પ્રકરણ : ૧૨
તરંગના મગજનો સમય અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. “કલ્પાના આવા ફેંકું ગપ્પાંને કેમ માની શકાય ?” તેનું માથું બહુ ભારે થઈ ગયું હતું. તરંગી વાતોમાં તેને કોઈ પહોંચી શકે તેમ નથી એવી તેની તમાનો પણ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. પણ તે એમ હાર માને એવો નહોતો. આયુ તરંગના મોં પરની ગંભીરતાને પામી ગયો હતો.
“તરંગિયા, તારામાં જે તાકાત છે એની તને ખબર નથી, તું હજી પણ તેને હરાવી શકે તેમ છે.” ધીમા અવાજે આયુષ્યએ તરંગને આશ્વાસન આપતો હોય તેમ કહ્યું.
તરંગે મોં એમ ને એમ જ રાખી ત્રાંસી આંખે તેની સામે જોયું. એકાદ બેપળ તેની સામે જોઈ રહ્યા પછી તૂટેલા દાંતપ પર જીભ ફેરવતાં ફેરવતાં તેની સામે ફીક્કું હસ્યો. જાણે તે કહી ન રહ્યો હોય કે- “ભાઈ, તારા આશ્વાસનની મને જરૂર નથી.”
“હહહહ.... તરં...”
“કલ્પા... કલ્પા... કલ્પા... વેરી ગુડ... વાતને જબરો વળ ચડાવ્યો તેં...” ભોંદુની વાત પૂરી થાય તે પહેલાં જ તરંગે કલ્પાને ઉદ્દેશીને કહ્યું.
“હંઅં...” નાકમાંથી શ્વાસ બહાર ફેંકી કલ્પાએ ખંધું હાસ્ય કર્યું. “તો મને લાગે છે અમારી ટીમ જીતી ગઈ એવી જાહેરાત ભોંદિયાએ કરી દેવી જોઈએ... શું કહેવું છે ભોંદું ?”
“એ... હજી તરંગ પાસે વિચારવાનો ટાઇમ છે, એ ટાઇમ પૂરો થાય પછી તમે કહેજો.” આયુએ ગુસ્સે થઈને કહ્યું.
“હહહહ... તરં...”
“જ્યારે સૂર્ય, ચંદ્ર, ધરતી કે ખુદ સમય જેવું પણ કંઈ જ નહોતું ત્યારે માત્ર ઈશ્વર હતો !” ફરી ભોંદુનું વાક્ય કાપીને તરંગે પોતાની વાત શરૂ કરી. “તે સાવ એકલો અટુલો બ્રમાંડના નિરાકાર અવકાશમાં ફર્યા કરતો હતો. તેની પાસે કંઈ જ પ્રવૃત્તિ નહોતી.”
“હહહહ... તું કહે તો ખરો કે હું મારી વાતની શરૂઆત કરું છું.” ભોંદુએ થોડા ગુસ્સે થઈને કહ્યું.
“એમાં કહેવાનું થોડું હોય. એ સમજી જવાનું હોય.”
“હહહહ... એમ સમજી જવાથી જ બધું થતું હોત તો આપણે આ શરત થોડી રાખી હોત ? આપણે પણ આપણી મેળે જ હાર અને જીતને સમજી લેત ને ?”
“સારું ત્યારે હું તારી રજા લઈ લઉં. હું મારી વાત શરૂ કરું ભોંદુભાઈ ?” વિદ્યાર્થી શિક્ષકની રજા માગતો હોય એવી સ્ટાઇલમાં તરંગ બોલ્યો. બધા જ હસી પડ્યા.
“હહહહ.... હા, વાત શરૂ કરો તરંગભાઈ !” ભોંદુએ પણ શિક્ષક જેવી જ અદાથી જવાબ આપ્યો.
“કલ્પાના દાદાએ આકાશમાં કાણું પાડી સૂરજ બનાવ્યો, તો મારા દાદાએ એનાથીયે આગળ જઈને બ્લેકહોલ બનાવી નાખ્યો, તો વળી કલ્પાએ એનાથી પણ આગળની વાત કરી અને અસ્તવ્યસ્ત સમયને ઠીક કર્યો. પણ હું હવે એનાથી પણ આગળની વાત કરવા માગું છું.”
