પ્રેમ..!
અરે ના દોસ્ત ના... આમ મોઢું ના ચડાવો. શીર્ષક વાંચીને જ ફેસલો કરી નાખવો હોત તો આટલી મહેનત શું કામ કરું યાર! જરાક થોભો ભાઈ. મને મારી વાત મુકવાનો અવસર પાક્કા પાયે મળવો જ જોઈએ. તમને આ વિષય પર વાંચવું હવે કદાચ ગમતું નહિ હોય. જોકે એમાં તમારો વાંક પણ નથી અને વાત આમ જુઓ તો સાચી ય ગણાય. આ ધરતી પર સજીવ સૃષ્ટિની રચના થઇ અને ભાષાની શોધ થઇ ત્યારથી લઈને અત્યાર સુધી, અર્ધી દુનિયા બાકીની અર્ધી દુનિયાને આ સો કોલ્ડ પ્રેમ નામની ફીલિંગ વિષે લખી કે કહી ચુકી હશે! અગણિત શબ્દો, અવનવી લાગણી, નિતનવા વિશેષણો, પણ ફીલિંગ એક જ. લવ. અમેઝિંગ ને!
એથી જ કદાચ તમને આ વિષય બોરિંગ અને ભોરીંગ લાગતો હશે. (ના લાગતો હોય તોય વાંધો નથી અમને. ભોગ તમારા બાકી આપડે ખોટી બબાલ નો જોઈએ.) કેમ નહિ ભાઈ. તમે તો નવી જનરેશન. વાતો કરવા લખવામાં ટાઈમ શું બગાડવો? બસ એક sms (હવે વ્હોટસ એપ) મોકલો, હા કે ના ના જવાબો મેળવો, સેટિંગ થાય તો મેટિંગ શરુ.. ના થાય તો હરી હરી. તું નહિ તો ઓર સહી, ઓર નહિ તો ઓર સહી. વાળી પ્રજાને હીર-રાંજા કે શીરી-ફરહાદ તો જવા દો, ઇવન જીગર અને અમી પણ નહિ સમજાય. (હવે આ જીગરભાઈ અને અમીબેન વિષે ના પૂછતા, મને ય પાકું યાદ નથી.)
જોકે આમાં હું પણ તમારા મત નો જ છું. મને ય આ સો કોલ્ડ પ્રેમ, પ્યાર, ઈશ્ક, મહોબ્બત, પ્રણય, હેત, સ્નેહ, લવ, ફીલિંગ, લાગણી, અને સાદી બોલચાલની (આપણા કવિઓ અત્યારે જે ભાષામાં "ગઝલો" ઝીંકે છે તે) ભાષામાં કહું તો લફરું, સેટિંગ ઈત્યાદી કદી સમજાયું નથી. સાચ્ચે યાર ફેંકતો નથી. ચાલો થોડા ઘણા કારણો અને હથોડા જેવી દલીલો આપી આ વાત સાબિત કરી આપું.
સો તૈયાર ને દોસ્તો? લેટ્સ સ્ટાર્ટ.
કાણા ઘડે નદી પાર ના થાય એ ખબર હતી તો પછી ઘેરથી ચેક કરીને ના નીકળાય? નાહકના ડૂબી ગ્યા સોહનીબોન બોલો. અને મહિવાલભાઈ પણ એમની પાછળ પાછળ હાલી નીકળ્યા અલખને માર્ગે.
છોકરો હાથ તૂટી જાય એટલું કામ કરી, છોકરી માટે હેર પીન લાવે. અને પેલા મેડમ પોતાના સોનેરી વાળ ઉતરાવી વેચી નાખે અને છોકરા માટે રિસ્ટ વોચ લાવે! બોલો ગીફ્ટનો વપરાશ ક્યાં કરવાનો હવે? આમ ને આમ દાબડા જ ભરાય ને યાદોના, સંભારણાના બીજું શું?
રાંઝાને ફિલ્મોમાં જોયો છે કદી? જોતા ય નહિ. મીનીમમ દસ વાર ડ્રાયક્લીન કરાવશો ત્યારે કૈંક હરખુ મુખડું દેખાશે મહાશયનું. ને હાહરું ન્યા લગી વાટ જોઈ ઇના કરત્તાન તો હીરબેનને ન્યા ઘોડિયા નો બંધાઈ જાય? વાત કર હ તે.
"દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે.." આવે? હાચું કેહ્જો આવે? ના ભાઈ ના જ આવે. રૂ અને ડેટોલના પૂમડા જ યાદ આવે ૧૧૦%. "તને પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું. જાણું નહિ કે કેટલો ને કેમ કરું છું" અલ્યા ભાઈ કર ને જેટલો કરવો હોય એટલો. ઢંઢેરો શું પીટે છે? તું બોલાવીશ તો ય નહિ આવીએ ભાગ પડાવવા. જા બસ, ખુલ્લી બાહેધરી આલી, ખુશ રહે, તુભી ક્યા યાદ કરેગા કિસ (નામા)કુલ સે પાલા પડા થા.
એક ભાઈએ તો હદ કરી નાખી. હમણાંનો આરામ છે બાકી થોડા સમય પેહલા તો રોજે રોજ જે તે વાત ઉઠાવી લાવે અને કહી દે આ પ્રેમ. સાંકડી શેરીમાં ય પ્રેમ અને મોરપીંછ (કળા કરતા મોરને પાછળ થી જોયો છે?) મા ય પ્રેમ. વાદળ, પાલવ, કાજળ, પાંપણ, આંખો, રૂમાલની ઘડી, ફૂલો, વગરે વગેરે, જ્યાં જુઓ ત્યાં બસ પ્રેમ, પ્રેમ ને પ્રેમ. સવારે ઉઠતાથી માંડી રાતે સુતા સુધીની દરેક વાતો (હા ભાઈ, દરેકે દરેક વાતો) પ્રેમ સાથે વણી લીધી. હું તો એ વાંચીને સાલું પ્રેમ કરવો કે પૈસા કમાવા એ નક્કી નોહ્તો કરી શકતો. કોઈ માણસ બાઈક ચલાવતા કે પછી કસ્ટમર સાથે વાત કરતા પ્રેમ કઈ રીતે કરી શકે? એટલે મેં બીજા ઓપ્શનમાં સ્કોપ, ફેસીલીટી અને વૈવિધ્ય વધારે જોયેલા એટલે પહેલો વિચાર પડતો મુકેલો.
તમને થશે કે આ ભાઈ આટલું આડું બોલે છે. (જોકે એ મારો સ્વભાવ છે. તમારો વાંક નથી) એ ખુદ પ્રેમને કેટલો ઓળખે છે. (થયું ? ના થયું? હશે ભોગ તમારા, મારે શું.) આમ તો એ મને કદી સમજાયો નથી. પણ ઉપર છલ્લું તારણ કાઢું તો થાય કે. પ્રેમ એટલે આભાસી દુનિયા. બધું ગુડી ગુડી.. ગળ્યું ગળ્યું. તકલીફો વિનાનું. અટલજીના સમયમાં પેલું બહુ ગાજેલું "ફિલ ગુડ ફેક્ટર" જેવું જ. તદ્દન આભાસી. પ્રેમ તમને આકાશી પંખીની જેમ હવામાં વિહરતા જ રાખશે, નીચે ઉતરવા નહિ દે. વાસ્તવિકતાની ધરતી પર ઉતરો તો ખબર પડે ને કેટલા વિસે સો થશે.
ઈશ્ક મેં જીના ઈશ્ક મે મરના અબ હમે ઓર કરના ક્યા. ઈશ્કમાં ડૂબેલો બીજે કશે ય કામે લાગતો/લાગતી નથી. વાસ્તવમાં પ્રેમ એટલે આભાસી દુનિયા નહિ પરંતુ એક નશો, જે લીકર કે ડ્રગ કરતા વધુ ખતરનાક કહેવું યથા યોગ્ય લાગે છે. ઇસ ઇશ્કને નીક્ક્મ્માં કર દિયા વરના હમ ઇન્સાન થે કુછ કામ કે.
