Mohmukti in Gujarati Children Stories by Kunjal Pradip Chhaya books and stories PDF | મોહમુક્તિ

Featured Books
Categories
Share

મોહમુક્તિ

Kunjal Pradip Chhaya

kunjkalrav@gmail.com

મોહમુક્તિ

વર્ષો પહેલાં, સ્વપ્ન સૃષ્ટિ સમું એક નગર હતું. ત્યાંનો રાજા પ્રજા પ્રેમી અને ન્યાયી હતો. રાજમહેલ ખૂબ જ ભવ્ય. રાજાને એક રાજકુમારી. રાજાની એ ચાગલી. જે માંગે તે હાજર. પણ રાજમહેલની બહાર પગ મુકવાની છૂટ નહિ. કારણ? કારણ કોઈ જાણી ન શક્યું. હા, અટકળો લગાવતી પ્રજા એમ કહેતી કે રાજાને રાજકુમારી બહુ વ્હાલી. અત્યંત સ્વરૂપવાન તેથી તેને નજર ન લાગે કે કોઈ નુક્સાન ન થાય તેની તકેદારી પૂરતી હશે.

હોશિયાર, સુશીલ અને સ્વરૂપવાન હતી પણ એને રાજમહેલનાં પ્રાંગણને ઓળંગીને બહાર વિહરવાની મનાઈ ફરમાવામાં આવી હતી. તે રાજાની એકમાત્ર સંતાન હતી. રાજકુમારીને અભ્યાસ સાથે કેટલીય વિવિધ કળાઓની તાલીમ અપાતી. તેને ચિત્રકળા, સંગીત, નૃત્ય, ભરતગૂંથણ સાથે તલવારબાજી અને નિશાનબાજી પણ મહેલમાં જ શીખવાડાતું. તેને અવનવું જોવું, જાણવું ખૂબ ગમતું. રાજકુમારી મહેલમાં જ તેની સખીઓ સાથે રમે, જમે ને ભણે. ઘણીવખત તે જ્યારે અટૂલી હોય ત્યારે ઝરૂખે બેસીને ઉપવનનાં પક્ષીઓનો કલરવ સાંભળે અને કંઈક વિચારીને ઉદાસ થઈ જતી.

એણે ઘણી વખત તેનાં પિતાને ફરિયાદ કરી. મારે પણ બીજી સખીઓની સાથે શાળાએ ભણવા જવું છે. ખેતરોમાં ખુલ્લી હવામાં દોડવું છે. જુદજુદા પ્રદેશોમાં પ્રવાસે વિહરવું છે. ત્યારે એ રાજા ક્યારેક ગુસ્સે થઈને તો ક્યારેક વહાલ કરીને સમજાવતા કે તેની સુરક્ષા અને માવજત લક્ષી આ વ્યવસ્થા ગોઠવી છે. એ જ્યારે મોટી થશે ત્યારે ચોક્કસ એ આઝાદ પક્ષીની જેમ હરીફરી શકશે.

***

એક વખત, એક સુંદર મજાનું લાલ પાંખવાળું પક્ષી રાજકુમારીના ઝરૂખાના ટોડલે આવીને બેઠું. કદાચ પોપટ કે એની જ જાતનું કોઈ ‘દુર્લભ’ પક્ષી હશે. એકદમ મોહક. માથે સોનેરી કલગી, માણેક જેવી આંખો ને લાલ ચટક પાંખો. કેસરી ઝાંયવાળી ચાંચ. પોતેય આખો રંગીન. બોલી પણ મીઠડી. જોતાં જ ગમી જાય. રાજકુમારીનેય ગમી ગયું.

આમ પણ તે વખતે તેનાં ઓરડામાં કોઈ સખી ન હતી. તેથી એકલી એકલી કંટાળી હતી. આ મોહક પક્ષીને જોતાં તે ખુશખુશાલ થઈ ગઈ. તેની નજીક જઈને રમવા લાગી. તે પક્ષી જાણે સોળે કળાએ ખીલ્યું હોય એમ પાંખો ફેલાવી મીઠું મીઠું ટહુકવા લાગ્યું. બંને સામસામે વાતો કરવા લાગ્યાં. જાણે બેય એક બીજાની ભાષા જાણતાં હોય. હવે એ મોહક પક્ષી રોજ ચોક્કસ સમયે ઝરૂખે આવતું. ત્યારે રાજકુમારી આનંદગેલી થઈ જતી. ક્યાં એનો સમય પસાર થઈ જતો ખબર જ ન પડતી.