“કઈ વાત ?” શૌર્યએ આંખો મોટી કરી પૂછ્યું.
“સૂરજ, બ્લેક હોલ, સમય, તમે, હું અને આ બધું જ સર્જવામાં એક અલૌકિક તત્ત્વનો હાથ છે. જ્યારે આમાંથી કશું જ નહોતું, ત્યારે માત્ર તે તત્ત્વ હતું.”
તરંગે પોતાની વાતની માંડણી કરી એટલે આયુને થોડો હાશકારો થયો અને લાગ્યું કે જરૂર તરંગ કોઈ વાત ખોળી કાઢશે.
“એ વખતે ઈશ્વર સાવ એકલો અટુલો બધે ફર્યા કરતો હતો. તેની આસપાસ કશું જ હતું નહીં. પોતાની એકલતાથી કંટાળીને તેણે કંઈક વિશેષ સર્જન કરવાનું વિચાર્યું. પણ તે સર્જન શું હોઈ શકે તેની વિમાસણમાં તે હતો. બહુ વિચાર્યા પછી આખરે તેણે સૃષ્ટિ બનાવવાનું વિચાર્યું.
સૌ પ્રથમ તેણે બે વિશાળ અવકાશી ચાદર બનાવી. એકનું નામ અંધકાર અને બીજી અજવાસ. બંને ચાદર ટ્રાન્સપરન્ટ હતી. સાવ પાતળી, હવા જેવી. ચાદર બનાવીને તે વિચારવા લાગ્યો કે ખાલી કાળી અને ધોળી ચાદર બનાવીને શું કરવું, હવે કંઈક તો બીજું કરવું જ જોઈએ. તે ચાદરમાં નકશીકામ કરવા બેઠો. ચાદર અંદર તેણે અનેક તારાઓ, સૂર્ય, ચંદ્ર અને બીજા ગ્રહો ટાંક્યા. ગ્રહો ટાંકીને તે તેને જોવા માટે બેઠો કે હવે ચાદર કેવી લાગે છે ? ચાદરની અંદર અનેક ગ્રહો અને ગેલેક્સીઓ તરી રહી હતી. તેને હજી પણ ઘણી ખામી લાગતી હતી. બધા એક સરખા રંગના ગ્રહો તેણે બનાવ્યા હતા. તેણે ગ્રહોને રંગવાનું શરૂ કર્યું. સૂર્યને તેણે પીળા-કેસરી અને આગની જ્વાળાઓથી ધધકતા રંગથી રંગ્યો. રંગવાની સાથે જ તેમાંથી પ્રચંડ જ્વાળાઓ ફૂટવા લાગી. તેના તેજમાં ચંદ્ર અને બીજા તારાઓ દેખાવાના બંધ થઈ ગયા. પછી તેણે શનિ ગ્રહને રંગ્યો અને તેની ફરતે અનેક રંગના વર્તુળો કરી આપ્યા. વર્તુળો જોઈને તેને આનંદ થયો. તેણે મંગળને કેસરી બનાવ્યો. ગુરુને થોડો ભૂખરો બનાવ્યો આમ બધા ગ્રહોને રંગતો રંગતો તે પૃથ્વી પાસે આવ્યો.”
પોતાની વાત રજૂ કરતા કરતા તરંગ જાણે બધા જ ગ્રહો પોતાના હાથમાં હોય અને એ પોતે જ તેને રંગી રહ્યો હોય તેમ બોલ લઈને ડેમો બતાવી રહ્યો હોય તે અદામાં વાત કરી રહ્યો હતો.
