The Tetu - 2 in Gujarati Short Stories by Prashant Seta books and stories PDF | ધ ટેટૂ - ભાગ ૨

Featured Books
Categories
Share

ધ ટેટૂ - ભાગ ૨

ધ ટેટૂ

ભાગ – ૨

પ્રશાંત સેતા

ધ ટેટૂ – ભાગ ૨

(આ વાર્તા O. Henry ની ‘After Twenty Years’ નામની ઇંગ્લીશ ટુંકીવાર્તા પર પ્રેરીત છે)

અમોલ મિશ્રાની ધરપકડ થયાની એક કલાક પછી રાત્રે સાડા અગિયાર વાગ્યે એને જેલમાં મળવા એક માણસ ગયો હતો. જેલનાં વિઝિટર્સ રજીસ્ટરમાં પોતાનું નામ નિશિકાંત શર્મા લખાવ્યું અને પોલીસ અધિકારીઓને પોતાની ઓળખાણ સરકારી વકીલ તરીકે આપી હતી. ખાલી હાથ આવેલો એ માણસ મોઢા પરથી વકીલ લાગતો ન હતો, પરંતુ અમોલ મિશ્રાને મળવા દેવાનાં આદેશ હતા. અપુરતી નિંદરને લીધે નિશિકાંતની આંખો લાલચોળ હોય એવું દેખાતું હતું, ઘસાઇ ગયેલો શારીરિક બાંધો હતો, લાંબી દાઢી અને વાળ લાંબા હતા. થાકેલો અને કંટાળી ગયેલો નિશિકાંત પોતાની ઉમર કરતા દસ વર્ષ મોટો લાગતો હતો. ફોર્મલ પેન્ટ-શર્ટ અને ઉપર પહેરલા કાળા ઘસાઇ ગયેલા કોટ પહેરેલો માણસ શંકા ઉપજાવતો હતો.

નિશિકાંત વિઝિટર્સ રૂમમાં બેઠો એટલામાં અમોલ મિશ્રાને લઇ આવવામાં આવ્યો. નિશિકાંતને જોઇને અમોલ મિશ્રા ખુબ ખુશ થઇ ગયો અને ભેટી પડ્યો જાણે એને વર્ષોથી ઓળખતો હોય. અને આકસ્મિક બાબત હતી કે અમોલ મિશ્રા કહી રહ્યો હતો કે એ તેના મિત્રને મળવા કેપટાઉનથી મુંબઇ આવ્યો હતો એ મિત્ર નિશિકાંત જ હતો.

નિશિકાંત શાંત હતો. અમોલનાં ભેટવામાંથી છુટ્ટો પડ્યા પછી એ રૂમમાં અમોલની સામેનાં બાકળા પર બેઠો, વચમાં ગોઠણ સુધીનું ટેબલ હતું. પછી નિશિકાંતે કોટ ઉતાર્યો અને બાજુ પર રાખ્યો. પોતાનાં શર્ટનાં જમણા હાથની બાંય ઉપર ચડાવી પોતાનું ટેટૂ અમોલને બતાવ્યું, મસ્જિદનું ટેટૂ હતુ. અમોલને એનું ટેટૂ બતાવવા કહ્યું. અમોલે પોતાનું કૃષ્ણ ભગવાનનું ટેટૂ બતાવ્યુ. એ ટેટૂ જોતાં જ નિશિકાંતને ખાતરી થઇ ગઇ કે અમોલ જ ફૈઝલ હતો, એનો બાળપણનો ખાસ મિત્ર. નિશિકાંત બીજો કોઇ નહી પણ દેવેન્દ્ર હતો. પોતાનો વેશ બદલીને ફૈઝલને મળવા આવ્યો હતો. એ દિવસે ૧૩ જુન, ૨૦૦૫ હતી, બંનેનો બત્રીસમો જન્મ દિવસ. આ દિવસની જ દેવેન્દ્ર આતુરતાથી રાહ જોતો હતો.

‘તુ ફૈઝલ છે ને?’, દેવેન્દ્રએ પુછ્યું

‘હા, દોસ્ત?’, ફૈઝલે જવાબ આપ્યો, ‘હું ફૈઝલ જ છું. તારો બાળપણનો મિત્ર’

દસ વર્ષ પહેલા આપેલા વચન મુજબ ફૈઝલ દેવેન્દ્રને મળવા જ મુંબઇ આવ્યો હતો. અડધી કલાકથી મરાઠા મંદિર થિયેટર પર એની રાહ જોઇ રહ્યો હતો, દેવેન્દ્ર તો ન આવ્યો પણ પોલીસનાં હાથમાં આવી ગયો હતો. અને બીજી બાજુ, જ્યારે ફૈઝલની મોતનાં સમાચાર મળ્યા હતા ત્યારે દેવેન્દ્રને ગળા સુધી વિશ્વાસ હતો કે ફૈઝલ આટલી આસાનીથી મરી શકે એમ ન હતો. જરૂર કોઇ રહસ્ય હતું અને એની શંકા સાચી નીકળી હતી.

