Ye sahir hai in Gujarati Biography by Parul H Khakhar books and stories PDF | યે સાહિર હૈ

Featured Books
Categories
Share

યે સાહિર હૈ

Name:Parul H. Khakhar

Email:parul.khakhar@gmail.com

‘યે સાહિર હૈ’

આજે ફરી એક પુસ્તકની વાત લઇને આવી છું. પ્રખ્યાત શાયર સાહિર લુધિયાનવીની જીવનકથા ‘મૈ સાહિર હુ’. આ પુસ્તક આમ તો આત્મકથાનક્ની શૈલીથી લખાયેલ છે પરંતુ તેના લેખક સાહિર નહી પણ. ચન્દર વર્મા અને ડો. સલમાન આબિદ છે. ૮ વર્ષના અભ્યાસ બાદ નક્કર હકિકતો અને પુરાવાઓને આધારે લખાયેલ આ દસ્તાવેજી પુસ્તક સાહિરના જીવનના ચડાવ-ઉતાર વિશે ખૂબ સરસ માહિતી આપે છે.

સાહિરનો જન્મ ૮ માર્ચ ૧૯૨૧ના રોજ પંજાબના લુધિયાણા શહેરમાં થયો.એમના દાદા અને પિતા મોટા જમીનદાર હતા. ઘરમાં લક્ષ્મીની રેલમછેલ હતી.શહેરના વગદાર અને ધનવાન લોકો સાથે તેમનો ઘરોબો હતો.એમના પિતા અંગ્રેજોની ગુલામીને ગર્વની બાબત સમજતા તેથી અંગ્રેજી અફસરો પણ તેમનાથી ખુશ હતા.એમણે ૧૦ લગ્નો કર્યા બાદ એક કાશ્મીરી યુવતી સરદારી બેગમ સાથે ૧૧મું લગ્ન કર્યુ,જેના ફળ સ્વરુપે તેમને પ્રથમ સંતાન સાહિર જનમ્યો.સાહિરનું મૂળ નામ ‘અબ્દુલ હઇ’ હતું. તેમનું બાળપણ જમીનદારોના બાળકો જેવું જ લાડ પ્યારમાં વિત્યું.મા બાપ વચ્ચે પહેલેથી મતભેદો તો હતા જ પરંતુ થોડા વર્ષો બાદ મનભેદ થવા લાગ્યા. પિતા એકદમ રુઢીચુસ્ત જમીનદાર જેવા અને માતા વિદ્રોહી સ્વભાવના હોવાથી તેમનું લગ્નજીવન ઝગડાઓનો અખાડો બની ગયું. સાહિરને મા પ્રત્યે અપાર વ્હાલ હતું,પિતા વારંવાર માતા પર ગુસ્સો કરતા હોવાથી તે પિતાને મનોમન નફરત કરવા લાગ્યા તેનું મન કદી પિતાને પિતાનો દરજ્જો ન આપી શક્યુ અને પિતા માત્ર જનાબ ફઝલ દીન બનીને રહી ગયા.ઝગડાઓથી તંગ આવીને સરદારી બેગમે તલાક માંગ્યા, અદાલતનો આશરો પણ લીધો અંતે તલાક મંજુર થયા. પિતાનું ઐયાશ જીવન અને ઘસાતી જતી આર્થિક પરિસ્થિતીને કારણે સાહિરની કસ્ટડી માતાને સોંપવામાં આવી.ફઝલદીને ઘણી દલિલો કરી પરંતુ ૧૦ વર્ષના સાહિરે માતા સાથે રહેવાની ઇચ્છા બતાવી ત્યારે અદાલતે ફેંસલો માતાના હકમાં આપ્યો.

