Mari Yuropni Yatra - 2 in Gujarati Magazine by Manthan books and stories PDF | મારી યુરોપ યાત્રા-2

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

મારી યુરોપ યાત્રા-2

મારી યુરોપની યાત્રા

રીકેપ:

મારા પાછળના આર્ટીકલમાં વિગતવાર ચર્ચા કરી કે હું એરપોર્ટમાંથી બહાર નીકળી સ્વીટઝરલેન્ડને માણતો માણતો મારા ઘરે પહોંચ્યો।

સ્વીટઝરલેન્ડના ઘર

સ્વીટઝરલેન્ડના અન્ય ઘરો અને મારા ઘરમાં સામાન્ય તફાવત હોઈ શકે. પણ મારા ઘરના વર્ણન પરથી તમને બેઝીક આઈડિયા આવી જશે. મારું ઘર એ એક મીની એપાર્ટમેન્ટ જેવું હતું। જેમાં 2 માળ હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર। આ એપાર્ટમેન્ટમાં દરવાજો એકદમ વચ્ચે હતો. માની લો કે હું એપાર્ટમેન્ટની સામે ઉભો છું તો ડાબી બાજુ નીચે એક ઘર, ઉપર એક ઘર અને તેજ રીતે જમણી બાજુ નીચે એક ઘર અને ઉપર એક ઘર. ઘરની બહાર એક ટપાલ બોક્ષ હતું। તે પણ ચાર ખાના વાળું.. અને એક માં મારું નામ પણ હતું। (મેં પહેલેથી જ ઘર બુક કરાવી લીધું હોવાથી આ દરેક વ્યવસ્થા ઘરના માલિકે જ કરી હતી.) અને એપાર્ટમેન્ટનો દરવાજો લોક હતો. એટલે અંદરના લોકો ચાવી વગર ખોલી શકે પણ બહારના લોકોને ખોલવા માટે ચાવી ની જરૂર પડે. અને દરવાજા ની બહાર ચાર સ્વીચ હતી. દરેક સ્વીચની બાજુમાં જે તે ઘરમાં રહેતા વ્યક્તિ નું નામ હતું। મારું નામ પણ હતું। એટલે હું સમજ્યો કે જે ઘરના વ્યક્તિને મળવું હોય તેના ઘરે બેલ વગાડવાની।

મિત્રો।.. એક ખાસ વાત જણાવી દઉં। . તાળા ચાવી ની... સ્વીટઝરલેન્ડમાં ડુપ્લીકેટ ચાવી બનાવવી એ ગુનો છે. જી હા...તો એક પ્રશ્ન ઉદભવવો સ્વાભાવિક છે કે જો મારી ચાવી ખોવાઈ જાય તો શું કરવું।.

તો હવે આપણે એપાર્ટમેન્ટના તાળા ચાવીનું ગણિત સમજીએ। . દરેક ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો હોય જેમાં તાળું હોય (એ તાળું એટલે દરવાજાની સાથે જ જોડાયેલું હોય). આમ એપાર્ટમેન્ટમાં 10 ઘર હોય તો 10 અલગ અલગ ચાવી હોય. પણ એપાર્ટમેન્ટના મુખ્ય દરવાજાનું તાળું આ દરેક ચાવી થી ખુલે।

હવે માની લો કે તમારા ઘરની ચાવી ખોવાઈ ગઈ.. તો તમે નવું તાળું બનાવી ના શકો.. કેમ કે નવા તાળા ની ચાવીથી મુખ્ય દરવાજો ના ખુલે।. અને જો તમે મુખ્ય દરવાજાનું તાળું બદલાવો તો એપાર્ટમેન્ટના બીજા ઘરોની ચાવી ના ચાલે।.

આ પરિસ્થિતિમાં તમારી પાસે 2 વિકલ્પ હોય છે.

વિકલ્પ 1: તમે એપાર્ટમેન્ટમાં રહેતા દરેક લોકોની લેખિત પરવાનગી લઇ સરકારી વ્યક્તિ તમારા ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી આપે (જેનો ખર્ચ 30000 થી 50000 રૂપિયા થાય અને તે પણ શનીવારે અને રવિવારે ના થઇ શકે)

વિકલ્પ 2: તમે એપાર્ટમેન્ટના દરેક લોકોને નવું તાળું અને ચાવી બનાવી આપો. (કેટલો ખર્ચ થાય તેમનું તમને અનુમાન આવી ગયું હશે)

આને કહેવાય।. "ભેગા ના ભેગા।. અને છુટા ના છુટ્ટા"

***

મને માલિકનું નામ ખબર હોવાથી તેમના નામની આગળ બેલ વગાડી અને તેમણે 2 મીનીટમાં દરવાજો ખોલ્યો। મેં ડ્રાઈવરને પહેલેથી જ જણાવ્યું હતું

તે પ્રમાણે ડ્રાઈવરે મારી ઓળખ જર્મન ભાષામાં આપી.

