ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી-6
(અત્યાર સુધીની વાર્તા...)
અનુજ અને ધરા ફરી પાછા તો મળે છે, પણ અલગ પરિસ્થિતિ અને વિચિત્ર સંજોગોમાં. અનુજ પાસે સવાલો અનેક છે, પણ તેણે જાણે ધરા સાથે અબોલા લીધા છે. સામે બોલવા માટે ધરાની જીભ જાણે ઉપડતી નથી. ક્યાંય સુધી બંને મૌન રહે છે. હવે વાંચો આગળ...
******
એકલાં પડ્યાં પછી કેટલોય સમય સુધી બંને વચ્ચે મૌન સંવાદ થતો રહ્યો. તેના મનમાં ને મનમાં ધુંધવાતો હતો. ‘મારે તારી સાથે વાત જ નથી કરવી. તું તો કંઈ બોલીશ જ નહીં, આટલા મૅસેજ કર્યા એક પણ જવાબ નહીં, કોઈને પ્રેમમાં ગળાડૂબ કરીને મઝધારમાં વચ્ચોવચ ડૂબવા માટે છોડી દેતા તમને છોકરીઓને ખૂબ સારી રીતે આવડે છે, કેમ? અને જ્યાં માણસ મહામહેનતે એ આઘાતમાંથી બહાર આવે કે ફરી તેના ઘાવ પર મીઠું ભભરાવવા હાજર થઈ જાઓ? જા, નથી બોલવું તારી સાથે...’ આવું ઘણું બધું તેને કહી દેવું હતું, પણ જીભ જ ન ઉપડી.
પણ, બીજી જ ક્ષણે જાણે ધરા તેના મનોભાવોને પામી ગઈ હોય એમ ‘અનુજ, હું કંઈક કહું..?’ એટલું બોલતાં જ તેના આ ચાર જ શબ્દોએ અનુજના ગુસ્સા પર ટાઢું પાણી રેડી દીધું. અનુજે મૂક સંમતિ આપી એટલે ધરાએ વાત આગળ ચલાવી.
પ્રથમ મુલાકાતમાં અનુજની જેમ ધરા પણ તેને દિલ દઈ બેઠી હતી. પણ તેના પરિવારજનોએ અનુજ અને ધરાની કુંડળીઓ જ્યોતિષીને બતાવી, ત્યારે જ્યોતિષીએ ધરાની કુંડળીમાં લગ્નના સ્થાને મંગળ હોવાનું કહી ભાવિ પતિ પર જીવનું જોખમ આવે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. પરિણામે, તેમણે વિચાર માંડી વાળ્યો. કારણ કે આવા જ યોગ ધરાના મમ્મીની કુંડળીમાં પણ હતા, છતાં તેના પિતાએ પરિવારની ઉપરવટ જઈને તેમની સાથે લગ્ન કર્યાં હતાં. પણ, લગ્નનાં છ વર્ષ પછી એકાએક તેઓ પેરેલાઈઝ્ડ થઈ ગયા હતા અને આ માટે ધરાના મમ્મી પોતાની કુંડળીમાં રહેલા ગ્રહદોષને કારણભૂત માનતાં હતાં. એટલે તેઓ એવું નહોતા ઇચ્છતાં કે પોતે જે ભોગવ્યું એવું પોતાની પુત્રી પણ ભોગવે.
બીજી તરફ, અનુજ સાથેના વધતા સંપર્કથી ધરા તેની વધુ ને વધુ નજીક આવવા લાગી હતી. તે પણ એવું નહોતી ઇચ્છતી કે પોતાના કારણે અનુજને કંઈ પણ નુકસાન થાય એટલે માત્ર ‘ફ્રેન્ડ’ બનીને રહેવા માગતી હતી. જોકે, તેમની પ્રથમ એકાંત મુલાકાતમાં બંને એકબીજાંની અત્યંત નજીક આવી ગયાં, ત્યારે ધરા પોતાને અનુજ સાથે કિસ કરતાં ન રોકી શકી. ત્યાંથી નીકળ્યા પછી તેના મનમાં એ જ વિચાર ઘૂ઼ંટાતો રહ્યો કે જો તે આજે કોઈ નિર્ણય નહીં લે, તો ક્યારેય પોતાની જાતને નહીં રોકી શકે. એટલે તેણે હૃદય પર પથ્થર મૂકીને અનુજથી દૂર જવા માટે મન મક્કમ કરી લીધું.
પરિવારની જરૂરતોને પહોંચી વળવા તે અમદાવાદ આવી ગઈ, જ્યાં પોતાના જ ગામની સોનિયા સાથે તેની મુલાકાત થઈ અને બંને સાથે રહેવા લાગી. મોલમાં તેણે અનુજને સોનિયા સાથે જોયો ત્યારથી ફરી તેના મનમાં ઘમસાણ મચ્યું હતું. બીજી તરફ, વિશેષથી દૂર થયા પછી સોનિયાને પણ અનુજનો સહારો જોઈતો હતો. તેવામાં રિવરફ્રન્ટ પર અનુજ અને સોનિયા સાથે ગયાં, ત્યારે ધરાના ફોનના કારણે બંને જુદાં પડી ગયાં હતાં. ઘરે આવીને સોનિયાએ ધરા પર કૃત્રિમ ગુસ્સે થતાં તેના કારણે જ બાજી બગડી હોવાનો આક્ષેપ મૂક્યો, પણ ત્યાં સુધીમાં તો ધરાની આંખો ભીની થઈ ગયેલી જોઈને સોનિયાએ તેને કારણ પૂછ્યું. ઘણી આનાકાની પછી આખરે ધરાએ પોતાનું હૃદય તેની સામે ઠાલવી નાખ્યું. પરિણામે, સોનિયા કેવી ભૂલમાંથી ઉગરી ગઈ, તેના વિચારોમાં પડી ગઈ. ત્યાં જ બે દિવસ પછી વિશેષની એન્ટ્રી થઈ અને આખરે તેમની ગાડી પણ ફરી પાછી પાટે ચઢી ગઈ.