મામાની અર્થિક મદદ લઇને મા દીકરો અલગ રહેવા લાગ્યા. સાહિરનું બાળપણ રમત ગમત અને મસ્તીમાં વિતવા લાગ્યું.ભણતરમાં પણ અવ્વલ રહ્યા.સ્કૂલનાં દિવસોમાં જ તે ગઝલ અને નઝ્મો લખવા લાગ્યા હતા.તેઓ ખાવા-પીવાનાં શોખીન અને દિલદાર હોવાથી તેની આસપાસ મિત્રોની ટોળી હંમેશા રહેતી.૧૯૭૩માં તેમણે લખેલી શાયરી તેમના શિક્ષક ફૈયાઝ હરિયાણવીને ગમી અને તેમણે સાહિરને ઉર્દુ તથા ફારસીનું શિક્ષણ આપ્યું અને કવિતા લખવાનું પ્રોત્સાહન આપ્યું.સાહિર ઇન્કલાબી વિચારોથી પ્રભાવિત હોવાથી તેમની કવિતા સામાન્ય કરતા કંઇક અલગ હતી.સમાજવાદના પુસ્તકો તે રસથી વાંચતા.ઇન્ટર પાસ કરીને તેઓ કોલેજમાં દાખલ થયા અને ત્યાં જ તેમની સાહિત્યિક અને રાજનૈતિક સફરની શરુઆત થઇ. જેમને ત્યાં સાહિત્યકારો અને રાજનેતાઓની અવરજવર રહેતી એવા આગા સાહેબને ત્યાં સાહિર નિયમિત જવા લાગ્યા. આગાસાહેબની સોબતને કારણે સાહિરમાં બગાવતના બી રોપાયા જે તેમની શાયરીમાં આજીવન દેખાયા.ધીમે ધીમે કોમ્યુનિસ્ટ પાર્ટીની ચળવળોમાં, આંદોલનોમાં ભાગ લેવા લાગ્યા.જમીનદારોનો અને સરકારનો ખેડૂતો સાથેનો દુર્વ્યવહાર જોઇ તેમનું લોહી ઉકળી જતું.મજૂરોના જલ્સામાં તેઓ પોતાની તેજાબી નઝ્મોનું પઠન કરતા.માર્કસ્ વાદ અને કોમ્યુનિસ્ટ સાહિત્યનો અભ્યાસ વધવા લાગ્યો અને તેમની કવિતાઓ લાલ રંગે રંગાવા લાગી. આમ જુઓ તો કાવ્ય અને રાજનૈતિક બન્ને પ્રવૃતિઓ એકસાથે ચાલતી હતી.લોકોને ભડકાવનારી કવિતાઓ લખવાના ગુના સબબ તે સરકારની નજરોમાં ગુનેગાર હતા. તેમના પિતા જમીનદાર હોવાની સાથે અંગ્રેજોના તરફદાર હોવાને નાતે તે પુત્રની પ્રવૃતિથી સખત નારાજ હતા.ભણવા સિવાયની પ્રવૃતિઓને કારણે તે પરીક્ષામાં બે વખત ફેઇલ થયા. માતા બધુ જાણતા હતા છતા ચૂપ હતાં.

સાવ નબળી આર્થિક પરિસ્થિતી હોવા છતા સાહિરનું સપનુ તો મોટા શાયર બનવાનું અને મુંબઇમાં નામ કમાવાનું હતું.એને ખબર ન હતી કે આ સપનું કઇ રીતે સાર્થક થશે, બસ એને આ સપનું સાર્થક કરવાની ધૂન હતી. મુંબઇ શબ્દનું એટલી હદે આકર્ષણ હતું કે એક વખત કેન્ટીનમાં ચાપાણી પીવા ગયા ત્યાં મેન્યુકાર્ડમાં ‘મુંબઇ ટ્રેન’નામનું પીણુ હતું તે મંગાવ્યું અને મિત્રોની મજાકનો ભોગ બન્યા.

કોલેજમાં તેમની સાથે એક પોલીટીકલ લીડરની દીકરી ભણતી હતી. મહીંદર ચૌધરી નામની આ શરબતી આંખોવાળી સાધારણ દેખાવની છોકરી પર સાહિરનું દિલ ફિદા થઇ ગયું.બન્નેના દિલના તાર સાથે રણઝણવા લાગ્યા પરંતુ ટી.બી.ની બીમારીને કારણે મહીંદર અકાળે મૃત્યુ પામી.સાહિરની પહેલો પ્રેમ ખામોશ થઇ ગયો અને તમામ સંવેદનાઓ મુરઝાઇ ગઇ. એક અંતહીન ખાલિપો જીવનમાં છવાઇ ગયો. મહીંદરની તસ્વીર સામે બેસીને ગુમસુમ રહેવા લાગ્યા, તેમની ઉદાસીનો પડછાયો તેમની નઝ્મોમાં દેખાવા લાગ્યો.

