Cancer aetle Cancel in Gujarati Short Stories by Aarti Bhadeshiya books and stories PDF | કૅન્સર એટલે કૅન્સલ

Featured Books
Categories
Share

કૅન્સર એટલે કૅન્સલ

કૅન્સર એટલે કૅન્સલ......??? (ટૂંકી વાર્તા)

રવીવાર સવારની છાપાની પૂર્તીમાં હેલ્થકેર નામની કોલમમાં “કૅન્સર એટલે કૅન્સલ......???” લેખનું નામ વાંચતાની સાથે જ તેનો દેહ અને જીવન પર પડતા પ્રભાવ વિશે થોડો અંદાજ લગાવ્યો. એટલામાં તો ફોનની રિંગ વાગી. તેમાં સ્વરાનું નામ જોઈને હું ખુશીથી ઝૂમી ઊઠી. સ્વરા મારી ખાસ દોસ્ત છે. એક જ શહેરમાં રહેવા છત્તાં વ્યસ્ત જીવનનાં કારણે અમે એકબીજાને ઘણા વર્ષોથી નથી મળ્યા. આજે અચાનક જ એનું નામ જોતાની સાથે જ મન ખુશીથી નાચી ઊઠ્યું. તેણે સાંજે સહ પરીવાર સાથે મને એના ઘરે આવાનું આમંત્રણ આપ્યું.

મેં પૂછ્યું કેમ આજે શું છે…?

સ્વરા બોલી, આજે નિત્ય પાંચ વર્ષનો થઈ ગયો, એટલે સાંજે તેના જન્મદિવસની શાનદાર પાર્ટી છે. તારે પૂરા પરિવાર સાથે આવી જવાનું છે.

મેં આશ્ચર્યચકિત થઈ પૂછ્યું...!? શું વાત છે...? નિત્ય પાંચ વર્ષનો થઈ ગયો.. ? સાચું... ? આઈ કાન્ટ બિલીવ ધીસ... ! તારી તબીયત તો હવે એકદમ સારી છે ને..?

જેવી ઘણી વાતોમાં લગભગ અડધો કલાક ફોન ચાલ્યો.

ફોન મૂકતાની સાથે છાપુ તો હાથમાં જ રહી ગયું ને તેના લગ્ન થયાનો એ અનોખો અને મુશ્કેલ ભર્યો બનાવ મારી આંખ સામે તરી આવ્યો.

સ્વરા અમારા પાડોશમાં રહેતી અતિસુંદર, M.Sc, M.ed અને Ph.d કરી કોલેજમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતી, મોજીલી અને નીડર, ર૮ વર્ષીય યુવાન સ્ત્રી. સ્વરા ખરેખર સંગેમરમરનું શિલ્પ હતી. એની ગુલાબી સ્કીન જાણે રેપરમાં લીપટેલું સૌંદર્ય. એનું આ ચુંબકીય રૂપ કોઈ પણ પુરુષ એક વાર જોવે તો ના એ ચેનથી જીવી શકે, અને જો એકવાર મળે તો ના એ મોજથી મરી શકે. મનમાં ભાવી જીવનસાથીની છબી લઈ હંમેશા આત્મવિશ્વાસથી કહેતી કે હું મારા લાયક પાત્ર સાથે જ પરણીશ. આમ આ મોજીલી સ્વરાના જીવનની દોર ખુશીથી આગળ વધી રહી હતી કે અચાનક...!?

વિચારી પણ ના શકાય તેવો ખળભળાટ તેના જીવનમાં મચ્યો. શહેરના વિદ્વાન ડૉક્ટરો પાસે કરાવેલાં અને તપાસેલાં રિપૉર્ટમાં એ મોજીલી ર૮ વર્ષીય યુવાન સ્ત્રીના ચહેરા પર મોતની છાયા. તેનાં ફેફસાંમાં અને અંગેઅંગમાં કૅન્સરનો જીવલેણ સ્પર્શ. મોડી ખબર પડી એટલે દવાઓ કામ ન લાગી. ઓપરેશન દ્વારા ગાંઠ કાઢવાની વાત થઈ તો ડૉક્ટરે ઝાંખી સ્માઈલ આપી અને બોલ્યા કે કાઢીએ તો તમારું આખું શરીર જ ચામડીમાંથી કાઢીએ એવી સ્થિતિ થઈ ગઈ છે. કૅન્સર બધે જ ફેલાયો છે. હવે એ જીવે તો થોડાક મહિના જ જીવે અને એટલું જીવવાની એને હોશ પણ નથી. પગમાં જોર નથી. સહેજ ઊભી થાય તો ચક્કર આવે, ઊંઘ આવે નહિ. ભુખ નહિ, ચેન નહિ, સતત ખંજવાળ, દર્દ-વેદના, યુવાની તો ખરી પણ સવારની લહેરમાં કરમાયેલા ફુલ જેવી.

