Mithi madhuri prem keri pida in Gujarati Magazine by Paru Desai books and stories PDF | મીઠી મધુરી પ્રેમ કેરી પીડા

Featured Books
Categories
Share

મીઠી મધુરી પ્રેમ કેરી પીડા

મીઠી મધુરી પ્રેમ કેરી પીડા

પ્રેમ કહો તો ઢાઈ અક્ષર, માનો તો બંદગી, વિચારો તો ઊંડો સાગર,

કરો તો આસાન, નિભાવો તો મુશ્કેલ .

કોઈની ગેરહાજરીમાં પણ જેની હાજરી મહેસુસ થાય તે તમારો પ્રેમ. સત્યના પાયા પર નિખાલસતાથી બંધાયેલા આ સંબંધમાં દુઃખ પહોંચ્યાની કે છેતરાયાની લાગણી ન અનુભવાય ત્યારે સમજવું કે તમે ધોધમાર પ્રેમમાં પલળ્યા છો. આ પ્રેમ જ પ્રેમ નિભાવવાની કળા શીખવી દે છે. કઈંક જતું કરીને પણ વગર કહ્યે ગંઠાવું ગમે તેવી આ સરકી ગાંઠ છે. ,એટલે જ પહેલી નજરે પ્રેમ થતો નથી. એ જ રીતે પ્રીત પરાણે કરાતી કે કરાવાતી નથી. એ તો ધીરે ધીરે કેળવાય, ક્યારેક રિબાવે પણ. જેના વિષે પૂરી ખબર પણ ન હોય અને એના થઇ જવાય તે પ્રેમ. તેની સાથે વાત કરતા આપમેળે જ પોતાની કથા –વ્યથા ઠલવાઈ જાય. જેની માટે જાતને કથીરમાંથી કંચન બનાવવાની પ્રેરણા મળે, તેમ કરવાની ઈચ્છા થાય તે પ્રેમ. આ પ્રેમને છોડની જેમ પોષણ આપવું પડે. વાવીને ભૂલી જાવ તો તે પણ છોડ ની જેમ સુકાઈ જાય. જો સાચવો તો રેશમના પોત જેમ વર્ષો સુધી ટકે એ માટે જરા પંપાળતા, સંભાળતા રહેવું જોઈએ. આ માટે નિસ્વાર્થ સંવાદ અને પરસ્પરની સંભાળ લેવી જરૂરી બને. છેવટે ઘૂંટાયેલો પ્રેમ ઘાટો બને. વિશ્વાસ અને સમજદારીનો જો અભાવ હોય તો આ લાગણીભીના સંબંધો ગોઠવાવાને બદલે ગૂંચવાઈને સૂકાભઠ થઇ જાય. પ્રિયજનની આંખમાં સ્વપ્ના ભરી દિલથી તે પૂરા કરવા મચી પડવાની ઈચ્છા થાય ત્યાં મોહ નથી વિષાદ પણ નથી. જીવનમાં ગમે તેટલું ભૌતિક,સામાજિક સુખ હોય પરંતુ એક જ વ્યક્તિનો પ્રેમ મળે તો જ આ બધું સુખ સાત્વિક બની જઈ બમણું અનુભવાય અને ન મળે તો જીવનભર ‘ખાલીપો’ રહે.

પણ.....પણ.....પણ એવું લાગે છે ને કે આવું બધું તો માત્ર ટી.વી., ફિલ્મ કે ફેન્ટેસી માં જ હોય. હા, તમે કઈંક અંશે સાચા હશો કારણકે હકીકતમાં આપણે જે જોઈએ છીએ એ તો વળી જુદું જ હોય છે. સામાન્યતઃ સુંદર દેખાવ, સંપત્તિ, સમૃદ્ધ ભવિષ્ય જોઈ –તપાસીને સેટિંગ કરાય છે અને તેને જ ‘પ્રેમ’ નું નામ અપાય છે. યુવક સુંદરતા અને યુવતી ધનની ભવ્યતાની શોધ કરતા રહે છે. ‘હૂક – અપ્સ’ ના આ જમાનામાં આ શાયરી ગવાતી રહે ---

ચાંદને લાવું તારા ચોકમાં, ગુલાબની પાંખડી લગાવું તારા હોઠમાં,

હીરાના હર પહેરવું ડોકમાં પણ મારી પાસે વફાદારી માગ મા.

