Bhinu Ran - 8 in Gujarati Fiction Stories by Chetan Shukla books and stories PDF | ભીનું રણ - 8

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ભીનું રણ - 8

ભીનું રણ- ૮

પેલા ચોકીદાર સાથેની આટલા કલાકોની ચોર-પોલીસની રમતમાં હું એટલું સમજી ગયો કે હવે મારા ભાગે આવનારું કામ મેં વિચાર્યું નહિ હોય એવું હશે. ફોન પર મેં તપનને સમજાવી દીધું કે એનું આવવું હવે કેટલું જરૂરી છે અને એમાંય કેટલી ઝડપ રાખવી પડે એમ છે. બનેલી ઘટના વિશે તો મેં એને ટૂંકમાં કહી દીધું. હું ઝડપથી મારો થેલો ખભે ભરાવી બાથરૂમમાં ઘુસી ગયો. ગોડાઉનમાં જવાનો રસ્તો એમાંથી જ છે એમાં મને કોઈ શંકા ન હતી.

૬ બાય ૪ જેટલા આ નાની ઓરડી જેવા બાથરૂમમાં ગોડાઉનની કોમન દીવાલમાં બનાવેલી વેન્ટીલેશન બારી ખુલ્લી હતી. વેન્ટીલેશનવાળી દીવાલ પર મુકેલા પત્થરના ટેકા પર પગ ટેકવી હું ગોડાઉનની અંદરની બાથરૂમમાં ઉતર્યો. બહારથી કોઈને પણ ખ્યાલ ન આવે તેવી આ સીધી-સરળ વ્યવસ્થા હતી. ચોકીદારે ખોલેલી બારીની બાજુની દીવાલને અડીને ગોડાઉનમાં નાના બોક્ષના પેકિંગ ગોઠવેલા હતા.એમાંથી એક બોક્ષ ખોલીને મેં જોયું તો હું ચમકી ગયો. મારો શક સાચો હતો. બારીને અડીને મુકેલા એ સાતેક ફૂટના ઘોડા પર ચઢીને બહાર જોયું તો પેલી કાર ધીમે ધીમે ગોડાઉન તરફ આવી રહી હતી. એકાદ વખત ફરી એણે ડીપર મારી. આ બાજુથી કોઈ ઈશારાની રાહ જોવાતી હશે તેમ હું સમજ્યો. હું બારીની આડાશે ઉભો હતો. મેં ફરી તપનને ફોન કર્યો અને બંદોબસ્ત કરીને આવવાનું કીધું. કારણ કે અહી મારા અંદાજ પ્રમાણે લગભગ પચાસેક કરોડના ડ્રગ્સનો કારોબાર થવાનો હતો.

તપને પંદર મીનીટમાં પહોંચીશ તેવું કીધા પછી એ પંદર મિનીટ કેટલી લાંબી હશે તે કળવું મુશ્કેલ હતું. પેલી એસયુવી જેવી લાગતી કાર ચોકીદારની ઓરડીથી થોડે અંતરે ઉભી રહી. હું જે જગ્યાએ ઉભો હતો એ સંતાઈને જોઈ શકાય એવી સલામત જગ્યા હતી. કારમાંથી નીકળેલા એક પહેલવાન જેવા માણસે બે વખત હાથમાં રહેલી ટોર્ચ વડે ગોડાઉન તરફ પ્રકાશ ફેંકી ઈશારો કર્યો. પાંચેક મિનીટ રાહ જોયા પછી એ માણસે બીજા એના સાથીદારને બહાર બોલાવ્યો. પેલા સાથીદારે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી અને ધીમા પગલે ચોકીદારની ઓરડી તરફ ગયો. હળવેકથી દરવાજો ખોલીને અંદર જઈ એણે લાઈટ ચાલુ કરી. હવે મારે ચેતી જવું પડે એમ હતું. અંદર ગયેલો પેલો માણસ બહાર તરત આવ્યો પિસ્તોલ ગોડાઉન તરફ કરીને પેલા બીજા માણસ જોડે કંઇક વાત કરતો હોય એમ લાગ્યું. પિસ્તોલ હાથમાં લઈને ઉભેલો માણસ મારી બારી તરફ નજર કરી જોવા લાગ્યો અને પેલો માણસ કાર તરફ ગયો. હવે કારમાં બેઠેલા બંને માણસ બહાર આવ્યા. મતલબ મારે ચાર માણસનો સામનો કરવાનો હતો. મેં મારો મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢી તપનને રીંગ મારી. રીંગનો કોઈ રીપ્લાય ના આવ્યો. કારમાંથી ઉતરેલા બે જણમાંથી એક એમનો ડ્રાઈવર હશે પણ બીજો માણસ હતો એના હાથમાં પણ પિસ્તોલ હતી. એ એમનો લીડર હોય એમ વર્તી રહ્યો હતો. એણે પેલા પહેલવાનને કશુંક સમજાવ્યું એટલે એ તરત પેલી બાથરૂમમાં ઘુસ્યો. જે ડ્રાઈવર હતો એ ચોકીદારની ટોર્ચ લઈને ત્યાંજ ઓરડીની બહાર ઉભો રહી ગયો. લીડર જેવો લાગતો માણસ પેલા બીજા સાથીદાર સાથે આમતેમ નજર કરતા ધીમે પગલે હું જે બારીમાં ઉભો હતો ત્યાં નીચે તરફ આવતા હોય તેમ લાગ્યું. બાથરૂમમાં ઘુસેલા પેલા પહેલવાનને અંદર આવવા માટે ગોડાઉનની અંદરની બાથરૂમનો દરવાજો તોડવો પડે તેમ હતો. હું સમજીને જ એની સાંકળ વાસીને આવ્યો હતો.

