ખતરો, ભય, બીક એક એવી લાગણી છે જે કોઈપણ પ્રાણીને સ્વાર્થી બનવા મજબુર કરી નાખે છે.
તેને પણ એકવાર તો હાશકારો થયો જ કે ખતરો તેની ઉપર નહિ પણ તેની સાથી મુસાફર તરફ વળ્યો. પણ, બીજી જ ક્ષણે ભાન થયું કે લુંટ થઇ રહી છે એટલે આ છોકરી પછી તેનો પણ વારો આવશે જ. એટલે તેણે પોતાનું પર્સ ખાલી કરવા માંડ્યું અને જે મળે તે બાજુમાં જ ઉભા રહી ગયેલા છોકરા તરફ ધર્યું. ત્રણે છોકરાઓ એકબીજા સામે જોઈ મુસ્કુરવા લાગ્યા.
“પાછળ જોયા વગર અહીંથી દોટ મુક અને જો પાછળ જોયું તો મરી સમજ.” ચપ્પુ બતાવી ઉભેલા છોકરાએ પેલી બીજી છોકરીને સંભળાવ્યું.
જાણે કમ્પ્યુટર ઉપર કમાંડ અપાયો હોય તેમ વાક્ય પૂરું થતા તો પેલી છોકરી પાછું ફરી દોડવા લાગી. આ જોઈ તેનું મગજ જાણે સુન્ન થઇ ગયું.
ત્રણ છોકરા અને તે પોતે એમ ચારે જણા પેલી દોડતી છોકરીને અંધારામાં અલોપ થતી જોઈ રહયા. તેના સેન્ડલનો આવાજ બંધ થતા સુધી બધા એક જ દિશામાં તાકી રહ્યા.
હમણાં જે રાહતનો અનુભવ હતો એ ક્ષણમાં જ અજાણ્યા ખતરામા પલટાઈ ગયો. હવે શું થશે શું નહિના વિચારો ટુકડાઓમાં તેના વિચારમાનસ ઉપરથી સડસડાટ પસાર થવા લાગ્યા. જાણે ફિલ્મ ફાસ્ટ ફોરવર્ડ થઇ રહી હોય. લુંટ....બળાત્કાર....હત્યા.....ખંડણી...દુશ્મની....ઘર....લગ્ન...જીવ લઇને ભાગું??
છેલ્લો વિચાર તેને થોડી ભાનમાં લાવ્યો અને તેનો અમલ કરે ત્યાં સુધીમાં તો એક છરી તેના ગરદન ઉપર મુકાઈ ગઈ હતી. તે કશું બોલી ના શકી, ફક્ત એક ડૂસકું ભરાઈ ગયું. તેનો આવાજ પણ ના નીકળી શક્યો કદાચ ડૂસકું રુદનમાં પરિવર્તિત થાય અને છરી ગરદનમાં સરકી જાય તો??
“મેડમ, અંદર બેસી જાઓ.” છરી થોડી વધુ નજીક લાવી તે છોકરાએ ઓટો બાજુ ઈશારો કર્યો. તે કઈ જ બોલી ના શકી. ફક્ત તેના હાથમાં રહેલો હેન્ડકર્ચીફ હોઠ ઉપર દબાવી ડુસકા ભરવા લાગી અને તેની સુચનાનો અમલ કર્યો.
તેની ગભરાહટનો અંદાજ એ ઉપરથી જ આવી જાય કે તેણે પ્રતિકાર કરવાનો કોઈ જ પ્રયત્ન ના કર્યો. તેનું મંદ રડવું જોઈ ના શકાય તો તે તેની મરજીથી જ તેમની સાથે જઈ રહી હતી તેવો ભાસ કરાવે. પણ જીવનમાં ખાલી સાંભળેલી ખોફ્નાખ ઘટનાઓમાંથી એક એવી “અપહરણ” ની ઘટના તે આજે પોતે અનુભવી રહી હતી. હજુ તો તેના અપહરણનો હેતુ પણ ખબર પડી નોહતી એટલે ગભરાહટ ખુબ જ રહે તે સ્વાભાવિક હતું. એ જ ગભરાહટ તેને અપહરણકારોની સુચના મુજબ વર્તવા મજબુર કરી રહ્યો હતી.
