Jamo, Kamo ne Jetho - 19 in Gujarati Short Stories by Kandarp Patel books and stories PDF | જામો, કામો, ને જેઠો

Featured Books
Categories
Share

જામો, કામો, ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

મોજ – ૧૯ : કૉલ કરજે !

છેલ્લે એ મોજ કરી કે,

( સુરતથી અલ્ટીમેટમ મળ્યું હતું – થોડા દિવસોમાં વેલજીકાકાની દીકરી સાથે થયેલ આકસ્મિક અકસ્માત – ખારાંમાં રમવા જતા તેને સાથે લઇ જવી – વેલજીકાકા આવતા જ ભાગવું – વેકેશન માણીને સુરત પરત ફરવું – અંબાજી મંદિરે ચાલીને જવું – પાછા ફરતી વખતે અઠવાલાઇન્સની ચોપાટીમાં તાપીના કિનારે પાળી પર બેસવું – કોઈક કપલને સહવાસ કરતા જોઇને તેમને ચીડવવા – તે સહકર્મી છોકરાનું પાછળ દોડવું – પ્રતિકનું પકડવું અને પટ્ટાનો સ્વાદ ચાખવો – મેરિટ મુજબ ૧૧ સાયન્સના વર્ગોમાં ગ્રુપ A / B મુજબ વહેંચાઇ જવું – ગ્રુપ A માં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાને લીધે તેમને બાયોલોજીના વર્ગોમાં બાયફર્કેટ કરવા – બાયોલોજીના ક્લાસમાં જવામાં સૌથી પહેલું નામ ‘ગાંગાણી’ અને છેલ્લું નામ ‘કંદર્પ’નું આવવું )

કલરફૂલ ટી-શર્ટ અને ચામડીને ચપોચપ ચોંટેલું જીન્સ પહેરીને ‘સતાણી સર’ ક્લાસમાં આવ્યા. જેમણે ૮, ૯ અને ૧૦માં ધોરણમાં ટ્યૂશનમાં વિજ્ઞાન શીખવ્યું હતું. જે ખરેખર ગોખણપટ્ટીથી અમે યાદ રાખેલું હતું. સ્કૂલનો પહેલો દિવસ. થોડી ભાષણબાજી થશે જ, તેવો અંદાજ હતો. હવે અમે સ્કૂલ સિનિયર હતા. ઉપરાંત, સાયન્સ સ્ટુડન્ટ્સ !

“વિદ્યાર્થી મિત્રો ! કોણ-કોણ રામકૃષ્ણ વિદ્યાભવનનાં જ જૂના વિદ્યાર્થીઓ છે ?”

અમે હાથ ઉંચો કર્યો. તેથી અંદાજે સતાણી સરે તકાજો લગાવ્યો. અમને ફરી ક્વેશ્ચન પૂછ્યો. “પહેલા ધોરણમાં તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા ?”

“સિત્તેર-એંસી જેવા હતા.” અમે સામુહિક ઉત્તર આપ્યો.

“કુલ ક્લાસ કેટલા હતા ?”

“પાંચ.” ફરીથી સામુહિક ઉત્તર.

“જોયું ને ? (અમે બધા વિમાસણમાં પડ્યા, શું જોવાનું હતું એ ન સમજાયું. એટલે મેં તો ક્રિષ્ના તરફ જોયું.) ચારસો વિદ્યાર્થીઓની સામે સાયન્સ વિભાગમાં માત્ર સો વિદ્યાથીઓ જ છે. તમે ક્રીમ છો. ભવિષ્ય છો. દેશ માટે યુવાધન છો. તમારે કશુંક કરી બતાવવાનું છે. તમારા માતા-પિતાએ તમને કરકસર પૂર્વક ભણાવીને અહી સુધી પહોંચાડ્યા એ બદલ તેમની મહેનતને વફાદાર રહી મન મૂકીને મહેનત કરો.”

આવું વક્તવ્ય ચાલતું હતું ત્યાં જ કોઈકે જોરમાં બગાસું ખાધું. સમગ્ર ક્લાસ હસ્યો. કસવાલા સરનો મગજ ગયો.

