Dhak Dhak Girl - Part - 15 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ભાગ ૧૫

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ભાગ ૧૫

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧૫]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

પરીક્ષાનાં બે દિવસ પહેલા ધડકનનો મેસેજ આવ્યો કે તન્વીએ કૉલેજમાંથી પોતાનું નામ કઢાવી નાખ્યું છે અને મોટેભાગે તે આગળ ભણવાની નથી.

મેં તેનો મેસેજ બે વખત વાંચ્યો અને પછી ડીલીટ કરી નાખ્યો.
મનમાં એક આશા હતી કે તન્વીને લગતી આ છેલ્લી માહિતી છે કદાચ.
હવે આનાં આગળ તેની અથવા તેને લગતી કોઈ પણ વાત મારા..અમારા..આયુષ્યમાં હવે પછી ક્યારેય આવશે નહીં..કદાચ.

ધડકનની પરીક્ષા પૂરી થવાની તારીખ હું દિવસો ગણી ગણીને નજીક લાવતો રહ્યો.
તેની પરીક્ષાનું આખેઆખું ટાઈમ-ટેબલ મને મોઢે હતું કે ક્યાં દિવસે કયા સમયે તેનું કયા વિષયનું પેપર હશે..ને એવું બધું.

.

આ સમયગાળામાં મેં ધડકનને ક્યારેય કોઈ ન તો કોઈ ફોન-કૉલ કર્યો કે ન કોઈ મેસેજ, તો રૂબરૂ મળવાનો તો સવાલ જ ઉભો નહોતો થતો.
સીધીસાદી 'ઓલ ધ બેસ્ટ'ની વિશ પણ મેં તેને નહોતી પાઠવી.
મારી બેસ્ટ વીશીસ તો જો કે હમેશા તેની સાથે જ હતી.. હશે જ.. અને તે વાત ધડકન પણ ચોક્કસપણે જાણતી જ હતી.
મારે તેની સ્ટડીઝમાં કોઈ પણ પ્રકારનો વ્યત્યય લાવવો નહોતો, ઉલ્ટું હું પોતે પણ મારા કામમાં પૂર્ણ લક્ષ આપીને ને તેમાં રત રહેવા લાગ્યો.
સવારે લવકર લવકર ઓફિસે પહોચી જવાનું..તો સાંજે બને એટલું મોડે સુધી ત્યાં રોકાઈને કામ આટોપવાનું.
ગમે તેમ કરીને મારે મારું રીલીઝ ધડકનની પરીક્ષા પહેલા પૂરું કરી નાખવું હતું.
તે પછીની વેળા મારે ફક્ત અમારા બંને માટે જ જોઈતી હતી ઑફીસના કોઈ પણ ફાલતું ટેન્શન વગરની.
આમ કામની બાબતમાં હું ફુલ્લી ચાર્જ્ડ થયેલો હતો અને મારી હાથ નીચેના જુનિયરોને પણ મેં આમ જ કામે લગાવી રાખ્યા.
હું ટીમ-લીડ હોવાને કારણે તેઓ કંઈ બોલી નહોતા શકતા, ને તે હું સમજી શકતો હતો. મને તેઓની દયા પણ આવતી હતી કે વિનાકારણ હું તેમને અન્ડર પ્રેશર રાખતો હતો. પણ મને તે દિવસોમાં ફક્ત મારો પ્રેમ જ મહત્વનો લાગતો હતો.
ખુબ તડપ્યો હતો હું તેને માટે અને હવે જયારે મને જોઈતો મારો મનગમતો પ્રેમ મળવાનો હતો ત્યારે તેના માટે હું જે જરૂરી હોય તે બધું જ કરવા તૈયાર હતો.

.

ધડકનનું છેલ્લું પેપર જે દિવસે હતું તેની આગલી સાંજે મારો પ્રોજેક્ટ ઓલમોસ્ટ રેડી ટુ રીલીઝ હતો. રાતનાં સાડા બાર વાગી ગયા હતા.
ટેસ્ટ-ટીમે તેને સફળતાપૂર્વક ટેસ્ટ કરીને થમ્સ-અપ કરી દીધું હતું, ને હવે મારે ફક્ત મારા સિનિયર્સ અને ક્લાએન્ટને રીલીઝ-મેઈલ જ મોકલવાનો બાકી હતો.
ને ત્યારે મને ધડકનનો વિચાર આવ્યો કે શું કરતી હશે તે અત્યારે?