માલિકની ઉમર મને 70-72 વર્ષની જણાઈ અને તેમનો બાંધો પાતળો અને હાઇટ 6 થી વધુ હશે. તેમણે મને જોઈ અને કોઈ પણ જાતના હાવભાવ વગર ઘરની ચાવી આપી અને જર્મનમાં કંઈક બોલીને મને ફોલો કરવાની સલાહ આપી. મેં ડ્રાઈવરનો અભાર માની તેમને છુટા કર્યા અને માલિકની પાછળ પાછળ ઉપરની તરફ ચાલ્યો ગયો.

મારું ઘર જમણી બાજુ પહેલા માળે હતું। ઘરનું આખું બાંધકામ લાકડાનું હતું। અને ઘરની ઉપર નળિયા પણ લાકડાના। આમ કરવાનો ફાયદો એક માત્ર હતો કે ઠંડી દરમિયાન ગરમાંવટ રહે,

હું હવે મારા ઘરમાં પ્રવેશી ચુક્યો હતો. ઘરમાં બહુ જ ઓછુ ફર્નીચર હતું। ઘરમાં એન્ટ્રી થતા. ડાબી બાજુ એક મોટો હોલ અને જમણી બાજુ કિચન આવે.

કિચનમાં ઇલેક્ટ્રિક સ્ટવ , માઇક્રોવેવ અને ફ્રીજ હતા. જે જરૂરી હતા. આ ઉપરાંત ડીશ વોશર પણ હતું। થોડા આગળ જતા જમણી બાજુ એક બેડરૂમ અને ડાબી બાજુ બાથરૂમ અને સ્ટોર રૂમથી મોટો એક રૂમ હતો. હું દરેક રૂમની વિશેષતા જાણી ગયો હતો. એટલે મેં માલિકનો આભાર માન્યો।

(સલામતીના હિસાબે રસોડામાં ગેસની પરવાનગી નથી હોતી અને કહીએ તો જરૂર પણ નથી હોતી કેમ કે અહી ઇલેક્ટ્રિક સ્ટવ એકદમ કાર્યક્ષમ હોય છે )

બાથરૂમ પણ આપણાથી જરાક અલગ કહી શકાય તેવું હતું કેમ કે તે એટેચ ટોયલેટ અને મોટો બાથટબ હતો જેને પડદાથી ઢાંક્યો હતો. એટલે કે નહાવા માટે બાથટબનો જ ઉપયોગ કરી શકાય।

( એક વખત મેં બાથટબની બહાર નાહવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે તેની બહાર તો પાણીને નીકળવાનો કોઈ માર્ગ જ ના હતો. એટલે કે જો નહાવું હોય તો બાથટબમાં જ..)

હવે મુખ્ય હોલની વાત કરીએ તો એ હોલ અને ત્યારબાદ બાલ્કની હતી.. બાલ્કનીમાં પગ મૂકતાજ મને એક તાજગીનો અનુભવ થયો. હું શું જોઈ રહ્યો છુ તેનો મને વિશ્વાસ નહોતો આવી રહ્યો। જેમ કે મેં કહ્યું એ પ્રમાણે ઘર એ પહાડ ઉપર હતું। અને બાલ્કની પહાડના ઉતરાણ તરફ હતી. એકદમ તરોતાજા હવા, અને આખું ગામ મને દેખાઈ રહ્યું હતું। રસ્તાની સાઈડમાં જે બગીચા જેવી વ્યવસ્થા હોય છે (આખા સ્વીટઝરલેન્ડમાં રસ્તાની આજુબાજુ કિલોમીટર સુધી માત્ર તમને ગ્રીનરી દેખાશે। અને તે પણ એવી કે જાણે કોઈ ચિત્રકારે સમય લઈને કલર પૂર્યો હોય..)