ધડામ..ધડામ બાથરૂમનો દરવાજો તોડવાનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજવા માંડ્યો. મેં હળવેકથી નીચે નજર કરી પેલો લીડર જેવો લાગતો માણસ બીજો કોઈ નહિ ભૂરો જ હતો. હું હવે બરોબર ફસાયેલો હતો. કારણકે જો બાથરૂમનું બારણું તૂટી ગયું તો પેલા પહેલવાનને હું જે બોક્ષના થપ્પા પાછળ સંતાયો હતો એ શોધતા વાર નહિ લાગે. બીજો નીકળવાનો રસ્તો હતો ત્યાં ભૂરો અને તેનો સાથીદાર મારું સ્વાગત કરવા ઉભેલા જ હતા. મેં ફરી તપનને ફોન કરવા ફોન હાથમાં લીધો અને એજ સમયે સ્ક્રીન પર તપનનું નામ ઝળક્યું. મેં એકદમ ધીમેથી એની સાથે વાત કરી. સિચ્યુએશન સમજાવી. બાથરૂમના બારણાના અવાજોને લીધે મારું વાત કરવાનું આસાન બન્યું.

એજ સમયે બારી નીચે ઉભેલા ભુરાના સાથીદારે બહાર પોલીસની જીપનો અવાજ સાંભળ્યો. એણે પેલા ડ્રાઈવરને બુમ પાડીને કાર સ્ટાર્ટ કરવાનું કીધું. એટલીવારમાં બે પોલીસવાળા દીવાલ કુદીને અંદર આવી ગયા. પેલા ડ્રાઈવરે બાથરૂમમાં દરવાજો તોડી રહેલા સાથીદારને બુમ પાડી પણ એ આ લોકોનો અવાજ સાંભળી શકે તેમ ન હતો. ભૂરો અને એનો સાથીદાર કાર તરફ દોડ્યા એવામાં એક ગોળી છૂટી અને ભૂરાના પગમાં વાગી. ભૂરાએ પણ વળતી ગોળી છોડી. સામેથી થયેલા ગોળીબારથી ચકિત થયેલા પોલીસવાળા પેલી મેટાડોર બાજુ છુપાવા ગયા.

હું ફટાફટ મારી જગ્યા છોડી પેલા બાથરૂમ તરફ આગળ વધ્યો. હવે મારામાં પણ હિંમત આવી ગઈ હતી. હું બારણાની બાજુમાં મારી પોઝીશન લઈને જ ઉભો રહી ગયો. એજ સમયે બારણું તૂટવાનો અવાજ આવ્યો. અચાનક બારણું તૂટવાથી સહેજ ગડથોલીયા ખાતા એ પહેલવાને જેવો ગોડાઉનમાં પગ મુક્યો, સ્વાગત માટે હું તૈયાર જ હતો. હાથમાં રહેલી બંધ કરેલી લોખંડની ફોલ્ડીંગ ખુરશીથી હું એના માથામાં મરણતોલ ઘા કરતા સહેજ પણ અચકાયો નહિ. બીજી ક્ષણે એ પહેલવાનનું શરીર ભોંય ભેગું થઇ ગયું. મેં ગોડાઉનની લાઈટ ચાલુ કરી. પહેલવાનના કમરેથી પિસ્તોલ લઈને હું બહારની ઓરડી તરફની બાથરૂમમાં કુદ્યો. બહાર કારની ઘરરરાટી ભર્યો અવાજ આવ્યો. મેં તપનને ફોન કર્યો મેટાડોર પાછળ ઉભેલા તપનને બાથરૂમના દરવાજામાંથી જોઈ શકતો હતો. એણે મને બહાર આવી જવા કહ્યું. મેં જોયું કે બે પોલીસવાળા ઘાયલ ભુરાને પકડીને હાથકડી પહેરાવતા હતા. ભૂરો પકડાયો પણ એના બે સાથીદારો ભાગી જવામાં સફળ નીવડ્યા. તપન અને હું ગોડાઉનના મુખ્ય દરવાજા તરફ ગયા. એ દરવાજો તોડી નાખતા બહુ વાર ન લાગી. થોડીવારમાં પેલા પહેલવાન માટે એમ્બ્યુલન્સ અને બીજી એક પોલીસ જીપ પણ ત્યાં આવી પહોંચી.

