Pranay Trikon in Gujarati Short Stories by Prashant Seta books and stories PDF | પ્રણય ત્રિકોણ

Featured Books
Categories
Share

પ્રણય ત્રિકોણ

પ્રણય ત્રિકોણ

પ્રશાંત સેતા

પ્રણય ત્રિકોણ

રોહિત ફાર્માસ્યુટિકલ જાયન્ટ કાશ્મીરા ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (કે.પી.પી.એલ) નામની કંપની સાથે કેરીયર બનાવવા માટે વડોદરા થી ગોવા શિફ્ટ થયો હતો. દક્ષિણ ભારતમાં કે.પી.પી.એલ. દવાનાં ફોર્મુલેશન અને ડેવેલેપમેન્ટ કરતી કંપની તરીકે મોટું નામ ધરાવતી હતી. કાશ્મીરા ગ્રુપનાં આખા દેશમાં ઘણા બિઝનેસ યુનિટો હતા અને રોહિત ગોવા યુનિટમાં ફાયનાન્સ મેનેજરની પોસ્ટ સંભાળતો હતો .

બે વર્ષ પહેલા રોહિત જ્યારે જોબ માટે ઇન્ટર્વ્યુ આપવા ગોવા ગયો હતો ત્યારે પૂનમને મળ્યો હતો. પૂનમ ઇન્ટર્વ્યુ કો-ઓર્ડિનેટર હતી કે જેણે રોહિતનો ઇન્ટર્વ્યુ કંપનીનાં સિએફઓ સાથે ગોઠવ્યો હતો. પૂનમ ગોવાની જ હતી અને કે.પી.પી.એલમાં ઘણા સમયથી એચઆર એક્ઝેક્યુટીવ (કર્મચારી) તરીકે કામ કરતી હતી.

પૂનમને જોતા જ રોહિતને પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો અને દિલની અંદર એક નાનકડા પ્રેમનું બીજ વવાઇ ગયું હતું. જોઇનીંગ ફોર્માલિટી દરમિયાન રોહિતની પૂનમ સાથે દોસ્તી થઇ ગઇ અને પાછા ગોવા આવવા માટે ગોવાથી વડોદરા જવા માટે નીકળ્યો ત્યારે બંનેએ એકબીજાનાં મોબાઇલ નંબર લઇ લીધા હતા. આખરે, જ્યારે રોહિતે નોકરી શરૂ કરી ત્યારે રોહિતનાં પ્રેમનાં બીજનું નાનકડા છોડમાં રૂપાંતર થઇ ગયું હતું.

રોહિત ગોવામાં નવો હોવાથી પૂનમે એને સેટલ થવામાં મદદ કરી હતી. રોહિતને ભાડાનું ઘર શોધવામાં પૂનમે દોડધામ કરી હતી તેમજ રોહિતની બાઇક લેવા માટે પણ હોન્ડાનાં શોરૂમ પર પોતાની સ્કુટી પર રોહિતને લઇ ગઇ હતી. એ સમય દરમિયાન બંનેની મિત્રતા ગાઢ બની અને થોડા સમયમાં પ્રગાઢ બની ગઇ હતી. રોહિતને ખબર હતી કે પૂનમ સાથે એની કેમેસ્ટ્રી ખાસ્સી મેચ થતી હતી અને કદાચ એટલે જ બંને સાથે ફરતા હતા. અને થોડા અઠવાડીયાઓમાં રોહિતનાં પ્રેમનાં નાનકડાં છોડનું મોટા વ્રુક્ષમાં રૂપાંતર થઇ ગયું.

એકબીજાને મળ્યા એ પહેલા બંને સિંગલ હતા. એવું લાગતું હતું કે રોહિતનું વડોદરાથી ગોવા આવવું બંનેને મેળવવાનો ભગવાનનો એક પ્લાન હતો. થોડા સમયમાં જ ઓફિસનો દરેક કર્મચારી એ લોકોની રીલેશનશીપ વિશે જાણતો થઇ ગયો હતો. પૂનમ – સિમ્પલ અને તેજવાળી છોકરી અને રોહિત- હેન્ડસમ અને બધાને મોહિત કરી દે એવો!