મને યાદ આવ્યું કે આવતીકાલનું તેનું છેલ્લું પેપર બાકીના પેપર્સની સરખામણીએ ઘણું ઇઝી છે તેવું તે પોતાનું ટાઈમ-ટેબલ મને આપતી વખતે બોલી હતી અને તે છે પણ ફક્ત પચાસ માર્ક્સનું જ.
તો પછી હવે અત્યારે તેની સાથે થોડી વાત કરું તો તેને ખાસ કોઈ ડીસ્ટર્બ તો નહીં જ થાય.
તે જાગતી હશે અત્યારે? વાંચતી હશે કે પછી સુઈ ગઈ હશે?

મેં તેનો નમ્બર ડાયલ કર્યો.
બસ એકાદી જ રીંગ વાગી હશે ને તેણે ફોન ઉપાડી લીધો.

"હાય તન્મય.." -ખુબ ખુબ ખુબ મીઠો..મધમાં સાકરમાં ઘોળેલો તેનો અવાજ કાનમાં રેડાયો અને સુપર રીફ્રેશ થઇ ગયા જેવું મને લાગ્યું.

"મેં તને ડીસ્ટર્બ તો નથી કરી ને?" -શક્ય એટલા ધીમા અવાજે મારી બાજુના ક્યુબીક્લમાંનું કોઈ સાંભળી ન શકે તેમ હું બોલ્યો.

"ટેલીપથી.. યુ સી તન્મય.. મને પણ હમણાં બસ એવું જ મનમાં થઇ આવ્યું હતું કે તને ફોન કરું." -ધડકન પણ એકદમ ફોનની બાજુમાં આવીને જ બોલતી હતી કદાચ બહાર તેના મમ્મી-પપ્પા સાંભળી ન જાય એવી રીતે.

[યાર.. ધીસ લવ થીંગ ઈઝ જસ્ટ ઓસ્સમ.. આમ અધરાતે ચોરી ચોરી છાનું છાનું વાતો કરવાની મજા તો બસ જેણે પ્રેમ કર્યો હોય તે જ જાણે. ધડકનનાં અવાજમાં રહેલ થ્રિલ અને રોમાંચ હું સાફ સાફ ફીલ કરી શકતો હતો.]

"માઈ રીલીઝ ઈઝ જસ્ટ ઓન ધ વે. હજીયે અડધો-પોણો કલાક બાકી છે ને..ખુબ થાકી ગયો છું.. તો થયું કે તને ફોન કરું."

"ડોન્ટ પુશ ટૂ હાર્ડ તન્મય. તબિયતની કાળજી રાખજે. આઈ..આઈ નીડ યુ રેસ્ટ ઑફ માઈ લાઈફ."

[ધડકન ખુબ ધીમા અવાજમાં બોલી, પણ સાચું કહું મિત્રો, તોય આ સાંભળીને મારું તો રોમે રોમ ઉત્તેજિત થઇ ગયું. એવું લાગ્યું.. એવું લાગ્યું કે જાણે કે મારા બંને કાનની બુટ ગરમ થઇ ગઈ હોય. જાણે..જાણે હૃદયની જગ્યા પર ધડધડ..ધડધડ દોડતી કોઈ એક્સ્પ્રેસ ટ્રેન રહી હોય.]

"ડાઈંગ ટુ સી યુ ટુમોરો.. ખુબ બધી ઈમ્પોર્ટન્ટ વાતો કરવી છે તને. -અવાજમાં પેલું તોફાનીપણું લાવી ને હું બોલ્યો.

"આઈ નો, યુ નૉટી.. બટ સેમ હિયર." -ધડકન બોલી.

"ચલ હવે વધુ ડીસ્ટર્બ નથી કરતો તને. ફોન રાખું છું હું હવે. ઓલરાઈટ?

"ઓલરાઈટ તન્મય. સી યુ ટુમોરો. ગુડ નાઈટ"

"વેરી ગુડ નાઈટ.."

.

