કોઈકને જ સંભળાવાનો ટહુકો
તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું...
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું...
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે,
ઉર મારું વાંસળીને જોડ માંડે હોડ;
તરસ્યાં હરણાની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું...
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ કયાંય,
એવી વનરાઈ હવે ફાલી સોનલ
કયાંય તડકાની લ્હાય નહીં ઝાંય;
રમતીલી લ્હેરખીને મારગ ન કયાંય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું...
-ભીખુભાઈ કપોડિયા
એમ કહી શકાય કે સૃષ્ટિ પર જે કંઈ છે તે સઘળું અર્થપૂર્ણ છે. પણ કઈ વસ્તુ કયારે અર્થપૂર્ણ લાગશે તે કહી શકાતું નથી. અચાનક આંખો ગુમાવી દેનારને પ્રકાશ અગાઉ કદી ન લાગ્યો હોય એટલો અર્થપૂર્ણ લાગવા માંડે છે. કોઈની પ્રતીક્ષા કરી રહ્યા હોઈએ ત્યારે ઘડિયાળના કાંટાને વિશિષ્ટ અર્થ સાંપડે છે. પરિસ્થિતિ જ્યાં સુધી સામે આવતી નથી ત્યાં સુધી તેને વિશે ખાસ કશું સભાન ચિંતવન થતું હોતું નથી. બધી પરિસ્થિતિઓ લગભગ સામાન્ય જ હોય છે. એ અસામાન્ય બને ત્યારે જ ધ્યાનમાં આવે છે.
આકાશ આપણી આસપાસ ચોપાસ છે. તેને વિશેની સભાનતા આપણને ભાગ્યે જ હોય છે. પણ આ કાવ્યના ઉઘાડની પંક્તિ જ જુઓ:
‘તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યું...’
કેવો સુંદર આરંભ છે! અત્યાર સુધી આભ તો હતું જ પણ એક ટહુકો સંભળાયો તે સાથે જ કંઈ થઈ ગયું. શું થઈ ગયું? ટહુકારે એક એક ફૂટી પાંખો અને હવે આખું ગગન મારું ઝોલે ચડ્યું! એક ટહુકો સંભળાયો. ફરી ફરીને સંભળાયો અને એ સાંભળનારને એક પછી એક પાંખો ફૂટવા લાગી. ઉડ્ડયન આરંભાયું. અને હવે સ્થિતિ એ થઈ કે આખું ગગન હિલોળા લેવા લાગ્યું. બધું જ અર્થપૂર્ણ બની ગયું.
કાવ્યનો આરંભ ‘તમે’ એવા સંબોધનથી થાય છે. આમ કહેનાર કોઈ નાયિકા છે. એ પહેલાં જે આભની વાત કરે છે તે આપણે સહુએ જોયુંલું-જાણેલું આભ છે. એ આભ નાયિકાને ઓછું પડ્યું છે, એ કારણ જ એણે ‘ગગન મારું’ એ શબ્દોમાંથી ઉકલે છે તે બીજું; પોતાનું અંગત એવું આભ એણે નીપજાવી લીધું છે. જે ઝોલે ચડ્યું છે તે તો એક અંગત એવું આભ છે. આપણે તો પેલા જોયેલાં-જાણેલાં આભને જ અવલોકી રહ્યાં છીએ, કારણ કે આપણને પેલો ટહુકો કયાં સંભળાયો છે? પોતાના અંગત એવાં અનુભવ જગતનું નિર્માણ કરી લેનારી કાવ્યનાયિકા ભારે ચતુર છે. એ પોતાને આપણા સહુથી જુદી પાડીને પછી પોતાની વાત માંડે છે.
