pappa prem shu chhe in Gujarati Short Stories by Jitesh Donga books and stories PDF | પપ્પા...પ્રેમ શું છે

Featured Books
Categories
Share

પપ્પા...પ્રેમ શું છે

પપ્પા...પ્રેમ શું છે?

આઇન્સ્ટાઇનની પંદર વરસની દીકરી એકવાર પોતાની સ્કુલમાંથી પપ્પાને પત્ર લખે છે.

પપ્પા લવ શું છે?

તેના પપ્પા સામે પત્ર લખીને જવાબ આપે છે:

“ડીયર દીકું,

જયારે મેં થીયરી ઓફ રીલેટીવીટી સર્જી, ખુબ ઓછા માણસો તેને સમજ્યા, અને અત્યારે હું જે કઈ પણ કહીશ એ માણસોની સમજ સાથે ટકરાશે અને કદાચ એ ટકરાવ ગેરસમજ બનીને બેસશે. એટલે બેટા...તું મારા આ પત્રને સાચવીને રાખજે માનવજાતથી, અને મારા મર્યા પછી ત્યારે જ બહાર પાડજે જયારે તને લાગે કે માણસો મારા શબ્દોને સમજવા જેટલા એડવાન્સ થઇ ગયા છે. હું અહી તને કહું છું પ્રેમ શું છે:

ત્યાં એક એવી અત્યંત શક્તિશાળી લાગણી છે, હૃદયમાં, કે જ્યાં અત્યાર સુધી વિજ્ઞાન પહોંચીને તેને સમજી શક્યું નથી. તે એવું બળ છે કે જે આપણને બધાને ચલાવે છે, અને આ બ્રહાંડને ચલાવતા દરેક પરિબળ પાછળનું એ પરિબળ છે જે કોઈ ઓળખી શક્યું નથી.

આ બ્રહાંડથી પણ પર, અખિલ લાગણી પ્રેમ છે.

જયારે વિજ્ઞાને બ્રહાંડમાટેની એક સંપૂર્ણ થિયરી બનાવી ત્યારે તે એ લાગણીને લખતા ભૂલી ગયા, કારણકે તેઓ પામ્યા જ ન હતા!

પ્રેમ એ પ્રકાશ છે, અને એ એવા માણસોને પ્રકાશિત કરી દે છે જે બીજાને પ્રેમ આપી શકે છે અને પ્રેમને અનુભવે છે.

પ્રેમ એ ગુરુત્વાકર્ષણ છે, કારણકે એ માણસોને એકબીજા તરફ ખેંચે છે કોઈ રંગભેદ, નાતજાત વિના.

પ્રેમ એ પાવર છે, શક્તિ છે, કારણકે આપણે જયારે તેને આપણું બેસ્ટ બળ આપીએ ત્યારે એ કેટલાયે ગણો બની જાય છે, અને માનવજાતને પોતાના આંધળા સ્વાર્થથી મુક્ત કરે છે. પ્રેમ ઉર્જાની જેમ જન્મે છે, મરે છે, પણ છતાં સમગ્ર વિશ્વમાં તેનો જથ્થો અચલ રહે છે.

પ્રેમ માટે જ ખરેખર તો આપણે જીવીએ છીએ, અને મરીએ છીએ.

પ્રેમ ઈશ્વર છે, અને ઈશ્વર જ પ્રેમ છે.

આ શક્તિ આપણી આસપાસના દરેક સવાલનો જવાબ છે અને આપણી લાઇફને અર્થ આપે છે. જીવવાનું કારણ આપે છે. આ એવો વેરીએબલ છે જે માણસોએ ખુબ જ અવગણ્યો છે! કારણ? કદાચ માણસો પ્રેમ કરવાથી ખુબ જ ડરે છે, અને ડરનું કારણ? આ એક જ એવી શક્તિ છે જેને માનવજાત વશ નથી કરી શકી!

