સાત લઘુકથા સંગ્રહ -૧
સ્વાતિ શાહ
swatimshah@gmail.com
9429893871
હાઉસ હસબન્ડ -
સીમા અને દેવાંગ વર્ષો થી અમેરિકા રહે , સીમા એક સારી ફર્મ માં સી ઈ ઓ ની પોસ્ટ પર. . બે બાળકો અને એમનું સુખી કુટુંબ .હવે બાળકો આવ્યા પછી નોકરી , ઘર , બાળકો નું શું ? દેવાંગ એક કંપની માં એકાઉન્ટ્સ ખાતા માં નોકરી કરતો , સીમા એ દેવાંગ ને સમજાવ્યો કે એની સીઈ ઓ ની જોબ ન છોડાય , દેવાંગ ને પણ સીમાની વાત એકદમ યોગ્ય લાગી. અમેરિકામાં એક સી .ઈ.ઓ .ની જોબ અને એકાઉન્ટસ ની જોબના પેકેજ માં ઘણો મોટો ફરક .બંને જણા એ સહમતિથી નક્કી કર્યું કે સીમા જોબ કરે અને દેવાંગ ઘર અને બાળ ઉછેરનું .આનંદમાં દિવસો પસાર થતાં .
અનિલ અને શૈલી ભારત થી થોડાદિવસ અમેરિકાની ટુર પર ગયા હતાં . અંગત મિત્ર ગામ માં આવે અને પોતાને ઘરે ન રોકાય !!દેવાંગે અનિલ અને શૈલીને ખુબ આગ્રહ કરીને પોતાને ત્યાં રહેવા બોલાવ્યા .બંને મિત્રો મળ્યાં નો આનંદ ....સીમાને તો ઘડિયાળ ને કાંટે જીવન . એક દિવસ દેવાંગ હસતાં બોલ્યો , " યુનો અમારે ઘરે હું હાઉસ હસબન્ડ , આ બધો આરામ સીમા નાં પ્રતાપે . આપણે કોઈ પુરુષાર્થ નથી કર્યો .આપણે તો ઘર ભલું અને બાળકો.આ બધો તો સીમાનો સ્ત્રીઆર્થ છે . "
શૈલી તુરંત બોલી ," આતો સીમાભાભી નો સ્ત્રીઆર્થ અને તમારી સાચી સમજણ કહેવાય , જે આજે ખીલી ને સૌને આરામ ની ઊંઘ આપે છે . ખરેખર જ્યાં આવી સમજણ હોય ત્યાં જીવન સરળ બને છે .. જ્યાં સ્ત્રીઆર્થ પણ જોડાયેલો હોય ત્યાં સર્વનું જીવન સુખમય રહે છે ....
કોણ બળે ?
ઉનાળાનો ધોમધખતો તાપ ,નાથુ રસ્તાની બાજુ પરની ફૂટપાથ પર બાંધેલી તાડપત્રી ઉપર પડેલા કાણા ને લુગડે ઢાંકતા પરસેવે રેબઝેબ થઇ ગયો
.
રોટલો ઘડતા પશી બોલી ," નાથુ આજે દાંડીએ ના જા , જોને આ પહેલાં પોર થી જ સુરજ કેવો ધખે છે ! " નાથુ કહે ," અરે ગાંડી , બેમાંથી એક ને તો બળવું જ પડશે , કાં શરીર ને કાં આ પેટ ને . હઉં નાં પેટ થોડા બળાય . આ સોકરા હામુ તો જો તેમના પેટ બળે કેમ જીવાય મુવુ આ શરીર બાળ્યાનું હું વિચારવું ! તું સેને જરા તારી જાત હમભાલજે , આ બહુ તયડ્કે ના જઈશ હોં .... "
મજુર દિન
આજ મજુર દિને સ્ટેજ પર વારાફરથી બધાં મજુરોને તેમની પત્ની ને સાથે બોલાવી શેઠે તેઓનું મંત્રીશ્રી નાં હાથે સન્માન કરવાનું જાહેર કર્યું . આદેશ મુજબ કાળુ પણ ધનીને લઇ કારખાના ના પ્રાંગણમાં પહોંચી ગયો.
