મનસ્વીએ પાક્કો નીર્ધાર કરી લીધો. આજ સુધી માં-બાપનો વિચાર કરીને ઘણું સહન કર્યું પણ હવે નહિ. હવે એ પ્રજયની કઠપૂતળી બની ને નહિ જ જીવે. જે રીતે ડાન્સ-ક્લાસની નાની વાત ને પ્રજયે આટલું મોટું રૂપ આપ્યું હતું અને પોતાના માતા-પિતાને પણ બોલાવ્યા હતાં એ બાબત મનસ્વી ને અંદર સુધી હચમચાવી ગઈ અને એના મનમાં પ્રજય માટે બચેલું થોડું-ઘણું માન પણ આજે જતું રહ્યું. પોતાનું આખું જીવન એ આવી વ્યક્તિ સાથે નહિ જ વિતાવી શકે એવો એણે પોતાના મનમાં નિશ્ચય કરી લીધો.
સવાર થઇ ગઈ. પ્રજય હજુ પણ ગુસ્સાથી ધુંઆપુંઆ હતો. મનસ્વીને સમજાતું ન હતું કે નૃત્ય સામે પ્રજયને આટલી બધી ચીડ કેમ છે ? ફક્ત નૃત્યની વાત પર પ્રજય આટલું ઓવર-રિએક્ટ કરે છે તો જો એને માનસ વિશે ખબર પડે તો ? આવો એક વિચાર મનસ્વીના મગજમાંથી પસાર થઈ ગયો. પણ હવે મનસ્વી મક્કમ હતી. એણે નક્કી કરી લીધું હતું કે ભલે ગમે તે થાય પણ હવે આ વાતનો ઉકેલ લાવી ને જ રહેશે. હવે એ પ્રજયની જોહુકમી નહિ જ સહન કરે.
અને મનસ્વીના માતા-પિતા આવી પહોંચ્યા.
"શું થયું પ્રજયકુમાર ? બધું સલામત તો છે ને ? આમ અચાનક અમને બોલાવ્યા તમે ? તમે અને મનસ્વી મજામાં તો છો ને ?"
અને હજુ મનસ્વી એનાં માતા-પિતાને પાણી આપે એ પહેલા જ પ્રજયે શરુ કરી દીધું.
"તમારી રાજકુમારીને નાચવા-કૂદવા જવું છે. સમજાવો એને કે નાચ-ગાન એ સભ્ય લોકોને નહિ શોભે."
"પણ થયું શું પ્રજયકુમાર ?"
"એ તો તમે તમારી કુંવરી ને જ પૂછો તો સારું રહેશે. મારાથી છુપાવીને રોજ ડાન્સ-કલાસિસ માં જતી હતી. એ તો સારું થયું કે આજે હું વહેલો આવ્યો અને મને ખબર પડી. નહિ તો કંઈ કેવા ધંધા મારી પીઠ પાછળ ચાલતા હશે કોને ખબર ?"
"પ્રજય પ્લીઝ ..." મનસ્વીએ આખરે પોતાનું મૌન તોડ્યું.
"તું તો કંઈ ના જ બોલે તો સારું મનસ્વી. એક તો ચોરી ઉપરથી સિનાજોરી. " પ્રજય તાડુકી ઉઠ્યો.
"જુઓ પ્રજયકુમાર, તમે શાંત થઇ જાઓ. અમે સમજાવીશું મનસ્વી ને. ફરીથી એ આવી ભૂલ નહિ કરે. તમે પ્લીઝ શાંત થઇ જાઓ." મનસ્વીના મમ્મી-પપ્પાએ પરિસ્થિતિની ગંભીરતા સમજતા પરિસ્થિતિ શાંત પાડવા માટે કહ્યું.
"હું ડાન્સ-ક્લાસ નહિ છોડું." મનસ્વીએ ધીમા પણ મક્કમ અવાજે કહ્યું
"જોયું... જોયું તમે ? કેવું મોઢું ચલાવે છે એ ?" પ્રજયે મનસ્વીના માં-બાપને કહ્યું.
