Bhinu Ran - 7 in Gujarati Fiction Stories by Chetan Shukla books and stories PDF | ભીનું રણ - ૭

Featured Books
Categories
Share

ભીનું રણ - ૭

ભીનું રણ- ૭

હીંચકા પર ઝૂલતી ઝૂલતી સીમાને દુર દુર વગર મોસમે બોલતા પેલા મોરના ટહુકામાં, આમતેમ ઉડાઉડ કરતા પેલા ચકલાઓની કલબલમાં, સુરજ ઉગી ગયાની ઘટનાથી અજાણ એવા કોક ખૂણે સંતાયેલા તમરાઓની તીણી ટકટકમાં જીવનમાં હવે આવનાર સમસ્યાઓના તાણાવાણા ગુંથાતા દેખાઈ રહ્યા હતા.

હીંચકાના કીચૂડાટના અવાજ વચ્ચે એ છેલ્લા છ મહિના દરમ્યાન બની ગયેલી મહત્વની ઘટનાઓની ઉલટ તપાસ ચાલુ કરે છે. સાવ એકાંતમય આવા કુદરતી વાતાવરણમાંથી આવી રહેલી જાતજાતની સુગંધો પણ તેના પર પ્રભાવ પાડી શકતી નથી. કારણકે આવા સમયે હજુય તેને પેલા આર.ડીના શરીરમાંથી પ્રસરેલા મોંઘા પરફ્યુમની પાછળ છુપાયેલો વાસનાથી લથબથ પરસેવો જ ઘેરી વળે છે. માંડ માંડ એ દુર્ગંધમાંથી છૂટે ત્યાં પેલા ભૂરાની જોહુકમીભર્યો ચહેરો અને દારૂના નશાથી લાલ થયેલી આંખોમાંથી ટપકતો બીભત્સ માંગણીઓની વાસનાની દુર્ગંધ ઘેરી વળે.

દિવસે શાહી ઠાઠ-માઠથી ઓફિસે જતી સીમાને ક્યારેક આર.ડી જોડે કોક રાજકારણીઓ સાથેની કહેવાતી મીટીંગોમાં એમની સેક્રેટરીની રુએ સાથે જવાનું થતું. શરૂઆતમાં તો આ બધી ઝાકમઝોળથી એ પોતેજ અંજાયેલી રહી એટલે વાંધો ન આવ્યો કારણકે ઘણીવાર આર.ડી જયારે શહેરની બહાર હોય ત્યારે ભૂરો ડીનર માટે લઇ જતો. મોટી મોટી હોટલોમાં જવાનું અને એ બહાને નવી નવી જગ્યાઓએ ફરવા મળતું. આ બધું એને સ્વપ્ન જેવું લાગતું. આર.ડી હોય ત્યારે તો એ જતી જ પણ એમની ગેરહાજરીમાં પણ એની ઓફિસે જઈ બેસવાનું હુકમો ચલાવવાના, નાની ઉંમરે મળેલી આવી આભાસી સફળતાના મદમાં એ સમજી શકી નહિ કે પોતાની વેલ્યુ માર્કેટમાં આર.ડીની રખાતથી વિશેષ નથી. એકવાર એક મોટા ગજાના રાષ્ટ્રીય નેતા સાથેની મીટીંગ બાદ જયારે આર.ડીએ હુકમ કર્યો કે આજની સાંજ તારે એમની સાથે ફાર્મ-હાઉસ પર જવાનું છે ત્યારે એને બહુ આઘાત લાગ્યો. હવે એ વાસ્તવિકતાની ધરતી પર ચાલતી હતી. ડ્રગ્સના સોદા જે થતા એ બધામાં એ પુરેપુરી ઇન્વોલ્વ્ડ હતી. જે બે-ચાર વચેટીયાઓ સાથે સોદા થતા એ બધા કામ એના ફ્લેટમાં જ થતા. પૈસાની લેવડદેવડમાં દરેક વખતે ભૂરો રહેતો પણ આર.ડી એમાં ક્યાંય વચ્ચે આવતા નહિ. આ બધું હવે એને પ્રિ-પ્લાન્ડ લાગવા માંડ્યું હતું. પોતાનો દુરુપયોગ થતો હોય તેવું એ અનુભવી રહી હતી. આ બધી બાબતોથી ગુંગળામણ અનુભવતી એણે મોટામાં મોટી ભૂલ એ કરી કે એક વખત ગુસ્સામાં ને ગુસ્સામાં એણે બધી ચર્ચા ભૂરા સાથે કરી. બસ તે દિવસથી દશા બેઠી હોય એમ લાગ્યું. આર.ડીની મુલાકાતો ઘટી ગઈ હતી. એક વખત આ ફ્લેટ ખાલી કરી તારે બીજે શિફ્ટ થવું પડશે તેવી આડકતરી ધમકી પણ મળી. આ બધામાં સૌથી ભયાનક વાત એ હતી કે હવે એવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હતું કે હવે એ પોતે ભુરાને આશ્રિત હોય અને એની સાથે આર.ડીને જાણે કોઈ લેવાદેવા તેવું વર્તન થવા માંડ્યું. ભૂરો ગમે ત્યારે એના મિત્રોને લઈને ફ્લેટ ઉપર આવી જતો. એ બધું ઓછું હોય તેમ ભૂરાએ સીમાને ડ્રગ્સની બંધાણી બનાવવાની કોશિશ કરી, ત્યારથી એણે નક્કી કરી લીધું હતું કે હવે આ ચુંગાલમાંથી છૂટવું પડશે અને એમાં વિલાસ જ મદદ કરી શકશે.

