Vishnu Marchant - 13 in Gujarati Fiction Stories by Chetan Gajjar books and stories PDF | વિષ્ણુ મર્ચન્ટ - 13

Featured Books
Categories
Share

વિષ્ણુ મર્ચન્ટ - 13

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 13

એક બાજુ ખુશી હતી તો બીજી બાજુ ડર પણ હતો કે ના પાડી દેશે તો.

હુ વાપી પહોંચ્યો.

“કયા ગામ જવાનુ છે?”

“નથી ખબર બેટા, રમેશભાઇએ બતાવ્યુ છે”

“કોણ રમેશભાઇ?”

“તારા પપ્પાના ફ્રેન્ડ છે”

“આપણા સમાજના છે?”

“ના”

“તો પછી કેવીરીતે એ આપણને આપણા સમાજમા છોકરી બતાવશે?”

“એ હુ નથી જાણતી, તારા પપ્પાને ખબર”

મને થોડો મૂંજવણમા હતો કે આવુ કેવીરીતે

“કેવીરીતે જવાનુ છે?”

“રમેશભાઇ એમની કાર લઇને આવાના છે”

આ તો વળી રમેશભાઇ કોણ જે અમારી આટલી મદદ કરે છે. પછી વિચાર્યુ કે છોડો જે હોય તે અમારી મદદજ કરે છેને.

બીજા દિવસે અમે તૈયાર થઇને બેઠા હતા. રમેશભાઇ એમની કાર લઇને આવ્યા. એ દિવસે મે એમને પહેલી વખત જોયા.

“તો આ છે મુરતીયો?”

“હા”

“બસ તો હરીલાલ પાકુ સમજ”

મારો આત્મવિશ્વાસ વધી ગયો. મને વિશ્વાસ થઇ ગયો કે મારા લગ્ન હવે પાકા બસ જોવાનુ એ હતુ કે છોકરી કેવી હશે.

અમે એ ગામે પહોચી ગયા. ગામ જંગલ એરીયામા હતુ અને સાધારણ કરતા પણ ઊતરતુ હતુ. એકલ દોકલ પાકા મકાન છોડતા બાકી બધા માટીના મકાન કે પછી ઝૂંપડા.

ગામને છેડે આવેલા એક નાનકડા ઝૂંપડા પાસે ગાડી ઊભી રહી. રમેશભાઇએ અમને ઊતરવા કહ્યુ. એક આધેડ વયના કાકા અમારુ સ્વાગત કરવા ઊભા હતા. એમણે ધોતિયુ અને ઉપર ઝભ્ભો પહેર્યા હતા જે ઘણા સમયથી ના ધોવાયા હોય એવુ લાગતુ હતુ.

“નમસ્તે”

એમણે નમીને નમસ્તે કહ્યુ.

“આપણે બહારજ બેસીએ”

અમે બધા બહારજ બેઠા.

“બેટા, સુંદરી જરા બધાને પાણી આપતો”

એ બહાર આવી. કાળો વર્ણ અને કઠીલુ શરીર, સાડી પહેરી હતી અને ચહેરા પર જરૂરત કરતા વધારે ફેઅરનેસ ક્રીમ લગાવી હતી. કાળી હતી પણ નમણી હતી. મારે તો હા જ પાડવાની હતી.

એણે જ્યારે મને પાણી આપ્યુ ત્યારે જરાક શરમાઇ ગઇ.

“જાઓ, પાછળ જાઓ, વાત કરતા આવો”

મનમા એજ હતુ કે હુ એની સાથે શુ વાત કરુ. એ અભણ છે, કદાચ આ ગામની બહાર પણ નહિ નીકળી હોય. મે એને ખાલી એનુ નામ પૂછ્યુ જે મને પહેલેથીજ ખબર હતી.

એને મારામા ઘણી જીજ્ઞાશા હતી.

“તમે ક્યા રહો છો?, અમદાવાદ કેવુ બઉંજ મોટુ છે, હુ ખોવાઇ તો ના જઉ ને”

મે બઉ ભાવ ના આપ્યો પણ મને સંતોષ થઇ ગયા કે ચાલો છોકરીની તો હા છે.

