Vishayantar - 3 in Gujarati Magazine by Mayur Patel books and stories PDF | વિષયાંતર-3 જિંદગી લમ્બી નહિ બડી હોની ચાહિએ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વિષયાંતર-3 જિંદગી લમ્બી નહિ બડી હોની ચાહિએ

વિષયાંતર

Vishayantar-3: જિંદગી લંબી નહિ બડી હોની ચાહિએ

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના રોકવિલે શહેરમાં ૧૭ જુલાઈ ૧૯૯૦ના રોજ જેની સ્ટિપનેક નામની મહિલા એક બાળકને જન્મ આપે છે. તેનું નામ મેટી રાખવામાં આવે છે. પુત્ર-જન્મની ખુશી સાથે જેની ચિંતિત પણ હતી કેમ કે તેના બે બાળકો કેટી અને સ્ટિવી અનુક્રમે વીસ અને છ મહિનાની જ જિંદગી જીવીને કોઈ રહસ્યમય બીમારીને લીધે અવસાન પામ્યા હતા. તેનું ત્રીજા નંબરનું બાળક જેમી જોકે સ્વસ્થ હતું અને મેટીમાં પણ કોઈ દેખીતી શારીરિક ખામી નહોતી.

૧૯૯૨માં શ્વાસ બંધ થઈ જવાથી ઊંઘમાં જ જેમીનું મૃત્યુ થઈ ગયું ત્યારે તેની ઉંમર ફક્ત સાડા ત્રણ વર્ષ હતી. પહેલા બે બાળકોની જેમ ડૉક્ટરો જેમીના મૃત્યુનું કારણ પણ શોધી ન શક્યા. જેનીના બાળકોના મોત મેડિકલ સાયન્સ માટે કોયડો હતા. ડોક્ટરોએ જેનીના શરીરની જ સંપૂર્ણ તપાસ કરી જેનું પરિણામ ચોંકાવનારું હતું. જેનીના જનીનમાં જ કોઈ એવી વિકૃતી હતી જેને લીધે તેના બાળકો એ રહસ્યમય બીમારી સાથે જન્મતાં હતાં. આ બીમારીમાં શરીરના બાહ્ય અને આંતરીક સ્નાયુઓ શિથિલ થઈ જતાં, અંગો કામ કરતાં બંધ થઈ જતાં, જે થોડા સમય બાદ મોતનું કારણ બનતું. ‘મિટોકોન્ડ્રિઅલ માયોપથી’ નામકરણ પામેલી આ બીમારીનો કોઈ ઈલાજ નહોતો કેમ કે એના વિશે મેડિકલ સાયન્સને કોઈ જ્ઞાન જ નહોતું.

અંગત કારણોસર પતિથી અલગ થઈ જનાર જેની પાસે હવે તેના દિકરા મેટી સિવાય કોઈ નહોતું. મેટી સંપૂર્ણ ફીટ લાગતો હતો પણ તેની એ વારસાગત બીમારી કોઈપણ સમયે તેનો ભરડો લે એમ હતું. જેનીના પ્રથમ ત્રણ બાળકો પૈકી કોઈપણ ચાર વર્ષથી વધુ જીવ્યું નહોતું પણ મેટી જીવી ગયો. ભણવામાં અને રમતગમતમાં તે જન્મથી જ પોતાની ઉંમરના અન્ય બાળકો કરતાં વધુ તેજસ્વી હતો. જેમીના મૃત્યુ અગાઉ તેને પડેલી શારીરિક તકલીફોને મેટીએ નજીકથી જોઈ હતી. એ સમયે પોતે જે કંઈ લાગણી અનુભવતો તે મેટી પોતાની માતાને કહેતો. નાનકડા મેટીની વાતોમાં ઊંડાણ જણાતા જેનીએ એ બધું કાગળ પર ઉતારવા માંડ્યું. પરોક્ષ રીતે લેખક બનવાની મેટીની એ શરૂઆત હતી. પછી તો એણે જ પોતાના વિચારો કાગળ પર ટપકાવવા માંડ્યા.

ચાર વર્ષની ઉંમરથી જ મેટીએ કવિતાઓ રચવા માંડી. છ વર્ષની વયે તેનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો જેને એક સ્પર્ધામાં પહેલું ઈનામ મળ્યું. આ સફળતાથી ઉત્સાહિત મેટીએ વધુ ને વધુ લખવા માડ્યું. પોતાની કવિતાઓને તેણે ‘હાર્ટ સોંગ્સ’ એવું નામ આપ્યું કેમ કે એ તેના હૃદયની ઉર્મિઓ જ હતી. નવ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેના બીજા ચાર કાવ્યસંગ્રહો તૈયાર હતા. જોકે તેમને પ્રકાશિત નહોતા કરવામાં આવ્યા. મેટીની ઈચ્છા તેમને થોડા વર્ષો પછી પ્રકાશિત કરવાની હતી. એ વિધિની વક્રતા જ હતી કે તેની પાસે બહુ થોડા વર્ષ બચ્યા હતા.

