Dhak Dhak Girl - Part - 16 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ -ભાગ ૧૬

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ -ભાગ ૧૬

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧૬]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

સાંજે મારી પ્રેયસી ધડકનના ઘરે જવાનું મને આમંત્રણ હતું તો બપોર આખી તે જ બધાં વિચારોમાં ગરકાવ રહ્યો કે તેનાં પેરેન્ટ્સનો સ્વભાવ કેવો હશે. તેમને ઈમ્પ્રેસ કરવા શું કરવું જોઈએ. મારા કોઈ પણ વર્તનમાં આછકલાઈ ન છલકાવી જોઈએ જેનાથી મારી કોઈ ઉંધી છાપ પડે કે હું તેમની છોકરીને ફસાવવાની કોશિષ કરી રહ્યો છું. આમે ય તે અમારાં બંને વચ્ચેનો ઉમર ફરક કંઇક જ વધુ કહી શકાય તેવો હતો, સમજોને કે પાંચ વર્ષનો, તો તેની છોકરમત એકવાર માટે મારાં પેરેન્ટ્સ ચલાવી લે, પણ મારી બાલીશતા તેનાં માબાપને ચોક્કસ જ કઠે, એટલે બને એટલો સિમ્પલ અને સોબર ડ્રેસિંગ-કોડ રાખવો જ હિતાવહ હતો.
ટીશર્ટ અને જીન્સની બદલે ઓફિસમાં પહેરતો હોઉં તેવા ફોર્મલ શર્ટ-પેન્ટ જ પહેરીને જવાનું નક્કી કર્યું પણ કોઈના ઘરે આજ સુધી આવા ફોર્મલ કપડાં પહેરીને હું ભાગ્યે જ જતો હોવાથી એ આઈડિયા મને બહુ જચ્યો નહીં. આખરે ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલનો યલ્લો કલરનો ખાદી-સિલ્કનો કુરતો અને તેની નીચે જેટ-બ્લેક કલરનું કોટન ટ્રાઉઝર ચડાવીને હું અરીસામાં મારી જાતને ચકાસતો હતો કે મારી મમ્મી અચરજ પામીને બોલી-

"આ શું? અત્યારે સાંજે આવું ટ્રેડીશનલ પહેરીને ક્યાં ચાલ્યો?"

"એક ફ્રેન્ડના ઘરે પૂજા છે મમ્મી, તો બોલાવ્યો છે." -આવો કોઈક સવાલ અપેક્ષિત તો હતો જ એટલે તૈયાર હતો તે જવાબ મેં આપી દીધો

"તારા દોસ્તારો બધા સાવ સુગરા જ છે કે? પાર્ટી-ફાર્ટીમાં ચાલો ઠીક છે કે તમે બધા જુવાનીયાઓ જ ભેગા થાઓ તે સમજાય, પણ ઘરે પૂજા હોય તો ય દોસ્તોનાં ઘરવાળાઓને બોલાવવાનું ન સુઝે કે તેમને?”
મમ્મીની વાત પરથી લાગ્યું કે તેને ભેગું આવવું હતું અને મને તો જાણે પસીનો છૂટી આવ્યો.

.

આમે ય આખો દિવસ ઘરે બેઠા બેઠા તે કોઈ દિવસ બોર થઇ જતી તો મને કહેતી કે -"ચાલને તન્મય કોઈ સારું પિક્ચર લાગ્યું હોય તો જોઈ આવીએ. આ તારા પપ્પા તો જાણે કે સાવ સન્યાસ જ લઇ લીધો હોય તેમ કોઈ શોખ જ નથી બચ્યો. આ તું આવીશ તો આપણા બંને સાથે કદાચ એમને ખેંચી જવાય."

આમ કદાચ આજે પણ મમ્મીનો એવો જ કોઈક મુડ હશે કે દેવ-પૂજાનું નામ સાંભળીને તેણે મને આ ટોણો માર્યો કે જે સાંભળીને મારાં તો ગાત્રો જ ઢીલા પડી ગયા.

.