અંતે દુઃખનું ઓસડ દહાડા એ ન્યાયે સાહિરનાં ઝખ્મોને કળ વળી ન વળી ત્યાં જ પોતાની સાથે કોલેજમાં ભણતી એક કમસીન કન્યા પર સાહિરના દિલનો કળશ ઢોળાયો. સાહિર તો એની આગળ પાછળ ફરવા લાગ્યા. સતત એની નજરમાં રહેવાની કોશીશ કરવા લાગ્યા. કમનસીબે એ છોકરીએ એના પિતાને ફરિયાદ કરી અને સાહિર એના પિતાની નજરમાં આવી ગયા.તેમણે ઘણી ખરી ખોટી સાંભળાવી કે હવે પછી આવી હરકતો કરીશ તો અંજામ સારો નહી આવે.અલબત સાહિરનો ઇરાદો તો ચાહતનો હતો હેરાનગતિનો હરગીઝ નહી. પણ ખૈર…એ પ્રકરણ ત્યાં જ પુરુ થયું.

લગભગ ૧૯૩૯ની સાલમાં સાહિરના દિલ પર ફરીથી પ્રેમનો હુમલો થયો. ઇશર કૌર નામની એક શીખ છોકરી પર સાહિર દિલ હારી બેઠાં.તે સાહિરની કોલેજમાં ભણતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી.તેની વાત ચીત, દેખાવ, હસવું બોલવું બધું જ સુંદર હતું.શરુઆતની આનાકાની પછી ઇશર કૌર પણ સાહિરને દિલ દઇ બેઠી. તેમના પ્રેમની વાત આગના ધુમાડાની જેમ આખી કોલેજમાં પ્રસરી ગઇ.તેમની ખાનગી મુલાકાતોની માહિતી પ્રીન્સીપાલ સુધી પહોંચી. તેમણે સાહિરને બોલાવીને સમજાવ્યા અને સાહિરે શરમના માર્યા કોલેજ છોડી દીધી જ્યારે ઇશર કૌરે બદનામીને કારણે કોલેજ છોડવી પડી.

સાહિર લાહોર ચાલ્યા ગયા ત્યાં પણ તેમની આંદોલનકારી પ્રવૃતિઓ ચાલુ જ હતી.ત્યાંની કોલેજમાં થી પણ તેમને ખેડૂતો અને મજુરોને ઉશ્કેરનારા લખાણ અને આંદોલનકારી પ્રવૃતિઓને કારણે કાઢી મુકવામાં આવ્યા.આમ પણ હવે સાહિરને ભણતરમાં રસ ન હતો તેમ છતા ૧૯૪૨માં ફરી એક વખત અન્ય કોલેજમાં દાખલ થયા. આર્થિક હાલત સાવ નબળી અને પાંખી હાજરીને કારણે પરીક્ષા આપી શકે તેમ ન હોવાથી તેમણે કાયમ માટે ભણતરને રામ રામ કરી દીધા. આ તરફ ઇશર કૌર સાથે પત્રવ્યવહાર ચાલુ હોવાથી બે હૈયા એકબીજા માટે ઝુરતા હતા પરંતુ સંજોગો સાથ આપતા ન હતા. એક દિવસ ઇશર કૌર માબાપ સામે બળવો કરીને ઘર છોડીને સાહિર પાસે લાહોર આવી ગયા. સાહિર તો અચંબો પામી ગયા શું કરવું તે સુઝતું ન હતું. સાહિરે ઇશર ને સમજાવ્યા કે અત્યારે હું આપણા બન્નેનો આર્થિક બોજો ઉઠાવી શકવા સક્ષમ નથી, વળી મારી આંદોલનકારી પ્રવૃતિઓને કારણે હું આમ પણ પોલીસની નજરોમાં ગુનેગાર છું. જો તને મારી પાસે રાખી લઉ તો તને ભગાડી મૂકવાના ગુના સબબ મને અંદર કરી દેવામાં આવે.તારું જીવન વેરવિખેર થઇ જાય માટે થોડો સમય આપ મને હું બધું સરખું થાય પછી સામેથી તારો હાથ માંગવા આવીશ. પરંતુ ઇશર કૌર ન માન્યા અને વહેલી સવારે ઘરે જવાને બદલે સીધા મુંબઇ ચાલ્યા ગયા ત્યાં જ કોઇ ઓળખીતા સાથે લગ્ન કરીને સ્થિર થયા.ફરી એકવખત સાહિરનો પ્રેમ નાકામ રહ્યો.ઘણો સમય ઉદાસીમાં કાઢ્યા પછી કલમ હાથમાં લીધી અને કવિતાને દવા બનાવી પોતાનું દર્દ હળવું કરવા લાગ્યા.