“ભણો કે ન ભણો, કોઈને તમારી ચળ નથી હોં ! નીકળી જ જવાનું ક્લાસની બહાર આ બધા વાંદરાવેડા કરવા હોય તો ! સાયન્સના વિદ્યાર્થી છો તમે, કોમર્સ / આર્ટસના નહિ. તમારું વર્તન પહેલા ધોરણના બાળકો જેવું છે. શરીરથી જ મોટા થયા. બુદ્ધિથી એકદમ બુઠ્ઠા છો. અને બીજી વાત, સમૂહમાં ઉત્તર અપાય ખરો કદી ? તાળીઓ કોણ પાડે ખબર છે ને ? આજ પછી મને ક્યારેય પણ સામુહિક ઉત્તરનો અવાજ ન સંભળાવો જોઈએ. જેને બોલવું હોય કે જવાબ આપવો હોય તે વિદ્યાર્થી આંગળી ઉંચી કરશે.”

કસવાલા સરને ગુસ્સે જોઇને સતાણી સરે પરિસ્થિતિ સંભાળી લીધી. તેઓએ ફરી બોલવાનું શરુ કર્યું. થોડી વાતચીત સાથે દરેક ફેકલ્ટી મેમ્બર્સ તેમની ઓફિસમાં ગયા. હવે ક્લાસમાં બધા એકલા હતા. બે વર્ગો અને અમે મેથ્સ ગ્રુપના સ્ટુડન્ટ્સ બાયોલોજીના ક્લાસમાં હતા. કોઈક બગાસું ખાતું હતું. કોઈકે બરાબર ઉડાવી. છેલ્લી બેંચમાંથી સતત હસવાનો અવાજ આવ્યે કરતો હતો. અમુક ટ્રસ્ટીના ડોનેશન ભરીને એડમિશન લીધેલા મિત્રો પોતાના ટાયર જેવડા ચરબીના થર ધરાવતા પેટ લઈને બેઠા હતા. અમુક મહેનતથી પર્સન્ટેજ લાવીને બેઠેલા વિદ્યાર્થીઓના પેટમાં આવાને જોઇને પેટમાં તેલ રેડાતું હતું. વાતાવરણ પહેલા દિવસથી જ ખાસ્સું રેશનલ અને અસહિષ્ણુતાભર્યું હતું. દરેક વિદ્યાર્થી મજાક-મજાકમાં પણ OBC, SC/ST અને જનરલ કેટેગરીની ઉડાવી રહ્યા હતા. ઘણા એવા મિત્રો પણ હતા કે જેમને સિસ્ટમથી જ તકલીફ હતી. સૌથી વધુ કેટેગરાઈઝેશન બાયોલોજી ગ્રુપમાં ચાલતું હતું.

“૧૦માં ધોરણમાં માત્ર ૬૫ % આવ્યા છતાં રામકૃષ્ણમાં એડમિશન મળી ગયું. એમ પણ, ૧૨ પછી કૉલેજમાં એડમિશન તેમને સરળતાથી મળવાનું જ છે.”

કેટલું કટ ઓફ હોય, કેટલો બેસિક ડિફરેન્સ હોય એ અંગે કોઈ ખ્યાલ નહોતો. તેથી આવું છાશવારે ચાલ્યા કરતું.

મહત્વની વાત ક્રિષ્નાની હતી. રેગ્યુલર કલાસિસ શરુ થઇ ગયા હોવા છતાં તે નજર નહોતી મિલાવી રહી. હું તેની બાજુમાં બેસતી તેની ફ્રેન્ડ્સને પૂછ્યા કરતો હતો.

તે દિવસે રિસેસમાં મેં તેને આ વિષે પૂછ્યું.

તેણે માત્ર એટલું જ કહ્યું, “સારું, હું તને છૂટીને કૉલ કરીશ.”

“કૉલ કરજે !”

બપોરે જમીને ઉભો થયો ત્યાં જ ક્રિષ્નાનો કૉલ આવ્યો.

“હેય, કેમ છે ?”

“બસ, સારું. મારે તને એક વાત ઘણા સમયથી કહેવી છે.”

“શું ? બોલ ને !” આ વાક્ય બોલતાની સાથે જ હું ટેન્શનમાં હતો.

“હું એમ કહેતી હતી કે, બે વર્ષ આપણે ફોન પર વાત ન કરીએ. કૉલ કે મેસેજીસ ન કરીએ. કારકિર્દીના વર્ષ છે. સાયન્સ છે, એટલે ધ્યાન રાખવું પડે ને !”