[ખરું તો, મને ફોન મુકવાની બિલકુલ ઈચ્છા જ નહોતી થતી એટલે ધડકન ફોન મુકે તેની વાટ જોતો હું ફોન પકડીને ખમી રહ્યો. થોડીક પળો એમ જ શાંતતામાં વીતી ગઈ. ધડકનનાં શ્વાસોશ્વાસનો અવાજ મને સામે છેડેથી સંભળાઈ રહ્યો હતો.]

"તન્મય.." -ધડકન આખરે બોલી.

"હમ્મ્મ.."

"મુઆઆઆહહ" -અને હું કંઈ કહું તે પહેલાં જ તેણે ફોન ડીસકનેક્ટ કરી નાખ્યો.

.

ટેસ્ટ-ટીમે દર વખતની જેમ જ આ વખતે પણ વણજોઈતા ફાલતું પ્રોસેસ ફોલો કરી કરીને પ્રોજેક્ટ રીલીઝ કરવામાં રાતનાં અઢી વગાડી દીધા. તે પછી રીલીઝનો મેઈલ મોકલીને હું ઘરે પહોંચ્યો તો સાડા ત્રણ વાગી ગયા અને પલંગમાં જયારે હું પડ્યો ત્યારે અડધો ઊંઘમાં તો અડધો તંદ્રામાં હતો.

મારી ધકધક ગર્લની યાદોને વાગોળતો હું ક્યારે ઊંઘી ગયો તે ખબર ન પડી ને સવારે ઊંઘ ઉડી તો મમ્મીએ ચાલુ કરેલા મિક્સરના મોટા અવાજને કારણે.
ઘડિયાળમાં જોયું તો પોણા અગીયાર વાગી ગયેલા.

"હજી પંદર મિનીટ અને ધડકનનું પેપર શરુ થશે." -જાગતાની સાથે જ પથારીમાં પડ્યા પડ્યા મેં સૌ પ્રથમ આ વિચાર્યું- "અને બે કલાક પછી હું મારી હૃદય-રાણીને મળીશ.. ખુલ્લા દિલે..વગર કોઈ ટેન્શને.

આરીસામાં મેં મારો ચહેરો જોયો.
આ રીલીઝે તો મારી આખેઆખી વાટ લગાવી દીધી હતી.
દાઢી વધી ગયેલી હતી.
ચહેરો નિસ્તેજ અને આંખો બોઝલ લાગી રહી હતી.

તરત જ કપડા પહેર્યા અને સીધો સલૂનમાં ગયો.
કલાકેકમાં વાળ ટ્રીમ કરાવ્યા..દાઢી શેવ કરાવી..હજામ પાસે મસ્ત ફેસ-મસાજ કરાવ્યું
અને તે પછી બહાર નીકળ્યો ત્યારે ફરી માણસ બન્યો હોઉં તેવું લાગ્યું.
ઘરે જઈ હોટ-વોટર શાવર લઈને ફ્રેશ થયો ને મારા ફેવરેટ શર્ટ-પેન્ટ પહેરીને ઘડિયાળમાં જોયું તો બાર વાગ્યા હતા. ને બસ તેટલામાં જ..
મોબાઈલની રીંગ રણકી.
સામે છેડે ધડકન હતી.
મેં ફરી ઘડિયાળ તરફ જોયું..તેનું પેપર તો એક વાગે પૂરું થવાનું હતું..!

'હલ્લો.."

"કૉલેજના ગેટ પર સાડા બારે મળ."

"સાડા બારે? પણ તારું પેપર તો એક વાગે પૂરું થવાનું છે ને? ને તું છે ક્યાં અત્યારે?"

"હું રેસ્ટ-રૂમમાં છું. આઈ કાન્ટ વેઇટ ટીલ વન ટુ મીટ યુ. અને જેટલું પેપર લખ્યું છે તેટલું પાસ થઇ જવા માટે પુરતું છે. તો સી યુ એટ ૧૨.૩૦ એન્ડ ડોન્ટ બી લેટ."

"પણ ધડકન પર્સન્ટેજ ઓછા આવશે ને.."

"ફ* વિથ ધ પર્સન્ટેજ. આઈ કાન્ટ વેઇટ મોર. યુ બેટર બી ઓન ટાઈમ. ઓકે?"
હું આગળ કંઈ બોલું તે પહેલા તો તેણે ફોન રાખી દીધો.