તેણે એક લાચારી ભરી નજર આજુ-બાજુ નાખી કે કદાચ કોઈ છૂટવાની તક દેખાય. અફસોસ! શહેરમાં પણ આટલી નિર્જન જગ્યાઓ હોય છે તે તેને આજે પહેલીવાર સમજાયું.
“હમ્મ્મ્મ....” પાછળથી આટલા જ ઉદગાર સાથે પીઠમાં એક હળવો ધક્કો આવ્યો.
કોઈ જ આશા ના દેખાતા તે રિક્ષામાં અંદર બેસી ગઈ. અંદર બેસતાની સાથેજ બંને બાજુથી એક એક છોકરો તેની બાજુમાં બેસી ગયો. ડાબી સાઈડથી આવેલા છોકરાના હાથમાં કાળો રૂમાલ હતો જે તેણે તેની આંખો ફરતે બાંધવા કોશિશ કરી.
“પણ, હું આવવા તો તૈયાર છું, મારી આંખો ના બંધો પ્લીઝ.” તેણે થોડો વિરોધ કર્યો પણ સુરમાં આજીજી હતી.
“ઓય, તારું મો બંધ રાખીશ તો તું ફાયદામાં રહીશ એટલું યાદ રાખજે.” જમણી બાજુ હાથમાં છરી લઇ બેઠેલો છોકરો તડૂક્યો.
“ચલ ઓયે રિક્ષા ચાલુ કર.” તેણે ડ્રાયવર સીટ ઉપર બેઠેલા છોકરાને છરીવાળા હાથથી ગોદો માર્યો.
બાજુવાળાએ પાછું કપડું આંખો ઉપર બાંધવાની તજવીજ કરી. આ વખતે તેને વિરોધ ના કરવામાં જ ભલાઈ લાગી.
હવે તેની આંખો આગળ ફક્ત ઘોર અંધારું જ હતું. ફક્ત ઓટોરિક્ષાનો આવાજ અને આવતા પવનના સુસવાટા તે અનુભવી શકતી હતી. હજુ સુધી તેનું પર્સ તેણે મજબૂતીથી તેના ખોળામાં દબાવી રાખેલું હતું કારણ કે તેમાં જ તેનો મોબાઈલ હતો. તે મોકો મળે તેની જ રાહ જોવા લાગી જેથી મોબાઈલનો ઉપયોગ કરી કોઈને જણાવી શકે.
રોડના વળાંકોમાં તે જમણી-ડાબી બાજુ બેઠેલા છોકરાના ખભા ઉપર ઢળતી હતી તેથી રિક્ષા કઈ દિશામાં વળી એટલું જ તેને ખબર પડતી. પણ કયા વિસ્તારમાંથી તે પસાર થઇ રહી છે, કે કઈ દિશામાં તેઓ જઈ રહ્યા હતા તે કોઈ જ જાણકારી તે ખુબ જ તાગ લગાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ ના લગાવી શકી.
તેના બીબાઢાળ એકધાર્યા પ્રગતિ-પ્રગતિની લ્હાયમાં વિતાવેલા જીવન ઉપર તેને આજે ગુસ્સો આવવા લાગ્યો.
“થોડો સમય કાઢીને રખડું મિત્રો સાથે જો રખડપટ્ટી કરી હોત તો? બહુ દુર નહિ પણ આજુ-બાજુનો વિસ્તાર પણ ખુન્દ્યો હોત તો?” અત્યારે તે અંધારા ઊંડાણમાં થઇ રહેલા કુંડાળામાં દુર સુધી જોઈ અને આવા વિચારો કરી રહી હતી જે ફક્ત પસ્તાવાના નિશ્વાસ સિવાય કઈ જ આપી શકવાના નોહતા.
