1981 ની આ વાત છે. મારા મમ્મી પપ્પા બંને સ્કૂલ પ્રિન્સીપાલ એટલે સ્કૂલ વેકેશન મળે અને પાછું એલટીસી મળે ..અમે ખૂબ ફર્યા..આવા જ એક વેકેશન દરમ્યાન કાશ્મીર ટ્રેનમાં જતાં હતા. ત્યારે તો એકલા જવાનો વિચાર તો કરી શકાય એમ હતું જ નહીં, ટ્રેનમાં અમારા ગ્રૂપમાં બીજા 25 જણા હતા ને તેમાં એક ફેમિલીની સાથે એક 18 વર્ષનો દીકરો હતો, ને તે માનસિક અપંગ હતો, અત્યારના સમયમાં સરસ મજાનું નામ મળ્યું છે ‘દિવ્યાંગ ‘ . બસ એ 15 દિવસની મુસાફરી દરમ્યાન ટ્રેનના કંપાર્ટમેંટમાં અમે સાથે રહ્યા ને એ દીકરાની સતત સાથે ને સાથે રહીને જરા પણ કંટાળો લાવ્યા વગર સેવા કરતાં તેનો નાનો ભાઈ અને મા - બાપને જોયા ત્યારથી મે મનોમન નક્કી કર્યું હતું કે એક દિવસ આ લોકો માટે જરૂરથી કામ કરીશ જ.. પરંતુ એ આશા ફળી છેક 2001 માં ...
મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરીમાં સાડા પાંચ વર્ષ ગાળ્યા પછી હોમ ટાઉન રાજકોટમાં આવ્યા. થોડા દિવસ પછી શોધ ખોળ કરી કે આવી સ્પેશ્યલ સ્કૂલ ક્યાં મળશે ? ને શોધીએ તો શું ન મળે ? આમ જ સીધી ગઈ અને ત્યાં સિસ્ટરને મળી . મારી જેવા ઘણા લોકો સેવાના ઉફાણા લઈને ત્યાં આવતા હોય છે એટલે પહેલી વાર તો સરખો જવાબ ન દીધો ....મારી દીકરીઓ પણ નાની હતી , મને પૂછ્યું કેમ મેનેજ કરશો ? મેં કીધું બધુ જ થઈ જશે , બસ મને અહીં આ બાળકો સાથે રહેવાનો મોકો આપો ...ને એમ જ હું mentally retarded children school માં સેવા આપવા જવા લાગી.
મારો પ્રથમ દિવસ ખૂબ સારો રહ્યો. વર્ષો પહેલા બાળપણમાં અનુભવેલી સંવેદના એ બાળસહજ જ હતી કે પછી એ સંવેદન મારામાં હજુ સચવાઈને પડ્યું છે કે નહીં એ જોવાની. કહોને કે જાતને તપાસવાની આ ક્ષણો હતી . આ પ્રથમ દિવસની અસર આજે પણ મારા મનમાં સચવાઈને પડી છે . કોઈ એક બાળકને જોઈને નક્કી કરેલા નિર્ણય અને સાચુકલા જીવતા જાગતા, હસતાં રમતા બાળકોને આટલી મોટી સંખ્યામાં જોઈને હ્રદય તો ભરાઈ આવે પરંતુ ઈશ્વરના હોવા પર પણ શંકા થઈ આવે ... ત્યાં તો મન મનાવ્યું કે, ‘ આ પહેલા દિવસની અસર હશે ‘ .
પરંતુ ઘેર આવીને જે લાગણીઓ અનુભવી એ મારૂ મન જાણે છે. હજાર પ્રશ્નો ઉપરવાળા સામે મેં કર્યા હશે.