પૂનમ સ્ટાફ બસમાં ઘરેથી ઓફીસ જતી. રોહિતે બાઇકથી જવાનું પસંદ કર્યું હતું કારણ કે કે.પી.પી.એલનું યુનિટ ગોવાથી માત્ર પંદર કિલોમીટર જ દૂર હતું. રોહિતે પોતાની બાઇક પર પૂનમને તેડવા-મુકવાની સેવા ઓફર કરી હતી કે જે સેવા નહી લેવાનો થોડીવાર ઢોંગ કર્યા પછી આખરે પૂનમે સ્વીકાર કર્યો હતો. ઘણીવાર સાંજે એ લોકો ઓફિસેથી આવ્યા પછી કોફી પર કે ડિનર માટે સાથે જતા. સમયની સાથે બંનેની રીલેશનશીપની ઊંડાણ વધતી ગઇ અને આગલા છ મહિનામાં બંને એકબીજાથી અલગ ન પાડી શકાય એમ હતા.

બંનેની જિંદગી સુખ અને શાંતિથી વિતી રહી હતી જ્યાં સુધી કાશ્મીરા બેહલની એન્ટ્રી ન થઇ! કાશ્મીરા બહેલ – યુવાન, સુંદર, પાતળી કમર અને મોહક અદાવાળી ૨૬ વર્ષની કે.પી.પી.એલનાં માલિક મિ. જય કિશન બહેલની તાજેતરમાં જ યુકેમાં ભણતર પતાવી ભારત પાછી ફરેલી એક ની એક દિકરી!

કાશ્મીરા એના પપ્પાથી બહુ નજીક હતી. મિ. જયકિશન બહેલ માનતા કે કાશ્મીરા એના નસીબનો સિતારો હતી. પચ્ચીસ વર્ષ પહેલા મિ. જયકિશન દવા બનાવા માટેનું એક યુનિટ સ્થાપવા માટે સંઘર્ષ કરતા હતા. પણ, કાશ્મીરાનો જન્મ થતાં એને સાહસમાં બહુ સફળતા મળી અને એના બિઝનેસે ખુબ પ્રગતિ કરી. કાશ્મીરા એના માટે દેવદૂત સમાન સાબિત થઇ હતી.

ખેર, કે.પી.પી.એલને નવી ઊંચાઇ પર પહોંચાડવામાં એના પપ્પાની મદદ કરવાનાં ઇરાદાથી આવી પહોંચેલી કાશ્મીરા બહુ તેજસ્વી હતી. યુકેની બિઝનેસ મેનેજમેન્ટની મોટી ડિગ્રી લાવ્યા પછી કાશ્મીરા પાસે કે.પી.પી.એલ માટે મોટા પ્લાન્સ હતા. બિઝનેસ વિસ્તારવાનાં દ્રષ્ટીકોણથી કાશ્મીરાએ દેશમાં ફેલાયેલા તમામ યુનિટોની મુલાકાત લેવાનું વિચાર્યું હતું. બધા જ યુનિટોનાં સેટ અપ અને ફંકશન જોવા હતા. પાંચ યુનિટની મુલાકાત લઇ પણ લીધી હતી. આગળ, વડોદરામાં નવા ચાલુ કરેલા યુનિટનો વારો લેવાનો હતો. દરેક યુનિટની વિઝિટ માટે ચાર થી પાંચ લોકોની ટીમ સાથે લઇ જતી. વડોદરા યુનિટની વિઝીટ માટે ચાર જણાની ટીમની પસંદગી કરાઇ હતી કે જેનો રોહિત અને પૂનમ ભાગ હતા.

