Manthan - Dimaag Thi Dil Taraf in Gujarati Poems by Saket Dave books and stories PDF | Manthan - Dimaag Thi Dil Taraf

Featured Books
Categories
Share

Manthan - Dimaag Thi Dil Taraf

મંથન

દિમાગથી દિલ તરફ

સાકેત દવે

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

પ્રકૃતિને ખોળે....

જેની મેઘધનુષી આભા થકી

હ્ય્દયને પણ આંખો ફૂટી છે.

પા-પા પગલી...

પા-પા પગલી, એક કદમ જિંદગી તાજગી સભર બનાવવા તરફ. શબ્દો, આમ તો ક-ખ-ગ...મૂળાક્ષરો સિવાય કંઈ જ નથી પરંતુ આ જ મૂળાક્ષરો લાગણીની ચાસણીમાં તરબતર થઈ નીકળે તો હ્ય્દય ભીંજવી નાંખે અને હ્ય્દયને ચીસ પાડવાનું મન થઈ આવે જો આક્રોશની ચિનગારી ભળે.

શબ્દોની આ સફરની ક્ષિતિજ કયાંય દેખાતી નથી. અસીમતાનું વરદાન પામેલી આ કેડી પર કંઈ કેટલાય મુસાફરો છે અને કંઈ કેટલાય પથદર્શકો. મંઝિલ અહીં કોઈને અભિપ્રેત નથી છતાં ગુમાવવાનું અહીં કઈ નથી. સફરના સાથી બનનાર પથિક અને પથદર્શકને કંઈને કંઈ મળતું જ રહે છે.

અસીમ આ સફરમાં ટ્ઠઇી ઝ્રિીટ્ઠર્ૈંહ એક પથિક તરીકે પા-પા પગલી માંડી રહ્યું છે. હ્ય્દયને ઝંકૃત કરતા શબ્દો જ અમારું ગંતવ્ય સ્થાન છે. અમારા કદમ આપ સુધી પહોંચવામાં કદાચ ટૂંકાં પડે તો અમારા આંગણે સાંકળ ખખડાવશો તો ગમશે.

આપનો,

મ. રીઝવાન ઘાંચી

વ્હાલા સાહિત્યિક સ્વજનો,

આંખો બંધ કર્યા પછી પણ કશુંક ઉજળું-ઉજળું જોવું છે ? આંખમાં ભીનાશ સાથે હોઠોનું મલકવું અનુભવવું છે ? દૂર રહેલી કોઈ સંવેદનાને ટેરવાથી સ્પર્શી લેવી છે ? હથેળીએ ભીની ભીની ઝાકળ પાથરી પારિજાત ઉગાડવાં છે ? નકશો લીધા વગર હ્ય્દયના દરેક વિસ્તારનું ખેડાણ કરવું છે ? ગુલમહોરના પુષ્પમાં સૂર્ય આથમતો જોવો છે ?

રોજબરોજની સાવ સામાન્ય જિંદગીમાં કયારેક એવું કંઈક થઈ જાય છે, દેખાઈ જાય છે. જેનાથી માંહ્યલે થીજેલો હિમસાગર પીગળી જાય છે, અંદરથી ચિત્કાર ઉઠે છે, સુષુપ્ત બનેલું મન સમયે ચડાવેલા જાડા થરને ખંખેરી અત્યંત વિચલિત થઈ જાય છે અને એ સમયે આશ્વાસન આપવા શબ્દો સિવાય કોઈ પાસે હોતું નથી, સ્થિતિને સ્વીકારવા-લાયક બનાવવા, અશ્રુઓને ઢાંકવાં, ડૂમો ઓગાળવા....જીવનના મૂલ્યોને સાચવી રાખીને આ જગતમાં જીવવા માટે, ખુદ સાથે ક્ષણિક બાંધછોડ કરવા માટે, હાથેથી ઉપાડી હિમાલયને કોમળ હ્ય્દય પર મૂકવા માટે શબ્દો જેટલું સરળ માધ્યમ કોઈ ન લાગ્યું. બસ, આવા જ રોજબરોજના સૂક્ષ્માવલોકન અનાયાસ થઈ જવાથી ઉદ્‌ભવેલા સાદા વિચારોને એવા જ સરળ શબ્દોમાં ઢાળ્યા છે.