મને થોડી શાંતિ થઇ. કારણ કે, મેટર બહુ સિમ્પલ હતી. આવી વાતોનું સોલ્યુશન મારી પાસે હંમેશા હાથવગું જ રહેતું. તેથી હું બોલ્યો,

“અરે યાર, રોજની રોજ તૈયારી કરતી રહેવાની. રેગ્યુલર મેથડથી મહેનત કરીએ તો કઈ અઘરું નથી. અને આવું ખોટું ખોટું નહિ વિચાર્યા કરવાનું !”

થોડીવાર મૌન વાતાવરણમાં ફરી મેં ડૂબકી મારી.

“જો ક્રિષ્ના, એવું હશે તો આપણે ઓછી વાતો કરીશું.”

માત્ર ઉપરવાળો જાણતો હશે, કે કોણ જાણે કેમ – ક્રિષ્ના તરત જ માની ગઈ. બીજા દિવસે ફરીથી એ જ મૂડ સાથે સ્કૂલ આવવા લાગી. બેચવાઈઝ અમારી ફિઝીક્સ અને કેમિસ્ટ્રી લેબની ગોઠવણ થઇ. ધીરે-ધીરે મહેનત થતી હતી. ડિસેમ્બર મહિનાથી જ ૧૨મુ ધોરણ શરુ કરી દેવું એવી પરંપરાગત પ્રણાલી સ્કૂલમાં ચાલતી હતી.શરૂઆતના દિવસો તો વ્રત,સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, ગણેશચોથ, નવરાત્રી અને સ્કૂલમાં થતાં કોમ્પિટિશન અને પ્રોગ્રામ્સ એન્જોય કરવામાં જ ગયા.

થોડા દિવસોમાં જ એક અજીબ ઘટના બની. એક છોકરી નામે ‘ધારા’ - ન્યૂ એડમિશન હતું. જેને હું ઓળખતો નહોતો. તે મેથ્સના વર્ગમાં હતી. પરંતુ, રિસેસના સમયગાળામાં એ અવાર-નવાર અમારા ક્લાસમાં આવવા લાગી. મને એ વાતની જરા પણ ભનક નહોતી કે, તે ક્લાસમાં આવીને મારા તરફ જુએ છે. તે છોકરીનો પણ કદાચ તેવો ઇન્ટેન્શન નહિ હોય. આ વાત ક્રિષ્ના અને તેની ફ્રેન્ડ્સ રોજ નોટિસ કરવા લાગી. લગભગ અઠવાડિયું આવું ચાલ્યું.

એક દિવસ તેના ક્લાસમાં આવવાની સાથે જ, “કેમ ક્લાસમાં રોજ આવે છે ?” ક્રિષ્નાની ફ્રેન્ડ્સ એક પછી એક પ્રશ્નો પૂછવાનું શરુ કર્યું.

“આ તારો ક્લાસ થોડો છે ?” ધારા એ જવાબ આપ્યો.

“મારો જ છે. તારે અહી નહિ આવવાનું અને ડાફોળિયાં નહિ મારવાના.”

“શા માટે ? હું તો રોજ આવીશ.”

આ બધો કકળાટ સંભળાયો. મેં મારી સામેની બેન્ચમાં બેઠેલ છોકરીને પૂછ્યું, “શું ચાલે છે આ બધું ?”

“આ છોકરી ન્યૂ એડમિશન છે. રોજ-રોજ ક્લાસમાં નાસ્તો કરવા માટે રિસેસમાં પહોંચી જાય છે. નાસ્તો કરવા આવે તેનો પ્રોબ્લેમ નથી. પરંતુ, તે ક્રિષ્ના અને તેના ગ્રુપ સામે કતરાતી નજરે જોયા કરે. કોઈ ને કોઈ સાથે રોજ ઝઘડો કરે.”

મને લાગ્યું કે આટલી વાતમાં આવડો મોટો ઝઘડો કેમ ચાલુ છે ? ખૂણામાં લઇ જઈને બધી જ ગર્લ્સ તેને ઘેરી વળી. એ બિચારીને હેરાન કરી મૂકી. અંતે, એ છોકરી જોરમાં બોલતા-બોલતા તેના ક્લાસમાં ગઈ. ક્રિષ્ના તો હતી સફેદ રૂ ના કાલાં જેવી ! તરત જ લાલ થઇ ગઈ. નાકનું ટેરવું લાલ થઇ ગયું. ગુસ્સામાં બેંચ પર બેઠી.