ફાવે ત્યાં સુધી સાથે હરવા-ફરવા અને રહેવાનું. ન ફાવે તો ‘તું તારે રસ્તે અને હું મારા માર્ગે’ આ જ મંત્ર અપનાવનારને પ્રેમ થયો હોતો નથી. માત્ર ફલર્ટ જ હોય છે. પ્રેમ સંબંધ માં ગંભીરતા રહી નથી. જલસા કરી લેવાની પરસ્પર સંમતિ હોય જ. અહીં છુટા પડ્યા પછી બીજું પાત્ર શોધવાની જલ્દી હોય છે માટે કોઈ પીડા હોતી નથી. કારણકે પ્રેક્ટીકલ વ્યક્તિ પ્રેમ કરી શકતી નથી. આમ સરવાળાની અપેક્ષા એ કે ગુણાકારની લાલચે પ્રેમ ન થાય. બાદબાકી તૈયારી હોય અને ભાગાકારનો સ્હેજ પણ દર ના હોય તો જ પ્રેમ નિભાવી શકાય.

ક્યાંક એવા યુવકો હોય કે જે દિલોજાનથી યુવતીને પ્રેમ કરતા હોય. પ્ર્રેમીકાનો ‘દેવ’ બની મુશ્કેલીઓનો સામનો કરી , જવાબદારી લઇ જિંદગીભર સાથ નિભાવવા તૈયાર હોય પણ યુવતી તેની આર્થિક સ્થિતિ કે અન્ય કોઈ નબળી બાજુ ને કારણે ફાયદાકારક સીમ કાર્ડ ની જેમ એ પાત્ર ને બદલી નાખે ત્યારે યુવક સ્વાભાવિક જ નિરાશ થઈ ‘દેવદાસ’ બની જાય. તો ઘણા કિસ્સામાં યુવતી એ દિલ ચીરીને પ્રેમ કર્યો હોય, ઘણાંય અવગુણોને પણ ગળે લગાવીને, સમાજના વિરોધ-વંટોળ વચ્ચે પણ તેનો જ સાથ દેવા ઈચ્છતી હોય તે છતાં એ ભ્રમરવૃત્તિ ધરાવતો યુવક તેણીને છોડી જાય ત્યારે અપાર વેદના શૂળ બની દિલમાં ભોંકાય જ. આ સ્થિતિ માં દુઃખ તો થાય પણ પોતાને મળેલું પાત્ર ‘પ્રેમ’ ને લાયક જ ન હતું એમ માનવું જ ઉચિત છે.

પરંતુ ક્યાંક પ્રેમી યુગલ છુટા પડ્યા પછી પરસ્પર બેવફાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ કરતા જોવા મળે. તો ક્યાંક હત્યા પણ કરે અથવા બંને સાથે મળી આત્મહત્યા નું પગલું ભરે. શું આ પ્રેમ છે? ના. લાગણીમાં પળોટાયેલા પ્રેમમાં નફરત કે ઝઘડાને તો સ્થાન જ નથી. મતભેદ સ્વાભાવિક છે પણ મનભેદ તો ન જ હોય. પ્રેમ તો જીવવાનું બળ આપે. નિર્મળપણે વહેતું પ્રેમ રૂપી ઝરણું જયારે વ્યક્તિની નિયત ખોટી હોય ત્યારે ગંદાપાણીનું ખાબોચિયું બની જતું હોય છે. વાસના જ મરવા-મારવા ઉશ્કેરે છે. પ્રેમ પતન નહિ, પ્રગતિ કરાવે. પણ ભીંત પર સમુદ્ર નું ચિત્ર જોઇને એક્વેરિયમની માછલી ગેલમાં આવીને કુદી પડે તેમ સુંદર દેખાવ કે સંપત્તિ જોઈ યુવાપેઢી ‘ઘેલછા’ માં હોય ત્યારે છુટા પડ્યા પછી સ્વાર્થ અને બદલાની આગમાં ખુદ પણ બળે અને નકારાત્મક આવેગમાં ગુનાહિત પ્રવૃત્તિ કરી બેસે. હકીકતમાં પ્રેમ હોય ત્યાં માલિકીભાવ કે ઈર્ષા હોઈ જ ન શકે.