મારૂ દુખ એમની પીડાનું નહીં પરંતુ એમના સાથે રહેતા માણસોની પીડાનું વધારે હતું ..કેમ કે આવી જિંદગી જે ભોગવે છે એ.. માનસિક અપંગતા ધરાવતી વ્યક્તિઓને તો લગભગ પીડાનું ભાન નથી રહેતું એ તો એમની જ દુનિયામાં મસ્ત રહે છે, પરંતુ જે સાથ આપનાર વ્યક્તિઓ હોય છે, તેમના ઘરના - એમની હિંમતને તો દાદ દેવી જ પડે અને આ દાદ આપો એટલી ઓછી પડે.
ને ધીમે ધીમે હું એ વાતાવરણથી , એ બાળકોના કિલ્લોલમાં આનંદિત થવા લાગી . તેમની નિર્દોષતા , તેમની કાલી ઘેલી તો ક્યાંક મૂંગી વાણી ..ક્યાંક કોઈ શૂન્યમાં ખોવાયેલું બાળક તો ક્યાંક આંખોમાં ચળકતો તરવરાટ ..તો ક્યાંક એકદમ ચંચળતા ધરાવતું બાળક ને ક્યાંક એકદમ મિજાજે મર્દાના જેવુ બાળક .
આવા બધા જ દિવ્યાંગોની માનસિક ઉંમર અને શારીરિક ઉંમરમાં પણ ફેર હોય છે એટલે અહિં 17 વર્ષનું બાળક હોય શકે તો ક્યારેક 30 વર્ષનું પણ .
પરંતુ જેવી રીતે સ્કૂલમાં ખૂબ ધ્યાનથી ખૂબ ધીરજથી આ બાળકો પાસે ખંતથી કામ લેવામાં આવતું . તેમને શિખડાવવામાં આવતું એ કાબિલે દાદ હતું . કદાચ સ્વભાવે ખૂબ અધીરી એવી હું ધીરજના પાઠ ભણવા જ ત્યાં સેવાના નામે જઇ ચડી હોય એવું લાગતું હતું .
ત્યાં બધા જ બાળકો સાથે મને ખૂંબ મજા આવતી . પરંતુ ક્યારેક ઋણાનુબંધન કામ કરતાં હોય અને કોઈ એક વ્યક્તિ બધી જ વ્યક્તિઓમાં ખાસ લાગતી હોય. એવી જ રીતે ત્યાં આવતા એક બાળક સાથે મારો વિશેષ નાતો જોડાયો હતો . એ સ્કૂલમાં દિપેશ નામ નો દીકરો આવતો હતો, બહુ મજાનો હતો લગભગ 12 વર્ષનો હશે. ડગુમગુચાલી શકતો હતો પણ એના હાથ બરાબર કામ નહોતા કરતાં.બોલવામાં જીભના થોડા લોચા વળતાં હતા એટલે કે એને સમજી શકનાર બહુ ઓછા હતા . એક આડ વાત ..મારે બે દીકરીઓ છે ને મને દીકરીઓ એટલી વહાલી કે બીજા સંતાનને જ્યારે જન્મ આપવાની હતી ત્યારે મેં ભગવાન પાસે આ એક જ મન્નત માની હતી કે મને દીકરી જ આપે, ખબર નહીં પણ બાળપણથી જ હું કોઈ દીકરાને રમાડી નહોતી શકતી પણ દીકરી હોય તો હાથમાંથી નીચે ન મુકતી ....આવી હું - પણ આ દીકરાએ મને ને મારી માન્યતાને ધરમૂળથી ફેરવી નાખી, હું જ્યારે એ સ્કૂલ જાઉં ત્યારે એ રાહ જોઈને બેઠો હોય, તેને ભણાવતા ટીચરનું માથું ખાઈ ગયો હોય કે પેલા ગાડી વાળા મેડમ ક્યારે આવશે ?
