Aapna Sharad babu in Gujarati Magazine by Swarsetu books and stories PDF | આપણા શરદબાબુ

Featured Books
Categories
Share

આપણા શરદબાબુ

આપણા શરદબાબુ

વિનોદ ભટ્ટ

લાઈબ્રેરિયનનો ઈન્ટરવ્યૂ આપવા આવેલા એક ઉમેદવારને અમે પૂછ્યું: ‘આપણી ભાષાના ત્રણ નવલકથાકારનાં નામ બોલો.’ તેણે તરત જ જવાબ આપ્યો: ‘કનૈયાલાલ મુનશી, શરદબાબુ અને રમણલાલ વસંતલાલ દેસાઈ.’ શરદબાબુવાળો જવાબ આમ તો સાચો ના ગણાય, પણ અમને તે ગમ્યો હતો. આપણે ત્યાં મુનશી અને ર.વ. દેસાઈની સાથે શરદબાબુ પણ એટલા જ રસથી વંચાતા અને આજેય તેમનું કોઈ પુસ્તક હાથમાં આવી જાય તો આપણી ગૃહિણીઓ તે વાંચતાં વાંચતાં પોતાની આંખની પાંપણ ભીની કરી લે છે. વર્ષો પૂર્વે મારા પડોશીની પત્ની શરદબાબુની ‘વિરાજવહુ’ નવલકથા વાંચતી વખતે ચોધાર આંસુએ રડી પડેલાં ત્યારે પાડોશીએ મને કહેલું કે, ‘આ શરદબાબુ જબરો લેખક કહેવાય, જુઓને સોનુને હું લગ્નના બાવીસ વર્ષ પછી પણ એકેય વાર રડાવી શક્યો નથી ને શરદે તો તેને ઉપર બેઠાં પોષ આંસુએ રડાવી નાખી.

૨૦૦૦ની એક સાહિત્યિક સામયિકે ‘સર્વે’ કરેલો જેમાં વીસમી સદીના શ્રેષ્ઠ નવલકથાકાર લેખે શરદબાબુને પ્રથમ નંબર આપ્યો હતો. મુનશી પ્રેમચંદને ચોથું અને રવીન્દ્રનાથ ટાગોરને પાંચમું સ્થાન આપ્યું હતું. મારા ગીધુકાકાને શરદબાબુએ કરી છે એટલી ‘અપીલ’ ટાગોરે નથી કરી. ગીધુકાકાને ટાગોર કરતા શરદબાબુ વધારે આત્મીય લાગ્યા છે. અલબત્ત જે લોકોને વિદ્વાનમાં ખપવું છે તેમને માટે ટાગોરનું નામ તારણહાર સમું છે.

જોકે ટાગોર એક મહાન સર્જક છે એવું તો ખુદ શરદબાબુ જ હંમેશા કહ્યા કરતા, ને લખતી વખતે ટાગોરને આંખ સામે રાખીને પોતાનાં લખાણોમાં છેકભૂંસ કર્યા કરતા. ટાગોર તેમના પ્રિય આદર્શ હતા. ટાગોર માટેનો આદર તેમને ભક્તિભાવની હદ સુધીનો હતો. મોટાભાગના લેખક-કવિઓને તેમના સમકાલીનો પ્રત્યે ભાગ્યે જ આવો આદર હોય છે. (રશિયન વાર્તાકાર એન્ટન ચેખવને આવો જ આદર ટોલ્સટોય માટે હતો.) એક વાર એક બંગાળી વાચકે શરદબાબુ પાસે જઈને કહ્યું હતું કે તમારું સાહિત્ય મને બહુ ગમે છે, પણ ટાગોરનું લખાણ મને સમજાતું નથી, મારા પલ્લે ખાસ પડતું નથી. આ સાંભળી શરદબાબુએ એ યુવાન વાચકનાં ખભે હાથ મૂકીને સહજ ભાવે જણાવ્યું હતું કે, ‘હું તમારા માટે લખું છું, ટાગોર મારા જેવાઓ માટે લખે છે.’ (એકવાર આવી જ રીતે આપણા નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઈને કોઈએ પૂછેલું કે મુનશી અને તમારા બંનેમાં વધારે મહાન કોણ? ર.વ. દેસાઈએ હસીને નાગરી શૈલીમાં કહ્યું હતું કે જાહેરમાં મુનશી અને ખાનગીમાં હું.)

