Vyasanani feshion in Gujarati Health by Jaydeep Pandya books and stories PDF | વ્યસનની ફૅશન

Featured Books
Categories
Share

વ્યસનની ફૅશન

વ્યસનમાં હોમાતું જીવન !

-જયદીપ પંડયા

‘મૈ જિંદગથી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફીક્ર કો ધુએ મે ઉડાતા ચલા ગયા..’ આ ગીત આજની પેઢી માટે બંધ બેસે છે. કેમ કે, યંગસ્ટર્સ બધી પ્રકારની ફિકરોને ધૂમાડામાં ઉડાડવામાં પોતાના જીવતરને ધૂમાડામાં ઉડાડી રહ્યાં છે. સિગારેટ અને હુક્કાને મર્દાનગીનું સિમ્બોલ ગણતી યુવાપેઢી તમાકુ અને ધુમ્રપાનને ફેશન સમજીને તમાકુ નહીં પણ મોતને મોં માં લ્યે છે. એટલે જ બહુ ટૂંકા ગાળામાં આખું વિશ્વ તમાકુને લીધે થનારી બીમારી અને ખતરાઓની સામે ઝઝુમી રહ્યુંં છે. આવો જ હાલ કંઈક સૌરાષ્ટ્રનો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના લોકો તમાકુના વ્યસની છે. વ્યસનના લીધે કેન્સરના દર્દીઓની સંખ્યા પણ ખૂબ છે. સૌરાષ્ટ્ર કેન્સરનું કેપિટલ કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી.

બાળકો અને યુવાનો શેરીએ ગલીએ કે ખૂણે ખાચરે પાનના ગલ્લે ઉભા રહીને તમાકુ ચાવતાં અને સિગારેટના ધૂમાડા ઉડાડતાં જોવા મળે છે. દેખાદેખી, ટેન્શન અને બદલાયેલી જીવન શૈલીના કારણે શહેરમાં જ નહીં ગ્રામીણ વિસ્તારોમાં પણ વ્યસનનું પ્રમાણ જેટ ગતિએ વધી રહ્યું છે. મોટાભાગે યુવાનો વ્યસનોના આદી બની રહ્યા છે. જે ખતરાની ઘંટી સમાન છે. યુવાનોનો દેશ ભારત પણ આ બદીથી બાકાત નથી. યુવાનો પોતાની જીંદગી વ્યસનની લત લગાડી બરબાદ કરી રહ્યા છે.

એક સર્વે મુજબ ગુજરાતમાં 30 વર્ષથી નીચેના રર ટકા યુવાનો વ્યસની છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. વ્યસનના દૂષણના લીધે કેન્સરની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી સીંગે હમણા જ એક બેઠકમાં કહ્યું કે, ગુજરાતમાં કેન્સર જેવા જીવલેણ રોગ તિવ્રતાથી આગળ વધી રહ્યો છે. જયારે સૌરાષ્ટ્રમાં કેન્સરનું પ્રમાણ 40 ટકા જેટલું છે.

રાજકોટની કેન્સર હોસ્પિટલ પાસેથી ચોંકાવનારા આંકડા મળ્યા છે. સૌરાષ્ટ્રમાં દરવર્ષે 1પ000 જેટલા નવા કેસ નોંધાય છે. રાજકોટની કેન્સર હોસ્પિટલમાં જ દર વર્ષે 6 હજાર નવા દર્દી આવે છે. જી.ટી. શેઠ કેન્સર હોસ્પિટલના મેડિકલ ડિરેકટર ડો.વિ.કે.ગુપ્તાએ કહ્યું કે, તમાકુ અને ધૂમ્રપાનને લીધે પુરૂષોમાં કેન્સરનું પ્રમાણ ત્રીઓ કરતા બમણું છે. પુરૂષોને થતા કેન્સરમાંથી પ0 ટકા કેસમાં ગળાના હોય છે. મોં અને ગળાના કેન્સરનો ભોગ બનનાર પુરૂષોમાં 100માંથી 8પ વ્યસન ધરાવે છે. ફેફસાંના કેન્સરનું પ્રમાણ પણ વધુ છે. આ માટે સ્મોકિંગ અને પ્રદુષણ કારણભૂત હોય છે. પુરૂષોમાં ત્રીજા ક્રમે અન્નનળીનું કેન્સર આવે છે. જ્યારે ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર વધું જોવા મળે છે.