તને નવાઈ લાગશે. મેં પ્રેમનો સાક્ષાત્કાર કરેલો છે, અને મારા પ્રખ્યાત સમીકરણમાં એને સમાવેલો છે:

જો આપણે E=MC2 માં આપણે સ્વીકારીએ કે વિશ્વના બધા દુઃખ મટાડવા માટેની ઉર્જા જો પ્રેમ તરીકે આપીએ તો આ ઉર્જાને જયારે પ્રકાશની ઝડપના વર્ગથી ગુણાકાર કરીએ ત્યારે જે જવાબ મળે...બેટા...એ જવાબને કહી શકાય કે પ્રેમ સૌથી પાવરફુલ બળ છે કારણકે તેની કોઈ લીમીટ નથી. તે અનંત થઇ શકે. પ્રેમ અનંત કરી શકાય. અને જો માનવજાત પ્રેમને કંટ્રોલ કરવા બેસશે, કે પછી જીવવા માટે બીજા બળ વાપરશે તો શું થશે એની ચિંતા છે મને. આપણી જાતને ઉગારવાનો રસ્તો પ્રેમ જ છે.

કદાચ આપણે પ્રેમનો બોમ્બ બનાવી નથી શક્યા, એવો બોમ્બ કે જે આખી દુનિયામાંથી ધિક્કારને બાળીને ખાક કરી દે, જે સ્વાર્થ અને લાલચને આ પૃથ્વી પરથી નામોનિશાન તરીકે પણ મિટાવી દે.

છતાં દરેક વ્યક્તિની અંદર એક શક્તિશાળી જનરેટર છે પ્રેમનું! જેની ઉર્જા રાહ જુએ છે કે ક્યારે ફૂટે, છૂટી પડે. જયારે આપણે આ બ્રહ્મ શક્તિને આપતા અને લેતા શીખીશું, ત્યારે ખબર પડી જશે કે પ્રેમ તો દરેક વસ્તુને હરાવે છે, અને તેની અંદર જ બધો સાર છે જીવનનો.

મને ખુબ પસ્તાવો છે કે મારા હૃદયમાં શું છે તે હું તને પૂરી રીતે જણાવી શકતો નથી, એ હૃદય કે જે તારે માટે હંમેશા ધબકતું રહ્યું છે. મારી માફી માટે પણ ઘણું મોડું થઇ ગયું છે, પણ સમય સાપેક્ષ છે...એટલે હું તને કહી દઉં કે હું તને ખુબ ચાહું છું. આઈ લવ યુ. અને થેંક્યું કારણકે મને છેલ્લો જવાબ ખબર પડી ગઈ છે.

તારો પિતા...આલ્બર્ટ આઇન્સ્ટાઇન.

મને ખબર છે કે આ વાંચનારો કોઈ મહાન માણસ નથી, કે નથી કોઈ સ્પેશિયલ તાકાત ધરાવતો માણસ. એ સામાન્ય માણસ છે, જેની અંદર હજારો નબળાઈ છે, જે પોતાની લાઈફને સાર્થક કરવા મથી રહ્યો છે, જે ગાંડો-ઘેલો છે, જેની પાસે કેટલાયે સવાલો છે, અને જેના જવાબો પણ સાચા છે કે નહી તેની તેને ખાતરી નથી, જેને ખરેખર પોતે આ જગતમાં શું કરી રહ્યો છે તેની ખાતરી નથી. પણ દોસ્ત...જો એ માણસે પોતાની લાઈફમાં એકવાર પણ છાતી ફાડીને પ્રેમ કર્યો છે, કોઈને માટે ફના થયો છે, ખુદને અને પોતાના કુટુંબને પ્રેમ કર્યો છે, જો એ માણસ પ્રેમ ખાતર ઘસાયો છે...તો દોસ્ત...એની જીંદગી સાર્થક છે. એ અઘૂરો છતાં પૂરો છે. એ માનવ છતાં મહામાનવ છે. એનો સ્વાર્થ વિનાનો પ્રેમ એના આખા જીવનને સાર્થક કરે છે.

એક બીજી કહાની છે. મને ખુબ ગમે છે:

એ ઈશ્વર તું ક્યાં ભાગી ગયો?