"અરે એવું નથી મમ્મી, -મેં મારા દોસ્તારોનો પક્ષ તાણ્યો- "મેરીડ ફ્રેન્ડ હોય તે તો પોતાની વાઈફને લઈને જ આવવાના છે, પણ મારાં મેરેજની તો તને જાણે કે કોઈ ફિકર જ નથી, તો જો, મારે તો સાવ લુખ્ખા લુખ્ખા જ જવું પડે છે" -મેં તેની પર બધું ઢોળીને વાત બદલવાનો મરણીયો પ્રયાસ કર્યો.

"તો મેં ક્યારે તને પરણવાની ના પાડી છે ગધેડા..મારા પર ખોટું આળ ન લાવીશ. આ રોજ સવારે તારું ટીફીન બનાવી બનાવીને હું તો થાકી હવે. મારો પીછો છોડાવ એમાંથી.”

"તે મમ્મી," -મેં મારા નવાનક્કોર કોલ્હાપુરી ચપ્પલ પહેરતાં પહેરતાં તેની ટીખળી કરતાં કહ્યું- "એ જે છોકરી તારી વહુ બનીને આવશે તે ભણેલીગણેલી ને નોકરી કરતી જ આવશે તો મારા એકલાનાં ટીફીનની ક્યાં વાત કરે છે, તેનું ય તારે જ બનાવવું પડશે."

"હા હા હવે, બહુ શાણપટ્ટી નહીં કર, ચલ ભાગ અહીંથી જા. તારા ગોઠિયાઓ વાટ જોતા હશે તારી જા." -મમ્મી છણકો કરતા બોલી.

"બાય મમ્મી," -હસતાં હસતાં હું બોલ્યો- "રાતનું મારું જમવાનું નહીં બનાવતી." -કહેતો હું બને તેટલો જલ્દી ત્યાંથી સરકી ગયો. આ મમ્મીઓને પટાવવી કેટલી સહેલી હોય છે તે વાતથી હું પોરસાતો જ હતો કે તરત જ એક વિચાર આવી ગયો કે ધડકન જેવી નોન-ગુજરાતી છોકરીને વહુ બનાવવાની વાત જયારે આવશે ત્યારે શું થશે? ત્યારે તો તેને પટાવવાનું કામ આટલું સહેલું નહીં જ હોય તેની ખાતરી છે.
એકએક આવેલા આ વીચારને કારણે બાઈકનું હેન્ડલ પકડતા પકડતા હું થંભી ગયો. પણ તે બધા વિચારો મગજમાં લાવીને મારો ખુશનુમા મૂડ મારે ત્યારે ખરાબ નહોતો કરવો, એટલે તે વિચારને ખંખેરવાની કોશિષમાં મેં જોરથી માથું ધુણાવ્યું અને બાઈકને કીક મારી. અને બસ..અડધા કલાક પછી હું ધડકનનાં ઘરને દરવાજે ઉભો હતો.

.

તેની મમ્મીએ જ દરવાજો ઉઘાડ્યો. ધડકનની મમ્મી એટલે ટીપીકલ પંજાબી લેડી જ જોઈ લો. ગુલાબી રંગનો પંજાબી કુરતો, કાનમાં મોટી મોટી બંગડીની સાઈઝની એરીન્ગ્સ, સાફ ગોરો વાન, શરીર પર ઓછામાં ઓછું દસ કિલો જેટલું એક્સ્ટ્રા માંસ.. આ બધું જ તેને એક ખાધેપીધે સુખી એવા પંજાબી ઘરની ગૃહિણી તરીકે સર્ટિફાઈ કરતું હતું.

.

"હાય તન્મય, આ પુત્તર આ." -મને જોતા જ તે એ રીતે બોલી પડી કે મારે મારી કોઈ ઓળખ દેવાની જરૂર જ ન પડી.

"હાય આંટી," -કરતો હું ઘરમાં પ્રવેશ્યો અને સોફા પર બેસતા બેસતા પૂછ્યું -"ધડકન હૈ ના ઘર મેં?"