હુ ઊભો થઇને આગળ આવતો હતો ત્યા અધવચ્ચે હુ ઊભો રહી ગયો.

“ના ના દોઢ લાખ વધારે છે, સેંધાજી, રમેશભાઇ તો અમને એંસી હજારનુ કહીને લાવ્યા હતા” પિતાજી

“એંસી હજાર તો ના પોષાય, એનાથી વધારે તો એના જન્મ આપવાનો, પાલવાનો અને પોષવાનો ખર્ચો થયો છે”

બે ઘડી તો મને ખબરજ ના પડી કે શેની વાત ચાલે છે.

“હુ નેવુ હજાર આપીશ” પપ્પા

હવે મને ખાતરી થઇ ગઇ કે આ શેની વાત ચાલે છે. હુ ત્યાંજ ઊભો રહી ગયો.

“દોઢ લાખથી એક પણ રૂપિયો ઓછો ના લઉ”

“સેંધાજી, એંસી થી નેવુ હજારનો ભાવ ચાલે છે” રમેશભાઇ

“પણ એ બધી પાછી આયેલીનો, મારી દીકરીના આ પહેલા છે અને છેલ્લા તમે અંગ્રેજીમા શુ કહો છો જેણે એકેય વાર......... ” સેંધાજી અટક્યા

મને આભાસ થયો કે મમ્મી ઊભા થઇને ઓરડીમા જતા રહ્યા.

“વર્જીન”

“મારી દિકરી વર્જીન છે, તમે જે એંસી નેવુ હજારની વાત કરો છો એમા વર્જીન ના મળે, એ બધી પાછી આયેલી હોય, ઘણાએ એને પણ ધંધો બનાવી દીધો છે, એક જ દિકરીના વારે વાર લગ્ન કરાવી પૈસા કમાય, આપળે એવુ નથી કરવુ એટલે ભાવ વધારે છે”

“સારુ પંચ્ચાણુ હજાર”

“જુઓ તમે ના પાડશો તો મારે તો બીજા બે ત્રણ માંગા છેજ જે મો માંગી કિંમત આપવા તૈયાર છે, આ તો રમેશભાઇ તમારી શર્મે બાકી મને તો ભાવતાલ કરવા વાળા પસંદજ નથી”

“સેંધાજી, છેલ્લે લાખમાં ફાઇનલ કરો”

“છેલ્લા, એક લાખ ચાલીસ હજાર, હવે આનાથી એક પણ રૂપિયો ઓછો નહિ લઉ”

“આટલા ના હોય સેંધાજી જરા નીચે આવો”

“ના હવે વધારે નહિ”

સેંધાજી હાથ જોડીને ઊભા થઇ ગયા.

“અરે સેંધાજી આવુ ના કરશો” રમેશભાઇ

“મને એનાથી નીચે નહિ પોષાય, તમતમારે હાલ જવાબ આપવો જરૂરી નથી, એકાદ બે દિ વિચારો પછી જવાબ આપજો”

મારુ મન સમસમી ઊઠ્યુ. ગુસ્સાથી માથુ ફાટુ ફાટુ થવા લાગ્યુ. હુ જાણતો હતો કે આવો ધંધો ચાલે છે પણ જ્યારે પ્રત્યક્ષ અનુભવ્યુ ત્યારે કાળજુ વિંધાઇ ગયુ.

મારો ચહેરો જોઇને પિતાજી સમજી ગયા કે મને ખબર પડી ગઇ છે, જોકે એ તો આજે નહિ તો કાલે પડવાનીજ હતી. પિતાજીના ચહેરા પર બેબસી દેખાતી હતી.

પાછા વળતા આખા રસ્તે કોઇ કંઇજ ના બોલ્યુ.

જેવા ઘરે પહોચ્યા, મારો સંયમ ઘટી ગયો.

“આ તમે શુ કરવા જઇ રહ્યા છો?”