એ રાત્રે ગોડાઉનમાંથી અખબારોની હેડલાઈન બને એટલું એક્યાસી કરોડનું ડ્રગ્સ પકડાયું.

*****

કાતરા જોડે વાત કરતા કરતા વિલાસની ઊંઘ ઉડી ગઈ. ફોન મુકીને એ તરત તૈયાર થવા માંડ્યો. સીમાની સામું જોયું અને ઈશારામાં ફક્ત એટલું જ કહ્યું કે અહીંથી તરત જ ભાગવું પડશે.

ઇન્સ્પે.રાઠોડ એની જીપ લઈને વિલાસ જે ફાર્મહાઉસમાં રોકાયો હતો એ તરફ આવવા નીકળે છે એ વાત સાંભળી જેટલો નહોતો ચોંક્યો એટલો વિલાસ એ વાતથી ચોંક્યો હતો કે રાઠોડની ભૂરા સાથે સાંઠગાંઠ છે. પંદર મીનીટમાં જ વિલાસની કાર રીંગ રોડ પર આવી ગઈ. સીમાએ પણ વિલાસનો ચહેરો જોઈ કોઈ પ્રશ્ન અત્યાર સુંધી પૂછ્યા નહોતા. થોડીવાર ની ખામોશી પછી વિલાસે કારના ખાનામાંથી એક કવર કાઢ્યું અને એમાંથી એક સીમકાર્ડ કાઢીને સીમાને આપીને બોલ્યો

‘લે આ નંબર હવે તું વાપરજે એટલે એકબીજાના કોન્ટેક્ટમાં રહી શકાય.’

‘કેમ કોન્ટેક્ટમાં એટલે ....તું મને છોડીને ક્યાંય જાય છે?’ સીમા થોડી ચિંતિત દેખાતી હતી.

‘હા ડીયર ....મારે જવું જ પડશે. આ બધા વહીવટો એમ પતે એમ નથી.’

‘પણ તને એમ લાગે છે કે પેલો આર.ડી મને છોડશે?’

‘તું એની ચિંતા ના કરીશ, હવે એનું બરબાદ થવું નક્કી જ છે.’

એકસરખી ગતિથી ચાલતી કારના કાળા ડીબાંગ કાચની અંદર બેઠેલા બંને જણા કઈંક અંશે ચિંતિત હતા. થોડી થોડીવારે વિલાસ સીમાની સામું જોઈ લેતો હતો. બે હાથની આંગળીઓ એકબીજા સાથે રમાડતી વખતે એની આંગળીમાં વરસો પહેલા કોલેજમાં એની બર્થડે વખતે આપેલી એ ડાયમંડની વીંટી એણે એટલાજ પ્રેમથી સાચવેલી હતી. વ્હાઈટ રંગની કેપ્રી અને રેડ સ્ટ્રીપ્ડ ટોપ પહેરેલી સીમાના ચહેરા પર એકદમ પીઢ હોય તેવા ભાવ વર્તાતા હતા. ચારેક વરસના ગાળામાં મેળવેલું એકાએક આ રીતે ગુમાવવું પડશે તેવો તેણે વિચાર પણ નહોતો કર્યો. રસ્તામાં આવતા એક શોપિંગ મોલમાં વિલાસે ગાડી પાર્ક કરીને સીમાના હાથમાં ક્રેડીટકાર્ડ મુક્યું. કેસ ઢીલો મુકાયો હતો એટલે એને ખબર હતી કે સીમાની પહેલી જરૂરિયાત એની અંગત ખરીદીની હતી તે પહેલા પૂરી કરવી પડશે. વિલાસે સીમાને તાકીદ કરી કે અડધો કલાકથી વધારે થવી ન જોઈએ ત્યાં સુધી હું અહી ગાડીમાં જ બેઠો છું. પ્રીઝ્મો કંપનીના મોંઘા ગોગલ્સ ચડાવી સીમાએ ક્રેડીટ કાર્ડ એના પર્સમાં મુક્યું. વિલાસના હોઠ પર આંગળી મૂકી ફ્લાઈંગ કિસ કરી એ ગાડીમાંથી બહાર નીકળી, અને વિલાસે કાતરાને મોબાઈલ જોડ્યો.