"હૈ ના...બેઠી છે તેના બોયફ્રેન્ડની સાથે તેનાં બેડરૂમમાં. ઠહર જા બોલાવી લાવું." -તેની મમ્મી એકદમ કેઝ્યુઅલી જ બોલી, પણ મને તો એક આંચકો જ લાગ્યો.

"કોની સાથે?" -હું લગભગ સોફા પરથી ઉભો જ થઇ ગયો. પણ એટલામાં તો ધડકન તેની રૂમમાંથી બહાર આવી.

"હેય તન્મય, વેલકમ હોમ." -તે ચહેકીને બોલી, ને તેની મમ્મી અંદર રસોડામાં ચાલી ગઈ.

પટકન જ ધડકન મારી સાવ લગોલગ આવીને મારા કાનમાં ધીમેથી પૂછ્યું -હાઉ ઈઝ યોર મધર ઇન લૉ?"

"મધર ઇન લૉની વાત પછી, તે પહેલા તું મને એ કહે કે બેડરૂમમાં કોની સાથે હતી તું?"

"કોની સાથે એટલે? આકાશ, મારો બોયફ્રેન્ડ.." -મોઢું ભારમાં રાખીને ધડકન બોલી.

"આ..આ બધું ચાલી શું રહ્યું છે? તારો બોયફ્રેન્ડ હું છું ને? તો પછી?"

એટલામાં તો ધડકને આકાશનાં નામની હાક મારી અને અંદરથી પાંચ-છ વર્ષનો એક ટાબરિયો બહાર આવીને અમારાથી થોડે દુર ઉભો રહી ગયો.

"મીટ આકાશ, આવર નેબર એન્ડ માય બોયફ્રેન્ડ" -આકાશની બાજુમાં જઈને તેનાં ગાલ પર પોતાનાં હોઠ ટેકવતા ધડકન બોલી.

"વ્વા ..તમારે ત્યાં બોયફ્રેન્ડ્સને આ બધું પણ મળે છે કે?" -મેં મારા હોઠ પર આંગળી ફેરવતા ફેરવતા સામે મજાક કરી જે સાંભળીને ધડકને પોતાની મોટી મોટી આંખો હજુયે વધુ પહોળી કરીને મારી સામે જોયું.

"હું પણ તારો બોયફ્રેન્ડ ને? તો મને નહીં મળે કે?" -શક્ય એટલા ધીમા અવાજે મારી આંખોમાં મસ્તી ભરતા ભરતા મેં પૂછ્યું.

"નાઆઆ.." -ધડકન પોતાનાં હોઠનો ચંબુ બનાવતા બોલી.

મેં મારા બંને હાથ જોડીને પ્લીઝ બોલતો હોઉં તેમ ફક્ત હોઠ જ હલાવ્યા.
કિચનમાંથી વાસણોનો અવાજ આવી રહ્યો હતો. ધડકન શક્ય એટલા જોસ્રથી પોતાનું માથું ધુણાવીને ના પાડતી હતી તેને લીધે ખુલ્લા મુકેલા તેના કેશ ડાબેથી જમણે ને જમણે થી ડાબે ઉડી રહ્યા હતા.

વૈતાગીને હું સોફા પરથી ઉઠીને ધડકનની નજીક જતો જ હતો કે એટલામાં અમારા થવાવાળા સાસુમા હાથમાં આલું-પરોઠાં અને બટરના બાઉલ્સ લઈને રસોડામાંથી બહાર આવી ગયા.

તેમનાં અચાનક આગમનથી હવે શું અને કેમ કરવું મને કંઈ જ ન સમજાયું એટલે પટક્ન સેન્ટર ટેબલ પર પડેલા મેગેઝીન્સ ઉપાડીને હું ફરીથી સોફા પર આવીને બેસી ગયો.

"ત્ચ ત્ચ ત્ચ ત્ચ.." -ધડકન ધીમેથી મારી સામે જોઇને ફૂસફૂસી- "પુઅર બોય..!"

ટેબલ પર પ્લેટ ગોઠવીને સાસુબાઈ ફરીથી અંદર ચાલ્યા ગયા.

