Power outni pralaylipi in Gujarati Magazine by Madhu rye Thaker books and stories PDF | પાવર આઉટની પ્રલયલિપિ

Featured Books
Categories
Share

પાવર આઉટની પ્રલયલિપિ

નીલે ગગન કે તલે / મધુ રાય

પાવર આઉટની પ્રલયલિપિ

સન ૧૯૭૯માં અમેરિકન એલચીઘરને બાનમાં લઈને ઇરાને એક મહાસંકટ ઊભું કરેલું. તે રાતથી એ કટોકટીના સમાચાર આપવા અમેરિકામાં ‘નાઇટલાઇન’ યાકિ દૈનિક રાતરેખા નામે નવો કાર્યક્રમ શરૂ થયેલો જેના ઉદબોધક હતા સંવાદદાતા ટેડ કોપેલ. તે હોસ્ટેજ ક્રાઇસિસ ૪૪૪ દિવસ ચાલેલી અને એ રીતે કોપેલ અમેરિકાના ઘરેઘરમાં સમાદૃત થયેલા. કોપેલ હવે નિવૃત્ત થઈને એક પુસ્તક લખી બેઠા છે, ‘લાઇટ આઉટ’ યાને બત્તી ગુલ. કોપેલ કહે છે કે વિશ્વયુદ્ધનું નવું સર્વગ્રાહી હથિયાર છે કુંજીપટલ યાકિ કીબોર્ડ જેના થકી થાય છે હેકિંગ. દુશ્મન દેશો વચ્ચે હવે સંગ્રામ થશે સાયબરએટેકથી, બલકે થઈ રહ્યો છે, ચીન, રશિયા, ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ સતત સામસામે સાયબરએટેકનાં કીબોર્ડ તાકીને બેઠા છે: સન ૨૦૦૩માં અમેરિકા–કેનેડામાં અચાનક વીજળીની ગ્રીડ્ઝ ખોટકાઈ ગયેલી, દિવસો સુધી અંધારપટ છવાયેલો, અને પ્રચંડ હાહાકાર મચેલો. કહેનારાં કહે છે કે તે ચીનનો સાયબરએટેક હતો. સન ૨૦૧૨માં ઇરાનના ન્યુક્લીયર પ્લાન્ટ ઉપર સાયબરએટેક થયેલો અને પાઇપો ફાટેલી જેનાથી ઇરાનની અણુબોમ્બની આગેકૂચ શિથિલ થયેલી. કહેનારાં કહે છે કે તે કાવતરું અમેરિકાનું હતું જેમાં ઇઝરાયેલની કુમક હતી. કમ્પયુટરસંચાલિત કોઈપણ કારખાનું કે મશીન, કે નિર્માણક્ષેત્ર તત્કાળ ઉદ્ધ્વસ્ત થઈ શકે છે. કોપેલ કહે છે કે જો કોઈ દેશ કે સંત્રાસી ઘટક વીજળી કંપનીઓનાં કમ્પયુટરો દ્વારા સંચાલિત મશીનો ઉપર ત્રાટકે ને વીજળી બંધ કરી દે તો શું થાય. એ રીતે તેમના પુસ્તકનું નામ પડ્યું છે, ‘લાઇટ્સ આઉટ’, યાકિ બત્તી ગુલ.

કોપેલ કહે છે કે સાચેસાચનું ‘વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન’નું સાધન છે ઇન્ટરનેટ; બેન્કિંગ, વોટર સપ્લાય, અને ઇલેક્ટ્રિક પૂરવઠો કમ્પયુટરોથી ચાલે છે. કોઈ બાહોશ હેકર દુનિયાના કોઈપણ છેડેથી ચાલબાજી કરે તો તે બધામાં કેવું ભંગાણ પડે? અને એવા બાહોશ હેકરોનો એક આખો ડિપાર્ટમેન્ટ બનાવીને કોઈ દેશ દુશ્મની આચરે તો શું થાય? તે માટે કોઈ દેશે પૂરી તૈયારી કરી નથી. પાણી ન હોય, ખોરાક ન હોય, રેફ્રિજરેટર ચાલતાં ન હોય, કચરાના ઉકરડાનો નિકાલ ન થાય. અને અચાનક આપણે બસ્સો વરસ પહેલાંના જગતમાં પટકાઈ પડીએ. ભૂખ્યાં ટોળાં તવંગરોની હવેલીઓ ઉપર તૂટી પડે, ખૂનામરકી ફાટે. રોગચાળા ફાટે, હોસ્પિટાલો ન ચાલે, ટ્રેનો, વિમાનો, ટીવી, રેડિયો, સિનેમા, ટ્રાફિક લાઇટો....

