પરચા અપરંપાર તારા પરચા અપરંપાર..!
જેમ સંત બન્યા પછી સંતોના પરચા પ્રગટ થવા માંડે. એમ લગન કર્યા પછી જ વાઈફના પરચા પણ બહાર આવવા માંડે. એમાં કેટલાંક ગુલાબી હોય તો કેટલાંક તેજાબી પણ હોય. બે માં ફેર એટલો કે, સંતોના પરચામાં, ચમત્કાર ઝાઝા હોય, અને વાઈફના પરચામાં નમસ્કાર વધુ હોય....! આપને કહેવું પડે કે, ‘ તને હવે પગું લાગું, પણ તું બોલવાનું બંધ કર મારી મા....! આ પરચાઓને પામવા માટે લગન કરવા પડે. કુંવારાઓ માટે આવા પરચા નિષેધ છે. ભ’ઈઇઇ.... પરચાઓ પામવા એ કોઈ નીચી બોરડીના બોર થોડાં છે....? કે, હાથ ઉંચો કર્યો એટલે હાથમાં આવી જાય....? એને પામવા માટે પણ નશીબ જોઈએ. નશીબદારને જ એના પરચા નશીબ થાય. કાચા કુંવારનું એમાં કામ નહિ. ‘ માહીં પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જો ને....? ‘ યાદ આવે છે ને આ લીટી....?
બાકી વાઈફના પરચા અનુભવવા જેવા તો ખરાં....! જેમ ગીતાનો જનમ મહાભારતના યુદ્ધમાં થયેલો, એમ આવા પરચાઓ પામવા હોય તો મીઠાં યુદ્ધ ખેલવા પડે. એમાં બે ફાયદા, એક તો એના પ્રેમના કેરેટ ખબર પડે, ને પ્રેમના ઉભરા દરિયાની ભરતી જેવા છે કે, સોડા વોટરની બાટલી જેવાં એના પણ માપ જાણવા મળે....! પ્રો. ચમનીયાનું તો ત્યાં સુધી કહેવું છે કે, પતિ અને પત્નીએ પ્રેમની પરખ જાણવા માટે, અઠવાડિયામાં એકવાર તો ઝઘડવું જ જોઈએ. વાઈફ ઝઘડાળું ના હોય તો, વેચાતી લડાઈ લઈને પણ ઝઘડવું. જે બંનેની તંદુરસ્તી માટે આરોગ્યપ્રદ છે. પ્રેમનો ગુણાકાર કરવાનો એ ઉતમ ઉપાય છે. આપણે ઢગલાબંધ ડે ઉજવીએ જ છીએ ને...? તો એક વધારે. અઠવાડિયાનો એક દિવસ માત્ર ઝઘડા માટે જ ફીક્ષ રાખવાનો. અને તે દિવસને ‘ ઝઘડિયા ડે ‘ તરીકે અગાઉથી જાહેર પણ કરી દેવાનો. જેથી ઝઘડવા માટે બંને પક્ષોને પ્રાથમિક તૈયારીઓ કરવા સમય મળે. એટલું જ નહિ પ્રો. ચમનીયાએ તો એને સેલીબ્રેટ કેવી રીતે કરવો, એની પણ ‘ ટીપ ‘ આપી. એમાં કોઈ કાર્ડ નહિ કે કેક નહિ. કેકની જગ્યાએ માત્ર કારેલાં કાપવા. અને તે દિવસે કારેલાનું જ સમૂહ ભોજન પણ રાખવું. અને કારેલાંનું જ્યુસ એકબીજાને પાવું, અને પીવડાવવું. બસ, એ એક દિવસ ઝઘડ્યા એ ઝઘડ્યા, પછી વચ્ચે કોઈ મગજમારી નહિ કરવાની. બાકીના છ દિવસ માત્ર ‘ હોલસેલ ‘ પ્રેમ જ કરવાનો. પછી જુઓ એના પરચા કેવાં અપરંપાર હોય છે....?