"વ્હુમમ્મ્મ..." -હાથમાં વિમાન લઈને પેલો ટાબરિયો આકાશ હૉલમાં રમવા લાગ્યો હતો. ધડકને તેને પોતાની બાજુમાં બોલાવી તેના ગાલ પર એક કીસ્સ કરીને પોતાના કેશ એક હાથે પાછળની બાજુએ કરતાં કરતાં તેનાં કાનમાં કંઇક બોલી.

મને ખુબ ધરપડ ધરપડ થવા લાગ્યું. તેનો ખરો બોયફ્રેન્ડ અહિયાં તરફડતો બેઠો છે ને પેલા બીજા જુનિયરને એક પછી એક કીસ્સ મળતી જતી હતી અને તે પણ વગર માંગે.

"વ્હુમમ્મ્મ..." -જુનીયરનું પ્લેન ફરીથી શરુ થયું. આખા હૉલમાં એક ફેરો મારીને તે મારી બાજુમાં આવ્યો અને આંગળી હલાવી મને નીચે ઝુકવાનો ઈશારો કર્યો. મને એમ કે તેને મારા કાનમાં કંઇક કહેવું છે એટલે હું નીચે ઝૂક્યો કે તરત જ તેણે મારા ગાલ પર એક ચૂમી ભરીને ફરીથી પોતાના પ્લેનથી રમતો અહીંથી તહીં દોડવા લાગ્યો.

"હેપી?" -ધડકને દુરથી જ મને ઈશારો કરીને પૂછ્યું.

"આ આવું?" બીજા પાસેથી મળે તેનો શું ફાયદો?" -નિરાશ ચહેરા સાથે મેં હાથ હવામાં ઉડાવ્યો અને ટેબલ પરથી પ્લેટ ઉપાડીને ખાવાની શરૂઆત કરી.

.

સાસુમા આજે પીરસતાં અટકવાના કોઈ જ મૂડમાં નહોતા. એક પછી એક ગરમાગરમ પરોઠું પ્લેટમાં પડતું જ જતું હતું.

"આંટી પ્લીઝ.. સચ્ચી. અબ બસ..” -હું સોફા પરથી ઉઠતાં બોલ્યો.

"વૉટ ઈઝ ધીઝ પુત્તર? યુ ઓન્લી હૅડ થ્રી. હૅવ સમ મોર.." -એમ કહીને તેણે હજુ એક પરોઠો અને તેની સાથે બટરનો એક મોટો લથ્થો મારી પ્લેટમાં પીરસી દીધો.

"યાર..હજી કેટલું ખાવાનું મારે? મતલબ કે તારી મમ્મી હવે બસ ક્યારે કરવાની છે?"

"અંમમ..કમઑન છ તો પુરા કરવા જ જોઇશે તારે.." -મોઢા પર હાથ દબાવીને હસતાં હસતાં ધડકન બોલી.

"તું યાર રોજેરોજ આટલું બટર ખાઈ ખાઈને પણ આવી મસ્ત સ્લીમ કેવી રીતે રહી શકે છે?" -મેં અચંબાથી પૂછ્યું.

"કોને ખબર.." -તેણે બસ તેનાં ખભા ઉલાળ્યા.

"આંટી.. નો મોર પ્લીઝ. આયે'મ ડન." -જેમ તેમ કરીને પ્લેટમાંનું પરોઠું પૂરું કરીને મેં જોરથી હાક મારીને તેમને કહ્યું.

કદાચ તેમને મારી દયા આવી હશે, કારણ થોડી જ વારમાં તેઓ ખાલી હાથે બહાર આવ્યા અને પ્લેટસ વગેરે ઉંચકીને પાછા રસોડામાં ચાલ્યા ગયા.