મેનેજર નામ પ્રમાણે બોલાવતા ગયાં અને મંત્રીશ્રીનાં હાથમાં સેનીટાઈઝર આપતાં ગયાં. જેવો કાળુનો વારો આવ્યો ને ધની પોતાના સાડલાથી નાક ઢાંકતા સ્ટેજ પર જવા આગળ વધી .મેનેજરે આમ નાક બંધ કરી જવાનું કારણ પૂછતાં ધની તાડૂકી ને બોલી ," મુઆ , આ શેઠ નાં અત્તર ની વાસ મારો દિ બગાડે સે , પછ આખો દિ આમુઈ છીંકો મન અધમુઈ કરસ ....
શું ભગવાન ખાશે ???
હું મારી ત્રણ વર્ષ ની દીકરીને લઇ પ્રખ્યાત મંદિરમાં પૂજા કરવા ગઈ .મંદિરની પરિસર બહાર ઘણાં લોકો ખાવાનું માંગતા બેઠાં હતાં .કોઈની બુમ હતી ,”બે દિવસથી ખાધું નથી કઈ ખાવાનું આપો .તો વળી કોઈની માંગ હતી ભાઈ મારું છોકરું દૂધ વગરનું છે થોડું દૂધ લઇ દો ...”
પૂજા કરવાની લાંબી લાઈન જોઈ પૂજા કરવા જવાનો તો પ્રશ્ન જ નહોતો . માંડ આગળ વધી દર્શન કર્યા . વચ્ચે લોકો વિધિ કરતાં પાટલા ઢાળી બેઠા હતા . દીકરીને પૂજાની હોંશ પણ ભીડ માં હેબતાઈ ગયી . મેં કહ્યું આજુબાજુ નાં દેરા માં પૂજા કરી લઈએ . વચ્ચે બેસેલા લોકો ને વટાવી તે વિધિ પણ પતાવી .
દીકરી તો ક્રિયા કરતા લોકોને જોયા જ કરે . બહાર નીકળતાં મને કહે ,"હે ,મા આ લોકો આ મીઠાઈ ચોખા વગેરે થી આ બધું કરે છે તે શું ભગવાન માટે ? ભગવાન આ મૂર્તિ માંથી બહાર આવી આ બધું ક્યારે ખાશે ? " હું દિગ્મૂઢ થઇ એના સવાલ ઉપર માથું નમાવી ગઈ ....
ઘેટાં ગણ :-
સીમા નો આખો દિવસ દોડધામ માં જતો , એકબાજુ નાના વિપુલ ને તૈયાર કરી શાળા એ મોકલવાનો ને બીજી બાજુ સાસુ ની પુજાની થાળી તૈયાર કરવાની . ત્યાં તો પતિ નિલેશ ની બૂમ આવીજ હોય ,"નાસ્તો તૈયાર છે ?" બધું કામ જાણે ઘડીયાળ ને કાંટે .
રસોઈ ,ટિફીન બધું પતાવી માંડે દોટ ઓફીસ ભણી ,સાંજે પાછું એ જ ચક્કર. દિવસે બધાની ખુશી સાચવી રાતે નિલેશ ને ખુશ કરી પોતાની ઊંઘ માટે તડપે .એક દિવસ થાક ના માર્યાં ઊંઘ નહોતી આવતી તો કરાંહ તી બોલી ," હે રામ , હે રામ " સાંભળતા જ નિલેશ બોલી ઉઠ્યો ," આ શું હે રામ માંડ્યું છે ! અત્યારે એને તો જપવા દે , ઊંઘ ના આવે તો ઘેટાં ગણ ." સીમા બબડી ," ઘેટા જેવી હું દહ્ડો વિતાવું છું તે વળી રાત પડે પાછા એ જ ઘેટાં .... "
અને મેં મૃત્યુ ને નજીક થી જોયું ...