“જો આમ કર્યું હતો તો? જો તેમ કર્યું હોત તો?” આજ જો-અને-તો વચ્ચે તે જમણી અને ડાબી તરફ ઝોલા ખાતી કોઈ અજાણ્યા ભવિષ્ય તરફ ધકેલાઈ રહી હતી.
થોડા સમયની ખામોશી પછી રિક્ષાન એન્જિનાના કર્કશ આવાજ વચ્ચે ફક્ત તેને એક જ વાક્ય સંભળાયું.
“આ બાજુ લે.” તેના જમણા કાનમાં પહેલો ધ્વની તરંગો ટકરાવાનું તેણે અનુભવ્યું એટલે તે સમજી શકી કે જમણી બાજુમાં બેઠેલા છોકરા એ ડ્રાયવરને કોઈ રસ્તા ઉપર દોર્યો. તરત જ તે ડાબી બાજુમાં થોડું ઢળી પડી અને પાછી પોતાની જાતને સંભાળી લીધી.
“હમ..જમણી બાજુ વળ્યા.” તેના દિમાગમાંથી આટલો વિચાર પસાર થયો. અને તરત જ આજુ-બાજુની સાથે હવે તે થોડી ઉપર-નીચે પણ ઠેબલાવા લાગી. “મુખ્ય રસ્તા ઉપરથી કાચા રસ્તા તરફ વળ્યા.” તેણે થોડું મગજ ઉપર જોર આપ્યું કે તેના એરિયામાં ક્યાં-ક્યાં કાચા રસ્તા છે. પણ તેના દરેક અનુમાન લગાવવાના પ્રયત્ન ઉપર તેને આજે ગુસ્સો જ આવતો હતો. તેને ગમતું “ઘર-કૂકડી”નું ઉપનામ આજે તેને ચુભી રહ્યું હતું.
દરેક હલન-ચલન પછી તરત જ તે પોતાની સ્થિતિમાં આવી જતી. તે શ્વાસ પણ એવી રીતે લેતી કે તેની હલન-ચલનને વિરોધ સમજી પેલી છરી ગાળામાંથી લોહીનો ફુવારો ચૂસતી ના થઇ જાય. જો કે તે અંદાજ પણ નોહતી લગાવી શકતી કે છરી ગરદનની નજીક છે કે પેલાના ખિસ્સામાં, પણ, જોખમ શું લેવા વહોરવાનું? તે ચુપ-ચાપ બેસી રહી.
“પાછળ સ્વીફ્ટ દેખાતી નથી.” ડાબી બાજુ બેઠેલો બીજો છોકરો કદાચ પાછળ જોઈ બોલ્યો. બીજા બંનેમાંથી કોઈએ જવાબ ના આપ્યો. તેન લાગ્યું કે ઘણી બધી વાતો ફક્ત ઇશારાથી થતી હશે જેથી પોતે કશો તાગ મેળવી ના શકે.
અચાનક!!
રિક્ષા ઝટકા ખાવા લાગી અને ઉભી રહી ગઈ. રિક્ષાનુ એન્જીન બંધ થતા જ તેના કાન સરવા થયા. પણ ચારે બાજુ સુનકર સિવાય કઈ જ સાંભળી ના શકી. આજુબાજુમાં કોઈ વસ્તી ના હોવાનો તેને અંદાજ આવી ગયો. બીજી કોઈ ગાડીઓની પણ આ રસ્તા ઉપર અવર-જવર ના લાગી.
“હવે આ લોકો શું કરશે?” તેના વધેલા ધબકારા તેને સાંભળવા લાગ્યા. જાણે દરેક ધબકાર સાથે આખી હચમચી જવા લાગી. તેણે અનુભવ્યું કે તેની ડાબી બાજુ બેઠેલો છોકરો એ જ બાજુથી નીચે ઉતરી ગયો.
“શું થયું લા?” તેણે ઉતરતા જ પૂછ્યું.
“પેટ્રોલ પતી ગયું.” બીજો એક અવાજ સંભળાયો.
