેળ મારી આ ડાયરીને લીધે પડયા છે. હવે એ વાતનો જવાબ આપો કે, પરિવારમાં બધાં કેમ છે? કુંદનભાભી મજામાં?
લલિતભાઈ : બધાં મજામાં હો.
પરમાનંદ : પરેશ દીકરો શું કરે છે?
લલિતભાઈ : પરેશને પણ આપણે આ ધંધામાં જ લઈ લીધો છે.
પરમાનાદ : સારૂં કર્યું. હવે એને ક્યારે પરણાવવો છે? મારા ધ્યાનમાં બેત્રણ છોકરીઓ છે. કહેતા હો તો ઠેકાણાં બતાવું.
લલિતભાઈ : પરેશનાં તો લગ્ન થઈ ગયાં ભાઈ. વરસ જેવું થયું.
પરમાનંદ : શું વાત કરો છો? મને જાણ પણ ન કરી.
લલિતભાઈ : ઉતાવળે લગ્ન લેવાં પડયાં. એમાં તમને કંકોત્રી લખવાની રહી ગઈ. માફ કરજો.
પરમાનંદ : અરે! એમાં શું થઈ ગયું? છોકરો પરણી ગયો એ મોટી વાત છે. તમે ઠેકાણાં બહુ જોયાં એવી વાત મળી’તી.
લલિતભાઈ : હા. ઠેકાણાં તો બહુ જોયાં’તાં. પણ, બધી રીતે મેળ ખાવો જોઈએ ને? તમે તો જાણો છો ને કે હું કુંડળીમાં માનનારો છું. ગમે એવું સારૂં ઠેકાણું હોય, પણ જો કુંડળીમાં મેળ ન ખાતો હોય તો હું એક ડગલુંય આગળ ન વધું.
પરમાનંદ : બરાબર છે. માનતા હોઈએ એટલે શંકા રહે એવું કામ કરવું જ નહિ. પરેશને કયા ગામે પરણાવ્યો?
લલિતભાઈ : અમદાવાદ. આપણે તો અમદાવાદથી આગળ જવું જ નહોતું.
પરમાનંદ : તમારા વેવાઈનું નામ શું?
લલિતભાઈ : વેવાઈનું નામ યોગેશભાઈ જોબનપુત્રા. તમે કદાચ ઓળખતા હશો.
પરમાનંદ : યોગેશભાઈ જોબનપુત્રા? મૂળ સાવરકુંડલાના કે? ઓધવજીભાઈના દીકરા તો નહિ?
લલિતભાઈ : હા, હા. એ જ. યોગેશ ઓધવજી જોબનપુત્રા.
પરમાનંદ : એમની સૌથી નાની દીકરી લગ્ન કરવા જેવડી હતી ખરી. નામ હતું.......
લલિતભાઈ : મેઘા. અમારી વહુનું નામ મેઘા છે.
પરમાનંદ : મેઘા. સાચું, સાચું. મેઘા બહુ ડાહી છોકરી. દેખાવડી પણ એવી. વળી પાછી ભણેલીગણેલી.
લલિતભાઈ : ને માણસો પણ ખાનદાન. બધી રીતે આપણા મેળનું મળી ગયું એટલે પ્રસંગ ઉકેલી નાખ્યો.
પરમાનંદ : બહુ સરસ. બહુ સરસ! પણ લલિતભાઈ, તમારા પરેશની કુંડળીમાં કોઈ દોષ હતો?
લલિતભાઈ : ના ભાઈ ના! એકદમ ચોખ્ખી કુંડળી. કેમ એમ પૂછો છો?
પરમાનંદ : મને યાદ છે ત્યાં સુધી યોગેશભાઈની એ દીકરીને મંગળ હતો. ઊંભા રહો. મારી ડાયરીમાં જોઈ લઉં એટલે પાકું થઈ જાય.
ચપરમાનંદ ભાઈ ડાયરીનાં પાનાં ફેરવે...ૃ
લલિતભાઈ : ન હોય. હું સારામાં સારા જાણકારને બંનેની કુંડળીઓ બતાવીને આગળ વધ્યો છું. એ બાબતમાં મારી ભૂલ થાય જ નહિ.
પરમાનંદ : ભૂલ કદાચ મારી પણ થતી હોય. પણ મારી આ ડાયરી જેવું હશે એવું સાચું કહેશે. જુઓ, આ રહી એની વિગત. મેઘા યોગેશભાઈ જોબનપુત્રા. નામ બરાબર છે? ને આ જન્મ તારીખ. આ રહ્યો જન્મનો સમય. ને આ રહ્યો મંગળનો ઉલ્લેખ. તમે જ તમારી જાતે વાંચી લો.
લલિતભાઈ : તારીખ તો બરાબર છે પણ સમયમાં ફેરફાર લાગે છે. અમને સવારના સાડા નવ વાગ્યાનો સમય કહ્યો હતો પણ આ ડાયરીમાં તો સવારના સાડા આઠનો સમય લખ્યો છે. પરમાનંદભાઈ, તમારાથી લખવા ફેર તો નહિ થયો હોય ને?
પરમાનંદ : મારાથી લખવા ફેર થાય પણ આ મંગળનું શું? યોગેશભાઈએ પોતે જ મને કહ્યું હતું કે મેઘાને મંગળ છે એટલે સામેનું પાત્ર પણ એવું જ શોધવાનું છે.
લલિતભાઈ : શું વાત કરો છો? ખરેખર? ખાવ મારા સોગંદ.
પરમાનંદ : મારા પર વિશ્વાસ ન હોય તો તમે કહો એનાં સોગંદ ખાઉં. પણ મારી આ ડાયરીમાં જે છે તે સો ટકા સત્ય છે.
લલિતભાઈ : તો તો મોટો અનર્થ થઈ ગયો કહેવાય.
પરમાનંદ : જો ભાઈ. આ તો વાત નીકળી અને મારાથી બોલાઈ ગયું. હવે એ વાત ભૂલી જવાની. દીકરા વહુ સુખી તો છે ને?
લલિતભાઈ : સુખી તો છે પણ આવું બને કેવી રીતે? યોગેશભાઈએ મેઘાના જન્મનો સમય મને ખોટો આપ્યો હોય એવું લાગે છે.
પરમાનંદ : એ જે હોય તે. એ વાત ભૂલી જવાની. તમારે ઘેર પણ કોઈને આ વાત કરતા નહિ. આમેય મંગળની માન્યતાને બહુ મહત્વ આપવા જેવું નથી. ગ્રહોને બહાને લોકોના ધંધા ચાલે છે. હમણાં હમણાં તો બહુ જ વધી ગયું છે. બાકી, આપણા જમાનામાં કુંડળીઓ ક્યાં હતી? મંગળને કોણ ઓળખતું’તું? તોય બધાનાં ગાડાં દોડયાં ને?