આ બગીચા જેવા ઘાસમાં 5-6 ગાયો ચરતી હતી. આ પહાડ પર આવેલી જગ્યા હોવાથી બગીચા જેવું ઘાસ એ ઢાળ પર હતું અને ગાયોના ગાળામાં સ્વીસ બેલ હતી. (જે તમે ઘણા પિકચરમાં પણ જોયું હશે) તે બેલનો અવાજ એકદમ મધુર લાગતો હતો. દુર છેટે એક મોટી નદી પણ વહી રહી હતી. હવા તો એવી તાજી હતી કે જાણે તે નદી પર વહેતા પાણી ને હળવેકથી અડીને સીધી મારા ગાલ પર આવતી હોય તેવી શીતળતાનો અહેસાસ થતો હતો.બાલ્ક્નીથી રસ્તો પણ દેખાઈ રહ્યો હતો જેમાં ગાડીઓ પસાર થતી રહેતી હતી. જે ગાડીનો રસ્તો પહાડમાં ઉપરથી નીચે ગામમાં પ્રવેશે ત્યાં સુધી સ્પષ્ટ દેખાતો હતો. અને એટલે કોઈ પણ ગાડી ને ઉપર પહાડોથી શરુ કરીને નીચે ગામ સુધી ટ્રેક કરવાની મજા જ અલગ હતી.

અને આ બધામાં મને એક વસ્તુનું ધ્યાન જ ના ગયું કે મારા ઘરની નીચે પણ એક વ્યવસ્થિત બગીચો બનાવ્યો હતો. જે સમથળ હતો. બગીચો એ એક મોટા ઘર જેટલા એરિયામાં હશે. અને તેમાં માલિક સાથે તેમની જ ઉમરના એક સ્ત્રી બેઠા હતા. તેમના ધર્મપત્ની હોઈ શકે તેવું અનુમાન કર્યું જે સાચું હતું। તેમણે 2 કુતરા પાળ્યા હતા. એકદમ નાના, ક્યુટ અને એકદમ સફેદ ગલુડિયા જ કહો..તે આ બગીચામાં દોડ ધામ કરી રહ્યા હતા અને આ દંપતી તેમની ભાષામાં કંઈક વાતો કરી રહ્યા હતા. મારી સામે જોઈ માલિકે હાથ લંબાવી આવકારો પણ આપ્યો। હું તરત અંદર ગયો અને મારા માટે કડક કોફી બનાવી એક આરામ ખુરશી બાલ્કનીમાં રાખી અને કડક કોફીની ચૂસકી લેવા લાગ્યો। મનમાં ચાલી રહ્યું હતું કે સારો સમય જલ્દી વીતી જાય એટલે જેટલો સમય મળ્યો છે તેટલો ઉપયોગ કરી લેવો.

પરંતુ માર્ચ-એપ્રિલનો સમય એટલે સમર કહેવાય અને સમર દરમિયાન 14 કલાક સુધી સૂર્યનો ઉજાસ હોય. જી હા મિત્રો।.. સ્વીટઝરલેન્ડ અને યુરોપના અન્ય દેશોમાં સમર દરમિયાન સવારે 6 વાગ્યે સંપૂર્ણ ઉજાશ હોય જે રાતે 9 વાગ્યા સુધી રહે અને 10 વાગ્યે સાંજ જેવું વાતાવરણ હોય. એટલે આ જ સમય હોય કે જયારે પ્રવાસીઓ વધુ ને વધુ મુલાકાતે આવતા હોય. કોઈ પણ દુકાન કે ઓફીસ પણ 5 વાગ્યે બંધ થઇ જાય અને તે પછી પણ કોઈ પરિવાર આરામથી 4 કલાક સૂર્યના ઉજાસમાં કોઈ પણ જગ્યાની મુલાકાત લઇ ને સમય વિતાવી શકે.

આ તો સોને પે સુહાગા।. તાજુ વાતાવરણ, ગાયોનો મધમધાટ, ગલુડિયાની રમત, બસ કે ગાડી ની અવરજવર, કુણો તડકો, પહાડ, ગ્રીનરી, દુર નાનું ગામ, ગામમાંથી વહેતી નદી... આમાં કોને વોટ્સઅપ કે ફેસબુકની પડી હોય.. હું તો ગરમ કોફીની ચૂસકી મારતો મારતો 2 કલાક બેઠો રહ્યો।

ત્યારબાદ ઊઠવાનું મન ના હોવા છતાં બીજી વસ્તુઓની કુતુહલતા હોવાથી મેં ઘર અને એપાર્ટમેન્ટનું નિરિક્ષણ કર્યું અને ઘણી માહિતી મળી. દરેક રૂમમાં એક પાઈપ સર્પોલાકાર પસાર થતો હતો. જેનું મુખ્ય કાર્ય એ ગરમ પાણી પસાર કરવાનું હતું। હેતુ એ કે ઠંડીના દિવસોમાં જયારે આમાંથી ગરમ પાણી પસાર થાય તો તેની વરાળથી રૂમ માં ગરમાવો રહે.