અમૂક પતિ પત્ની તો લડવામાંથી ઊંચા જ નહિ આવે. સાલું. આપણને ટેન્શન થાય કે, આ લોકો પ્રેમ કરવા માટે સમય ક્યારે કાઢતાં હશે....? જો કે, આપણે તો જાણીએ કે, પતિ અને પત્ની એટલે કાતરના બે પાંખીયા. કાતરના પાંખીયા ભલે આમ વળગેલા જોવા મળે, બાકી બંને અવળી દિશામાં જ ગતિ કરે.. આપણે તો એટલી જ કાળજી રાખવાની કે, પાંખીયા જ્યારે અવળી દિશામાં ગતિ કરતાં હોય, ત્યારે વચ્ચે કોઈએ માથું મારવું નહિ. એમ પતિ પત્ની બંને ઝઘડતાં હોય ત્યારે, ભૂલમાં પણ એ બે ના મામલામાં વચ્ચે ટાંગ અડાવવા નહિ જવું. ને જો ગયાં, તો ખલ્લાસ.....! આપણો વેતરાવાનો જ વારો આવે. આપણે વેતરાય જઈએ એનો પણ વાંધો નહિ, પણ દુખ ત્યારે થાય કે, સવારે તો ઝઘડતા હતાં, અને સાંઝે આપણને એ બંને દરિયા કિનારે નાળીયેર પાણી પીતા જોવા મળે....! એ દ્રશ્ય જોઇને આપણાથી સ્વગત બોલાય જાય કે, “ પરચા અપરંપાર તારા પરચા અપરંપાર....!!
ક્યારેક તો વધારે પડતાં, ઘેલાં થઇ જઈએ એમાં પણ જીવલેણ માર પડે. અમારા ચમનીયાને, એની લગનની વર્ષગાંઠ નિમિતે વાઈફનો ફોટો ફેસબુક ઉપર મુકવાનો હરખ જાગ્યો. થયું એવું કે, ફોટો ફેસબુક ઉપર પોસ્ટ કરવાને બદલે, ઓલેક્ષ ઉપર પોસ્ટ ને પછી જે એની વલે થઇ છે. હજી પથારીમાંથી બેઠો થઇ શકતો નથી. એક જણે તો એની વાઈફની બર્થ-ડે ઉપર વાઈફને ચેઈન આપી, એમાં બબાલ થઇ. પછી મોડેથી ખબર પડી કે, એણે સોનાની ચેઈનને બદલે સાઈકલની ચેઈન આપેલી....! આ પણ એક જાતના પરચા જ ને....?
આપણો તો ચોખ્ખો ને ચટ એક જ ઈરાદો કે, પતિ-પત્ની કોંગ્રેસ-ભાજપાની જેમ બાઝવા નહિ જોઈએ. કોઈનું ઘર બંધાય ને ઘરમાં ઘોડિયું બંધાય એમાં જ રસ, બીજો કોઈ ખરાબ ઈરાદો નહિ. છો ને એમનો સંસાર રોજનો કંસાર ખાતો....? ને જે લોકો સંસારને કંસાર માનીને હાડકે પીઠી લગાવી બેઠા છે, એ લોકોનો વરઘોડો પાછો વાળવા પણ હું કહેતો નથી. પણ આ તો એક વાત....! સંસારમાં પડ્યા એટલે સમઝી જ લેવાનું કે, આપણી હાલત ગોળના માટલામાં નેપાળીની જેમ ફરતા મંકોડા જેવી જ થવાની છે. નહી મંકોડાથી ગોળ છૂટે, કે નહિ તો એનાંથી ગોળનું માટલું છૂટે....! માટલામાંથી બહાર નીકળવાનો રસ્તો મળે, તો બહાર આવે ને....? સંસાર એટલે બાવળના ઝાડની ડાળ ઉપર બેસીને ફાલુદો ખાવાની ચેષ્ટા...! જ્યાં સુધી ગ્લાસમાં ફાલુદો હોય, ત્યાં સુધી બધું મધુર મધુર, અને ઠંડા ઠંડા ફૂલ ફૂલ....! જેવો ફાલુદો પૂરો થયો એટલે બાવળના કાંટા ભોંકાવા લાગે.