થોડી વાર પછી મને બોલાવીને કહ્યું, “કૉલ કરજે.”

રિસેસ પછીના બાકીના ચાર પિરિયડ સુધી ગુસ્સો ફૂટ્યા કરતો હતો. આજુબાજુ પૂછવા છતાં કોઈ જવાબ મળ્યો નહિ.

ફરી પાછુ જતી વખતે કહ્યું, “કૉલ કરજે.”

સ્કૂલ નીચે ઉતરીને પણ ઉભી રહી અને ફરીથી યાદ કરાવ્યું, “કૉલ કરજે. ઘરે જઈને તરત જ !” હવે હું વિચારમાં પડ્યો.એવું તે શું થયું હશે, કે અરજન્ટ કૉલ કરવાનું કહ્યું ? હશે કંઇક, આજના ઝઘડા વિષે ! આવું ધારીને ઘરે ગયો.

પરંતુ, ઘરે જઈને તરત બે વાગ્યે ટ્યૂશન જવાનું હોવાથી હું સૂઈ ગયો અને સાંજે કૉલ કરીશ એવું વિચાર્યું. ટ્યૂશન આગળ અમે બધા મિત્રો ટોળું વળીને ઉભા હતા. તે એક્ટિવા લઈને પહોંચી. ચહેરો ઉતરેલો, વાળ અસ્ત-વ્યસ્ત, પાણીની અધૂરી બોટલ !

મને મનમાં એવું હતું કે, આજનો જે ધારા જોડે ઝઘડો થયો છે તેના લીધે હજુ સુધી તે ગુસ્સામાં હશે. ગુસ્સો ઉતરી જશે સાંજ સુધીમાં, તેથી સાંજે કૉલ કરીશ એવું મેં સહજ માન્યું હતું. પરંતુ, મિજાજ કઈ અલગ જ હતો. ટ્યૂશન ક્લાસમાં પણ સમગ્ર દિવસ દરમિયાન સામે જોયું નહિ.

ટ્યૂશનમાંથી છૂટતી વખતે દરવાજા પાસેથી ‘કૉલ કરજે’ તેવો ઈશારો કર્યો. ઘરે ગયો અને તરત જ મેં કૉલ કર્યો.

“બોલ ક્રિષ્ના, શું થયું ? આજે બહુ ઉદાસ હતી ને ! ઝઘડો તો થયા કરે, બહુ મન પર નહિ લેવાનું.” મેં ફિલોસોફી ઝાડી.

“એવું કઈ નથી. તને મૂળ વાત ખબર છે છતાં ઢોંગ કરે છે.”

અંતે, ફરી ફરીને મારા પર આવ્યું.

“મને નથી ખ્યાલ, શું થયું ? તું કહે તો સમજાય ને !”

“એ રાધા મારા કરતા વધુ ગમતી લાગે છે તને !” ગુસ્સામાં ક્રિષ્ના બોલી.

“અરે, કોણ રાધા ભાઈ ?”

“ના, ભાઈ નહિ. હું બહેન તારી ! તને તો રાધા ગમે છે તે !”

“ક્રિષ્ના, તું સરખું બોલ. વાત શું છે ?”

“રોજ તેની સામે જોયા કરવું બહુ ગમે છે, રિસેસમાં તો ખાસ ! તારા માટે જ એ રિસેસમાં આવે છે.”

હવે હું સમગ્ર વાત સમજ્યો. એ ‘રાધા’ એટલે ન્યૂ એડમિશન ‘ધારા’. તે છોકરી અમારા ક્લાસમાં મારા માટે આવતી હતી, તેવું તેનું કહેવું છે. મેં કદી તેના તરફ લાઈન મારવાની નજરે તો જોયું જ નહોતું. પરંતુ, ક્રિષ્નાને એવું લાગતું હતું કે – અમે એકબીજા તરફ જોઈએ છીએ. થોડું વિચારીને હું બોલ્યો,

“સાંભળ ક્રિષ્ના ! મારે તને એક વાત ઘણા સમયથી કહેવી હતી. મને એ રાધા બહુ ગમે છે. અમારી વચ્ચે રોજ રાત્રે વાત થાય છે. રોજ રાત્રે કૉલમાં બીજે દિવસે મારા ક્લાસમાં આવવાનું હું તેને કહું છું. આઈ લવ હર.”