દિમાગને જરા પણ પોતાની અવળચંડાઈ કરવા દીધા વગર માત્ર હ્ય્દય ભરીને વાંચવા માટે અડતાલીસ વિચોરોનો સંગ્રહ રજૂ કરવાનો આ નમ્ર પ્રયાસ છે. અભીપ્સા છે કે આપ સૌ વધાવશો.

લોકો એને અવાવરૂ ને બંધિયાર કહે છે,

વિચાર જ્યાં મારા, માળો બાંધીને રહે છે.

સાકેત દવે ૧૧,

વિશ્રામપાર્ક સોસાયટી,

ધરણીધર દેરાસર પાછળ,

વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭.

વ્યાવસાયિક...

આખી દુનિયા વ્યસ્ત છે સોદાબાજીમાં...

ને

હું લઈને નીકળ્યો છું,

પ્રાઈસ-ટેગ વગરની

થોડીક લાગણીઓ.

કારણ કે...

ક્યારેક હું બુઝાયેલો રહું છું...

કારણ,

ચાર રસ્તા પર

માત્ર ઔપચારિક રીતે

ચાલુ રાખવામાં આવેલા

ટ્રાફિક-સિગ્નલની જેમ

હું ક્યારેય ઝળહળી શકતો નથી.

તફાવત...

દીવાને સથવારે

બેઠેલાં આપણ બેમાં

આપણા અસ્તિત્વ સમો તફાવત....

તું જુએ જ્યોતિ,

ને

મને દેખાય ધુમાડો.

વંચિત-તા...

“મોમ, મારે ય પલળવું છે...”

“નો... શટ યોર માઉથ એન્ડ કમ ઈનસાઈડ...

રેઈનમાં ભીનાં થઈને ઈલ થવું છે ?”

અને,

કારના બારણાને પછાડીને બંધ કરતા

પહેલા સ્નો-વ્હાઈટ સ્કૂલ-યુનિફોર્મમાં સજ્જ

એ બાળકથી,

ખાબોચિયામાં કૂદતાં ફૂટપાથના

અર્ધનગ્ન બાળકો સામે ભારે ઈર્ષ્યાથી જોવાઈ ગયું.

કદર...

આખા દિવસની

અથાગ મહેનત પછી

ખુલ્લા ડીલે બારી પાસે બેસું છું ત્યારે,

ઠંડો આ પવન

મારી પીઠ થાબડતો રહે છે -

પપ્પાની જેમ.

કેટલીકવાર મને

દીવાલ પર ચોંટાડેલા

સુંદર વૉલ-પેપર કરતાં

બાજુમાં જ ઉખડેલા પોપડા

વધુ સૌંદર્યશાળી લાગે છે,

કારણ કે,

તે કુદરતી છે.

હે ઈશ્વર,

આજીવન આ આંખો સારી રહે

એ માંગણી નથી,

પણ,

દ્રષ્ટિ થોડી-થોડી ઝંખવાય એ સાંજે

બારીની બહાર રહેલા આકાશના બધાય તારા

થોડા-થોડા પાસે લાવી આપજે.

કેટલીક ક્ષણોએ

ખંડિયેર

બની ન જવું હોય તો -

રડી લેવું.

ગેરંટી...

જે દિવસે તમે....

કોઈ એમ્બ્યુલન્સને રસ્તો આપવા

એક તરફ ઊભા રહી જશો,

કોઈ વૃદ્ધની લાકડીને માર્ગ આપી

આગળ નીકળવાનું માંડી વાળશો,

એકમેકનો હાથ પકડી રસ્તો ક્રોસ કરતા ભૂલકાંઓને

પહેલાં જવા દેશો,

તે દિવસે તમે

ઓફિસે મોડા નહીં જ પડો.

