ઓપરેશન અભિમન્યુ:
લેખકના બે શબ્દો...
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.
પ્રકરણ ૬ આખરે ભેદ ખુલ્યો.
મેટ્રો સ્ટેશન પર થયેલા હુમલા પછીની એ બીજી રાત હતી. મને નીંદર નહતી આવી રહી. બિસ્તર પર પડ્યા પડ્યા હું પડખા ફેરવી રહ્યો હતો. મનમાં બધા પલ્લવીના જ વિચારો હતા. દિલ્લી ખરેખર ખુબ મોટું શહેર છે એક જ શહેરમાં રહેતા હોવા છતાં અમે લોકો આજે સાત વર્ષે મળ્યા. આ સાત વર્ષ દરમ્યાન તેના પર સાત આસમાન તૂટી પડેલા તો પણ એણે ન તો મારી મદદ લીધી કે ન તેના વતનમાં કોઈની મદદ લીધી. અયાનને ઉછેરવામાં છેલ્લા બે વર્ષ તેણે કેટલો સખત પરિશ્રમ કર્યો હશે એનું અનુમાન લગાડવું પણ મુશ્કેલ હતું. પલ્લવીથી છુટા થયા બાદ રણજીતનું શું થયું હશે.? એ જીવતો હશે કે નહિ.? મારે મારા જુના મિત્રોની મદદ કરવી જોઈએ કે તેમણે કરેલા દગાના પરિણામ સ્વરૂપે તેમને તેમના હાલ પર જ છોડી દેવા જોઈએ.? આવા બધા પ્રશ્નોને વાગોળતા વાગોળતા મારી આંખ ક્યારે લાગી ગઈ મને એનું ધ્યાન જ ન રહ્યું.
@ @ @
“ACP સુભાષ તારો કહેવાનો મતલબ એમ છે કે પોલિસ ખોટા માર્ગે તપાસ કરી રહી છે.? આઈ વોન્ટ ટુ લેટ યુ નો જે ટીમ મેટ્રો વિસ્ફોટની ઘટના પાછળ કામ કરી રહી છે એ તમારા જ નેતૃત્વ હેઠળ છે. ઇફ યુ કાન્ટ ડુ ઈટ દેન આઈ હેવ ટુ ગીવ દીસ કેસ ટુ અશ્વિની.” બીજા દિવસે અમે ફરીથી કોન્ફરન્સ રૂમમાં ભેગા થયા હતા. પલ્લવી નિર્દોષ હોવાનો મુદ્દો મેં ડીઆઈજી સુબ્રમણ્યમ સામે પ્રસ્તુત કર્યો. ગઈકાલે તેમણે રાઘવને શાબાશી આપેલી જે અમારા માટે આશ્ચર્યજનક બાબત હતી કારણકે મોટાભાગના કેસમાં ડીઆઈજી સુબ્રમણ્યમ રાઘવની ટીકા કરતા. તેઓ રાઘવનો પક્ષ લેવાને બદલે અશ્વિનીનો જ પક્ષ લેતા. આવો જ એક મુદ્દો હાથ લાગતા સુબ્રમણ્યમએ મારા બયાનને પોતાનું હથિયાર બનાવતા કહ્યું. બેશક એસપી અશ્વિની કૌશિક એક બાહોશ લેડી ઓફિસર હતી પરંતુ રાઘવ સાથે તેનું જરાય બનતું નહતું. આથી રાઘવના ચેહરાના હાવભાવ બદલાયા. અગર હવે આ કેસ જો અશ્વિનીના હાથમાં જાય તો રાઘવ મારો ઉધડો લઇ લે.