દેવેન્દ્રની સામે એ માણસ બેઠો હતો જેણે છેલ્લા દસ વર્ષમાં એની જિંદગીની કાયા પલટ કરી નાખી હતી, મહત્વકાંક્ષી દેવેન્દ્રની કારકિર્દી પર પાણી ફરી ગયું હતુ અને પોલીસથી બચીને પોતાની ઓળખાણ છુપાવીને જીવતો હતો, તેની જિંદગી સંપુર્ણપણે બરબાદ થઇ ગઇ હતી. એ દિવસે પણ દેવેન્દ્રને ખુબ જ અફસોસ હતો કે તેનો મિત્ર એક દેશદ્રોહી હતો.

‘અરે યાર, મને એક વાત ન સમજાઇ કે દસ વર્ષમાં માણસનો ચહેરો કેવી રીતે બદલાઇ જાય?’ દેવેન્દ્રએ પુછ્યુ, ‘...તુ મારા મિત્ર ફૈઝલ જેવો જરા પણ નથી દેખાતો...’ દેવેન્દ્રએ પુછ્યું

‘હું તારો મિત્ર ફૈઝલ જ છું. પોલીસ અને હરીફોથી બચવા માટે ચહેરાની પ્લાસ્ટીક સર્જરી કરાવી નાખી છે. હવે અમોલ મિશ્રા નામની નવી ઓળખથી કેપટાઉનમાં રહું છું. અને દોસ્ત, ત્યાં મારો મોટો બંગલો છે, ગાડીઓ છે અને અઢળક પૈસો છે... આજે આપણો બત્રીસમો જન્મદિવસ છે. અને આપણે નક્કી કર્યું હતુ ને કે આજના દિવસે આપણે ભવિષ્યને આકાર આપશુ...’ ફૈઝલે કહ્યુ

ફૈઝલનો ચહેરો તો પ્લાસ્ટીક સર્જરીથી બદલાઇ ગયો હતો પરંતુ ટેટૂ તો રહી જ ગયુ હતું અને એ ટેટૂ જ એની ધરપકડનું મુખ્ય કારણ બન્યુ હતું. આમ પણ ચહેરો બદલાઇ જવાથી કરેલા કર્મો તો ભુંસાઇ નથી જતા.

ફૈઝલ દસ વર્ષ પછી એના ખાસ મિત્રને મળ્યો હતો, ખુબ વાતો કરવી હતી. ફૈઝલે એની અંડરવર્લ્ડ સાથેની મુસાફરીની શરૂઆત કેવી રીતે થઇ એની વાત કરી. શરૂઆતમાં દુબઇની પ્રાઇવેટ કંપનીનાં કામ માટે એક શેખને મળ્યો હતો. એ શેખે ફૈઝલની મુલાકાત અંડરવર્લ્ડ ડોનનાં માણસ સાથે કરાવી હતી. એ લોકોનો વૈભવ વિલાસ જોઇને ફૈઝલને પણ ચસકો લાગ્યો હતો અને આખરે એને જ મકસદ બનાવ્યું હતું. સાધારણ નોકરી છોડી ગુન્હાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો. અને બાકીનો તો ઇતિહાસ છે.

પછી પોતે કરેલા બધા ગેરકાયદેસર ધંધાઓ વિશે વાતો કરી જેવા કે ભારતીય લશ્કર માટે મોકલવામાં આવતા હથિયારોની તસ્કરી, હિરાઓની તસ્કરી, એણે કરાવેલા અપહરણો તેમજ ગેરવસૂલી તેમજ ફેલાવવામાં આવતા આતંકવાદ વિશે વાતો કરી. તેના ઘણાખરા અંડરવર્લ્ડનાં રહસ્યો તેના ખાસ મિત્ર સમક્ષ રજુ કરી દિધા. આ બધુ કહેતા પહેલા અમોલે એકવાર પણ દેવેન્દ્રને પુછ્યું ન હતુ કે એ શું કરતો હતો? પાછલા દસ વર્ષમાં એણે શું કર્યુ હતું?

દેવેન્દ્ર શાંત હતો. ફૈઝલને અંદાજો પણ ન હતો કે દસ વર્ષમાં દેવેન્દ્ર સાથે કેટલું થઇ ગયું હતું.