યુવાનો વ્યસનના રવાડે કેવી રીતે ચડી રહ્યા છે તે અંગે વાત કરતા ડો. ગુપ્તાજી કહે છે કે, સૌરાષ્ટ્રમાં ધો.પ-6માં અભ્યાસ કરતા હોય ત્યારથી જ બાળકો તમાકુ ખાતા થઈ જાય છે. ઘરે ભાઈ-પપ્પા કે કોઈ વડીલ તમાકુ કે સ્મોકિંગ કરતા જોઈને કે સ્કૂલના મિત્રોની સંગાથ અને પ્રસંગોપાત ખાઈ- પી લેવાથી બાળકોને ધીરે ધીરે વ્યસનની લત લાગી જાય છે. આ બાળક જ્યારે સ્કૂલમાંથી કોલેજમાં પહોંચે છે ત્યારે દેખાદેખી અને ફેશન સમજી તમાકુમાંથી સ્મોકિંગના રવાડે ચડે છે. પછી તેઓ કોશિશ કરવા છતાય તેને છોડી શકતા નથી. વ્યસન મુકત કરાવવા હોય તો માહોલ બદલાવો જોઈએ.

સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ બેઝલાઈનના વર્ષ ર014-15ના સર્વેનુસાર ગુજરાતમાં 1પ-ર9 વર્ષના રર ટકા લોકો તમાકુ ચાવવી અને ધુમ્રપાનની લત ધરાવે છે.આમાંથી ર.6 ટકા યુવતીઓનો પણ સમાવેશ થાય છે. 9.8 ટકા 60 વર્ષની નીચેના લોકો દારૂના વ્યસને ચડયા છે. 60 વર્ષ નીચેના રપ ટકા લોકો સ્મોકિંગના વ્યસની છે. જેમાંથી 39 ટકા તમાકું વગરનું પાન ખાય છે તો 40 ટકા તમાકુ ચાવે છે. ગુજરાતમાં સ્મોકિંગની તુલનાએ તમાકુ ખાવાનું પ્રમાણ વધું છે.60.2 ટકા લોકો તો સવારે ઉઠતાની સાથે અડધો કલાકની અંદર તમાકુનું સેવન કરે છે. ભારતમાં ધ્રુમપાન કરનારા પ7 ટકા પુરૂષો પૈકી 3ર ટકા પુરૂષો બીડીની આદત વાળા છે. તો 8.પ ટકા લોકો તમાકુનો અને 4.1 ટકા લોકોએ સ્મોકિંગનો ત્યાગ કર્યો હતો. વિશ્વમાં દરવર્ષે પ0 લાખ લોકો તમાકુથી થનારા કેન્સરથી મૃત્યુ પામે છે. તમાકુનું સેવન આ જ રીતે ચાલતું રહયું તો વર્ષ ર0ર0 સુધી લગભગ એક કરોડ લોકો તમાકુનું સેવન કરનારા થઈ જશે.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર છેલ્લા 1પ વર્ષમાં તમાકુની પ્રોડકટ્સ વાપરનારી મહિલાઓની સંખ્યા બમણી થઈ છે. ભારતમાં સામાજિક અને આર્થિક રીતે ત્રીઓ સ્વતંત્ર થતી જાય છે એમ એમ સ્મોકિંગ અને તમાકુના વ્યસને ચડી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત બરોડા જેવા મેટ્રો શહેરોમાં કોલેજીયન યુવતીઓ બિન્દાસ્ત સિગારેટ પી ધૂમાડા ઉડાડે છે. નાના સેન્ટરોમાં ખાનગીમાં સ્મોકિંગ કરે છે.

ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ દારૂ, છિંકણી અને ગુટકાની વ્યસની બની રહી છે. વ્યસનને કારણે આર્થિક રીતે બદહાલ થતા કુટુંબમાં આખરે પત્નીઓ જ પતિઓને સુધારવા માટે બિડું ઝડપીને વ્યસનમુક્તિ કેન્દ્ર સુધી લાવતી થઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ચાલતા વ્યસન મુક્તિ કેન્દ્રમાં પુરૂષો વધુ આવે છે.