“સર મારો કહેવાનો મતલબ એમ જરાય નહતો કે પોલિસ ખોટા માર્ગે તપાસ કરી રહી છે. પરંતુ હું એમ જણાવવા માંગું છું કે આરોપીઓ ખુબ જ ચાલક છે. તેમણે બ્લેક સફારી કારના રજીસ્ટ્રેશન માટે ખોટા ડોક્યુમેન્ટ્સ આપેલા હોઈ શકે.” મેં ડીઆઈજી સુબ્રમણ્યમને જવાબ આપ્યો. ત્યારબાદ રાઘવ સામે જોયું. તેણે ઇશારાથી મને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આની પહેલાના મારા વિધાને રાઘવ માટે મુસીબત ઉભી થાય એવા સંજોગો સર્જેલા જે તેના ચેહરા પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું પરંતુ આ વખતે સ્વબચાવનો મારો તર્ક કામ કરી રહ્યો હોય એવું લાગ્યું.
“હોઈ શકે.?! એમ તમે કેમ કહી શકો સુભાષ. તમે એક અત્યંત ભયાનક આતંકવાદી હુમલાના આરોપીઓને પકડવાના પ્લાનિંગ માટે ગોઠવાયેલી મિટીંગમાં બેઠા છો. હિયર આઈ કાન્ટ એક્સેપ્ટ ધીસ કાઈન્ડ ઓફ સ્ટેટમેન્ટ ફ્રોમ યુ. એટલીસ્ટ યુ શુડ હેવ અન એવીડેન્સ. ડુ યુ હેવ.?” સુબ્રમણ્યમ અમારો ઉપરી હતો. આ બધા ઉપર કામ કરવાવાળા લોકો ન જાણે કઈ માટીના બનેલા હોય છે. એમણે જે ધાર્યું એ સાચી-ખોટી કોઈપણ રીતે પૂરું કરવું એટલે કરવું જ. કદાચ આજે સુબ્રમણ્યમએ કેસ અશ્વિનીને સોંપવાનું નક્કી કર્યું જ હતું. એટલે જ તેણે અમને બોલાવ્યા હતા. અગર આ કેસ અશ્વિનીના હાથમાં જાય તો રાઘવ મને ન છોડે અને બીજું એ પણ શક્ય છે કે એક લેડી ઓફિસર હોવાના લીધે કડક સ્વભાવની અશ્વિની પલ્લવીને ટોર્ચર પણ કરે. આથી હવે મારે એક એવો જવાબ આપવાનો હતો જેનાથી આ કેસ અશ્વિનીના હાથમાં જતા બચી જાય.
“સર અમે કરતાર અને અસલમને RTO મોકલ્યા છે. તેઓ બનાવની વિગતો એકઠી કરીને લાવે એટલે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.” થોડીવાર હું કઈ ન બોલ્યો એટલે હાજરજવાબી રાઘવે સુબ્રમણ્યમને જવાબ આપ્યો.
“ઓકે ધેન આઈ એમ ગીવીંગ યુ સમ મોર ટાઇમ. યુ શૂડ ગો નાવ. ઓવર એન્ડ આઉટ.” થોડા જ સમયમાં તેમનો ગુસ્સો સાવ ઉતરી ગયો હોય એમ અત્યંત ઠંડા સ્વરમાં સુબ્રમણ્યમએ કહ્યું.
“થેન્ક યુ સર.” કહીને અમે બંને ડીઆઈજી સુબ્રમણ્યમની ચેમ્બરમાંથી બહાર આવી ગયા.
“હું હવે આતંકી બનીશ અને પેલા આ બળેલા મદ્રાસી ઢોસાને પતાવીશ.” બહાર આવ્યા બાદ રાઘવે ગુસ્સામાં કહ્યું.
“સર અસલમ અને કરતાર આજે છુટ્ટી પર છે.” મેં કહ્યું. અમે લોકો પોલિસ હેડકવાર્ટરના પહેલા માળની લોબી પર ચાલતા ચાલતા જઈ રહ્યા હતા.
“મને ખબર છે સુભાષ. ચલ પાર્કિંગમાં અને ગાડી કાઢ આપણે બહુ અગત્યનું પ્રમાણ મેળવવું છે.” અમે ચાલવાની સ્પીડ વધારી અને લીફ્ટમાં દાખલ થયા.