એપાર્ટમેન્ટની નીચે એક મોટો અંડરગ્રાઉન્ડ રૂમ હતો જેમાં એક મોટું બોઈલર હતું જે ઠંડીના સમયમાં પાણીને 24 કલાક ગરમ રાખતું। આ ગરમ પાણી એપાર્ટમેન્ટના દરેક ઘરમાં ફરતું અને ઘરને ગરમ રાખતું

આ બોઈલર ઉપરાંત વોશિંગ મશીન અને ડ્રાયિંગ મશીન પણ હતા. સમય જતા હું સમજ્યો હતો કે કપડા ધોવાનું એક માત્ર સ્થળ એ વોશિંગ મશીન,

આ બોઈલર અને વોશિંગ મશીનની વ્યવસ્થા યુરોપના 80% ઘરો અને એપાર્ટમેન્ટમાં જોવા મળે છે.

ચાલો આ તો વાત થઇ મારા ઘરની।. હવે વાત કરીએ પરિવહન ની

મિત્રો।. હું સ્વીટઝરલેન્ડના એક વર્ષના વસવાટ માં એટલું સમજ્યો હતો કે કોઈ પણ ટ્રેન કે બસ વધુ માં વધુ 2 મિનીટ મોડી થતી હતી. તે પણ કોઈક સંજોગોમાં જ. .. બાકી મેં જયારે વ્યક્તિગત રીતે તેમનો સમય નોંધવાનું શરુ કર્યું ત્યારે ખબર પડી કે બસ તો માત્ર 30 સેકન્ડ વહેલી અથવા મોડી થતી હતી.

મારે દરરોજ ઓફીસ બસમાં જવાનું થતું।

આ બસની ચોકસાઈ એટલી હતી કે હું મારા ઘડિયાળનો સમય બસ આવે તે પરથી સેટ કરતો। અને આમાં હું કંઈજ અતિશયોક્તિ નથી કરતો।

સ્વીટઝરલેન્ડના પરિવહનની વાત કરીએ તો એટલી હદે વેલ સેટ ટાઇમ ટેબલ છે કે તમે સ્વીટઝરલેન્ડના કોઈપણ ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચવા માટે 4 થી વધુ વખત બસ અથવા ટ્રેન બદલાવવી જ ના પડે. અને આ ટ્રેન કે બસ બદલાવીને બીજી ટ્રેન કે બસમાં બેસવા માટે તમને કોઈ પણ કાળે 15મિનીટ થી વધુ સમયની રાહ જોવી ના પડે.

આ ગણિત તો હું હજી પણ સમજી નથી શક્યો કે આવું ટાઇમ ટેબલ કેવી રીતે સેટ કર્યું હશે. કે એક ટ્રેનથી બીજી ટ્રેનનો સુમેળ, સંવાદિતતા અને સમન્વય એ હદે મજબુત છે કે તમને 15 મિનીટથી વધુ રાહ જોવી ના પડે. સાદી ભાષામાં સમજીએ તો હજારો બસ અને સેંકડો ટ્રેન સ્વીટઝરલેન્ડમાં દોડતી હોય પણ તમે કોઈ પણ ટ્રેનમાંથી ઉતારો કે 15 મીનીટની અંદર જ તે જગ્યાએથી દરેક દિશામાં જતી ટ્રેન અથવા બસ મળી રહે.

એ વાત ખરી કે રાતના સમય દરમિયાન તમારે 1 કલાક રાહ જોવી પડે. પરંતુ છતાં પણ એકદમ વ્યાજબી વાત છે. અને આજ કારણ છે કે અહી લોકો જાહેર પરિવહનનો વધારે ઉપયોગ કરે છે. દરેક લોકો ધનવાન અને 3-4 ગાડી ખરીદી શકે તેમ હોવા છતાં સ્વીટઝરલેન્ડનું બેજોડ પરિવહન તેમને બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરવા માટે પ્રેરે છે.

