Trapajno Abhimanyu in Gujarati Short Stories by Bhaveshkumar K Chudasama books and stories PDF | ત્રાપજનો અભિમન્યુ

Featured Books
Categories
Share

ત્રાપજનો અભિમન્યુ

ત્રાપજનો બાળઅભિમન્યુ- વીર યોદ્ધો જીવુંભા

ઘણા વર્ષો પૂર્વે ભાવનગર પાસેનું આજનું ત્રાપજ અને એ વખતે તારાપુરના નામથી ઓળખાતા એ ખોબલા જેવડા ગામના ચોરામાં ઘણાબધા અસવારો સાથે અચાનક જ ત્રાટકેલા લૂંટારાઓના મોવડીએ ઘાંટો પાડીને ગામલોકોને કહ્યું:

“ખબરદાર જો કોઈએ કઈ આડું અવળું વસાર્યું સે તો? આ તલવાર તમારા બાપની હગી નઈ થાય. ને જેને જીવ વાલો હોય ઈ એની મેળે જ જે કંઈ દરદાગીનો કે રોકડ હોય ઈ આ ફાળિયામાં નાખી જાજો નયતર જર ને જીવ બેય થી જાહો.”

ગામમાં સોપો પડી ગયો, મોટાભાગના લોકો પોતપોતાના કમાડ વાંસી ઘરમાં પૂરાઈ ગયા. ચોરા પાસેના અમુક ઘરના લોકો પાસે જે કંઈ હતું તે લૂટારાઓએ ચોર વચ્ચે ફેલાવેલા ફાળિયામાં ઢગલો કરવા લાગ્યા, બીજા જેઓની પાસે કંઈ ન’તું તેઓ ઘરમાં પૂરાઇને ધ્રુજતા ધ્રુજતા ભગવાનને પ્રાર્થના કરતા હતા.

ફાળિયા પરનો માલ ઓછો જાણતા લૂંટારાના મોવડીએ તેના સાથીઓ તરફ જોઈ ઈશારો કર્યો અને એ ઈશારાની જ રાહ જોઇને બેઠેલા સાથીઓ ગામના ગભરુ લોકોના ઘરો પર ભૂખ્યા વરુઓની જેમ તૂટી પડ્યા. લૂંટારાઓ મન પડે તે ઘરમાં ઘુસી જઈને ગામવાસીઓની માલ મિલકત લૂટવા લાગ્યા, ગામની બેન-દીકરીઓએ પહેરેલી કડી કે નથડી પણ ઝોંટ મારીને ખેચવા લાગ્યા. સામે થનાર કે કરગરનાર પર તલવાર કે ધોલ-ધપાટનો વરસાદ વરસતો હતો. થોડીવાર પહેલા લૂંટારાઓની ધાકથી છવાયેલા સન્નાટાનું સ્થાન હવે રુદન અને આક્રંદે લીધું હતું. ગામના કેટલાયે ઘરોમાંથી દુખ અને પીડાની ચીસો સંભાળતી હતી અને જે ઘરોમાં લૂંટારાઓ ન્હોતા પહોચ્યા એ ઘરના લોકો મારું કે અમારું શું થશે એ ચિંતામાં ભગવાન પર આધાર રાખી, છુપાઈને બેઠાં હતા.

આવા સમયે ત્રાપજના એક રાજપૂત ઘરમાં અગ્યાર વર્ષનો એક કિશોર નામે જીવું તેની માંને કહે છે;

“માં હું લડવા જાવ છું. દુશ્મનો આપડા ગામમાં આવ્યા, ગામમાં ભલે સામે થનાર કોઈ ના હોય પણ રાજપૂતનો દીકરો થઈને હું કેમ ઘરમાં બેસું? મારી માતૃભૂમિ દુશ્મનોના પગ તળે રોળાતી હોય અને એ સમયે હું છાનોમાનો ઘરમાં બેસી રહું તો તો માં, મારી રાજપૂતાઈ અને તારું ધાવણ લાજે!”

પોતાની પરવરીશ પર ગર્વ અનુભવતી એ રાજપુતાણી માંએ પણ પોતાના એ લાડકવાયા લાલની નાની ઉમરની ચિંતા ન કરી, એ રાજપુતાણીને ચિંતા હતી રાજપૂત ધર્મની, દીકરાની વાત સાંભળતાજ એમણે કહ્યું;

“તો દીકરા ઝટ હથિયાર બાંધ અને રોઝડી ઘોડી પર સવાર થઇ દુશ્મનોના દાંત ખાંટા કરી આવ.”