“પૃથ્વીને તે વિશેષ રંગથી રંગવા માગતો હતો. બધા ગ્રહોને રંગ્યા પછી તે ફરી થોભ્યો. થોડું વિચાર્યા પછી તેણે પીંછી ફરી હાથમાં લીધી. વાદળી રંગમાં બોળીને તેણે પૃથ્વી ફરતે આકાશ બનાવ્યું. પીંછીના પાછળના ભાગથી તેણે પૃથ્વીમાં થોડા ખાડા પાડ્યા અને તેમાં પાણી ભર્યું. ધરતી પર પાણી પાણી થઈ ગયું. દરિયા અસ્તિત્વમાં આવ્યા. પછી પીંછી ખંખેરીને પહાડો ઊભા કર્યા. પીંછીને જરા પહાડો પર નીચોવી તો નદીઓ દદડવા લાગી. દરિયાની આસપાસ તેણે અનેક વનસ્પતિઓ ઉગાડી. તેમાં ફૂંક મારીને પવનને વહેતો કર્યો. વૃક્ષોનાં પાંદડાં પવનમાં ફરફરવા લાગ્યાં. દરિયાના મોજાંઓ મોટે મોટેથી ઉછળીને કાંઠા પરની શિલાઓ સાથે અથડાઈને પાણી ઉડાડવા લાગ્યા. બધું જ સુંદર થઈ રહ્યું હતું. પવનના સૂસવાટા, ઉછળતા મોજાંઓનો ઘૂઘવાટ, જુદા જુદા પહાડો આ બધું પૃથ્વીને કંઈક વિશેષ બનાવતું હતું. સૃષ્ટિ સર્જીને ઈશ્વર થાક ખાવા બેઠો.
તેને લાગ્યું કે તેણે ઉત્તમ સર્જન સર્જી નાખ્યું છે. તે રોજ તેને જોયા કરતો. પણ બધું એકધારું ચાલ્યા કરતું હતું. તેને હજી પણ કશાકનો અભાવ લાગતો હતો. શું ખૂટે છે તે તેને સમજાતું નહોતું.
આખરે તેણે સૃષ્ટિ પર જીવસૃષ્ટિનું નિર્માણ કરવાનો વિચાર કર્યો. પોતાના વિચારને સાકાર કરવા માટે તેણે એક આત્માનું નિર્માણ કર્યું. આત્માનું નિર્માણ કરીને તે રાજીનો રેડ થઈ ગયો. પણ આત્મા તો આકારવિહીન હતો. તે આત્માને દરરોજ રમાડ્યા કરતો. તેને સૃષ્ટિ ઉપર આમથી તેમ દોડાવતો. વૃક્ષોમાં હરિયાળી થઈને ફેરવતો, પવનની લહેરખીઓમાં ઉડાડતો. દરિયાનાં મોજાંઓ પર બેસાડીને કૂદકા મરાવતો. ઈશ્વરને પોતાનું આ સર્જન ખૂબ ગમતું. આત્મા પણ એવો જ ચંચળ હતો. તે ક્યારેય ઝંપીને બેસતો જ નહીં. ઈશ્વરને પણ ઝંપવા દેતો નહીં. તેને સતત ને સતત કંઈક ને કંઈક રમત જોઈતી હતી. રમત રમ્યા વિના તેને ચેન પડતું નહોતું.
ઈશ્વરને હજી ઘણું બધું સર્જવું હતું, ઘણું બધું બનાવવું હતું, પણ આત્મા તેને નવરો જ નહોતો પડવા દેતો. ઈશ્વર પણ હવે તો આત્માથી કંટાળવા લાગ્યો. તેને લાગ્યું કે હવે કોઈ પણ રીતે મારે આનાથી છૂટકારો મેળવવો જ પડશે. તેણે આત્માનો નાશ કરવાનું વિચાર્યું. પણ તેનું હૃદય પીગળી ગયું. પોતાના ઉત્તમ સર્જનનું નાશ કરતા તેનો જીવ ચાલતો નહોતો. રમતિયાળ આત્માને ઈશ્વર રમતો રમાડી રમાડીને કંટાળી ગયો. આત્માને સતત રમતો જોઈતી હતી. એક રમત પૂરી થાય એટલે તરત બીજી, બીજી પૂરી થાય એટલે તરત ત્રીજી, પછી ચોથી, પાંચમી... ઈશ્વર ક્યાં સુધી તેને સમય આપ્યા કરે ?
ઈશ્વરને લાગ્યું કે મારે આત્મા માટે કોઈ ચોક્કસ રમત બનાવવી પડશે કે જે ક્યારેય ખૂટે જ નહીં, અને તે રમતો રમ્યા કરે... રમ્યા કરે... રમ્યા જ કરે.. અને હું પણ ફ્રી થાઉં. તે ઘેરા ચિંતનમાં ડૂબી ગયા. ઘણા બધા ચિંતન પછી આખરે તેમણે એક રમત શોધી કાઢી.