“મજીદયો કઈ રહી ગયો, પાછળ જો તો ગાડી આવે છે?” બાજુમાં બેઠેલા છરીવાળા છોકરાએ ઘુરકીયું કર્યું.
“ક્યારનો પાછળ જોયા કરું છું, દેખાતો જ નથી કુતરો.”
“તો રાહ કોની જોવે છે? ફોન કર ને એને, પીકનીકમાં નીકળ્યા છે?” ફરી બાજુમાં બેઠેલો છોકરો તડૂક્યો.
થોડી સેકંડોની શાંતિ પથારી ગઈ. સન્નાટો એટલો હતો કે તેને સામેવાળાના ફોનમાં નંબર ડાયલ થયો તે સાંભળી શકતી હતી.
“સુનો ના સંગેમરમર, કી યે મિનારે...”તેને કોલર ટયુન હળવા અવાજમાં સંભળાતી હતી.
“હા, હાલો, કઈ છું ભઈ?” આટલું બોલતા તે થોડો દુર ખસ્યો હોય એવું લાગ્યું. ફરી થોડી વાર શાંતિ થઇ ગઈ અને છેલ્લે ફક્ત “ઓકે, તો અમે આગળ નીકળીએ છે.” આટલું જ સંભળાયું અને તેના પગલા નજીક આવતા સંભળાયા.
“પંક્ચર..” આટલું જ બોલ્યો તે નજીક આવી ને.
“બુડથલ છે એક નબરનો સાલો.” બાજુમાં બેઠેલો છોકરો હવે ખુબ ગુસ્સે થયો હોય તેવું લાગ્યું. આમાં તેનો કોઈ જ વાંક ના હતો અને યોજના પણ અપહરણકારો બગડી હતી પણ ગભરાહટ તેની વધવા લાગી. તે ખુબ જ ડરી ગઈ હતી.
“હવે અહી રસ્તા ઉપર ભવેડો નથી કરવાનો. તું આને જો.” આટલું સાંભળતા જ તેણે અનુભવ્યું કે તેના ખોળામાં દબાવેલું પર્સ કોઈ ખેંચી રહ્યું હતું.
અંદર રહેલો મોબાઈલ...મોકો મળ્યે કોઈને ફોન કે મેસેજ કરવાની તેની યોજના...બધું નિષ્ફળ જશે એવા વિચારે તેણે પર્સને થોડું મજબૂતીથી દબાવ્યું.
“મેડમ, આ પર્સ હું ચાકુનો ઘસરકો હાથ ઉપર પાડીને પણ લઇ શકું છું.” તે થોડું અટકી આટલું જ બોલ્યો. ત્યાં તો તેણે પર્સને છુટું મૂકી દીધું.
“તું આને મારી પાછળ લેતો આવ અને તું રિક્ષાને થોડો ધક્કો મારી આમ અંદરની બાજુ દબાવી દે. બીજી કોઈ વ્યવસ્થા કરવી પડશે.” તે બોલતા બોલતા દુર ચાલ્યો હોય તેવું ધ્વનિના અવરોહો ઉપરથી લાગ્યું.
તેનો ડાબો હાથ બાવડેથી કોઈએ પકડ્યો.
“ચાલ, નીચે ઉતર.” આ કદાચ પેલા ડ્રાયવર છોકરાનો અવાજ હતો. હવે તેને પ્રતિકાર કરવાની કોઈ ઈચ્છા જ ના થઇ. તે સરળતાથી નીચે ઉતારી અને પેલો દોરે એ દિશામાં ચાલવા લાગી. પગ નીચે નદીની રેતી, છુટા-છવાયા પથ્થર અફળાવા લાગ્યા. તેણે અનુભવ્યું કે કોઈ નદી કિનારો છે. પણ, તરત જ તે વિચારવા લાગી કે આટલા નજીકમાં કોઈ નદી તો છે નહિ.