@ @ @
“અગર એ કાર બે મહિના પહેલા જ વેચાયેલી હોય તો થોડુંઘણું તો તમને યાદ હશે કે એના રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ્સ દેવા કોણ આવેલું.?” અમે લોકોએ RTO પહોંચીને તપાસ હાથ ધરી. ત્યાંના અધિકારી સાથે દલીલ કરતા રાઘવ ઊંચા અવાજે બોલી રહ્યો હતો.
“સર અમારે અહિયાં દરરોજ લાખો કારોનું રજીસ્ટ્રેશન થતું હોય છે. અમે બે મહિના તો શું બે દિવસ પહેલા આવેલા લોકોના ચેહરા પણ યાદ ન કરી શકીએ.” ખુબ શાંતિથી પેલા અધિકારીએ જવાબ આપ્યો. રાઘવ ત્યાંથી ઉભો થઈને બહાર જતો રહ્યો. હું પણ તેની સાથે બહાર નીકળી ગયો.
“કેટલું બકવાસ તંત્ર છે.? આપણે હવે કેમ શોધીએ કે એ ફર્જી ડોક્યુમેન્ટ્સ કોણે આપ્યા હતા.” ગુસ્સામાં રાઘવે લોબીમાં રહેલી એક ખુરશીને લાત મારી.
“સર કોઈને કોઈ વિકલ્પ તો મળશે જ. ઉપરવાળો એમાં આપણો સાથ આપશે.”
“સુભાષ અહી મારો ઉપરવાળો આપણો સાથ નથી આપતો અને તું હજુ એ ઉપરવાળાની વાત કરશ. ઉપરવાળો...” અત્યંત આવેશયુક્ત સ્વરમાં બોલતા બોલતા રાઘવ અટક્યો અને ઉપર જોવા લાગ્યો.! “ઉપરવાળો સાથ આપી શકે છે સુભાષ. જો ઉપર CCTV કેમેરા.!”
“હું એ જ કહેવા માંગતો હતો સર.” મેં કહ્યું અને અમે બંનેએ હળવું હાસ્ય માણી લીધું. આખા દિવસના તનાવ બાદ આ પહેલીવાર અમને લોકોને રાહતના સમાચાર મળ્યા હતા.
“સુભાષ, જે કોઈ ડોક્યુમેન્ટ્સ દેવા આવ્યું હશે એનો ચેહરો આ CCTV કેમેરામાં જરૂર કેદ થયો હશે. ભગવાન કરે એ વ્યક્તિ પેલા છ આતંકીઓમાંનો એક ન હોય. નહીતર ફરીથી આ કેસ સોલ્વ કરવો અઘરો બની જશે. તું એક કામ કર તું પલ્લવીને અહી લેતો આવ કદાચ એ શખ્સ જો તેનો જાણીતો નીકળે તો આપણને કેસ સોલ્વ કરવામાં મદદ મળી શકે. ત્યાં સુધી હું તપાસ કરું કે ચોક્કસ કયા સમયે અપરાધી અહી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા આવેલો.” રાઘવે કહ્યું.
@ @ @
“સર એ બ્લેક સફારી કાર નંબર DL ૧૨ XX OOOOનું જયારે રજીસ્ટ્રેશન થયેલું એની તમામ વિગતો જેમકે તારીખ, વાર અને સમય આ પત્રકમાં આપેલ છે.” હું પલ્લવી સાથે ફરી એકવાર RTO પહોંચ્યો હતો. કેટલાક લોકોને પૂછતા પૂછતા અમે લોકો આ રૂમમાં આવી પહોંચેલા જ્યાં રાઘવ એક કર્મચારી સાથે તપાસ કરી રહ્યો હતો. પેલા કર્મચારીએ કહ્યું એટલે રાઘવે પેલું પત્રક તેના હાથમાંથી લીધું અને તેમાં જોવા લાગ્યો.