આ ટહુકો એટલે કોઈ ગમતીલો પ્રસ્તાવ, કોઈ નમણાં શમણાં જેવું મધુર સ્પંદન, તેના પ્રગટવાની સાથે જ નાયિકાને રોમાંચ થઈ આવ્યો તેનું આવેગશીલ અને દીવાનગીપૂર્ણ ચિત્ર આ કાવ્યમાં છે. જોવાનું એ છે કે આ નૈસર્ગિક અનુભવનો ઉન્માદ નિસર્ગના તત્વોની મદદ લઈને કવિએ પ્રગટાવ્યો છે. સારસપંખીનું જોડું ઊડતું ઊડતું આવતું દેખાય ત્યારે પ્રેમી હૈયાને લયલીન ગતિ, કાયાની કુમાશ અને ધવલ સૌમ્યરૂપનો અનુભવ થયા વિના ન રહે. કવિ અહીં સારસની ઉપમા પ્રયોજી ટહુકો સંભળાયો તેને પ્રમાણિત કરે છે. આ પંખીની પાંખોના હેલારા હવે જાણે પોતાની પાંખોમાં આવીને બેસી ગયા છે. ઉઘાડબંધ થતી આંખોએ ઝિલાતી આ રમણીય ગતિએ હૈયામાં પણ જાણે વાંસળીનું સંગીત જગાવ્યું છે.
કાવ્યનાયિકા તો તરતી હરણી જેવી જ હતી. હરણ જેટલી તરસની પિછાન બીજા કોને હોય? ઝાંઝવા પાછળ દોડી દોડીને થાકી જનારને પોતાના વૃથા પ્રયત્ન અંગે અફસોસ કરવાની શક્તિ પણ રહી હોતી નથી. એની આરત કોઈથી પરખાય અને એણે ખળખળ નીરે વહેતું ઝરણું સાંપડે તો પછી બીજું પૂછવું જ શું? અહીં કોઈ એવી જ ઉપલબ્ધિનો ઉન્માદ છે. પછીની પંક્તિમાં મોરપિચ્છનો નિર્દેશ આવે છે. મોરપિચ્છ આવે એટલે તરત કૃષ્ણ યાદ આવે. એક સનાતન પ્રેમી એવી આ પાત્રને લાક્ષણિક નિર્દેશ કરી કવિ કાવ્યનાયિકાને બ્હાવરી બની ગયેલી આલેખે છે.
એને મોરપિચ્છમાં નજર માંડવા છતાંય કોઈ કયાંય દેખાતું નથી, પણ વનરાઈ એટલી ફૂલીફાલી છે કે કયાંય તડકાની લ્હાય અનુભવાતી નથી, કેવળ ઝાંય ઝિલાય છે. સંતોષ તો એ વાતનો જેની શોધ છે તે, ટહુકો રેલાવનાર કયાંક તો મળી જશે જ. એ એટલામાં જ કયાંક હોવો જોઈએ. એનો ટહુકો સાંભળી શકાય એટલી જ એ દૂર છે. નિરંજન ભગતના એક કાવ્યના શરૂઆતની પંક્તિ છે:
‘સાંભળું તારો સૂર સાંવરિયા એટલો રે’જે દૂર...’
અંગો દઝાડતો તડકો પોતાનો ઉપદ્રવ ગુમાવી ચૂક્યો છે અને કેવળ ઝાંય રૂપે અનુભવાય છે. તેવી સ્થિતિમાં નાયિકાનો આહલાદનો અધિક થઇ ગયો હોય તે સ્વાભાવિક છે. કોઈકની ઉપસ્થિતિના અણસાર માત્રથી આ આહલાદનો સંભવ થયો છે તે ભુલાવું ન જોઈએ. આપણા એક જાણીતા લોકગીતમાં એક વિરહિણી નાયિકા આનાથી ઉલટું અનુભવે છે, એ છેલ્લે સાંભળી લઈએ. એ કહે છે:
‘વનમાં ચાંદલિયો ઊગ્યો ને મારે મન સૂરજ થઈ લાગ્યો.’
કવિતા હંમેશાં કોઈકના મનની વાત જ કરતી હોય છે.