અગ્યાર વર્ષના આ કિશોરને એ રાજપૂતાણી માતા પોતાના હાથે હથિયાર બંધાવે છે, પીઠ પર ઢાલ, ભેટે તલવાર બંધાવી, કેસર તિલક કરી, ઓવારણાં લઇ એ રાજપુતાણી માતા પોતેજ ઘોડો પલાણી જીવાને ઘોડે ચડાવી, વિજયના આશિષ આપે છે અને કહે છે;

“મને મારા પાયેલા દૂધ ઉપર તો વિશ્વાસ છે જ, તો પણ જે દરેક ક્ષત્રીયાણી યુધ્ધમાં જતા પોતાના દીકરાને, પતિને કે ભાઈને કહે છે એ જ કહીશ કે મોતથી ડરીને પણ પાછી પાની ન કરતો, રણભૂમિમાં કદાચ મોત આવતું પણ હોય, તો પણ સાચો રાજપૂત તો રણભૂમિમાં થયેલા મોતને જ ઉત્તમ ગણે એ વાત યાદ રાખજે. જા તારા રાજપૂત ધરમને ઉજાળ.”

આંખમાં કુળગૌરવ સભર ક્રોધાગ્નિ અને હોઠ પર એક આછા સ્મિત સાથે બાળવીર જીવો માતા પાસેથી વિદાય લે છે. રોઝડી ઘોડી પર સવાર થઇ ઝડપભેર ગામની એક પછી એક ગલી વટાવતો એ બાળવીર ગામના ચોરે પહોચે છે. બરાબર લૂંટારાના મોવડીની સામે આવી રોઝડી ઘોડીને રોકે છે અને સિંહ સમાન ગર્જના કરી એક પડકાર ફેંકે છે.

“ખબરદાર મારા ગામને કનડતા પેલા જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય એ થાજો માટી”

લૂંટારાના મોવડીએ આ બાળક સામે જોયું અને એક અટ્ટહાસ્ય કરી કહ્યું;

“એલા ગાંડો છે કે શું? ગામના મૂછ્ડો પણ અમારી સામે થવાની હિંમત નથી કરતા ને તું એક નાનકડું છોકરું અમારું શું ઉખેડી લેવાનો?

“તમારી ચામડી નરાધમો, મારા ગામની રાંક પ્રજાને હેરાન કરો છો? પાણીઆરીના પેટના હોય તો આવી જાવ મેદાનમાં.”

લૂંટારાના મોવડીનો મિજાજ ગયો અને એમણે હુકમ કર્યો;

“અલ્યા આને કોઈ રણગોવાળિયો કરીને નાખી દ્યો ક્યાંક ખૂણામાં, આવ્યો છે મોટો પાણીઆરો ચામડી ઉખેડવા વાળો તે.”

લૂંટારાનો એક સાગરિત જીવુંને પકડવા આગળ વધે છે.

“થાજે સાબદો” કહેતાકને જીવું પોતાની તલવારને મ્યાનમાંથી ખેંચી, પગની એડી મારી ઘોડાને પેલા સાગરિત તરફ દોડાવી મૂકી.

વીજળીના ચમકારા જેવો એક સપાટો, જીવુંની તલવાર મ્યાનમાંથી નીકળી અને પેલો સાગરિત હતો ન’તો થઇ ગયો.

પોતાના સાગરિતને પડતો જોઈને લૂંટારાના મોવડીએ ત્રાડ પાડીને પોતાના અન્ય સાથીદારોને હુકમ કર્યો.

“એલાવ કાળો કોપ કર્યો આ છોકરડાએ, પકડીને પૂરો કરો એને”

લૂંટારાના મોવડીનો આદેશ થતાની સાથેજ એક સાથે પંદર સતર જણા ખુલ્લી તલવાર સાથે જીવું તરફ દોડ્યા અને જીવુંની રોઝડી ઘોડીને ઘેરાવો કર્યો.

તલવારોની તાળીઓ પાડવા લાગી, એક તરફ જીવું એકલો ઝઝૂમતો હતો અને બીજી તરફ એક સામટા પંદર સતર લૂંટારાઓ. પણ જીવું એમ ગાજ્યો જાય તેમ ન’તો. કોઈ ઘા ચૂકવતો, કોઈ ઘા ઢાલપર ઝીલતો અને કોઈ ઘા તલવારથી ઝીલતો એ બાળવીર લૂંટારાઓ પર તૂટી પડ્યો.