“જુઓ મને આ સમયે ડોક્યુમેન્ટ જમા કરાવવા આવેલા વ્યક્તિનો ચેહરો જોવો છે. આપને ત્યાં આ બધા CCTV કેમેરાઓ લાગેલા છે એના પરથી અમે એ વ્યક્તિની ઓળખાણ કરી શકીશું. મને જ્યાં એ કેમેરાનો રેકોર્ડ રાખવામાં આવતો હોય છે ત્યાં લઇ ચાલો.” રાઘવે કહ્યું. ત્યારબાદ પત્રકને બંધ કરીને બંને જણા રૂમમાંથી બહાર નીકળવા લાગ્યા. રૂમમાંથી બહાર નીકળતી વખતે રાઘવનું ધ્યાન મારા અને પલ્લવી પર પડ્યું.
“અરરે સુભાષ અને પલ્લવી તમે બંને આવી પહોંચ્યા, સરસ ચાલો હવે આપણે એને ઓળખીએ જે પલ્લવી કેલકરના ડોક્યુમેન્ટ્સ આપી બ્લેક સફારી કારનું રજીસ્ટ્રેશન કરાવી ગયેલ છે.” અમારી પાસે આવીને રાઘવે કહ્યું.
“જુઓ મિસ પલ્લવી, તમે જેટલા અમને સહાયક બનશો અમે પણ એટલા જ તમને મદદરૂપ બની શકીશું. હું આશા રાખું છું કે એ વ્યક્તિની સાચેસાચી ઓળખાણ આપવામાં તમે અમારી સહાય કરશો આનાથી તમે આ કેસના ચુંગાલમાંથી હમેશા માટે ફ્રિ થઇ જશો આ વાતની હું તમને ખાતરી આપુ છું.”
“એસપી સર, હું પણ એ વ્યક્તિને સજા અપાવવા આતુર છું જેણે આ ખૂની તાંડવ રચેલું. એ વ્યક્તિ કે જેના લીધે મને છેલ્લા અમુક દિવસોથી હેરાન-પરેશાન થવું પડ્યું તેની ઓળખાણ આપવામાં હું તમને બનતી સહાય કરીશ.” અમે RTOની લોબીમાંથી પસાર થઇ રહ્યા હતા. પલ્લવી અને રાઘવ બંને ચાલતા-ચાલતા વાતો કરી રહ્યા હતા. પેલો કર્મચારી એક રૂમ તરફ વળ્યો એટલે અમે એની પાછળ ગયા. અમે સૌ લોકો એક રૂમની અંદર દાખલ થયા. ત્યાં કેટલાક કમ્પ્યુટર રહેલા હતા જેના પર RTOમાં આવેલા દરેકે દરેક CCTV કેમેરાનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પેલા કર્મચારીના કહેવાથી કમ્પ્યુટર સામેની ખુરશી પર બેઠેલ કર્મચારી કમ્પ્યુટરના કિ-બોર્ડ પર પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યો.
કમ્પ્યુટર પર બેઠેલા કર્મચારીએ અમુક સર્ચિંગની પ્રક્રિયાઓ પૂરી કરી હતી અને એ દિવસના દ્રશ્યો અમારી સામેના કમ્પ્યુટર સ્ક્રીન પર હતા જયારે એ શકમંદ વ્યક્તિ બ્લેક સફારી કારના રજીસ્ટ્રેશન માટે પલ્લવીના ડોક્યુમેન્ટ્સ આપી ગયેલો.
“મિસ પલ્લવી મારા ખ્યાલથી તમે એ વ્યક્તિને સહેલાઈથી ઓળખી શકશો. એ વ્યક્તિ તમારો જાણીતો જ હોવો જોઈએ કારણ કે મેં હમણાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જાણી છે એના ફોર્મમાં અમુક બાબતો એવી પૂછેલી હોય છે જે તમારા ખુબ અંગત લોકોને જ ખબર હોઈ શકે છે અને એ ફોર્મમાં ભરેલી તમારી વિગતો પણ અમે તપાસી છે. આવી વિગતોને મેં સુભાષ સાથે મળીને ક્રોસચેક પણ કરી લીધી છે. એ વ્યક્તિએ તમારી સંપૂર્ણ રીતે સાચેસાચી વિગતો ફોર્મમાં ભરી છે.” રાઘવ અદબવાળીને કર્મચારીની ખુરશીની પાછળ ઉભો હતો. પલ્લવી તેની બાજુમાં ઉભી હતી અને હું બંનેની પાછળ.