રાજકુમારી આખો દિવસ એ પક્ષીની જ વાતો કર્યા કરે અને તેનાં આવવાના સમયની રાહ જોયા કરે. ન તો ભણવામાં ધ્યાન કે ન તો કોઇ બીજી ઇત્તર પ્રવૃતિમાં. રાજાને આ વાતની જાણ થઈ. તેમણે રાજકુમારીને સમજાવી. આ પક્ષી સિવાય પણ બીજું ઘણું છે દુનિયામાં. જાતનું ભાન ભૂલીને કોઇ એક જ બાબતની પાછળ આવી ઘેલછા ન કરાય. પણ પ્રિત ગેલી રાજકુમારી એમ કોઈનું માને ખરી? ભલેને એ રાજા કેમ ન હોય? એના પિતા જ કેમ ન હોય? રાજ હઠ કોને કહેવાય..? એક વખત જો રાજકુમારી હઠે ચડે તો મહેલ આખું કોપ ભવનમાં ફેરવાઈ જાય. ખાવું – પીવું બંધ.

અંતે રાજાએ રાજકુમારીની જીદને પોસવી પડી. નહિ તો રાજકુમારી માંદી પડી જશે એવો ભય હતો. રાજાને એક યુક્તિ સુઝી.

તેમણે દાસીને એક આકર્ષક સોનાનું પીંજરું લઈ આવવા હૂકમ કર્યો. અને રાજકુમારીને કહ્યું. “લ્યો, તમારા પ્રિય પક્ષીને આમાં કેદ કરી લેજો પછી એ કાયમ તમારી પાસે જ રહેશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે એની સાથે સમય વિતાવી શકશો.” રાજકુમારી ખુશ થઈ ગઈ. એ પક્ષીની રાહ જોવા લાગી. જેવું એ પક્ષી આવ્યું. રાજકુમારીએ સખીઓ અને દાસીઓને તેને પકડી પાડવાનો ઈશારો કર્યો. ઘણી જહેમત બાદ તે પક્ષીને પકડી લીધું અને પીંજરાંમાં પૂરી મુકાયું. તેમાં જાત જાતના ફળ અને પાણીથી ભરેલો ચાંદીનો વાટકો રાખવામાં આવ્યો. તે પીજરું રાજકુમારીના કક્ષમાં ટીંગાડી મૂકાયું. રાજકુમારીના આનંદનો પાર ન રહ્યો.

હવે તો કાયમ પેલો મધુર ટહુકો સાંભળી શકશે. સોનેરી કલગીને અડકી શકશે. લાલ મુલાયમ પાંખોને પંપાળી શકશે. તે રોમાંચમાં આખી રાત સૂતી જ નહિ. ફક્ત તે પક્ષીને જોયા કરે અને પક્ષી તેને. આમ સમય વિતતો ગયો.

રાજકુમારી રોજ સવારે તેનાં અભ્યાસમાં વ્યસ્ત રહે, સાંજે સખીઓ સાથે રમે. સમય મળે એટલે પક્ષીનો વારો આવે. હવે, પક્ષીનું આકર્ષણ ઓસરતું જતું હોય એવું રાજાને લાગ્યું. તેમની યુક્તિ કામ કરી ગઈ.

ધીરે ધીરે રાજકુમારી બીજી પ્રવૃતિઓમાં વ્યસ્ત થતી ગઈ. પેલું પક્ષી તેનાં પીંજરાંમાં જાણે ગૂંગળામણ અનુભવવા લાગ્યું. તેનાં ટહુકામાં પહેલાં જેવો જોશ અને તિવ્રતા નહોતી વર્તાતી. જાણે તે રાજકુમારીથી નારાજ હોય એમ સાદ કરતું ફફડતું રહેતું. પક્ષીના આવા વર્તનથી રાજકુમારી મૂંઝાવા લાગી. તેણે રાજાને પોતાની મૂંઝવણ કહી. રાજાજી એમના અનુભવથી બધું જ સમજી ગયા. તેમણે રાજકુમારીને કક્ષમાં જઈને એ પાંજરું ખોલી મૂકવા કહ્યું. આ સાંભળી રાજકુમારી ડઘાઈ ગઈ. તેણે આમ શા માટે કરવા કહ્યું એનું કારણ પૂછ્યું.