આટલું બોલીને ધરા શ્વાસ ખાવા રોકાઈ.
તે ફરી કંઈક બોલવા જતી હતી, પણ એ પહેલાં જ અનુજે તેને પોતાની આગોશમાં જકડીને પોતાના હોઠ તેના હોઠ પર ચાંપી દીધા. કેટલી વાર સુધી તેઓ આ સ્થિતિમાં રહ્યાં તેનો એમને પણ ખ્યાલ ન રહ્યો. આખરે દૂરથી આવતી વિશેષની ઑડી કારના હોર્નના અવાજે તેમને સજાગ કરી દીધાં અને બંને છૂટાં પડી ગયાં.
‘અનુજ... હું...’ ધરા કંઈક કહેવા જતી હતી, પણ અનુજે તેને રોકીને માત્ર એટલે કહ્યું, ‘ધરા, હવે મારે કોઈ ખુલાસા નથી સાંભળવા. તું જો સાથે હો, તો પછી કશું જ અમંગળ નથી. બધું મંગળ જ મંગળ છે. બોલ, મારી સાથે લગ્ન કરીશ.?’ ધરા પાસે ના કહેવાનો કોઈ વિકલ્પ નહોતો. એટલી વારમાં બંનેની નજીક આવી પહોંચેલાં સોનિયા અને વિશેષે ફિલ્મી અંદાજમાં ધરાને પ્રપોઝ કરી રહેલા અનુજની તસવીર ક્લિક કરી લીધી હતી.
******
એક મહિના પછી કોઈ અજવાળી સાંજે દમયંતિબેન અને ભગવાનજીભાઈ ધરાનાં માતા-પિતા સાથે પોતાનાં ઘરે બેઠાં બેઠાં બે દિવસ પહેલાં આટોપાયેલાં અનુજ અને ધરાનાં લગ્નની યાદો વાગોળતાં હતાં. બીજી તરફ, મહેમાનોને મળવા માટે અનુજને બોલાવવા ધરા ઉપરના માળે ગઈ. ત્યારે હજી તો અનુજ નહાઈને બહાર જ નીકળ્યો હતો અને શરીરે માત્ર ટૉવેલ જ વીંટાળેલો હતો. ધરા તેની ટીખળ કરવા ગઈ, પરંતુ એ પહેલાં તો અનુજે તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી હતી. તેની કેદમાંથી છૂટવાના બનાવટી પ્રયાસો કરતી ધરાને અનુજના ફોનની રિંગે બચાવી લીધી.
વિશેષનો ફોન હતો. યુરોપ જતાં પહેલાં તેની કંપનીએ ભણસાલીની એક ફિલ્મ માટે ફાયનાન્સ કરવાનું વિચાર્યું હતું, પણ આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે માટે અનુજને પણ લેવામાં આવે, તો જ. અનુજનું કામ જોઈને પ્રભાવિત થયેલા ડાયરેક્ટરે ખુશ થઈને સામેથી જ ‘હા’ પાડી દીધી હતી. જેના સારા સમાચાર આપવા માટે વિશેષે ફોન કર્યો હતો. આ સાથે જ અનુજ માટે બોલિવૂડના દરવાજા હંમેશ માટે ખૂલી ગયા હતા.
ફોન મૂકતાં જ અનુજે ધરાને તેડી લીધી અને ધરા પણ નમણી વેલની જેમ તેને વીંટળાઈ વળી. ‘હું તને નહોતો કહેતો, તું સાથે હો, પછી બધું મંગળ જ મંગળ છે.’ એમ કહેતાં જ એ યુગલ એકબીજાંમાં સમાઈ ગયું.
બરોબર એ જ સમયે બારીની બહાર આકાશમાં એક તેજલિસોટો દેખાયો અને શેરીની ઓટલા પરિષદમાંથી કોઈ બોલ્યું, ‘જો, આકાશમાં તારો ખર્યો!’
******
આજે જમાનો 21મી સદીમાં પહોંચી ગયો હોવા છતાં, આપણે નસીબ અને ભાગ્ય પર વધારે ભરોસો કરીએ છીએ. કુંડળીના દોષ અને ગ્રહોમાં અટવાયેલા આપણે વ્યક્તિગત પૂર્વગ્રહો અને પરિશ્રમનું મહત્ત્વ ભૂલી જઈએ છીએ. તો બીજી તરફ, ખરતા તારા પાસે મનોકામના પૂર્તિ માટે વિનવણી પણ કરતાં રહીએ છીએ. આપણું નસીબ આપણા જ હાથમાં છે. જો આપણું મનોબળ મક્કમ હોય, તો ગ્રહો અને નક્ષત્રો પણ આપી સાથે જ હોય છે.
નસીબના સહારે સફળતા મેળવનારા તો અનેક હોય છે, પણ સ્વબળે તકનું સર્જન કરી, પોતાનું નસીબ ઘડનારા જ વિશ્વવિજેતા બને છે.
******(સંપૂર્ણ)******