આ પાગલપન હતું..સરાસર પાગલપન.
તેના અવાજમાં એક્ઝાઈટમેન્ટ હતી..રોમાન્સ હતો
અને આ બધું મને પણ ઘેલો બનાવવા માટે પુરતું હતું.

મેં પટકન બધું આટોપી લીધું અને બાઈકને કીક મારીને ધડકનની કૉલેજ તરફ તેને મારી મૂકી.
ટ્રાફિકમાં જેમતેમ ગાડી ઘુસાવતો, શક્ય હોય ત્યાં સિગ્નલ તોડતો, રસ્તા વચ્ચે ચાલતા પાદચારીઓ અને વાંકડી તુકડી ચલાવતા રીક્ષાવાળાઓને ગાળો ભાંડતો ગમે તેમ હું વેળાસર ત્યાં પહોચી ગયો.
ગાડી મેઈન સ્ટેન્ડ પર લગાવતો જ હતો કે કેમ્પસમાંથી મને ધડકનને આવતી દેખાઈ.

.

મારા સમગ્ર શરીરમાં એક વિચિત્ર પ્રકારની સંવેદના દોડવી શરુ થઇ ગઈ, જાણે કે શરીરના પ્રત્યેક સ્નાયુ ધડકનને પોતાની આશ્લેષમાં લઇ લેવા તલપાપડ થઇ ઉઠ્યા હોય..જાણે કેટલાય વર્ષો પછી હું તેને મળી રહ્યો હોઉં..જાણે તે મારા જીસમનો એક અવિભાજ્ય અંગ જ હોય તેમ ગજબની તાલાવેલી ઉપડી આવી મારા તનબદનમાં.

હું ધડકન સાથે કંઈ વાત કરું, તેને ગ્રીટ કરું, તે પહેલા જ તે મારી સાવ નજીક આવી ગઈ અને હળવેથી જ બોલી- "કઈ પણ મૂરખ જેવું કરતો નહીં. અમારી એચઓડી મારી પાછળ જ આવે છે."

મેં પાછળ નજર કરી.
બે સ્ત્રીઓ ગેટમાંથી બહાર આવી રહી હતી.
તેમની એકને તો હું ઓળખી જ ગયો.
જયારે પહેલી વાર હું આ કૉલેજમાં તન્વી સાથે આવ્યો હતો ત્યારે અમારી ચોકશી કરવા માટે તેણે અમને બંનેને રસ્તામાં જ રોક્યા હતા.
બહુતે'ક તો તે પણ મને ઓળખી જ ગઈ.
પણ ત્યારે હું તન્વી સાથે હતો અને આજે ધડકન સાથે.
થોડું કુતુહલ..થોડો અચંબો..અને પછી ચાલે ચાલે હવે આ બધું એવા કોઈક ભાવ તેના ચહેરા પર આવી ગયા અને તે બંને ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર અમારી આગળ નીકળી ગયા.
આમેય આ વખતે તો હું ગેટની બહાર ઉભો હતો કંઈ પણ કહેવાનો તેમને આમ જોઈએ તો કોઈ જ હક્ક નહોતો.

ખેર, મેં ધડકનની સામે જોયું.
"ટેઈક મી અવે.. ફાર ફ્રોમ ધીસ ક્રાઉડ. વીલ યુ?" -ધડકન પોતાની લટોને ઉલાળતા બોલી.
"એઝ યુ વીશ મૅમ.." કહીને મેં બાઈક સ્ટાર્ટ કરી.

મેં અરીસામાં જોયું તો ધડકન મારી સામે જ જોઈ રહી હતી અને અમારી બંનેની નજરાનજરી થઇ.

"બહુ ખરાબ આદત છે તારી આ તન્મય બધો વખત મિરરમાં જોવાની. આગળ જોઇને ચલાવ ગાડી." - ધડકન લટકા ભરેલા ગુસ્સામાં બોલી.

હું ચુપચાપ ગાડી ચલાવવા માંડ્યો અને તેને પહેલીવાર જોઈ ત્યાંથી લઈને અત્યાર સુધીની બધી જ સ્મૃતિઓ મારા મગજમાં એક ફિલ્મ-પટ્ટીની જેમ ચાલવા માંડી.