‘...અને તારું મર્ડર?’, દેવેન્દ્રએ પુછ્યું

પછી ફૈઝલે પોતાનાં બનાવટી હત્યા વિશે ખુલાશો કર્યો. પોતાનાં જેવા દેખાતાં માણસની એણે હત્યા કરાવી હતી. પછી સમાચાર ફેલાવ્યા હતા કે ફૈઝલ મરાઇ ગયો અને પોતાનાં પાવર અને પૈસાનાં જોરથી ડેડબોડીને સાચો ફૈઝલ સાબિત કરીને એ ડેડબોડી ભારત મોકલી આપી હતી. કાંઇ કસર નહી છોડતા ડેડબોડીનાં જમણા હાથની કોણી નીચે ટેટૂ પણ કરાવી નાખ્યું હતું. જેથી કરી લોકોને તેમજ સરકારને વિશ્વાસ બેસે કે ફૈઝલ સાચે મરાઇ ગયો હતો. ઉપરાંત, તેનો ખાસ મકસદ ખુફિયા એજન્સીઓ તેમજ એના ખરાબ ઇરાદાવાળા હરીફો તેનો પીછો કરવાનું બંધ કરે એ હતો કે જે સર થઇ ગયો હતો! પોતાની હત્યા પ્લાન કરી અંડરવર્લ્ડમાંથી પણ પલાયન થઇ ગયો હતો. હવે એ આતંકવાદી ન હતો. પૈસા કમાવવાનો મકસદ હતો એ હવે સર થઇ ગયો હતો. ઓફિસીયલ રેકોર્ડ પ્રમાણે હવે તે કેપટાઉનમાં કોઇ પ્રાઇવેટ કંપનીમાં અમોલ મિશ્રા તરીકે નોકરી કરતો હતો. બે વર્ષ પહેલા જ દુબઇ થી કેપટાઉન અમોલ મિશ્રાનાં નામથી સેટ થઇ ગયો હતો

‘ફૈઝલ, તે આવું કેમ કર્યુ? તું એક આતંકવાદી બની ગયો?’, દેવેન્દ્રએ નિરશાથી પુછ્યુ અને ઉમેર્યુ, ‘....જો મને ખબર હોત તો મેં તને વિદેશ જવા માટેની પરવાનગી જ ન આપી હોત. તું તો ત્યાં ઇમાનદારીથી પૈસા કમાવવા માટે ગયો હતો ને? તો પછી આ રસ્તો કેમ પસંદ કર્યો?’

ફૈઝલ ચુપ થઇ ગયો. એનું બ્રેઇનવોશ થઇ ગયેલું હતું. એણે જે કર્યુ એનો પસ્તાવો સુદ્ધાં ન હતો. ઉલટાં, કોઇ સિધ્ધિ હાંસલ કરી હોય એમ દેવેન્દ્રને પોતાએ કરેલા ગુન્હાઓ વિશે જણાવી રહ્યો હતો. અતિ ની ક્યારેય ગતિ નથી એમ એની દરેક વાતનો એક જ સાર હતો કે એ ખુબ જ પૈસા કમાવવા માંગતો હતો અને પ્રમાણિકતાથી પૈસા કમાવવાની ધીરજ એનામાં ખુટી ગઇ હતી.

‘હાં... હું એક આતંકવાદી બની ગયો હતો... મારે ખુબ પૈસા કમાવવા હતા...’, ફૈઝલે અભિમાનથી કહ્યુ અને ઉમેર્યુ, ‘…પણ હવે હું આતંકવાદી નથી..’

‘ફૈઝલ, પૈસા તો તુ આમ પણ કમાઇ શકતો હતો... તુ બહુ કાબેલ માણસ હતો... તો પછી?’, દેવેન્દ્રએ પુછ્યું

‘હું અઢળક પૈસા કમાવવા માંગતો હતો...અને કાબેલિયતથી અઢળક સંપત્તિ ન બની શકે, દોસ્ત’, ફૈઝલે જવાબ આપ્યો, ‘...અને મેં આ બધુ આપણા બંનેનાં ભવિષ્ય માટે કર્યુ છે’

“આપણા ભવિષ્ય માટે?”, દેવેન્દ્રએ ફૈઝલની સામે ઘૃણાથી જોયુ.

