એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 20
વ્રજેશ દવે “વેદ”
હવે ટ્રેન વારાણસી પહોંચશે. નિયત સમય પત્રક પ્રમાણે સવારે 5.35 મિનિટે ટ્રેન પહોંચશે. પણ વારાણસીમાં જૂન મહિનાનો સુરજ 5.05 વાગ્યે ઊગી જાય છે.
સવારે 5.05 ! ઓહ. તો પછી ચાર સવા ચાર વાગ્યે તો જાગી જ જવું પડે. સમય ચકાસી લીધો. રાત્રિના 1.55. જો ચાર સવા ચાર વાગ્યે જાગી જવું હોય તો સુવા માટેનો સમય બચ્યો છે માત્ર બે કલાક. બે કલાક પણ નિંદ્રા આવી જાય તો પૂરતી છે.
પણ, નીરજાની આંખમાં નિંદ્રા ક્યાંથી? એ તો વ્યોમાની આંખ પર છવાયેલી છે. નીરજાએ ઉપર સૂતેલી વ્યોમા પર નજર નાંખી. તે ઊંઘી રહી હતી નિશ્ચિંત બનીને. વિચારોનું કોઇ વન, કોઈ જંગલ તેને ભટકાવતું ન હતું.
વિચારોના વનમાં ભટકતી નીરજા જાગી રહી હતી. સમગ્ર ડબ્બામાં એકલી. તેણે ચાર વાગ્યાનું એલાર્મ ગોઠવી દીધું. આજે તો બસ વહેલા ઉઠી જ જવું છે. કાલે ચુકાઈ ગયેલી ક્ષણોને હવે ફરીથી નથી ચૂકી જવી. સવાર પહેલાંની, સૂર્યોદય પહેલાંની ક્ષણોને આજે માણવી જ છે. પ્રત્યેક પળને...
સૂઈ જવા પ્રયાસ કર્યો. વિચારો અને નિંદ્રા વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. તેઓને લડતા મૂકી નીરજા ઊંઘી ગઈ.
નીરજાનું એલાર્મ વાગે તે પહેલાં જ વ્યોમા જાગી ગઈ. તેણે નીંદરને ત્યાગીને સ્વસ્થ થવા પ્રયાસ કર્યો. સુસ્તી ઉડવા લાગી. પૂરેપુરી નિન્દ્રા મુક્ત બની. બારી બહાર નજર કરી. સંક્રાંતિની એ ક્ષણો હજુ આવી નહોતી. તેને નિરાંત થઈ. હાશ, કશું જ ગુમાવ્યું નથી. હજુ બધું અકબંધ છે.
નીરજાને તેણે જગાડી. બંને તૈયાર થઈ ગઈ આવનારી પળોને ઝીલવા, જોવા અને માણવા.
બારી પાસે બેસી ગઈ બંને. જોવા અને અનુભવવા લાગી બારી બહાર વહી જતી હવાને, સમયની નદીને.
ધીરે ધીરે સંક્રાંતિની પળો આવવા લાગી. Twilight દેખાવા લગી. આકાશમાં ઉજાસના પડછાયાવાળું અંધારું રમી રહ્યું હતું. અંધકાર અને અજવાળાના મિશ્રણ જેવુ આકાશ, સુંદર લાગતું હતું. દૂર સુધી બંને વચ્ચે સંતાકૂકડી રમાતી રહી. આ રમત જ આકર્ષવા લાગી. આકાશ રંગ બદલવા લાગ્યું. કાળું. પછી કાળું-ધોળું મિશ્ર, ગુલાબી, ઓરેન્જ, લાલ અને હવે પીળું થઈ ગયું.
સૂર્યોદય થવા લાગ્યો. સમય 5.07 થઈ ગયો. સૂર્ય હવે સ્પષ્ટ બહાર આવવા લાગ્યો. ઊંઘમાથી ઉઠેલા બાળક જેમ ધીરે ધીરે ક્ષિતિજના પડદાને ચીરીને બહાર આવવા લાગ્યો. આખી થાળી જેવડો સુરજ. કેટલો મોટો સુરજ !
મૌન. માત્ર મૌન હતું બંનેના હોઠો પર. પણ આંખોમાં તો ઘણું બધું સમાવી લીધું હતું. તે બધું બોલતું હતું. રંગો, વાદળ, આકાશ, ક્ષિતિજ, સપના, અને સુગંધ. બહારની અદભૂત દુનિયા ચાલતી રહી. આંખમાં સમાતી ગઈ.
ટ્રેને બ્રેક મારી. વારાણસી સ્ટેશન આવી ગયું. સમય જોઈ લીધો. 5.32 am ઓહ ગાડી 3 મિનિટ વહેલી આવી ગઈ હતી.
“વારાણસી.” વ્યોમા ઉત્સાહિત થઈ ગઈ. નીરજાએ લાંબા સમય બાદ, મૌન તોડતાં વ્યોમા તરફ નજર કરી. વ્યોમા ખૂબ જ રોમાંચિત હતી.
“વ્યોમા..”
“નીરજા, આ વારાણસી છે. ભગવાન શિવનું ઘર. શિવ, ગંગા અને મોક્ષનું સ્થળ.”
‘“વાઉ. ચાલ નીચે ઊતરીએ.“ નીરજાએ વ્યોમાનો હાથ પકડી ખેંચી લીધો.
