vartama varta in Gujarati Short Stories by Prafull shah books and stories PDF | vartama varta

Featured Books
Categories
Share

vartama varta

વારતામાં વારતા

-----------------

અમારું ગામ ખોબા જેટલું કહીએ તો પણ કોઈને ખોટું લાગે નહીં. એમાં અમારા નવજુવાન વડા પ્રધાન અમારા ગામે આવીને વિકાસની વાતો કરી ગયાં. જુવાન વર્ગ ખુશ થઈ ગયો. હથેળીમાં નહીં પણ સૌનાં આંગણે ચાંદ બતાવ્યો. દેશનો વિકાસ ભણતર વિના થવો મુશ્કેલ છે, એ વાત ભાર પૂર્વક સમજાવી. સરકારની મદદથી ગામમાં એક રુમની શાળા બાંધી. ઉત્સાહી એનઆરઆઈ એ ઉત્સાહ દર્શાવી વહીવટ હાથમાં લીધો.

આખરે ઉત્સુકતાનો અંત આવ્યો.સૌની નજરમાં ઘડિયાળનો નાનો અને મોટો કાંટો પાંચ પર ક્યારે ભેગો થાય એનો ઈંતજાર હતો. બેત્રણ છોકરાંઓ અમારા ભણી આવતાં દેખાયા. સુવાળું સ્મિત અમારા મોં પર ફરી વળ્યું. તેઓને આવકાર આપ્યો. ધીમે ધીમે ક્લાસરુમ ભરાતો ગયો. છ વાગ્યાં. લગભગ તીસ જણાની ભીડ એકઠી થઈ ગઈ. અમારા માટે સંતોષની વાત હતી.પ્રવાહ અટકી ગયો છે, એવું લાગતાં અમે ક્લાસ રુમમાં પ્રવેશ્યાં. તાળીઓનાં ગૂંજનમાં હરખનો ઉન્માદ છવાઈ ગયો.એકબીજાની આંખોમાં આંખ ભેળવી બે દિલોની દૂરી દૂર કરી એકબીજાનાં થઈ એકત્વ ભેળવ્યું.

હવે વારતા કોન કહે એ નક્કી કરવાનું હતું. તું તું મૈં મૈં ની રમત શરુ થઈ. આખરે લક્કી ડ્રો નક્કી થયું. બધાએ ડબ્બામાં પોતાના નામની કાપલી નાખવી. જેનું નામ આવે તેને કોઈપણ એક વાર્તા કહેવાની. પરિણામ જાહેર થયું. નામ હતું બિરજુ. અર્થાત હું પોતે. એનારાઈ વસંત પટેલ સંચાલક બન્યાં. મેં અંગૂઠા અને બે આંગળીથી મારું કોલર ટાઈટ કરી સંચાલકની બાજુમાં તાળીઓનાં ગડગડાટમાં મારાં સ્થાને ઊભો રહયો. સંચાલકની દરમ્યાનગીરીથી સૌના ચહેરાં પર સભ્યતાની લહેર ફરી વળી.

સૌએ મૌનની ડાળી પર ઝૂલવાનું શરું કરી દીધું.

હસતાં હસતાં મેં વાર્તા શરુ કરી. મિત્રો, એક કાગડો હતો.

એક કાગડો થોડો હોય?

શું કાગડાનો દુકાળ પડ્યો હતો?

શું કાગડાઓ વિદેશની સફરે ગયાં હતાં?

નાનો સરખો શોરબકોર થઈ ગયો. સંચાલકે ટેબલ પર હથેળી થપથપાવી.અચાનક ઓટ આવી ગઈ.શાંતિનું ધુમ્મસ છવાઈ ગયું.

દોસ્તો કાગડો કે કાગડા કશો ફરક મને પડતો નથી.પણ મારી વાર્તામાં કાગડો છે. જે કોઈ મારી સાથે સમંત ના થાય તે પોતે મારી બદલે પોતાની વાર્તા રજૂ કરી શકે છે.

સોરી સોરી કહી સૌ ચૂપ થઈ ગયાં.

તો દોસ્તો, એક કાગડો હતો. કાગડાને ભૂખ લાગી..

ભાઈ,તમારી ભૂલ થાય છે. કાગડાને તરસ લાગી એવું મેં સાંભળ્યું હતું.

જી. તમે સાચા છો. પણ મારી વારતામાં કાગડો ભૂખ્યો થાય છે. મેં ઊંચા સાદે કહ્યું.

સંચાલક પટેલ હસી પડ્યાં. અને કહ્યું કે પહેલાં ભૂખ લાગે, પછી તરસ લાગે.

ઓકે ઓકે. ભઈ સાબ મારી ભૂલ થઈ. આગળ વધો..

ભૂખ લાગી. આસપાસ જોયું. કશું નજરમાં ના આવ્યું. બપોર થવા આવી.

ભઈ આ કયા ગામની વારતા છે. હું તો રોજ રોટલીનાં ટુકડા નાખું છું.

આખરે એની નજરમાં એક શાળા પડી. છોકરાઓ રમતાં હતાં. આ જોઈ એ કાગડો નિરાશ થયો. થાકીને એક ઝાડ પર બેસી ગયો. અચાનક એ ઝબક્યો.જાણે પાગલ જેવો થઈ ગયો.જે વૃક્ષ પર બેઠો હતો તે વૃક્ષનાં ઓટલા પર એક નાનો છોકરો હાથમાં પૂરી લઈ ખાઈ રહ્યો હતો.

