FIlmi Geetoma kavytatv in Gujarati Magazine by Swarsetu books and stories PDF | ફિલ્મી ગીતોમાં કાવ્યતત્વ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ફિલ્મી ગીતોમાં કાવ્યતત્વ

ફિલ્મી ગીતોમાં કાવ્યતત્વ

  • હર્ષ બ્રહ્મભટ્ટ
  • અસર્રર ઉલ હસન ખાન? એ કોણ? ઉત્તરપ્રદેશનાં સુલતાનપુરમાં તારીખ ૦૧/૧૦/૧૯૧૯નાં રોજ જન્મ્યા હોવાથી ‘સુલતાનપુરી’ અને ‘મઝરૂહ’ તખલ્લુસ રાખ્યું હોવાથી ‘મઝરૂહ સુલતાનપુરી’. હા, અસર્રર ઉલ હસન ખાન એ મઝરૂહ સુલતાનપુરીનું મૂળ નામ હતું. તેમના પિતા અંગ્રેજ સરકાર સમયના પોલીસખાતામાં હતા. તેઓ નહોતા ઈચ્છતા કે તેમનો પુત્ર અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરે તેથી તેમણે મઝરૂહને મદરેસા શિક્ષક પાસે ભણવા મૂક્યાં જ્યાં મઝરૂહે સાત વર્ષનો કોર્સ કરી દર્સ-એ- નિઝામીની ઉપાધી મેળવી. આ શિક્ષણમાં અરેબીક અને પર્સિયન ભાષાઓનો વિસ્તૃત અભ્યાસ તથા ધાર્મિક બાબતોનું શિક્ષણ સમાવિષ્ટ હતા. ત્યાર બાદ તેમણે ‘અલીમ’ની ડિગ્રીનું પ્રમાણપત્ર મેળવ્યું. પછી તેઓ લખનૌની તકમીલ-ઉત-તીબ કોલેજ ઓફ યુનાનીમાં જોડાયા જ્યાં તેમણે હકીમ તરીકેનું શિક્ષણ મેળવ્યું.

    મઝરૂહસાહેબે જ્યારે તેમના વતન સુલતાનપુરમાં મુશાયરાઓમાં ગઝલો વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેઓ એક સંઘર્ષ કરતા હકીમ હતા. મુશાયરાઓમાંની તેમની ભારે સફળતાને અનુલક્ષીને તેમણે હકીમ તરીકેની પ્રેકટીસ છોડી દીધી અને માત્ર ગઝલો લખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે દરમિયાન તેઓ તત્સમયના પ્રસિદ્ધ ઊર્દૂ શાયર જીગર મુરાદાબાદીના શિષ્ય બન્યા.

    ઊર્દૂ અદબમાં એક શાયર તરીકે તેમણે ખૂબ નામના મેળવી. તેમણે ઊર્દૂમાં કેટલાય અવિસ્મરણીય શે’ર આપ્યા છે. જેનું એક ઉદાહરણ આ છે:

    મેં અકેલા હી ચલા થા જાનિબે- મંઝીલ મગર,

    લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.

    ૧૯૪૫ની સાલમાં મઝરૂહ મુંબઈમાં એક મુશાયરામાં ગયા હતા. ત્યાં તેમની ગઝલોને શ્રોતાઓએ ખૂબ દાદ આપી. તે મુશાયરામાં ફિલ્મનિર્માતા એ.આર.કારદાર પણ શ્રોતા તરીકે ઓડિયન્સમાં હતા. તેઓ યુવાન મઝરૂહની ગઝલોથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે જીગર મુરાદાબાદી મારફતે મઝરૂહનો સંપર્ક કર્યો. પણ મઝરૂહે ફિલ્મો માટે ગીતો લખવાની ના પાડી દીધી.

    પછી જીગર મુરાદાબાદીએ મઝરૂહને સમજાવ્યા કે ફિલ્મોમાં સારું આર્થિક વળતર મળશે. જેનાથી કુટુંબની જવાબદારી સારી રીતે નિભાવી શકાશે.

    ગુરુની આ સલાહ પછી મઝરૂહ કારદારને મુંબઈમાં મળ્યા. કારદાર તેમને સંગીતકાર નૌશાદ પાસે લઈ ગયા. નૌશાદે મઝરૂહને એક કમ્પોઝીશન સંભળાવીને કહ્યું કે તે કમ્પોઝીશનને અનુરૂપ ગીત તે જ મીટરમાં મઝરૂહ લખે.