સેડ્યુલ પ્રમાણે ટીમ વડોદરા પહોંચી ગઇ. વડોદરાનું યુનિટ પુરી ક્ષમતાથી ચાલે છે કે નહી એ જાણવા માટે કાશ્મીરાએ યુનિટમાં કામ કરતા તમામ લોકો સાથે વાતચીતો કરી હતી, મિટીંગો કરી હતી, કંપનીનાં કામકાજ વિશે તેમજ કામ માટે મળતા સંતોષ વિશે કર્મચારીઓનાં વિચારો જાણ્યા હતા.

રોહિત કે જે એકદમ જેવું હોય એવું કહેવાવાળો માણસ હતો એ પચાવી શકાય એના કરતા થોડું વધારે ખાઇ ગયો હતો. વડોદરા યુનિટનાં કામકાજને લગતા અમુક મુદ્દાઓ સામે લાવ્યો હતો જેવા કે વાતાવરણને લગતા કાયદાઓનું અનિવાર્ય પાલન કરવું, દવાનું ઉત્પાદન કરવામાં થતા કચરાનો નિકાલ પોલ્યુશન કંટ્રોલનાં કાયદા મુબજ કરવો તેમજ નવી – નવી દવાની શોધ કરતા કર્મચારીઓ માટે વધારાનું ભથ્થું વગેરે મુદ્દાઓ પર સચોટ નિતીઓ ઘડવી જોઇએ. રોહિતે કાશ્મીરાને માહિતગાર કરી હતી કે પર્યાવરણને લગતા અમુક કાયદાનો ખાસ્સા સમયથી વડોદરા યુનિટમાં ભંગ થઇ રહ્યો હતો. બધામાં મિ. જયકિશને પણ આંખ આડા કાન કરેલા હતા. જે મુદ્દાઓ રોહિતે રજુ કર્યા હતા એ તમામ મુદ્દાઓ રોહિતનાં કામને લાગતા વળગતા ન હતા છતાંય એની કુશળતા અને કંપનીના કામકાજ પ્રત્યેનાં તિવ્ર રસને લીધે કંપનીનો પુરો અભ્યાસ કર્યો હતો અને એવા મુદ્દાઓ રજુ કર્યા હતા જે બીજા બધા લોકો ગણકારતા જ ન હતા.

ત્યાં હાજર લોકોને તો થઇ ગયું હતું કે રોહિતનાં મુદ્દાઓથી સિનિયર મેનેજમેન્ટ ખુશ નહી થાય. રોહિતને કદાચ કાઢી પણ મુકે એ વાત પણ નકારી શકાય નહી. પરંતુ, કાશ્મીરા રોહિતની કુશળતા, પ્રમાણિકતા તેમજ રોહિતે કંપની અને કંપનીના કર્મચારીઓ માટેની ચિંતા વ્યક્ત કરી એનાથી પ્રભાવિત થઇ હતી.

ઊઠાવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખતાં તેમજ કંપનીની કામગિરી સચોટ કરવાનાં ઇરાદાથી કાશ્મીરાએ વડોદરામાં બે મહિના માટે રોકાવાનો નિર્ણય કર્યો. કાશ્મીરાને રહેવા માટે કે.પી.પી.એલનાં ગેસ્ટ હાઉસમાં એક વી.આઇ.પી રૂમ બુક કરવામાં આવ્યો અને બીજા લોકો માટે સામાન્ય રૂમો બુક કરવામાં આવ્યા. રોહિત તો વડોદરાનો જ હતો એટલે પોતાનાં ઘરે રહેવાનું જ પસંદ કર્યું હતું.

કાશ્મીરાએ રોહિતને વડોદરા શહેર બતાવવાની વિનંતી કરી કારણ કે એ પહેલીવાર વડોદરામાં આવી હતી જ્યારે રોહિત તો વડોદરામાં જ મોટો થયો હતો. ઉપરાંત, કશ્મીરા ઓફિસ સમય દરમિયાન પણ રોહિતને સાથે રાખતી હતી. ઓફિસ પત્યા પછી રોહિતને સાથે કોફી પીવા આવવા માટે કહેતી કે પછી ડિનર સાથે કરવા આગ્રહ કરતી. રોહિતને ભાર મુકીને કહ્યું હતું કે એની સાથે જ સવાર – સાંજ એની કારમાં ઓફીસ આવે.