સ્મિત...

સોને મઢેલા દાંતવાળા

ચહેરા કરતાં

બોખા દાંત ધરાવતા

મુખ પરનું હાસ્ય

હંમેશા વધુ

સાહજિક અને આકર્ષક હોય છે.

બગીચાને બાંકડે...

એક જ છત્રી નીચે બેઠેલા દાદાએ દાદીને

સંતોષપૂર્વક કહ્યું,

આપણે આ જિંદગીમાં,

“તારા વોટ્‌સએપમાં

આની કવિતા કેમ રોજ આવે ?

ને, હાર્ટ-શેઈપ સાથે કોમેન્ટ કરનાર

પેલી કોણ થાય તમારી ?”

જેવા ઝગડા ક્યારેય ન કર્યા....નહિ ?

પોતાનાપણું...

સવારમાં

જીર્ણ કપડાંથી સ્કૂટર પરની

ધૂળ ઝાપટતી વેળાએ

ઊડી આવેલા

એક પીળા પર્ણને એમ જ રહેવા દીધું છે -

આપણામાંનું જ છે એમ માનીને.

મૂંઝવણ...

નાના એવા મગજમાં સતત ઉદ્‌ભવતા

અનેક વિચારોને

નિરંતર વાચામાં ઢાળવા ટેવાયેલું

કોયલનું એક બચ્ચું,

મમ્માની આંગળી પકડી

બાલંમદિર જતી વખતે ધીમા સાદે બોલી શકે છે,

“સ્કૂલમાં ટીચર મને

કૂહુ-કૂહુ કરવાની ના પાડે છે.”

આગની જરૂર

હંમેશા સિગારેટ કરતાં

ઘરની સગડીને વધુ હોય છે.

જીવનમાં શોખ

અને

જરૂરિયાત

વચ્ચેનો તફાવત સમજીએ.

મંદિરે દીવાની ફરકતી જ્યોત સામે,

અચરજથી તાકી રહેલી

મારી નાની દીકરીને

પરાણે મૂર્તિ સામે જોઈ

બે હાથ જોડાવડાવ્યા પછી,

મને ખુદને એટલું આત્મજ્ઞાન લાધ્યું કે,

દીવાની જ્યોતમાં યે

એને તો ભગવાન જ દેખાયેલા.

વહેલી સવારે...

સેલના પરંપરાગત એલાર્મને બદલે

વિવિધ પક્ષીઓનો કલરવ સાંભળવા મળે તો

તેને સ્નૂઝ કરવાની જરૂર પડતી નથી.

એક કાળી આંખમાં ઊગેલું મેઘધનુષ...

ધુળેટીની આ શ્વેત-શ્યામ સાંજે,

કાળાં ચશ્માં પાછળ એ બે આંખોમાં,

સપ્તરંગી મેઘધનુષ્ય ઉપસી રહ્યું,

જયારે

એક અંધ છોકરાએ

રંગોથી ખરડાયેલા રસ્તા પર

લારી ઊભી રાખી પૂછયું,

“લાલ, લીલો, પીળો કે કેસરી...

બોલો

કયો રંગ લેશો... સાહેબ ?”

હેપ્પી ફાધર્સ ડે...

ઘરડા બાપના ધ્રુજતા હાથમાંથી

ક્યારેક પ્યાલો પડી જાય ત્યારે,

હું અચૂક એ યાદ કરી લઉં કે,

એક જમાનામાં

સાયકલની આગળની સીટ પર

બેઠેલા મારા પગમાંથી પણ

વારંવાર સ્લીપર

નીકળીને પડી જતી.

શોખ નહિ, જરૂરિયાત...

સ્લીપર વગરના એ છોકરાની,

આજ રાતની

રોટલી સાથેની મિત્રતા પાક્કી,

જો

લારીના તમામ ફ્રેન્ડશીપ બેલ્ટ વેચાઈ જાય તો.