‘પણ, તને ખબર હતી ને કે તું બધું ખોટું કરી રહ્યો છે? અને આપણે એક બીજાને વચન આપ્યુ હતું કે ક્યારેય કાંઇ ખોટું નહી કરીયે... કોઇ પણ ખોટા માર્ગ પર નહી ચાલીએ...‘, દેવેન્દ્રએ વચન યાદ કરાવ્યુ

‘વચન તો આપણે આજે દસ વાગ્યે મરાઠા મંદિર થિયેટર પર મળવા આવવાનું પણ આપેલું... તે ક્યાં પાળ્યુ?’, ફૈઝલે કહ્યું અને ઉમેર્યું, ‘...જો તું વચન મુજબ દસ વાગ્યે આવી ગયો હોત તો આપણે અહીંયા ન હોત...પણ, મરીન ડ્રાઇવ પર બેસી વાતો કરતા હોત...’

‘તને કેમ એવું લાગે છે કે વચન નિભાવવા માટે હું આવ્યો ન હતો. પ્રાપ્ત માહિતી મુજબ તું મરી ગયો હતો છતાંય મારૂ વચન નિભાવવા હું દસ વાગ્યે નક્કી કરેલી જગ્યાએ પહોચ્યો હતો. મને ખાતરી હતી જ કે તું જીવતો હશે અને મને મળવા જરૂર આવીશ...’, દેવેન્દ્રએ ખુલાશો કર્યો

‘તું દસ વાગ્યે આવ્યો હતો?’, ફૈઝલે અધિરાઇથી પુછ્યું. ‘...અને આવ્યો હતો તો પછી મને મળ્યો કેમ નહી?’

દેવેન્દ્ર ચુપ રહ્યો.

‘તો પછી મને મળ્યો કેમ નહી?’, ફૈઝલે થોડું જોરથી પુછ્યુ

દેવેન્દ્રએ કાંઇ જવાબ ન આપ્યો

‘દેવેન્દ્ર, મને મળ્યો કેમ નહી?’, હવે ફૈઝલે ગુસ્સામાં પુછ્યું, ‘...તારા લીધે હું અહીંયા ફસાઇ ગયો...’

‘હું તને ન મળ્યો કારણ કે તારા કરતા મને મારો દેશ વધુ વહાલો છે...’ દેવેન્દ્રએ કહ્યુ ‘તારી જેમ દેશદ્રોહી નથી’

‘એટલે?’, ફૈઝલે આશ્ચર્યથી પુછ્યુ

‘એટલે એમ કે પોલીસને તારી જાણકારી આપવાવાળો હું જ હતો...’, દેવેન્દ્રએ ખુલાસો કરતા કહ્યું.

‘તે મને ફસાવી દીધો’, ફૈઝલે આક્રોશમાં કહ્યુ

‘મેં મારુ કામ કર્યુ, મારી ફરજ બજાવી... મારા દેશની સેવા કરી...’, દેવેન્દ્રએ જવાબ આપ્યો

‘એટલે?’, ફૈઝલે મુંઝવણથી પુછ્યુ, ‘…તું શું કરે છે? હું તો તને પુછતા જ ભુલી ગયો કે છેલ્લા દસ વર્ષથી તું શુ કરતો હતો? આર યુ અ કોપ? (તુ પોલીસ છે?)’

‘નહી, હું પોલીસ નથી. પોલીસથી પણ ઉપર છું...’, દેવેન્દ્રએ કહ્યું ‘તને શું લાગે છે સામાન્ય માણસને તને મળવાની પરવાનગી મળી શકે?’

‘ગોળ – ગોળ વાતો ન કર અને મુદ્દાની વાત કહે...’, ફૈઝલે અકળાતા કહ્યુ

‘હું ભારતની ખુફિયા એજન્સીનો એક એજંટ છુ. તને પકડવાનું મિશન મને સોપવામાં આવેલું હતું’, દેવેન્દ્રએ ઘટસ્ફોટ કરતા કહ્યું.

ફૈઝલ ચોંકી ગયો. એનુ મોંઢુ આશ્ચર્યથી ખુલ્લુ જ રહી ગયુ. લંગોટિયા મિત્રને લાંબા સમય પછી મળવાનાં ઉત્સાહમાં પોતાની બધી ગુન્હાખોરીની માહિતીઓ એક એજન્ટને આપી દિધી હતી.

આમ છતાંય ફૈઝલને કોઇ અફસોસ ન હતો કારણ કે દેવેન્દ્ર તેનો ખાસ મિત્ર હતો. તેને ભરોસો હતો કે દેવેન્દ્ર તેની સાથે કાંઇ ખોટુ નહી કરે!