કૉલેજમાં પહેલી વાર જોતા જ 'આ જ મારી માનીતી' જેના ઉપર જીવ ઓવારી જવાનો થયેલો આવિષ્કાર..બે મુલાકાતમાં જ તન્વીને વિસારીને પૂર્ણપણે ધડકનના પ્રેમમાં પડ્યાનો સાક્ષાત્કાર..સીટી લાઈબ્રેરીમાં તે બધાં છાનગપતીયા..તન્વીના મેરેજના દિવસે દારૂનો બાર હોવા છતાં ફક્ત મને જ મળવા માટે બેધડક અંદર ઘુસી આવેલી ધડકન..તન્વીની સાસરવાડીએ પૂજામાં જતી વખતે બાઈક પર વિતાવેલી તે મધુર ક્ષણો ને તે દરમ્યાન તેનો થયેલો પ્રથમ સ્પર્શ..આનંદના હિંડોળા પરથી નીચે પટકનાર બેંગ્લોરના તે બે-ત્રણ દિવસો..ધડકન વગર વિતાવેલા તે બે-ત્રણ અઠવાડિયાઓ..અને તન્વી સાથે મારી બાજુએથી મારા માટે ઝગડનારી ધડકન.. બધું જ જાણે કે મારા હૃદય-પટલ પર કોતરાઈ ગયું હતું..કાયમ માટે.

"શું વિચાર કરે છે ક્યારનો? -ધડકનનાં પ્રશ્ને મને ફરી ભાનમાં આણ્યો.

"કંઈ નહીં.. આમ જ બધા સપનાઓ તે.. યાદ આવી રહ્યું હતું પાછળનું બધું. કોઈના માટે જીવ એટલો ઝૂરી રહ્યો હતો..લાગે છે આજે તે શમણું પૂરું થશે."

"ઓ..એવું છે? કોના માટે?"

"છે એક.. એવી જ કોઈ મીઠડી છોકરી."
અને મારી પીઠ પર એક એવો ઝીણો ચીમટો તેણે ભર્યો કે મારા મોઢામાંથી તેનાં જેવો જ મીઠો એક સિસકારો નીકળી ગયો.

.

સાધારણ વીસ-પચીસ કિલોમીટર ગયા પછી ગામ બહાર એક ટેકરી પરથી ડુંગર તરફ જતા રસ્તા પર મેં ગાડી વાળી લીધી.
આજુબાજુમાં ગીચ ઝાડીઓ હતી એટલે ક્ષણાર્ધમાં તો હવામાં એક ઠંડક પ્રસરી ગઈ.
થોડા ખરાબ રસ્તા પર આગળ ગયા બાદ આગળ એક મોટો ટેકરો હતો, તેની ઉપર મેં ગાડી થંભાવી.
તેની નીચે જોતા ગામનો મસ્ત મજાનો વ્યુ મળતો હતો.

"વાઉ, શું મસ્ત જગા છે આ તન્મય. તન્વી સાથે કાયમ શું તું અહીં જ આવતો કે?” -ધડકને મશ્કરી ભર્યા સ્વરે પૂછ્યું.

"બસ કર ને હવે..અહીંયા તો હવે તન્વીને તાણીને ના લાવ..!"

"સૉરી.." -ધડકન બંને હાથે પોતાનાં કાનની એકએક બુટ પકડતા બોલી.

ફક્ત સુસવાટા મારતા પવનનો અને તેનાથી હાલતી ઝાડીઓનો અવાજ જ સંભળાતો હતો બાકી સર્વત્ર પ્રચંડ શાંતતા હતી.
હું અને ધડકન..બંને એકમેક તરફ જોતા ક્ષણભર ચુપચાપ ઉભા રહ્યા.
તે મારાથી બસ થોડા જ કદમ દુર હતી.
મેં મારા બંને હાથ હવામાં પ્રસાર્યા.
તે મનોમન હસી અને નજર નીચી નાખી ધીમે ગતિએ માર્રી તરફ બે કદમ આગળ વધી અને પછી..
દોડીને આવીને મને જોશભેર વળગી પડી.
"બસ, આના માટે તો..આના માટે જ તો કર્યો હતો આ બધો ઉદ્યોગ" -મનમાં એક વિચાર ઝબકી ગયો.

