Pincode -101 Chepter 3 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 3

Featured Books
Categories
Share

પિન કોડ - 101 - 3

પિન કોડ - 101

પ્રકરણ-3

આશુ પટેલ

‘ત્રણસો છોકરીઓના પોર્ટફોલિયો જોયા પછી સુપરસ્ટાર દિલનવાઝ ખાન અને મે તને પસંદ કરી.’
અશોક રાજના એ શબ્દો સાંભળીને નતાશા ઉછળી પડી: ‘સર, દિલનવાઝસરે પણ મારા ફોટોગ્રાફ જોયા? એમને રિયલી ગમ્યા?, પછી એણે તરત કહ્યું, ‘સોરી સોરી સર. મેં તમારી વાત અધવચ્ચેથી જ કાપી. એક્ચ્યુઅલી આઇ ગોટ સો એક્સાઇટેડ...’
‘આઇ અન્ડરસ્ટેન્ડ નતાશા... એઝ આઇ ટોલ્ડ યુ, હું પણ તારી જેમ ક્યારેક ન્યુકમર હતો, સ્ટ્રગલર હતો.’ અશોક રાજે ફરી એકવાર નતાશાની વાત અધવચ્ચેથી કાપી અને નતાશાને સ્ટ્રગલર ગણાવી, પણ નતાશા એટલા ઉત્સાહમાં હતી કે તેણે એ નોંધ્યું પણ નહીં.
અશોક રાજે પોતાની વાત આગળ ધપાવી, ‘યસ નતાશા, મને અને દિલનવાઝ ખાનને તારો પોર્ટફોલિયો બહુ જ પસંદ પડ્યો અને એટલે જ આપણે અહીં બેઠા છીએ. દિલનવાઝે કહ્યું કે તમે એકવાર આ છોકરીને મળી લો. અને તમને લાગે કે શી ઇઝ ફાઇન ફોર અવર ફિલ્મ. તો તેને સાઇન કરી લો અને સ્વિત્ઝરલેન્ડના પહેલા શેડ્યુલની તૈયારી શરૂ કરી દો. આ ફિલ્મ મારી કરિઅરને નવી હાઇટ પર
લઇ જશે અને આ છોકરીની લાઇફને પણ હાઇટ પર લઇ જશે.’
‘ઓહ સર! આઇ કાન્ટ ઍક્સપ્રેસ માય ફીલિંગ્સ. હું લાઈફટાઇમ તમારી ઋણી રહીશ.’ નતાશા ગદ્ગદ્ થઈ ગઈ.
‘નતાશા, પાછળથી કોઇ પ્રોબ્લમ ના થાય એટલે અત્યારથી જ તને કહી દઉં કે આ ફિલ્મ બહુ બોલ્ડ હશે અને સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે તારે દિલનવાઝ ખાન સાથે કેટલાક ઇન્ટિમેટ સીન્સ કરવા પડશે. અને એક આઇટમ સોંગ પણ તારે કરવું પડશે. એન્ડ યુ નો વિચ કાઇન્ડ ઓફ કોસ્ચ્યુમ્સ બીઇંગ યુઝ્ડ નાવ અ ડેઝ ઇન આઇટમ સોંગ્સ...’
‘સર, આઇ એમ રેડી ટુ ડુ એનીથિંગ...’ અશોક રાજની પૂરી વાત સાંભળવા જેટલી ધીરજ રાખ્યા વિના જ નતાશાએ કહી દીધું.
અશોક રાજની ફિલ્મ અને એમાંય દિલનવાઝ ખાનની સામે હિરોઇન તરીકે ચમકવા માટે નંબર વનની રેસમાં હોય એવી હિરોઇન્સ સુધ્ધાં કોઇ પણ બાંધછોડ કરવા તૈયાર રહેતી હતી. અને નતાશા મોડર્ન છોકરી હતી એટલે તેને ટૂંકા કે પારદર્શક કે નામ પૂરતાં જ વસ્ત્રો પહેરવાં સામે કોઇ વાંધો નહોતો. હિરોઇન બનવાનું નક્કી કર્યું એ દિવસથી તેણે બીકિની પહેરવાની માનસિક તૈયારી પણ રાખી હતી.
‘આઇટમ સોંગ કરવા માટે સેક્સી ફિગરની જરૂર પડે અને યુ સી, યુ હેવ અ વેરી નાઇસ એન્ડ સેક્સી ફિગર.’ અશોક રાજ નતાશાના સુંદર શરીરની તારીફ કરતા કહી રહ્યો હતો.