પણ.........! ઈશ્વરને કઈક અલગ જ મંજુર હતું. સ્વરાનું શરીર બીમાર હતું મન નહિ, જીવનમાં આગળ વધવાનું લખ્યું હતું મરવાનું નહિ. મન હજી પણ મક્કમ હતું. નિરાશાની ધાર પર જીવને જુદો જ વંળાક લીધો. તેના જીવનમાં એક નિસર્ગ નામનો પુરુષ દાખલ થયો. પોતાને બન્નેને ખબર પણ ન પડે એ રીતે નિસર્ગ અને સ્વરા એકબીજાની તરફ આકર્ષાયા, અને પ્રેમની શરૂઆત થઈ, વચ્ચે કૅન્સરનું ભૂત તો ખરું જ, પણ આશ્ચર્યની વાત એ હતી કે બન્ને તેનું સાચું સ્વરૂપ પહેલેથી જ જાણતા હતા, પરંતુ પ્રેમની આગળ તેમનું પણ કશું જ ચાલ્યું નહિ. અને તે પ્રેમ આંધળો ને આવેશભર્યો તો ન હતો, પણ શાંત અને વિવેકપૂર્વકનો હતો. આથી પરીવારના આર્શીવાદ વગર આ સંબંધ અધુરો હતો. પણ બન્નેના પરીવાર માટે આ નિર્ણય મુશ્કેલ જ નહિ અશક્ય હતો, છત્તાં પરીવારના અને પોતાના પણ આશ્ચર્યની વચ્ચે લગ્ન થયા. લગ્ન પછી નિસર્ગે દવા અને દુવા સાથે સ્વરાનું મક્કમ મન જોઈ ટ્રીટમેન્ટ શરૂ કરી. ધીરે ધીરે થોડા આશાના કિરણો જાગ્યા અને જીવનમાં વધુ આગળ વધવાના સપનાઓ પણ ઊભરવા લાગ્યા. સારા રિર્પોટ જોઈ સ્વરાને માતા બનવાના કોડ જાગ્યા. સ્વરાએ બાળકની જીદ પકડી. નિસર્ગની સમજાવાની લાખ કોશિશો પછી પણ સ્વરા પોતાના નિર્ણય પર અડગ રહી. આખરે સ્વરાના કોડ માટે, દિલ માટે, આદરભાવથી, અદમ્ય અને અકથ્ય આકર્ષણ સાથે નિસર્ગ રાજી થયો. ડૉક્ટરની ના હોવા છતાં, ધમકીઓ હોવા છતાં સ્વરાએ બાળકને જન્મ આપ્યો. તંદુરસ્ત આંનદી મજાનો બાબો. અહિં ડૉક્ટરો અને પરીવારના આશ્ચર્ય અને ઉત્સાહની તુલના કોઈ પણ કલમ કરી શકે તેમ ન હતી. પણ સ્વરાની તબીયત......!?

બાળકના જન્મ પછી ફરીથી એણે ફેફસાંના ફોટા પડાવ્યા. ડૉક્ટર મૂંઝાયા. ‘તમારા પહેંલાના ફોટા પર કૅન્સરની આટલી બધી ગાંઠ દેખાતી હતી ને આંમા તો એક પણ નથી....!’ આવા સાફ અને તંદુરસ્ત ફેફસાં મેં કોઈ દિવસ જોયા નથી. ખબર નથી પડતી. તમને એ ક્ષ-કિરણની ટ્રીટમેન્ટ આપતા હતા – કદાચ તેનું આ પરિણામ હોય, તે મનમાં હસી. છેલ્લા નવ મહિનાથી એણે ટ્રીટમેન્ટ લીધી જ નહોતી. ક્ષ-કિરણોથી પોતાના પેટના બાળકને નુકસાન પહોચી શકે એ બીકે. દવા બીજી હતી. માતૃત્વ, વાત્સલ્ય અને નિર્મળ પ્રેમે ઘસાઈ ગયેલી સ્વરા માટે સંજીવનીની ગરજ સારી. મનની અપાર શક્તિથી અને નિસર્ગના ખરા પ્રેમથી સાચા અર્થમાં સ્વરાએ નવું જીવન પ્રાપ્ત કર્યું હતું. અને નવા જીવને જન્મ પણ આપ્યો. પોતાના આ અનુભવથી