‘…હું મળવા આવ્યો હતો. તારૂ ટેટૂ જોઇને પાછો જતો રહ્યો હતો...’, દેવેન્દ્રએ કહ્યું, ‘...જો હું ઇચ્છતો હોત તો તને ત્યાં જ ગોળી મારી શકતો હતો... મારી પાસે તને જોતા જ ગોળી મારી દેવાનાં ઓર્ડર્સ પણ છે (શુટ ઓન સાઇટ) પણ મારામાં તને મારવાની હિમ્મત નથી. એટલે પોલીસને તારી ખબર આપી દીધી. દસ વર્ષ પહેલા એકબીજાને આપેલા વચન મુજબ એક બીજાની ભુલ માફ કરી આગળ વધવાનું છે. હું તને માફ કરી દઇ તને સુધરવાનો એક મોકો આપવા માંગુ છુ...’, દેવેન્દ્રએ કહ્યુ

‘તે દગો કર્યો...’, ફૈઝલે ઊભો થઇ ગુસ્સાથી દેવેન્દ્રનો કોલર પકડી લીધો

‘મેં દગો કર્યો? મેં?’, દેવેન્દ્રએ ઝટકો મારી પોતાનો કોલર છોડાવ્યો અને ફૈઝલનો કોલર પકડી લીધો, ‘દગો તો તે કર્યો આપણું વચન તોડીને, દગો તે કર્યો આપણા દેશ સાથે. તુ એક પ્રમાણિક માણસ રહીને પૈસા કમાવવા માટે ગયો હતો. તું તારા કર્તવ્યને ભુલીને હળાહળ અનૈતિકતાથી ભરેલા લોકો સાથે મળી ગયો અને આપણા દેશ સાથે ગદ્દારી કરી. તારા કરેલા બોમ્બ બ્લાસ્ટને લીધે કેટલા લોકો મરી ગયા છે એ જાણે છે તું? કેટલા લોકોના પરીવારો ઊજળી ગયા એ વાત નું ભાન છે તને...?’ દેવેન્દ્ર બોલતા અટકી ગયો હતો, ‘...અને તું કહે છે મેં તારી સાથે દગો કર્યો?’

દેવેન્દ્રએ નિરાશાથી ફરી ગયો અને ફૈઝલ બોલવા માટે શબ્દો શોધી રહ્યો હતો.

‘યાર જે થયું તે... દુનિયાદારી છોડ અને મારી વાત સાંભળ... હવે તારે કોઇ એજન્ટ તરીકે કામ કરવાની જરૂર નહી રહે... તારા પરિવારમાં પણ કોઇને કમાવવાની જરૂર નહી રહે... બહુ પૈસા છે મારી પાસે... આપણું ભવિષ્ય ઊજળુ છે હવે... ’, ફૈઝલે એક લાલચ આપતા કહ્યુ

ફૈઝલે પોતાના પરિવારને તો બહુ સમય પહેલા જ બહાર સેટ કરી દીધો હતો

‘મારે હવે ઊજળા ભવિષ્યનું શું કરવું... અને મારો પરિવાર...’, દેવેન્દ્ર બોલતા અટકી ગયો

‘શું થયું? દોસ્ત...’ ફૈઝલે ગંભીરતાથી પુછ્યું

‘તારા કરેલા બોમ્બ બ્લાસ્ટમાં મારો આખો પરિવાર પણ નાબુદ થઇ ગયો છે, મારા માં-બાપ, ભાઇ- બહેન, પત્ની અને એના પેટમાં રહેલુ બાળક તારી સળગાવેલી આગમાં બળી ગયા...’, દેવેન્દ્ર બોલ્યો અને ભાંગી પડ્યો.

‘ઓહ... આઇ એમ સો સોરી, દેવેન્દ્ર...’, ફૈઝલે કહ્યુ, પણ એ દેવેન્દ્રની આંખોમાં જોઇ ન શક્યો

‘હું વિતિ ગયેલો સમય તો હું પાછો નહી લાવી શકું... અને હું તારી દુવિધા પણ સમજી શકું છુ’, ફૈઝલે કહ્યુ અને ઉમેર્યું, ‘આજે મારી પાસે ખુબ જ પૈસા છે... તારી જિંદગી એકદમ સેટ થઇ જશે અને મેં પણ હવે ગુન્હાખોરી છોડી દીધી છે... મારો વિશ્વાસ કર... હું વચન આપુ છુ... હવે આપણે નવી શરૂઆત કરીયે...’, ફૈઝલે કહ્યુ

‘મને હવે તારા પર વિશ્વાસ નથી...’, દેવેન્દ્રએ કહ્યુ

‘મને માફ કરી દે, દોસ્ત...’, ફૈઝલે કહ્યુ, ‘...તુ કહે એમ કરવા તૈયાર છુ..’