“ચાલ, અહીં ટ્રેન 20 મિનિટ રોકાય છે. અને 3 મિનિટ વહેલી આવી છે. જે બોનસ છે.” વ્યોમા પણ હવે ચાલવા લાગી. બંને વારાણસી સ્ટેશનના પ્લેટફોર્મ પર હતા.
એક હવા તેને સ્પર્શી ગઈ. હવા જરા નવી લાગી. નવી હવાને સમજવા બંને પ્રયાસ કરવા લાગ્યા. કશુંક શુધ્ધ, પવિત્ર અને શાશ્વત હતું, તે હવામાં.
“વ્યોમા, આ હવા...”
“નીરજા, એ હવા છે વારાણસીની. ગંગાની, શિવની અને જીવનના મોક્ષની.”
“શિવ અને ગંગા તો અહીં વસે છે, વહે છે. આ હવા એ સ્પર્શ આપી ગઈ. પણ.. આ. મોક્ષ...” નીરજાએ જાણવાની કોશિશ કરી.
“ઓહ. મોક્ષ એક ગહન વિષય છે. પણ સાંભળ્યુ છે કે જીવનનો અંતિમ પડાવ મોત છે, અને મોતથી મોક્ષ મળે છે.“
“છોડ એ ઊંડી વાતોને. આ પળ, આ સ્થળ અને આ હવાને માણીએ. જો પેલો દૂર ખુલ્લો રસ્તો..કદાચ ગંગા સુધી જતો હશે, એ રસ્તો..”
“કદાચ ભગવાન શિવ પાસે લઈ જતો હોય, એ રસ્તો.”
પવિત્ર હવા તેઓને સ્પર્શતી રહી. કાનમાં મંત્ર ગુંજતિ ગઈ, ‘ઓમ નમઃ શિવાય’. મંત્રોના ધ્વનિ તેઓના કાને પડવા લાગ્યા.
પ્લેટફોર્મ અનેક સાધુ સંતોથી ભરેલું હતું. આટલા બધા મોંક્સ એક સાથે !
કોઈ સફેદ વસ્ત્રોમાં તો કોઈ પીળા વસ્ત્રોમાં. કોઈએ માત્ર પોતડી પહેરી હતી, તો કોઈએ ઉપવસ્ત્ર ઓઢયું હતું. ખૂબ જ મોટી મોટી જટાઓ, વધેલી દાઢી પણ !
શરીરે બધા જ હૃષ્ટ પુષ્ટ.
“કદાચ આ લોકોને ભોજનની ચિંતા જ નહીં હોય. કદાચ જરૂર કરતાં વધુ ભોજન લેતા હશે?” વ્યોમાએ નીરજાને પૂછ્યું.
“દેશમાં કેટકેટલા લોકો ભૂખથી મરી રહ્યા છે, અને આ લોકોને તો જાણે જરૂર કરતાં વધુ મળી ગયું હોય એવું લાગે છે.”
“આ લોકો કોઈ કામ ધંધો તો કરતાં નથી. ક્યાંથી મળતું હશે એમને એ બધું?” વ્યોમાએ નફરત બતાવી.
“એ માટે આપણે જ જવાબદાર છીએ, વ્યોમા.”
“એ કઈ રીતે?”
“મહેનતની કમાણી કરીને આપણે લોકો જ, આવા સાધુ સંતોને દાન પેટે ઘણું બધું આપી દઈએ છીએ. આ લોકો વગર મહેનતે, મોટા અને ભવ્ય આશ્રમો સ્થાપી દે છે. કરોડોના માલિક બની જાય છે.” નીરજાએ પણ એ જ ભાવમાં વાત કરી.
“આટલી બધી સંપતિ હોય તો પછી તેઓ સાધુ કે સંત શાના?”
“મને પણ નથી લાગતું કે તેઓ સાધુ સંત હોય...” બોલતા બોલતા નીરજા અટકી ગઈ. તેની નજરે કશુંક નવું જોયું. વ્યોમા પણ તે તરફ જોવા લાગી.
50-60 સાધુઓનું ટોળું આવતું હતું. તેને જોઈ બાકી બધા સાધુઓએ રસ્તો આપી દીધો. સૌથી આગળ એક જાજરમાન સાધુ ચાલતો હતો. તેના શરીર પર કોઈ જ વસ્ત્ર ન હતું.
નગ્ન ! તદ્દન નગ્ન ! પાછળ આવતા બધા સાધુઓ પણ એ જ રીતે નગ્ન હતા.
નાગા બાવાઓનો સમૂહ. વ્યોમા અને નીરજા જોતાં જ રહ્યા. ક્યારેય તેણે કોઈ પુરુષને નગ્ન જોયેલ ન હતો. પણ અહીં તો આખે આખું ટોળું જ નગ્ન !
બન્નેને જરા વિચિત્ર લાગ્યું. તેણે બીજા બધા તરફ નજર કરી. કોઈને ટોળાની નગ્નતા નવી ન લાગી. કોઈના ચહેરા પર કોઈ હલચલ જોવા ના મળી. સહજતા હતી સૌ ચહેરા પર.
શું નગ્નતા આટલી સહજ હોઇ શકે? કોઈ દુર્ભાવ તેઓના મનમાં પ્રવેશ્યો જ નહીં. બંને નિર્વિકાર ભાવે નગ્નતાના દર્શન કરતી રહી.