Doctor ni Dairy - 5 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | ડૉકટરની ડાયરી 5

Featured Books
Categories
Share

ડૉકટરની ડાયરી 5

માતૃભારતી

ડૉકટરની ડાયરી- 5

સાત ભવથી હાલ મારો એ જ છે,

પીઠ બદલાતી, પ્રહારો એ જ છે

- ડૉક્ટર શરદ ઠાકર

વરસાદી મોસમ. ઘેરાયેલું આસમાન. ઝરમર ઝરમર વરસાદ. આખા દિવસના થાક પછી મીઠા ધારણમાં પોઢી ગયેલા ડો. પ્રવીણભાઈ. અચાનક એમને લાગ્યું કે કોઈ ઝાંપો ઉઘાડીને મકાનના કમ્પાઉન્ડમાં દાખલ થઈ રહ્યું છે. ડોક્ટરના મકાનના મુખ્ય ઝાંપા ઉપર ક્યારેય તાળું મારવામાં આવતું ન હતું. આછા એવા ‘ખટાક’ અવાજ પછી બીજી મિનિટે ઘરની ડોરબેલ રણકી ઊઠી.

ડો. પ્રવીણભાઈ હજુ પૂરેપૂરા જાગ્રતાવસ્થામાં ન હતા. ઘેરાયેલી આંખે એમણે બેડરૂમની બત્તી ઓન કરી. સવારના પાંચ વાગ્યા હતા એવું ઘડિયાળે કહ્યું. ‘અત્યારે કોણ હશે?’ આવું બબડીને તેઓ ઊભા થયા. એમના ઘરે મહેમાનો અવશ્ય આવતા હતા, પણ આવા અસૂરા સમયે નહીં. ડોક્ટરસાહેબ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા, ત્રીસેક કિલોમીટર દૂરના એક ગામમાં આવેલી નાની હોસ્પિટલમાં સેવાઓ આપતા હતા. ઘરે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ન હતા. એટલે આગંતુક કોણ હોઈ શકે તે માત્ર અનુમાનનો વિષય હતો.

આવી મેઘલી, અંધારી રાતે એમ કંઈ સીધું બારણું ઉઘાડી નખાય નહીં. ડોક્ટરે બારણાની બાજુમાં આવેલી એક બારી અડધીપડધી ઉઘાડીને પૂછયું, ‘કોણ?’ વરસાદની તડાપીટની વચ્ચેથી કોઈનો જવાબ આવ્યો, ‘એ તો હું છું, સાહેબ. હું બાબુ, બાજુની સોસાયટીમાં રહું છું તે… બાબુ રિક્ષાવાળો….’ ડો. પ્રવીણભાઈ તરત જ ઓળખી ગયા. એક ચોક્કસ ઘટનાનો સંદર્ભ યાદ આવી ગયો. એમણે તરત જ મુખ્ય દ્વાર ઉઘાડી નાખ્યું, ‘બાબુ, અંદર આવી જા, ભાઈ બહાર વરસાદ ચાલુ છે, પલળી જવાશે.’

બાબુ ઘરમાં તો આવ્યો, પણ ઊભો જ રહ્યો. વરસાદમાં ભીંજાયેલા વૃક્ષની જેમ તે ટકી રહ્યો હતો. બેસવાથી સોફાની ગાદી ભીની થાય તેવો ભય હતો. એનાથી વધુ મોટો ભય તો બાબુના ઘરે છવાયેલો હતો. ‘ડોક્ટરસાહેબ, મારો ભાઈ સિરિયસ હાલતમાં છે. એને જડબાંનું કેન્સર થયું હતું. અમદાવાદ જઈને ઓપરેશન કરાવ્યું, પણ ત્યાંના કેન્સર સ્પેશિયાલિસ્ટે કહી દીધું કે કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે, માટે તેના બચવાની શક્યતા રહેતી નથી. દરદીને હવે ઘરે લઈ જાવ, થોડી ઘણી રાહત થાય તેવી સારવાર કરાવતા રહો અને તે શાંતિથી મૃત્યુ પામે તેની રાહ જુઓ.’