લગન કરના એ કોઈ ખાનેકા ખેલ નહિ હૈ બાબા....! ઉસકા પરચા અપરંપાર હોતા હૈ....! એ એક એવી મર્દાનગી છે કે, જે ચ્યવનપ્રાસ ખાવાથી નહિ આવે. એકબીજાના પ્રાસ મળે તો જ આવે. બાકીનાએ તો ખાટલે બેસીને લીંબુનું શરબત જ ઢીંચી લેવાનું...! છપ્પનની છાતી ભલે હોય. પરણ્યા એટલે પતી જ ગયાં. એટલે છપ્પનની છાતીવાળી ડંફાસ તો ફેંકવાની જ નહિ. કુંવારા હોય ત્યાં સુધી જ છપ્પનની છાતીવાળો ઘડીયો જેટલો ઘૂંટવો હોય, એટલો ઘૂંટી લેવાનો. પણ એકવાર હાડકે પીઠી લાગી ગઈ, એટલે, ભૂલી જવાનું કે, આપણી છાતી છપ્પનની છે. પરણ્યા પછી ઘણાના છાતીના પાટિયા બેસી ગયેલાના દાખલા છે. સામેથી અબ તક છપ્પન જ નીકળે. ...! તરત કહેશે, કે, “ બહુ લપ્પન છપ્પન નહિ કરવાની.....! છપ્પનની છાતીવાળા માટે અમે. એ.કે. છપ્પનને જીભમાં લઈને જ ફરીએ છીએ......! છપ્પનની છાતીની કફનીમાંથી અડધો ડઝન ઝભલા ક્યારે થઇ ગયા એની આપણને ખબર પણ નહિ પડવા દે. પોતે તો ઢીલ્લા....થઇ જ જાય, પણ એના લેંઘા પાટલુન પણ ઢીલ્લા પડવા માંડે. જો ભાઈ.....! આ તો એકબીજાની હાલત શેર કરવાની વાત છે.....! આવ ભાઈ હરખા....આપણે બેઉ સરખા....! બાકી આપણો એવો કોઈ બદઈરાદો નથી કે, પરણ્યા વગર ભગવા પહેરાવીને કોઈને હિમાલય રવાના કરી દેવો. આ તો એક વાત....!
રાવણ જેવો રાવણ પણ, દશ માથા હોવા છતાં, સ્ત્રી સામે લક્ષ્મણ રેખા ઓળંગી ના શકેલો. તો એક માથાવાળા કયા ખેતરની મૂળી...? વાઈફ ઘરમાં ફ્લોર ઉપર પોતા મારતી હોય, ત્યારે હિમત કરીને એકવાર પગલા તો પાડી જોજો....? છાતી તો ઠીક, પીઠ બતાવીને પલાયન થવું પડે. ભલે ને લગનના માંડવે એણે આપણા પગ ધોઈને પાણી પીધેલાં હોય, તો પણ, આપોઆપ એ.કે. છપ્પન ફૂટવા માંડે....! તે વખતે ખપ્પરવાળીના દર્શન માટે માતાજીના મંદિરે ધક્કો ખાવાની જરૂર જ નહિ પડે. મહાકાળી સ્વયં ઘરમાં જ પ્રગટ થાય. રાવણ જેવા રાવણનું પણ હરણ કરતાં હવે એને આવડી ગયું છે. એટલે પેલાં છપ્પનની છાતીવાળા પલાખાં તો કાઢવા જ નહિ.
એક વાત સમઝી જ લેવાની કે, એમના પરચા સાધુ સંતો જેવા ના હોય. એમના પરચા સારા ત્યાં સુધી જ સારા. બાકી એકવાર જો આડા ફંટાયા, તો ખલ્લાસ....! લગનના ખર્ચ કરતાં, છૂટાછેડાનો ખર્ચ વધી જાય. પથ્થરમાં પારસ, તિથિમાં અગિયારસ અને પ્રેમમાં સારસ પક્ષીનો જેમ જોટો નહિ જડે, એમ બધું સુંવાળું સુવાળું તો લાગે. પણ જોડો પહેર્યો હોય, એને જ ખબર પડે કે, સાલો જોડો ડંખે ક્યાં છે.....? આ તો એક વાત. બાકી આમ તો આ બધુ ક્ષણભંગુર જ હોય. પરિસ્થિતિ પાછી ક્યારે સ્થિતિસ્થાપકતા મેળવી લે એનું કાંઈ નક્કી નહિ. એટલે એક જ મંત્ર યાદ રાખવાનો કે, ‘ સબ સબ સબકી સંભાલો, મેં મેરી ફોડતા હૂં.....! ‘ કોઈનામાં ડાફોળિયાં મારવા નહિ જવાનું.....! અને કોઈની કાતરમાં કટકા થવા માટે વચ્ચે પડવાનું પણ નહિ.....!