ધડકનની મમ્મી આમ દેખાવમાં એકદમ જ સ્માર્ટ હતી.. વિધાઉટ ધૅટ એક્સ્ટ્રા ફૅટ્સ તેનાં અર્લી થર્ટીઝમાં તે એકદમ રૅવીશિંગ દેખાતી હશે. ચાળીસી વટાવ્યા બાદ મારી ધડકન પણ આવી જ દેખાશે કે? ઓર શી વીલ કૅરી હર ગ્રેસ થ્રુઆઉટ.? -મનમાં એક વિચાર આવી ગયો. અને એટલામાં જ તેની મમ્મી લસ્સીનો એક મોટ્ટો ગ્લાસ લઈને બહાર આવી.

મેં એક ઊંડો શ્વાસ લીધો- "નૉટ અગેઇન"

હવે આ લસ્સીના મારે કેટલા ગ્લાસ પીવાનાં છે -હું પૂછવાનો જ હતો કે એટલામાં જ ફોનની રીંગ વાગી એટલે આંટી ટેબલ પર ગ્લાસ મુકીને અંદર ચાલ્યા ગયા ને હેલ્પલેસલી હું તે ગ્લાસની સામે જોતો રહ્યો.

"યુ વૉન્ટ મી ટુ હેલ્પ?" -ગ્લાસ સામે મારો દયામણો ચહેરો જોઈને ધડકને મને પૂછ્યું.

"એન્ડ હાઉ આર યુ ગોઇંગ ટુ હેલ્પ મી વિથ ધીસ?" -ગ્લાસ ઉંચકતા મેં સામે પૂછ્યું.

ધડકને આજુબાજુ જોયું. મમ્મીનો ફોન પરનો અવાજ બહાર સંભળાતો હતો. ધડકન મારી બાજુમાં આવી મારા હાથમાંથી ગ્લાસ લઇ એક જ ઘૂંટડામાં તેને અડધો ખાલી કરી, પટકન સામે ટેબલ પર મૂકી દીધો ને ડાહીડમરી છોકરીની જેમ પોતાની જગા પર જઈને બેસી ગઈ.

ગ્લાસના કિનારે ચોંટેલી લસ્સી ધીમે ધીમે નીચે તળિયા તરફ સરકતી ચાલી અને ધડકનની લીપ્સ્ટીકના આછા આછા નિશાનો ગ્લાસના કાંઠા પર ઉમટી આવ્યા.

મેં મારા હોઠ ગ્લાસની તે જગા પર લગાવ્યા. ધડકન પોતાના કપાળ પર હાથ મુકીને માથું ધૂણાવતા ના પાડતી રહી, પણ તેને ગણકાર્યા વગર એક જ દમમાં મેં બધી લસ્સી પૂરી કરી નાખી. ફોન પત્યો એટલે આંટી પાછા બહાર આવ્યા.

"આંટી, લસ્સી બહુ મસ્ત હતી." -મેં ધડકન તરફ અર્થપૂર્ણ કટાક્ષ કરતાં કહ્યું.

"ભાવી ને?"

"હા, અને મને મીઠી મીઠી વસ્તુ આમેય બહુ ફાવે."

"અરે મગર પુત્તર.. આ તો મેં સૉલ્ટવાળી બનાવી હતી. મીઠી ક્યાંથી લાગી તને?" -આંટી કન્ફયુઝ્ડ થઇ ગયા અને તેમાંથી વધુ કન્ફ્યુઝ્ડ તો હું થઇ ગયો કે આનો જવાબ શું આપવો. તેને એમ તો ન જ કહી શકું કે તેમની દીકરીના હોઠના સ્પર્શથી તે મીઠાવળી લસ્સી પણ મને ગુલાબપાક જેવી મીઠી મીઠી લાગી હતી. આ દરમ્યાન ધડકન પોતાનું હસવું રોકી શકતી નહોતી. મારું ખિસીયાણું મોઢું જોઇને આંટીને લાગ્યું જ કે મેં બોલવામાં કંઇક લોચો માર્યો છે એટલે તરત જ તેમણે વાત બદલી નાખી ને બાકીની પંદર વીસ મીનીટો અમે જનરલ વાતો જ કરી કે મારા ઘરમાં કોણ કોણ છે ને ક્યાં જોબ કરું છું ને એવું બધું.