થોડાં વર્ષ પહેલાંની વાત...

જવા આવવાના રસ્તે વધુ કીચડ ન થાય એ માટે

અમારી શાળાના અર્ધા કમ્પાઉન્ડમાં કોટા-સ્ટોન નંખાવ્યા.

કેટલાક વાલીઓએ કહ્યું કે,

કેમ અર્ધા જ કમ્પાઉન્ડમાં ?

નમ્ર જવાબ હતો :

આપનું બાળક રેતીમાં

રમવાનું ભૂલી ન જાય એટલે.

ઊગતી આ સાંજે

હાલ જ ખરી પડેલાં

પેલાં લીલાછમ પાનને જઈ

પૂછી આવવું છે,

કે -

“જીવન એટલે શું ?”

ખાલીપણું...

ખુલ્લી ચાંચ

અને

બંધ આંખોવાળાં બચ્ચાં

માળામાં માતાની પ્રતીક્ષા કરે તેમ,

આ કાગળનું કોરાપણું

ક્યારેક તાકી રહે મને અનિમેષ...

અને હું

કપાયેલી પાંખનો ભાર લઈ

ઊડ્યા કરું...

દુઃખનું સ્મિત...

રડવું ન આવે એટલું દુઃખ

હંમેશા કંટાળાજનક હોય છે...

થોડાં ખારાં-ખારાં અશ્રુઓ વહાવી

મન ભરીને રડી લેવા મળે,

એના જેવું સુખ,

એકેય નહિ.

સુખની બે (અલગ) વ્યાખ્યાઓ...

“છેલ્લાં દસ વર્ષોમાં

એક પેન્ટ હાઉસ અને ફાર્મ ખરીદ્યાં,

પોલીટિકલ પોઝિશન સ્ટ્રોંગ કરી,

ને ત્રણેક કરોડનું બેલેન્સ બનાવ્યું...”

“ગ્રેટ...

મેં તો મોમ-ડેડનાં છેલ્લાં દસ વર્ષ

રોજ તેમની સાથે બેસીને

ભાખરી-શાક ખાધાં.”

તે હીનો દિવસા ગતાઃ

નોકરીએ જવાની ઉતાવળમાં જયારે

આસ્ફાલ્ટની કાળી સડક પર પડેલા

કોઈ નાના રંગબેરંગી પીંછા પર

વાહન ચડાવી દેવું પડે ત્યારે યાદ આવે છે કે,

એક સમયે શાળાનો બેલ પડી ગયા પછી પણ

આવા પીંછા વીણવા માટે ધૂળિયા રસ્તા પર

હું ઘણી ક્ષણો ગાળી શકતો.

સમૃદ્ધ આચરણ...

લાંબી અને વિશાળ મોટરકારમાં

ઊંચા અવાજ સાથે સંગીત વગાડતો એક જુવાન

સડસડાટ પસાર થઈ ગયો ત્યારે...

એ જ સ્થાને પોતાની ખખડધજ સાયકલ ઊભી રાખી

સિત્તેરેક વર્ષના કોઈ ડોસાએ

મ્યુનિસિપલ શાળામાંથી ભારે દફતર લઈ બહાર નીકળેલા

શિશુને કહ્યું,

“ચાલ, બેસી જા સાઈકલ પાછળ,

પુલની પેલી પાર ઉતારી દઈશ.”

શિક્ષણ...

બગીચાનાં તમામ પુષ્પોએ

અચાનક સૂકાઈ જઈ આંદોલન શરૂ કર્યું છે,

જ્યારથી મેં પતંગિયાને પકડી

સુગંધ વિષે ભણાવવાનું શરૂ કર્યું છે.

અંધારું...

એક ભીની સાંજે

જાન વળાવી ખાલી ઘરમાં,

પાછી ફરતી માએ

ઊડી ગયેલી સ્ટ્રીટ-લાઈટ જોઈ વિચાર્યું,

“આજની રાત વધુ અંધારી રહેશે.”