‘અમદાવાદના ડોક્ટરે સાચી જ સલાહ આપી છે, ભાઈ’ ડો. પ્રવીણભાઈએ હમદર્દીભર્યા અવાજમાં કહ્યું. હવે બાબુ મુદ્દાની વાત ઉપર આવ્યો, ‘સાહેબ, આપ મારા ઘરે ‘વિઝિટ’ કરવા આવશો? મારો ભાઈ બેભાનાવસ્થામાં પહોંચી ગયો છે. માંડ ચોવીસ કલાક કાઢશે તેવું લાગે છે. આમ તો અમે બધાં જાણી ચૂક્યાં છીએ કે હવે કંઈ થઈ શકે તેમ નથી, તેમ છતાં… આખરે એ મારો ભાઈ છે… અને…’ બાબુથી રડી પડાયું, ‘તમે એક વાર ઘરે આવીને એને જોઈ જાવ તો સારું, સાહેબ.’

ડો. પ્રવીણભાઈ સમજી ગયા કે દરદી હવે પૂરા ચોવીસ કલાક તો શું, પણ કદાચ ચોવીસ મિનિટ પણ કાઢવાનો નથી. એને ખરેખર તો એમ્બ્યુલન્સ વેનમાં સુવાડીને સરકારી હોસ્પિટલ ખાતે જ શિફ્ટ કરવો જોઈએ, પણ જો તેઓ દર્દીને તપાસ્યા વગર જ આવી સલાહ આપી દે તો બાબુને ન ગમે. ડોક્ટરો પાસેથી સમાજની અપેક્ષાઓ અનંત હોય છે.

ડો. પ્રવીણભાઈ તરત જ તૈયાર થઈ ગયા. કપડાં બદલવા માટે પણ ન રોકાયા. શરીર ઉપર નાઇટ ડ્રેસ. પગમાં વરસાદી ચંપલ. છત્રી સાથે લેવી પડે તેમ હતી, પણ એક હાથમાં સ્ટેથોસ્કોપ હતું, બીજા હાથમાં બ્લડપ્રેશર માપવાનું સધન અને સામે આંસુ, આજીજી અને મજબૂરીની થ્રી-ઇન-વન મૂર્તિ‌સમો બાબુ ઊભો હતો. ડોક્ટર તરત જ ઘરને તાળું મારીને ચાલી નીકળ્યા. ઝાંપા આગળ જ બાબુની રિક્ષા પડી હતી. બેસી ગયા.

સોસાયટી બાજુમાં જ હતી, પણ ત્યાં પહોંચતાં વીસ મિનિટ ચાલી ગઈ. વરસાદી વાતાવરણ, કીચડવાળો રસ્તો, પાણીના ખાડામાં પછડાઈને પાણી ઉડાડતાં રિક્ષાનાં પૈડાં. બાબુ ઘરે પહોંચીને ડોક્ટરને સીધા અંદરના ઓરડામાં લઈ ગયો, જ્યાં તેનો જુવાનજોધ ભાઈ જિંદગીના આખરી પડાવ ઉપર સૂતો હતો. દૃશ્ય ભયાનક હતું. બાબુના ભાઈનો દેહ હાડપિંજર લાગી રહ્યો હતો. નીચલું જડબું કાઢી લીધું હોવાને કારણે ચહેરો વિકૃત ભાસતો હતો. શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા હતા. નાકમાંથી અન્નનળી વાટે હોજરી સુધી પહોંચતી રાઇલ્સ ટયૂબ નાખેલી હતી. છેલ્લા શ્વાસોના સાક્ષી જેવા ત્રણ ભાઈઓ, એમની પત્નીઓ, વૃદ્ધ માબાપ આંખોમાંથી આંસુ છલકાવતાં ઊભાં હતાં. બાપ મૃત્યુ પામવાનો છે તે વાતથી અજાણ તેવાં બે નાનાં બાળકો જમીન ઉપર સૂઈ રહ્યાં હતાં.