“હું એને નહિ છોડું જેણે આવી ઘટનાને અંજામ આપવા મારી વિગતોનો દુરુપયોગ કર્યો.” પલ્લવી એ કહ્યું.
“એક કલાક પાછળ લઇ જાઓ... હમમ હવે સ્ટાર્ટ કરો.” કમ્પ્યુટર પર બેસેલા કર્મચારીને અમારી સાથે આવેલા કર્મચારીએ કહ્યું. “સર એ બ્લેક સફારી કારનું જયારે રજીસ્ટ્રેશન થયેલું એના એક કલાક આગળ અને પાછળની CCTV ફૂટેજ જોઈશું તો કદાચ એ વ્યક્તિ એમાં દેખાઈ આવશે.” પાછળ ફરીને અમારી સાથે આવેલા કર્મચારીએ કહ્યું.
“જી બિલકુલ, પલ્લવી હવે તમે અહી જ નજર રાખજો.” રાઘવે કહ્યું. હવેનો માહોલ દિલધડક બની રહ્યો હતો. અમે સૌ નક્કર પુરાવો મેળવવાની અણી ઉપર હતા. આગંતુક વ્યક્તિ જે રજીસ્ટ્રેશન ડેસ્ક પર બ્લેક સફારી કાર નંબર DL ૧૨ XX OOOOના રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા આવે એ જો પલ્લવીનો જાણીતો નીકળે તો કેસ અહી જ સોલ્વ થઇ જવાની પુરેપુરી સંભાવના રહેલી હતી. આંખનું મટકું માર્યા વગર હું, રાઘવ અને પલ્લવી કમ્પ્યુટરના સ્ક્રીન પર થનારી એકએક ગતિવિધિને જોઈ રહ્યા.
“સર આપણે એ સમયની ખુબ નજીક છીએ જે સમયે એ કારનું રજીસ્ટ્રેશન થયું હતું.” કર્મચારીએ કહ્યું.
“ઓકે હવે ગતિ થોડી ધીમી કરો અને જો જો હવે શકમંદને જોવાનું ચુકી ન જવાય.” રાઘવે કહ્યું.
“પ્રોબેબલી આ હોઈ શકે વી આર ઓન એક્સેટ ટાઇમ.” સ્ક્રીન પર એક વ્યક્તિ દેખાતા કર્મચારીએ કહ્યું.
“ઓકે સ્ટોપ, નાવ ઝૂમ ઈટ, ફોકસ...ફોકસ...હજુ થોડું ઝૂમ કરો...ઓકે નાવ ફ્રિઝ ઈટ.!” કારનું રજીસ્ટ્રેશન થયેલું એ ચોક્કસ ટાઇમએ એક વ્યક્તિ પર શંકા જેવું લાગતા અમે તેને ધ્યાનથી જોવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમ્યાન ઝુમીંગની પ્રક્રિયાને માર્ગદર્શિત કરતા રાઘવ બોલ્યો. ઝુમીંગની પ્રક્રિયાને અંતે એક ચેહરો અમારા સામેના કમ્પ્યુટરની સ્ક્રીન પર હતો. ખુબ વધી ગયેલી દાઢી સાથે બ્લેક ટી-શર્ટમાં સજ્જ એ વ્યક્તિને અમે જોયો. એ વ્યક્તિને જોયા બાદ રાઘવે પલ્લવી સામે નજર કરી. રાઘવ પ્રશ્નાર્થ ભાવે પલ્લવી સામે જોઈ રહ્યો. બંને કર્મચારીઓનું ધ્યાન પણ અમારા સૌ પર જ હતું. એ શકમંદનો ચેહરો જોઈ હું અને પલ્લવી બંને એકબીજા સામે જોવા લાગ્યા. એ શકમંદનો ચેહરો જોઈ આશ્ચર્ય અને તીવ્ર આઘાતની મિશ્ર લાગણીના લીધે પલ્લવી ત્યાં જ બેભાન થઈને ઢળી પડી.