શરદબાબુમાં લઘુતાગ્રંથિ ઘણી હતી. આ કારણે એક વાર્તાસ્પર્ધામાં તેમણે પોતાની એક વાર્તા બીજા એક મિત્રના નામથી મોકલી હતી જેને હરિફાઈમાં આવેલી દોઢસો વાર્તાઓમાં પહેલું ઇનામ મળ્યું હતું. નાનપણમાં તેમણે પારાવાર ગરીબી ભોગવી હતી. જોકે આ ગરીબીની સાથે તેમને એક વરદાન મળ્યું હતું. તેમનો ખોરાક ઘણો ઓછો હતો, બચપણથી જ તેમને ભૂખ સદી ગઈ હતી. શરદબાબુને ભૂખ્યા રહેતાં આવડી ગયું હતું. ભૂખ્યા પેટેય તે નિરાંતે ઘસઘસાટ ઊંઘી શકતા, સમજુ હોવાને કારણે ભૂખ તેમની ઊંઘને આડે આવતી નહીં કે પેટ પણ બિલાડા બોલાવતું નહીં! ફી નહી ભરી શકવાને કારણે કોલેજનો અભ્યાસ તે કરી શક્યા નહોતા. આથી નોકરીમાં તે કારકુનથી આગળ વધી શકેલા નહીં. તે કહેતા કે સાહિત્યમાંથી મને જો મહિનેદા’ડે માત્ર એકસો રૂપિયા જેટલી રકમ મળી રહે તો પણ રંગૂનની મારી નોકરી છોડી દઉં. પણ સો રૂપિયા એ બહુ મોટી રકમ ગણાતી એ દિવસોમાં (કવિઓ માટે તો આજેય ગણાય છે. એક જૂની રમૂજ પ્રમાણે એક જણે કવિ સામે રૂપિયા એક સોની નોટ ધરતાં પૂછ્યું કે: ‘સોના છુટા મળશે ?’ કવિએ એ ભાઈ સામે જોઈ જણાવ્યું કે સોરી; નથી. પણ આવો સવાલ મને પૂછીને મારું બહુમાન કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.)

જોકે શરદબાબુ ઓફિસ માટે ‘ગુડ ફોર નથિંગ’ હતા. તેમના કામથી ઉપરીઓને સંતોષ નહોતો થતો. એમાંય એક દિવસ ઓફીસ સુપરિટેન્ડેન્ટને એક ફાઈલની જરૂર પડી એટલે તેણે શરદને પૂછ્યું. શરદે કહી દીધું કે ફાઈલ મારી પાસે નથી. શોધખોળ કરતાં એ ફાઈલ પાછી શરદના ખાનામાંથી જ જડી એટલે પેલા સાહેબે શરદને ખૂબ ફટકાર્યા, તેમનાં કપડાં લોહીથી ખરડાઈ ગયાં. ઉપરી અમલદારને આ આખાય મામલાની ખબર પડી એટલે ઓફિસ સુપરિટેન્ડેન્ટને તરત જ સસ્પેન્ડ કરી તેને નેવું રૂપિયા દંડ કરવામાં આવ્યો, જે રકમ માર ખાવાના વળતરપેટે શરદને આપવામાં આવી. નોકરીના સમયગાળામાં તેમના હાથમાં આટલા બધા રૂપિયા આવ્યા હશે, તે પણ નોકરી માટે તો નહીં જ. જોકે લખવામાં ય તેમને શરૂઆતમાં બહુ પૈસા મળતા નહીં. આર્થિક વિટંબણાઓને લીધે ફક્ત ત્રણસો રૂપિયામાં તેમણે પોતાનાં ચાર પુસ્તકોના પ્રકાશનના તમામ હક્કો છાપનારને ખંડી આપ્યા હતા. એ ચાર પુસ્તકો તે ‘રામેરસુમતિ’, ‘પથ-નિર્દેશ’, ‘બિંદુર છેલે’ અને વિરાજ વહુ’. એમ તો જૂનું દેવું ચૂકવવાની ત્રેવડ નહોતી એટલે તેમના પિતાએ ગામનું મકાન માત્ર બસો પચ્ચીસ રૂપિયામાં ફટકારી માર્યું હતું.