એક માણસ રોજે સવારે દરિયાને કિનારે ચાલવા જતો. તે ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા ધરાવતો હતો. માનતો કે ઈશ્વર તેની સાથે જ હોય છે. તે જોતો કે તે રોજે ચાલવા જાય ત્યારે દરિયાની રેતીમાં તેના પગલા પડતા હતા. તે રોજે પાછું ફરીને પોતાના પગલાઓ તરફ જોતો, પરંતુ એક અદભુત ઘટના બનતી. તેના પગલાની સાથે-સાથે બે ફુટ જેટલા અંતરે દુર બીજા પગલા પણ પડતા!

જાણે તેની સાથે ઈશ્વર ચાલી રહ્યો હતો રોજે સવારે!

એક દિવસ આ માણસે જોયું કે દુર આકાશમાં તેને પોતાનો ભૂતકાળ દેખાઈ રહ્યો છે. આકાશમાં જાણે કોઈ ફિલ્મ ચાલતી હોય એમ એક પછી એક દ્રશ્ય દેખાતા હતા. રોજે સવારથી માંડીને સાંજ સુધી તેનો દિવસ દેખાતો હતો.

એ દ્રશ્યોમાં તેણે જોયું છેલ્લા કેટલાયે વર્ષોથી રોજે સવારે તે દરિયાકિનારે ચાલવા આવી રહ્યો છે, અને રોજે તેના પગલાઓની સાથે ઈશ્વરના પણ પગલા ચાલી રહ્યા છે.

પરંતુ આ શું? વચ્ચે અમુક દિવસો દેખાયા જેમાં ઈશ્વરના પગલા ન હતા. માત્ર તેના ખુદના પગલાની રચના જ દેખાતી હતી. ઈશ્વર ક્યાં ગયો? એવા તે વળી કેવા દિવસો હતા એ? એણે આકાશી ફિલ્મમાં દેખાતા પોતાના ચહેરાને જોયો.

ઓહ...આ દિવસો તો તેના સૌથી એકલતાના દિવસો હતા! ખરાબ દિવસો હતા. તેના પોતાના માણસો પણ તેને છોડીને ચાલ્યા ગયા હતા.

પણ મારા ખરાબ દિવસોમાં મારો ઈશ્વર પણ મારી સાથેથી ભાગી ગયો? એ ઈશ્વર મારી એકલતામાં તું ક્યાં ભાગી ગયો?

છેવટે તેણે એક સવારે આકાશ તરફ જોઇને ઈશ્વરને પૂછ્યું: કેમ મારા ખરાબ દિવસોમાં મારી સાથે તારા પગલા નથી? બોલ.

ઈશ્વરનો જવાબ આવ્યો નહી. તેને એકલું લાગવા લાગ્યું.

તેણે આકાશ તરફ જોઇને ફરી પૂછ્યું: મતલબ તું મારી એકલતામાં મને મુકીને ભાગી જાય છે? સાલા...હું ખુશ-સુખી હોઉં ત્યારે તો રોજે તારા પગલા દેખાય છે!

છેવટે એ ફિલ્મમાં અંત આવ્યો. વર્તમાન આવ્યું, અને એક દૃશ્ય દેખાયું. જાણે ઈશ્વરે એ ફિલ્મમાં જાતે જ એ દ્રશ્ય ઉમેર્યું હતું.

દરિયાની રેતીમાં એક જ વ્યક્તિના પગલા પડી રહ્યા હતા. માણસે નીરખીને જોયું. અને ખ્યાલ આવ્યો:

તેની એકલતાના દિવસોમાં ઈશ્વર તેની બાજુમાં નહોતો ચાલતો, પરંતુ તેને પોતાના મજબુત હાથોમાં ઊંચકીને ચાલી રહ્યો હતો. એ પગલા ઈશ્વરના હતા.

જાણે ઈશ્વર કહેતો હતો: સમય ખરાબ હોય, તું એકલું અનુભવતો હોય, કે દુઃખી હોય...હું તો સદા તારી સાથે જ હોઉં છું, ક્યાયે ભાગી જતો નથી. હું તો તને ઊંચકીને ચાલુ છું તારા ખરાબ દિવસોમાં.