પૂરીને જોતાં કાગડાંની ભૂખ ચૂલા પર મૂકેલા પાણીની જેમ કૂદકે ને ભૂસકે ઉકળવા લાગી.એક ક્ષણ થયું લાવ તરાપ મારીને છીનવી લઉં. પણ તેને આ કૃત્ય માં હેવાનિયત લાગી. ભારતીય સંસ્કૃતિ તેનાં વિચારોમાં જે વણાઈ ગઈ હતી તે હથોડાં ટીપવા લાગી. કાગડાપણું ફગાવી કા..કા.. કરવા લાગ્યો. છોકરાએ હસતાં હસતાં ઉપર જોયું. " આવો કાગડા ભાઈ, અરધી પૂરી તમારી, અરધી મારી, તમને પણ મારી જેમ ભૂખ લાગી છે કેમ ખરું ને?" કહી અરધી પૂરી પ્રેમથી જમીન પર મૂકી. કાગડો શરમાઈ ગયો. શું કરવું વિચારવા લાગ્યો. એટલામાં ચીં ચીં કરતી ચકલીબેન એમનાં ગ્રુપમાં આવી પહોંચ્યાં. પૂરીનાં કટકા જોઈ આનંદમાં ઝપાઝપી કરવા લાગ્યાં. કાગડો આ દ્રશ્ય જોઈ પોતાની જાતને કોસવા લાગ્યો.આંખે અંધારા આવવા લાગ્યાં. ભૂખથી રહીસહી ઉડવાની શક્તિ પણ નષ્ટ પામી હતી. ચકલીબેનો પૂરીની ઉજાણી કરી ઠેકડાં મારતાં મારતાં ઊડી ગયાં. પેલો છોકરો ઝાડ પર બેઠેલાં કાગડાંને જોઈ રહ્યો હતો. પાણીની બોટલ ખોલી પાણી પીવા ગયો કે કાગડાએ ફરીથી કા..કા.. કર્યું. પેલો છોકરો મૂંઝાણો. એક ઘૂંટ પાણી પોતે પીવે કે કાગડાંને આપે? પાણી પોતાનાં ખોબામાં લઈ કાગડા સામે ધર્યું. કાગડો ખુશ થયો. તરસ ને ભૂખનું સમનવય કરી તરસ છીપાવી કાગડો કા..કા. કરતો પેલા છોકરાની આસપાસ ગોળ ગોળ ફરવા લાગ્યો જાણે કહી ના રહ્યો હોય થેંક્યુ, થેંકયું, આભાર..

શાળાનો ઘંટ સંભળાતા પેલાં છોકરાનો બાપ દોડતો આવ્યો. રિસેસ પૂરી થઈ હતી. કાગડાને છોકરાની આસપાસ જોતાં હાથમાં પથ્થર લઈ કાગડાને મારવા તે તરફ નાખ્યો. આ જોતાં કાગડાને બચાવવા પેલો છોકરો વચ્ચે કૂદી પડ્યો. કાગડો કા..કા..કરતો ઊડી ગયો..

પછી શું થયું? આ તો અધૂરી વારતા છે કહી સૌ કા..કા.. કરવા લાગ્યાં. શું પેલો છોકરો ધાયલ થયો? શું પેલો પથ્થર હવામાં ઓગળી ગયો? શું પેલો છોકરો બચી ગયો?

મેં કહ્યું સાંભળો. પેલો છોકરો કાગડાને બચાવવા વચ્ચે કૂદી પડ્યો જેવો કે મેં ચીસ પાડી. મારી આંખો ખૂલી ગઈ અને મારાં શમણાંની વારતા અહી જ સમાપ્ત થઈ કહી હું ઊભો રહ્યો. એક ક્ષણ ભયાનક શાંતિ સ્થપાઈ ગઈ. હું મૂંઝાઈ ગયો. અચાનક શ્રોતોઓનું ટોળું મારી તરફ આવ્યું. હું કશું સમજું એ પહેલાં મને ઊંચકી કા..કા..કરવા લાગ્યું. સંચાલકની દરમ્યાનગીરીથી તોફાની શાંતિ સ્થપાઈ ગઈ. મિત્રો, કાગડાની જેમ આપણી તરસ છીપાવવા ચાયપાણી આવી રહ્યાં છે. આવતા રવિવારે ફરીથી આપણે મળશું. આ ડબ્બામાં શું નાખવાનું છે કહો તો?

નામની કાપલી..સૌ એકસાથે બોલી ઊઠ્યાં.

પણ કોના નામની?

પોતપોતાના નામની..

સરસ. પણ આજે શું કર્યું તમે સૌ એ?

કેમ ? શું થયું ? સૌ એક સાથે બોલી ઊઠ્યાં.

હવે મારો વારો હતો અચરજ પામવાનો.

આ ડબ્બો ખોલું કે? વાતાવરણમાં સ્તબ્ધતાં સિવાય કશું ન હતું.

ચોર સિપાઈ જેવી રમત મંડાઈ ચૂકી હતી. સોરી, સોરી, નો કલરવ છવાઈ ગયો હતો. ફરી આવું નહીં થાય કહી સૌ સંચાલકની માફી માંગી રહ્યાં હતાં. ઠીક છે ઠીક છે કહી સંચાલકે સૌનો આભાર માની ચાયપાણીની લિજ્જત માણવાનો આગ્રહ સૌને કર્યો. મેં પેલો ડબ્બો ખોલ્યો. એક પછી એક કાપલી કાઢી વાંચવા લાગ્યો. દરેક કાપલી પર નામ હતું બિરજુ, બિરજુ... ચા પીતાં પીતાં હું પણ પેલા કાગડાની જેમ કા..કા..કરતાં કૂદવા લાગ્યો ,અને આ સાથે આખો વર્ગ કા.કા..માં ફેરવાઈ ગયો.

પ્રફુલ્લ આર શાહ.