“બીજો કોઇ રસ્તો રહ્યો નથી” પિતાજી

“પણ પપ્પા, આ રસ્તો, તમને ખબર છે કાયદાની દ્રષ્ટીએ અપરાધ છે”

“છોકરીવાળા દહેજ નથી આપતા, તો પછી આપળે જે આપીએ એમા કોઇને શુ વાંધો હોઇ શકે”

“એ ગુન્હોજ છે પણ છોકરીને આપીએ છીએ એમ કહેવામા આવે છે પૈસા અને છોકરી બંન્ને સાથે આવે છે, જ્યારે આપણે પૈસા આપીને છોકરી લઇએ છીએ, ટેક્નીકલી ખરીદીએ છીએ”

“આપણા સમાજમા બધા આજ કરે છે”

“બધા ભલે કરે હુ નહિ કરુ”

“બેટા, સમજ એના સિવાય કોઇ રસ્તા બચ્યો નથી”

“ના, પપ્પા, કોઇને ખરીદવુ મતલબ એને આપણી ગુલામ બનાવવુ”

“એ તો આપણા ઉપર છે કે આપણે એને કેવીરીતે રાખીએ”

“બરાબર છે પણ કંઇ પણ ખરીદીએ એટલે માલીકી ભાવ આવ્યા વગર ના રહે”

“જો બેટા હવે આના સિવાય બીજો કોઇ રસ્તો નથી”

“હુ જીંદગીભર કુંવારો રહીશ પણ ખરીદીને લગ્ન નહિ કરુ”

હુ પાછો અમદાવાદ જવા નીકળ્યો. મારો ફોન રણક્યો. આર્યાનો હતો. નિસાસો નંખાઇ ગયો.

“ક્યા છે”

“બસમા છુ”

“કેમ ક્યા જાય છે?”

“વાપી થી અમદાવાદ”

“ઓ.કે.”

“બોલ કેવી ચાલે છે, લાઇફ, શુ કરે છે વિહાન?”

“બસ મજામા, તારી જોબ કેવી ચાલે છે?”

“સરસ”

“તો હવે તુ લગ્નમા ક્યારે બોલાવે છે?”

“જ્યારે ફાઇનલ થાય ત્યારે”

“હુ એક વર્ષ માટે લંડન જઉ છુ”

“ક્યારે?”

“નેક્સ્ટ વીક, એ પહેલા એક વાર મળી લઇએ, તુ બરોડા આવીશ કે હુ અમદાવાદ આવુ”

“હુ આવી જઇશ”

“એક દિવસ પહેલા ફોન કરી દેજે”

આર્યા કંઇજ જાણતી નહોતી. એ નહોતી જાણતી કે હુ લગ્ન માટે વલખા મારુ છુ.

હવે કંઇક એવો કરવાનો સમય આવી ગયો હતો જેના વિષે વિચાર્યુ પણ ના હોય. પણ શુ કરુ એ સમજાતુ નહોતુ.

એકજ રસ્તા હતો કે કોઇ છોકરીને પટાવાનો ટ્રાય કરુ પણ મારામાં એટલો આત્મવિશ્વાસ બચ્યો નહોતો કે હુ એવુ કોઇ પગલુ ઉઠાવી શકુ. પણ છેલ્લે તો એજ રસ્તો હતો કારણ કે મમ્મી પપ્પા તો હારી ચૂક્યા હતા. મેટ્રીમોનીયલ સાઇટ્સ નો રસ્તો પણ અજમાવી ચૂક્યા હતો.

મે જાતે જ છોકરી શોધવાનો નિર્ધાર કર્યો.

કંમ્પનીમાં, જ્યા હુ રહેતો હતો ત્યા આમતેમ નજર દોડાવાની શરૂઆત કરી પણ મારી ઉમરની આજુબાજુ છોકરીઓ નહિવત હતી.

કંમ્પનીમા શોધખોળ ચાલુ કરી. શોધખોળ તો ખૂબજ ફોર્મલ શબ્દ છે. હુ તો વલખા મારતો હતો. પહેલા તો શુ કાસ્ટ જોઇ લેતો પછી તો જે થશે એ જોયુ જશે એવો એટીટ્યુટ આપમેળેજ આવી ગયો, પણ કંઇ મેળ પડતો નહોતો.