લલિતભાઈ : ચચિંતાગ્રસ્ત અવાજમાૃં હું તો પહેલેથી કુંડળીમાં માનવા વાળો છું. અમારાં લગ્ન પણ કુંડળી મેળવીને જ થયાં હતાં. મારે આ વાતની તપાસ તો કરવી જ પડશે. યોગેશભાઈ મારી સાથે રમત રમી ગયા લાગે છે. મંગળવાળી દીકરીને ઠેકાણે પાડવા ઘણાં મા બાપ કુંડળી ફેરવી નાખતાં હોય છે.
પરમાનંદ : શું કરે બિચારાં? દીકરી મોટી થતી જતી હોય એટલે કંઈક તો કરવું પડેને? અરે! તમે કહો એવી કુંડળીઓ બનાવી આપનારા જ્યોતિષીઓ પડયા છે. પણ મારૂં કહેવું એમ છે કે, તમે હવે આ વાતને લંબાવશો નહિ. મારાથી ભલે કહેવાઈ ગયું. પણ, હવે યોગેશભાઈ સાથે સંબંધ બગડે એવું કાંઈ કરતા નહિ.
લલિતભાઈ : પણ આવું તો ન કરાય ને? આ તો ચોખ્ખો વિશ્વાસઘાત.
પરમાનંદ : એ વાત જ ભૂલી જાવ. ચાલો હવે હું રજા લઉં. મારે હજી પાંચથી છ જગ્યાએ જવાનું છે.
લલિતભાઈ : અરે, એમ કાંઈ જવાય? આજે રાતે ભેગા બેસીને રોટલા ખાશું. મજા આવશે.
પરમાનંદ : નહિ નહિ. આ વખતે રહેવા દો. ફરી ક્યારેક વાત.
લલિતભાઈ : ફરી ક્યારે?
પરમાનંદ : લગભગ બે મહિના પછી. સુરત, નવસારી અને મુંબઈ બાજુ આટો મારીને વળતા આવું છું.
લલિતભાઈ : ચોક્કસ?
પરમાનંદ : ચોક્કસ. વચન આપું છું. બસ?
લલિતભાઈ : ભલે. પણ ચા પીધા વગર ન જવાય. વાર નહિ લાગે.
પરમાનંદ : તો આપો ઓર્ડર. પણ કડક અને મીઠી કહેજો હો. મને હજી ડાયાબિટિશ નથી થયો.
લલિતભાઈ : તે અહીં કોને ડાયાબિટિશ છે? અરે ચંદુ, મોહનભાઈની લારીએ ત્રણ ચા કહીને આવ. કડક અને મીઠી. ભલે ડાયાબિટિશ થતો.
ચબંનેય જણા ખડખડાટ હસે.એ દૃશ્ય સાથે દૃશ્ય પહેલું પૂરૂં.ૃ
ચદૃશ્ય બીજું ૃ
ચલલિતભાઈનું ઘર. કુંદનબહેન બેઠાં હોય. બેલ વાગે એટલે બારણું ખોલવા જાય... લલિતભાઈનો પ્રવેશ થાય...ૃ
કુંદન : અરે! તમે દુકાનેથી આવી ગયા? આટલા વહેલા?
લલિતભાઈ : આવવું પડયું.
કુંદન : કેમ? તબિયત તો બરાબર છે ને?
લલિતભાઈ : અત્યાર સુધી તો બરાબર હતી. હવે બગડે તો નવાઈ નહિ. લાગે છે કે મને હાર્ટ-એટેક આવશે.
કુંદન : એવું અશુભ ન બોલો. તમને શું થાય છે? ડૉક્ટરને બોલાવું?
લલિતભાઈ : મારૂં માથું ફાટે છે કુંદન. મારી ખોપરી હમણાં ને હમણાં ફાટી પડશે.
કુંદન : તમે આરામ કરો. પથારીમા લંબાવો. હું ડૉક્ટરને ફોન કરૂં છું.
લલિતભાઈ : ડૉક્ટરને નહિ. પરેશને બોલાવ.. મેઘાવહુને બોલાવ..
કુંદન : એ બંને તો શોપિંગ કરવા ગયા છે. આવતાં જ હશે. પણ, એમનું શું કામ છે?
લલિતભાઈ : કામ છે કુંદન, આપણી સાથે વિશ્વાસઘાત થયો છે. મોટો વિશ્વાસઘાત!
કુંદન : વિશ્વાસઘાત? કોણે કર્યો?
લલિતભાઈ : મેઘાએ. એના બાપાએ. એની માએ. એના આખા ખાનદાને આપણને મૂર્ખ બનાવ્યાં છે. છેતર્યાં છે.
કુંદન : મેઘાએ આપણને છેતર્યાં છે? શું કહો છો એનું ભાન છે? મારા મોઢે બોલ્યા એ બોલ્યા. કોઈના મોઢે બોલતા નહિ. મેઘા તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે.
લલિતભાઈ : ચમજાકમાં હસીનેૃ લક્ષ્મીનો અવતાર! અરે! મેઘા તો ઠીક પણ એના બાપ યોગેશને પણ જૂઠું બોલતાં શરમ ન આવી? અને એ પણ એની સાથે કે જેને ત્યાં પોતાની દીકરી દેવાની હતી.
કુંદન : પણ, શું થયું છે એ તો કહો.
લલિતભાઈ : અરે, આપણી મેઘાવહુ મંગળવાળી છે.
કુંદન : મંગળ? મેઘાને મંગળ છે? પણ, તમે પોતે તો એના જન્માક્ષર કઢાવ્યા હતા. પરેશની કુંડળી સાથે એની કુંડળી મેળવી હતી. પૂરા દોકડા મળ્યા હતા એટલે તો તમે હા પાડી હતી. તમે તો આ બધાના જાણકાર છો.
લલિતભાઈ : જાણકાર તો છું જ. મને લલિત કાનાણીને આ બાબતમા કોઈ ન પહોચે. પણ એ લોકોએ મેઘાના જન્મનો સમય જ ખોટો આપ્યો. મેઘાને ખરેખર મંગળ છે. યોગેશભાઈએ ખોટું બોલીને એની મંગળવાળી દીકરી આપણા ઘરમાં ઘુસાડી દીધી.
કુંદન : પણ, તમને કોણે કહ્યું કે મેઘાને મંગળ છે.
લલિતભાઈ : આજે અમરેલીવાળા પરમાનંદભાઈ દૂકાને આવ્યા હતા. વાતમાંથી વાત નીકળી અને એનાથી બોલાઈ ગયું કે મેઘાને મંગળ છે. હુંય એની વાત ન માનું. પણ એણે તો એની ડાયરી બતાવી. એમાં મેઘાની જન્મતારીખની સાથે જન્મનો સાચો સમય લખેલો હતો. વળી, મેઘાને મંગળ છે એનો ઉલ્લેખ પણ એમાં હતો.
કુંદન : પણ, યોગેશભાઈએ આપણને આ વાત કેમ ન કરી?
લલિતભાઈ : એ વાત કરી હોત તો મેઘાનું આપણા પરેશ સાથે ગોઠવાય એવું જ નહોતુ. સાલાએ એની મંગળવાળી દીકરી આપણા પરિવારમા ઘુસાડી દીધી. એને હમણાં જ ફોન કરૂં છું.