‘ફૈઝલ, મેં તો તને માફ કરી દીધો છે... હવે સજા તને કાયદો આપશે...’

‘જો દેવેન્દ્ર, મારો કેપટાઉનમાં મારો ખુબ દબદબો છે. તું નવા લગ્ન કર, નવી જિંદગી ચાલુ કર... નવો પરિવાર બનાવ... તુ કહીશ એ દેશમાં હું તને સેટલ કરી દઇશ...’, ફૈઝલે લાલચ આપતા કહ્યું.

‘...મારા માટે આટલુ શું કામ કરે છે?’, દેવેન્દ્રએ પુછ્યુ, ‘..મારી પાસેથી તને અહીંયાથી બચાવવાની આશા રાખે છે?’

‘ના એટલે નહી... મારા લીધે તું પરિવાર વગરનો થઇ ગયો છે તેના પ્રાયશ્ચિત રૂપે કરુ છું. તુ મારો ખાસ મિત્ર છે એટલે...’, ફૈઝલે કહ્યુ

‘મે મારી જિંદગી મારા દેશને સમર્પિત કરેલી છે...’, દેવેન્દ્રએ કહ્યું, ‘...મને હવે જીવવામાં કોઇ રસ નથી...’

ફૈઝલે દેવેન્દ્રને સમજાવવાનાં ખુબ જ પ્રયત્નો કર્યા પણ દેવેન્દ્ર એક ના બે ન થયો, અને થાય પણ શા માટે? દેવેન્દ્રની જિંદગી ફૈઝલના લીધે બરબાદ થઇ ગઇ હતી.

‘સારૂ...’, ફૈઝલે કહ્યું, ‘હું તો તારા ભલા માટે કહેતો હતો. બાકી, બચી તો હું આમ પણ જવાનો જ છુ... મારે બચવા માટે તારા જેવા એજન્ટની મદદની જરૂર નથી...’

‘બચી જવાનો છે એટલે?’, દેવેન્દ્રએ અચરજતાંથી પુછ્યું

‘શું એટલે?’, ફૈઝલે કહ્યું

‘કેમ તુ સ્વીકારવાનો નથી કે તું ફૈઝલ છે?’, દેવેન્દ્રએ આશ્ચર્યથી પુછ્યું, ‘...તું તારા ગુન્હાઓ કબુલ નહી કરે?’

‘હું ફૈઝલ સૈયદ છું જ નહી... હુ ફૈઝલ માત્ર તારા માટે છુ... દુનિયા માટે તો ફૈઝલ મરી ગયો છે એને પણ બે વર્ષ વીતી ચુક્યા છે...’

‘જો ફૈઝલ, મેં તને માફ કરી દિધો છે... હવે, તું સ્વીકારી લે કે તું મોસ્ટ વોન્ટેડ ફૈઝલ છે અને અમોલ મિશ્રાના નામથી રહે છે... જો, હું તારી મદદ કરીશ અને તને હળવી સજા મળે એવું કરીશ. તને ફાંસી નહી થવા દઉં...’ દેવેન્દ્રએ ફૈઝલને સમજાવતા કહ્યુ

‘ના... હું જેલમાં સડવા નથી માંગતો... હું નહી સ્વીકારું... અને હું શા માટે સ્વીકારું કે હું ફૈઝલ છું?, હું ફૈઝલ છું જ નહી તો! હું તો અમોલ મિશ્રા છું...’, ફૈઝલે હસતાં હસતાં કહ્યુ

ફૈઝલની વાત સાંભળીને દેવેન્દ્રને થોડો ઝટકો લાગ્યો હતો.

‘ફૈઝલ, મારી વાત માન...’, દેવેન્દ્રએ નરમાઇથી કહ્યું, ‘તું ફૈઝલ છે. તારા હાથમાં ટેટૂ છે...’

‘માત્ર આ ટેટૂનાં આધારે સાબિત ન થાય. મને ફૈઝલ સાબિત કરવા માટે સચોટ પુરાવા જોઇએ...’, ફૈઝલે કહ્યુ અને ઉમેર્યું, ‘... તું સાબિત કરી બતાવ કે હું ફૈઝલ છું...’