૧૯૪૨માં સાહિરની મુલાકાત અમૃતા પ્રીતમ નામની પંજાબી કવયિત્રી સાથે એક મુશાયરા દરમ્યાન થઇ.આમ તો બન્ને એકબીજાની કલમથી વાકેફ હતા પરંતુ પ્રથમ વખત રુબરુ મળવાનું થયું.અમૃતા સાહિરથી ખૂબ પ્રભાવિત થયા ત્યારે સાહિર વિચારે છે કે આ મારા શબ્દો, મારા સંવેદનો અને અભિવ્યક્તિનો જાદૂ હશે બાકી આ શિતળાના ડાઘ વાળો ચહેરો તો કોણ પસંદ કરે ! અમૃતા દેખાવમાં ખૂબ જ આકર્ષક હતા કોઇપણ તેની પાછળ ઘેલું થઇ જાય તો સાહિરની શી વિસાત ! બન્નેની મૈત્રી રંગ લાવવા લાગી બન્ને એકબીજા તરફ આકર્ષાયા અને બન્નેની કલમમાંથી મેઘધનુષી રંગો રેલાવા લાગ્યા.બન્ને એ પોતાની લાગણી બોલીને ક્યારેય વ્યક્ત ન કરી બસ મૌનની ભાષામાં બન્નેનો આત્મા વાતો કરતો હતો.બન્ને એ પત્રો, કવિતાઓ,વાર્તાઓ દ્વારા એકબીજા માટે ખૂબ લખ્યું.

ખિસ્સામાં એક ફદિયું ન હતું પણ સપના તો આકાશને આંબવાના હતા તેથી તેમણે ઉર્દુ સામયિકોમાં કવિતાઓ મોકલવાની શરુ કરી. તેમની કવિતાઓનો જાદૂ એવો હતો કે સાહિત્ય જગતમાં તેની એક ઓળખ બનવા માંડી.સાથે સાથે થોડી આવક પણ ચાલુ થઇ.સમયનું ચક્ર ફરવા લાગ્યું અને સાહિરના નસીબ આડેનું પાંદડુ જરાક ખસ્યું.૧૯૪૩માં ‘પ્રીતલડી’ નામના ઉર્દુ સામયિકના તંત્રીએ સાહિરની કવિતાઓનું પુસ્તક છાપવાની હામી ભરી. સાવ મામુલી કાગળ પર છપાયેલી અને સાવ સસ્તી કિંમતની ‘તલ્ખિયાં’ નામની એ ચોપડી સાહિર માટે બેશકિંમતી ખજાનો હતો. આ પુસ્તકના નામનો અર્થ ભલે ‘કડવાશ’ થતો હતો પણ એના મીઠા ફળ સાહિરને ચાખવા મળ્યા. સાહિત્ય જગતમાં સાહિરની એક અલગ ઓળખ સ્થાપિત થઇ. આ પુસ્તકને ખૂબ પ્રસિદ્ધિ મળી. સાહિરની તેજાબી શાયરી વાંચીને યુવાનો વારી ગયા. સાહિરને ‘નૌ જવાનો કી આવાઝ’ કહીને બિરદાવવામાં આવ્યા કારણકે આ પુસ્તકની કવિતાઓ યુવાનોની નાડ પારખીને લખાયેલી હતી.

આ તરફ અમૃતા સાથેનો લગાવ વધી રહ્યો હતો અને આ તરફ ‘તલ્ખિયાં’ની લોકપ્રિયતાને કારણે સાહિરને અનેક મુશાયરાઓ માટે આમંત્રણ મળવા લગ્યા.મુશાયરાની સફળતાને કારણે પુસ્તક પણ ધૂમ વેચાઇ રહ્યું હતું.સાહિરના જીવનમાં એક ગુલાબી પડાવ આવ્યો હતો. સાહિરના તપતા હૃદય પર એક શીતળ છંટકાવ થઇ રહ્યો હતો. અમૃતાનો પ્રેમ અને કવિતાની સફળતાથી સાહિર ખુબ ખુશ હતા.