કુંદન : તમે મગજ ઠંડું રાખો. જે થવાનું હતું એ થઈ ગયું. પરેશ અને મેઘા સુખી છે પછી મંગળની વાત ઉખેળવાની જરૂર ક્યાં છે?
લલિતભાઈ : તું અક્કલ વગરની વાત ન કર. મંગળ એનો પ્રભાવ બતાવ્યા વગર રહે જ નહિ. આ તો આપણા દીકરાની આખી જિંદગીનો સવાલ છે.
કુંદન : જીવ ન બાળો. ઠાકોરજી બધું સારૂં કરશે.
લલિતભાઈ : મંગળ સામે ઠાકોરજીનું પણ કશું ન ચાલે. અરેરે! પરેશ માટે એક એકથી ચડે એવી છોકરીઓનાં ઠેકાણાં હતા. જન્માક્ષર નહોતા મળતા એટલે બધાંને એક જ ઝાટકે પાછાં કાઢ્યાં છે. આટલું આટલું ધ્યાન રાખવા છતાં હું માર ખાઈ ગયો.
કુંદન : હશે. પણ, મારૂં માનવું છે કે પરેશ માટે મેઘા જેવી છોકરી આપણને મળત નહિ. કેવી સંસ્કારી છોકરી છે. વરસ થયું પણ ક્યારેય ઊંંચા અવાજે બોલી નથી. ક્યારેય મોઢું કટાણું કર્યું નથી. કામકાજમા, બોલવા-ચાલવામા કે વ્યવહારમાં ક્યારેય પાછી પડી નથી. પરેશનું મન પણ એની સાથે મળી ગયું છે. બંને જણાં જલસા કરે છે. આપણે બીજું શું જોઈએ? છોડોને મંગળની રામાયણ.
લલિતભાઈ : ચગુસ્સામાૃં વળી તું એકની એક વાત કરે છે? અરે એને મંગળ છે મંગળ. મંગળ તો ભલભલાની પથારી ફેરવી નાખે.
કુંદન : પણ આપણી પથારી તો નથી ફેરવીને? પછી શું કામે ચોળીને ચીકણું કરો છો? એને મંગળ છે એ વાત જ મનમાંથી કાઢી નાખો.
લલિતભાઈ : એ મનમાંથી કાઢી નખાય એવી વાત નથી હું વેવાઈને છોડવાનો નથી. એને ખબર પાડી દઈશ કે આ લલિત કાનાણી સાથે દગો કરવાનું કેવું પરિણામ આવે છે.
કુંદન : એટલે શું તમે ઝગડો કરશો? કુટુંબમા હાથે કરીને હોળી ઊંભી કરશો?
લલિતભાઈ : કરવી પડે. આ જેવી તેવી વાત નથી.
કુંદન : કરો ત્યારે! હે ભગવાન, શું થવા બેઠું છે? એ પરમાનંદ ક્યાંથી ગુડાણો? મારા દીકરાના સંસારની ગાડી પાટા પરથી ઊંતરી ન જાય એનું ધ્યાન રાખજે ભગવાન!
ચબેલ વાગેૃ
કુંદન : ચઊંભાં થતાં થતાં...ૃ જુઓ, હું તમને હાથ જોડું છું. પરેશ અને મેઘા આવ્યાં લાગે છે. તમારૂં મગજ શાંત રાખજો. જે વાત કરવી હોય તે શાંતિથી કરજો. મેઘાને દુઃખ થાય એવું બોલતા નહિ.
લલિતભાઈ : તું સલાહ આપ્યા વગર બારણું ખોલ. તારૂં ડહાપણ રહેવા દે નહિ તો મેઘાની સાથે સાથે તને પણ પિયર ભેગી કરી દઈશ.
કુંદન : જેવી તમારી મરજી. જેને જીતેલી બાજી હારવી હોય એને કોણ રોકી શકે? આ તો ‘આવ મંગળ અમને નડ’ એના જેવી વાત છે.
ચકુંદનબહેન બારણું ખોલવા જાય...પરેશ અને મેઘાનો પ્રવેશ.ૃ
પરેશ : મમ્મી, જય શ્રીકૃષ્ણ. પપ્પા, જય શ્રીકૃષ્ણ.
મેઘા : જય શ્રીકૃષ્ણ, મમ્મી....જય શ્રીકૃષ્ણ પપ્પા.
કુંદન : જય શ્રીકૃષ્ણ બેટા.
પરેશ : પપ્પા, આજે દુકાનેથી વહેલા આવી ગયા કે શું?
લલિતભાઈ : આવવુ પડયું. મેઘા, તમે અહીં આવો, મારે તમારૂં કામ છે.
મેઘા : હા પપ્પા, બોલો.
લલિતભાઈ : તમને મંગળ છે?
મેઘા : મંગળ? મને બહુ ખ્યાલ નથી. મારા પપ્પાને આવી બધી ખબર હોય.
લલિતભાઈ : ચગુસ્સામાૃં તમને મંગળ છે અને ખબર ન હોય એવું બને જ નહિ.
મેઘા : ખરેખર પપ્પા. મને એ બધામાં જરા પણ સમજ નથી પડતી.
લલિતભાઈ : જુઠ્ઠું નહિ બોલો. તમને મંગળ હોવાની વાત અમારાથી છુપાવી છે કે નહિ? સાચું બોલો.
પરેશ : પણ પપ્પા, શું થયું છે એ તો કહો. આજે તમે કેમ આવી વાત લઈને બેઠા છો?
લલિતભાઈ : અરે! મેઘાને મંગળ છે એ વાત આપણાથી છુપાવવામાં આવી છે. એટલું જ નહિ, એના જન્મનો ખોટો સમય લખાવીને એની ખોટી કુંડળી બનાવવામાં આવી છે. એ કુંડળીના ભરોસે મેં તમારી સગાઈ માટે હા પાડી હતી.
પરેશ : તે સારૂં થયું ને હા પાડી. સગાઈ પણ થઈ ગઈ અને લગ્ન પણ થઈ ગયાં. એમાં ખોટું શું થયું છે?
લલિતભાઈ : રાખ સારૂં થયું છે. આપણી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.
પરેશ : તમે તો પપ્પા એવી વાત કરો છો કે જાણે મોટું આભ તૂટી પડયું હોય. મેઘાને મંગળ હોય કે ન હોય એનાથી શું ફરક પડે છે?
લલિતભાઈ : તને ખબર નથી દીકરા, મંગળ તમને નડયા વગર રહેશે નહિ.
પરેશ : તમે ચિંતા ન કરો. અમને કશું નહિ થાય. બધું સારૂં જ થશે. ચાલો જમવાભેગાં થઈએ.
લલિતભાઈ : ચગુસ્સામાૃં જમવાની વાત પછી. પહેલાં એ વાતની ચોખવટ થવી જોઈએ કે મેઘાના માબાપે આપણી સાથે દગો કેમ કર્યો.
મેઘા : મારા પપ્પાની ભૂલ થઈ ગઈ હશે. એમના વતી હું માફી માગું છુ.