    મઝરૂહે લખ્યું: ‘જબ ઉસને ગેસૂ બિખરાયે, બાદલ આયે ઝૂમકે...’ નૌશાદને ગીતના શબ્દો ગમી ગયા અને એ રીતે મઝરૂહ સુલતાનપુરી ‘શાહજહાં’ (૧૯૪૬) માટે ગીતકાર બન્યા. આ ફિલ્મ માટે મઝરૂહે લખેલા અને સ્વ. કે.એલ. સેહગલે ગાયેલા ગીતો અત્યંત લોકપ્રિય થયાં, જબ દિલ હી ટૂટ ગયા, ગમ દિયે મુસ્તકિલ (સ્વ. સેહગલે તો એટલે સુધી કહેલું કે તેમના મૃત્યુ પછી તેમની અંતિમક્રિયા થતી હોય ત્યારે ‘જબ દિલ હી ટૂટ ગયા’ એ ગીત વગાડવું)

    એ પછી ગીતકાર મઝરૂહની ‘મેંહદી’, ‘અંદાઝ’ અને ‘આરઝૂ’ ફિલ્મો આવી અને તેઓ હિન્દી ફિલ્મોના એક પ્રતિષ્ઠિત ગીતકાર બની ગયા. તે દરમિયાન જ ડાબેરી (સામ્યવાદી) વિચારસરણીના સમર્થક હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા. વર્ષ ૧૯૪૯માં મિલ કામદારોની એક મીટીંગમાં તેમણે જવાહરલાલ નેહરુ અને ખાદીની તીવ્ર આલોચના કરતું એક ગીત વાંચ્યું, જેનાથી નારાજ થઈને મુંબઈના ત્યારના ગવર્નર મોરારજીભાઈ દેસાઈએ તેમને જેલમાં પૂરી દીધા. બધાએ મઝરૂહને માફી માંગી લેવા સમજાવ્યા પણ તેમણે માફી માંગવાનો ઇનકાર કરી દીધો અને પરિણામે તેઓ મુંબઈની આર્થર રોડ જેલમાં બે વર્ષ રહ્યા. તેઓ જેલમાં હતા તે દરમિયાન જ તેમની સૌથી મોટી પુત્રીનો જન્મ થયો.

    ‘શાહજહાં’ અને ‘અંદાઝ’ જેવી ફિલ્મોમાં સુપરહીટ ગીતો આપવા છતાં ડાબેરી વિચારસરણીવાળા મઝરૂહ સાથે કામ કરવાની સંગીતકાર નૌશાદે ના પાડી દીધી. એ રીતે મઝરૂહ નૌશાદથી અલગ થયા. તે પછી બંનેએ ૧૯ વર્ષ પછી ફિલ્મ ‘સાથી’માં એકસાથે કામ કર્યું. (જો કે ત્યારે મઝરૂહ ડાબેરી વિચારસરણીથી નિરાશ થઈ તે માર્ગ છોડી ચૂક્યા હતા.)

    મઝરૂહના કિસ્સામાં નોંધપાત્ર વાત એ રહી કે છ દાયકાથી વધુ ચાલેલી તેમની સફળ કારકિર્દી દરમિયાન તેમણે નૌશાદથી માંડીને જતીન-લલિત અને એ.આર.રહેમાન જેવા દરેક પેઢીના સંગીતકારો સાથે કામ કર્યું. મઝરૂહ જ એક એવા ગીતકાર હતા જેઓ કોઈ ‘કેમ્પ’માં નહોતા અને છતાં બધા ‘કેમ્પ’માં હતા! દરેક સંગીતકાર માટે તે સ્વીકૃત ગીતકાર હતા. તેથી જ તેમણે તેમની ૧૯૪૬થી ૨૦૦૦ સુધીની દીર્ઘ ફિલ્મી કેરિયર દરમિયાન ૩૫૦થી વધુ ફિલ્મોમાં ૨૦૦૦ જેટલાં ગીતો લખ્યાં! (એક માત્ર આનંદ બક્ષીએ જ તેમનાથી વધુ ફિલ્મી ગીતો લખ્યાં છે.)