"મનસ્વી.. બેટા આ તું શું કહી રહી છે ?"
"મને નૃત્યનો શોખ છે અને તે હું નહિ જ છોડું. ભલે ગમે તે થઇ જાય."
"હું એવું કદી નહિ ચલાવી લઉં. તારે નક્કી કરવું જ પડશે કે તારે મારી સાથે રહેવું છે કે પછી નાચ-ગાન કરવું છે." પ્રજયે ગુસ્સામાં કહ્યું.
"ભલે.. હું બીજું બધું છોડી શકું પણ નૃત્ય નહિ છોડું." મનસ્વીએ મક્કમ અવાજે કહ્યું.
"મનસ્વી બેટા તું શું કરી રહી છે ? હમણાં તું ગુસ્સામાં છે. શાંત થઇ જા પછી આપણે કોઈ સમાધાન શોધી કાઢીશું." મનસ્વીના પપ્પાએ એને સમજાવતા કહ્યું.
"પપ્પા જે સંબંધમાં મારા ગમા-અણગમાનું કોઈ મહત્વ ન હોઈ, મારું પોતાનું કોઈ અસ્તિત્વ જ ન હોઈ એ સંબંધ મને મંજુર નથી. પ્રજયને મન હું ફક્ત એક કઠપૂતળી છું કે જેને સજાવીને એ લોકો સામે પ્રદર્શિત કરી શકે, જેને પોતાના ઈશારે નચાવી શકે. તમે જ તો એવું શીખવ્યું છે ને પપ્પા કે લગ્ન એ બે લોકો વચ્ચેનો સમ-બંધ છે કે જેમાં બંનેને સમાન અધિકાર અને સમાન ફરજો હોઈ છે. લગ્નમાં કોઈ એક વ્યક્તિના અસ્તિત્વનો સંપૂર્ણ લોપ થતો હોઈ અને બીજો વ્યક્તિ પોતાના વિચારો જ થોપવામાં માનતો હોઈ તો એ સંબંધ કઈ રીતે ટકી શકે પપ્પા?"
મનસ્વીના અવાજની મક્કમતા જોઈને એનાં માતા-પિતા પણ દંગ રહી ગયા. પ્રજય પણ મનસ્વીનું આ રૂપ જોઈ ડઘાઈ ગયો.
"તને ડિવોર્સ જોઈએ છે ને પ્રજય? ભલે. હું આજે જ વકીલને ફોન કરીને કાગળ તૈયાર કરવાનું કહું છું. હું પણ તારી સાથે નથી રહેવા માંગતી. હું એવી વ્યક્તિ સાથે રહીશ કે જે મારી લાગણીઓને સમજે, મારા વિચારોની અને મારા શોખની કદર કરે." મનસ્વીએ પ્રજયને કહ્યું.
"હું પણ જોઉં કે તને એવું કોણ મળે છે જે તને નાચવા-કુદવાની રજા આપે?" પ્રજય હજુ ગુસ્સામાં જ હતો.
"હા બેટા. આપણા સમાજમાં પહેલીવારનાં લગ્નમાં જ છોકરો શોધતા કેટલી મુસીબત પડે છે? અને ફરી તારા માટે એવો છોકરો ક્યાં મળશે કે જે સારું કમાતો હોઈ અને તને સારી રીતે રાખે ?" મનસ્વીની મમ્મીએ મનસ્વીને સમજાવ્યું.
"છોકરો શોધવા જવાની જરૂર નથી મમ્મી. હું માનસ સાથે લગ્ન કરીશ. એ મને સમજશે, મારી લાગણીને સમજશે."
"માનસ? આ માનસ કોણ છે?" પ્રજય બરાડી ઉઠ્યો.
"મનસ્વી... કોણ માનસ? સાપુતારા? મનસ્વી?" મનસ્વીની મમ્મી મનસ્વીની વાત સાંભળી ગુંચવાઈ.