થોડા વખત પહેલા જયારે વિલાસ મળ્યો ત્યારે એણે એની આંખોમાં જુનો પ્રેમ દેખ્યો હતો, કારણકે કોલેજ સમયે બંને જણાએ સાચો પ્રેમ કર્યો હતો એમાં કોઈ દંભ ન હતો. પૈસા ના જોરે પ્રેમિકા બદલવા વાળો વિલાસ પણ જાણી ગયો હતો કે પૈસાથી પ્રેમ ખરીદી શકાતો નથી. એ જાણતો હતો કે સીમાનો પ્રેમ ખરેખર સાચો હતો અને એવા જ સમયે સીમા તરફથી મળવાનું આમંત્રણ મળ્યું. સીમાએ ત્યારે દિલ ખોલીને બધીજ વાત કરી. ભુરાને સબક આપવાનો મોકો એ છોડવા માંગતો ન હતો અને હવે એ સીમાને પણ છોડવા માંગતો ન હતો.

એટલામાંજ વિલાસના મોબાઈલમાં પોલીસના સાયરન જેવી રીંગ વાગી, આ રીંગટોનનો મતલબ સીમા બરાબર જાણતી હતી એટલે એ એકદમ અંદર દોડી. વિલાસ પણ આ રીંગ સાંભળી ઊંઘમાંથી સફાળો જાગી ગયો, ફોન હાથમાં પકડી બોલ્યો ‘હા બોલ કાતરા’

******

તપન જોડે વાત કરવામાં બે કલાક જેટલો સમય ક્યાં પસાર થઇ ગયો એ ખબર જ ન રહી. એક નોકરાણીનું ખૂન થયું છે એટલે કેસનું મહત્વ ન રહેતા નબળો પાડી દેવામાં આવ્યો છે. આખા કેસનું મૂળ શું છે, એ અમારા બે સિવાય કોણ વધારે જાણતું હશે? તપનની વાતો પરથી એ સ્પષ્ટ હતું કે આ કેસની ઘણી માહિતી પોલીસ-સ્ટેશનમાંથી લીક થાય છે એટલે કોક મોટું માથું આમાં સંડોવાયું છે. એ આર.ડી જ છે એવી ખબર હોવા છતાં સબૂતના અભાવે કોઈ એક્શન લઇ શકાતા નથી. એના કહેવા પ્રમાણે સીમાનું પગેરું હાથવેંતમાં છે પણ એથી અમારા અભિયાનને અત્યાર પુરતો કોઈ ફેર પાડવાનો ન હતો. અમે બંનેએ આજનું મહત્વનું કામ જે કરવાનું હતું એ બાબતે ચર્ચા કરી અને પછી છુટા પડ્યા.

સાંજ પડી ગઈ એટલે અંધારુ પોતાનો પરચો દેખાડવા તૈયાર હતું. હું પણ એવીજ ફિરાકમાં શાંતિપુરાના પેલા ગોડાઉનની થોડેક દુર આવેલી ચાની કીટલી પર મનસુબો પાર પડવાના આશયથી બેઠો હતો. ચાની કીટલી વાળા છોકરા જોડે કરેલી વાતોથી મને ચોંકાવનારી વાત એ મળી કે ગોડાઉનના મુખ્ય દરવાજા સિવાય જો ગોડાઉનમાં પહોંચવું હોય તો પાછળ વેરાન પડેલા ખેતરને પસાર કરો તો એક કાચો રસ્તો છે ત્યાંથી આવી શકાય. ઘણીવખત રાત્રે ગાડી ત્યાંથી આવતીજ હોય છે. મારી એક શંકાને અજાણ્યે જ એ છોકરાની વાતે આંશિક સમર્થન આપી દીધું. હું સમજી ગયો કે આજની રાત મારા માટે જરૂરથી કોઈ નવા સમાચાર લઈને આવશે.