છતમાંથી પંદર વોટનો બલ્બ મોતની છાયા જેવો આછો ઉજાસ ફેંકી રહ્યો હતો. ડો. પ્રવીણભાઈઓ દરદીની નાડ તપાસી જોઈ. મનોમન બબડી રહ્યા, ‘પલ્સ ઈઝ વેરી ફીબલ એન્ડ ઇરેગ્યુલર.’ છાતી ઉપર સ્ટેથોસ્કોપ મૂકીને હૃદયના ધબકારા સાંભળવાનો પ્રયત્ન કર્યો. છાતીના પોલાણમાંથી ઊંડેથી મંદ અવાજ આવતો હોય તેવું જણાયું. શ્વાસની ગતિ પ્રતિ મિનિટે માંડ ચારથી છ જેટલી. ડોક્ટરે બાબુનો હાથ પકડીને માથું નિરાશામાં ધુણાવ્યું. પછી બહારના ઓરડામાં તેને લઈ ગયા. કહી દીધું, ‘કોઈ જ આશા નથી. ઘડી બેઘડીના મહેમાન છે. મૃત્યુને સહેજ આઘું ઠેલવું હોય તો દર્દીને સરકારી દવાખાનામાં લઈ જાવ. નહીંતર શાંતિથી એની પાસે બેસીને ભગવાનને પ્રાર્થના કરો.’

‘આભાર, સાહેબ’ બાબુએ બે હાથ જોડ્યા, ‘આટલું જાણવા માટે જ આપને બોલાવ્યા હતા. હું તમને રિક્ષામાં ઘર સુધી છોડી જઉં છું, પણ એ પહેલાં તમારી વિઝિટ ફી કેટલી આપવાની છે તે જણાવો, સાહેબ તમે જે માગશો તે આપી દઈશ. આવા સમયે ચાલુ વરસાદમાં તમે મારા ઘરે આવ્યા એ જ મોટી વાત છે. સાહેબ, સાચું કહું? તમારા ઘરે આવતાં પહેલાં હું બીજા ચાર ડોક્ટરોના ઘરે જઈ આવ્યો હતો. તેમાંથી એક તો અમારા ઘરના કાયમી ફેમિલી ડોક્ટર છે, પણ કોઈ વિઝિટ ઉપર આવવા તૈયાર થયું નહીં. બોલો, સાહેબ, મારે કેટલી ફી આપવાની છે?’

ડો. પ્રવીણભાઈ જવાબ આપતાં પહેલાં ક્ષણાર્ધ માટે ભૂતકાળમાં ખોવાઈ ગયા. હજુ વધારે દિવસો નહોતા થયા તે ઘટનાને. આવો જ વરસાદ હતો, પણ સમય દિવસનો હતો. ડોક્ટરસાહેબ બાજુના ગામમાં આવેલા દવાખાને જવા માટે નીકળ્યા હતા. એમની બાઇક રસ્તામાં બંધ પડી ગઈ. એમણે નિર્ણય કરી લીધો. બાઇક બાજુમાં આવેલી એક દુકાન પાસે મૂકી દીધું. બસમાં બેસીને સમયસર ફરજ ઉપર પહોંચી જવા માટે તેઓ રિક્ષાને શોધી રહ્યા હતા, ત્યારે આ જ બાબુ એની રિક્ષા લઈને ત્યાંથી પસાર થયો હતો.

ડો. પ્રવીણભાઈને બાબુ ઓળખી ગયો. રિક્ષા ઊભી રાખી દીધી, ‘અરે, ડોક્ટરસાહેબ, તમે? ક્યાં જવું છે? બેસી જાઓ.’

‘ભાઈ, મારે જવું તો છે બસ સ્ટેશને, અહીંથી ફક્ત બે જ મિનિટનું અંતર છે, પણ આ વરસાદ…’ ‘ચિંતા ન કરો, સાહેબ બે મિનિટનું જ કામ છે ને?’ કહીને બાબુએ ડોક્ટરને બેસાડી દીધા. આ કંઈ અમદાવાદની રિક્ષા ન હતી જે મીટર પ્રમાણે ભાડું લેતી હોય છે. અહીં તો ઉચ્ચક ભાડું નક્કી કરવાનું હોય છે. જેવો સમય અને જેવી ઘરાકની ગરજ.