“ઓકે આંટી, હું નીકળું હવે. ફરીથી આવીશ કોઈક દિવસ." -ઘડિયાળમાં નવ વાગ્યા એટલે જવા માટે ઉભો થતાં હું બોલ્યો.

"શ્યોર બેટા, જરૂર આના. નેક્સ્ટ ટાઈમ સરસોં કા સાગ બનાઉન્ગી."

મમ્મીની પાછળ ઉભી ઉભી ધડકન પોતાનું માથું ઊંચું નીચું કરીને ઇશારાથી મને કંઇક કહી રહી હતી. કેટલીય વાર પછી મને સમજાયું કે તે શું કહેવા માંગે છે એટલે તરત જ નીચો નમીને હું સાસુમાને પગે લાગ્યો.

"જીતે રેહ પુત્તર.." -મારી પીઠ પર હાથ મુકતાં તેઓએ મને આશીર્વાદ આપ્યો. ને શુઝ પહેરીને હું નીચે ઉતર્યો તો દાદરે જામ અંધારું હતું.

"સમ્હલ કે જાના બેટા.. લાઈટ્સ આર ઑફ." -તેમનો અવાજ મારા કાને પડ્યો પણ તે દરમ્યાન હું ત્રણ ચાર દાદરા તો ઉતરી પણ ચુક્યો હતો.
આગળ જતા અંધારું ગાઢ થતું ચાલ્યું. હવે આજુ બાજુ સર્વત્ર જ અંધકારનું સામ્રાજ્ય હતું. મારા માટે તે દાદરો સાવ નવો જ હોવાથી મને પાયરીઓનો અંદાજો પણ નહોતો આવતો તો ભીંત અને કઠેડાનો સહારો લઈને હું એક એક પાયરી ધીમે ધીમે ઉતરતો હતો કે એટલામાં જ મારા હાથને બીજા એક હુંફાળા હાથનો સ્પર્શ થયો. મને તરત જ ખ્યાલ આવી ગયો કે પાછળથી આવીને ધડકને મારો ભીંત પરનો હાથ છોડાવીને પોતાનાં હાથમાં લઇ લીધો હતો. તેની આંગળીઓ હવે મારી આંગળીઓમાં ગૂંથાઈ ગઈ હતી. તેનો હાથ ધ્રુજતો હતો અને તેનો ગરમ શ્વાસોઉછ્શ્વાસ મારી ડોક પર અથડાતો હતો. તેનું મન ના ઓળખી શકું એટલો મૂરખ તો હું નહોતો જ.

હું પાછળ ફર્યો અને તેને મેં મારા ગાઢ આશ્લેષમાં લઇ લીધી. તેનો ચહેરો મારા ચહેરાની બિલકુલ સમીપ હતો. રસ્તા પર અચાનક આવીને ઉભી રહી ગયેલી કોઈક કારની હેડલાઈટ્સનો આછેરો પ્રકાશ તેના ચહેરા પર પડ્યો અને પછી ત્યાં જ અટકી ગયો. તેની આંખો બંધ હતી. તેના સિલ્કી સ્મૂથ વાળ તેનાં ચહેરા પર અસ્તવ્યસ્ત લહેરાઈ ગયા હતા. જોર જોરથી ચાલતા તેના ઊંડા શ્વાસને કારણે તેના ગળામાંનું પેન્ડેન્ટ ઝડપથી ઊંચુંનીચું થતું હતું.
પળવાર માટે તો મને લાગ્યું કે આદિકાળમાં જયારે આદમે તેની ઈવને કોઈક અંધારી ગુફામાં પહેલીવાર જોઈ હશે ત્યારે તેને તે ઈવ કદાચ આવી જ.. આટલી જ સુંદર લાગી હશે.. પેલું સફરજન તો ખેર કોઈક નિમિત્ત જ હશે..અને નાહકનું બદનામ થઇ ગયું હશે.
હળવા જ હાથે મેં તેના ચહેરા પર વીખરાયેલા તેના કેશને તેનાં કાન પાછળ ધકેલ્યા. ધડકનના શરીરની સાવ જ થોડી એવી હિલચાલ તેનાં બદનમાં ઉમટેલા રોમાંચની જ નિશાની હતી..એક સંકેત હતો.
ખુબ જ ઉન્મત્ત પળો હતી તે. ધડકનનાં ઘરથી અમે ફક્ત અમુક જ પાયરીઓ દુર હતા. તેનાં ઘરમાંથી કોઈ પણ બહાર આવી શકતું હતું કે પછી તેના ઘરે જવા માટે કોઈ પણ ઉપર દાદરો ચડી આવતા અમને જોઈ લીધા હોત. પણ અમને પ્રેમ-પંખીઓને તેની કોઈ જ પરવા નહોતી. શેનું પણ ભાન નહોતું અમને.
એક પળ પછી હું તેનાથી દુર થઇ ગયો અને તેને એકટશ નજરે નીરખવા લાગ્યો. કંઇક કહેવા માટે તેણે હોઠ ખોલ્યા જ હતા કે મેં તેનાં પર મારી આંગળી મૂકી દીધી.