ફૈઝલ કાયદા પ્રમાણે પુરાવાઓ ભેગા કરવાની માંગણી કરી રહ્યો હતો. અને આમ જોવા જઇએ તો કાયદાકીય સિસ્ટમમાં જ્યાં સુધી સચોટ પુરાવા ન હોય ત્યાં સુધી ગુન્હો સાબિત ન થાય. ખુંખાર અપરાધીઓ પુરવાનાં અભાવે છુટી જતા હોય છે. કાયદાકીય રીતે ફૈઝલ છુટી જવાનો હતો એ વાત એકદમચોક્કસ હતી. ઉલટાં, પોલીસ પર માનહાનિનો ગુન્હો દાખલ કરી શકે એમ હતો. હ્યુમન રાઇટ્સ અને મિડીયાવાળા પોલીસની પાછળ પડી જશે, અને જનતા પોલીસની ઠેકડી ઉડાવશે એ અલગ! ફૈઝલ બહુ હોશિયાર હતો એટલે બધું પાક્કુ જ રાખે એ વાત નક્કી હતી. થોડીવાર સુધી દેવેન્દ્રએ ફૈઝલને સમજાવવાની ખુબ જ કોશીષ કરી. કુરાન અને ભગવદ ગીતાનાં અમુક સારાંશ પણ યાદ કરાવ્યા હતા. પણ, ફૈઝલ આઝાદ જિંદગી જીવવા માંગતો હતો, જેલનાં સળીયા ગણવામાં પોતાની જિંદગી બરબાદ કરવા માંગતો ન હતો. દેવેન્દ્રનાં ફૈઝલને સમજાવવાનાં અને તેને શરણાગતી સ્વીકારી લેવાનાં બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. ફૈઝલનાં કહેવા મુજબ તો એને કોઇ વકીલ રાખવાની જરૂરત પણ ન હતી કારણ કે તેની પાસે અમોલ મિશ્રા સાબિત કરવા માટેનાં તમામ પુરાવાઓ હતા.

‘દોસ્ત... મને વધારે સમજાવવાનાં પ્રયત્નો ન કર...’, ફૈઝલે કહ્યુ, ‘પહેલા જા અને મારી બનાવટી હત્યા સાબિત કર, હું કેપટાઉનનો રહેવાસી નથી અને ત્યાં કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી નથી કરતો એ સાબિત કર... બધા પુરાવાઓ ભેગા કર પછી મને કોર્ટમાં લઇ જા અને સાબિત કર કે હું ફૈઝલ છું... અને જો પુરાવાઓ મળી પણ જાય તો પણ સાબિત કરવામાં તારે વર્ષો વીતી જશે... જા એજન્ટ દેવેન્દ્ર જા...’, ફૈઝલે અભિમાનથી કહ્યુ

‘ફૈઝલ...’, દેવેન્દ્રએ દુ:ખી હૃદયે કહ્યું

‘મારે કાંઇ સાંભળવુ નથી. તારા સિવાય મારી હકીકત કોઇ જાણતુ નથી. મતલબ કે તારા કહેવાથી કે બોલવાથી મને સજા નહી થાય... મારો સમય ના બગાડ...’, ફૈઝલે કહ્યુ અને જવા માટે ઊભો થયો. ‘…જા બે ટકાનાં એજન્ટ અને જીવ તારી સાધારણ જિંદગી, એક દિવસ ગલીના કુતરાની જેમ મરી પણ જઇશ’

ફૈઝલે પાછા જવા માટે પગ ઊપાડ્યા એટલે દેવેન્દ્રનાં મગજમાં કોઇ વિચાર આવ્યો. મગજમાં બહુ ખરાબ ઇરાદા સાથે દેવેન્દ્ર ફૈઝલની પીઠને તાકી રહ્યો. પોતાના દેશને ફૈઝલ જેવા દેશદ્રોહીથી મુક્ત કરવામ મનોમન એક નિર્ણય લીધો...

‘ફૈઝલ..’, દેવેન્દ્રએ બોલાવ્યો

ફૈઝલ દેવેન્દ્રની સામે જોવા પાછળ ફર્યો અને ચોંકી ગયો કારણ કે દેવેન્દ્ર એની જગ્યા પરથી ઊભો થઇને એની સામે પિસ્તોલ તાકીને ઊભો હતો...

‘દેવે...’, ફૈઝલ કાંઇ બોલવા ગયો એ પહેલા દેવેન્દ્રની પિસ્તોલમાંથી ગોળી છુટી અને ફૈઝલનાં કપાળમાં લાગી આરપાર નીકળી ગઇ. ફૈઝલ જગ્યા પર જ ઢળી પડ્યો અને થોડી જ ક્ષણોમાં તેના મોઢા આસ-પાસ લોહીનું ખાબોચીયુ ભરાઇ ગયું.