દસ વર્ષની વયે એક દિવસ શ્વાસ લેવાની તકલીફ પડતા મેટીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. મૃત્યુ તરફના પ્રયાણની એ શરૂઆત હતી. હોસ્પિટલના બીછાને જ તે કોમામાં સરી ગયો અને જાનનું જોખમ ઊભું થયું. જેનીને લાગ્યું કે તે હવે કદી સાજો નહીં થશે. ત્રણ મહિના આઇ.સી.યુ.માં સારવાર મેળવ્યા બાદ તે બેઠો થયો, પણ તેનું શરીર હવે સાથ આપવા તૈયાર નહોતું. તે પોતાની હથેળીઓને પરસ્પર અડકાડી તો શકતો પણ તાળી પાડવાની તેનામાં તાકાત નહોતી. તે પોતાનો હાથ મોં સુધી લઈ તો જઈ શકતો પણ આંગળીઓમાં કોળીયો પકડી ખાઈ નહોતો શકતો. તે લકવાગ્રસ્ત નહોતો, તેના સ્નાયુઓ જ પૂરતું કામ આપી શકતા નહોતા. તેને તમામ કાર્યોમાં માતાની મદદ લેવી પડતી. તેની જિંદગી હવે વ્હીલચેર અને વેન્ટિલેટરની ઓશિયાળી થઈ ગઈ હતી. બીમારીએ પોતાનો પ્રકોપ દેખાડવાનો શરૂ કર્યો એ પછી મેટીની પાચન ક્ષમતા પણ નબળી પડી ગઈ. તેના શરીરનું તાપમાન ગમે ત્યારે વધી જતું અને ગમે ત્યારે ઘટી જતું. તેને અચાનક જ શ્વાસોચ્છવાસની તકલીફ થવા લાગતી. મેટીના કેસને લીધે ડૉક્ટરો પાસે તેની બીમારી વિશે ઘણી બધી માહિતી ભેગી થઈ પણ એનો ઈલાજ તેઓ ન શોધી શક્યા. તેનું મોત નિશ્ચિત હતું.

પોતે હવે થોડા સમયનો મહેમાન છે એ જાણતો હોવા છતાં મેટી હિંમત ન હાર્યો. તેણે પોતાના કાવ્યસંગ્રહો પ્રકાશિત કરાવ્યા. એ બધા જ પુસ્તકો બેસ્ટસેલર બન્યા. તેની કવિતાઓમાં રહેલું ઊંડાણ જોઈને કોઈ કહી ન શકે કે એ કવિતાઓ એક બાળકે લખી છે. તેના પુસ્તકો એક ડઝનથી વધુ ભાષામાં ભાષાંતરીત થઈને પ્રકાશિત થયા. રોયલ્ટીની આવક વધવા લાગી. મેટીનું નામ જાણીતું થવા લાગ્યું. થોડા જ સમયમાં તે અમેરિકામાં વિખ્યાત થઈ ગયો. ધ ઓપ્રા વિન્ફ્રે શૉ, ગુડ મોર્નિંગ અમેરિકા અને લેરી કિંગ લાઈવ જેવા ટીવી કાર્યક્રમોમાં તેના ઇન્ટર્વ્યુ થયા. પોતાને મળેલી પ્રસિદ્ધિનો ઉપયોગ તેણે સદકાર્ય માટે કરવા માંડ્યો. જે બીમારી તેનો ભોગ લેવા મોં ફાડીને બેઠી હતી એનો ભોગ ભવિષ્યમાં અન્ય બાળકો ન બને એ માટેના સંશોધન અને ઈલાજની શોધ માટે જરૂરી નાણાંભંડોળ તેણે ભેગું કરવા માંડ્યું. ઓપ્રા વિન્ફ્રે, જે.કે.રોલિંગ, બિલ ક્લિંટન અને જીમી કાર્ટર જેવી અનેક હસ્તીઓ તેના આ સખાવત કાર્યમાં સહયોગી બન્યા. આખા અમેરિકામાં પ્રવાસ કરીને લાખો ડૉલર ભેગા કરવામાં તેને સફળતા મળી અને તે જાણે કે અમેરિકી હીરો બની ગયો.

વર્ષ ૨૦૦૪ની શરૂઆતમાં મેટીની તબીયત વધારે લથડી ગઈ. ડૉક્ટરોએ બનતી કોશિશ કરી. આખા અમેરિકાએ તેના માટે પ્રાર્થના કરી પણ છેવટે તેનો જીવનદીપ બુઝાઈ ગયો. જેનીનો વ્હાલસોયો દિકરો સૂઈ ગયો, હંમેશ માટે…

મેટીની અંતિમક્રિયામાં હજારો લોકો જોડાયા હતા. આજે પણ મેટીના નામથી સેવાયજ્ઞ ચાલુ જ છે. તેજસ્વી વિદ્યાર્થીઓને મેટીના નામથી સ્કોલરશિપ આપવામાં આવે છે. અનેક એવોર્ડથી સન્માનિત તેની કવિતાઓ ઉપરાંત તેણે લખેલા નિબંધો અને ટૂંકી વાર્તાઓ શાળાઓમાં ભણાવાય છે. સમાજોપયોગી કાર્યો કરનારા લોકોને ‘મેટી સ્ટેપનેક એવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૭થી ૧૭ જુલાઈનો દિવસ ‘મેટી સ્ટેપનેક ડે’ તરીકે ઉજવાય છે અને એ દિવસે તેના માનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાય છે. ૨૦૦૮માં મેટીની યાદમાં રોકવિલેમાં ૨૬ એકરનો એક વિશાળ બગીચો બનાવવામાં આવ્યો જેમાં તેની કાંસાની પ્રતિમા મૂકવામાં આવી હતી. જેનીએ મેટીનો જીવનવૃતાંત કહેતું પુસ્તક ‘મેસેન્જર’ લખ્યું છે જે ખૂબ સફળ થયું છે. ચૌદ વર્ષની જિંદગી જીવી અમરત્વ મેળવી જનાર મેટી સ્ટેપનેકને સલામ…