"કુછ ના કહો, કુછ ભી ના કહો.
ક્યા કહેના હૈ, ક્યા સુનના હૈ,
મુજ કો પતા હૈ, તુમ કો પતા હૈ.
સમય કા યે પલ, થમ સા ગયા હૈ.
ઔર ઇસ પલ મેં, કોઈ નહીં હૈ
બસ એક મૈં હું, બસ એક તુમ હો.
કુછ ના કહો, કુછ ભી ના કહો."

નીચે ઉભેલી કારમાં વાગતું '૧૯૪૨-લવસ્ટોરી'નું આ ગીત પૂરું થતાં જ જાણે કે અમે હોશમાં આવ્યા. કેટલી પળો વીતી ગઈ હતી કોને ખબર.. એક મિનીટ કે પાંચ મિનીટ. પણ હું તો તે જ પળોમાં જીવી જવા માંગતો હતો. તેણે જે રીતે પોતાની જાતને મને સુપ્રત કરી દીધી હતી તે પળ ક્યારે ય ખૂટે નહીં તેવી જ ઈચ્છા હતી મારી...અને તેની સુદ્ધા !

.

બીજા દિવસે ઓફિસે ગયો તો બધાનો મૂડ સાવ વેગળો જ હતો. આટઆટલા દિવસની મહેનત અને ઉજાગરાઓ બાદ આખરે અમારો પ્રોજેક્ટ રીલીઝ થઇ ગયો હતો અને ખાસ બેંગલોરથી અમારા ડીરેક્ટર અમને મુબારકબાદી દેવા આવ્યા અને એક પૉશ રેસ્ટોરાંમાં પાર્ટી આપી. અમે બધા જ એક્સાઈટેડ હતા. પ્રોમોશન થશે કે પગાર-વધારો કે પછી બોનસ?
પાર્ટીમાં ડ્રીન્કસ, લાજવાબ સ્ટાર્ટર્સ, ડાન્સફ્લોર પર ધમાલમસ્તી, ડીજેનાં તાલ પર નાચવાનું ને પછી મેઈનકોર્સમાં સ્વાદિષ્ટ ડીનર પતાવીને બહાર ગાર્ડનમાં ડેઝર્ટનો કપ હાથમાં લઈને બધા ગપ્પા મારી રહ્યા હતા, કે ડીરેક્ટર સાહેબ આવ્યા અને સહુએ તેમને તાળીઓથી વેલકમ કર્યા.

એક નાના એવા ભાષણમાં તેમણે અમારી ટીમનાં થોડા વખાણ કર્યા ને પછી મેઈન મુદ્દા પર આવ્યા.અમારા એફર્ટસને બિરદાવવાની વાત આવી એટલે તેમણે પૂછ્યું-
"કઈ વસ્તુ ઓફિસમાં તમને બહુ હેરાન કરે છે?"