    મઝરૂહ સુલતાનપુરીએ મુખ્યત્વે આર.ડી.બર્મન (૭૬ ફિલ્મો), લક્ષ્મીકાંત-પ્યારેલાલ (૪૦ ફિલ્મો), એસ. ડી. બર્મન (૨૦ ફિલ્મો), ઓ.પી.નૈયર (૧૮ ફિલ્મો) અને જતિન -લલિત (૮ ફિલ્મો) સાથે કામ કર્યું. તે સીવાય તેમણે મદનમોહન, ચિત્રગુપ્ત, રોશન, રવિ, નૌશાદ, રાજેશ રોશન, કલ્યાણજી-આણંદજી, આનંદ-મિલિન્દ, એ.આર. રહેમાન જેવા અનેક સંગીતકારો સાથે કામ કર્યું. (નિર્માતા નાસીર હુસેન સાથે તેમના વિશિષ્ટ સંબંધો હતા. ફિલ્મ ‘તીસરી મંઝીલ’ માટે સંગીતકાર તરીકે આર. ડી. બર્મનને લેવા માટે તેમણે જ નાસીર હુસેનને ભારપૂર્વક ભલામણ કરી હતી.)

    હિન્દી ફિલ્મોમાં ગઝલને સૌ પ્રથમવાર સ્થાન આપનાર મઝરૂહ સુલતાનપુરી જ હતા. પ્રસિદ્ધ ઊર્દૂ શાયર ફૈઝ એહમદ ફૈઝની સાથે વીસમી સદીના ઉત્તમ અને નોંધપાત્ર ઊર્દૂ શાયરોમાં તેમની ગણના થાય છે. ફિલ્મી ગીતોમાં પણ તેમની ઊર્દૂ શાયર તરીકેની ઊંચાઈ દેખાઈ આવે છે. જેમ કે-

    ફિલ્મ ‘આરતી’ના એક ગીતના શબ્દો છે:

    ‘અબ ક્યા મિસાલ દૂં મૈ તુમ્હારે શબાબકી,

    ઈન્સાન બન ગઈ હૈ કિરન માહતાબકી’.

    ફિલ્મ ‘તીન દેવીયાં’નાં ગીતના આ શબ્દો જુઓ:

    ‘સુબહ પે જીસ તરહ શામ કા હો ગુમાં,

    જુલ્ફોંમેં એક ચેહરા, કુછ જાહિર કુછ નિહાં’.

    ફિલ્મ ‘દસ્તક’માં-

    ‘હમ હૈ મતા-એ-કૂચા-ઓ-બાઝાર કી તરહ

    ઉઠતી હૈ હર નિગાહ ખરીદાર કી તરહ

    મઝરૂહ લીખ રહે હૈ વો અહલે-વફાકા નામ

    હમ ભી ખડે હુએ હૈ ગુનહગારકી તરહ’

    અને ફિલ્મ ‘સુજાતા’નું આ પ્રસિદ્ધ ગીત –

    ‘જલતે હૈ જિસકે લિયે તેરી આંખોકે દિયે,

    ઢુંઢ લાયા હું વહી ગીત મૈ તેરે લિયે.’

    ફિલ્મ ‘આકાશદીપ’નું આ કાવ્યમય ગીત-

    ‘દિલ કા દિયા જલાકે ગયા, યે કૌન મેરી તનહાઈમેં,

    સોયે નગમે જાગ ઉઠે, હોઠોંકી શહેનાઈમેં.’

    મઝરૂહ સુલતાનપુરીનાં યાદગાર ગીતોની યાદી કરવા બેસીએ તો તેને માટે કેટલાંય પૃષ્ઠો જોઈએ. તેથી અહીં, માત્ર મારી પસંદગીના કેટલાંક ગીતો આપ સૌની જાણ સારું મૂકું છું:

  • તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે...(12 o’clock)
  • જલતે હૈ જિસકે લિયે,
  • તેરી આંખો કે દિયે...(સુજાતા)

  • છુપા લો યું દિલમેં પ્યાર મેરા ...(મમતા)
  • આંખો સે જો ઉતરી હૈ દિલમેં... (ફિર વહી દિલ લાયા હું)
  • ક્યા જાનું સજન હોતી હે ક્યા ગમકી શામ... (બહારો કે સપને)
  • રહેં ન રહે હમ, મહેંકા કરેંગે...(મમતા)
  • કભી તો મિલેંગી કહી તો મિલેગી,
  • બહોરોંકી મંઝીલ, રાહી...(આરતી)