દિવસો જતા રોહિત માટેની કાશ્મીરાની પસંદગી વધતી જતી હતી. રોહિત વિશે વિચારતાં જ પેટમાં પતંગિયા ફડફડ કરતાં હતા. કાશ્મીરા કદાચ રોહિતનાં પ્રેમમાં પડી ગઇ હતી. રોહિત અને પૂનમની રીલેશનશીપથી અજાણ કશ્મીરાને અંદરથી તો એક એવી ઇચ્છા પણ જન્મી હતી કે રોહિત સાથે લગ્ન કરીને લાઇફ કાઢવામાં પણ કોઇ નુકશાની ન હતી.

આ બાજુ રોહિત અને પૂનમનાં સંબંધો વણસી રહ્યા હતા. એક તરફ રોહિત કાશ્મીરાની કારમાં અને સાથમાં રહેતો હતો તો બીજી તરફ પૂનમ સ્ટાફ બસમાં આવતી – જતી હતી. રોહિતને પૂનમનો ફોન ઊપાડવાનો સમય ન હતો પરંતુ કાશ્મીરા સાથે ડિનર માટે જવાનો પુરતો સમય હતો. જ્યારે – જ્યારે પૂનમ ફોન કરતી ત્યારે – ત્યારે રોહિત કાશ્મીરાનાં કામમાં જ વ્યસ્ત રહેતો હતો. ધીરે – ધીરે રોહિત દૂર જઇ રહ્યો હોય એવું લાગતું હતું. રોહિતને સમય મળતો ત્યારે ફોન કરતો પરંતુ બંનેની વાતોમાં પહેલા જે હકારાત્મકતા હતી એ ઓછી થઇ ગઇ હતી. સામાન્ય રીતે કલાકો સુધી વાતો ચાલતી પરંતુ હવે પાંચ મિનિટથી વધારે વાતો લાંબી ચાલતી ન હતી.

પૂનમને રોહિતની ગેરહાજરી સતાવતી હતી – વડોદરામાં સાથે પિક્ચર જોવા જવાનાં, ડિનર, બાઇક રાઇડનાં પ્લાન બનાવેલા હતા! સમયાંતરે લાગતું હતું કે કાશ્મીરા બંનેની રીલેશનશીપમાં કાંટો બની રહી હતી. રોહિત સાથેનાં ગોવામાં વિતાવેલા દિવસો યાદ કરતી હતી. રોહિત તરફથી પૂનમને ધ્યાન મળતું બંધ થઇ ગયું હતું. પૂનમનાં ચહેરા પર હમેંશા માટે રહેતી સ્માઇલ અને આનંદનો સુર્યાસ્ત થઇ રહ્યો હતો. પૂનમને એક અકળામણ થતી હતી અને જલ્દી ગોવા પાછી જવા માંગતી હતી. વડોદરામાં રહેઠાણ બંનેનાં સંબંધમાં ઝેર ભેળવી રહ્યું હતું. એવું લાગતું હતું કે રોહિત હવે એને છોડી દેશે. દેખાવમાં તેમજ પાવરમાં સક્ષમ કાશ્મીરા કે જે રોહિતનો સમય બે મિનિટ માટે પણ બીજા કોઇને આપતી ન હતી એની સામે પૂનમ કાંઇ જ ન હતી.