ઉમર વધી ચૂકી હતી એટલે વાસના પણ વધેજ એમા પણ લોહી ચાખેલુ હતુ અને એ દિવસથી ભોજન મળ્યુ નહોતુ. એને સંતોષવાનો પણ એકજ રસ્તો હતો “હસ્તમૈથુન”. આટલા વર્ષોથી એ તો કરી રહ્યા હતો. પણ હકિકતમા મારે જરૂર હતી કોઇના સંગની, કોઇના પ્રેમની. તમે કહેશો કે એકબાજુ હુ સેક્સની, વાસનાની વાત કરુ છુ તો બીજી બાજુ પ્રેમ. બે શરીર મળવામા અને પ્રેમથી બે શરીર મળવામા ઘણુ અંતર છે. મને ખાલી સેક્સની તલપ નહોતી, તલપ હતી પ્રેમની, કોઇના સહવાસની, કોઇના ગુસ્સાની, કોઇના ઠપકાની, કોઇની ફરીયાદોની, કોઇની ડિમાન્ડની, કોઇના એ આવજોની, કોઇની આંખમા એ રાહની, કોઇના વિશ્વાસની, કોઇની એ પપ્પીની, મને તલપ હતી એ સાથીની જે મરણ પથારી સુધી મારી સાથે હોય.

એક દિવસ સવારે ઓફિસ પહોચ્યો તો એક સરપ્રાઇઝ, એક નવી છોકરી આવી હતી. ભરાવદાર શરીર પણ જાડી નહિ, નમણો ઘઉવર્ણો ચહેરો, સામાન્ય ઊંચાઇ. ખૂબ સુંદર તો નહિ પણ આકર્ષક હતી.

હુ વાત કરવા આગળ વધ્યો, એણે સેજ દુપટ્ટો નીચો કર્યો અને આશા પર પાણી ફરી વળ્યુ. એના લગ્ન થઇ ગયા હતા, ગળામા લટકેલુ મંગળસૂત્ર એની ચાડી ખાતુ હતુ.

આ તો એકજ કિસ્સો છે, આવુ તો ઘણી વખત થયુ કે આશાનુ કિરણ દેખાય અને રાત પડી જાય. કોઇની સગાઇ થઈ ગઇ હોય તો કોઇનો બોયફ્રેન્ડ હોય.

ઘણીવાર હસી પણ પડતો કે સાલુ કોઇ છોકરી બાકીજ નથી.

એકવાર ખૂબજ માર પડ્યો પછી મે એ રસ્તા પણ બંધ કરી દીધો. એ દિવસ થયેલા અપમાન બાદ અંદરખાને ક્યાંક અંદેશો આવી ગયો કે હવે વિષ્ણુ તારા લગ્ન નથી થવાના.

કિસ્સો કંઇક એવો છે કે એકવાર મારે સીમકાર્ડમા નેટવર્કનો પ્રોબ્લમ હતો. હુ કંમ્પનીની ઓફિસે ગયો. એક છોકરીએ મને પ્રોબ્લમ સોલ્વ કરી આપ્યો અને સામે ચાલીને એનો પર્સનલ નંબર મને આપ્યો અને કહ્યુ કે કંઇપણ પ્રોબ્લમ હોય તો મને ફોન કરી દેજો. એ વખતે તો એવો કંઇ વિચાર નહોતો આવ્યો પણ જેવો ઘરે પહોચ્યો ખબર નહિ પણ એને મેસેજ કરવાની ઇચ્છા થઇ.

મોબાઇલ કાઢ્યો પણ હિંમત ના ચાલી, પાછો મુકી દીધો. પાછો કાઢ્યો પણ હિંમત ના ચાલી. છેલ્લે કંટાળીને ફોન બાજુ પર મુકી સૂઇ ગયો પણ મન તો ફોનમાંજ ચોંટોલુ હતુ. ખૂબજ પ્રયત્ન બાદ ઊંઘ આવી.

સવારે ઊઠ્યા ત્યારે પણ એજ વિચાર, ઓફિસ ગયો તો પણ એજ વિચાર, એને ફોન કરવાનો વિચાર મારો પીછોજ છોડતો નહોતો.