લલિતભાઈ : ભૂલ થાય જ કેવી રીતે? તમારી કુંડળીમાં દોષ હોવાથી તમારૂં ક્યાંય ઠેકાણું પડતું નહતું એટલે તમારા માબાપે અમારી સાથે છેતરપીંડી કરીને પરેશ સાથે તમારો સબંધ કરાવ્યો છે.
મેઘા : ચગળગળા અવાજેૃ પપ્પા, મારી કુંડળીમાં કદાચ દોષ હશે. પણ, મારામાં કોઈ દોષ હોય તો કહો.પરિવારમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો કહો. મારા વર્તનમાં કે વ્યવહારમાં કોઈ ખામી હોય તો કહો. કામકાજમાં હું ક્યારેય પાછી પડી હોય તો કહો. પરેશને મારા માટે કોઈ ફરિયાદ હોય તો કહો.
પરેશ : મેઘાની વાત સાચી છે. દૂધમાં સાકર ભળે એમ એ આપણા પરિવારમાં ભળી ગઈ છે. હવે મંગળના બહાને ખોટો કકળાટ કરવાનો કોઈ અર્થ નથી.
લલિતભાઈ : એટલે શું હું ખોટો કકળાટ કરૂં છુ?
પરેશ : તો બીજું શું છે? અમારાં લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. અમે સુખી છીએ એ વાત મહત્વની છે કે પછી મેઘાની કુંડળીમાં મંગળ છે એ વાત મહત્વની છે?
લલિતભાઈ : દીકરા, તું જ્યોતિષની બાબતમાં કશું જાણતો નથી. મારો વર્ષોનો અભ્યાસ બોલે છે કે મંગળ નડયા વગર રહેતો નથી.
પરેશ : સાચું કહું તો મને આવી વાતોમાં જરા પણ વિશ્વાસ નથી. આ સંસારમાં માણસને ગ્રહો નથી નડતા. માણસને માણસ નડે છે. જડ માન્યતાઓ નડે છે. અરે, કોઈ બિચારૂં મોડું વહેલું જન્મે એમાં એનો શો વાંક?
લલિતભાઈ : એનો કશો વાંક નથી. પણ એની કુંડળીમાં દોષ હોય તો એણે સામેનું પાત્ર પણ એવું જ શોધવું જોઈએ. લોકો છોકરા-છોકરીઓની સગાઈ કરતાં પહેલાં જન્માક્ષરો મેળવે છે એનું કારણ જ એ છે કે લગ્ન પછી કોઈ જાતની તકલીફ ન થાય.
પરેશ : પપ્પા, જન્માક્ષરો મેળવીને લગ્ન કરનારાઓની જિંદગીમાં પણ તકલીફો તો આવે જ છે. દરેકની જિંદગીમાં તકલીફો તો આવવાની જ. અને બીજી વાત એ કે, આ જન્માક્ષરો મેળવવાની લાયમાં ને લાયમાં કેટલાંય છોકારા-છોકરીઓનું ગોઠવાતું જ નથી. સારી સારી જોડીઓ ગોઠવાતાં ગોઠવાતાં અટકી જાય છે. ચાળીસ ચાળીસ વર્ષની ઉમરનાં લોકોનાં બાયોડેટાથી લગ્નની વેબસાઈટ્સ છલકાય છે. પસંદગી મેળામાં યુવક-યુવતીઓ કરતાં કાકાઓ અને માસીઓની સંખ્યા વધતી જાય છે. આવું ને આવું ચાલશે તો કેટલાંય પરણ્યા વગર રહી જશે એનો તો જરા વિચાર કરો.
કુંદન : પરેશ દીકરાની વાત સો ટકા સાચી છે. આ રાજકોટવાળા મારા માસીયાઈ ભાઈ એના દીકરા માટે છોકરીઓ જોવાના બદલે છોકરીઓના જન્માક્ષરો જોવામાં જ રહ્યા ને દીકરાની ઉંમર વધી ગઈ. હવે કહે છે કે, જન્માક્ષરો ભલે ગમેતેવા હોય છોકરી પણ ભલે ગમેતેવી હોય ચાલશે. પણ, હવે કોઈ છોકરી મંડાતી જ નથી. વગર વાંકે રહી ગયો બિચારો.
મેઘા : મારા મામાની દીકરીનું પણ એવું જ થયું. એ તો એન્જિનિયર છે. એની જ કંપનીમાં સાથે કામ કરતાં એક છોકરા સાથે એનું મન મળી ગયું હતું. છોકરો બધી રીતે સારો હતો. મારાં મામામામીને પણ ગમ્યો હતો. નક્કી થવાની તૈયારીમાં જ હતું. પણ કુંડળીઓ ન મળી એટલે મારાં મામાએ જ ના પાડી દીધી. હવે ખૂબ દોડે છે પણ નથી થતું.
પરેશ : મન મળ્યા પણ કુંડળીઓ ન મળી એટલે રહી ગઈ. અરે! જાતે લગ્ન કરી લેવાય. વડીલોના વાંકે જિંદગી ન બગાડાય.
લલિતભાઈ : સમાજમાં બધું જ તું કહે એવું થતું નથી દીકરા. તમે બધાં મને ખોટો પાડવા માટે ફાલતું દલીલો કરો છો. પણ, જયોતિષ એ વિજ્જ્ઞાન છે. આ મંગળ, શની, જન્માક્ષર, કુંડળી એ બધું વિજ્જ્ઞાન પર આધારિત છે.
પરેશ : અત્યારે બજારમાં જે જ્યોતિષ ચાલી રહ્યું છે એ વિજ્જ્ઞાન નથી. વિજ્જ્ઞાનના નામે રીતસરનાં ધતિંગો છે. આ તો કેટલાક લોકો માટે કમાણી કરવાના બહાનાં છે.
લલિતભાઈ : પરેશ, તું આખી વાતને આડે પાટે લઈ જાય છે. અરે, આપણી સાથે દગો કરવામાં આવ્યો છે. મંગળવાળી છોકરી તને ભટકાડવામાં આવી છે. એ તને સમજાય છે?
પરેશ : બસ કરો પપ્પા. બહુ થયું. મેઘા મને ભટકાડવામાં નથી આવી. અગ્નિની સાક્ષીએ પરણાવવામાં આવી છે. એના વિષે ગમે તેવો અભિપ્રાય મને માન્ય નથી.
લલિતભાઈ : પણ એને દગાથી તારી સાથે પરણાવવામાં આવી છે. એટલે જ આ સમસ્યા ઊંભી થઈ છે. આ સમસ્યાનો રસ્તો વહેલી તકે કાઢવો પડશે.
પરેશ : સમસ્યા તમે શોધી કાઢી છે તો એનો રસ્તો પણ તમે બતાવો.
લલિતભાઈ : આ સમસ્યાનો એક જ રસ્તો છે કે મેઘા એનાં પિયરભેગી થાય.
મેઘા : ચચીસ પાડેૃ પપ્પા, નહિ પપ્પા નહિ. આટલી મોટી સજા નહિ.
લલિતભાઈ : ગૂનો કર્યો છે તો સજા ભોગવવી જ પડશે.