બીજી બાજું રોહિતનો પૂનમને છોડવાનો કોઇ ઇરાદો ન હતો. પૂનમનાં પ્રેમની સામે પૈસા અને પાવરની કાંઇ કિંમત ન હતી. એક ખરાબ સમય હતો કે જે જલ્દી પસાર થઇ જવાનો હતો. રોહિત જાણતો હતો કે એકવાર ગોવા પાછા ફરી જશે એટલે બધું ઠીક થઇ જશે, બંનેનો સંબંધ પાછો નોર્મલ થઇ જશે. રોહિત બે મહિના પુરા થવાની રાહ જોઇ રહ્યો હતો. પણ, એને અંદાજો ન હતો કે પૂનમે બધું દિલ પર લઇ લીધું હતું. રોહિતની દૂરીથી પૂનમ એક ડિપ્રેસનમાં સરી પડી હતી. દૂર – દૂર સુધી પણ રોહિતને અંદાજો ન હતો કે એણે પૂનમનું એવું દિલ તોડ્યું હતું કે હવે રોહિત સાથેનાં સંબધને પુર્ણવિરામ આપવા માંગતી હતી.

આખરે, વડોદરામાં બે મહિના વિતી ગયા. ગોવા પાછા ફરવાનો સમય પાકી ગયો હતો. જોગાનુંજોગ ગોવા રીટર્નનો દિવસ કાશ્મીરાનાં જન્મદિવસનો આગલો દિવસ જ હતો. ગોવામાં મિ. જયકિશન બેહેલે કાશ્મીરાનાં બર્થ-ડે ની પાર્ટીનું મોટા પાયા પર આયોજન કરેલું હતું અને વડોદરા વિઝીટ ગયેલી ટીમને એમા ખાસ આમંત્રણ હતું. કશ્મીરાનો યુકે થી આવ્યા પછીનો પહેલો જન્મદિવસ હતો.

જોશભેર ઉત્સાહ સાથે ટીમ મેમ્બરોએ ગોવા માટે વડોદરાથી ફ્લાઇટ પકડી. ટિકિટ બુકીંગની વ્યવસ્થા રોહિતે કરી હતી અને એના પ્લાન મુજબ એણે પોતાની જગ્યા કાશ્મીરા અને પૂનમ સાથે કરી હતી. પૂનમ વિન્ડો સિટ પર ગોઠવાઇ ગઇ હતી તો વચ્ચમાં કાશ્મીરા બેઠી હતી અને છેડે રોહિત ગોઠવાયો હતો. કાશ્મીરા બિંદાસ બંનેની વચ્ચે બેઠી અને રોહિતનાં ખભ્ભા પર માથું જુકાવી સુઇ ગઇ. પૂનમ થાકેલી જણાતી હતી, અને આંખોમાં નિંદર તો દૂર –દૂર સુધી આવતી ન હતી, આંખોમાં માત્ર આંસુઓ હતા. બારીની બહાર અજાણ દિશામાં તાકી રહી હતી.

મુસાફરીની વચ્ચમાં કાશ્મીરા બાથરૂમ જવા માટે ઊઠી. પાછી આવી ત્યારે સિટની વચ્ચે જવામાં આળસ આવતું હોય એવું લાગ્યું. રોહિત શિફ્ટ થવા માટે તત્પર જ હતો એટલે વચલી સિટ પર સરકી ગયો. હજું પ્લેન લેન્ડ થવાને વિસ મિનિટની વાર હતી, ઊંઘની ભુખી કાશ્મીરાએ પાછી એક નિંદર લીધી, આ વખતે રોહિતનો હાથ પકડીને! રોહિતનો બીજો હાથ એક અચકાટ સાથે પૂનમનાં હાથને અડક્યો. પૂનમે પોતાનો હાથ પાછો ખેંચી લીધો. પરંતુ, રોહિતે ફરી પૂનમનું કાંડુ થોડું જોરથી પકડી લીધું અને એક હકારાત્મક ખાતરીથી પકડ્યું. ત્રણેય વચ્ચેનો સંબંધ ગોવા પહોંચીને કાંઇક વિવિધતા લાવવાનો હતો.