દાંત ભીંસીને “લે પકડ મને ને કર રણગોવાળિયો” “લેતો જા” બોલતો બોલતો એ લૂંટારાઓને પોતાની શિહોરી તલવારનો સ્વાદ ચખાડતો જાય છે. સાત કોઠા વીંધવા જાણે અભિમન્યુ રણમેદાનમાં ઉતાર્યો હોય એવો એ દીસે છે. અભિમન્યુને તો કુંતામાતાની રાખડીની રક્ષા હતી, સુભદ્રાના ગર્ભમાં જ રહી છ કોઠા કેમ તોડવા એ જ્ઞાન પણ મેળવ્યું હતું જયારે આ બાળઅભિમન્યુ પાસે તો એક માંના આશીર્વાદ સિવાય કોઈ રક્ષાપોટલી હતી નહી તો પણ એ લૂંટારાઓને ભારે પડ્યો. પંદર સતર લૂંટારાઓ સાથે લડતા લડતા જીવુંનું શરીર ચાળણી જેવું થઇ ગયું, આંતરડા બહાર નીકળી આવ્યા પણ એ આંતરડાઓની માળા બનાવીને પણ એ વીર લડયે જતો’તો. લૂંટારાઓના કેટલાયે સાથીઓને એમણે મરણતોલ ઘા દીધા, કોઈકના હાથ કાપ્યા તો કોઈકના કાંડા વાઢી નાખ્યા, કોઈને જનોઈવાઢ ઘા કર્યા તો કોઈકને પુરા જ કર્યા.

આ બાળવીરની વીરતા જોઈને ગામલોકોમાં પણ શુરાતન જાગ્યું અને ગામના જુવાનીયાઓ જે હાથ આવ્યું તે હથિયાર લઈને લૂંટારાઓ તરફ દોડ્યા, લૂંટારાઓએ આ દ્રશ્ય જોયું અને વિચાર્યું કે જે ગામનો એક નાનકડો છોકરો આવો પાણીઆરો હોય એ ગામના જવાનો કેવા હશે? એ વિચાર આવતાની સાથે જ ઘણા લૂંટારાઓ તો એક ઘોડા પર બે-બે ચડીને ભાગ્યા.

ગામલોકો જયારે રોઝડી ઘોડીની નજીક પહોચ્યા ત્યારે જીવું લોહી નીતરતા દેહે રોઝડી ઘોડીની પીઠ પર માથું નાખી ગયો હતો. ગામલોકોએ તેને ઘોડી પરથી નીચે ઉતારી ઝોળીમાં નાખ્યો ત્યારે તેમણે “માં” એવો એક ઉદગાર કાઢ્યો. ગામલોકો જઈને જીવુંના માંને બોલાવી આવ્યા.

માંએ જીવુંને પોતાના ખોળામાં લીધો. લોહી નીતરતા દેહે અને રૂંધાતા શ્વાસે જીવું એટલું જ બોલ્યો.

“માં મેં એમને મારી ભગાડ્યા”

“હા મારા લાલ તું શુરવીર છો” કહી માંએ તેને બાહુપાશમાં સમાવી લીધો.

આંખમાં એક અનેરૂ દેશાભિમાન અને સંતોષપૂર્ણ એક શ્વાસ લઇ એ અભિમન્યુ માંના બાહુપાશમાં જ નિશ્ચેતન થઇ ગયો.

માંએ એની ખુલ્લી રહેલી આંખો બંધ કરતા કહ્યું;

“તે મારી કુખ ઉજાળી મારા લાલ!”

કદાચ કોઈ શ્રાપિત ગંધર્વે શ્રાપવશ માનવ દેહ ધરવો પડ્યો હોય અને પોતાનું કાર્ય આટોપી ફરી ગાંધર્વલોક કે સ્વર્ગલોકમાં પ્રયાણ કરતો હોય એવો એ જીવું પોતાનું કર્તવ્ય બજાવી સ્વર્ગલોકમાં સિધાવી ગયો. એ બાળવીર જીવુંની વીરતાની યાદ આપતો તેનો પાળીયો ત્રાપજ ગામને પાદર ઉભો છે.

કહેવાય છે કે માતૃભુમી માટે લડતા લડતા શહીદ થનારને સ્વર્ગમાં સ્થાન મળે છે અને શહીદ થનારના જીવાત્માને અપ્સરા સામેથી વરવા આવે છે. જયારે એ બાળવીર જીવું સરગાપરની વાટે સીધાવ્યો હશે ત્યારે અપ્સરાઓએ પણ આ કુસુમદેહ બાળ વરરાજાના ગળામાં વરમાળા પહેરાવવા માટે સરગાપરની વાટ પર દોડ સ્પર્ધા લગાવી હશે.

ધન્ય એ બાળવીર, ધન્ય એમની જનેતા અને ધન્ય મારી માતૃભૂમિ, જ્યાં આવા વીરો પાકે છે.

સંદર્ભ: લોકસાહિત્યનું રસદર્શનમાંથી.