કાતરો એટલે કાર્તિક ભાગચંદાની વિલાસનો ખાસ માણસ હતો એની સાથે મહત્વની વાતો થઇ ત્યાં સુંધીમાં સીમાએ પોતાની જોઈતી બધી ખરીદી કરી લીધી. બંને જણા હોટલ હયાત પહોંચ્યા ત્યારે વાદળછાયા વાતાવરણને લીધે સાંજ પડી ગઈ હોય એમ લાગતું હતું. પહેલેથી જ બુક કરેલી એ થ્રી-સ્ટાર હોટલની પાંચમા માળની બારીમાંથી થોડેક જ દુર આવેલા એરપોર્ટ પર વિમાનોની આવ-જા દેખાતી હતી.

દિવસભરની દોડધામથી થાકેલી સીમા ફ્રેશ થઇ બાથરૂમમાંથી બહાર આવી ત્યારે એણે આજેજ ખરીદેલું બ્લેક રંગમાં ગુલાબના ફૂલ ચીતરેલું ગાઉન પહેરેલું હતું. બ્લેક રંગના ગાઉનમાંથી ઠેર ઠેર ડોકાતું એનું ગોરું યૌવન જોઈ વિલાસના હાથમાં બાકી રહેલી સિગરેટ એકજ કસમાં ધુમાડામાં ફેરવાઈ ગઈ. કોઈ જાતના મેકઅપ વગર સુંદર લાગતી સીમા વિલાસને વીંટળાઈને ઉભી રહી ત્યાંજ વિલાસના મોબાઈલમાં રીંગ વાગી. સીમાએ ફક્ત અડધી મિનીટ ચાલેલી એની વાતચીત સાંભળી અને એનો મૂડ ઓફ થઇ ગયો. જેવો ફોન પત્યો એટલે એ બોલી ઉઠી. ‘તારું શેનું બુકિંગ ફાઈનલ થયું છે?’

‘કાલે વહેલી સવારની ફ્લાઈટમાં મુંબઈ જવાનું છે.’

‘કેમ અચાનક મુંબઈ? એ પણ મને મુકીને.’સીમા ધબ્બ દઈને પલંગ પર બેસતા બેસતા બોલી.

‘તો શું રોજ તારી જોડે ઐયાશી થોડી કરવાની છે..?? હવે તારે પણ આ સંતાકુકડીમાંથી બહાર આવવું પડશે અને એ માટેની થોડી તૈયારીઓ કરવા મારે મુંબઈ જવું જરૂરી છે.’

‘સંતાકૂકડીમાંથી બહાર આવવું પડશે એટલે? તું કહેવા શું માંગે છે?’

‘સાંભળ થોડા મહત્વના અપડેટ ...એમાં પહેલું અને મહત્વનું કે ભૂરો પોલીસ ગોળીબારમાં ઘવાઈને હોસ્પીટલમાં પોલીસના કબ્જામાં છે.’

‘શું વાત કરે છે..??કેવી રીતે આ શક્ય બન્યું?’સીમા એકદમ ઉછળીને બોલી.

‘કોઈ ગોડાઉન પર પાડેલી પોલીસ રેડમાં ડ્રગ્સનું મોટું કન્સાઈમેન્ટ પકડાયુ. સાથે સ્થળ ઉપરથી લટકામાં ભૂરો પણ પોલીસના હાથમાં આવી ગયો છે.’

‘ખુશ શું થાય છે? તો તો એમાં મારું નામ પણ આવી જશે.’

‘જે પ્રમાણે કાતરાએ માહિતી આપી છે એ મુજબ આર.ડીએ ઇન્સ્પેક્ટર રાઠોડને મોટી રકમ આપી છે તારી બાતમી માટે. પણ એક શોક આપે એવી વાત છે કે ગોડાઉન પર પાડેલી રેડમાં કિશોર સીધો સંડોવાયેલો છે અને એનું મોટું પીઠબળ એસીપી તપન છે. તપન એટલે આપણી કોલેજમાં ભણતો પેલો તપન રાણા.’

‘વ્હોટ .....તપન.. એસીપી???? અને એની સાથે કિશોર ....કેન નોટ બીલીવ..!!’

‘હા આખી રમતમાં હવે તારો રોલ મહત્વનો છે એટલે હું કહું એટલું સાંભળી લે. હું કાલે સવારે મુંબઈ જવા નીકળું પછી તારે શું કરવાનું છે.’

પછી જેમ જેમ વિલાસ બોલતો ગયો એ બધું સાંભળતા સાંભળતા સીમાની આંખો નાની-મોટી થવા માંડી. એના કપાળ પર પરસેવાના બુંદ એક પછી એક જમા થવા માંડ્યા.

{ક્રમશ:}

ચેતન શુક્લ (9824043311)