હા..હું ત્યારે તેની ફિજીયોથેરપીમાં તેને મદદ કરતી હતી, કોઈનું જલ્દીથી ન માનનારો એ છોકરો મારી પાસે પટ પટ એકસરસાઈઝ કરી લેતો હતો, વગર ફરિયાદે...ઘણી વાર જોબની દોડાદોડીમાં જો ન જઇ શકાયું હોય તો , મને એક પ્રકારનો ગિલ્ટ આવતો .એટલે ગમે તેમ સમય કાઢીને પણ હું જવાનું ચૂક્તી નહી અને જ્યારે જ્યારે જ્યારે જાઉં ત્યારે એ ટબૂકડો દિપેશ હાથ ઊંચા કરીને મને બતાવતો કે , “ જો મારો હાથ હું કેવો ઊંચો કરી શકું છું ”. એ હંમેશા ડાબા હાથે જ જમતો કારણ કે એનો જમણો હાથ જ તકલીફ વાળો હતો ..પણ જો એ મને જોઈ જાય તો તરત જ જમણો હાથે જમવા લાગતો ને એની આવી ક્રિયા પર હું હસી પડતી . એનું એ નાટક બસ મારા પૂરતું જ રહેતું , એની મમ્મી ક્યારેક મળી જાય તો ફરિયાદ કરતી કે , એ ઘેર આવું કઈં જ કરતો નથી. ને હું પણ મનોમન મલકાટ કર્યા કરતી કે એના આવા નાટક જોઈને કે, ‘આવી કેવી બુદ્ધિ ચાલે છે’ !!!!!
એમાં થોડા દિવસ ઓફિસનું કામ, માર્ચનો ટાર્ગેટ અને થોડી અંગત વ્યસ્તતા ને લીધે જઇ ન શકી.. મન તો ઘણું થતું પરંતુ જઈ શકતી નહોતી . વચ્ચે થોડો ટાઈમ કાઢી વચ્ચે એક દિવસ ગઈ પરંતુ ત્યારે એ ભાઈસાહેબ આવ્યા નહોતા. વળી પાછી મારા કામે લાગી ગઈ, ને જ્યારે સમય મળે ત્યારે સ્કૂલમાં જતી તો બધા બાળકો ઘેરી વળતાં ..ભલે ને ગમે તેટલા વખત પછી પણ ત્યાં જતી પણ એ ક્યારેય બાળકો ભૂલતા નહીં. મારે મન બધા બાળકો સરખા ને હું બધાને ક્લાસમાં જઇ જઈને મળતી..વાતો કરતી તેમના કાલાઘેલા વાક્યોને સમજવાનો પ્રયત્ન કરતી ..તેમણે બનાવેલી વસ્તુઓને પ્રેમથી જોતી ..પણ મારી આંખ હમેંશા એ દિપેશને શોધવાનો પ્રયત્ન કર્યા કરતી.
ટીચરને પૂછતી, તો કહે હમણાં આવતો નથી, થોડો બીમાર થઈ ગયો હતો પછી આવ્યો નથી હવે ઠીક થશે ત્યારે આવશે . મને મનમાં ઘણું થતું કે ચાલને સમય કાઢીને એના ઘેર જોઈ આવું ? પણ એ સમય ક્યારેય મને મળ્યો નહીં.
એક શનિવારે મને સ્કૂલથી ફોન આવ્યો કે , “ જલ્દી આવો આજે તો દિપેશ આવ્યો છે “. ને હું ફટાક બધુ જ કામ મૂકી દોડી. સ્કૂલ જઈને જોયું તો , એ સાવ નંખાઈ ગયેલો ને માંદો લાગતો હતો . એનો હમેંશા હસતો ચહેરો આજે ખૂબ નિસ્તેજ જણાયો. હું એને મળી..એ હસ્યો ..મને જોઈને તે હાથ ઊંચો કરવા ગયો પણ થયો નહીં, મેં કીધું , રહેવા દે.. ! તું સાજો થઈ જશે પછી પાછી તને એકસરસાઈઝ કરાવીશ ને પાછો હતો ને એવો થઈ જશે. એ મ્લાન હસ્યો .