ગમે એવો એક આભાસ...

બારી ખોલતાં જ

અંદર આવીને અડી જતી

લીમડાની ડાળ

એટલે જ તો

બાળપણમાં અનુભવેલા

મમ્મીના ગલીપચી કરતાં ટેરવાંઓ.

સ્કૂલ પાસેથી

સડસડાટ પસાર થતી

ટ્રેઈન જોઈને

આજે ય કોઈવાર અજાણતા આવજો ની અદામાં

હાથ ઊંચો થઈ જાય

તો સમજવું કે

હજી બાળપણ સાવ પરવાર્યું નથી આપણામાં.

જય શ્રીકૃષ્ણ...

આખા ગામની પંચાત કરતાં-કરતાં

જ્યારે હું

કોઈને માળા ફેરવતા જોઉં છું ત્યારે...

બે મણકા વચ્ચેના

પાતળા દોરા પર ઝૂલતો ઈશ્વર

મને

કટાક્ષમય સ્મિત કરતો નજરે ચઢે છે.

એમ્બ્યુલન્સ એટલે

સફેદ વસ્ત્રો પહેરેલું મંદિર...

મંદિરની જેમ,

એમ્બ્યુલન્સ જોઈને પણ -

ઈશ્વર સ્મરણ કરીએ.

ઈશ્વર દર્શન...

ચાંદીની થાળીમાં લાપસીનો પ્રસાદ લઈ

સોનાના દ્વાર ધરાવતા

વિશાળ દેવાલયમાં ગયો ત્યારે

મંદિરની બહાર ફૂટપાથ પરના ઉકરડામાંથી

રોટલી શોધતો એક બાળક દેખાયો છે...

આજ પ્રભુ પ્રસાદ વગરના રહેશે ?

ના, આજ પ્રભુનું સાચે જ પેટ ભરાશે.

આજે યમ્મી ડેઝર્ટ ના જોઈએ...

ઓ મમ્મી,

જમ્યા પછી તારું એક સ્મિત મમળાવવા આપને...

આજે સુવાસિત નેપકિન ના જોઈએ,

ઓ મમ્મી,

રમ્યા પછી પેલો પાલવનો છેડો મોઢું લૂછવા આપને...

આજે સોફ્ટ-પીલો ના જોઈએ,

ઓ મમ્મી,

થાક્યા પછી તારો પેલો મુલાયમ ખોળો સૂવા આપને...

કદાચ

ગણિત શિખવાડવું નહિ પડે....

ચાલો,

આજે ભુલકાંઓને

નોટબૂકમાં એકડા નહિ,

પતંગિયાની પાંખના

રંગો ગણવાનું કહી જોઈએ.

દુઃખ ?

ના રે ના...

આ તો મારા

એકધારા અનંત સુખને

સ્હેજ ‘જેલસ’ બનાવવા માટેનું

માત્ર એક

વૈવિધ્યપૂર્ણ બહાનું...!

એક તીક્ષ્ણ દૃશ્ય...

ચાર રસ્તે પસાર થતી એક વૃદ્ધાને

અચાનક ખાંસી આવતા

હાથમાં રહેલી દવાની બાટલી

પડી ગઈ... તૂટી ગઈ... ફૂટી ગઈ...

લાગ્યુ જાણે,

કોઈ લડખડાતી જિંદગી કદાચ

પડી ગઈ... તૂટી ગઈ... ફૂટી ગઈ...

દૃશ્યની કરચો ઊંડે સુધી ખૂંપી ગઈ

ને તોયે

મારી આંખમાં રક્તને બદલે

માત્ર થોડાં અશ્રુ આવ્યાં.

નેપથ્યનો ઝળહળાટ...

ઉપર ભભરાવેલા કોપરાં કે

કિસમિસ કરતાં

ચુસાઈને ગર્તામાં પડેલાં

કોકમ...