કેટલી પળો, કેટલો સમય અમે એકમેકના આશ્લેષમાં હતા કોને ખબર.
જાણે કે અમારા અસ્તિત્વની ઓળખ જ અમે વિસરી ગયા હતા.
જાણે આજુબાજુ કંઈ હતું જ નહીં.
કદાચ અમે પોતે જ આ દુનિયામાં નહોતા..આ પૃથ્વી પર નહોતા.

લોકો કહે છે- સ્વર્ગ કોણે જોયું છે..?

આજે છાતી ઠોકીને હું કહી શકું છું કે- હા, મેં જોયું છે સ્વર્ગ જોયું છે.. મેં જોયું છે સ્વર્ગ..!

.
.

"સાંજે શું કરે છે આજે?" -પાછા ફરતી વખતે તેનાં ઘરથી થોડે દુર છૂટી પડતા પહેલા ધડકને મને પૂછ્યું.

"આજની જ શું કામ? હવે પછીની પ્રત્યેક સવાર બપોર ને સાંજ અને રાત ફક્ત અને ફક્ત તમારી જ છે મેડમ. તમે બોલો અને અમે સાંભળીશું."

"ઈનફ હો.. બહુ ફ્લરટીંગ થઇ ગયું તારું હવે."

"ઓકે ચલ ઠીક છે. શું કહેતી'તી તું સાંજ માટે?"

"સાંજે સાડા સાતે મારા ઘરે આવ. તારો ભેટો કરાવી દઉં મમ્મી-પપ્પા સાથે." -બાઈક પરથી નીચે ઉતરતા તે બોલી.

"અરે? ફરજીયાત છે કે?" -ધડકનનાં મમ્મી પપ્પા ય છે તે વાત તો જાણે હું તો સાવ ભૂલી જ ગયો હતો. તો તેણે જયારે આ વાત કરી તો હું હોશમાં આવ્યો- "અને આ ભેટો કરાવી દઉં તે શું છે.. સીધેસીધી મુલાકાત કરાવી નથી શકતી કે? કેટલો ડેન્જર વર્ડ વાપરે છે યાર તું તો."

"કેમ? એવું કેમ લાગ્યું?"

"જો ને..કેટલાય હિન્દી મુવીઝમાં હોય છે તેમ પપ્પા જો પંજાબી હોય તે મોસ્ટલી મીલીટરીમાં જ હોય અને હીરો જયારે છોકરીના ઘરે જાય ત્યારે મોટેભાગે તો તે પોતાની ગન સાફ કરતા હોય છે."

"લોલ્ઝ..!"

"અને અથવા તો તેનાં ઘરે કોઈ મોટ્ટો શિકારી કુતરો હોય કે જે હીરોનું જોરદાર સ્વાગત કરતો હોય છે."

"હા, રાઈટ. એવું જ હોય છે."

"તો તારા ઘરે કોણ છે ? કેવું છે? શું છે? કંઇક હિન્ટ આપ ને યાર."

"એ તો તું ઘરે આવ એટલે સારી પેઠે ખબર પડશે."

"વૉટ???"

“આઈ ડોન્ટ નો એનીથિંગ એલ્સ. બસ તું ઘરે આવ સાંજે સાડા સાતે શાર્પ. બાય." -કહેતી ધડકન પાછળ જોયા વગર પોતાનો હાથ વેવ કરતી ચાલી ગઈ ને હું પાછળ ઉભો તેને જતી જોઈ રહ્યો.

.

તો સાંજે તેનાં ઘરે જવાનું આમંત્રણ છે.
હવે..આમંત્રણ છે કે પછી સમન્સ નીકળ્યું છે મારા નામનું તે તો દેવ જાણે. હવે હા પાડી જ છે તો જવું જ રહ્યું. આજે નહીં તો કાલે આ કામ કરવું તો પડશે જ.

ત્યાં કેવું સ્વાગત થવાનું છે, કાળના પેટમાં શું છે એ હું કાળા માથાનો માનવી તો શું જાણી શકવાનો..! [ક્રમશ:]

.

__અશ્વિન મજીઠિયા..