“ઓયે, આ તું શું બોલે છે ? સાચું બોલી દે, કે આ બધું ખોટું છે.”

“કહ્યું તો ખરા કે, ખોટું છે.”

“શું ખોટું છે?”

“તું જે સમજે છે, એ !”

“હું શું સમજુ છું ?”

“જે ધારા અને મારા વિષે સમજે છે તે !”

“હું તારા અને ધારા વિષે શું સમજુ છું ?”

“... કે અમે બંને..”

“બસ...બસ. બહુ બોલવાની જરૂર નથી. હવે બોલ કે, આ બધું મજાક કરતો હતો.”

“ના રે, હું કઈ મજાક નહોતો કરી રહ્યો. હું તો ‘સિરિયસલી મજાક’ કરી રહ્યો હતો.”

એ પછી અમે બંને એટલું હસ્યા, કે અમારા બંનેની મમ્મી હાસ્ય અંગેનો વિષય જાણવા માટે પાછળ ઉભી હતી. કૉલ ફટાફટ કટ કર્યો. બીજે દિવસે સ્કૂલમાં આવીને પણ એ જ ચાલુ કર્યું. અમને હસતા જોઇને આજુબાજુ બેઠેલ પબ્લિકને શક થયો કે, કંઇક દાળમાં કાળું છે.

પરંતુ, તે દિવસથી વિશ્વાસ વધુ વધ્યો. નજીકના ભવિષ્યમાં જ એક જાહેરાત થઇ. એ જાહેરાત પ્રવાસ વિશેની હતી. સુરતથી મહુડી, ગાંધીનગર અક્ષરધામ, સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક, ઓપન મુવી થિએટર વગેરે સ્થળોએ જવાનું હતું. બે દિવસનો પ્રવાસ આયોજન થયો હતો. સ્કૂલમાં એન્ટ્રી કર્યા પછીનો કોઈ પણ ટુર કે પિકનિક મેં છોડી નહોતી. આ ટુર માટે પણ ઘરે વાત કરી.

મારા માટે બે પ્રશ્નો હતાં.

દિવાળી વેકેશનમાં ઘરેથી ફેમિલી સાથે આ જ સ્થળો એ જવાનું નક્કી થયું હતું. સ્કૂલ ટુર અને ફેમિલી ટુર વચ્ચે માત્ર પંદર દિવસનો જ ફર્ક હતો. મને એ ખ્યાલ આવી ગયો હતો કે, કોઈ પણ એક જ જગ્યાએ જઈ શકાશે. પરંતુ, બંને ટુરમાં કઈ રીતે જઈ શકાય તે વિચારે મગજ દોડતું હતું.

એક અઠવાડિયામાં અમારે જવાબ આપવાનો હતો. જયારે ફી ભરવાને માત્ર બે દિવસનો સમય હતો ત્યારે મેં પપ્પાને કહ્યું, “હું સ્કૂલમાંથી જઈશ. પછી બીજી ટુરમાં તમારા જોડે નહિ આવું. મારા ક્લાસના બધા મિત્રો જઈ રહ્યા છે.” થોડી દલીલો કરી. વિનવણી અને આજીજી પછી પપ્પા તૈયાર થયા. મેં બીજે દિવસે સ્કૂલમાં જઈને પ્રવાસ માટે નામ લખાવી દીધું. હવે પ્લાનિંગ થઇ રહ્યું હતું. જે લોકોએ હજુ પૈસા નહોતા ભર્યા અને ખાસ મિત્રો હતા, તેમના ઘરે જઈને તેમના પપ્પાઓને મનાવ્યા. ફોટોગ્રાફી તે સમયે મહત્વનું અંગ નહોતું, તેથી કેમેરા લેવો જોઈએ એ કોઈના મગજમાં નહોતું. સ્કૂલ તરફથી એક કેમેરો હોય તેમાં દરેકના પિક્ચર્સ પડે. રોજ એકની એક છતાં મજાની વાતો થતી.

