Dikari Mari Dost - 14 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | દીકરી મારી દોસ્ત - 14

Featured Books
Categories
Share

દીકરી મારી દોસ્ત - 14

દીકરી મારી દોસ્ત

  • .....
  • રામ રાખે તેને..... રજનીગંધા...સમ મહેકતી...દીકરીની ખુશ્બુ.
  • વહાલી ઝિલ,

    આજે આ સાંજ ઉદાસી પહેરી આભના ઝરૂખે ઉભી છે. ડાયરી ને પેન હાથમાં છે. પણ અંતરમાંથી શબ્દો સરતા નથી. મન આજે ઉદાસ છે. પરાણે શબ્દો ગોઠવવા ગમે નહીં તે સ્વાભાવિક છે. ડાયરી તો અંતરનું પ્રતિબિંબ છે. પૂરી સચ્ચાઇ અને શ્રધ્ધા હોય તો જ એ સાર્થક થઇ ને દીપી ઉઠે. અને તો જ અન્યના અંતરને રણઝણાવી શકે. સ્પર્શી શકે .દિલમાંથી ઉઠતા સહજ સ્વયંસ્ફૂરિત શબ્દોની સરવાણી જ એને વિશ્વસનીય બનાવી શકે. ડાયરીના પાને પાને સહજ છલકતી સાચી સંવેદના હોય એ એની પ્રથમ શરત છે. અન્યથા એ ખાલી અહેવાલ બની રહી જાય.

    મૃત્યુ એટલે પરમ શાંતિ. મૃત્યુ ન હોય તો જીવન જીવવા જેવું ન રહે. પુર્નજન્મમાં માનતા હોઇએ તો એ બે જન્મ વચ્ચે નો વિરામ સમય છે. જો માનવીએ એક જ જીવનમાં અનંતકાળ સુધી જીવ્યા જ કરવાનું હોય તો જીવન એક અભિશાપ બની જાય. ” जातस्य हि ध्रुवो मृत्यु “ એ ન્યાયે સચરાચરમાં દરેક જીવ નો આદિ અને અંત નિશ્વિત છે. કદાચ મોત એ એક જ આ વિશ્વમાં નિશ્વિત વાત છે. અને આશ્ર્વર્યની વાત તો એ છે કે આ નિશ્વિતતા ચોક્કસપણે અનિશ્વિતતા સાથે સંકળાયેલ છે. મોત કયારે..કેવી રીતે..કયાં..આવી ચડશે એનો ભેદ કોઇ ઉકેલી શકયું નથી. એ બધું કોઇ અદ્રશ્ય શક્તિએ પોતાના હાથમાં રાખ્યું છે. આમ મૃત્યુ એ પરમ સત્ય છે..એ તો દેખીતી વાત છે. અનંતકાળ સુધી જીવ્યા કરવાની યાતનામાંથી એ આપણને ઉગારી લે છે. એટલે એ શિવમ્ પણ છે જ. તો હવે બાકી રહ્યું સુંદરમ્ . મૃત્યુને જીવનની જ એક વાસ્તવિક અવસ્થા તરીકે સાહજિક રીતે સ્વીકારી શકીએ તો જે સત્યમ્ છે, શિવમ્ છે એ અસુંદર કેમ હોઇ શકે ? આમ મૃત્યુ ને સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ કહી શકાય.

    તું કહીશ આજે અચાનક હું મૃત્યુની વાતો કેમ કરવા લાગી ?

    સામાન્ય રીતે કયારેય ઉદાસ...નિરાશ વાતો ન કરનાર મારી મમ્મી આજે કેમ આવી વાતો કરે છે ? કાલે આપણા પડોશી શિરિન અંકલની નાનકડી પુત્રી નિક્કી રમતાં રમતાં ખાડામાં પડી ગઇ અને...મૃત્યુ પામી. મન અપસેટ થઇ જ જાય ને ? મોત હમેશા છાના પગલે..કયારે..કયાં..કોને..કેવી રીતે આવે છે.. એ કોણ કહી શકે ? જન્મ તેનું મૃત્યુ એ નિશ્વિત છે જ... એ આપણે સૌ જાણીએ છીએ. અને છતાં.... છતાં એનો સ્વીકાર એટલો આસાન નથી જ. અને ખાસ કરીને આવા ઉગતા ફૂલનું અકાળે ખરી જવું..મૃત્યુ સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ છે. એનો લેખ લખવો જેટલો સરળ છે..એટલો સ્વીકાર સરળ નથી જ.

    “ આ જિંદગી એટલે.... અનેક અનિશ્તતાનો સરવાળો ”

    શબ્દો ખૂટી જાય, શ્વાસ થંભી જાય..એવી વેદના સાથે આંખમાંથી સરતા અશ્રુમાં પડતું એક પ્રતિબિંબ ..એક યાદ આજે યે મને હચમચાવી મૂકે છે.

    બપોરે બાર વાગ્યા હતા. પપ્પા જમવા ઘેર આવ્યા હતા. અને કોઇનો ફોન આવ્યો, ” સર, પેલો મેકવાન અગાશી પરથી પડી ગયો છે. ” હું ગભરાઇ ગઇ. મેકવાન તો તને અને મીતને રમાડવા હમણાં જ મારી પાસેથી લઇ ગયો હતો. હું ને પપ્પા ચોથે માળેથી દોડયા. નીચે આવ્યા ત્યાં ખાસ્સુ ટોળુ જમા થયેલ. અને ...અને અમે જોયું તો તું ભાઇ પાસે ઉભી ઉભી રડતી હતી. તું ત્યારે પૂરા ત્રણ વરસની નહોતી. મીત મેકવાનની છાતી પર ખુલ્લી આંખે પડયો હતો. મેકવાનના હાથ મડાગાંઠની જેમ મીતની આસપાસ વીંટળાયેલ હતા. મીત રડતો નહોતો. તેની આંખોમાં ભયના ઓથારની એક શૂન્યતા છવાયેલ હતી. મારી દશા તો.....

    મેકવાન બેભાન હતો. તાત્કાલિક ડોકટર આવ્યા. મીતને કયાંય કશું લાગ્યું નહોતું. એક ખરોંચ સુધ્ધાં નહોતી આવી. એક વરસનું બાળક ચોથા માળની અગાશી પરથી પડે અને છતાં...એક ઘસરકો સુધ્ધાં નહીં ? ” રામ રાખે તેને કોણ ચાખે ? ” યાદ આવી જ જાય ને ? પણ મીત મને કે કોઇને ઓળખતો નહોતો કે રડતો પણ નહોતો. ડોકટરે તેને ચોવીસ કલાક માટે ઘેનનું ઇન્જેક્શન આપી ને સૂવડાવી દીધો.. અમે ગભરાતા હતા. પણ ડોકટરે કહ્યું કે ‘ બાળક હેબતાઇ ગયો છે. આટલે ઉંચેથી પડયો છે તેથી. તે સૂઇ જશે એટલે એ ભૂલી જશે. જો ઉઠે પછી તેનું વર્તન નોર્મલ ન હોય તો મને કહેજો..તો આપણે કંઇક આગળ વિચારવું પડશે.

    એ ચોવીસ કલાક એક માના કેવા નીકળ્યા હશે..! એક મટકુ યે માર્યા સિવાય હું ને પપ્પા આખી રાત એની પાસે બેઠા હતા. અને ઇશ્વરને પ્રાર્થના કરતા રહ્યા. અને તું પૂરુ સમજી નહોતી શકતી કે શું થયું છે. તું પણ ભાઇ પાસે નિમાણુ મોં કરીને ઉભી હતી. એકદમ શાંત બનીને..મારો હાથ પકડી ને. સવારે મીત રાબેતા મુજબ જાગ્યો. મારી સામે જોઇ હસી ઉઠયો. ને એ મને વળગી રહ્યો કે હું એને ? એ ખબર ન પડી. ખાત્રી કરવા દૂધ આપ્યું. તેણે રોજની જેમ જ પીધું. ડોકટર આવ્યા.. અને ચેક કરીને કહ્યું, ” બધું નોર્મલ છે. ” મીતને તો ખબર સુધ્ધાં નહોતી કે આવું કંઇ તેની સાથે થયું હતું. ઇશ્વરનો ચમત્કાર જ હતો ને આ ? ટિટૉડીના ઇંડા જેમ ભગવાને બચાવ્યા હતા. એમ જ પરમાત્માએ મારા લાડલાને બચાવ્યો હતો. એક ઉઝરડો પણ નહોતો પડવા દીધો. પેલા મેકવાનને બિચારાને પાંચ જગ્યાએ ફ્રેકચર થયા હતા. અને નાનકડું બાળક ચોથે માળેથી પડવા છતાં હેમખેમ ઉગરી ગયું હતું. આજે નિક્કીના સમાચારે મને ઉદાસ બનાવી દીધી. અને મનમાં આ પ્રસંગ ફરી એક્વાર જીવિત થઇ રહ્યો. ઇશ્વરની કૃપા કેવી વરસી રહી હતી આપણી પર. એ અનુભવ કયારેય ભૂલી શકાય ખરો ? અંતરમાંથી દુવાઓ સરી રહે છે ‘ હે ઇશ્વર આવા કૂમળા ફૂલની તારે કોઇ જરૂર નથી. કોઇ મા પાસેથી આવા ફૂલ આપીને ન ઝૂંટવીશ..ઇશ્વર એટલો નિષ્ઠુર ન થઇશ. ‘ બસ....