@ @ @
“એ કોણ હતું એસપી સર.?” સુભાષ કોહલી જયારે જયારે રાત્રે કહાનીને અંત આપતા ત્યારે તેમનો અવાજ ધીમો પડી જતો, ચેહરો તંગ બની જતો અને કોઈને કોઈ ઝટકો લાગે એવી વાત જરૂર તેમના મોઢે સાંભળવા મળતી.
“આખરે ઘણા સમયથી જે અભેદ્ય હતો એ કિલ્લો ઢળ્યો, આખરે ઘણા દિવસથી જેની રાહ જોવાતી હતી એ પુરાવો મળ્યો, ઘણા સમયથી જે કોયડો વણઉકેલ્યો રહ્યો હતો એનો આખરે ભેદ ખુલ્યો.” સુભાષ કોહલી તેમની આગવી છટામાં બોલી રહ્યા હતા. એકવાર ફરી આંચકો આપે એવું સત્ય સાંભળવા માટે નિહારિકાએ પોતાના કાન સરવા કર્યા.
“કમ્પ્યુટરની સ્ક્રીન પર જે ચેહરો દેખાણો એને ઓળખવામાં થોડી વાર લાગી કેમકે એ વ્યક્તિએ પોતાના દેખાવમાં ખાસ્સો એવો બદલાવ લાવેલો હતો. પરંતુ આખરે એને ઓળખવાથી પલ્લવીને ઊંડો ઝટકો લાગ્યો અને તે બેભાન થઈને ઢળી પડી. પલ્લવીના બેભાન થવાથી રાઘવે મારી તરફ એક નજર નાખી. આશ્ચર્ય અને આઘાતની તીવ્ર લાગણીમાં હું બેભાન પલ્લવીને અવગણીને કમ્પ્યુટરની સ્ક્રીન તરફ તાકી રહ્યો. સ્ક્રીન પર દેખાઈ રહેલો વ્યક્તિ રણજીત હતો, પલ્લવીનો પતિ અને મારો એક સમયનો ખાસ મિત્ર રણજીત હતો.” નિહારીકાએ ફરી પેન ઉપાડીને હાથ દોડાવવા લાગી.
“સર આ સ્ટોરી દરરોજ ભયંકર ઝટકાઓ આપે છે. આને સાંભળતા સાંભળતા ક્યાંક હું પણ બેભાન થઈને ઢળી ન પડું.! મારે આવતીકાલથી અમુક મેડીસીન્સ સાથે રાખવી જોઇશે.” લખાણ પૂરું કરીને નિહારીકાએ કહ્યું.
“આજે થોડું લાંબુ ચાલ્યું. રાત ખુબ વિતી ગઈ છે, નિહારિકા ચાલો હું તમને તમારા ઘરે મુકતો આવું.” એસપી સાહેબે કહ્યું.
“નહિ નહિ હું જતી રહીશ. તમને કોઈપણ જાતની તકલીફ લેવાની જરૂર નથી સર.” નિહારીકાએ પેન અને ડાયરી પોતાના બેગમાં મુક્યા ત્યારબાદ બેગ ઉપાડીને ઉભી થતાં કહ્યું.
“તકલીફની કોઈ વાત નથી અને આમે પોલીસની ડ્યુટી છે લોકોની સેવા કરવી. ચાલો મારી સાથે.” એસપી સુભાષ કોહલી પણ સોફા પરથી ઉભા થયા. ગાડીની ચાવી લીધી અને પલ્લવીને ઇશારાથી પોતે બહાર જઈ રહ્યા છે એમ સમજાવ્યું. ત્યારબાદ બંને લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા. પોલિસ કોલોનીમાં નિરવ શાંતિ જણાઈ રહી હતી. આવતીકાલે આગળની કહાની સાંભળવા નિહારિકા તત્પર હતી.
@ @ @