  • શ્યામ-એ-ગમકી કસમ, આજ ગમગીં હૈ હમ...(ફૂટપાથ) (અલી સરદાર જાફરી સાથે)
  • અબ કયા મિસાલ દું મૈ તુમ્હારે શબાબકી...(આરતી)
  • ચાહુંગા મૈ તુઝે સાંજ સવેરે...(દોસ્તી)
  • કહીં બેખાયાલ હોકર યું હી છુ લિયા કિસીને...(તીન દેવીયાં)
  • યે કૌન આયા રૌશન હો ગઈ મહેફિલ કિસકે નામ સે...(સાથી)
  • જો ચલા ગયા ઉસે ભૂલ જા... (સાથી)
  • હમ હૈ મતા-એ-કૂચા-ઓ-બાઝાર કી તરહ...(દસ્તક)
  • ઐસે તો ન દેખો કે હમકો નશા હો જાયે...(તીન દેવીયાં)
  • દિલકા દિયા જલાકે ગયા, યે કોન મેરી તનહાઈમેં...(આકાશદીપ)
  • હુઈ શામ ઉનકા ખયાલ આ ગયા...(મેરે હમદમ મેરે દોસ્ત)
  • રોજ શામ આતી થી, મગર ઐસી ન થી...(ઇમ્તેહાન)
  • જાગ દિલે – દીવાના રૂત જાગી વસ્લે-પાર કી... (ઉંચે લોગ)
  • તારોં મેં સજકે, અપને સૂરજ સે, દેખો ધરતી ચલી મિલને...(જલ બિન મછલી નૃત્ય બિન બીજલી)
  • પત્તા પત્તા, બુટા બુટા, હાલ હમારા જાને હૈ... (એક નઝર)
  • મુઝે દર્દે-દિલ કા પતા ન થા, મુઝે આપ કિસ લિયે મિલ ગયે...(આકાશદીપ)
  • પહેલે સૌ બાર ઇધર ઔર ઉધર દેખા હૈ... (એક નઝર)
  • યે રાત, યે ફીઝાએં ફીર આયે યા ન આયેં... (બટવારા)
  • વો જો મિલતે થે કભી હમસે દિવાનોં કી તરહ... (અકેલી મત જઈયો)
  • અબ તો હૈ તુમસે હર ખુશી અપની... (અભિમાન)
  • પિયા બિના પિયા બિના બસીયા બાજેના... (અભિમાન)
  • તેરે મેરે મિલન કી યે રૈના...(અભિમાન)
  • મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગયે... (અનામિકા)
  • હમને તો દિલકો આપકે કદમોં પે રખ દીયા... (મેરે સનમ)
  • એ દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો... (આરઝૂ-૧૯૫૦)
  • આજ મૈ ઉપર આસમાં નીચે... (ખામોશી-૧૯૯૬)
  • પાપા કહેતે હૈ બડા નામ કરેગા... (કયામત સે કયામત તક)
  • સાથી ન કોઈ મંઝીલ, દિયા હૈ ન કોઈ મહેફિલ...(બમ્બઇકા બાબુ)
  • તેરી આંખો કે સિવા દુનિયામેં રખ્ખા કયા હૈ... (ચિરાગ)
  • હમેં તુમસે પ્યાર કિતના...(કુદરત)
  • મઝરૂહ સુલતાનપુરીને ‘દોસ્તી’ (૧૯૬૩)ના ગીત ‘ચાહુંગા મૈ તુઝે સાંજ સવેરે...’ માટે શ્રેષ્ઠ ગીતકારને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૩માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો. (આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ગીતકાર હતા.) તદુપરાંત તેમને મધ્યપ્રદેશ સરકારના સર્વોચ્ચ સાહિત્યિક એવોર્ડ ’ઇકબાલ સન્માન’થી પણ નવાજવામાં આવ્યા હતા. હિન્દી અને ઊર્દૂ સાહિત્યમાં તેમના પ્રદાન માટે ‘ઉત્તર પ્રદેશ હિન્દી-ઊર્દૂ સાહિત્ય એવોર્ડ’ પણ તેમને મળ્યો હતો. તેમના ઊર્દૂ ગઝલસંગ્રહ ‘ગઝલે’ને મહારાષ્ટ્ર રાજ્ય ઊર્દૂ અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો.

    હિન્દી ફિલ્મોમાં જે કેટલીક અનોખી અને સુંદર પ્રણયકથાઓ પ્રસ્તુત થઈ છે તેમાં અસીત સેન દિગ્દર્શિત વર્ષ ૧૯૬૬ની ફિલ્મ ’મમતા’નો સમાવેશ કરવો પડે. (અસીત સેન એ પ્રસિદ્ધ દિગ્દર્શક બિમલ રોયની ટીમના એક સમયના આસિસ્ટન્ટ ડાયરેક્ટર. અસીત સેનના દિગ્દર્શનમાં અન્ય સુંદર ફિલ્મો પણ આપણને મળી અનોખી રાત, ખામોશી, સફર...વગેરે...)

