Sadachar in Gujarati Short Stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | સદાચાર.

Featured Books
Categories
Share

સદાચાર.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.

સદાચાર.

પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

“ પ્રભાવિત કરી ગયો મારા મનને તમારો આ સદાચાર,

રાહ ભટક્યા મુસાફરને રસ્તો બતાવવા બદલ આભાર.”

શ્રેયસના કહેવાથી કબાટનાં ખાનામાં એના ‘કફલિંક્સ અને ટાઈપીન’ નું બોક્સ શોધવા જતાં સ્નેહાના હાથમાં એક ગુલાબી રંગનો કાગળ આવ્યો. જિજ્ઞાસાવશ એણે કાગળ વાંચ્યો તો ઉપર મુજબની પંક્તિ વાંચવા મળી.

-સ્નેહા, કફલિંક્સ મળ્યા કે નહીં?

શ્રેયસની બૂમ સાંભળી સ્નેહાએ ફટાફટ કાગળ મૂકી દઈને કફલિંક્સનું બોક્સ શોધી કાઢ્યું.

-મળ્યા છે, લાવું છું.

બેડરૂમનો કબાટ બંધ કરીને સ્નેહા ડ્રોઈંગ રૂમમાં આવી અને એણે કફલિંક્સનું બોક્સ શ્રેયસને આપ્યું. આજે સ્નેહાની લાડકી નાની બહેન સ્નિગ્ધાના લગ્ન હતાં. આમ તો તેઓ ત્રણે, શ્રેયસ-સ્નેહા અને એમનો છ મહિનાનો દિકરો શૈલ, ઘરનો લગ્નપ્રસંગ હોવાથી છેલ્લા પાંચ દિવસથી સ્નેહાની મમ્મીના ઘરે જ હતાં. પણ આજે સ્નિગ્ધા માટે લીધેલી ગીફ્ટ લેવા અને શ્રેયસ તૈયાર થવા માટે પોતાના ઘરે આવ્યાં હતાં. સ્નિગ્ધા તો પહેલેથી બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈને જ આવી હતી અને સુંદર પરી જેવી લાગી રહી હતી.

તૈયાર થઈ ગયા બાદ શ્રેયસને કફલિંક્સ યાદ આવતાં એણે સ્નેહાને કબાટમાંથી કાઢી લાવવાનું કહ્યું. કબાટમાંથી કફલિંક્સ લેવા જતાં સ્નેહાના હાથમાં આ કાગળ આવ્યો. ગુલાબી કાગળ જોઈને એણે કૂતુહલ વશ કાગળની આરંભની બે પંક્તિઓ વાંચી. એને કાગળ રસમય લાગ્યો, પણ શ્રેયસની બૂમ સાંભળતાં સ્નેહાએ ‘આવીને પછી વાંચીશ’ એમ વિચારીને કાગળ પાછો એની જગ્યાએ મૂકી દીધો. અને એ શ્રેયસ સાથે લગ્નમંડપમાં પહોંચી. ત્યાં સગા વહાલાઓ એ ‘હાય’ ‘હેલ્લો’ કહ્યું, પણ એનું અર્ધું ધ્યાન તો પેલા કાગળમાં જ હતું. એના મનમાં તો પેલા કાગળનું રહસ્ય જ રમ્યા કરતું હતું.

લગ્નનો આખો પ્રસંગ ખૂબ જ ધામ ધૂમથી અને સારી રીતે પૂરો થયો. આયોજન ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું. ભારે કપડા અને ઘરેણામાં સજ્જ નારીઓ ખુબ સુંદર દેખાતી હતી, જાણે સુદરતાનો દરિયો લહેરાતો હતો. તો પુરુષો પણ પોતાની રીતે શેરવાની અને સૂટમાં વટ પાડી રહ્યા હતા. બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન હાજર હતા. પોતપોતાના ગ્રુપમાં સૌ ફરીફરીને ભોજન આરોગી રહ્યા હતા. યજમાન આગ્રહ કરીને મહેમાનોને જમાડી રહ્યા હતા.