કઈ રીતે મસ્તી કરીશું ? નવા કપડાં લેવાના છે કે નહિ ? સીટમાં સાથે કોણ-કોણ બેસીશું ? નાસ્તો કેવો હશે ? વોટરપાર્ક કેવું હશે ? વોટરપાર્કમાં ચડ્ડી પહેરીને ફરવાનું કે ત્યાંથી કોસ્ચ્યુમ આપે ? ગર્લ્સની બસમાં કોણ આવશે ? કઈ કઈ ગર્લ્સ આવવાની છે ? તેઓ શું પહેરશે ? લોટ્સ ઓફ ક્વેશ્ચન.

છતાં, એક તકલીફ ઉભી જ હતી. ક્રિષ્ના ઘરે મનાવી નહોતી શકી. ઘરે થોડી રિજીડ પ્રકૃતિના લોકો હતા. રજીસ્ટ્રેશન માટે માત્ર એક જ દિવસ બાકી હતો. છેવટે, એવું નક્કી કર્યું કે સીધું સ્કૂલના સર પાસેથી જ ક્રિષ્નાના ઘરે કૉલ કરાવવો જેથી તેને પરમિશન મળી જાય. પરંતુ, કઈ રીતે કૉલ કરાવીશું ? ઓફિસમાં જઈને એમ તો ન જ કહેવાય કે, પિકનિકમાં પરમિશન માટે કૉલ કરો. હવે શું થઇ શકે ?

મેં ક્રિષ્ના અને તેની ફ્રેન્ડ્સને કહ્યું, “તમે લોકો સર ને વાત કરી દો. પછી જોઈએ શું થાય છે તેના વિષે ! સર ને એમ કહો કે, પિકનિકમાં આવવાનું કન્ફર્મ જ છે. તમને આવતી કાલે ફી જમા કરાવી દઈશું.”

બધા પૂછે, “પરંતુ, હજુ નક્કી નથી. કદાચ તો નહિ જ આવવા દે. સર ને એમ કેવી રીતે કહી શકાય ?”

“હું કહું છું તેમ કરો. તમે સર પાસે જઈને વાત કરો. બે-ત્રણ ફ્રેન્ડ્સ મળીને કહો.”

મેં કહ્યું હતું તેમ તે લોકોએ કર્યું. સ્કૂલમાં સરને વાત કરી.

ક્રિષ્ના એ ફરી તે દિવસે ઘરે જતી વખતે કહ્યું, “કૉલ કરજે.”

હવે ગેમ રમવાનો સમય મારો હતો. મેં ઘરે જઈને લેન્ડલાઇન પર કૉલ કર્યો. તેના પપ્પાએ ઉઠાવ્યો.

“હેલો, હું રામકૃષ્ણ વિદ્યાભવન સ્કૂલમાંથી બોલું છું. કનુભાઈ. આપણે એક ટુરનું આયોજન કર્યું છે શાળામાંથી, તો આપના બાળકને મૂકશો તેવી આશા છે. સાયન્સ પ્રવાહમાં બાળક ઘણું બિઝી રહેતું હોવાથી અમુક સમય પૂરતી જ મજા-મસ્તી માટે સમય મળતો હોય છે. ઉપરાંત, ૧૨માં ધોરણમાં આપણી શાળામાંથી કોઈ પ્રવાસોનું આયોજન નથી થતું હોતું. કારણ કે, તે વર્ષમાં સમયનો અભાવ હોય છે. આપ આપના બાળકને પ્રવાસ માટે મંજૂરી આપશો જેથી તેમના શાળાકીય જીવનનો છેલ્લો પ્રવાસ તે માણી શકે.”

“હા, સાહેબ. હું કાલે ક્રિષ્ના જોડે ફી મોકલવું છું અને સાયન્સ લીધું છે તેથી જરા ધ્યાન રાખજો.”

ફોન કટ કર્યો. થોડીવાર પછી મેં ક્રિષ્નાને મોબાઈલ પર કૉલ કર્યો.

“શું થયું ? પપ્પા માની ગયા ?”

“હા. અચાનક તેઓ મારા રૂમમાં આવ્યા. ફી માટેના પૈસા મને આપ્યા. ખબર નહિ કેમ, કદાચ સરનો કૉલ આવ્યો હશે.”

“શું વાત છે ! સારા ન્યૂઝ આપ્યા. ચાલ, હવે તૈયાર થઇ જા ટુર માટે !”

એ પછી કૉલ કરતી વખતે ફરી ક્રિષ્નાએ કહ્યું, “એય, રાત્રે કૉલ કરજે.”

*****

Contact: +919687515557

E-mail: