Kharto Taro 5 in Gujarati Love Stories by Amit Radia books and stories PDF | ખરતો તારો - 5

Featured Books
Categories
Share

ખરતો તારો - 5

ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી-5

(અત્યાર સુધીની વાર્તા...)

ધરા સાથેના વિયોગના આઘાતમાંથી ઉગરવા ઇચ્છતા અનુજની જિંદગીમાં સોનિયાનો પ્રવેશ થાય છે. કૉલેજકાળની સીધી-સાદી છોકરી ટિપિકલ બમ્બૈયા કુડી બની ગઈ છે. બંનેની મુલાકાતો વધતી ચાલે છે. અચાનક એક દિવસ એવું કંઈક બને છે કે જો એ ફોન ન આવ્યો હોત, તો બંને પોતાના માર્ગમાંથી વિચલિત થઈ ગયા હોત. પણ એ ફોન કોનો હતો? વાંચો આગળ...)

******

ઘરે જવા માટે ઊભી થતી સોનિયાનું બેલેન્સ ન રહ્યું, પણ તે પડે એ પહેલાં જ અનુજે તેને બચાવી લીધી. કોઈ ફિલ્મના રોમેન્ટિક દૃશ્ય જેવી એ સિચ્યુએશનમાં જ અચાનક વિઘ્ન પડ્યું અને સોનિયાના મોબાઇલની રિંગ વાગી. ફોન ઉપાડતાં જ સોનિયાના મોઢામાંથી ‘હા, ધરા બોલ’ એવા શબ્દો સાંભળતાં જ અનુજના મનમાં ગજબ કોલાહલ મચી ગયો. તેને એકાએક ધરા, પોતાનો લવ એટ ફર્સ્ટ સાઇટવાળો પહેલો પ્રેમ યાદ આવી ગયો. ‘આવું છું, બસ આ નીકળી.’ એટલું બોલીને સોનિયાએ ફોન મૂકી દીધો. પણ તેના ચહેરા પર પણ કંઈક વિચિત્ર ભાવ હતા. વળતી વખતે આખા રસ્તે બંને એકપણ શબ્દ ન બોલ્યાં અને છૂટા પડતી વખતે પણ માત્ર ‘બાય’ની ઔપચારિકતા જ નિભાવીને બંને ચાલ્યાં ગયાં.

સોનિયાથી છૂટા પડ્યા પછી અનુજ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો. પોતાના જે ઘાવ એ ભૂલવા માગતો હતો, તેના પર ફરી ઉઝરડા પડ્યા હતા. હા, જે ધરાના નામથી પણ એ દૂર રહેવા માગતો હતો, એ જ નામે એકાએક ફરી તેના મન-મગજનો કબજો લઈ લીધો. તે ફરી વખત ધરાના વિચારોમાં ખોવાઈ ગયો. ધરા સાથેની એકમાત્ર અંતિમ મુલાકાતનું એ દૃશ્ય તેની સામે જીવંત ભજવાતું હોય એમ ખડું થઈ ગયું. એ જ મુલાકાત જે તેમને વિખૂટા પડવા માટે કારણભૂત બની હોવાનું અનુજ વિચારતો હતો.

શિયાળાની શરૂઆતના અે દિવસો હતા. વાતાવરણમાં હળવી ઠંડક હતી. આકાશમાં પૂર્ણ ચંદ્ર ખીલ્યો હતો. ફુલ લેન્થ ગુલાબી ડ્રેસ પહેરીને આવેલી સિમેટ્રિકલ ફિગરની સ્વામિની ધરા ચંદ્રના એ ઉજાસમાં કોઈ પરી જેવી લાગતી હતી. શહેરથી દૂર તળાવના કાંઠે સમી સાંજે મિત્રતાના નામે પ્રેમમાં ગળાડૂબ કહી શકાય એવું એ યુગલ અલકમલકની વાતો કરતું બેઠું હતું. એકાએક કંઈક યાદ આવતાં ‘ચાલો, હવે જવું જોઈએ’ એમ કહેતાં ધરા ઊભી થઈ. પણ, દુપટ્ટો પગમાં આવી જતાં તેનું બેલેન્સ ન જળવાયું, પરંતુ તે પડે એ પહેલાં જ અનુજે તેને પોતાના હાથમાં ઝીલી લીધી. આર.કે. ફિલ્મ્સના ‘લોગો’ જેવી એ સિચ્યુએશને બંનેના દિલોદિમાગમાં ગજબની ઝણઝણાટી જન્માવી દીધી હતી. ક્યાંય સુધી અનુજની બાંહોના ઝૂલામાં ઝૂલવામાં જાણે ધરાને પણ અનેરો આનંદ આવતો હોય તેમ કંઈ બોલ્યા વિના જ તે ઝૂલતી રહી.

...અને આખરે એક ક્ષણે અનુજ તેની તદ્દન નજીક આવી ગયો. ચાર આંખો મળી ’ને ચાર કરોડ રુંવાડાં ખડાં થઈ ગયાં, બંનેના શ્વાસની ઉષ્મા એકબીજાને સ્પર્શવા લાગી અને ધરાની મૂકસંમતિ સમજીને અનુજે પોતાના હોઠ તેના હોઠ પર ચાંપી દીધા. થોડીક પળો સુધી એકબીજાંના આલિંગનમાં બંને ત્યાં જ ઊભાં રહ્યાં. કહેવાય છે કે, સાચાં પ્રેમીઓ જ્યારે એકબીજાંને કિસ કરે, ત્યારે તેમના શુદ્ધ પ્રેમની સાક્ષીરૂપે છોકરીની આંખોમાંથી અચાનક જ આંસુ ખરી પડતું હોય છે. ધરાએ આવી જ કંઈક અનુભૂતિ આજે કરી.

એકાએક ધરાનો મોબાઇલ રણક્યો અને બંને તંદ્રામાંથી જાગી ગયાં હોય તેમ વિખૂટા પડ્યાં. ‘હા, મમ્મી, નીકળી પ્રિયાના ઘરેથી...’ કહેતી ધરા ચાલતી થઈ. પાછળ ફરીને એક વખત અનુજને જોઈ લેવા માટે તેનું હૃદય વારેવારે કહેતું હતું, પણ તેનું મગજ આ માટે પગને આદેશ નહોતું અાપતું. કંઈક હતું એવું જે ધરા ક્યારેય જાહેર કરવા નહોતી માગતી. પણ શું હતું એ..?

એકાએક પાછળથી કારવાળાઓના હોર્નના અવાજે અનુજ તેની યાદોની તંદ્રામાંથી જગાડી દીધો. તેને ખ્યાલ આવ્યો કે સિગ્નલ ખૂલી ગયું હતું અને પોતે પાછળના કારચાલકની આડે ઊભો છે. ત્યાર પછી થોડા દિવસ અનુજ કે સોનિયા બેમાંથી કોઈએ કંઈ વાત ન કરી. અચાનક એક દિવસે અનુજે સોનિયાને ફોન કરીને મળવાની ઇચ્છા દર્શાવી, તો સામે છેડેથી સોનિયાએ પણ તેમાં સંમતિ દર્શાવી. ઊલટા, ‘મારે પણ તને મળવું છે. ઇનફેક્ટ, તને કંઈક કહેવું છે.’ એટલું બોલીને મિટિંગમાં જવાનું કહીને સોનિયાએ ફોન કાપી નાખ્યો.

બંનેએ નક્કી કરેલા સમય સુધી અનુજ એ જ વિચારમાં ગુંચવાયેલો રહ્યો કે, સોનિયાને શું વાત કરવી હશે? ક્યાંક સોનિયા તેની સામે પ્રેમનો એકરાર કરશે તો? પોતે શું જવાબ આપશે? અથવા તે કાયમ માટે મિત્રતા તોડી નાખશે તો? એવા અનેક વિચારો અનુજના મનમાં આવી ગયા. આખરે સોનિયાની કાર આવતી દેખાઈ અને અનુજની તાલાવેલી વધી ગઈ. કારમાંથી ઊતરીને આવતી સોનિયાને જોઈને અનુજના પગ નીચેથી જમીન સરકી ગઈ...

સોનિયાની પાછળ તેની કારમાંથી ઊતરતી ધરાને જોઈને અનુજ લગભગ ડઘાઈ ગયો. પોતાના પહેલાં પ્રેમને જોઈને તેના મનમાં આનંદ અને ગુસ્સાની મિશ્ર લાગણીઓ ઊઠવા લાગી. સોનિયા અને ધરા એકસાથે?! પણ, તેમની સાથે આ યુવાન કોણ છે? શું ધરાએ તેની સાથે લગ્ન કરી લીધાં? ના, પણ એવી એક પણ નિશાની તેને દેખાઈ નહીં, તો પછી કોણ હતો અે? માત્ર 20 ડગલાંનું અંતર કાપીને ત્રણેય અનુજ પાસે આવ્યા, ત્યાં સુધીમાં અનુજના મનમાં અનેક સવાલોનો વંટોળ જન્મી ચૂક્યો હતો.