તેમના પગલા પડઘાવા લાગ્યા અને ચાલતા તે એક કોઈ પીલ્લર સાથે અફળાઈ એટલે તેને અંદાજ આવી ગયો કે કોઈ કામ ચાલુ હોય એવી બિલ્ડીંગમાં તેને લઇ જવામાં આવી રહી છે. સ્થળ મહેસૂસ થતા જ તેને ભયાનક ધ્રુજારી છૂટી ગઈ. તેણે વિચાર્યું કે ઝટકાથી હાથ છોડાવી દોડું, પણ, આંખો ઉપર કસીને મજબુત બાંધેલો પટ્ટો છોડતા સુધીમાં જો ક્યાંક ભટકાઈ ગઈ તો? એ વિચાર તો પડતો જ મુક્યો પણ પ્રતિકાર કરવો તો જરૂરી જ હતો હવે. જીવ જાય તો જાય પણ આવા ગીધડાઓ તો મને ના જ કોચી ખાવા જોઈએ....
તે અટકી ગઈ અને મજબૂતીથી તેના પગ જમીન સાથે ભીસ્યા.
પેલાને પ્રતિકાર મહેસૂસ થતા એકવાર તેણે જોરથી બાવડું ખેંચી જોયું. તે ડગી ગઈ, થોડી હાલી ગઈ પણ પગની મજબૂતાઈ એવી જ રાખી.
“સીધી-મીધી ચલ નહીતો થપ્પડ પડશે.” પેલો કરાઝ્યો. તેણે ડાબા હાથથી કાંડું પણ પકડ્યું અને બંને હાથથી ખેંચવા લાગ્યો.
“ઓય છોડ એને.” પેલો આગળ ચાલેલો સાથીદાર પાછો નજીક આવ્યો હોય એવું લાગ્યું.
“જો ને બે, એકદમ અટકી ગઈ છે. જોર કરે છે.”
“છોડ તું.” આટલું સંભાળતા જ તેનો હાથ છૂટી ગયો. તે જમણા હાથથી તેના ડાબા હાથના કાંડાને મસળતી નીચું જોઈ ઉભી રહી ગઈ. આંખો ઉપર બાંધેલા પટ્ટાની નીચે થોડી ભીનાશ થઇ ગઈ. તે રડી પડી પણ અવાજ બહાર ના આવવા દીધો.
“જુઓ મેડમ, અમે ચિઠ્ઠીના ચાકર છીએ. કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે અને અમારે તમને ત્યાં પહોચાડવાના છે, સહીસલામત.” તેના અવાજમાં થોડી નરમાસ પહેલીવાર અનુભવાઈ રહી.
“તમે સહકાર આપશો તો તમને ઈજા ઓછી પહોચશે.” આ વાક્યમાં પણ નરમાસ તો હતી જ પણ ફક્ત શબ્દોમાં મતલબમાં તો કઠોરતા જ હતી.
“અહી આ બાજુ આવી અને બેસી જાઓ.” તેણે તેનું બાવડું પકડી તેને એકબાજુ દોરી. આ વારે-વારે સ્લીવલેસ ટોપના કારણે ઉઘાડા રહેતા બાવડા ઉપર થતો સ્પર્શ તેણે અકળાવી રહ્યો હતો. પણ તે લાચાર હતી. તેણે અનુભવ્યું કે તેને દોરીને દાદરના પગથીયા ઉપર બેસાડવામાં આવી હતી.
થોડી ક્ષણોની શાંતિ પછી ફરી તેને નજીકમાં જ તેનો અવાજ ફોન ઉપર વાત કરતો સંભળાયો.
“હાલો....યાર ગાડી જોઈએ છે તારી.....થોડા દિવસ લાગશે.....રાજ્યની બહાર જવાનું છે એક કામ થી....” વાત કરતા કરતા તે દુર ચાલ્યો ગયો હતો એટલે એ પછીના વાક્યો તે સાંભળી શકી નહિ.
“રાજ્યની બહાર..???” ક્યાંક કોઈ બહુમોટા રેકેટમાં તો ફસાવા જઈ નથી રહીને.....તે થથરી ગઈ.....