હું મારા પ્લાન પ્રમાણે દીવાલ કુદીને અંદર પહોંચ્યો. ગોડાઉનના પાછળના ભાગે બંધ પડેલી ભંગાર થયેલી એક મેટાડોર પડી હતી. હું એની પાછળ જઈને શાંતિથી ઉભો રહી ગયો. અહીંથી મને પાછળના ભાગે આવેલી ચોકીદારની ઓરડી સ્પષ્ટ દેખાતી હતી. હાથમાં લાકડી લઈને એ બહાર નીકળ્યો અને બહાર મુકેલી ખુરશીમાં બેસી એ બીડી સળગાવી ઊંડા ઊંડા કસ ખેંચવા માંડ્યો. એના હાથમાં માચીસ જોઇને મેં પણ મારા થેલામાં મુકેલી મારી વસ્તુઓને યાદ કરવા માંડી. હા એમાં માચીસ તો હતી જ પણ એના જેવીજ અને ઈમરજન્સીમાં કામ આવે એવી ઘણી વસ્તુઓ હતી. મોટા મોટા મચ્છરો મારી આજુબાજુ ઉડતા ઉડતા ક્યારેક કાનમાં પણ એમનું સંગીત સંભળાવી જતા હતા. હું એવી જગ્યાએ હતો કે ત્યાં ઉભો ઉભો થોડું હલનચલન કરી શકતો હતો, નહીતર આ બધા મચ્છરોને આજે મિજબાની પાકી જ હતી.

મેટાડોરના તૂટેલા બારણાં પર મારો થેલો લટકાવ્યો પછી મેં મારી ઉભા રહેવાની દિશા બદલી. મેટાડોરના ડ્રાઈવર સાઈડના ભાગે જઈને ઉભો રહ્યો. હવે મને ગોડાઉનની દીવાલ પુરેપુરી દેખાતી થઇ ગઈ. પેલો ચોકીદાર બીડીના કસ ખેંચી ઉભો થઈને ગોડાઉનની દિવાલમાં બનેલી ૪ બાય ૪ ફૂટની બારી પાસે જઈને ઉભો રહ્યો. જમીનથી લગભગ પાંચેક ફૂટ ઉપર આવેલી એ બારી નીચે એણે એક ટેબલ ગોઠવ્યું. મારા પ્લાન પ્રમાણે તો હું એની બોચી પકડવાનો હતો. હું એ બાબતની બધી તૈયારી કરીને આવ્યો હતો, પરંતુ આજે એની હિલચાલ દેખી એવું લાગ્યું કે મારે એની તૈયારીઓ પહેલા જોવી પડશે. ટેબલ પર ચઢીને એણે લોખંડની એ બંધ બારી ઉપર આડી મુકેલી એંગલ હટાવી, પછી એણે ખિસ્સામાંથી ચાવી કાઢી અને એનું તાળું ખોલ્યું. મને બરાબર ખબર હતી કે અંદર બેસતા પેલા કર્મચારીના ટેબલની બરોબર ઉપર આ બારી હતી અને તેની પર અંદરની બાજુએ પણ લોક મારેલું હતું. છ ફૂટ હાઈટ ધરાવતો પેલો મૂછાળો ચોકીદાર ટેબલ પરથી નીચે ઉતર્યો અને ફરી એણે બીડી સળગાવી. બીડી પીતો પીતો એ આમથી તેમ આંટા મારવા માંડ્યો. વચ્ચે વચ્ચે ક્યાંક હાથમાં રહેલી લાકડી ખખડાવતો હતો. એક વખત એ ધીમે ધીમે ચાલતો હું જ્યા ઉભો હતો એ દિશામાં દસેક ડગલાં આવ્યો અને ત્યાંથી પાછો વળી ગયો. હું સાવચેત થઇ ગયો. મને એકદમ પેલી બાજુ લટકાવેલી મારી બેગ યાદ આવી, ધીમા પગલે ત્યાં જઈને મેં જેવી ત્યાંથી બેગ લીધી તો મેટાડોરના એ ભાગ પાર કાટ ખાઈ ગયેલો અને માંડ અડીને રહેલો એ સળીયો નીચે પડ્યો. એના ખખડાટથી પેલો ચોકીદાર ઝટકા સાથે ઊંધો ફર્યો અને બીડી ફેંકીને તરતજ ખિસ્સામાંથી ટોર્ચ કાઢીને મારી દિશા તરફ ધરી. અચાનક અવાજથી એટલોજ સાવચેત થઈ ગયેલો હું પણ, તરત જ બેગને બાથમાં ભીડી મેટાડોરના ટાયરની પાછળના ભાગે ઉભો રહી સ્થિર થઇ ગયો. એજ વખતે મારી પાછળની કમ્પાઉન્ડ વોલને અડીને ઉગેલા લીમડાના ઝાડ પર બેઠેલી એક ચીબરી ટોર્ચના અજવાળાથી કકળાટ કરતી ત્યાંથી ઉડી. પેલા ચોકીદારને માનસિક રાહત થઇ અને એ તરતજ ત્યાંથી પાછો વળી ગયો. મને પણ રાહત થઇ.