સ્વીટઝરલેન્ડની બસ

બસ એટલે વોલ્વો કે મર્સિડીઝનીગુણવતા ધરાવતી બસોમાં કોઈ પણ કંડકટર હોતો નથી. કેમ કે સ્વીટઝરલેન્ડની સરકારને તેમના લોકો પર વિશ્વાસ વહે કે તે લોકો ટીકીટ લઈને જ ચડ્યા હશે.

ત્રણ પ્રકારની ટીકીટ ઉપલબ્ધ હોય છે,

1. પાસ: કે જે તમે એક મહિના, 6 મહિના કે 1 વર્ષનો કઢાંવી અને અનલીમીટેડ સમય સુધી વાપરી શકો.

2. સ્ટ્રીપ ટીકીટ: આ ટીકીટ તમને 6 વખત વાપરવા મળે. જયારે જયારે તમે બસમાં બેસો કે એક મશીનમાં તમે પંચ કરો એટલે એક વખતનું પંચ થઇ જાય.

3. રેગ્યુલર ટીકીટ: જે કોઈ પણ બસ સ્ટોપ પરથી મળે અથવા તો ટીકીટ મશીન પરથી મળે. આ ટીકીટ મશીન એ ATM મશીન જેવું જ હોય છે કે દરેક બસસ્ટોપમાં ઉપરાંત બસની અંદર પણ હોય છે.

સ્વીટઝરલેન્ડની દરેક વ્યક્તિ પાસે પાસ હોય અથવા તો આ મશીનમાંથી ટીકીટ ખરીદે। પછી આ ટીકીટ ક્યાંથી ક્યાંની લીધી એ પણ પૂછનારું કોઈ ના હોય અને ટીકીટ ના લીધી તો પાસ છે કે નહિ તે પણ પૂછનારું કોઈ નહિ.

મહીને ક્યારેક સરપ્રાઈઝ ચેકિંગ આવે અને જો ટીકીટ કે પાસ ના હોય તો મૂલ્યના 50 ગણા ફ્રેંકનો દંડ લાગે। પરંતુ મેં જોયેલા 3-4 વખતના સરપ્રાઈઝ ચેકિંગમાં કોઈ પણ વ્યક્તિ પાસે ટીકીટના હોય તેવું બન્યું નથી.

આ લેવલની પ્રમાણિકતા હોય ત્યારે જ આ દેશ સ્વર્ગ સમાન બની શકે તેમાં કોઈ બેમત નથી.

ટ્રેન

ઘણી ટ્રેન ડબલ ડેકર હોય છે. હું તો મોટાભાગે ઉપરના કોચમાં બેસવાનું પસંદ કરતો। અમુક ટ્રેન એકદમ અલગ રીતે ડીઝાઇન કરવામાં આવી હતી કે તે જોઈ ને તો દીલ ખુશ થઇ જાય. ઈજનેરોની સર્જનાત્મકતા તો એકદમ આહલાદ્ક હોય છે. અને આવી સ્પેશિયલ ડીઝાઇન હોવા છતાં પણ કોઈ પણ વધારે મુલ્ય નહિ.

અમુક ટ્રેનની વાત કરીએ।

ઝ્યુરિક ટુ બર્ન :

આ ટ્રેક પર એક ટ્રેન દોડે છે જે ડબલ ડેકર છે પરંતુ આખી ટ્રેનમાં દરેક કોચ એક સ્પેશિયલ કોચ તરીકે ડીઝાઇન કરેલો છે. એક કોચ બીઝનેસ કોચ છે જે એકદમ આરામદાયક છે. જેમાં ટીકીટ વધારે હોય છે. તેમ છતાં સીનીયર સીટીઝન નોર્મલ ટીકીટ પર પણ આ કોચમાં પ્રવાસ કરી શકે છે.આ કોચની વિશેષતા એ છે કે એની સીટ વિમાનની સીટની માફક આરામદાયક હોય છે.

એક કોચ છે જેને લાયબ્રેરી કોચ કહે છે. આ કોચમાં પ્રવાસ કરનાર મુસાફરો કંઈક વાંચતા હોય છે. એટલે આ કોચમાં શિસ્તબધશીશ્ત્બધ રીતે કોઈ પણ અવાજ કરતુ નથી. એકદમ પીન ડ્રોપ સાઈલન્ટ

અને એક કોચ તો એકદમ અજુગતો છે. તે છે કિડ્સ ઝોન. એટલે કે બાળકોનો વિભાગ। આ કોચમાંતો ઈજનેરોએ બાળકોના રમત માટે નાની ટનલ બનાવી છે જેમાં એક જગ્યાએ થી અંદર જઈ બીજી જગ્યાએ થી બહાર નીકળે। તો લપસણીની પણ વ્યવસ્થા છે. આ બધું ચાલતી ટ્રેન માં.