પરેશ : મેઘાએ કોઈ ગૂનો કર્યો નથી. એટલે સજાની તો વાત જ ન કરશો. મેઘા આ ઘર છોડીને ક્યાંય નહિ જાય.
લલિતભાઈ : એણે જવું જ પડશે. આ મારૂં ઘર છે. હું આ ઘરનો માલિક છુ.
પરેશ : તો સાંભળી લો પપ્પા, મેઘા આ ઘર છોડશે તો હું પણ આ ઘર છોડીશ.
લલિતભાઈ : તારે જેમ કરવું હોય તેમ કરી શકે છે. .
પરેશ : ભલે. હું અને મેઘા આ જ ક્ષણે આ ઘર છોડી રહ્યાં છીએ.
કુંદન : નહિ દીકરા, એવું ન કરાય. તારા પપ્પા તો બોલે. કોઈ એવી રીતે દીકરાવહુને ઘરમાંથી કાઢી ન મૂકે.
લલિતભાઈ : મેં જે કહ્યું છે તે પૂરો વિચાર કર્યાં પછી કહ્યું છે. એમને જ્યાં જવુ હોય ત્યાં જવા દે.
કુંદન : પણ અત્યારે ક્યાં જશે બિચારાં?
પરેશ : મમ્મી, તું અમારી ચિંતા ન કર. આજની રાત હોટલમાં કાઢી નાખીશું. અને કાલથી કોઈ મકાન ભાડે રાખી લઈશું. આ ઘર સાથે મારી લેણાદેવી પૂરી થઈ ગઈ છે. આ ઘરમાં માણસની કોઈ કિંમત નથી. માત્ર ને માત્ર ખોખલી માન્યતાઓની બોલબાલા છે. ચાલ મેઘા, તારાં બે જોડી કપડાં લઈ લે. બીજું કશું લેવાનું નથી. જોઈએ છીએ કે આપણો પુરૂષાર્થ જીતે છે કે મંગળ જીતે છે.
લલિતભાઈ : એટલો બધો વટ હોય તો સાંભળી લે દીકરા, કાલથી દૂકાને આવતો નહિ. ધંધામાં તારો કોઈ હક નથી.
પરેશ : તમે કહેશો તો પણ નહિ આવું. પપ્પા, હું મારી લડાઈ મારા જોરે લડી લઈશ. કોઈની મહેરબાનીની મારે જરૂર નથી. મમ્મી, જય શ્રીકૃષ્ણ. અમે જઈએ છીએ. તારા આશીર્વાદ અમારી સાથે છે. દુનિયાનો કોઈ ગ્રહ અમારૂં કશું જ બગાડી નહિ શકે.
કુંદન : માના આશીર્વાદ તો કાયમ દીકરાવહુની સાથે હોય જ. પણ તમને રજા આપતાં મારી જીભ નથી ઉપડતી. આ રાંધ્યાં ધાન રઝળે ને હું કયા મોઢે તમને રજા આપું? ચરડેૃ અરે કોઈ રોકો. મારા દીકરાવહુને કોઈ રોકો. રામસીતાની જોડીને કોઈ રોકો.
ચકુંદનબહેન રૂદન કરે એ સાથે દૃશ્ય બીજું પૂરૂં.ૃ
ચદૃશ્ય ત્રીજુૃં
ચપરેશ અને મેઘાનું નવું ઘર. બંને વાતો કરતાં ઓય...ૃ
પરેશ : મેઘા, સૂનમૂન બેઠી બેઠી શું વિચાર્યા કરે છે?
મેઘા : વિચારૂં છુ પરેશ કે, હું ખરેખર અપશુકનિયાળ તો નહિ હોઉંને?
પરેશ : ચૂપ! ખબરદાર! કોઈ દિવસ એવી વાત કરતી નહિ.
મેઘા : હું શું કરૂં? મારે લીધે તારે ઘર છોડવું પડયું. માબાપને છોડવા પડયાં.
પરેશ : એમાં તારો શો વાંક? મારા પપ્પાના વિચારો જ જડ હોય એમાં તું કે હું શું કરી શકીએ? તારે તારી જાતને જરાય દોષ્િાત માનવાની નથી.
મેઘા : એક જ દિવસમાં શું હતું ને શું થઈ ગયું? ખરેખર નસીબ જેવું કશું હોવું જોઈએ. એમ ન હોત તો તારે પોતાનો ધંધો છોડીને આજે રોજિંદા પગારથી નોકરી ન કરવી પડત.
પરેશ : તો શું થઈ ગયું? હું મહેનત કરૂં છુ. ચોરી તો નથી કરતોને? ને મેઘા, આ નોકરી તો કામચલાઉ છે. આપણો ખાવાપીવાનો ખર્ચો નીકળી જાય એ માટે છે. તું જોજે. ટૂંક સમયમાં હું મારો પોતાનો ધંધો શરૂ કરીશ.
મેઘા : ધંધો? કેવી રીતે? મૂડી તો છે નહિ. પપ્પા મદદ કરશે?
પરેશ : નહિ! બિલકુલ નહિ. પપ્પા મદદ કરે તો પણ નહિ લઉં. પપ્પાએ મને જે મૂડી આપવાની હતી એ આપી દીધી છે. અનુભવની અને કુનેહની મૂડી. રહી વાત રોકડ મૂડીની તો એની વ્યવસ્થા થઈ રહેશે. મારો સ્વભાવ અને મારા સંબંધો મને કામ લાગશે. હવે મારી એક વાત ધ્યાનથી સાંભળ.
મેઘા : સંભળાવ.
પરેશ : જો મેઘા, આપણો માળો જે વિખાઈ ગયો છે એ ગોઠવાતાં થોડી વાર લાગશે. બધું વ્યવસ્થિત થાય ત્યાં સુધી તું તારા પપ્પાને ત્યાં જવું હોય તો જઈ આવ.
મેઘા : એટલે? તું મને મારા પિયરભેગી કરવા માંગે છે એમને?
પરેશ : ના, ના. એવું નથી.
મેઘા : ચગુસ્સામાૃં તો પછી આવી વાત કહેવાનું કારણ શું છે?
પરેશ : તને પિયર મોકલવી હોત તો તો હું મારા ઘરથી જુદો થયો જ ન હોત. પપ્પાએ કહ્યું એ દિવસે જ તને પિયર જવાનું કહી દીધું હોત. આ તો સંઘર્ષના દિવસો છે એટલે મને એમ કે..
મેઘા : હું સંઘર્ષ નહિ વેઠી શકું એમને? બસ! મારી આટલી જ કિંમત કરી? આપણી જિંદગીનો આ જંગ તું એકલો જ લડવા માંગે છે નહિ? ને મારે મારા પિયરમાં હાથ જોડીને બેસી રહેવાનું છે. બરાબરને?
પરેશ : મારો કહેવાનો મતલબ એવો નથી.
મેઘા : એવો જ છે. હું સંઘર્ષના આ દિવસોમાં તારી સાથે ન રહું એવો વિચાર તને આવ્યો જ કેમ?