૧૯૪૪માં એક મશહુર સામયિકના સંપાદક તરીકે સાહિરને કામ મળ્યું. આ મેગેઝિનમાં સાહિરના લેખો અને કવિતા છપાવાના કારણે તેમની લોકપ્રિયતા વધવા લાગી તે ઉપરાંત સંપાદક હોવાને નાતે જાણીતા કવિઓના પરિચયમાં આવવાનુ થતું રહ્યું.સાહિર ધીમેધીમે પ્રથમ હરોળના સાહિત્યકાર તરીકે ઓળખાવા લાગ્યા. આ ગાળામાં ‘તલ્ખિયાં’માં છપાયેલી તાજમહલ નામની નઝ્મને કારણે સાહિર ખૂબ ચર્ચામાં રહ્યા.આ નઝ્મ ગરીબ, બેરોજગાર,નાકામ,લાચાર,નિરાશ અને પ્રેમના અભાવથી પીડાતા લોકોના દિલનો અવાજ સાબિત થઇ હતી. પરંતુ અમુક જુનવાણી અને રુઢીચુસ્ત વિચારો ધરાવનાર લોકોએ આ નઝ્મના વિરોધમાં ખૂબ હોબાળો મચાવ્યો. એક તરફ આ નઝ્મના ચાહકો અને એક તરફ વિરોધીઓ સામેસામે થઇ ગયા હતા અને સાહિર શાંતિથી આ તમાશો જોઇ રહ્યા હતા. એમણે વિચાર્યુ કે ચાલો આ રીતે પણ પ્રસિદ્ધિ તો મળી રહી છે!

અમૃતા-સાહિરના પ્રેમનો આ સુવર્ણયુગ હતો. એમની મુલાકાતોનો સિલસિલો વધી રહ્યો હતો. સાહિરના ગયા પછી અમૃતા રૂમ બંધ કરીને સહિરની અડધી પીધેલ સિગરેટને ફરી સળગાવીને પીતા.એના ધુમાડામાં સાહિરની છાયાને શોધવાનો પ્રયત્ન કરતા.સાહિર માટે એમણે ‘સુનેહડે’ અર્થાત ‘સંદેશાઓ’ નામનો કાવ્યસંગ્રહ લખ્યો. ‘આખરી ખત’ નામની વાર્તા લખી.અમૃતા પર સાહિરની દિવાનગી એ હદે છવાયેલી હતી કે પોતાની ગર્ભાવસ્થા દરમ્યાન એમણે સાહિર જેવું સંતાન મેળવા માટે સતત સાહિરનું ચિંતન મનન કર્યુ અને ઇશ્વરે જાણે ચમત્કાર કર્યો હોય એમ દીકરો નવરોઝ અદ્દલ સાહિરની શક્લ સુરત સાથે જનમ્યો.અને અમૃતાને પોતે ઇશ્વર હોવાનો અહેસાસ થઇ આવ્યો એમણે વિચાર્યુ મારી ગમતી દુનિયાનું મે જાતે સર્જન કર્યુ છે.અલબત નવરોઝનો ચહેરો પોતાના જેવો જ છે એ જાણ્યા પછી સાહિર હસીને બોલ્યા હતા ’પૂઅર ચોઇસ’

૧૯૪૬માં સાહિરને ફરી મુંબઇ સાદ પાડવા લાગ્યું. ફિલ્મી ગીતો લખવા માટે કલમ ફરી સળવળી અને તે મુંબઇ ચાલ્યા ગયા.સાહિરને એમ હતું કે મારી આવડી પ્રસિદ્ધિને કારણે, મારા પુસ્તકની સફળતાને કારણે મને ચપટી વગાડતા કામ મળી જશે. પરંતુ દિલ્લી અભી દૂર થી. સાહિરના નસીબમાં પ્રોડ્યુસરોની ઓફીસના ધક્કા જ લખાયેલા હતા. પેટમાં ભુખ, ખિસ્સામાં ખાલિપો અને કલમમાં તલબ દોડતી હતી પરંતુ કિસ્મત હજું સાથ આપવા રાજી ન હતું.આ સમયમાં મુબઇ નસીબ અજમાવવા સાહિરના ઘણા મિત્રો,સંબધીઓ પણ લુધિયાણાથી આવ્યા હતા. એમાં બે બહેનો હતી ખાદિજા અને હાજરા.. બે ચાર મુલાકાત બાદ સાહિર સાહેબ તાત્કાલિક ધોરણે હાજિરાના પ્રેમમાં પડી ગયા.હાજિરા પણ દિલ દઇ બેઠી હોવાથી સાહિરને પોતાના માબાપ સાથે મુલાકાત કરાવવા લઇ ગઇ. માબાપની રાજી ખુશીથી બન્નેની સગાઇ કરવામાં આવી. થોડા સમય બાદ અમુક કારણોસર આ સગાઇ ટૂટી ગઇ અને સાહિર ફરી એકલા પડી ગયા.