બર્ન ટુ ઇન્ટરલાકેન

રાતના 6 વાગ્યા પછી દર કલાકે આ ટ્રેક પર પસાર થતી ટ્રેનની વિશેષતા એ છે કે આખી ટ્રેનમાં ચાર લોકોની કેબીન હોય છે. એટલે કે એમ સમજી લો કે કેબીનમાં પ્રવેશીને તેના દરવાજા બંધ કરી શકો અને અંદર ડાઈનીંગ ટેબલની પણ વ્યવસ્થા ખરી.

સ્પેશિયલ પેકેજ

માત્ર સ્વીટઝરલેન્ડમાં જ વસવાટ કરતા લોકો માટે સામાન્ય રીતે પરિવહન પેકેજ 3 મહિના માટે હોય છે. એટલે કે જો આ મહિનામાં એક 100 ફ્રેંક ટીકીટ લઈએ તો આખા સ્વીટઝરલેન્ડમાં કોઈ પણ પરિવહન સાધન તે દિવસ માટે અનલિમિટેડ ફ્રી।

પરિવહન સાધનમાં ટ્રેન, બસ, ટ્રામ, ક્રુઝ , રોપ વે। .. કોઈ પણ નામ દરેક વસ્તુ ફ્રી

લગભગ બધા જ મોટા શહેરોમાં ટ્રામ હોય છે. ઝ્યુરિક, બાસેલ, જીનીવા વગેરે।

બસ, ટ્રામ, ટ્રેન અને અલગ અલગ પ્રકારના ક્રુઝ ઉપરાંત અમુક શહેરમાં રોપવે અને ટ્રામનું મિક્ષ ટાઇપનું એક વાહન હતું। મોટા મોટા પહાડો માટે અત્યાધુનિક રોપ વે અને સ્પેશિયલ ડીઝાઇનની ટ્રેન રાખવામાં આવે છે. (અમુક પહાડોમાં આ ટ્રેનમાં કોઈ પણ પેકેજ ચાલતું નથી). યુરોપનો મોટામાં મોટો પહાડ યુંગફ્રોમાંતો પહાડની અંદરથી રસ્તો બનાવેલ છે. એટલે આ રસ્તો એ ભૂગર્ભ પણ કહી શકો અને આ રસ્તો એ પહાડની અંદરથી ઉપરની તરફ જાય છે એટલે જાણે માની લો કે એક ગુફાની અંદર તમે એક ઢોળાવ ચઢી રહ્યા હો.

મિત્રો।.. મારા મતે સ્વીટઝરલેન્ડનું હ્રદય તો તેમના અતિ ચોક્ક્સ સમયનું પરિવહન, અત્યંત જટિલ ટાઇમ ટેબલની એકદમ ચોકસાઈ પૂર્વક જાળવણી અને મુસાફરોએ ચૂકવેલા કિમતની સંપૂર્ણ વળતરમાં જ ધબકે છે

મેં આ પરિવહન તંત્રને જાણવા અને માણવા માટે એક દિવસ માત્ર પરિવહનને આપ્યો કે જેમાં મારો હેતુ એ માત્ર સ્વીટઝરલેન્ડના કોઈ પણ સરકારી વાહનનો શક્ય એટલો વધુ ઉપયોગ કરવો અને શક્ય એટલા અલગ અલગ પ્રકારના વાહનોમાં જવું એ જ હતો...

મારો ત્રીજો લેખ એ માત્ર સ્વીટઝરલેન્ડના પરિવહન પર છે... આશા છે કે તમને મારો આ આર્ટીકલ ગમ્યો હશે અને મારા પછીના આર્ટીકલ ની રાહ જોતા હશો....

આ ઉપરાંત મારો છેલ્લો આર્ટીકલ એ માત્ર તમારા પ્રશ્નના ઉતરનો રહેશે એટલે તમે કોઈ પણ પ્રકાર ના પ્રશ્નો બેજીજક પૂછજો।. તેમનો જવાબ આપવાની મને મજા આવશે।..