હું થોડી ઉદાસ થઈને પાછી આવી. મનમાં એના જ વિચારો સતત રમ્યા કરે , હસતો રમતો છોકરો કેવો થઈ ગયો ..? તેને શું થયું હશે ? કેટલી મહેનત પછી માંડ થોડું improvement આવ્યું ત્યાં પાછું હતા ત્યાં ને ત્યાં . મન મનાવતી ને ત્યાં રહેલા બીજા બાળકોના વિચાર કરતી ઘેર પહોંચી... !
દર શનિવારે તો ત્યાં અચૂક જવું જ એ મારો નિયમ હતો ને એ જ અરસામાં મારે કંપનીમાંથી મલેશિયા જવાનું થયું ..એની તૈયારી..દોડધામ બીજા કામોના લીધે સ્કૂલ પર ન જઈ શકાયું...આખરે લગભગ 25 દિવસ પછી મેં એ સ્કૂલમાં પગ મૂક્યો .વાતાવરણ કઇંક અજુગતું લાગ્યું કઇંક અપરિચિત જેવુ . મેં મન મનાવ્યું કે , ઘણા દિવસે હું અહીં આવી છું ને !! એટ્લે આવું લાગતું હશે.
બધાને મળી ને હમેંશાની જેમ દિપેશને શોધવા આંખો ચારેકોર ફરી વળી .....પણ એ ક્યાંય દેખાયો નહીં
હું કોઈને પૂછું એ પહેલા જ મને ખબર પડી ગઈ હતી કે , મારી એ નજર કાયમને માટે ફરતી જ રહેશે.......!!!
બ્રેઇન કેન્સરથી પીડાતો એ છોકરો આજે આ દુનિયામાં નથી.
પીડા સાથે પણ હસતું કેમ રહેવાય એ હું એની પાસેથી શીખી ....માથે મણ એકનો બોજ ઊંચકીને કેમ જીવાય એ એના મા-બાપ ને આવા બાળકોના મા-બાપ પાસેથી શીખી॰
દુનિયામાં જે કોને જન્મે છે એ બધાને એક દિવસ જવાનું જ છે એ વાત નક્કી જ છે છતાં ય આવા બનાવો તમારા મનમાં એટલા ઘર કરી જાય છે ને સાથે તમારા સઘળા સંવેદનતંત્રના તારને ઝ્ંકૃત કરતા જાય છે .
માથે પડેલું દુખ તમને ઘણું શિખડાવી જાય છે, દિવ્યાંગ બાળકોને મોટા કરવામાં જોઇએ , ધીરજ અને હિંમત ..ગમે તેવી પરિસ્થિતીમાં પણ હસતાં રહીને આ બાળકોનો ઉછેર કરવો ને સાથે સમાજની આડોડાઈ ..આવા બાળકો તરફ લોકોની જોવાની દ્રષ્ટિ ..એક પ્રકારની સૂગ ..આ બાળકોને પૂર્વજન્મના પાપોનું ફળ સમજવા , આજુબાજુની સામાજિક સ્થિતી સાથે , આવી બધી જ પ્રતિકૂળતા સાથે આ બાળકોને મોટા કરવામાં આયખું ગુજારતા લોકોને જુવો ત્યારે જ એમ થાય કે જિંદગીની લય એમની લડખડાય છે પણ તૂટતી નથી.
આજે એક દિપેશ જ નહીં આવા અનેક દિપેશો જેવા બાળકો આપણી આસપાસ ચોપાસ છે . તેમના જીવનના સૂર બની ન શકો તો કઈ નહીં પરંતુ એમના સાઝને વાગવા દેવામાં , એને સાંભળવામાં ને સંભાળવા તથા સમજવાની થોડી પણ કોશિષ હશે તો આ જીવન ભયો ભયો .