જેવી ફ્લાઇટ ગોવાનાં દાબોલીમ એરપોર્ટ પર રાત્રે દસ વાગ્યે લેન્ડ થઇ કે રોહિતનાં ઊત્સાહનું બાષ્પિભવન થઇ ગયું. એનો ઉત્સાહ એક ડરમાં પરિણમ્યો કે જેનું રૂપાંતર કરવુ અઘરું હતું. પૂનમે રોહિતને એક મેસેજ કર્યો કે જે રોહિત સમજી શકતો ન હતો. પૂનમે સંબંધને પુર્ણવિરામ આપવાનો સંકેત આપ્યો હતો. ઉપરાંત રોહિતને જાણ કરી હતી કે બર્થ ડે પાર્ટીમાં મિ. જયકિશન એની દિકરીની રોહિત સાથેનાં સારા સંબંધની ઘોષણા પણ કરી શકે એમ હતા.

કાશ્મીરાનાં બર્થ ડેની પાર્ટી રાત્રે ૧૨ વાગ્યે ધ લીલા હોટેલ, ગોવામાં યોજાવાની હતી. રોહિતને તો અંદાજો પણ ન હતો કે કાશ્મીરાએ એના કરોડપતિ પિતાને એના વિશે વાત કરી હશે. રોહિતને ખબર ન હતી કે કાશ્મીરા માટે રોહિત મેરેજ મટીરીયલ હતો. હવે, એને સમજાતું ન હતું કે શું કરવાનું હતું?

રોહિતને ભાન થઇ કે શા માટે પૂનમે એની સાથેની બધી આશાઓ માંડી વાળી હતી. પૂનમને લાગતું હતું કે રોહિતે એનો ભરોસે તોડ્યો હતો. હવે તો રોહિત મોટો માણસ બની જવાનો હતો. શા માટે એક સામાન્ય છોકરી માટે આવડી મોટી કંપનીનાં ચેરમેનની છોકરીને છોડે? આ બાજું રોહિતનું દિલ તો પૂનમ પર જ અટકેલું હતું. એ તો મક્કમ હતો કે એ કોઇપણ સંજોગોમાં પૂનમને છોડવા માંગતો ન હતો. પૈસો ક્યારેય એની પ્રાથમિકતા ન હતો એ વાત પૂનમને સમજાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ઘણીવાર પૂનમને સમજાવી હતી કે એ પુરી સિદ્દતથી એની નોકરી કરી રહ્યો હતો, એને ન તો કાશ્મીરામાં રસ હતો કે ન તો એના પૈસામાં! પરંતુ, કાશ્મીરાની રોહિત સાથેની નજદીકતા પૂનમને રોહિત પર વિશ્વાસ નહી કરવા પુરવાર થતી હતી.

રાત્રે બાર વાગી ગયા, રોહિત હોટેલનાં હોલમાં કાશ્મીરા સાથે દાખલ થયો, મોટી મુંઝવણમાં હતો. કાશ્મીરા સાથે ખુલાશા કરવા માંગતો હતો પરંતુ એના મોઢા પર રહેલી ખુશીને લીધે અટકી જતો હતો. હોટેલનો બંકેટ હોલ સણગારેલો હતો અને વચ્ચે ડાઇનીંગ ટેબલ પર બર્થ ડે ગર્લ માટે ૨૫ કિલોની કેક રાખેલી હતી. કાશ્મીરા એ સમયે એક નાનકડી છોકરી કોઇ સપનાંની દુનિયામાં હોય એવી લાગતી હતી. મિ. જયકિશન ઘણા સમય પછી એની દિકરીને ખુશ જોઇને ખુબ જ ખુશ હતા. કાશ્મીરા જ્યારે બાર વર્ષની હતી ત્યારે એનાં મમ્મી ગુજરી ગયા હતા અને એ ઘટનાં પછી પહેલીવાર આટલી ખુશ અને ઉત્સાહમાં જણાતી હતી. રોહિત કાશ્મીરાનાં જીવનમાં આટલા આનંદ – ઉલ્લાસનું એકમાત્ર કારણ હતો.