    ‘મમતા’માં સદાબહાર કહી શકાય એવાં સુંદર ગીતો હતાં ‘છુપા લો યું દિલમેં પ્યાર મેરા..., રહેં ન રહેં હમ મહેકા કરેંગે..., રહેતે થે કભી જિનકે દિલમેં..., ઇન બહારોંમેં અકેલે ના ફીરો... મઝરૂહની કલમ ઉપરાંત રોશનના અદભુત સંગીતનો પણ આ ગીતોમાં કમાલ હતો.

    ‘મમતા’માં ગરીબ કુટુંબની એક છોકરી દેવયાની (સુચિત્રા સેન) અને એક શ્રીમંત વ્યક્તિ મનીષ રોય (અશોકકુમાર) વચ્ચેના નિષ્ફળ પ્રણયની કથા હતી. દેવયાની સાથે પ્રેમમાં પડેલો મનીષ વધુ અભ્યાસાર્થે વિદેશ જાય છે અને અહીં ગરીબ દેવયાનીના પિતાને હૃદયરોગનો હુમલો થાય છે ત્યારે મનીષની માતા ષડયંત્ર રચી, પિતાની સારવાર માટેની અનિવાર્યતા સમજાવી, દેવયાનીનાં લગ્ન તેનાથી ઉંમરમાં ઘણા મોટા એવા એક વેપારી રાખલ સાથે કરાવી દે છે. રાખલ દારુડિયો અને વ્યભિચારી છે તે દેવયાનીને બળજબરીથી એક તવાયફ(પન્નાબાઈ) બનાવી દે છે. મનીષ પાછો ફરે છે ત્યારે તેનો એક મિત્ર તેને જણાવે છે કે દેવયાની તો હવે લખનૌની મશહૂર તવાયફ પન્નાબાઈ છે. પણ મનીષ આ વાત સ્વીકારવા તૈયાર નથી. મનીષનો મિત્ર પોતાની વાત સાબિત કરવા પન્નાબાઈને મનીષના ઘેર બોલાવી તેના ગાયનના કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવે છે. મનીષ આ જોઈ હતપ્રભ થઇ જાય છે અને પન્નાબાઈની સામે બેસીને ગાયન સાંભળવાનો ઇન્કાર કરી દે છે. તે પરદા પાછળથી પન્નાબાઈનું ગીત સાંભળે છે. પન્નાબાઈને આ વાતની પહેલેથી ખબર પડી ગઈ હોય છે. તે સમયે પન્નાબાઈ જે ગીત ગાય છે તેનો આસ્વાદ આજે આપણે કરીએ. (ગીતકાર: મઝરૂહ સુલતાનપુરી, સંગીતકાર: રોશન, ગાયિકા: લતા મંગેશકર).

    ઊર્દૂ ગઝલના બંધારણની રીતે જોઈએ તો આ એક નખશિખ ચુસ્ત ગઝલ છે, જેમાં ગઝલનો છંદ, રદીફ-કાફિયા ઉપરાંત ગઝલનું અગઝઝુલ અદભુત રીતે સચવાયું છે. મઝરૂહની ગણના ઊર્દૂનાં ઉત્તમ શાયરો પૈકી થાય છે એટલે ફિલ્મમાં આવી સીચ્યુએશન મળે ત્યારે સ્વાભાવિક રીતે જ તેમનું કવિત્વ બહાર આવ્યા વગર ન રહે. ગીત જોઈએ:

    રહેતે થે કભી જીનકે દિલમેં, હમ જાનસે ભી પ્યારોંકી તરહ

    બૈઠે હૈ ઉન્હીં કે કૂચેમેં, હમ આજ ગુનહગારોંકી તરહ.

    કેવા ચોટદાર મત્લાથી ગઝલ શરૂ થાય છે! ફિલ્મ ‘મમતા’ વિશે ઉપર જે સંક્ષિપ્ત વિગતો આપી છે તે મુજબ નાયકને કારણે જ ઊભા થયેલા સંજોગોએ તેની એક સમયની પ્રેમિકાને તવાયફ બનાવી દીધી છે. આટલાં વર્ષો પછી પણ આ દર્દ, આ આઘાત નાયિકા ભૂલી શકી નથી. તેથી જ તે કહે છે કે એક સમયે જેના હ્રદયમાં તે જીવથી પણ વ્હાલી બનીને રહેતી હતી, આજે તેના ઘરમાં એક તવાયફની હેસિયતથી તે પોતાનું ગાયન વેચવા આવી છે. આ વાતથી એ કોઈ ગુનેગાર હોય એવી પ્રતીતિ એને થઈ રહી છે અને એક સમયનો એનો પ્રેમી એને આવી પ્રતીતિ કરાવી રહ્યો છે.