તો પણ....તો પણ.... તો પણ.....આટ આટલી બદીઓ હોવા છતાં અંદર ખાનેથી હું માનું છું અને સોઈઝાટકીને કહું છું કે જીવનમાં એક વાર તો પ્રેમ કરવો જ જોઈએ. ફટ્ટ મુઆ પાટલી બદલું? તારા આ લવારાથી મેં પ્રેમ ના કરવાનું મન બનાવી લીધેલું ને તું પાછો ફરી ગયો? (એવું થયું? થયુંને? ના થયું? તો ફરીથી ભોગ તમારા મારે શું) ના ના ઉભા તો રહો યાર. કહું છું આગળ. ભારે ઉતાવળા તમે તો. અરે ભાઈ. આવું મસ્ત મૌલા આભાસી જીવન આ નકરી પ્રોફ્રેશનલ દુનિયામાં વગર પૈસે મળતું હોય તો પાગલ જ હોય જે ના ભોગવે. હકીકતના રણમાં ખેડાણ આકરું હોય છે. કાયમી ધરતી પર રહેનાર કુવાના દેડકા જેવા વેદિયા, સાદી પેલી આધુનિક "ગઝલો"ની ભાષામાં કહું તો બોચિયા બની જાય છે. જરા જોઈ લેજો પ્રેમમાં પડેલા નર/નારીને. કેવા સુંદર દેખાય છે હસતા ચહેરે એ પ્રેમીપંખીડાઓ. હળવે હાથે હથેળી ઉપર નામ લખતા લખતા હોઠ ધીરેકથી મલકાય છે. એક એક અદા, એક એક હરકતો એમને જોનારની આંખો મા ય અમી વરસાવી દે છે. દુનિયાથી અલિપ્ત, નિજાનંદમાં મશગુલ, કપડાથી જ નહિ દિલથી પણ હર્યા ભર્યા પ્રેમીપંખીડા. આહા! શું મસ્ત દ્રશ્ય હોય છે એમને જોવાનું. બોસ્સ, ગેરેંટી સાથે કહું છું, (ગેરેંટી શેની એ વિષય સંસ્થાની મુન્સુફીની વાત છે. વાચકોએ એમાં વિરોધ કે અવરોધ કે પછી અન્ય કોઈ પણ પ્રકારનો રોધ કરવો નથી) એ વખતે એમને દુરથી જોનાર ખુદ પ્રેમમાં પડી જતો હશે.
એક હદ સુધીનો પ્રેમ ક્ષમ્ય છે. એટ્રેકશનને પ્રેમ સમજવું ભૂલ ભરેલું છે સાથે સાથે એ ઓબ્સેશન ન બને એની તકેદારી પણ દિમાગની જવાબદારીમાં આવે. આંધળો પ્રેમ અંધશ્રદ્ધા જેવો હોય છે. લવ એટ ફર્સ્ટ સાઈટનું અસ્થીત્વ છે, માન્યું. પરંતુ એક વાર ઓળખાણ થયા પછી આગળ વધવું અને કેટલે અંશે વધવું એ સમજદારી રાખવી જોઈએ. પાત્રને જોયા, જાણ્યા, સમજ્યા વિના ક્રેઝીપણાની ઓથમાં બસ, યા હોમ કરીને તોફાની દરિયે સામી નાવ જુકાવીએ તો નાવડી ડૂબવાના ચાન્સીસ વધી જાય છે.
પ્રેમ, સાચો પ્રેમ ખરેખર જરૂરી છે. ખુદ ને ખુદની ઓળખાણ કરાવે એવો અહેસાસ છે પ્રેમ. કદીક માણજો એ અહેસાસને. વરસાદ અને ધરતીના મિલનને. ભીની માટીની સુગંધથી તન તરબતર ન થાય અને તાજા ખીલેલા ગુલાબના અંકુરની જેમ મનડું ખીલી ના ઉઠે તો બોસ.. નામ બદલી નાખજો મારું. એ પ્રેમ જો સાચો હશે તો લટોમાં ધ્રુજારી આવશે, ચોખઠાથી જમવું પડશે અને કાંસકાની જરૂર વગર જ વાળ ઓળાઈ જતા હશે ત્યારે ય સાથે હશે.
કહે છે કે ઓશીકું ખરીદાય છે ઊંઘ નહિ. બસ સમજજો પ્રેમ એટલે એ જ પોતાનો, અદકેરો અમુલ્ય, અકલ્પનીય, અતુટ અહેસાસ.
~એજ તન્વય..!
ફોટો કર્ટસી : પ્રાપ્ય નથી.