દાળના સ્વાદિષ્ટપણા માટે

વધુ જવાબદાર હોય છે,

માણસ ઓળખો.

મલ્ટી-ટાસ્કિંગ...

એક ખભે નોકરીનું પર્સ અને

બીજા ખભે દીકરાનું દફતર ઉપાડીને

દોડતાં-દોડતાં એ ક્યારેક

સવારના જમણમાં

માત્ર સંતોષ આરોગી લેતી હોય છે.

એપ્રિલ ફૂલ...

આખો મહિનો મજૂરી કર્યા બાદ

આરામદાયક ખુરશીએ બેઠેલા

એક બુદ્ધિજીવી તરફથી પગારને બદલે

માત્ર તુચ્છકાર મળ્યો.

એ શ્રમજીવીએ નક્કી કર્યું કે,

પગાર ન મળે ત્યાં સુધી

કેલેન્ડરમાંથી હવે પહેલી એપ્રિલની તારીખનું

પાનું ફાડવું નથી.

દૃષ્ટિ...

આખી રાત મારા ઓરડાની ખુલ્લી બારી

શાંત બગીચાને જોયા કરે,

પછી સવારે,

એના અપારદર્શક કાચ મને રંગીન લાગે છે,

ને લાકડાની ફ્રેમમાંથી બટમોગરાની સુગંધ આવે છે.

ફરી ક્યારેક

ખિસ્સામાં

ખડખડાટ બોખું હાસ્ય

ભરી લઘરવઘર ફરી શકાય તો...

કણ-કણમાં ઈશ્વર...

ગૃહપ્રવેશે,

ઝાંપો ખોલતાં રોજ

આંગણાનાં વયોવૃદ્ધ વૃક્ષની

એક લહેરાતી ડાળ નીચી નમે,

ને હું કોઈ મંદિરના ઘંટની જેમ

એના પર્ણોને સ્પર્શી લઉં.

આવડત...

સળગતી મીણબત્તીની જ્યોત કરતાં,

તેની બુઝાયેલી કાળી વાટની ધૂમ્રસેર

હવે વધુ આકર્ષક લાગે છે...

મને હવે કદાચ

જીવતાં આવડવા લાગ્યું છે.

રસ્તાની બાજુમાં,

લાકડીના ટેકે

હળવે હળવે ચાલતા એ વયોવૃદ્ધ પર,

સડસડાટ પસાર થતી

અઢીસો સીસીની મોટરસાઈકલે

જબરજસ્ત છાંટા ઉડાડયા ત્યારે

મેં એટલું જ કહ્યું,

“એને માફ કરી દેજો દાદા,

તમારી ઉંમરે રસ્તે

એકલા નીકળી શકવાના વૈભવની

એને જાણ નથી,

એ સામાજિક ગૌરવ એને પણ સમજાશે ક્યારેક”.

ખોવાઈ છે...

પહેલીવાર પપ્પાએ

ચાવીવાળું ઘડિયાળ

કાન પાસે મૂકેલું

તે વખતે

મારી આંખોમાં ઊમટી આવેલી,

તે મુગ્ધતા ખોવાઈ છે.

બહાનું નહિ; હકીકત...

“ભાઈ, ક્યારનો તું બેસી રહ્યો છે,

લખતો કેમ નથી ?”

“સર, હાથની બાંય પરથી એક કીડી જતી’તી...

હું ઝાટકવા ગયો,

પણ જોયું તો એના મોઢામાં કણ હતું...

હવે એ ઉતરી જાય એની રાહ જોઉ છું.”

“..............”

ચાનો કપ લઈ

કવિતા લખવાના વિચારે

બારી પાસે બેઠો હોઉં ત્યારે

એક કોયલ

કૂહુ કૂહુ કૂહુ કૂહુ

કરતી થઈ ગઈ પસાર,

હવે એ સુરીલા સમયે

એને ઉત્તર આપી દઉં છું -

કવિતા લખવાને બદલે.