સ્મોકિંગ કરવું એ હવે વ્યસન નહીં પણ ફેશન અને સ્ટેટસ ગણાવા લાગ્યું છે. પાંચ મિત્રો વચ્ચે કોઈ એક સ્મોકિંગ ન કરતું હોય તેને ડરપોક કે તુચ્છ ગણવામાં આવે છે. એટલે જ હવે તમાકુની બદલે સિગરેટનું વેચાણ વધ્યું છે. રાજકોટના તમાકુના હોલસેલ વેપારી હેમલભાઈએ જણાવ્યું કે, છેલ્લા બે-ત્રણ વર્ષમાં ચાવવાની તમાકુ અને બીડીના વેચાણમાં પ0-60 ટકાનો ઘટાડો થયો છે. જેની સામે તમામ પ્રકારની સિગરેટનું વેચાણ વધ્યું છે. અન્ય એક વેપારી નામ ન આપવાની શરતે કહે છે કે, લોકોમાં જાગૃતતા આવતા સિગારેટનું વેચાણ ઘટયું છે. એકાદ વર્ષ પહેલા 3 લાખ સિગરેટનું વેચાણ હતું તે અત્યારે અડધું થયું છે.

શહેરની ખાનગી સ્કૂલ નજીક પાનની દુકાન ચલાવતા દુકાનદાર જણાવે છે, એક-દોઢ વર્ષથી તમાકુની તુલનાએ સિગારેટનું વેચાણ ત્રણ ગણું વધ્યું છે. શરૂઆતમાં યુવાનો શોખ-દેખાદેખી અને હું કંઈક કરી શકું છું એવા વહેમથી સિગરેટ પીવાનું શરૂ કરે છે. આ શોખ પછી વ્યસનમાં તબદિલ થતા વાર નથી લાગતી. સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સિગારેટ પીતા થયા છે. તે રોડ ઉપરની દુકાને નહીં પણ નાની-શેરીઓ ઉપર દુકાનો હોય ત્યાં બિન્દાસ્ત સ્મોકિંગ કરે છે. તમાકુ ખાવામાં દાંત લાલ થઈ જાય છે જ્યારે સિગરેટમાં દાંત ખરાબ થતા નથી અને ઘરે ખબર પણ પડતી નહીં હોવાથી સ્મોકિંગનું પ્રમાણ વધ્યું છે. એમાં પણ હવે ફોરેનની સિગરેટ ખૂબ પીવાય છે. નશાખોરીનું પ્રમાણ માત્ર પંજાબમાં જ નહીં પણ ગુજરાતમાં પણ કુદકે ભૂસકે વધી રહ્યું છે. જોકે પંજાબની સરખામણીમાં ગુજરાત હજુ નશાના લતથી યુવાધનને બચાવી શકે તેમ છે. જો એમ ન થયું તો આવનારા વર્ષોમાં ગુજરાતની હાલત પણ ઉડતા પંજાબ જેવી થાય તો નવાઈ નહીં.

ખાનગીમાં થાય છે હુક્કા પાર્ટી !

રાજકોટમાં યુવક-યુવતીઓ સિગરેટ પીવે તે હવે સામાન્ય વાત થઈ ગઈ છે. મેટ્રો શહેરોના શોખ અહીંના બાપ કમાઈના બાબુડિયાને લાગી ગયા છે. હુક્કાબાર ઉપર તો પ્રતિબંધ છે પરંતુ રાજકોટ શહેરમાં હોટેલ, ફાર્મ હાઉસ અને મોટા ઘરોમાં ખાનગીમાં હુક્કા પાર્ટીઓ થાય છે !! એ પણ હુક્કો ભાડે મંગાવીને પોતાનો શોખ પુરો કરે છે. ઘરે હુક્કો કયાં રાખવો તે પ્રશ્ન થાય છે એટલે યુવાનો રૂ.1ર00માં ભાડે મળતો હુક્કો લઈ તેને સળગાવા મળતો કોલસો રૂ.પ0-ર00માં ખરીદી હુક્કો પીવાની મોજ માણે છે. યંગસ્ટર્સમાં ફલેવર્ડ હુક્કા અને હર્બલ ફેવરિટ છે. એક વેતથી સાડા ત્રણ ફૂટ સુધીની લંબાઈના હુક્કા રાજકોટમાં મળે છે. રપ-30 ટકા એવા પણ લોકો છે જે પોતાના ઘરે હુક્કો વસાવી પરિવારની સામે પીવે છે. ફલેવર્ડનો રૂ.પ0 ગ્રામનો ભાવ રૂ. 70-90 સુધી છે. છતા ભાવની ચિંતા કર્યા વગર યુવાનો હુક્કાનો આનંદ લૂંટે છે.

....................