    જીવન અને મરણ સર્જનહારે પોતાના હાથમાં રાખ્યા છે એ સત્યથી આપણે કોઇ અજાણ નથી જ. ઇશ્વરે દરેક માણસમાં ઠાંસી ઠાંસી ને જિજિવિષા ભરેલ છે. જેનાથી જીવન જીવવાલાયક લાગે છે. દરેક આપત્તિનો સામનો થઇ શકે છે. ગમે તેવી આફત વચ્ચે પણ માનવીની જિજિવિષા ન ખૂટે તો કયારેક તે સફળતા જરૂર મેળવી શકે છે.

    જિજિવિષાની વાત સાથે જ મારા મનમાં “ જિંદગી જિંદગી ” પુસ્તક ની યાદ ઝળકી ગઇ. આ વાર્તા તમને તો મેં કરી જ છે. પરંતુ મારા વર્ગમાં પણ બાળકોને હું હમેશા કરતી. રોજ એક પ્રકરણ તેમને વાંચી સંભળાવતી. અને બદલામાં વર્ગ ના દરેક છોકરાએ હોમવર્ક કરવાનું રહેતું. અને જે છોકરો કયારેય હોમવર્ક કરી ને ન આવતો..એ પણ આ વાર્તા સાંભળવાની લાલચે કરી આવતો. આલ્પસના પર્વતમાં ફસાયેલ લોકો..જેમાં મોટા ભાગના ઉરૂગ્વે ની ફૂટબોલ ટીમના ખેલાડીઓ હતા..અને પૂરા અઢી મહિના સુધી બહારનો સંપર્ક તૂટી ગયો હતો કોઇ મદદની શકયતા ન રહી.. ત્યારે કઇ રીતે તેમણે જીવન ટકાવી રાખ્યું.. એનો ચિતાર આપણને કંપાવી દે છે. ઇશ્વરે માણસની જિજિવિષા કેવી પ્રબળ બનાવી છે.. એનો પરિચય આપતું આ પુસ્તક આપણા ચિત્તને ઝકઝોરી નાખે છે.

    સુંદર પુસ્તકો જીવનને સભર બનાવી શકે છે. પાંચ વરસ કોલક્તા રહી ત્યારે ત્યાં શ્રી ટાગોર માટે અને સ્વામી વિવેકાનંદ, કે રામકૃષ્ણ પરમહંસ માટે દરેક બંગાળી ના હ્ર્દયમાં જે અભિમાન જોયું..તે જોઇ હું તો ખુશ થઇ ગઇ..રવીન્દ્ર સંગીત શું છે..એ ત્યાં જોઇને ..સાંભળી ને જ સમજાય. શ્રી ટાગોરની ગીતાંજલિ, જેના દરેક શબ્દમાં અંતરની ઉંડી શ્રધ્ધાનો રણકાર છે. કુંદનિકા કાપડીયા ની “ પરમ સમીપે ” , દર્શકની સોક્રેટીસ, કે બંધન અને મુક્તિ, વિકટર હ્યુગોની લે મિઝરેબલ, મેક્સીમ ગોર્કી ની “ મધર ”., પથેર પાંચાલી, અનિલ બર્વે ની થેન્કયુ મિસ્ટર ગ્લેડ..ફાધર વાલેસની વ્યકતિઘડતર, એલીનોર પોર્ટરની પોલીએના... આ તો બે ચાર નામો અહીં લખ્યા બાકી કયા કયા નામ ગણાવું ? અને કયા ભૂલુ ? અગણિત પુસ્તકો એ મને જે ખુશી..જે આંતરિક સમૃધ્ધિ આપી છે..તે અમૂલ્ય જ છે . આજે યે મને સમય કેમ પસાર કરવો એ સમશ્યા કયારેય નડતી નથી જ. હકીકતે મને તો સમય ઓછો પડે છે. ઘણાં પૂછે છે..’ એકલા એક્લા આખો દિવસ તમે કરો શું ? ‘ પણ હું કયાં કયારેય એકલી હોઉં છું ? મારી પાસે તો મનગમતું એકાન્ત છે.. દિલને કોરી ખાતી એકલતા કયારેય નથી જ.

    સાહિત્યને સ્થળ, કાળ. ના બંધનો થોડા નડે છે ? કાળનો પ્રવાહ એના મૂલ્યને ઝાંખો કયાં પાડી શકે છે ? રસ્કિન ના “unto the last” જેવા એકાદ પુસ્તક ગાંધીજી જેવાની જીવનધારા પલટાવી શકવા સમર્થ છે. શબ્દોનું સામર્થ્ય ઓછું કેમ આંકી શકાય ?