સૌથી છેલ્લે આવ્યો કરુણ પ્રસંગ ‘કન્યા વિદાયનો’ ‘બાબુલ કી દુવાએ લેતી જા...’ અને ‘તને સાચવે સીતા સતી’ જેવા ગીતો નાં મંગળ પણ કરુણ સ્વરો રેલાઈ રહ્યા હતા. ફૂલોથી અને કંકુના સાથીયાથી સજ્જ સરસ મજાની કાર હોલના દરવાજે તૈયાર ઉભી હતી. વારા ફરતી સૌ ને વળગીને – સૌ નાં આશીર્વાદ લઈને - રડતી આંખે અને ભારે હૈયે સૌએ સ્નિગ્ધાને સાસરે વિદાય કરી. વારા ફરતી સૌ મહેમાનો વિખેરાવા લાગ્યા. નજીકના થોડાં સગાઓ અને સ્નેહા –શ્રેયસ મમ્મી પપ્પાના ઘરે આવ્યા.

બીજે દિવસે ‘ગોરણી’ની વિધી પતી એટલે શૈલને લઈ શ્રેયસ-સ્નેહા ઘરે આવવા તૈયાર થયા. મમ્મી પપ્પાએ સ્નેહા-શ્રેયસને થોડાં દિવસ રોકાઈ જવા આગ્રહ કર્યો, પણ શ્રેયસને ઓફિસનું પેંડિંગ વર્ક ઘણું હોવાથી તેઓ ‘કામ પતે એટલે ફરી આવીશું’ કહીને પોતાને ઘરે આવી ગયા.

રાત્રે શૈલને સૂઈ ગયો પછી સ્નેહા અને શ્રેયસ એકલાં પડ્યાં ત્યારે સ્નેહાએ શ્રેયસને કહ્યું, ‘મારે તને કંઈ પૂછવું છે.’ શ્રેયસે કહ્યું, ‘હા, પૂછને શું પૂછવું છે?’ સ્નેહાએ કબાટમાંથી ગુલાબી કાગળ કાઢ્યો અને શ્રેયસને બતાવી એનું રહસ્ય પૂછ્યું. પહેલાં તો કાગળ જોઈને શ્રેયસ સહેજ ખંચકાયો, પણ પછી સ્વસ્થતાથી એણે સ્નેહાને પૂછ્યું, ‘ મને એક વાત કહે સ્નેહા, તને મારા પર કેટલો વિશ્વાસ છે?’ ‘મને તારા પર સો એ સો ટકાનો વિશ્વાસ છે.’ સ્નેહાએ હસીને કહ્યું.

‘તો સાંભળ,’ શ્રેયસે સ્નેહાની પાસે બેસીને એનો હાથ હાથમાં લઈ, એની આંખોમાં આંખો પરોવીને કહ્યું, ‘વાત છ મહિના પહેલાંની છે. તને યાદ છે, તારી ડિલીવરીની તારીખ નજીક આવી હોવાથી તારી બહેન સ્નિગ્ધા તને કામકાજમાં મદદ મળી રહે તે માટે આપણા ઘરે રોકાવા માટે આવી હતી?’ ‘હા, મને બરાબર યાદ છે, પણ એ વાતનું શું?’ સ્નેહા આશ્ચર્યથી બોલી.

‘સાંભળ તો ખરી. આપણી સાથેના થોડા દિવસના સહવાસથી સ્નિગ્ધા મારા પ્રત્યે આકર્ષાઇ હતી’ શ્રેયસે સહજ સંકોચ સાથે સ્નેહાને કહ્યું. ‘શું વાત કરે છે, શ્રેયસ? મને તો જરાય અંદેશો પણ ન આવ્યો.’ સ્નેહાને ખરેખર નવાઈની લાગણી થઈ. ‘હા, પણ મને એના વર્તનથી, એની આંખોમા રહેલા ભાવોથી, એની મારા પ્રત્યેની કૂણી લાગણીનો થોડો ઘણો ખ્યાલ આવી ગયો હતો, અને એટલે જ હું શક્ય હોય ત્યાં સુધી એની નીકટ આવવાના પ્રસંગો ટાળતો’

‘ઓહ, પછી શું થયું?’ વાત જાણવા માટેની સ્નેહાની ઉત્સુકતા વધી ગઈ. ‘એ વાત પર જ આવું છું. તને યાદ છે, એ દિવસે તને સાંજે અચાનક દુખાવો ઉપડ્યો એટલે તને હોસ્પિટલ લઈ ગયા હતા? તારા મમ્મી ડાયરેક્ટ હોસ્પિટલ આવ્યા હતા અને તારી સાથે હોસ્પિટલ રોકાયા હતા. અને હું અને સ્નિગ્ધા તારે માટે તારી થોડી ચીજ વસ્તુઓ લેવા ઘરે આવ્યા હતા. તે દિવસે એકાંત જોઈને સ્નિગ્ધાએ એના એકતરફી પ્રેમનો એકરાર કરતાં એના મનની વાત મને કરી.’