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યારે સાહિર મુંબઇ હતા અને એમના માતા લુધિયાણામાં હતા તેથી ભારેલા અગ્નિ જેવા વાતાવરણમાં સહિરને માતાની ચિંતા થવા લગી. તે માતા પાસે પહોંચવા ઉતાવળા થયા.અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ દિલ્લી પહોંચી શકાયું. થોડા દિવસ પછી સમાચાર મળ્યા કે મિત્રોની મદદથી માતા સહીસલામત લાહોર પહોંચી ગયા છે.પોતે પણ અથડાતા કૂટાતા લાહોર પહોંચ્યા પરંતુ મુશ્કેલીઓએ હજુ પીછો છોડ્યો ન હતો. ત્યાં તેમણે સાવ બિસ્માર હાલતમાં પડેલા મકાનમાં નિરાશ્રિતોની જેમ રહેવું પડ્યું.ખિસ્સા હજુ યે ખાલી જ હતા.અમુક વખત તો આખો દિવસ માત્ર સિગરેટ પીને જ ચલાવી લેવું પડતું હતું. ઇશ્વરને દયા આવી હોય તેમ એક મેગેઝિનના સંપાદક તરીકે કામ મળ્યું અને ઘર ચાલવા લાગ્યું. મુંબઇનું સપનુ હજુ યે લીલુછમ હતું.

૧૯૪૮માં સાહિર એ સપનાને સાચુ કરવા ફરી મુંબઇ આવી ગયા પરંતુ ભાગલા પછીની ડહોળાયેલી સ્થિતિમાં લેખકો અને કવિઓની બજારમાં મંદી હતી.માતાના ઘરેણા વેંચીને તેમણે ગુજરાન ચલાવ્યુ પરંતુ મુંબઇ છોડ્યુ નહી.સ્ટુડિયોના ધક્કા ખાવા એ તેમની રોજનીશીમાં લખાઇ ગયું હતું. ડાઇરેક્ટરો અને પ્રોડ્યુસરોની ઓફીસ એ સાહિર માટે મક્કા મદિનાની યાત્રા સમાન બની ગઇ હતી. બધા તેમની કલાના, શાયરીના આશિક હતા પરંતુ ફિલ્મી ગીતો લખવા એ સાહિરનું કામ નથી તેવું માનતા હતા. સાહિરની તેજબી નઝ્મો અને અઘરી ઉર્દુ રચનાઓને કારણે ફિલ્મી જગતમાં આવી છાપ પડી હતી.સારો શાયર સારા ફિલ્મી ગીતો ન લખી શકે તો ફિલ્મ ફ્લોપ જવાનો ભય રહે અને આવુ જોખમ કોણ ખેડે?

ભલે સફળતા તેમનાથી દૂર હતી તોયે હિંમત હાર્યા વગર સાહિર લખતા રહ્યા.સાહિરે લખેલા ફિલ્મી ગીતો અન્ય ગીતકાર ખરીદીને પોતાના નામે ફિલ્મોમાં આપવા લાગ્યા. સાહિરને આવા ગીતો લખવા માટે એક ગીતના ૫૦૦ રુપિયા મળતા હતા જે સાહિર માટે બહુ જરુરી હતા.મુંબઇ આવ્યાને દોઢ વર્ષ થવા આવ્યું હતું પરંતુ મંઝિલ હજું દૂર હતી.આ કપરા કાળમાં તેમની માતાએ સાહિરને ખૂબ સહકાર અને હૂંફ આપી છે,માતાનો સાથ ન હોત તો સાહિર ભાંગી પડ્યા હોત. આખરે ઇશ્વરે તેમની આરઝૂ સાંભળી અને ‘નૌજવાન’ ફિલ્મ માટે તેમને ગીતો લખવાનો ચાન્સ મળ્યો. ધીમે ધીમે એમના ગીતો લોકપ્રિય થવા લાગ્યા તેથી અન્ય ફિલ્મો માટે કામ મળવા લાગ્યું.સાહિરના ગીતો એક અલગ મિજાજ લઇને આવ્યા હતા જે લોકો માટે સાવ નવતર જ હતા. એક પછી એક ફિલ્મો હીટ જવા લાગી અને સાહિરની ગાડી પૂરપાટ દોડવા લાગી. સાહિરનો સિતારો કિસ્મતના આસમાનમાં બરાબર ચમકી ગયો. ચારેબાજુથી પ્રસંશાના ફૂલો વરસવા લાગ્યા અનેક મુશાયરા માટે આમંત્રણ મળવા લાગ્યા.જ્યાં પહોંચવાનું સાહિરે નાનપણથી સપનું જોયુ હતું તે જગ્યા પર સાહિર પહોંચી ગયા હતા.