છેલ્લે મે એને ફોન કરીજ દીધો અને મોબાઇલ નેટવર્કનો પ્રોબ્લમ છે એવી રીતે વાતની શરૂઆત કરી, એણે પ્રતિભાવ પણ સારો આપ્યો. બે દિવસ પછી પાછો ફોન કર્યો, આ વખતે થોડી પર્સનલ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પ્રતિભાવ પોઝીટીવ હતો. મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો.

બે દિવસ બાદ પાછો ફોન કર્યો. બઉ વાત ના થઇ શકી. કહેવત છે ને આંગળી આપતા હાથ પકડી લેવો.

મે એને મેસેજ કરી દીધો કે

“I like you, would you like to be my friend”

એનો કોઇ રીપ્લાય ના આયો. એક એક મીનીટ કાઢવી અસહ્ય હતી, અંગેઅંગમા બેચેની હતી. હુ વારેઘડીઓ મોબાઇલ ચેક કર્યા કરતો હતો.

લગભગ એક કલાક બાદ એનો ફોન આયો. એણે ખૂબજ સારી રીતે વાત કરી. અમે લગભગ એક મીનીટ વાત કરી, મને ભનક પણ ના આવવા દીધી કે એણે શુ પ્લાન બનાવ્યો હતો. એણે મને મળવા બોલાવ્યો.

હુ તો એકદમ ખુશ હતો. ક્યાક વાત આગળ વધતી દેખાઇ રહી હતી. એક આશા સાથે હુ એને મળવા ગયો. જેવો ઓની સામે પહોચ્યો ચાર પાંચ જણ મારી ઉપર તૂટી પડ્યા. મને ખૂબજ માર્યો. કોઇએ મુક્કા માર્યા તો કોઇએ લાતો. જે પૂછવા આવતુ કે શુ થયુ એ પણ એમની વાતો સાંભળી મને મારવા લાગી જતુ. પંદર મીનીટ ખેલ ચાલ્યો પછી એક બે વડિલ વચ્ચે પડ્યા અને મને બચાવ્યો.

મને એ નહોતુ સમજાતુ કે એ છકરીએ મારી સાથે મિત્રતા નહોતી કરવી તો ચોખ્ખી ના પાડી દેતી, હુ એનો પીછો છોડી દેતો.

હુ અંદરથી તદ્દન ભાંગી પડ્યો. હતાશાની કગાર આવી ગયો હતો. એ રાત્રે ખૂબજ રડ્યો પણ રાહત ના મળી. બે દિવસ નોકરી પણ ના ગયો. મને મારી જાત પર ધ્રુણા થઇ. ગુસ્સો, નફરત, ધ્રૂણા, હતાશા બઘી નકારાત્મક લાગણીઓનુ એક એવુ મિશ્રણ બની ગયુ હતુ જેની પીડા જીરવવી હવે અશક્ય હતી.

જો અમનનો ફોન ના આવ્યા હોત તો સારુ હતુ કારણ કે હુ એ દિવસે એટલો હતાશ થઇ ચૂક્યા હતો કે આત્મહત્યા કરી લેત, પણ મારા નસીબમા કોઇને જીવનભર એક એવી પીડા આપવાનુ લખ્યુ હતુ જે એના ભાગ્યનુ નહોતુ. એક હસતા રમતા પરિવારની ખુશીઓ છીનવી લેવાનુ લખ્યુ હતુ.

અમને મને અમદાવાદ છોડી વડોદરા આવી જવાનુ કહ્યુ. એણે મને એકાદ મહિનામા જોબ નુ પણ સેટીંગ કરાવી દીધુ. રહેવા માટે ઘર પણ મળી ગયુ.

હુ એને એરપોર્ટ મુકવા ગયો હતો ત્યારે એણે મને એક સજેસન આપ્યુ જે પહેલી નજરે તો અસ્વીકાર્ય હતુ પણ કદાચ હવે એજ રસ્તો હતો જે મને હતાશ, નિરાશ બનતા રોકી શકતો હતો.

હુ એના પર વિચાર કરવા લાગ્યો. એ કર્યુ પણ ખરુ અને એનુ પરિણામ ઘણુ હકારાત્મક આવ્યુ.