પરેશ : સૉરી મેઘા, હવે એવી વાત નહિ કરૂં.
મેઘા : એ વાત મુદ્દાની કરી. હવે તું પણ મારી વાત ધ્યાનથી સાંભળ.
પરેશ : સંભળાવ.
મેઘા : મેં વિચાર્યું છે કે, હું પોતે પણ કશું કામ કરૂં. જેને લીધે મારો સમય પસાર થાય, નવરા બેઠાં ખોટાં વિચારો ન આવે અને થોડીઘણી કમાણી પણ થાય.
પરેશ : સારો વિચાર છે.
મેઘા : પરેશ, હું આપણા ઘરની આસપાસ રહેતા વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું વિચારૂં છુ.
પરેશ : તારો વિચાર ખોટો તો નથી. પણ, મેં તારા માટે કશું જુદું વિચાર્યું છે. મેં વિચાર્યું છે કે, હું જે નવું સાહસ કરૂં છુ એમાં તારો પણ સાથ હોય.
મેઘા : અરે વાહ! આવી મજાની વાત કરવાને બદલે પિયર મોકલવાની વાત કરતો હતો. જલ્દી કહે. આપણે શું કરવાનું છે?
પરેશ : વાત એમ છે કે મેં ઈમિટેશન જ્વેલરી વેચવાનું વિચાર્યું છે.
મેઘા : ઈમિટેશન જ્વેલરી? વાહ! એમાં તો ઘણો સ્કોપ છે. મને તો બહુ જ ગમશે.
પરેશ : બસ, તો થઈ જા તૈયાર. આ ધંધાને લગતી ઘણીખરી જાણકારી તો મેં મેળવી લીધી છે. ક્યાં ક્યાંથી સહકાર મળશે એ પણ વિચારી લીધું છે. શરૂઆત નાના પાયેથી કરીશું. હું મારાં ઓળખીતાઓને ઘરાક બનાવીશ. તું આપણા ઘરની આસપાસના લોકોનો સંપર્ક કરતી રહેજે. શરૂઆતમાં કદાચ સફળતા ઓછી મળે પણ હિંમત હારવાની નહિ.
મેઘા : તારો સાથ હોય પછી હિંમત હારવાની વાત કેવી?
પરેશ : બસ ત્યારે! નસીબને બદલવા માટે જાતજાતની વિધિઓ કરનારાં ભલે કર્યા કરે. ભૂવા અને જોશીડાઓને શરણે જનારાં ભલે જાય. આપણે આપણા નસીબ પુરૂષાર્થથી બદલીશું. મેઘા, મને એક દોહો યાદ આવે છે... સાંભળ...
પરેશ : ચગળું ખંખેરીનેૃ હે... વિપત પડે નવ વલખિએ વલખે વિપત નવ જાય વિપતે ઉદ્યમ કીજિયે ....ઉદ્યમ વિપતને ખાય...
ચદૃશ્ય ત્રીજું પૂરૂં થાયૃ
ચદૃશ્ય ચોથુૃં
ચલલિતભાઈનું ઘર. લલીતભાઈ અને કુંદનબહેન બેઠાં હોય. બેલ વાગે... કુંદનબહેન બારણું ખોલવા જાય...પરમાનંદભાઈનો પ્રવેશ...ૃ
પરમાનંદ : એ જય શ્રીકૃષ્ણ લલિતભાઈ.... આપેલા વાયદા પ્રમાણે તમારો આ મહેમાન આવી ગયો છે.
લલિતભાઈ : જય શ્રીકૃષ્ણ પરમાનંદભાઈ જય શ્રીકૃષ્ણ.
પરમાનંદ : જય શ્રીકૃષ્ણ કુંદનભાભી જય શ્રીકૃષ્ણ. કેમ બોલતા નથી? વગર બોલાવ્યે આવેલો મહેમાન જોઈને ગભરાઈ તો નથી ગયાં ને?
કુંદન : જય શ્રીકૃષ્ણ ભાઈ.
પરમાનંદ : કેમ ઢીલું ઢીલું બોલો છો? ભાભી, તબિયત તો સારી છે ને?
કુંદન : સારી છે. આવો બેસો.
પરમાનંદ : માનો કે ન માનો. કશું અજુગતું બન્યું લાગે છે. તમારા ચહેરા ચાડી ખાય છે. આજે આવકારામાં ઉમળકો નથી. સાચું બોલો લલિતભાઈ, શું વાત છે?
લલિતભાઈ : નિરાંતે બેસો. પાણીબાણી પીઓ. પછી બધી વાત કરીએ.
કુંદન : લો પાણી. હું ચા બનાવીને લાવું છુ.
પરમાનંદ : તમે ચા મૂકશો? મેઘાવહુ નથી?
કુંદન : ના, મેઘા પણ નથી અને પરેશ પણ નથી.
પરમાનંદ : કેમ? બહાર ગયાં છે?
કુંદન : જુદાં થયાં છે.
પરમાનંદ : ના હોય! ઘરમાં હરીફરીને તમે ચાર જણાં પછી જુદાં થવાનું કારણ શું?
કુંદન : ચાર નહિ, પાંચ જણાં હતા.
પરમાનંદ : પાંચમું વળી કોણ?
કુંદન : પાંચમો મંગળ. મેઘાનો મંગળ. એ મંગળ અમને નડયો. ને એ મંગળની ઘો ઘાલનાર પણ તમે જ ને? પરમાનંદભાઈ, આંગણે આવ્યાં છો એટલે તમને કઠોર શબ્દો ના કહેવા જોઈએ પણ તમે કહેલી વાતને લીધે જ અમારા પરિવારમાં ડખો ઊંભો થયો ને હર્યોભર્યો પરિવાર વિખાઈ ગયો.
પરમાનંદ : સમજ્યો. તે દિવસે મેઘાને મંગળ હોવાની વાત મેં ભૂલથી કહી દીધી હતી. એ ભૂલનું પરિણામ આજે મારી નજર સામે છે. લલિતભાઈ, મેં તમને કહ્યું હતું ને કે મેઘાને મંગળ હોવાની વાત ભૂલી જજો.
લલિતભાઈ : શા માટે ભૂલું? મંગળવાળી છોકરી મારા પરિવારમાં ઘૂસી ગઈ ને હું કશું કરી શક્યો નહિ. મને એ વાત જ કોરી ખાય છે.
કુંદન : ને મને એ વાત કોરી ખાય છે કે મારાં દીકરા-વહુ જુદાં રહીને કેટલાં હેરાન થતાં હશે! બે જોડી કપડાં લઈને આ ઘરમાંથી નીકળી ગયાં છે. આજે બે મહિના થવા આવ્યા. એમનાં મોઢાં જોવા નથી પામી. ચરડેૃ.
પરમાનંદ : તો વાત આ હદે પહોચી ગઈ છે. મને માફ કરો કુંદનભાભી. હું તમારો ગુનેગાર છુ. મારે લીધે તમારા ઘરનો માળો વિખાઈ ગયો. અરેરે, ધૂળ પડી મારી આ ડાયરીમાં. જે ડાયરીમાં મેઘાના મંગળનો ઉલ્લેખ છે. આ સાલી ડાયરીને અત્યારે જ ફાડીને ફેંકી દઉં.. ચડાયરી ફાડેૃ.