‘થેન્ક યુ સર.’ પ્રોડ્યુસરના મોઢે પોતાનાં વખાણ સાંભળીને નતાશા ખુશ થઇ ગઇ.
‘તુમ્હારી આંખો મેં એક અલગ હી નશીલાપન હૈ, જો આજકલ કી કોઇ ભી હિરોઇન મેં નહીં હૈ.’ નતાશાની આંખોમાં આવી ગયેલી ચમક જોઇ અશોક રાજે નતાશાના થોડા વધુ વખાણ કર્યાં.
‘થેન્કસ સર.’ નતાશાએ ફરી એકવાર અશોક રાજનો આભાર માન્યો. તેને લાગ્યું કે પોતે સપનાની દુનિયામા વિહરી રહી છે.
આટલા મોટા દરજ્જાનો પ્રોડ્યુસર-ડાયરેક્ટર પોતાના રૂપનાં વખાણ કરી રહ્યો છે, એ વાત નતાશાને પુલકિત કરી દેવા માટે પૂરતી હતી. એક તો આટલો મોટો પ્રોડ્યુસર-ડાયરેક્ટર અને વળી એનું નામ ક્યારેય છોકરીના મુદ્દે ખરડાયું નહોતું. એ તેની મોકળા મને પ્રશંસા કરી રહ્યો હતો. નતાશા પણ આ જ કારણથી તેના દરેક વખાણને જેન્યુઇન ગણી રહી હતી. નતાશા અત્યાર સુધી હિન્દી નાટકોમાં નાના-નાના રોલ કરીને પોતાનું ગાડું ગબડાવતી હતી. તો ક્યારેક કોઇક મોડેલિંગના અસાઇનમેન્ટસ પણ તેને મળી રહેતા. પણ કોઇ મોટા બ્રેક માટે તે ઘણા સમયથી મથી રહી હતી.
નતાશાના પિતા નૈરોબીમાં વિશાળ કારોબાર ધરાવતા હતા અને નતાશા પાણી માગે તો પેપ્સી હાજર થઇ જાય એવી દોમદોમ સાહ્યબીમાં ઉછરી હતી. પણ તેની ફિલ્મ હિરોઇન બનવાની મહત્વાકાંક્ષાને કારણે તેના પિતાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. નતાશાના મમ્મીએ તેમને બંનેને સમજાવવાની કોશિશ પણ કરી હતી, પણ બાપ અને દીકરી બેમાંથી એકેય પોતાના નિર્ણય બદલવા તૈયાર નહોતા.
નતાશાએ તેના ડેડીને મોઢા પર કહી દીધું હતું : ‘આઇ કેન ડુ એનીથિંગ ટુ બીકમ અ હિરોઇન.’ (હું ફિલ્મ હિરોઇન બનવા કંઇ પણ કરી શકું છું.)
ત્યારે કદાચ નતાશા એ અર્થમાં બોલી હતી કે, હું હિરોઇન બનવા ઘર પણ છોડી શકું છું. પણ આજે પેલા અશોક રાજે નતાશાને આ જ સવાલ પૂછ્યો ત્યારે એનો અર્થ કંઇક જુદો જ હતો.
‘સો નતાશા યુ રિયલી મીન ધેટ યુ કેન ડુ એનીથિંગ ટુ બીકમ અ હિરોઇન?’ નતાશાએ પ્રોડ્યુસર-ડાયરેક્ટરને એના ડેડીનું ઘર છોડતી વખતે એમની સાથે થયેલા સંવાદની વાત કહી એ વાક્યોમાંથી આ એક જ લાઇન પકડીને અશોક રાજે નતાશાને સવાલ પૂછ્યો હતો.
નતાશાએ કહી દીધું: ‘યસ સર, આઇ કેન ડુ એનીથિંગ ટુ બીકમ અ હિરોઇન.’
બિયર પીતા પીતા વાતોમાં દોઢ કલાક કાઢ્યા બાદ અશોક રાજે નતાશાને કહ્યું, ‘નતાશા, આઇ એમ સાઇનિંગ યુ એઝ હિરોઇન ફોર માય અપકમિંગ ફિલ્મ.’ એ સાથે જ તેણે એક હજારની નોટ કાઢી, એના પર સાઇન કરી અને નતાશાના હાથમાં થમાવી દીધી.