પપ્પાની માંદગી દરમ્યાન અનેકવાર મૃત્યુ વિશે વિચાર આવતાં ,શરીર માંથી એક ભય ની લહેર પસાર થઇ જતી , પણ સાથે સાથે એક પ્રકારની જીજ્ઞાસા એ જન્મ લીધો . ભગવાન ને કહેતી કે એવું શું છે મૃત્યુ માં કે જેનો ડર લાગે ? ભગવાને પણ વાત સાંભળી .....પપ્પાની બાજુમાં મારો એક હાથ તેમનાં હાથમાં અને બીજો તેમની છાતી ઉપર રાખી ને હું પ્રેમથી બેઠી હતી .... અને બસ ,તેમણે પણ નહિ અનુભવ્યો હોય તે છેલ્લો શ્વાસ મેં અનુભવ્યો ... ને તેમનો આત્મા દેહ છોડી મારાં હાથ માંથી સરી ગયો સાથે મારા
મોમાં થી શબ્દો સરી ગયાં ..." પપ્પા ગયાં " ..
ભગવાને મારી જ સાથે એવું કેમ કર્યું તે ખબર નથી પણ હજી તો એ સ્પર્શ પર સમયનું આવરણ ચઢે તે પહેલાં , સાત મહિના પછી હોસ્પીટલમાં મમ્મીને ખાટલે ઉભેલી હું , ફરી એજ રીતે દેહમાંથી આત્માને સરી
જતાં અનુભવું અને એજ ઉદગાર નીકળે છે ... "મમ્મી ગઈ " ...
પહેલા તો મૃત્યુ શબ્દ થીજ એક ભય લાગતો હતો , પણ જ્યારે પપ્પા અને મમ્મી નાં મૃત્યુ ને નજીક થી જોયું ત્યારે મૃત્યુમાં પણ એક ભવ્યતા રહી છે તેનો અનુભવ થયો .છેલ્લો શ્વાસ દેહમાંથી ગયો છતાં બંનેના ચહેરા પર જે ભવ્યતા જોઈ તે આજે પણ નજર સમક્ષ આવે છે . મૃત્યુની મહાનતા સમજાય છે અને મૃત્યુ તરફ નો ભય આત્માની ભવ્યતામાં ફેરવાઈ ગયો .
ધનુ મા ના શકન !!!
"અરે વેવાઈ છો કે !!! " નાં ટહુકા સાથે ધનુ મા ગણેશ ને ત્યાં પહોચ્યાં . પાણીનો કળશ્યો ગટગટાવી જરાક હાંફ ઉતરતા કાળો સાડલો માથે સરખો કરતાં ધનુ મા એ પૂછ્યું ," કેમ આજ હજી પંચ નથ આવ્યું ? હુંય બળી ઘેલી વહેલી દોડી આવી . આજ તો લગન નો દી નક્કી કરીને જાઉં , મુઈ મને પણ તૈયારી નો ટેમ મળે . આમ એકલે હાથે તૈયારી કરવાની છ તે , આજ આ છગનીયા નાં બાપા આમ બધું મારા માથે મેલી ને સરગે ના ગયા હોત તો મારે લમણા ના લેવા પડત . ત્યાંતો રાધાએ એનાં બાપુ ને બાજુ માં બોલાવી કીધું " બાપુ , મારા લગન છગનીયા હારે કરો એનો કોઈ વાંધો નહિ . પણ મારી એક સરત છે ! " રાધા નાં બાપુ ગણેશ તો વિચારમાં પડ્યા
" છોરી તું વળી શું સરત મુકવાની ? છોકરીની જાત ને પાછી પૈણવા માટે સરત !!! " "અરે બાપુ , આમ ડઘાઈ ના જાવ , મારી સરત તો એટલી જ છે કે ધનુ મા એમનાં હાથે પોંખીને મને ઘરે લઇ જાય ને એમનો હાથ મારા માથે મોડ મેલે ને લગન જીવન સુખે માંડું . હું કોઈ શકન અપશકન ના જાણું " . મુંઝાયેલા ગણેશે પંચ આવ્યું ને ધનુ મા આગળ રાધાની સરત ની રજુઆત કરી . નાની ઉંમરે વિધવા થયેલ ધનુ મા આખી વાત સ્વસ્થતાથી સાંભળી ભીની આંખે બોલી ઉઠ્યા ," ધન છે મારી રાધાને , વેવાઈ હવે ઘડિયા લગન લો , છોરી લેવા આવું સુ . "