પતિ પત્ની તો ઠીક, સાવરણી ને સાવરણામાં પણ લડાઈ ઘુસી ગઈ. જગ જાહેર વાત છે કે, સાવરણીનું કામ ઘરનો કચરો સાફ કરવાનું. અને સાવરણાનું કામ મહોલ્લાને ચોખ્ખો રાખવાનું ....! બંનેનો જોબચાર્ટ પહેલેથી જ અલગ. સાવરણી અને સાવરણો ક્યારેય એક થયો છે ખરો...? સાવરણાએ ઘરનો કચરો કાઢ્યો હોય, અને સાવરણી મહોલ્લો ચોખ્ખો કરવા નીકળી હોય એવું બન્યું છે ખરું....? એમાં રાષ્ટ્રીય સ્વચ્છતા આભિયાન આવ્યું. સાવરણી અને સાવરણા ભેગા પતિ અને પત્ની પણ એમાં ધંધે લાગી ગયાં. રાષ્ટ્રીય અભિયાન રહ્યું, એટલે જોડાવું તો પડે જ. સફાઈના મામલામાં સ્વાભાવિક છે કે, આપણને રસ જાગે. પણ એ અભિયાનમાં જોડાયાં પછી ખબર પડી કે, બહારના ઓર્ડર ઉપર ધ્યાન આપવાના આપણા મામલા કરતાં, ઘરનો મામલો તો કાશ્મીરના પ્રશ્નથી પણ પેચીદો છે....! ચપટીમાં પતાવી દઉં, એવી ટચાકડી જો ફોડવા ગયાં, તો ખલ્લાસ.....! ગામની ગટરો ચોખ્ખી ચણક કરવી સહેલી, બાકી ઘરસફાઈ કરવામાં તો ઘરવાળીના રિમાન્ડ જ આપણી ધોલાઈ કરી નાંખે. આપણે પુરુષ છે કે, પાંચિયું એ બે ત્રણ દેવાસ સુધી તો સમઝાય જ નહિ....!
ઘરસફાઈના મામલે, ચમનીયો આવી જ ટચાકડી ફોડીને વાઈફ આગળ વટ મારવા ગયેલો. અભરાઈ ઉપરથી એવો પટકાયો કે, ટાંગનું રીપેરીંગ હજી ચાલે છે. એમાં પાછી પડોશણ ઘા ઉપર મીઠું ભભરાવવા આવી. કે “ તમે તો કેટલાં ફાઈન ‘ હસબંધ ‘ છો....? ઘરસફાઈમાં વાઈફને કેવી ‘ ટાંગ-તોડ ‘ મદદ કરો છો....? અમારે ત્યાના તો એવાં હરામ હાડકાંના કે, ઘરમાં પગલાં પાડવા સિવાય હરામ બરાબર જો કોઈ પ્રભુતાના કામ કરતાં હોય તો.....? એમાં પડોશણનું નહિ, આપણું જ આવી બને....! આપણી બચેલી એક ટાંગ માટે પણ આપણને શંકા જાય કે, આજે આ ટાંગ પણ ઘાયલ થવાની....! આપણી વાઈફ બધું સહન કરે, પણ આપણા વખાણ આપણી પડોશણ કરે તો ખલ્લાસ....! પડોશણનું તો પછી પહેલા આપણું જ આવી બને....!
આપણને વળી એમ કે, રાષ્ટ્રમાં ‘ સ્વચ્છતા અભિયાન ‘ ની એક સરસ ઝુંબેશ ચાલે છે, તો ‘ ચેરીટી બીગેન્સ એટ હોમ ‘ કરીને આપણે પણ આપણા ઘરથી જ એ કાર્યમાં તૂટી પડીએ. આપણે કાંઈ પાંડવો થોડાં છે....? કે, દ્રૌપદીના ચીર ખેંચાતા હોય, અને પલાંઠીવાળીને બેસી રહીએ...? ગમે તેમ તોયે એ આપણી વાઈફ છે. એક પતિ તરીકે આપણા ‘ ધણીધરમ ‘ ને કંઈ લાજવા દેવાય...? પણ સહેજ ‘ હેલ્પ ‘ કરીએ એમાં તો, અડોશપડોશમાં આપણી ધજા ફરકી જાય....! “ અમારા એ તો બહુ ભોળા, ઘરસફાઈની ખાલી વાત કાઢી એમાં તો એ અઠવાડિયાની રજા મુકીને ઘરે આવી ગયાં. ને તે વખતે આપણને પણ એવું જોમ ચઢે કે, ૧૦૮ ની સેવા માફક આજુબાજુના ઘરકચરા પણ કાઢી જ આવીએ...!! ( સંપૂર્ણ )