જેવા કાશ્મીરા અને રોહિત હોલ તરફ આગળ વધી રહ્યા હતા, લોકો આગળ આવતા જતા હતા અને કાશ્મીરાને બર્થ ડે વિશ કરતા જતા હતા અને ગિફ્ટ કે બુકે આપતા હતા. પૂનમ પણ એક ખુણામાં હાથમાં બુકે અને આંખોમાં આંસુ સાથે ઊભી હતી. પૂનમની આંખો કે જેમા રોહિત સાથેનાં ભવિષ્યનાં સપના હતા એની નીચે અપુરતી નિંદરને લીધે કાળા ડાઘાઓ પડી ગયા હતા.

આ બધા ગોટાળા માટે રોહિત પોતાની જાતથી જ નારાજ હતો. એ આવી પરિસ્થિતિ ઉદભવતા અટકાવી શક્યો હોત જો સમયસર પ્રતિક્રિયા કરી હોત તો! કાશ્મીરાને કાંઇક કહેવા માંગતો હતો પણ શબ્દ્દો મળતા ન હતા.

અચાનક, કાશ્મીરા પૂનમ તરફ ચાલવા લાગી અને એની સામે ઊભી રહી ગઇ. અચાનક કશ્મીરા સામે ઊભી જતા પૂનમ થોડી અસ્વસ્થ થઇ ગઇ. કશ્મીરાએ પૂનમને સ્માઇલ આપી, કાશ્મીરાનો હાથ પોતાના હાથમાં લીધો અને રોહિત ઊભો હતો ત્યાં દોરી ગઇ. બીજા હાથથી રોહિતનો હાથ પોતાનાં હાથમાં લીધો અને પૂનમનાં હાથમાં મુકી દિધો. પછી કાશ્મીરા બંનેને હળવેકથી ભેટી અને ઘોષણા કરી કે એના ખાસ મિત્ર રોહિતને જીવન સંગીની મળી ગઇ હતી.

પછી કાશ્મીરાએ રોહિતને એના ગોઠણ પર બેસી પૂનમને પ્રપોઝ કરવા કહ્યું અને હમેશા મુજબ રોહિતે આજ્ઞાનું પાલન કર્યું. પૂનમ તો જમીનમાં ખૂંચી ગઇ હોય એમ ઊભી જ રહી, અને આંખોમાં પાણી ભરાઇ આવ્યા પરંતુ એ વખતે જરૂરતથી વધારે ખુશી મળી એટલા માટે! રોહિત એની લાઇફમાં પાછો આવી ગયો હતો, કાશ્મીરાએ રોહિત પાછો આપી દિધો હતો એ વાતનો થોડી ક્ષણો માટે તો ભરોસો બેસતો ન હતો.

પછી કાશ્મીરાએ કહ્યું કે ‘પ્રેમ’ ત્યાગ અને બલિદાનનું સમાનાર્થી છે. કાશ્મીરાએ બંને સામે ધીરેથી ખુલાશો કર્યો કે એને બહુ મોડી ખબર પડી હતી કે એ બંને રીલેશનશીપમાં હતા. એણે રોહિતનાં મોબાઇલમાં બ્રેક અપનો મેસેજ જોયો હતો અને બંનેને મેળવવાનો પ્લાન મનોમન બનાવી લીધો હતો. ફરી બંનેને હળવું ભેટીને ખુશીથી કેક કાપવા માટે જતી રહી.

કેકનો પહેલો ટુકડો મિ. જયકિશનનાં મોઢામાં મુક્યો અને બીજો રોહિતનાં. કેક કાપીને કાશ્મીરા જતી રહી અને બધા પાર્ટીની મોજ માણવા લાગ્યા. મિ. જયકિશન સિવાય કોઇ કાશ્મીરાનાં આંસુનું એક ટીપું કેક પર પડ્યુ એ ન જોઇ શક્યું.

**સમાપ્ત**