કૅન્સર અને મનના રોગોથી પીડાતા દર્દીઓને આશા મળી શકે ને નવજીવન મળી શકે એ ખ્યાલથી એણે પોતાની એ હકીકત સરળતાથી લખીને પ્રગટ કરવાં એક લેખકને વિનંતી કરી. એ લેખક બીજુ કોઈ નહિ પણ તેનો પતિ નિસર્ગ જ હતો.

હાથમાં રહી ગયેલ છાપા પર ફરી નજર પડી અને ધ્યાનથી વાચ્યું તો “કૅન્સર એટલે કૅન્સલ......???” લેખનો લેખક નિસર્ગ જ હતો. તેનુ નામ વાંચતાની સાથે જ પુરી કોલમ વાંચવાની ઉત્સુકતા જાગી. અનુભવથી ખુમારી ભર્યા શબ્દોમાં મનની શક્તિ વિશે તેણે લખ્યું હતું.............માણસ ધારે છે તેના કરતાં વધારે શક્તિ તેના દેહમાં પડેલી છે. હાથની તાકાત ને બૂદ્ધિનું તેજ મર્યાદિત તો છે જ. પણ મનની આજ્ઞા પ્રમાણે ચમત્કારો પણ કરી બતાવે છે. મનની આજ્ઞાથી માણસનો દેહ ચાલે છે ને તેની અસર કેટલે સુધી પહોચી શરીરને નવજીવન આપી શકે તેનો કદાચ પૂરતો ખ્યાલ નથી. આજે દવાખાના કે હોસ્પિટલોમાં જ્યારે અસાધ્ય અને માનસીક રોગોથી પીડાતા દર્દીઓને જોવ છું ત્યારે મનમાં એક જ વિચાર થાય છે કે આ ભૌતિક પ્રગતિના મોહમાં માણસ માનસીક રીતે કેમ નબળો પડતો જાય છે....? પ્રેમ એ જીવનની દવા છે તો મન એ દેહની સ્વસ્થતા છે.....આવું ઘણું બધું મન વિશે અને સ્વરાની હકીકતને પોતાના શબ્દોથી ખુબ જ સરસ રીતે વર્ણવી હતી. મે પણ આખી કોલમ વાંચી તો નિસર્ગના શબ્દોથી હું ઘણી પ્રભાવીત થઈ. હવે જલ્દી ઊભી થઈને સ્વરાના ઘરે જવાની તૈયારી શરૂ કરી. ઘણા વર્ષ પછી દોસ્તને મળવાનો ઉત્સાહ કઈ જુદો જ હતો. સાંજે નિત્યના જન્મદિવસની પાર્ટીમાં પહોચતાની સાથે જ સ્વરા સાથે જે વાતો અને આનંદ કર્યો છે, તેનું વર્ણન કદાચ શબ્દોમાં થઈ શકે તેમ નથી. તેનો દિકરો નિત્ય તો “માઈન્ડ બ્લોઈંગ” હતો, અને પતિ નિસર્ગ તો લાજવાબ છે જ. નિસર્ગને તેની નવી કોલમ માટે, નિત્યને જન્મદિવસ માટે અને સ્વરાને તેના નવજીવનની શુભકામનાઓ આપી, અને પાર્ટીમાં ખુબ મજા કરી સૌ ઘરે પાછા ફર્યા. ખરેખર સ્વરાએ પોતાના મનની શક્તિથી જીવન ફરી હર્યું-ભર્યું તો કર્યું જ અને કૅન્સર ને કૅન્સલ કરી બતાવ્યું.

આરતી ભાડેશીયા