મેં બેગ પીઠ ઉપર ભરાવી દીધી. મારા પ્લાન પ્રમાણે મારે એને બેભાન કરીને ગોડાઉનની ચાવી લઇ લેવાની હતી. એને બાંધવા માટેનું દોરડું પણ હું લાવ્યો હતો. મારે અડધી રાત્રે ગોડાઉનમાં પહોંચીને પછી તપનને ફોન કરવાનો હતો. હવે હું કોઈ નિર્ણય લઉં એ પહેલા પેલો મુછાળો લઠ્ઠ ઓરડીને અડીને બાજુમાં આવેલી બાથરૂમમાં ગયો. પાંચ મિનીટ સુંધી એના બહાર આવવાની રાહ જોઈ પણ પછી મેં ત્યાં પહોંચી જવાનો નિર્ણય લીધો. હું દબાતા પગલે અડધી મીનીટમાં એ બાથરૂમના બારણાની નજીક જઈને ઉભો રહી ગયો. ખિસ્સામાં મુકેલી સ્પ્રેની બોટલ હાથમાં રાખી હું તેની પ્રતીક્ષા કરવા લાગ્યો. કારણકે આના જેવો સહેલો મોકો મને મળવાનો ન હતો. બાથરૂમમાં આવતી થોડીક હિલચાલના આવજો બંધ થયે પણ દસ મિનીટ થઇ ગઈ. હવે મારી ધીરજની પણ કસોટી થઇ રહી હતી. એવામાં અચાનક ગોડાઉનના ઉપરના ભાગે આવેલી વેન્ટીલેશન માટે મુકેલી બે સાવ નાની બારીમાં લાઈટ થઇ. હું સાવચેત થઇને બીજું કઈ વિચારું એ પહેલા પેલી લોખંડની બારીનું તાળું અંદરથી ખુલતું હોય એમ લાગ્યું. હું બમણા વેગથી દોડીને એ બારી નીચે મુકેલા પેલા ટેબલ પાસે પહોંચી ગયો અને દીવાલને અડીને ઉભો રહી ગયો. મારું અનુમાન સાચું નીકળ્યું, થોડીકજ વારમાં પેલા ચોકીદારના પગ બારીમાંથી બહાર આવ્યા. અંધારામાં ઉંધા લટકેલા એણે જેવા એના બંને પગ ટેબલ પર ટેકવ્યા કે મેં તરત જ ટેબલ ખેંચી લીધું. એક ચિત્કાર સાથે ધડામ દઈને નીચે પડ્યો. એના મોઢામાં ડૂચો મારી હું ઘસડીને એની ઓરડીમાં લઇ ગયો. ઓરડીની બારી સાથે મેં એને જડબેસલાક બાંધી દીધો. ઓરડીના આછા અંધારામાં બેબાકળી બનેલી એની આંખોમાં ઉપસી આવેલા દર્દથી હું સમજી શકતો હતો કે એના શરીરે બે-ત્રણ જગ્યાએ તો ફ્રેકચર થયા જ હશે.

તપન સાથે વાત કરવા માટે જેવો મેં ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ત્યાં દુર કોઈ વાહનનો અવાજ આવ્યો. બહાર જઈને જોયું તો ખેતરના દુર છેવાડે એક કાર ઉભી હતી. એણે ત્યાંથી બે વખત ડીપર મારી. હું જે કામ આસાનીથી પતી ગયું એમ માનતો હતો તે કેટલું અઘરું હતું એ ખબર મને હવે પડવાની હતી.

{ક્રમશ:}

ચેતન શુક્લ (9824043311)