પ્રેમ થયા પછી અનુકુળતાએ લગ્ન કર્યા હોય પછી પણ સતત ઝગડા કરતા, લગ્ન બાહ્ય સંબંધો રાખતા અને છૂટાછેડા લેતા યુગલો પણ સમાજ માં જોવા મળે છે. ત્યારે સ્વાભાવિક જ એમ થાય કે પ્રેમ માં તો અગાઉ એકબીજાને જાણી સમજી ને નિર્ણય લીધો હોય તો આવું કેમ બને? અહી એમ લાગે કે માત્ર દેખાવે ગમતી વ્યક્તિ સાથે ૨-૩ વર્ષ ફેશન, ફેન્ટસી, ફિલ્મ અને પરસ્પર ખોટા વખાણ માં જ ખોવાયેલા રહ્યા હોય.ગુણ-અવગુણ, પોતાની ઈચ્છા વિષે નિખાલસતાથી વાત ન થઇ હોય. વળી જ્ઞાતિ –ધર્મ, કુટુંબ ના રીતિરીવાજો સ્વીકારવાની તૈયારી ન હોય. ભવિષ્ય માં આવનારી શક્ય મુશ્કેલીઓ વિષે ચર્ચા- વિચારણા કરી જ ન હોય. પરસ્પરના વિચારોની કદર કરી સમજદારી કેળવવામાં ઉણા ઉતરે. લગ્ન પહેલા તન ખુલી ગયા હોય પણ મન ની વાતો ખૂલી રીતે ન થઇ હોય. આકર્ષણના પગલે અસત્ય ના પાયા પર રચાયેલા હવાઈ કિલ્લા બાંધ્યા હોય. વિશ્વાસ અને વફાદારીના અભાવે લગ્ન બાદ વાસ્તવિકતાની સમજણ આવતી જાય તેમ તેમ કાંગરા ખરતા જાય. સહનશીલતાના અભાવે સમાધાનની તૈયારી હોય નહિ. વળી, કોઈ એક પાત્ર ની અહમની આગમાં ‘પ્રેમ’ હોમાઈ જાય ત્યારે અન્ય પાત્ર નું જીવન રાખ બની જાય. જે લોકો સમજુ છે તેઓ માટે તો પ્રેમ થકી જીવન એક ઉત્સવ જ બની રોજ રોજ ઉજવાતો જાય.

તમે કોઈને પ્રેમ કરતા હો અને તમને કોઈ પ્રેમ કરતુ હોય એના જેવી ધન્યતા જીવનમાં બીજી કોઈ નથી. પ્રેમને કારણે જીવન જીવવા જેવું લાગે. જે વ્યક્તિ સાથે વૃદ્ધ થવા મન સમંત થાય તે પ્રિયજનને કોઈ પણ પ્રકારના કારણ વગર બેસુમાર પ્રેમ કરવો એ તો નસીબદાર માણસ કહેવાય. કારણકે પ્રેમ દરેક ને થતો નથી. અનાયાસે વાતચીતમાં, ધીરે ધીરે પ્રેમ થઇ જતો હોય છે. ભરચક મેદની વચ્ચે પણ આંખોથી સંદેશો વહેતો હોય. એકમેકની તબિયતની, સગવડની ખુશી ની ચિંતા કર્યા કરતા રહે. પણ પ્રેમ નો મારગ પથરીલો અને કાંટાળો તેમજ કસોટી કરનારો ખરો ને ! દિલ હૈ તો દર્દ હોગા, દર્દ હૈ તો ફિર દિલ ભી હોગા. પંખી, નદી, પવન ને સરહદો કે કોઈ અન્ય સીમાડા નથી હોતા પણ પ્રેમીઓ ને ઘણીવાર સમાજના રીતી-રીવાજો, ધર્મ, જ્ઞાતિ કે ઉમરના સીમાડા નદી જતા હોય છે. કોઈ તેને ઓળંગીને જીતી જતા હોય તો કોઈ પોતે હારીને પ્રિયજનને છોડી દે ત્યારે મન –હૃદયમાં કંડારાયેલી એ સ્મૃતિઓનું વિસર્જન ક્યાંય થઇ શકતું નથી. ઉલટું જુદા પડ્યા પછી તો તેના પડઘા ગુંજતા રહે. ક્યારેક તેની યાદમાં એટલા લીન થઇ જવાય કે તેને પામવાનું અને મળવાનું પણ ભૂલાય જાય એવું પણ બને. રંજના અગ્રવાલ આ વિષે મન ની સ્થિતિ વર્ણવતા કહે છે

‘કાગઝ કે ઘરોંદો મે એક ઉમ્ર બિતાની હૈ, ઇસ પર યે હિદાયત હૈ યે બાત છુપાની હૈ’

સાચા પ્રેમ ની સાબિતી તો નથી હોતી તો છેડો પણ નથી હોતો. કોઈને ગુન્હેગાર ગણી નફરત પણ નથી હોતી. બસ જીવનમાં એક માત્ર પ્રિયજનની ખુશી જ ધ્યેય બની જાય. ન બદલાની ભાવના ન દ્વેષ કે રીસ. તનથી અલગ પણ મન થી લગોલગ. બેહિસાબ કરેલી મહોબ્બતમાં મીનાકુમારીજી ની શાયરી યાદ આવી જાય

‘હસ હસ કે જવાં દિલ કે હમ કયો ન ચૂને ટુકડે, હર શખ્સ કી કિસ્મત મેં ઇનામ નહિ હોતા’

પારુલ દેસાઈ

9429502180

parujdesai@gmail.com