હવે આકાશ આખુ સાહિરની મુઠ્ઠીમાં હતું. તે મુંબઇ અને ફિલમ ઇન્ડસ્ટ્રીને બરાબર ઓળખી ગયા હતા. તેમનું સજ્જડપણે માનવું હતું કે મુંબઇ એક મોટુ બજાર છે. અહીંયા દરેક વસ્તુ પોતાની કિંમત ધરાવે છે. વસ્તુ હોય કે કલા બધુ જ અહીંયા વેચાય છે.બસ..તમારે કાબેલ સેલ્સમેન બનવું પડે છે. તમારો સિક્કો તમારે જ ચલાવવો પડે છે.અપાર સંઘર્ષ અને મહેનતના પરિપાક રુપે મળેલી સફળતા સાહિરને એ જગ્યા પર લઇ ગઇ જ્યાં ખુદ્દારી અને અભિમાન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા રહી જવા પામી હતી.

સફળાતાના અ દૌરમાં સાહિરની અંદર એક સાથે બે સાહિર શ્વસી રહ્યા હતા, એક કે જે સફળાતાના નશાને માણી રહ્યો હતો અને બીજો કે જે નિતાંત એકલતાથી પીડાતો શરાબ અને સિગરેટની સોબતમાં સુખ શોધી રહ્યો હતો. આ સમયગાળા દરમ્યાન સાહિરની મુલાકાત નવીસવી ગાયિકા સુધા મલ્હોત્રા સાથે થઇ.પોતાની ઓળખાણથી સાહિરે સુધાને ફિલ્મોમાં કામ અપાવ્યું.સુધાની ગાયકી અને નસીબની યારીને કારણે સુધા સફળ થવા લાગ્યા. બન્ને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા પરંતુ સાહિર પોતાના સ્વભાવ મુજબ પોતાની લાગણીઓ સ્પષ્ટ જાહેર ન કરી શક્યા અને આ સંબંધ પણ અકાળે મુરઝાઇ ગયો. નિયતિએ કદાચ સાહિરના નસીબમાં એકલતા લખી રાખી હતી. સુધા કોઇ અન્ય સાથે પરણી ગઇ સાહિર ભાંગી પડ્યા. એક પાર્ટીમાં નવીનવેલી દુલ્હન સુધાને જોઇને સાહિરે નઝ્મ લખી ‘ચલો એકબાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો’

સાહિરે પોતાના જીવનકાળ દરમ્યાન લગભગ ૨૦૦ ફિલ્મી ગીતો લખ્યા. તેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા. ‘તલ્ખિયાં ‘ , ગાતા જાયે બનજારા’ ,’ આઓ કોઇ ખ્વાબ બુને’. તેમને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા. તેમને દેશનો સન્માનીય ખિતાબ ‘પદ્મશ્રી’ પણ મળ્યો.

૧૯૬૦નો એ સમય જ્યારે સફળતા સાહિરના પગ ચુમતી હતી ત્યારે ચાહકોનાં હજારો પત્રો સાહિર માટે આવતા. એવા જ કોઇ પત્ર હાથમાં લેવા જતા અંદરથી એક બેહદ ખુબસુરત છોકરીનો ફોટો જોઇ સાહિર મોહી પડ્યા. પેલા પત્રનો જવાબ આપ્યો અને પત્રોનો સિલસિલો શરુ થયો. બન્નેવચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો.એ સ્ત્રી પરણેલી હતી, એક બાળકની માતા હતી. તે પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જીવન જીવી રહી હતી પરંતુ સાહિરના પ્રેમને કારણે બધુ છોડીને સાહિરને પરણવા તૈયાર થઇ ગઇ. ખુદ એ સ્ત્રીનો પતિ જ પત્નિની ખુશી માટે આ લગ્ન માટે રાજી થયો હતો. કાજીને બોલાવવા પણ તે જ ગયો. નસીબજોગે કાજી સાહેબ બહારગામ હોવાથી એ દિવસે શાદી ન થઇ શકી અને પછી ક્યારેય ન થઇ શકી..સાહિરનો વધુ એક પ્રેમ નાકામ બન્યો અને સાહિર ફરી એકલા પડ્યા.