દેવેન્દ્રની આંખોમા લોહીનાં આંસુ હતા. કેટલાંય લોકોને ગોળી મારી હશે પણ ક્યારેય હાથ ધ્રુજ્યો ન હતો, ફૈઝલને ગોળી મારતી વખતે હાથ ધ્રુજતો હતો. પોતાની ધરતી પર આવીને ફૈઝલે કરેલા મોતનાં તાંડવનાં પ્રતિશોધની અગ્નિમાં તે બળી રહ્યો હતો, છતાંય ફૈઝલને માફ કરવા એ તૈયાર હતો. એનો પરિવાર ખતમ થઇ ગયો હતો ત્યારથી એને શાંતિ મળી ન હતી, છતાંય ફૈઝલને એક તક આપવા માંગતો હતો. એક રાત બરાબરથી ઊંઘ્યો ન હતો. ફૈઝલને મારી નાખવાનો હક દેવેન્દ્રને ન હતો પણ પ્રતિશોધની આગે તેની પાસે આ કૃત્ય કરાવ્યુ હતું. પોતાનાં દેશની રક્ષા કરવા માટે આવા હઝારો મિત્રોની બલી આપવા માટે દેવેન્દ્ર તૈયાર હતો. પ્લાન કરીને જ આવ્યો હતો કે જો ફૈઝલ શરણાગતી નહી સ્વીકારે તો ગોળી મારી દેવી.

ખેર, ગોળીનો અવાજ સાંભળતા જ પોલીસનો પુરો કાફલો વિઝીટીંગમાં રૂમમાં આવી પહોંચ્યો. રૂમમાં પોલીસે ચોંકાવનારા દ્રશ્યો જોયા, અમોલ મિશ્રા છાતી ભાર મરેલો પડ્યો હતો અને આસપાસ લોહીનું ખાબોચિયું ભરાઇ ગયેલું હતું. અને બીજી બાજું, સરકારી વકીલ નિશિકાંત શર્મા ગોઠણ ભેર બેઠો હતો, એના હાથમાં પિસ્તોલ હતી અને પિસ્તોલની નળી એના કાનની નીચેનાં ભાગ પર તાકેલી હતી. પોલીસ કોઇ પ્રતિક્રિયા આપે એ પહેલા નિશિકાંતે ઘોડો દબાવ્યો અને પિસ્તોલની ગોળીથી એનું ભેજું બહાર આવી ગયું. ફૈઝલને સજા અપાવવાનું દેવેન્દ્રનું છેલ્લુ મિશન હતું, સજા અપાવી શકે એમ તો ન હતો એટલે પતાવી દીધો. પરંતુ ફૈઝલને મારીને પોતે જીવી શકે એમ ન હતો એટલે એણે પોતાનું જીવન ટુંકાવી લીધું હતું, આમ પણ એની જિંદગી નિરસ હતી.

બીજા દિવસનાં બ્રેકિંગ ન્યુઝ એ હતા કે આતંકવાદી ફૈઝલ સમજી ધરપકડ કરાયેલ અમોલ મિશ્રાને સરકારી વકીલ તરીકે મળવા ગયેલા નિશિકાંત શર્મા નામનાં માણસે ગોળી મારી દિધી હતી. પોલીસ નિશિકાંતને પકડી પુછપરછ કરી શકે એ પહેલા જ એણે અમોલની હત્યા કરી એ જ પિસ્તોલથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. નિશિકાંત નામનો માણસ કોણ હતો? ક્યાંથી આવ્યો હતો? ક્યા રહેતો હતો? અને વધારે અગત્યની વાત કે એણે અમોલ મિશ્રા કે જેને ભુલથી આતંકવાદી તરીકે પકડેલો હતો તેને શા માટે મારી નાખ્યો એ મોટી રહસ્યમય વાત હતી અને એ રહસ્ય નિશિકાંત સાથે જ જતું રહ્યું હતું. તદુપરાંત, નિશિકાંત પાસેથી પોતાની ઓળખાણ માટે કશું જ મળ્યુ ન હતું.

અમોલ મિશ્રાની ધરપકડ કરીને પોલીસ તકલીફમાં હતી અને હવે નિશિકાંત નામનાં માણસનાં હાથે થયેલા અમોલનાં મર્ડરને કારણે વધારે મુશીબતમાં મુકાઇ ગઇ હતી. પોલીસ માટે મુંઝવણો વધી હતી પણ દેશ પરથી હંમેશા માટે એક ખતરો હટી ગયો હતો એ વાત મુદ્દાની હતી.

ભારતની ખુફિયા એજન્સીનો એક બહાદુર એજન્ટ ઓછો થઇ ગયો, તો બીજી બાજુ, જીવનભર ખતરા સમાન એક દેશદ્રોહી પણ ઓછો થઇ ગયો હતો.

સમાપ્ત