    દાવા થા જીન્હેં હમદર્દીક, ખુદ આકે ન પૂછા હાલ કભી

    મહેફિલમેં બુલાયા હૈ હમ પે, હંસને કો સિતમગારોંકી તરહ.

    નાયિકા કહે છે કે જેમને એક સમયે મારા માટે અસીમ પ્રેમ હતો; જે મારા વગર એક ક્ષણ પણ રહી શકતા નહોતા અને જેમણે સુખ-દુઃખમાં હંમેશા સાથે રહેવાનું વચન આપ્યું હતું તે અચાનક જ મને છોડીને ચાલ્યા ગયા અને આટલા વર્ષે એ મને મળ્યા છે ત્યારે મને એક તવાયફ તરીકે તેમનું મનોરંજન કરવા તેમના ઘેર બોલાવી એક નિર્દયી વ્યક્તિની જેમ મારી હાંસી ઉડાડવાનું કામ કર્યું છે. આ અત્યાચાર મારા માટે અસહ્ય છે.

    બરસોંકે સુલગતે તનમન પર, અશ્કોંકે તો છીંટે દે ન સકે,

    તપતે હુએ દિલકે ઝખ્મોં પર, બરસે ભી તો અંગારોકી તરહ.

    આખી ગઝલનો આ શ્રેષ્ઠ શે’ર છે. નાયિકા કહે છે કે તમારે કારણે મારા જીવનમાં જે ઉલ્કાપાત સર્જાયો છે તેની ઉપર દુઃખ વ્યક્ત કરવાને બદલે, તે માટે મને સધિયારો આપવાને બદલે, તમે મને તવાયફની હેસિયતથી તમારા ઘેર ગાયન રજૂ કરવા બોલાવી છે એનાથી મોટી પીડા શું હોઈ શકે? તમારા વિરહમાં વર્ષોથી સળગી રહેલા આ તન-મન પર તમે પશ્ચાતાપ કે સહાનુભુતિનાં આંસુ તો વહાવી નથી શક્યા, પણ ઉલટાનું આ ભગ્ન હ્રદયમાં લાવાની જેમ ધખી રહેલા ઘા ઉપર તમે અચાનક આવીને અંગારાની માફક વરસ્યા છો. આના કરતાં તો તમે મને ફરી મળ્યા જ ન હોત તો વધુ સારું હતું.

    સો રૂપ ભરે જીને કે લિયે, બૈઠે હૈ હમઝાંરો ઝહર પિયે,

    ઠોકર ન લગાના હમ ખુદ હૈ, ગિરતી હુઈ દિવારોં કી તરહ.

    એક ગરીબ ઘરની દીકરીથી માંડીને પન્નાબાઈ સુધીની જીવનયાત્રા દરમિયાન નાયિકાએ ઘણું સહન કર્યું છે. તેના નસીબે તેણે દીકરી, પ્રેમિકા, પત્ની, તવાયફ જેવા અનેક રૂપ ધારણ કરીને દુનિયાએ આપેલા બધાં ઝેર પીધા કર્યા છે.

    તેથી જ તે નાયકને કહે છે કે હવે તેને વધુ કોઈ આઘાત આપવાની કે ઠોકર મારવાની જરૂર નથી, તે પોતે જ ધરાશાયી થઈ થઈ રહેલી દીવાલ જેવી સ્થિતિમાં છે. આમ પરોક્ષ રીતે તે નાયકને તેની આ સ્થિતિ માટે જવાબદાર ગણે છે.

    ‘મમતા’ ફિલ્મની અ ગઝલમાં મઝરૂહ સાહેબની ચોટદાર શાયરી, રોશનનું કર્ણપ્રિય સ્વરાંકન અને લતા મંગેશકરની લાજવાબ મધુર ગાયકીનો ત્રિવેણી સંગમ થયો છે. આવું સુંદર સર્જન એક ફિલ્મના માધ્યમથી આપણને મળ્યું છે એ વાત પણ નોંધવી રહી.