    તમે નાના હતા. હજુ વાંચતા પણ નહોતા શીખ્યા ત્યારે યે તમારા હાથમાં રમકડાની જગ્યાએ પુસ્તકો જ વધુ હતા ને ? પુસ્તકોનો પરિચય શૈશવથી જ તમને રહ્યો છે. અને સ્કૂલમાં પરીક્ષા હોય ત્યારે પણ છાનીમાની પણ તું વાર્તાની ચોપડી જરૂર વાંચતી. યાદ છે ને ? જોકે એમાં કદાચ તારો વાંક નથી. હું નાની હતી ત્યારે હું પણ એમ જ કરતી. વાર્તાના પુસ્તક પર બ્રાઉન પેપરના પૂંઠા ચડાવીને વાંચતી રહેતી..જોનારને એમ જ થાય કે ભણવાનું વાંચે છે. આમ મારા જીન્સ તારામાં આવે જ ને ? જીન્સ પરથી આજે અચાનક કલોનીંગ વિશે હમણાં વાંચેલ.. એ યાદ આવી ગયું.વિજ્ઞાન આજે કયાં પહોંચ્યું છે. કયારેક થાય કે કાળા માથાનો માનવી કયારેક શું કુદરત પર પણ વિજય મેળવી લેશે કે શું ? કુદરત સાથે ચેડા કરવાની તેની આ વૃતિ માનવને કયાં લઇ જશે ?

    ” જે પોષતું તે મારતું,એવો દીસે ક્રમ કુદરતી..” કવિ કલાપીની આ વાત યાદ આવી જાય છે.

    સાંજ પડી ગઇ છે એનો ખ્યાલ બારીમાંથી આવતા પંખીઓના કલરવે આપી દીધો.સંધ્યા સમયે આ મીઠો કલરવ જાણે પંખીઓ સાંધ્ય આરતી બોલતા હોય તેવું લાગે છે. ફળિયાના વૃક્ષોમાં જાણે અચાનક ચેતન પ્રગટયું. વૃક્ષોની બહુમાળી ઇમારતમાં પોતપોતાના ફલેટમાં અડ્ડો જમાવીને પંખીઓ જાણે પાડોશીઓ સાથે ગોષ્ઠિ કરી રહ્યા છે. આખા દિવસનો અહેવાલ એકબીજાને આપી રહ્યા છે કે શું ?

    ધીમે ધીમે અંધકારના ઓળા પૃથ્વી પર ઉતરી આવે છે. મારા મનમાં અત્યારે અચાનક કંઇક આવું સ્ફૂરી રહ્યું છે.

    “ સાંજ પડી છે તો...સવાર પડશે જ... કેટલો વિશ્વાસ છે માણસ ને.... સર્જનહાર પર? એટલો જ વિશ્વાસ, સર્જનહાર રાખી શકે છે માણસ પર ? કે માનવ છે તો.. માનવતા દાખવશે જ ? “

    ઇશ્વર આપણા પર એટલો વિશ્વાસ રાખી શકે એટલી લાયકાત આપણે કયારેય કેળવી શકીશું ?

    “ બેટા, ભવિષ્યમાં જયારે પણ તમે બાળક માટે વિચારો ત્યારે હમેશા યાદ રાખજો કે બાળક એ તમારી મારફત આવે છે..પણ એ પરમ ચૈતન્ય નો અંશ છે. એને વિકાસની યોગ્ય તક આપવી એ પ્રત્યેક માતા પિતાનો ધર્મ છે. બાળઉછેર એ ફુલ ટાઇમ નહીં, પણ હોલટાઇમ જોબ છે. ઊંચા જીવનધોરણની આંધળી દોટમાં બાળકના ઉછેરની ઉપેક્ષા ન જ થવી જોઇએ. આપણે તેને સમય ન આપી શકવાના હોઇએ તો તેને આ વિશ્વમાં આવવાનું આમંત્રણ આપવાનો કોઇ હક્ક નથી.. બાળકને સગવડ આપવા માટે જ આ બધું કરું છું ને..કે છેવટે આ બધી દોડધામ બાળકોના સુખ માટે જ છે ને..! આ માતાપિતાનું બચાવનામુ છે. બાળકોની જરૂરિયાતો પૂરી પાડવાથી મા બાપ નથી બની જવાતું. મા બાપે બાળકોને ઉછેરવા પડે છે. એક ગુલાબના છોડને પણ ચાનું પાણી માફક આવે છે તેવી સમજ આપણે કેળવી છે. તો બાળકના યોગ્ય વિકાસ માટે તેને પોષણ કયા ખાતરમાંથી ..કઇ માટીમાંથી મળશે..તેની પરવા તો કરવી જ રહી ને..!