લલિતભાઈ : અરે અરે પરમાનંદભાઈ, ડાયરી કેમ ફાડો છો? તમે તો સાચી વાત કરી. એમાં ડાયરીનો શો વાંક?
પરમાનંદ : આ ડાયરી જોડીઓ બનાવવા માટે હતી, જોડીઓ તોડવા માટે નહિ. પરિવાર વસાવવા માટે હતી, પરિવાર તોડવા માટે નહિ. અરેરે, કેટલો મોટો અનર્થ થઈ ગયો. ચાલો, હું રજા લઉં. હવે આ ઘેર આવવાનો મને અધિકાર નથી.
લલિતભાઈ : અરે પણ, બેસો તો ખરા. હજી હમણાં તો આવ્યા.
પરમાનંદ : કયા મોઢે બેસું? લલિતભાઈ, દીકરા-વહુને જુદાં રહેવા મોકલતાં તમારો જીવ કેમ ચાલ્યો?
લલિતભાઈ : જીવ તો નહોતો ચાલતો પણ હું મારા સિદ્ધાંતના કારણે મજબૂર હતો. કોઈ મારી સાથે છેતરપીંડી કરે એને હું માફ ન કરી શકું.
કુંદન : ખરેખર? જો એમ જ હોય તો તમે મને પણ માફ ન કરો બરાબર ને?
લલિતભાઈ : પણ તેં ક્યાં મારી સાથે છેતરપીંડી કરી છે?
કુંદન : કરી છે. મેં પણ બહુ મોટી છેતરપીંડી કરી છે.
લલિતભાઈ : તું છેતરપીંડી કરે? એ પણ મારી સાથે? બને જ નહિ.
કુંદન : મને ખબર જ હતી કે તમે નહિ માનો. ઊંભા રહો. પુરાવો બતાવું.
ચકુંદનબહેન બીજા ઓરડા તરફ જાય...ૃ
પરમાનંદ : લલિતભાઈ, આ વળી નવી વાત. કુંદનભાભી શું કહેવાં માંગે છે એ જ મને નથી સમજાતું..
લલિતભાઈ : મને પણ નથી સમજાતું. અમારા આટલાં વરસના સંસારમાં એણે મારી સાથે ક્યારેય છેતરપીંડી કરી હોય એ વાત મારા માનવામાં નથી આવતી.
પરમાનંદ : કુંદનભાભીના આવ્યા પછી તો તમારા દિવસો બદલાયા. બાકી તમારી દશા કેવી હતી એ યાદ છે ને?
લલિતભાઈ : યાદ છે ને. હું રોજનું રોજ લાવીને ખાતો’તો. એ આવી પછી મેં સુખના દિવસો જોયા. મારો પોતાનો ધંધો થયો, ઘરનાં ઘર થયા. સંતાનનું સુખ જોયું. બધું જ એનાં સારાં પગલાં થકી થયું.
કુંદન : ચપ્રવેશ કરીને...ૃ લો, આ જોઈ લો મારી છેતરપીંડીનો પુરાવો.
લલિતભાઈ : અરે, આ તો કુંડળી છે. કોની છે?
કુંદન : મારી પોતાની કુંડળી છે. એ પણ મંગળવાળી. જોઈ લો ધ્યાનથી. તમે તો જાણકાર છોને?
લલિતભાઈ : એટલે તું શું કહેવાં માંગે છે?
કુંદન : હું એ જ કહેવાં માંગુ છુ કે જેમ મેઘા મંગળવાળી છે એમ હું પણ મંગળવાળી છુ, બુંધિયાળ છુ, નઠારાં પગલાંવાળી છુ.
લલિતભાઈ : પણ, મેં તો તારી જે કુંડળી જોઈને લગ્ન કર્યા હતા એ કુંડળી તો મંગળ વગરની હતી.
કુંદન : એ કુંડળી પણ ખોટી હતી. સાચી કુંડળી આ છે. જે મેં મારા આણાની પેટીમાં સંતાડીને રાખી હતી. મેં તમારી સાથે ત્રીસ વરસ પહેલાં જે છેતરપીંડી કરી છે એની સજા આજે ભોગવવા તૈયાર છુ. હું પણ આ ઘર છોડીને મારે પિયર જઈશ.
પરમાનંદ : અરે કુંદનભાભી, તમે પણ ઘર છોડીને જશો તો આ લલિતભાઈ ઘરમાં એકલા રહીને શું કરશે?
કુંદન : એને જે કરવુ હોય તે કરશે. હું મારી બેગ તૈયાર કરૂં છુ.
લલિતભાઈ : કુંદન, મને માનવામાં જ નથી આવતું કે તું મંગળવાળી હોય.
કુંદન : કેમ માનવામાં નથી આવતું? આ પુરાવો તમારી સામે જ છે. આજસુધી સંતાડીને રાખ્યો હતો. મને એમ હતું કે મારા મંગળને કારણે ક્યારેય વિઘ્ન આવશે તો તમને સાચી વાત કરીશ. પણ જીવનમાં ક્યારેય એવો મોકો આવ્યો જ નહિ. નાનીમોટી તકલીફો આવી પણ એ તો સહુના જીવનમાં આવે. સામનો કરવો પડે ને કર્યો.
લલિતભાઈ : સાચી વાત છે. આપણા જીવનમાં સદાય સુખશાંતિ રહ્યાં છે. તારાં આવ્યા પછી તો બધું જ સારૂં સારૂં થયું છે. તકલીફો આવીને ક્યારે ગઈ એ પણ મને યાદ નથી.
પરમાનંદ : લલિતભાઈ, તમારા દિવસો તો કુંદનભાભીના આવ્યા પછી જ બદલાયા. મને ખબર છે કે, લગ્ન પહેલાં તમે રમકડાની લારી ફેરવતા હતા. ગલીએ ગલીએ જઈને બૂમો પાડતા હતા કે રમકડાનો પોપટ લ્યો, રમકડાનો વાંદરો લ્યો, રમકડાનો કાગડો લ્યો. ભાભીનાં આવ્યા પછી જ તમારી રખડપટ્ટી બંધ થઈ. ને હવે તમે રમકડાંને છોડીને ગ્રહોને પકડીને બેઠા છો. .
કુંદન : હું તો મંગળવાળી હતી તોય સારૂં જ થયુંને? સાથે મળીને મહેનત કરી તો ફળ મળ્યુંને? એમાં ક્યાંય મંગળ આડો આવ્યો? .
પરમાનંદ : લલિતભાઈ, હવે તો આંખો ખોલો. આ નજર સામે જ તમારો પોતાનો દાખલો છે કે મંગળ કોઈને નડતો નથી. નડે છે ખોટી માન્યતાઓ. જે અત્યારે તમને નડી રહી છે. અરે તમને જ નહિ, તમારા આખા પરિવારને નડી રહી છે.
લલિતભાઈ : મને હજી માનવામાં નથી આવતું. કુંદન, ખરેખર તને મંગળ છે?