અમેરિકાને રશિયા, ચીન, અને ઇરાન આર્થિક રીતે પરસ્પર સાંકળયેલા છે. એટલે મોટાપાયે કોઈ દેશ દ્વારા મહાપ્રલયનો સંભવ ઓછો છે કેમકે તેની અસર તેને પોતાને પણ થાય. પણ નોર્થ કોરિયા બચકાના ઊધામા કરે છે. આઇસીસ પાસે બે બિલિયન ડોલરનો વજીફો છે. તે લોકો અથવા કોઈ સિરફિરો મેડ સાયન્ટિસ્ટ અથવા મેગાલોમેનિયાક ખરબોપતિ માફિયો દુનિયાના મહાકાબેલ હેકરોને નોકરીએ રાખી કુહર મચાવી શકે. કહેનારાં કહે છે કે તે રોકેલા જ છે અને હેકરો જાતમરજીથી ન આવે તો મોઢે ડૂચો દઈને પણ એમની પાસે આઇસીસ કે કોરિયા કે હુંકારોન્માદી ઉમરાવ એથનિક ક્લીન્ઝિંગની અંધલાલસાથી અપનો ઉલ્લુ સીધો કરાવે છે. આ ઓગસ્ટ માસમાં એક ઝિગો નામે ઇન્ટરનેટ કંપની ઉપર ચાર કિશોરોએ એટેક કરેલો ને ૧૮ લાખ ગ્રાહકોની ઇમેઇલ સેવા ખોરવાયેલી. એ પહેલાં સોની કંપની, બેન્ક ઓફ અમેરિકા, ટાર્ગેટ વગેરે કંપનીઓના ઇસ્કોતરામાંથી ગ્રાહકોનાં ક્રેડિટ કાર્ડ વગેરેની વિગતો ચોરાયેલી.

તો તે માટે તૈયારી શી કરી શકાય? કોપેલ કહે છે કે સોથી પહેલાં ‘રેડી ટુ ઈટ’ ભોજનનાં પડીકાં તૈયાર રાખવાં. કરોડો અબજો લોકોને લાંબો સમય ચાલે તે માટે તેવાં કેટલા સહસ્રપદ્મની સંખ્યામાં તેવાં પડીકા જોઈએ તેનો વિચાર કરવો. તે ખોરાક પાંચ વર્ષ પછી નકામો થઈ જાય. એટલે સહસ્રપદ્મકરોડ અબજ ડોલરના ખર્ચે તે ખોરાક ગોડાઉનોમાં રાખ્યા પછી પણ પાંચ વર્ષ પછી ફેંકવો પડે તે ધ્યાનમાં રાખવું. કોપેલ કહે છે કે ફ્રીઝ–ડ્રાઇડ ફૂડ સંઘરવો જે ૨૫–૩૦ વર્ષ સુધી તાજો રહે છે. આ તો પ્રાથમિક જરૂરીઆત ખોરાકની વાત. એકવાર આંખ બંધ કરીને વિચારો કે એક અઠવાડિયું બત્તી ગુલ થાય તો શું શું થાય? પાણી? વીજળી? પૈસા? સમાચારોનું શું? સીરિયલોનું શું? જુવાનિયાંઓનો ખોરાક ફેસબુક ને વ્હોટસેપ? ઇમેઇલ? અને અનિશ્ચિત્તતાના એ વાયુમંડલમાં માણસોનાં મગજમાં કેવા કેવા દૈત્ય ઘૂસી આવે?

દિવાળીની દીવાઝરતી રાતે, નવા વર્ષના સપરમા દિવસે આવા અમંગળ વિચાર આવે તે કદાચ ‘આસ્પર્ધા’ કહેવાય. પણ કાયર દિલમાં ફફડાટ થાય છે કે એકાએક જો વીજળી ચાલી જાય તો શું થાય. જય એલન તુરિગ!

Madhu.thaker@gmail.comSaturday, October 31, 2015