*****

શરદબાબુની નવલકથા ‘બડીદીદી’, ‘ભારતી’ સામયિકમાં છપાઈ ત્યારે રવીન્દ્રનાથ ટાગોરના કેટલાક ચાહકો તો એવું જ માનતા હતા કે ટાગોરે જ જુદા નામથી આ ઉત્તમ વાર્તા લખી છે. તેમના એક સ્નેહીએ તો તેમને અભિનંદન આપતા કહ્યું હતું કે તમે એમ ન માનશો કે તમે નામ ન આપો એટલે અમે તમને પકડી ન પાડીએ. આ કથા ટાગોરે પણ વાંચી. એ વાંચીને તેમણે એ ન કહ્યું કે શું નાખી દીધા જેવી વાત કરો છો! આ ટાગોર તે કંઈ આવી ચાલુ, ફરમાસુ, લોકપ્રિય નવલકથા લખતો હશે ? તેમણે પ્રસન્ન થઈને જણાવ્યું હતું કે એને શોધી કાઢો, એ લેખકને અહીં ખેંચી લાવો. એની બરાબરીનો બીજો કોઈ લેખક આપણે ત્યાં નથી. બસ, પછી તો શરદના નામનો છાકો પડી ગયો. તેમના પુસ્તકો લોકો હોંશે હોંશે વાંચવા લાગ્યા. આથી ખુદ શરદબાબુને પણ પોતાના માટે થવા માંડ્યું કે, ‘હું મોટો લેખક હોઉં તો હોઉં પણ ખરો!’ દબાતા અવાજે તે મિત્રોમાં કહેતાય ખરા કે, ‘હું ગર્વથી કહું છું કે રવિબાબુ સિવાય મારા જેવો નવલકથા લખનાર બીજો કોઈ જ નથી. તો પણ શરદ નમ્ર હતા એ કારણે બીજો નંબર તેમણે સ્વેચ્છાએ સ્વીકારી લીધો હતો. ધીરે ધીરે તેમનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. સાચું લાગે તે કહેવાની હિંમત પણ ખૂલી ગઈ હશે, કેમ કે એકવાર મહાત્મા ગાંધીએ પૂછ્યું હતું કે હેં શરદબાબુ, તમને રેંટિયામાં શ્રદ્ધા નથી ? ‘ના, સહેજ પણ નહીં.’ શરદે ઉમેર્યું હતું: ‘સ્વરાજ્ય મેળવવામાં સૈનિક જ ખપમાં આવે છે, રેંટિયો નહીં.’

*****

વિધિની વક્રતા એ હતી કે ધીરુ, નિરદા, નિરુપમા અને કાલીદાસી જેવી પ્રભાવી સ્ત્રીઓને તે કાગળ પર, નવલકથાઓમાં લઈ આવ્યા, પણ એવું સ્ત્રીરત્ન તે જીવનમાં-સંસારમાં પામી શક્યા નહોતા. બંને વખત તેમણે પોતાના માટે નહીં, પણ સામેથી આવી પડેલ સ્ત્રીઓને કારણે લગ્ન કરેલાં. બંને લગ્નોમાં સ્નેહનું સ્થાન સહાનુભુતિ એ લીધેલું. દેવદાસ લખવા છતાં પોતે રોમેન્ટિક હોવાની છાપ પ્રજા પર પાડી શક્યા નહોતા. તેમનાં પ્રથમ પત્ની શાંતિદેવી પ્લેગમાં ગુજરી ગયેલાં અને બીજા પત્ની હિરણ્યમયીદેવી, લેખક-કવિઓ પોતાની પત્નીને માનતા હોય છે એવાં એક સીધાંસાદાં, સરળ, એવરેજ, અલ્પશિક્ષિત, ગ્રામીણ સ્ત્રી હતાં. આ સ્ત્રી સાથે જ્યારે કોઈ શરદ-સાહિત્યનાં અમર સ્ત્રી સાથે જ્યારે કોઈ શરદ-સાહિત્યનાં અમર સ્ત્રીપાત્રોની ચર્ચા શરૂ કરતું ત્યારે તે હસી પડતાં બબડતાં: ‘હું તો મુર્ખ છું. મને એ લોકો વિશે શું સમજ પડે! તમારા દાદુ જ બધું જાણે. એકવાર એક જણે ‘દેવદાસ’ની વાત કાઢી ત્યારે તે બોલ્યાં હતાં: ‘જાવા દો તમારા દાદુની વાત, ‘દેવદાસ’ જોઈને એક છોકરા-છોકરીએ ઝીલમાં પાડીને આત્મહત્યા કરી નાખી, બોલો!’ હિરણ્યમયીદેવી એક દિવસ જલધરસેનનું કોઈ પુસ્તક વાંચતા હતાં. વાંચતાં જાય અને રડતાં જાય. એટલામાં શરદબાબુ ત્યાં આવી ગયા. પત્નીએ તેમને રડતાં રડતાં કહ્યું: ‘તમેય શું બધું જ કચરા જેવું લખો છો? આવી ચોપડી લખોને!’ મને સ્વાનુભવે લાગે છે કે લેખકોની પત્નીઓને તેમના પતિના લખાણ બાબત સર્વત્ર લગભગ આવો જ મત હશે. શક્ય છે કે કવિ કાલિદાસની પત્નીએ પણ ગાંગા તેલીના નામનો ઉલ્લેખ કરીને તેને કહ્યું હશે કે, ‘શાકુન્તલ-બાકુન્તલ અને મેઘદૂત-ફેગદૂત જેવાં ઢંગધડા વગરના નાટકોને તડકે મૂકીને પેલા ગાંગા તેલી જેવી ફેફસાંફાડ કોમેડી કેમ નથી લખતા ?’