સોનિયાએ તેના વિચારોમાં વિક્ષેપ પાડતા કહ્યું, ‘અનુજ, આ મારો ફિયાન્સ છે, વિશેષ. ઍન્ડ યસ્સ્સ, ધરાને તો તું ઓળખે જ છે.’ થોડી વાર માટે અનુજને શું બોલવું એ જ ન સૂઝ્યું. સોનિયા, ધરાને ઓળખે છે? તો પછી આજ સુધી મને કેમ અજાણ રાખ્યો? બંને મારી સાથે કોઈ રમત રમે છે કે શું? મનમાં ઘુંટાતો ગુસ્સો શબ્દો સ્વરૂપે હોઠ પર આવી ગયો.

ત્યાં જ સોનિયા તેને રેસ્ટોરન્ટમાં ખેંચી ગઈ અને તેના અને વિશેષના પ્રેમ અંગેની આખી કહાની સંભળાવી. કેવી રીતે મુંબઈમાં એક જ ઓફિસમાં બંને મળ્યાં અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો. એકાએક વિશેષ ક્યાંક ગાયબ થઈ ગયા પછી સોનિયાએ તેની ખૂબ તપાસ કરી, પણ તેનો પત્તો ન લાગ્યો. બીજી તરફ, તેમના અનેક મિત્રો અને સહકર્મીઓ તેમના પ્રેમ વિશે જાણતા હતા, તો અનેક લોકો સોનિયાને એકલી પડી ગયેલી જોઈને તેને પોતાની બદદાનતનો શિકાર બનાવવા પણ ત્રાગાં રચવા માંડ્યા. આખરે સોનિયા બધું છોડીને અમદાવાદ ચાલી આવી.

સામા પક્ષે વિશેષના પિતાની તબિયત લથડતા તેણે પોતાના ગામ જવું પડ્યું હતું. પિતાના મૃત્યુ બાદ વિશેષે તેમનો પારિવારિક વ્યવસાય અપનાવી લેવો પડ્યો. તેને થયું કે મુંબઈમાં રહેનારી સોનિયા કદાચ પોતાની કરિયર છોડીને તેની સાથે આવવા તૈયાર ન પણ થાય. મેનેજમેન્ટના માસ્ટર વિશેષે ખૂબ ટૂંકા સમયમાં પિતાનો બિઝનેસ સંભાળી લીધો, એટલું જ નહીં, ખાસ્સો વિસ્તાર્યો પણ ખરો. આખરે મુંબઈમાં હેડ ઓફિસ શરૂ કરતાંની સાથે જ સૌથી પહેલાં તેણે સોનિયાનો પત્તો મેળવ્યો અને સીધો અમદાવાદ આવી ગયો, પણ હૃદયભગ્ન થયેલી સોનિયાને મનાવવામાં તેને ખાસ્સો સમય લાગ્યો. આખરે બંનેના પરિવારજનો પણ માની ગયા અને એક મહિના પછી વિશેષનો બિઝનેસ એક્સ્પાન્ડ કરવા માટે બંને યુરોપ જવા રવાના થાય એ પહેલાં લગ્ન પણ કરી લેવા એવું નક્કી થયું.

આ આખી રામકહાણી પૂરી થતા સુધીમાં ચારેય રિવરફ્રન્ટ પહોંચી ગયા હતા. અનુજ અને ધરા તેમના શબ્દોને વાચા આપી શકે એવા આશયથી સોનિયા અને વિશેષ તેમને વાતો કરવા એકલાં મૂકીને સાબરમતીની રમણિયતા માણવા નીકળી પડ્યાં. (ક્રમશ:)

******

(અનુજની જિંદગીમાં એકાએક ફરી વખત ધરાનો પ્રવેશ થાય છે. અનુજ પાસે સવાલો અનેક છે, પણ ધરા તેના શું જવાબ આપશે? ધરા અચાનક કેમ દૂર ચાલી ગઈ હતી? સોનિયા અને ધરા કેવી રીતે મળ્યા? શું અનુજ અને ધરા ફરી એક થશે? કે પછી અનુજનો ગુસ્સો તેના હૃદય પર હાવી થઈ જશે? આ તમામ સવાલોના જવાબ મળશે વાર્તાના અંતિમ ભાગમાં. વાંચતા રહો ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી)

******