"મિટીન્ગ્સ, ક્લાએન્ટ્સના કૉલ્સ, અડધી રાતે મેનેજરનો ફોન.. એકધારા લોકલ ઓફિસેથી કે પછી બેંગ્લોર હેડઑફીસ અથવા સાતસમુદ્રપારથી આવતા મેસેજીસ ને ફોન-કૉલથી રણકતા રહેતા ને સતત કાને વળગેલા રહેતા ફોન..." -આવા બધા જ અમારા બધાનાં જવાબ હતા.

"ઠીક છે ઠીક છે. ઘણી વખત અમને પણ ખબર હોય છે કે તમારી ય પ્રાઈવેટ લાઈફ હોય છે પણ અમુક વખતે અમે નાઈલાજ હોઈએ છીએ. ગમે તેમ તો ય કસ્ટમર ઈઝ ધ કિંગ.. બરોબરને? પણ એટલે જ આ વખતે હું તમને એક અઠવાડિયા સુધી આ બધા ફોન-કૉલ્સની પીડાથી સાવ દુર લઇ જઈશ. એક પણ ફોન ત્યાં કોઈનો ય નહીં આવે. કમ્પની તમને પોતાના ખર્ચે ફ્લાઈટમાં સાત દિવસ સુધી કર્નાટક બોર્ડર પર આવેલા એવા એક ફોરેસ્ટ રિસોર્ટમાં લઇ જશે કે જ્યાં ફક્ત અને ફક્ત મસ્તી અને મજા જ હશે. બીજું કોઈ જ ડીસ્ટર્બન્સ નહીં હોય. મને ખબર છે તમને બધાને થોડો વખત ફક્ત તમારા પોતાના માટેનો જ જોઈએ છીએ એટલે ઑફીસ મેનેજર તો ઠીક સપોર્ટનો પણ કોઈ જ ફોન નહીં આવે.”

"સર, વાઈફ, ફ્રેન્ડસ, પેલા ક્રેડીટ-કાર્ડવાળા, ઇન્સ્યુરન્સવાળા, ટેલી-માર્કેટિંગ..કેટલાનાં ફોન અટકાવી શકશો.?

"બધા જ. કારણ આ રિસોર્ટમાં કોઈ જ ફોન-ઓપરેટરની રેંજ નથી આવતી. ટોટલી ફોરેસ્ટ એરિયામાં છે."

"પણ કોઈ ઈમરજન્સી મતલબ કે ઓફિસમાં કે પછી ઘરે કોઈ એવી જરૂર પડી તો?"

"ફિકર નૉટ. એમ તો રિસોર્ટમાં લેન્ડ-લાઈન ફોન તો છે જ. તે નમ્બર તમારા ઘરનાઓને આપી આવજો. બટ ઓન્લી ફોર ઈમરજન્સી. બાકી કોઈ જ કૉલ અલાઉડ નહીં હોય. ધ્યાન રહે હું બધા કૉલ્સ પર નજર રાખીશ."

બધાએ તાળીઓના ગડગડાટથી ડીરેક્ટરનો આ વિચાર વધાવી લીધો.

વાઉ.. કેટલો સુખદ વિચાર કહેવાય. એક વીક સુધી ટોટલી ફોન બંધ. બાકી તો જીવન આખું ફોન પર જ ચિટકેલા રહેતા હોઇએ છીએ. કોઈના ય બર્થડે પાર્ટીમાં ગયા હોય, મુવીમાં કે ડીનર પર, કોઈ ગેટટુગેધર હોય, જ્યાં હોઈએ ત્યાં જેવો ફોન આવ્યો કે બધું છોડીને ટ્રબલ-શુટિંગ ચાલુ. એટલે હવે આવું એક અઠવાડિયું બધા માટે તો જબરદસ્ત રાહત હતી, પણ મારા માટે કે જે નવો નવો પ્રેમમાં પડ્યો હોય તેનું શું? જેનાં વગર એક ક્ષણ પણ રહી ન શકાતું હોય.. લવર સાથે ફોનથી કોન્ટેક્ટ થતો હોય તો ય દુરી વર્તાતી હોય તેણે સાત દિવસ સાવ એકલા જ રહેવાનું..?

હું માથું પકડીને બેસી ગયો. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..