સફળતાના આ સમયમાં સાહિરે પોતાની કિંમતે ગીતો લખવાના શરુ કર્યા. સંગીતકાર કરતા ૨૦૦૦૦ રુપિયા વધુ લઇને લખવાની શર્તો મુકવા લાગ્યા.આકાશવાણી પર વાગતા ગીતોમાં ગાયક અને સંગીતકારની સાથે ગીતકારનું નામ પણ શામેલ કરાવ્યું.સંગીત કંપનીઓ પાસેથી રોયલ્ટી લેવા લાગ્યા.પોતાના લખેલા ગીતમાં ક્યાંય પણ એક અક્ષરનો ફેરફાર પણ તે કરવાનો ઇન્કાર કરી દેતા. લોકોને આ બધુ અભિમાનનો અતિરેક હોય તેવું લાગતું પરંતુ સફળ માણસના કદમ ચુમવા ભીડ લાગતી હોય છે. જો કે સાહિર મિત્રોની બાબતમાં બહુ જ દિલદાર રહ્યા છે. ઓળખીતા અને જરુરિયાત વાળા લોકોને તેમણે ઉદાર દિલે તન-મન-ધનથી મદદ કરી છે.પોતાના ખિસ્સા ખાલી કરીને પણ તે અન્યને મદદ કરતા. તેના ઘરના અને દિલના દરવાજા બધા માટે હમેંશા ખુલ્લા રહેતા.જેટલા સારા ગીતકાર હતા એટલા જ સારા માણસ પણ હતા.

આ ચમક દમક લગલગાટ એક દાયકો ચાલ્યો. ધીમે ધીમે સાહિરનો સિતારો નબળો પડવા લાગ્યો. શરાબ અને સિગરેટના સેવનને કારણે હૃદયરોગનો હુમલો આવી ગયો. ૩૧ જુલાઇ ૧૯૭૬ના ગોઝારા દિવસે સાહિરની એકમાત્ર કરીબી સ્ત્રી એની માતા સરદારી બેગમ અલ્લાહને પ્યારી થઇ ગઇ. આ ઘટનાનો સાહિરને બહુ મોટો ધક્કો લાગ્યો. તે સાવ ભાંગી પડ્યા. આ આઘાતને કારણે તેનું હૃદય સાવ નબળુ પડી ગયુ. ડોકટરે શરાબની મનાઇ ફરમાવી દીધી. અને સાહિર માટે જીવવું જાણે મુશ્કેલ થઇ ગયું. ‘પરછાઇ’ નામના આલિશાન બંગલામાં સાહિર પોતાની એકમાત્ર આજીવન વફાદાર રહેનારી એકલતા સાથે જીવવા લાગ્યા. કલમ અને આંગળીનો સાથ છુટી ગયો હતો. આસપાસ માખીઓની જેમ વળગેલા રહેતા મિત્રો ક્યાંક ગાયબ થઇ ગયા હતા. સાહિરનો સ્વભાવ ચિડીયો થવા લાગ્યો અને બધા જ તેનાથી દૂર જવા લાગ્યા.સાહિર સાવ એકલા અટૂલા માતાની યાદમા અને સિગરેટના સાથમાં જલતા રહ્યા. સફળતાની ચકાચૌંધ આખરે એકલતાના અંધારામાં ડૂબવા લાગી.

૨૫ ઓક્ટોબર ૧૯૮૦ની એક સાંજે તે પોતાના ડોકટર મિત્રની તબિયત જોવા તેમના ઘરે ગયા. બન્ને એ ખૂબ વાતો કરી પણ મન ભારે હતું એટલે હળવા થવા શતરંજની રમત રમવા બેઠા.રમત હજુ અધુરી હતી અને સાહિર પર અચાનક હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો. જીવનની ચોપાટ પરની બાજી સંકેલીને સાહિર નામનો ખેલાડી ઉઠવા લાગ્યો જતા જતા ડોકટરને કહેવા લાગ્યો

‘ડોકટર કપૂર….મારે મરવું નથી

ચહેરા પર ભલે શિતળાના ડાઘ છે…તો પણ જીંદગી ખુબસુરત છે ડોકટર’

અંતે સાહિરનો ઇલાજ કરનારા ડોકટરની હાજરીમાં જ સાહિર આ ફાની જગતને અલવિદા કહી ચાલી નીકળ્યા.

---પારુલ ખખ્ખર