કુંદન : આ પુરાવો તો આપ્યો. અમારા ગામના જાણકાર જ્યોતિષીએ આ કુંડળી બનાવી હતી. પણ એ જ્યોતિષી એના ઘરની ભીત પડવાથી કમોતે મર્યાં.
પરમાનંદ : તે હે કુંદનભાભી, એણે એની કુંડળી નહિ બનાવી હોય? કુંડળીમાં નબળી ભીંત નહિ દેખાણી હોય.
કુંદન : ને આપણા જે જ્યોતિષી પર તમને પૂરો ભરોસો હતો, જેની તમે વારંવાર સલાહ લેવા જતા એ પણ અઠવાડિયા પહેલાં અકસ્માતમાં કમોતે મર્યો કે નહિ? એને પોતાને પણ એના ભવિષ્યની ખબર નહિ જ હોય ને? જો હોત તો તે દિવસે ઘરની બહાર નીકળત ખરો?
પરમાનંદ : કુંદનભાભી, તમે બહુ જ વિચારવા જેવી વાત કરી છે. બીજાનાં નસીબ બદલવાના દાવા કરનારા પોતાનાં નસીબ નથી બદલી શકતા. લલિતભાઈ, તમને હવે કાંઈ સમજાય છે? અંધારિયા કૂવામાંથી બહાર નીકળવું છે કે પછી એમાં જ પડયા રહેવું છે.
લલિતભાઈ : મને કાંઈ સમજાતું નથી. મારૂં માથું ચક્કર ચક્કર ભમે છે.
પરમાનંદ : કુંદનભાભીના હાથની ચા પીઓ તો માથું ભમતું બંધ થશે.
કુંદન : ચા પીવી હોય તો બનાવો જાતે કા જાઓ હોટલમાં. આ મંગળવાળી બાઈ હવે પિયર ભેગી થાય છે. જય શ્રીકૃષ્ણ.
લલિતભાઈ : ચગળગળા થઈનેૃ બસ કર બસ. કુંદન, તને હાથ જોડું છુ. દીકરા-વહુએ સાથ છોડયો, હવે તું પણ સાથ છોડીશ. પડયાં ઉપર પાટુ મારીશ? તું જઈશ તો પછી આ જિંદગીમાં રહેશે શું?
કુંદન : કેમ? મંગળવાળું માણસ ઘરમાંથી જાય તો તો તમારે રાજી થવું જોઈએ.ને?
લલિતભાઈ : તું હવે મંગળની વાત છોડ. તારે ક્યાંય જવાનું નથી. ભલે તને મંગળ રહ્યો. મને એ મંગળ મંજૂર છે.
પરમાનંદ : હવે આંખો ઉઘડીને? હવે એ વાત કહો કે દીકરા-વહુને આ ઘરમાં પાછાં લાવવા છે?
લલિતભાઈ : લાવવા તો છે પણ કોણ લેવા જાય?
કુંદન : કેમ વળી? તમે લેવા જાઓ. તમે તો એમને ઘરમાંથી કાઢ્યાં છે.
લલિતભાઈ : હુ કયા મોઢે લેવા જાઉં?
પરમાનંદ : ચિંતા ન કરો. . હુ લેવા જઈશ.
લલિતભાઈ : શું કહો છો? તમે લેવા જશો? તમારાથી એ લોકો આવશે ખરાં?
પરમાનંદ : એ લોકોને લેવા હુ જ જઈશ. આ પરિવાર મારે લીધે તૂટ્યો છે. હવે હુ જ આ પરિવારને પાછો જોડીશ. હુ જાઉં છુ. એમના ઘરનું સરનામું આપો.
કુંદન : ગાંધીપોળમાં રહે છે. પોળના નાકે જઈને પૂછજો. અરે પણ! ચા તો પીતા જાવ.
પરમાનંદ : હવે તો ચા પીશ તો તમારા મેઘાવહુના હાથની જ પીશ. હુ જાઉં છુ. હવે આવીશ તો તમારા દીકરા-વહુને લઈને જ આવીશ. આ મારો વાયદો છે. જો તમારા દીકરા-વહુને નહિ લાવી શકું તો સીધો અમરેલીભેગો થઈશ. જય શ્રીકૃષ્ણ.
કુંદન : જય શ્રીકૃષ્ણ.
ચપરમાનંદભાઈ જતાં હોય એ દૃશ્ય સાથે દૃશ્ય ચોથું પૂરૂં થાય.ૃ
ચદૃશ્ય પાંચમુૃં
પરમાનંદ : લલિતભાઈ, વાયદો પૂરો કરવા આવી ગયો છુ. લો સંભાળો આ તમારાં દીકરાવહુને. આ મોંઘેરી મૂડીને હવે ફરીથી ખોઈ નાખતા નહિ.
લલિતભાઈ : ભૂલ એકવાર થઈ એ ફરીથી નહિ થાય એ મારો પણ વાયદો છે. પરમાનંદભાઈ.
પરેશ-મેઘા : પપ્પા, જય શ્રીકૃષ્ણ. મમ્મી જય શ્રીકૃષ્ણ.
લલિતભાઈ : જય શ્રીકૃષ્ણ. આવો. તમને જોઈને આનદ થાય છે.
કુંદન : જય શ્રીક્રુષણ. આવો મારાં રામસીતા. તમારો વનવાસ આજે પૂરો થઈ ગયો.
લલિતભાઈ : પરેશ.. મેઘા.. હું મારા બંને હાથ જોડીને તમારી માફી માંગુ છુ.
મેઘા : નહિ પપ્પા. તમે અમને શરમાવો નહિ.
પરમાનંદ : અરે માફી માંગવા જેવું કશું બન્યું જ નથી એમ માનો અને જેમ પહેલાં રહેતાં હતા એમ જલસાથી રહેવા માંડો.
કુંદન : તમે લોકો વાતો કરો. હું રસોડામાં જાઉં છુ. આજે ખૂશીનો દિવસ છે. કંસારની તૈયારી કરૂંને?
રમાનંદ : કંસાર તો ખાશું પણ મારી ચા લેણી છે એનું શું? મારૂં માથું ભમવા માંડયું છે.
કુંદન : ચહસીનેૃ અરેરે! તમારી ચા બાકી છે એ તો ભૂલાઈ જ ગયું.
પરમાનંદ : મારે ચા પીવાની છે પણ કોના હાથની પીવાની છે એ ખબર છે ને?
કુંદન : હા. મેઘાના હાથની. મેઘા, જાઓ રસોડામાં. આ પરમાનંદકાકાએ પ્રતિજ્જ્ઞા લીધી છે કે, ચા પીશ તો મેઘાના હાથની. એમની પ્રતિજ્જ્ઞા ભલે પૂરી થઈ જાય.
મેઘા : ભલે મમ્મી, ચા કેવી બનાવું?
પરમાનંદ : ચમોટેથીૃ કડક અને મીઠી.... ચબધાં ખડખડાટ હસેૃ.
ચ આ સાથે નાટક સમાપ્ત થાય.ૃ