*****

જોકે આ દેવદાસ તેમને પ્રિય નવલકથા નહોતી. ૧૯૧૩ના જૂન માસની પચ્ચીસમી તારીખના પત્રમાં તેમણે પ્રકાશકને લખ્યું હતું કે ‘દેવદાસ’ ન છાપો. આ માત્ર નિરાશાની પળોમાં જ નથી લખાઈ, મને એ લખવા બદલ શરમ અને સંકોચ પણ થાય છે. એ અનૈતિક છે. એમાં વેશ્યાનું ચરિત્ર તો આલેખાયેલું છે, પણ એમાં બીજું શું શું છે એ કહેવાની પણ હિંમત ચાલતી નથી. આ નવલકથા પ્રગટ થઇ ત્યારે ઝવેરચંદ મેઘાણીએ તેની સખ્ત ઝાટકણી કાઢતાં લખ્યું હતું કે બાપના પૈસે છાકટા થઈને દારૂ અને રંડીબાજીમાં પડેલા માણસની વાર્તા તે કંઈ લખાતી હશે?પ્રજા આ વાંચીને શો જીવનબોધ લેશે એમાંથી?

શરદબાબુને ‘દેવદાસ’ લખવા બદલ અંદરથી ચચરાટ થતો હશે, કેમ કે પી. બરૂઆ જ્યારે ‘દેવદાસ’ પર ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ લઈને શરદ પાસે ગયા ત્યારે તેમણે એ ઉતારવા સમંતિ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આમ તો દેવદાસ તેમનો માનસપુત્ર કહેવાય એટલે તેના સ્વભાવનો, લખ્ખણોનો પરિચય હોવાથી શરદે બરૂઆને લાગણીથી જણાવ્યું હતું કે મારો દેવદાસ અત્યંત ઊર્મિશીલ છે, એને ફિલ્મના પડદા પર ખડો કરવો એ સહેલું નથી, પણ પછી અનેક વિનંતીઓ બાદ તેમણે બરૂઆને એ શરતે અનુમતિ આપી હતી કે નવલકથા સાથે સ્હેજ પણ છૂટછાટ લીધા વગર પડદા પર તેને વાસ્તવિક રૂપે, એઝ ઈટ ઈઝ રજૂ કરવાની રહેશે.

આ ફિલ્મના શરૂઆતના શૂટિંગ વખતે શરદબાબુ સેટ પર હાજર પણ રહેતા, દિગ્દર્શક કંઈ ગરબડ ન કરે એ માટે. ‘દેવદાસ’ ફિલ્મ માટે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, આપણા શરદબાબુને રૂપિયા ૩૦૦૦ (અંકે રૂપિયા ત્રણ હજાર પૂરા) મળ્યા હતા.

પણ લાખો વાચકોનો અઢળક પ્રેમ મેળવી ૧૬મી જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ ફક્ત એકસઠ વર્ષની ઉંમરે, પેટની બીમારીને લીધે તે સદગતિ પામ્યા. જે પેટને તે જીવતે જીવ ગાંઠ્યા નહોતા એ પેટે જ બીમાર થઈ વેર વાળવા પોતાની કામગીરી છોડી દીધી.

(પુસ્તક ‘તમે યાદ આવ્યા’માંથી સાભાર, આભાર: ગૂર્જર પ્રકાશન, મનુભાઈ શાહ)