રાજાએ તેને પ્રેમથી ખોળામાં બેસાડીને સમજાવી. “જો દીકરી, આપણને જે વ્હાલું લાગે તે બધું જ કાયમ આપણું જ રહે એવું જરૂરી નથી હોતું. અને એ પણ જરૂરી નથી કે આપણે જેને ચાહિએ તે આપણને પણ એટલું જ ચાહતું હોય. એને પણ આપણો સાથ એટલો જ પસંદ હોય. અરે! આ તો એક પક્ષી છે. મસ્ત ગગનમાં વિહરતું પક્ષી. એને કેદ કેમ કરી રખાય? તેને ગૂંગળામણ થવાની જ. જો તમે તેને આઝાદ કરી દેશો અને પછી પણ એ તમારી પાસે રોજ પહેલાંની જેમ મળવા આવે તો સમજી જજો કે એ પ્રીત ખરી.”

રાજકુમારી આ બધું જ ધ્યાનથી સાંભળી રહી. તેને તેની ભૂલ સમજાઈ. તે દોડતી તેનાં કક્ષમાં ગઈ. અને પીંજરાંનો દરવાજો ખોલ્યો. પક્ષી તરત જ બહાર આવ્યું અને રાજકુમારીના ખભે આવીને બેસી ગયું. તેને ખૂબ વ્હાલથી હાથમાં લઈને પંપાળવા લાગી. જાણે તે પક્ષી બધી જ વાત સમજતું હોય એમ રાજકુમારી બોલવા લાગી “તું મને રોજ મળવા આવીશ ને? તો જ તને આઝાદ કરૂં.” આંખોમાં આંસુ સાથે રાજકુમારીએ પક્ષીને ઝરૂખા પાસે જઈને ઉડાડી મૂક્યું. રાજકુમારી ખૂબ રડી.

“જે બાબત મનુષ્યના હાથની બહાર છે, તે વાસ્ત્વિકતા સ્વીકારે જ છૂટકો.” એવું તેનાં પિતાએ શીખવાડ્યુ હતું એ તેને યાદ આવ્યું. રડવાનું બંધ કર્યું. તેને રાજાએ કહ્યું હતું એમ તેનાં વ્હાલાં પક્ષીની સલામતી અને સુખાકારીની કામના કરવા લાગી.

એ રાતે પોતાની કુંવરીનાં શયનખંડમાં રાજાએ ધીરે રહીને આવ્યા. દીકરીને ગાઢનિંદ્રામાં પોઢેલ જોઈને એમણે નિરાંતનો શ્વાસ લીધો. “હું પણ કદાચ સ્વાર્થી હોઈશ કે તને આમ મહેલમાં જ પ્રતિબંધીત જીવન આપું છું. રાજ્યકર્મની જવાબદારી નિભાવવાની ન હોત તો તું મુક્ત રહી શકી હોત….” મનોમન વિચારયુક્ત સંવાદ કરી લીધો.

***

કોણ જાણે ક્યું ઋણાનુંબંધ હશે, તો બીજે દિવસે રોજના સમયે તે પક્ષી ફરી એ જ ટોડલે આવીને ટહુક્યું. રાજકુમારી તો ભાવવિભોર થઈ ગઈ. દોડીને પક્ષી પાસે પહોંચી ગઈ. પક્ષીનાં ટહુકે નાચવા લાગી. ગાવા લાગી.

ભલે, થોડી ક્ષણો માટે પણ એનું પ્રિય પક્ષી એની પાસે આવે અને એ સમય રાજકુમારીને મનમાં ઉલ્લાસનો હોય. જોત જોતાંમાં એક વાર તે પક્ષી એની સાથે એક બીજા પક્ષીને લઈને આવ્યું. કદાચ તેનું માદા પક્ષી હશે. અને થોડા સમયાંતરે તેનાં બચ્ચાંને પણ સાથે લઈને આવતું થઈ ગયું. રાજકુમારીને વિચાર આવ્યો. જો તેણે આ પક્ષીને આઝાદ ન કર્યું હોત તો તેનો સંસાર કેમ બનત? કદાચ દુનિયામાંથી એક સુંદર દુર્લભ પક્ષીની જાત નાશ થઈ ગઈ હોત.

રાજકુમારી તેનાં પિતા પાસે બેસીને તેને આવેલ વિચાર પ્રગટ કર્યો. પોતે હવેથી સમજદારી અને કુનેહ પૂર્વક જીવશે તેનું આશ્વાસન આપ્યું.