ડોક્ટરે ચોખવટ ખાતર પૂછી લીધું, ‘ભાઈ, કેટલા રૂપિયા લઈશ તું?’ ‘આપી દેજો ને, સાહેબ, જે આપવું હોય તે સમજીને.’ કહીને બાબુએ રિક્ષા દોડાવી મૂકી. ડોક્ટર મનમાં ગણતરી કરી રહ્યા. આમ તો પાંચ રૂપિયા થાય. અત્યારે વરસાદ છે એટલે કદાચ બાબુ દસ લેશે. વાંધો નહીં. આપી દઈશું. પણ જ્યારે બસ સ્ટેશન પાસે ઊતરીને ડોક્ટરે પૂછયું ત્યારે બાબુએ મોટું મોઢું ફાડયું, ‘પચાસ રૂપિયા’ ડો. પ્રવીણભાઈ સ્તબ્ધ, ‘ભાઈ, તું મારો પડોશી છે. કંઈક સમજીને ભાડું લે તો સારું છે. બાકી હુંય જાણું છું અને તું પણ જાણે છે કે પચાસ રૂપિયા એ લૂંટવાનો ભાવ છે.’

બાબુએ નફ્ફટ થઈને કહી દીધું, ‘તમારી વાત સાચી છે, પણ તમને શો ફરક પડે છે, સાહેબ તમે તો ડોક્ટર છો.’ અને ડો. પ્રવીણભાઈએ દુ:ખતા દિલે પચાસ રૂપિયા આપી દીધા હતા. એ ઘટના ઉપર હજુ તો સમયની રાખ પણ વળી ન હતી, ત્યાં આ ઘટના બની ગઈ. હવે બાબુની મજબૂરી હતી અને ડોક્ટરનો વારો હતો. ‘કેટલા આપીશ, બાબુ? પાંચસો રૂપિયા જેવી ફી થાય છે.’ ડો. પ્રવીણભાઈ મૂછમાં હસ્યા, ‘તારી ગરજના ઉમેરું તો સો-બસો વધુ પણ માગી શકું છું. ડોક્ટરની ફી ઉપર ન હતો સરકારી અંકુશ છે, ન કાયદાની માર્ગદર્શિ‌કા. બોલ, શું કહે છે તું?’ બાબુની આંખોમાં પાણી છલકાઈ ઊઠયાં, ‘મને માફ કરો, સાહેબ, મારી તો મહિ‌નાની કુલ કમાણી પંદરસો રૂપિયા છે. તે દિવસે મેં તમારી મજબૂરીનો ગેરલાભ લીધો હતો તે મારી ભૂલ હતી. થોડુંક ઓછું કરો, સાહેબ ડોક્ટર તો ભગવાન કહેવાય છે.’

ડો. પ્રવીણભાઈએ પગમાં પડવા જતા બાબુને બે ખભા ઝાલીને રોકી લીધો, ‘રડીશ નહીં, બાબુ તારે રડવા માટે તારા ભાઈનું મૃત્યુ રાહ જોઈ રહ્યું છે, પણ હવે પછી ક્યારેય કોઈ ગ્રાહકની ગરજનો ગેરલાભ ન ઉઠાવીશ. તું ત્રણ-ચાર ડોક્ટરોને બોલાવવા ગયો હતો પણ તેઓ ન આવ્યા. કારણ સમજાય છે ને? જે સમાજ ડોક્ટરોને વેપારી સમજે છે, ત્યાં ડોક્ટરો પણ વેપારીની જેમ જ વર્તે છે અને વેપારીઓ રાતના સમયે દુકાન નથી ઉઘાડતા, પણ જો તું મને ભગવાનનું સ્વરૂપ કહેતો હોય તો મારે કંઈ જ કહેવાનું રહેતું નથી. તારી પાસેથી હું ફી કેવી રીતે લઈ શકું?’ ડોક્ટર રિક્ષામાં બેસી ગયા, બાબુએ રિક્ષા મારી મૂકી. વરસાદ બંધ પડી ગયો હતો. સર્વત્ર હવે ઉઘાડ વરતાઈ રહ્યો હતો, આભમાં પણ અને અંતરમાં પણ.’

(શીર્ષક પંક્તિ: ‘રાજ’ લખતરવી)