‘તેં એને શું કહ્યું શ્રેયસ?’ સ્નેહા અધીરાઈથી પૂછી બેઠી. ‘પહેલાં તો શું કહેવું તે મને સમજાયું નહીં, પણ પછી મેં પૂરેપૂરી સ્વસ્થતાથી એને કહ્યું, સ્નિગ્ધા આ તારો પ્રેમ નથી પણ તારું મારા પ્રત્યેનું આકર્ષણ છે. તારી ઉંમરે આવું વિજાતિય આકર્ષણ થવું સ્વાભાવિક છે.’ ‘અચ્છા, પછી એણે શું કહ્યું, એ માની ગઈ?’ સ્નેહાએ પૂછ્યું. ‘મારી વાત એને ગળે ઉતરી કે નહીં તે ખબર નહીં, પણ મારી વાત સાંભળીને એ વિચારમાં તો પડી જ ગઈ.’ ‘પછી શું થયું શ્રેયસ?’

એને વિચારમાં મગ્ન જોઈને મેં કહ્યું, ‘અત્યારે કદાચ તને મારી વાત નહીં સમજાય સ્નિગ્ધા, પણ તું તારી દીદીનો વિચાર કરશે તો તને સારા નરસાનું વિવેક ભાન ચોક્કસ થશે જ. એક વાત નક્કી છે કે હું તારી દીદીને એટલે કે મારી પત્નીને ખુબ ખુબ અને સાચો પ્રેમ કરું છું. અત્યારે એ પ્રસવ પીડામાંથી પસાર થઈ છે, એ વખતે એનું દુ:ખ તો હું લઈ શકતો નથી,પણ એની સાથે બેવફાઈ કરીને એને વધુ દુ:ખ પહોંચાડું એવો ઈન્સાન હું નથી. આશા રાખું છું કે તું મારી આ વાત બરાબર સમજી હશે.’ ‘પછી સ્નિગ્ધાએ શું કહ્યું?’ ‘તરત તો એ કશું બોલી નહીં, એની નીચી નજરમાં મને પસ્તાવાના ભાવ દેખાયા. અને પછી એ તરત જ હોસ્પિટલ તારી પાસે આવવા માટે બહાર નીકળી ગઈ.

‘ઓહ, એટલે જ બે દિવસ સ્નિગ્ધા મને ગુમસુમ લાગી હતી. મેં એને કારણ પૂછ્યું તો એ ‘કંઇ નથી, દીદી’ કહીને વાત ટાળી ગઈ હતી.’ ‘હા, સ્નેહા, પણ પછી એને મારી વાત સાચી હોવાનો અહેસાસ થતાં એણે મારી માફી માંગતો એક પત્ર લખીને મને આપ્યો હતો, એ જ છે આ પત્ર. તું પૂરો પત્ર વાંચ એટલે તને આખી વાત સમજાઈ જશે.’ અને સ્નેહાએ પત્ર પૂરો વાંચ્યો.એમાં સ્નિગ્ધાનો પશ્ચાતાપ વંચાઈ રહ્યો હતો. એણે સાચા હ્રદયથી શ્રેયસની માફી માંગી હતી અને સાચો રસ્તો બતાવવા બદલ અંત:કરણ પૂર્વકનો આભાર માન્યો હતો.

સ્નેહાએ કાગળ વાંચીને શ્રેયસને પાછો આપતાં અને એને આલિંગન આપતાં કહ્યું, ‘ગયા જન્મમાં મેં જરૂર સારા એવા પુણ્યકર્મો કર્યા હશે ત્યારે મને તારા જેવો સાચો જીવનસાથી મળ્યો.’ આ વાતને સમર્થન આપતો હોય એમ શૈલ પણ ઉંઘમાં હસી પડ્યો અને એને જોઇને આ મા-બાપનાં મોં પણ મલકી ઊઠ્યા.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.