‘ધિસ ઇઝ સાઇનિંગ અમાઉન્ટ ઓફ યોર ફર્સ્ટ ફિલ્મ. કલ મેરી ઓફિસ સે તુમ્હે પાંચ લાખ રૂપિયે કા સાઇનિંગ અમાઉન્ટ કા ચેક ભી મિલ જાયેગા’. તેણે કહ્યું ત્યારે નતાશાને થોડી સેક્ધડસ તો પોતાના કાન પર વિશ્ર્વાસ ના બેઠો!
‘થેન્કસ અ લોટ સર’ નતાશા ગદ્ગદ્ થઇ ગઇ.
અશોક રાજે નતાશાનો હાથ પોતાના હાથમાં લઇ હળવેકથી દબાવ્યો અને કહ્યું, ‘પ્લેઝર ઇઝ માઇન નતાશા.’
નતાશા એટલી ખુશ હતી કે તેનું ધ્યાન પણ ન રહ્યું કે અશોક રાજે તેનો હાથ પોતાના હાથમાં લઇ લીધો છે અને તે તેની મખમલી હથેળી દબાવી રહ્યો છે. અશોક રાજે નતાશાની હથેળી થોડી વધુ દબાવતાં કહ્યું, ‘તો ફિર આજ કી રાત હમ સેલિબ્રેટ કરતે હૈં, યહીં મેરિયટ કે સ્વીટ મેં. સિર્ફ મૈં ઓર તુમ. તુમ્હે હમારી ફિલ્મ કી સ્ટોરી ભી સુના દેતા હું ઔર...’ તેણે નતાશા સામે આંખ મીંચકારી.
નતાશા છંછેડાઇ ગઇ, ‘વ્હોટ ડુ યુ મીન?’ કહેતા તેણે પોતાનો હાથ એક જોરદાર આંચકા સાથે છોડાવ્યો.
‘આઇ મીન ઇટ.’ અશોક રાજે નફ્ફટાઇથી કહ્યું.
નતાશાના દિમાગનો પારો સાતમા આસમાને પહોંચી ગયો, પણ છતાં પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાની કોશિશ કરતાં તેણે કહ્યું, ‘આઇ એમ નોટ ધેટ ટાઇપ ઓફ ગર્લ, સર. મૈં ઐસી લડકી નહીં હૂં.’
‘ઐસી નહીં તો વૈસી તો હો. મૈં ભી ઇઝીલી અવેઇલેબલ લડકીયોં કો પસંદ નહીં કરતા નતાશા.’ પ્રોડ્યુસર હવે ધીમે ધીમે તેના અસલી રંગમાં આવી રહ્યો હતો. તેણે બિયરના નશામાં અને રોમેન્ટિક મૂડમાં ગંદુ હાસ્ય કરતા ઉમેર્યું, ‘ઔર અભી તો મૈંને દેખા હી કહાં હૈ કી તુમ કૈસી લડકી હો!’
સટ્ટાક!
તે આગળ કંઇ બોલે તે પહેલાં તો તેના ગાલ પર નતાશાનો તમાચો પડી ચૂક્યો હતો. કોફી શોપમાં આજુ-બાજુ બેઠેલાં તમામની નજર નતાશા અને અશોક રાજ તરફ ખેંચાઇ. અશોક રાજની હાલત કાપો તો પણ લોહી ના નીકળે એવી થઇ ગઇ. કોફી શોપમાં લગભગ બધા તેને ચહેરાથી ઓળખતા હતા. હતપ્રભ બની ગયેલો અશોક રાજ આગળ કંઇ વિચારે કે રિએક્ટ કરે ત્યાં સુધીમાં તો પેલી હજારની નોટ નતાશાએ તેના મોંઢા પર ફેંકી અને તેણે કોફી શોપમાં બેઠેલા બધા સાંભળે એટલા ઊંચા, લગભગ ફાટી જાય એવા અવાજે, અશોક રાજને ગાળ આપી: ‘યુ બાસ્ટર્ડ!’
પ્રોડ્યુસર-ડાયરેક્ટર અશોક રાજનો નશો ઊતરી ગયો. જો કે તે કોઇ પ્રતિક્રિયા આપે એ પહેલાં તો નતાશા ત્યાંથી વાવાઝોડાની જેમ જતી રહી હતી.
અશોક રાજ જેવા પાવરફૂલ પ્રોડ્યુસર-ડાયરેક્ટરને તમાચો મારીને જે. ડબ્લ્યુ. મેરિયટમાંથી સડસડાટ બહાર નીકળી ગયેલી નતાશાને કલ્પના પણ નહોતી કે થોડી વારમાં ફરી વાર તે કોઇને ફટકારી બેસશે અને તમાશાનું કેન્દ્ર બનશે!

(ક્રમશ:)