"હા એ જ માનસ મમ્મી. મારો પ્રથમ અને છેલ્લો પ્રેમ. તમારી ખુશી ખાતર મેં એને ભુલાવીને પ્રજય સાથે લગ્ન કર્યા પણ બદલામાં મને શું મળ્યું મમ્મી? પ્રજયનું સોનાનું પીંજરું? હું એમાં કેદ થઈને નથી રહેવા માંગતી હવે. મારો જીવ ઘૂંટાય છે આ વાતાવરણમાં."
"પણ બેટા સમાજ શું કહેશે?"
"સમાજને જે કહેવું હોઈ એ કહે મમ્મી. પહેલા પણ સમાજ શું કહેશે એ વિચારથી જ મેં મારું જીવન પ્રજય સાથેની લગ્નની વેદીમાં હોમ્યું ને મમ્મી? કોણ આવ્યું મારી મુસીબતમાં મને મદદ કરવા ? માનસ સાચે જ ખુબ સારો છોકરો છે. હું એની સાથે હંમેશા ખુશ રહીશ."
મનસ્વી કોઈના જવાબની રાહ જોયા વિના જ ત્યાંથી નીકળી ગઈ. મનસ્વીના એક ફોનથી માનસ તરત એને લેવા પણ આવી પહોંચ્યો. થોડા દિવસોમાં મનસ્વી અને પ્રજયનાં ડિવોર્સની કાયદાકીય કાર્યવાહી પણ શરુ થઇ ગઈ. અને ડિવોર્સ થતા જ માનસે મનસ્વી સાથે લગ્ન કરી લીધાં. માનસ સામાન્ય ભારતીય પુરુષ જેવો ન હતો કે જે મનસ્વી બીજા કોઈની ભૂતપૂર્વ પત્ની હોવાનું સ્વીકારી ન શકે. માનસ માટે તો મનસ્વીની ખુશી જ સર્વસ્વ હતી.
આજે માનસ અને મનસ્વી બંને ખુબ સુખી દામ્પત્ય જીવી રહ્યાં છે. મનસ્વીનાં માં-બાપે પહેલાં સમાજની બીકે આ લગ્નનો સ્વીકાર ન કર્યો. પણ માનસની લાગણી અને મનસ્વીની ખુશી જોઈને અંતે બંને માની ગયાં. પ્રજયે ડિવોર્સમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કર્યો પણ માનસ-મનસ્વીના મજબૂત ઈરાદા આગળ તેનાં તમામ પ્રયત્ન નિષ્ફળ ગયાં.
આજે મનસ્વીએ પોતે પોતાની નૃત્ય-અકાદમી શરુ કરી છે અને માનસ પોતાનાથી બનતો તમામ સહકાર આપે છે. મનસ્વી આજે ખુશ છે કે એણે મન મક્કમ કરી પોતાને ગમતી જિંદગી પસંદ કરી અને માનસ સાથે પોતાનો સંસાર વસાવ્યો. અને પ્રજયનાં "પિક્ચર-પરફેક્ટ" પાંજરામાંથી પોતાની જાતને છોડાવીને એ મુક્તતાનો શ્વાસ માણી શકી.
મારી આ નવલકથા વાંચવા માટે ઘણો-ઘણો આભાર. કેટલીક વાર સંજોગોવસાત એપિસોડ લખવામાં વાર લાગી હોઈ તો એ માટે ક્ષમા માંગુ છું. દરેક વાચકોએ મને વાંચી અને મારા લખાણ વિશે પોતાના અભિપ્રાય જણાવી મને વધુ સારી લેખક બનવાની તક આપી એ બદલ પણ તમામ નો આભાર માનું છું. તમારાં અભિપ્રાય, સૂચન કે વિચારો મને કૉમેન્ટ્સમાં કે ઇ-મેલથી લખી મોકલો.
Mail: shivshaktiblog@gmail.com