પોતાની આ રમતને સાકાર કરવા માટે તેમણે અનેક રમકડાં બનાવ્યાં. હાથી, ઘોડા, ગાય, ઊંટ, કીડી, મંકોડા, વાઘ, સિંહ, ચિત્તો, શિયાળ, વરુ, હરણ, કોયલ, પોપટ, હંસ, ચકલી, કાગડો, ઈયળ, કીટક, વંદો, સાપ, અજગર, માછલી, મગર, વાંદરો, માણસ... વગરે... વગેરે... વગેરે... અનેક પશુઓ, પંખીઓ, પ્રાણીઓ, જીવજંતુઓનું સર્જન કર્યું.
પછી પોતાના પ્રિય સર્જન એવા આત્માને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, “પ્રિય આત્મા, મેં તારી માટે એક સુંદર રમત બનાવી છે.”
આત્મા તો રાજીનો રેડ થઈ ગયો. “કઈ રમત ?” તેણે હરખભેર પૂછ્યું.
“આ જો, મેં તારી માટે અનેક રમકડાંઓ બનાવ્યાં છે.” કહીને ઈશ્વરે બધાં જ પ્રાણીઓ, પશુઓ, પંખીઓ, જીવજંતુઓ તરફ આંગળી ચીંધી આપી.
આટલાં બધાં રમકડાં જોઈને તો આત્મા આનંદથી ઊછળી પડ્યો.
“હવે પછી તારે આ બધાં જ રમકડાંથી રમવાનું.” ઈશ્વરે કહ્યું. “તું પ્રાણ થઈને દરેક રમકડામાં રહી શકીશ. તેમાં રહીને જીવી શકીશ. પછી જ્યારે એ રમકડું તૂટવા આવે, નાશ પામવા આવે ત્યારે તેમાંથી તારે નીકળી જવાનું અને બીજા રમકડામાં જતા રહેવાનું. બીજા રમકડામાં પણ તારે આવું જ કરવાનું. જ્યાં સુધી તે ચાલે ત્યાં સુધી તેમાં રહીને તારે જીવવાનું, પૃથ્વી પર ફરવાનું, મજા કરવાની. પછી ત્રીજું, પછી ચોછું, પછી પાંચમું... એમ દરેક રમકડામાં રહીને તેને એન્જોય કરવાનું.”
દરેક રમકડામાં રહીને જીવવાની આ રમત તો આત્માને ખૂબ જ ગમી ગઈ. આત્મા તો હવે આ રમકડાંથી બરોબરનો રમવા લાગ્યો. તે રમતમાં એવો લીન થઈ ગયો, એવો લીન થઈ ગયો કે પછી તો ઈશ્વરને સાવ ભૂલી જ ગયો. તેને રમતનું વ્યસન થઈ ગયું.
આજે પણ બધાં જ જીવજંતુઓ અને માણસો જીવન નામના રમકડાથી રમવામાં મસ્ત છે. શરીરના રમકડાને જ બધું સમજીને જીવ્યા કરે છે. તેમની આ રમત દૂર બેઠો બેઠો ઈશ્વર જોયા કરે છે અને મલક્યા કરે છે. દરેક જીવ પશુમાં, પંખીમાં, પ્રાણીમાં, જંતુમાં એમ ચોર્યાસી લાખ ફેરા ફર્યા કરે છે. આપણે બધાં જ માત્ર એક રમકડાં છીએ, બીજું કશું જ નહીં, ખરી વાત ને ?” પોતાના કપાળમાં રહેલું તીલક ભૂંસાઈ ન જાય તે રીતે કપાળમાં ખંજવાળતા ખંજવાળતા તરંગે કહ્યું.
“તું તો સંત જેવી ફિલોસોફી કરવા માંડ્યો લ્યા.” આયુની વાત સાંભળી બધા હસી પડ્યા.
“હહહહ.. કલ્પા તને શું લાગે છે, તરંગની વાત સાચી છે ?”
“હા.” એક ક્ષણનોય વિચાર કર્યા વિના કલ્પાએ હા પાડી દીધી. “આમાં ના પાડવા જેવું કશું છે જ નહીં. પણ હવે મારી વાત સાંભળ.”
“સંભળાવ.” તરંગે કહ્યું.